Tuesday, October 29, 2013

કેટલીક કરવા જેવી સાફસૂફી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 

કદાચ દરેક હાસ્યલેખકે દિવાળીની સાફસૂફી પર હાસ્યલેખ લખ્યા હશે. સામાન્ય રીતે પત્ની દ્વારા પરાણે સોંપવામાં આવતાં કાર્યોનું વિવરણ હોય, એમાં પણ પાછું કરીને માળીયામાં ચઢવાનું આવે. વત્તા ઓછાં અંશે લેખકની કામ પ્રત્યેની સુગ અને અણઆવડત વિષે લખાયું હોય. એટલે અમારી પણ પવિત્ર ફરજ છે કે અમે પણ દિવાળીની સાફસૂફી પર એક લેખ લખીએ. લખીએ શું, આ લખી દીધો! ગભરાશો નહી, માળિયાની સાફસફાઈ વિષે નથી લખ્યું કશું!

--

આપણે ત્યાં 'મન મૈલા ઔર તન કો ધોયે...' એવું સંતો કહી ગયા છે. ઘણાં એવા હોય કે  એન્જીન ડચકા ખાતુ હોય એ રીપેર ન કરાવે, પણ ગાડી રોજ ઘસી ઘસીને ધોશે! આખો દિવસ કાચી-પાંત્રીસના માવા દબાવે અને પાછો સવારે લીંબુ, નમક, આદુ અને ઓક્સિજન હોય એવી ટુથપેસ્ટ લઈ પચ્ચા રૂપિયાના બ્રશથી અડધો કલાક સુધી ઘસશે! વોટ આપતી વખતે આંખ મીંચીને બટન દબાવી આવશે અને પછી પાંચ વર્ષ દેશની દુર્દશા માટે કકળાટ કરશે! જોકે અમને તો ‘તન મેલા ઓર ઘર કો ધોએ’ એ નવી કહેવત પણ એટલી જ યથાર્થ લાગે છે. ઘર સાફ કરવા કરતાં પોતાની જાતની સાફસફાઈની પણ એટલી જ જરૂરી છે. ઘરના બાવા-જાળા સાફ કરતાં પહેલાં વાળ કપાવવા એટલાં જ જરૂરી છે. અમે ઇશાંત શર્મા વિષે વાત નથી કરતા. ચોખવટ પૂરી.



પુરુષો, અને એમાંય જે લોકોને માવા-ગુટખા ખાવાની ટેવ છે તેવા પુરુષોના દાંત અતિશય પીળાં અને છારી બાઝેલા જોવા મળે છે. આપણા દેશના ડેન્ટીસ્ટ તો બચારા ટુથપેસ્ટની જાહેરખબરમાં જ કમાતા હશે કદાચ. લોકો તો દાંત છુટા પડીને હાથમાં ન આવે ત્યાં સુધી ડેન્ટીસ્ટને બતાવવામાં માનતા નથી. એટલું સારું છે કે તમાકુ ખાય છે એટલે મ્હોંમાંથી આવતી દુર્ગંધ તમાકુની ગંધમાં દબાઈ જાય છે. પાછું દુર્ગંધનું સાયન્સ એવું છે કે બદબૂદાર માણસને પોતાની બદબૂથી, જે મોઢામાંથી આવતી હોય કે મોજામાંથી, ત્રાસ નથી થતો. આવા પુરુષોને પરણનાર અને પરણ્યા પછી પણ એમને ડેન્ટીસ્ટ પાસે ન લઈ જનાર સ્ત્રીઓને એવોર્ડ આપી શકાય. આવા પુરુષોના (કે એમની પત્નીઓના) લાભાર્થે દાંત સફાઈ કેમ્પ દર શરદ પૂનમે યોજાવા જોઈએ.


સૌરાષ્ટ્રમાં, એમાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારી નજર સામે અનેક વખત ભજવાયેલ આ દ્રશ્ય છે, જેમાં નાના સાહેબ કે મોટા સાહેબ ડસ્ટબીન કે જેમાં સામાન્ય રીતે કાગળ નાખવાનો હોય તેમાં માવો કે પાન ખાઈને થૂંકે. હા, વારેઘડીયે બહાર થૂંકદાની સુધી કોણ જાય? આવા લોકોને પકડીને દિવાળી ઉપર આવું ડસ્ટબીન ફરજીયાત સાફ કરાવવું જોઈએ. એ પણ હાથથી. કોઈ પણ સાબુ વગર અને ઘસી ઘસીને. એ નવા જેવું દેખાતું થાય પછી જ દિવાળીનો પગાર જમા થાય એવો નિયમ બનાવવો જોઈએ.


ગુજરાત બંધ અને ભારત બંધના એલાન અવારનવાર અપાય છે. મોટે ભાગે એમાં મુદ્દો શક્તિ પ્રદર્શનનો હોય છે. પણ આ બંધમાં દીવાલો પબ્લિક બિલ્ડીંગની ચિતરાઈ જતી હોય છે. અમદાવાદમાં હાલ ગુજરાત યુનિવર્સીટીની રંગરોગાન થયેલી દીવાલો બંધના એલાનના કાળા અક્ષરથી ચિતરાયેલી જોઈ શકાય છે. એમાં સરસ મજાની રીનોવેટ થયેલી પોસ્ટ ઓફીસના બિલ્ડીંગ ઉપર પણ ડોબાઓએ ચિતરામણ કર્યું છે. તો જે પક્ષે આવા બંધના એલાન આપ્યા હોય એનાં ચૂંટાયેલા સભ્યોને આવી આવું ચિતરામણ સાફ કરવાનું કામ સોપાવું જોઈએ. આ અંગે સાફસફાઈ થઈ છે તે દરમિયાનનો વિડીયો અને ફોટોગ્રાફ્સનું ડોક્યુમેન્ટેશન હાઈકોર્ટમાં જમા કરાવે તો જ તે પક્ષ કોઈ પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે અન્યથા પક્ષનું રજીસ્ટ્રેશન કેન્સલ થાય તેવી કાયદાકીય જોગવાઈ હોવી જરૂરી છે.


દિવાળીની સાફસફાઈ પછી રંગરોગાન કરાવવાનો રીવાજ છે. એવો જ રીવાજ વાળ કપાવ્યા પછી ડાઈ કરવા-કરાવવાનો છે. એમાં આછા વાળ ધરાવનારા જયારે ડાઈ કરે, અને એમાંય જાતે કરે ત્યારે ખોપડી (ટાલ કહું તો લોકોને ખરાબ લાગે છે!) ઉપર કાળા ચિતરામણ થાય. આ ટાલની ઉપર ડાઈ કરનારે સાફ સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટ આપવાની જરૂર જણાય છે. સામેવાળી પાર્ટી પણ દિવાળી પર બ્યુટી પાર્લરને અવશ્ય તડાકો કરાવે છે. પણ ત્યાંથી રંગરોગાન કરીને નીકળે ત્યારે ઘણીઓ કથકલીના કલાકાર જેવી દેખાતી હોય છે, માત્ર લીલા રંગનો અભાવ હોય મેકઅપમાં એટલો જ ફેર! આ ડાઈ અને કથકલી એ બેઉ પ્રકારના રંગરેજો પાછાં જોડીમાં નીકળે! આવી બ્યુટી ટ્રીટમેન્ટ પછી ટ્રીટમેન્ટ લેનારને પાછાં માણસ બનાવવા માટેના અલગ પાર્લર હોવા જોઈએ.


દિવાળીમાં કોમ્પ્યુટરની સાફસફાઈ જરૂરી છે. કોઈ સાવ ન વપરાતી પ્રોગ્રામ ફાઈલના ફોલ્ડરમાં સબ ફોલ્ડર બનાવીને પેલા રસપ્રદ ફોટાં એક જમાનામાં દોસ્ત પાસેથી સીડી પર લાવીને મુકેલા એ હવે ડીલીટ કરી કરી શકાય. એકની એક ફાઈલના દસ વર્ઝન સેવ કર્યાં હશે. શાંતિથી સમય કાઢીને એ પણ ડીલીટ કરાય. હજારો ફોટોગ્રાફ હશે, એમાં સાવ નકામાં, દીવાલના, ફલોરીંગના, ઝાડના, ફૂલના અને ક્યારેક ગલીના કૂતરાના પણ ફોટાં પાડયા હશે, એને પણ ડીલીટ કરી શકાય. જૂની પ્રેમિકા કે પ્રેમીના ફોટાં સાચવી રાખ્યા હોય, તો એ તાત્કાલિક ડીલીટ કરવા જરૂરી છે, એમાં દિવાળીની રાહ ન જોવાય. અત્યારની જનરેશન તો સ્વહસ્તાક્ષરમાં કોઈને પ્રેમપત્ર લખતી નથી, પણ ૯૦ પહેલાં પરણેલાં હોય અને પ્રેમપત્રો સાચવી રાખ્યા હોય તો સ્કેન કરીને આઈ-ક્લાઉડ કે વર્ચ્યુઅલ ડ્રાઈવ પર મૂકી દેવાય, પણ ઘરમાંથી વિદાય કરી દેવા, કારણ કે ચાલીસ વરસના લગ્નજીવન પછી જુવાનીમાં કરેલા  નિર્દોષ છબછબિયાં કોઈ એમ સહેલાઈથી માફ કરી દેશે, એવું તમે માનતા હોવ તો એ માન્યતા ભૂલ ભરેલી છે.

Wednesday, October 23, 2013

અમદાવાદનો રિક્ષાવાળો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૦-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
શું તમે રોડ ક્રોસ કરવાં વાહનો પસાર થવાની રાહ જોતાં હોવ, ત્યારે રીક્ષાવાળો તમારી સામે આવી ઊભો રહી જાય છે અને તમને રોડ ક્રોસ કરતાં રોકે છે? શું અડધી રાતે રેલવે સ્ટેશને તમારું સ્વાગત કરી પછી અડધો કિલોમીટર દૂર પાર્ક કરેલી રીક્ષા સુધી તમને સામાન સાથે ચલાવે છે? એરપોર્ટથી પાછાં આવતાં રીક્ષામાં ઘેર પહોંચ્યા પછી ભાડા બાબતે નાટક કરે છે? શું ટ્રાવેલ્સની બસમાંથી ઉતારવા જાવ તો તમારો પગ સીધો રિક્ષામાં પડે એ રીતે તમને નડે છે? શું તમે જગ્યાનું નામ દો એ સાથે જ એ મુંડી ૧૮૦ ડીગ્રી ઘુમાવી ઘસીને ના પાડી દે છે, કારણ કે એ જગ્યા નજીક છે? શું અમદાવાદ જેવા શહેર કે જ્યાં રીક્ષા મીટર પર ચાલે છે ત્યાં એ તમને ઉચ્ચક એવું ભાડું કહે છે કે જે સાંભળીને તમારા મોંમાંથી ગાળ નીકળી જાય? આમાંના મોટાભાગના જવાબ હા હોય તો આવો, આપણે બધાં એક જ રીક્ષાના પ્રવાસી છીએ!
 
અમદાવાદ રેલવે સ્ટેશને તો આ લોકો સ્વાગત સમિતિ રચીને ઊભા હોય. તમે પુરુષ હોવ તો હાથ સુધ્ધાં પકડી લે. સ્ત્રી હોવ તો સામાન. એમનો પ્રેમ જોઈને કોઈ પરદેશી હોય તો ગળગળો થઈ જાય અને એનો ડૂમો પણ ભરાઈ આવે. પણ જ્યાં તમે એને હા પાડો એટલે તમારી દડમજલ ચાલુ થાય. એક કિમી. દૂર પાર્ક કરેલી રિક્ષા સુધી તમને ચલાવીને ઠુંશ કાઢી નાખે, અને પછી કોક બીજાં રીક્ષાવાળાને ભળાવી દે, એમ કહી ને કે ‘લે બે તેરે કુ નારણપુરા જાણા થા ના, લે સંભાલ એ પેશેનજર કુ’. પછી તમે જેની રિક્ષામાં બેસો એ તમારી સાથે આંગળીયાત જેવું વર્તન કરે. ને ભાડું લેતી વખતે તો સાવ કડક અને નિર્દયી અવાજમાં, ‘વો પેલે સોચકે બેઠના ચાઈએ ના’ કહી દે એટલે તમે પેલા સ્વાગત સમિતિના અધ્યક્ષને યાદ કર્યાં કરો. છેલ્લે પચાસ સો વધારે ઢીલા કરો એટલે તમારી જાન છૂટે.

અમારા મિતેશભાઇ કહે છે કે કોઈ પણ ગામની પ્રથમ છાપ સ્ટેશન પર મળતાં રીક્ષાવાળા થકી પડે છે. આ મિતેશભાઈ માનવ મનના ગહન અભ્યાસુ છે. એમને રીક્ષાવાળાઓમાં ભારે સેન્સ ઓફ હ્યુમર દેખાય. કહે કે ૧ કિમી. જવાનું હોય એનાં ૧૦૦ રૂ. કહે એ એની રમુજવૃત્તિ જ કહેવાય ને? પણ સવારે ધંધાના કામાર્થે સ્ટેશને ઉતરેલા ઊંઘરેટા માનવને જયારે રીક્ષાવાળો સવાર સવારમાં તપાવે, તે પછી એ તપેલો માનવ જે કામ અર્થે આવ્યો હોય એમાં આખો દિવસ રિક્ષાવાળાની ખીજ ઉતારે છે. રિક્ષાવાળાએ ૨૦ રૂપિયા વધારે લીધાં હોય એમાં વીસ હજારનું ડિસ્કાઉન્ટ આપવાનો હોય એ પાછું ખેંચી લે છે.

બોસની આગળ અને ખાલી રિક્ષાની પાછળ ચલાવવું નહી. આ નવી કહેવત અમે શોધી છે. બોસનો અનુભવ તો હતો જ પણ રસ્તા ઉપર વાહન ચલાવો એટલે રીક્ષાવાળાનો યુનિક અનુભવ થાય. ભરેલી રિક્ષા માતેલા સાંઢની જેમ રમરમાટ જતી હોય. અને ખાલી રિક્ષા અને એનો ચાલક બેઉ ડાફોળિયાં મારતાં જતાં હોય. એમાં કોઈ ચકચકિત મસ્તિષ્કનો માલિક, વધેલ ઘટેલ વાળ ઓળવા, સહેજ હાથ ઊંચો કરે, ત્યાં તો રીક્ષીનો જ્યાં હોય ત્યાં બ્રેક મારીને ચોંટી જાય! પાછળવાળાનું જે થવું હોય તે થાય, પણ પેસેન્જર હાથથી ન જવો જોઈએ. એ એક જ સિદ્ધાંત. અમે તો જાહેર રસ્તા ઉપર આ રિક્ષાવાળાઓનાં ત્રાસથી હવે માથામાં ખણવાનું પણ છોડી દીધું છે. અને હવે તો ઈન્ડીકેટર આવી ગયા છે એમ છતાં, કેટલાંક રીક્ષાવાળા હજુ પગથી સાઈડ બતાવે છે. કેટલું જોખમ ઉઠાવે છે! ચાલુ રિક્ષામાંથી પગ બહાર કાઢવાનું નહીં?

એક જમાનામાં કિશોર કુમારે ગુજરાતીમાં ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ ગાઈ ૯૯૯ નંબર બહુ પોપ્યુલર કરી દીધો હતો. આ ગીતમાં ‘અમદાવાદ ... બતાવું ચાલો’ એ બહુ ગર્ભિત અર્થમાં કહેવાયું છે. તમારે કાલુપુરથી જવું હોય નવરંગપુરા, પણ એ તમને આખું અમદાવાદ બતાવે. એટલાં લાંબા રુટથી લઈ જાય! રિક્ષાવાળાઓની આ ખૂબીનો લહાવો બધાંને મળ્યો હશે. જ્યાં મીટર ઉપર રિક્ષા ચાલે છે, ત્યાં તમને એ લાંબામાં લાંબા રસ્તે લક્ષ્ય તરફ લઈ જશે. પણ જો ઉચ્ચક ભાડું ઠરાવેલું હોય તો એ જ રીક્ષાવાળો તમને ટૂંકમાં ટૂંકે રસ્તે મુકામ પર લઈ જશે. એટલે જ મીટર પર જવું હોય અને તમે શહેરથી અજાણ્યા હોવ તો પણ જાણીતા હોવ એવો દેખાવ કરવો જરૂરી છે. અંગુરના સંજીવ કુમારને યાદ કરો. પણ એમ તો રિક્ષાવાળા પણ હોશિયાર થઈ ગયા છે, વચ્ચે કોઈ જગ્યાએ તમને ‘આમથી લઉં કે પેલી બાજુથી?’ એવા સવાલ કરી તમે જાણકાર છો કે નહી તે નક્કી કરી લે. પછી ભલે તમારે મોડું થાય, ટ્રેઈન ચૂકી જાવ પણ એ તમને શહેરની સહેલ કરાવીને જ રહે!

આમેય કોઈ પોતાના ગામના રીક્ષાવાળાને કદી સારા નહી જ કહે. બિચારાઓની મથરાવટી જ મેલી છે. આખો દા’ડો ગામમાં ફરે પછી તહેવાર હોય કે તોફાન, કદી ફરિયાદ નહી એમની. ગરમી હોય કે બફારો, બિચારા પરસેવો લૂછતાં જાય અને ચલાવતા જાય. પાણી પણ ઠંડું પીવા ન પામે. ગેસ ભરાવવામાં કલાકો લાઈનમાં ઊભા રહેવું પડે. મુસાફરોની રાહ જોઈને ચાર રસ્તા નજીક ઊભા હોય તો પોલીસ દાદા લાકડી ખખડાવે. બચારો જાય તો જાય ક્યાં? પણ અમુક રીક્ષાવાળાઓ, કે જે બહુમતીમાં છે એમનાં લીધે આખી જાત બદનામ થાય છે. યોગ્ય રીતે!

Saturday, October 19, 2013

જોક એનાલિસીસ : લાંબી બાઈના કપડાં !

બાપુ: જીવા જોતો આજુ બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? 
જીવો : હા બાપુ, ઓલી કુવાવાળી પોળમાં છે એક બાઈ
બાપુ : તો જા એનાં કપડાં લઈ આવ, ડોક્ટરે કીધું છે કે ઠંડી લાગે તો લાંબી બાઈના કપડાં પહેરવાના ...

--
આવો જોક ફોરવર્ડ થઈને આવ્યો છે વોટ્સએપ પર ત્યારનો બીજું બધું કામ છોડીને હું વિચાર કરું છું કે ...
૧. બાપુ ઠંડી લાગે તોયે ડોક્ટર પાસે જાય ?
૨. અને જાય તો જાય, પણ ડોક્ટર કેવો કે એને ઠંડીનું પ્રિસ્ક્રીપ્શન આપે?
૩. એ પણ લાંબી બાયના કપડાં પહેરવાનું ? ઉપર સ્વેટર નહી? નીચે ધોતિયું હોય તો ચાલે? લુંગી હોય તો શું કરવાનું, એનું નીચેની હવાબારી બંધ કરવાની?
૪. પછી જીવા એ શું કર્યું હશે? બાઈના કયા કપડાં લાવ્યો હશે બાપુ માટે ?
૫. પેલી બાઈએ કપડાનું ભાડું માંગ્યું હશે કે એમનેમ દઈ દીધાં હશે ?
૬. શું ડોક્ટરોએ આ જોક બનાવનાર ઉપર કેસ ન કરવો જોઈએ ?
૭. અત્યારે એટલી ઠંડી છે ?
થોડું લખ્યું છે ઝાઝું કરીને વાંચજો ....

Thursday, October 17, 2013

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઈન

મુનસીટાપલી કૂતરા ત્રાસ હેલ્પલાઈન માં આપનું સ્વાગત છે ....
--
કૂતરાથી ત્રાસેલા જુનાં ગ્રાહક મિત્રો એક દબાવે. 

બધાં ગ્રાહકો, જુના જ છે ... માટે એક દબાવો.
દબાવ્યું ?
(બટન પ્રેસ થવાનો અવાજ)
ઓકે.

કૂતરું પાછળ પડવાથી થયેલા અકસ્માતની નોંધણી કરવા માટે બે દબાવો.
(સામે પ્રી-રેકોર્ડેડ અવાજ આવે છે, આ લાઈન વ્યસ્ત છે, કૃપા કરી લાઈન ચાલુ રાખો. મેઈન મેન્યુમાં જવા માટે ૦ દબાવો. પાર્ટી ઝીરો દબાવે છે)

શું તમને કૂતરું કરડ્યું છે? તો ત્રણ દબાવો.

‘તમને કરડેલું કૂતરું અગાઉ કોને કોને કરડ્યું છે?’ એ જાણકારી મેળવવા માટે ચાર દબાવો.

તમને કરડેલા કૂતરાનો સિરીયલ નંબર અને તે હજી જીવે છે કે મરી ગયું છે તે જાણવા, પાંચ દબાવો.

હડકવાની રસી આપતી સરકારી કે મુનસીટાપલી હોસ્પિટલ વિષે જાણકારી મેળવવા માટે છ દબાવો.

તમારી ‘મનગમતી’ મુનસીટાપલી હોસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટોક છે કે નહી તે જાણવા, સાત દબાવો.

હોસ્પિટલમાં લીધેલી રસી લીધાં પછી હડકવા થયો હોય તો આઠ દબાવો.
આ હેલ્પલાઈનની સૂચનાઓ સાંભળ્યા પછી તમને આપઘાત કરવાનું મન થતું હોય તો નવ દબાવો. તમારો કોલ, આપઘાત નિવારણ હેલ્પલાઈનમાં ટ્રાન્સફર થશે.
by adhir amdavadi

Monday, October 14, 2013

ગરબાના ગૂઢાર્થ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૩-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |



નવરાત્રિ આવે એટલે તમે ઈચ્છો કે ન ઇચ્છો તમને ગરબા સાંભળવા મળે અને એ પણ ફૂલ વોલ્યુમ પર. જે નવરાત્રીમાં ગરબા ગાય છે એમને તો ઢોલના તાલનું જ મહત્વ હોય છે. પછી શબ્દોમાં ચીકની ચમેલી ઠર્રા ચડાવીને આવે કે ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબા માટે લુંગી ડાન્સ વાગે, કે પછી શુદ્ધ ભક્તિ રસથી ભરેલો ગરબો હોય, બધું નાચનાર માટે સરખું જ હોય છે. પણ આવા સમયે બાઉન્સર, ડ્રાઈવર અને સામાન સાચવવા સાથે જતાં સાંવરિયાને નવરા બેઠાં આ ગરબા સાંભળવાની તક મળતી હોય છે. સાંવરિયો ગરબાનું રસપ્રદ અર્થઘટન કરતો હોય છે.


‘કેસરિયો રંગ તને લાગ્યો અલા ગરબા ...’ ગરબો જે જગ્યાએ ન ગવાયો હોય ત્યાંની નવરાત્રી અધૂરી જાહેર કરવામાં આવે છે. ગરબામાં ‘ઝીણી ઝીણી જાળીઓ મેલાવો ..’ કીધું છે એ રાજ્યમાં મચ્છરોના કારણે વધતાં ડેન્ગ્યુ મેલેરિયાનાં કેસને લઈને પણ હોઈ શકે. જોકે એકંદરે આ ગરબો તાજેતરમાં ‘કેસરિયા’ કરી પક્ષપલટો કરનાર સભ્યો માટેનો લાગે છે. ગરબામાં ‘કોનાં કોનાં માથે ઘૂમ્યો’ એવું પણ પૂછાયું છે, એનાં જવાબમાં સભ્યશ્રી એ અગાઉ કેટલી પાર્ટીના પાણી પીધા છે એનાં વિષે વાત કરી છે. એવું મનાય છે કે ગુજરાત બહાર બીજા અમુક રાજ્યોમાં આ ગરબા ઉપર અન-ઓફિશિયલ બાન છે. જો આ ગરબો વગાડો તો લોકલ પોલીસની ખરીદેલી કે આવેલી ક્રિપા પાછી જતી રહે છે.

બીજો એક સુંદર ગરબો છે જેમાં બેન કહે છે કે ‘સુના સરવરીયાને કાંઠલે, બેડલું મેલીને નાવા ગઈ, પાછી વળી ત્યાં તો બેડલું નઈ’. હવે તો એવા સુના સરવર (કોમ્પ્યુટરનું સર્વર નહી!) પણ રહ્યાં નથી, જ્યાં જુઓ ત્યાં ભીડ હોય છે એટલે ગરબો ઘણો પ્રાચીન લાગે છે. જોકે આ ગરબામાં માસીનું બેડલું ચોરાઈ જવાની વાત છે. એટલે એ જમાનામાં પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાસ સારી હોય એવું જણાતું નથી, માટે હવે પરિસ્થિતિ વણસી ગઈ છે એવું કહી ન શકીએ. આ ઉપરાંત એવી ચોખવટ ભલે ગરબામાં નથી, પરંતુ એવું ફલિત જરૂર થાય છે કે બેન નાવા ગયા હશે ત્યારે અમુક કપડાં બહાર છોડીને ગયા હશે. આ માત્ર કલ્પનાનો વિષય નથી, આવું કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના કિસ્સામાં પણ આવે જ છે કે જેમાં કનૈયો યમુનામાં નહાવા પડેલી ગોપીઓના વસ્ત્રો ઉઠાવી જાય છે. જોકે અહીં અર્વાચીન કિસનને કપડાં કે કપડા પહેરનારીમાં રસ નથી કારણ કે એ કપડાં ઉઠાવતો નથી, એ બતાવે છે કે આ કિસન અરસિક છે અથવા તો ગોપીમાં એને રસ પડે એવું કંઈ નથી. 

એક સૌથી પોપ્યુલર ગરબો છે, કે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં...  અમે તો કોઈ ઢોલીડાને આજ સુધી ધીમે ઢોલ ટીચતો જોયો કે સાંભળ્યો નથી. ઢોલીડાનું કાસ્ટિંગ થતું હશે ત્યારે એક્ચ્યુઅલી કચપોચાને લેવાનો રીવાજ જ નથી. આજકાલના ઢોલીડા જીમ જઈ કાંડા મજબૂત બનાવતાં હોય છે. તો પછી સવાલ એ થાય કે ગરબો લખનારે આવું ‘ધીમો વગાડ માં’ લખ્યું કેમ? અમને લાગે છે કે ગરબાના અવાજ સહન ન કરી શકનાર આઈટમો જે દર વર્ષે કોર્ટ કેસ કરતી હોય છે, એવા કોઈ નંગની પાડોશમાં આ ગરબો લખનાર રહેતો હશે, એટલે એને વધુ તપાવવા ભાઈએ આ ઢોલીડા ગરબો લખ્યો હશે. ખરેખર તો આ ગરબામાં ઢોલીડા ઢોલ ધીમો ‘વગાડ માં’ ને બદલે ‘ધીબેડ માં’ એવું હોવું જોઈએ.

‘નદી કિનારે નાળીયેરી રે...’ ગરબામાં થોડી ટેકનીકલ ભૂલ હોય એવું લાગે છે. ગરબો ચોક્કસ કોઈ આર્ટસ કે કોમર્સ ગ્રેજ્યુએટ ભાઈ કે બહેને લખ્યો હશે. નાળિયેરી જનરલી દરિયા કિનારે થતી હોય છે, પણ આ ગરબામાં બેને નદી કિનારે ઉગાડી છે. આમ તો ગમે ત્યાં ઉગાડી શકાય પણ બીજે ગ્રોથ સારો ન થાય. ક્યારેક નાળીયેર ન આવે એવું પણ બને. એટલે ક્યાં તો લખનાર આ વાતથી સંપૂર્ણ અજાણ હશે અથવા તો એમને મન નાળિયેરીનું મહત્વ જ હશે જસ્ટ શોભાના ગાંઠિયાની જેમ, નાળિયેરનું નહી. સામાન્ય રીતે નાળિયેરનો ઉપયોગ ઈડલી-ઢોસા સાથેની ચટણી બનાવવામાં થતો હોય છે. એટલે નાળિયેર વગરની નાળિયેરી ઉગાડે એવું લખનાર સાઉથ ઈન્ડીયન વાનગીઓનો શોખીન ન હોય અથવા તો ગરબો લખાયો એ જમાનામાં ગુજરાતમાં સાઉથના ઈડલી-ઢોંસા પ્રચલિત નહી થયા હોય તેવું વિદિત થાય છે.



‘ઈંધણા વીણવા ગઈ’તી મારી સૈયર ...’ ગરબો સાંભળીને સૌથી પહેલાં વિચાર એ આવે કે શહેરમાં તો કોઈ ઈંધણા વીણવા જાય નહી, માટે આ ગરબામાં વાત ગામડાની હશે. જોકે ફાલ્ગુનીબેનનો આ ગરબાનો મ્યુઝિક વિડીયો જુઓ તો પાછું કંઇક ત્રીજું જ દેખાય. પણ માની લો કે વાત ગામડાની હોય તો ‘વેળા બપોરની થઈ’તી ...’ વગેરે શુદ્ધ ઉચ્ચારો ક્યાંથી આવે? અને પાછું આમાં વીણવા કોણ ગયું છે એ પ્રશ્ન તો ઊભો જ છે. આ બેન કે જે ગાય છે એ, કે પછી એની સૈયર? જો સૈયર ગઈ હોય તો પછી એ સૈયરનો અવાજ સારો નહી હોય એટલે સૈયરે આને ગાવાનું આઉટ સોર્સ કર્યું હશે. પણ અમને સૌથી નવાઈની વાત એ લાગે છે કે આ ગરબો પણ સરકારની નજરમાંથી બચી કઈ રીતે ગયો? હા, વિરોધપક્ષ આનો ફાયદો ઉઠાવી શકે એમ છે. એલપીજીમાં સિલીન્ડર પર નિયંત્રણ મૂક્યા પછી પ્રજાને ગેસ વાપરવાના વાંધા છે એટલે પ્રજા અને ખાસ કરીને યુવાન છોકરીઓ બિચારી ઈંધણા વીણવા જાય છે એવું આ ગરબાથી ફલિત થાય. નસીબ છે આ ગરબો હજુ સરકાર વગડવા દે છે તે!

Sunday, October 13, 2013

અમદાવાદ શહેર ફાફડા-જલેબી હેલ્પ લાઈન

Picture courtesy : Dr. Ankur Zalawadia

અમદાવાદ શહેર ફાફડા-જલેબી હેલ્પ લાઈનમાં આપનું સ્વાગત છે.
.....
ગુજરાતીમાં જાણકારી માટે ૧ દબાવો. દબાવ્યું ? બીજી કોઈ પણ ભાષામાં આ જાણકારી નહી મળે. ઓકે? ૧ દબાવ્યું ? ઓકે. ઓકે ...
..
વોશિંગ પાવડર નાખ્યા વગરના ફાફડા ક્યાં મળે છે તે જાણવા માટે ૨ દબાવો.
...
ફાફડા-જલેબીમાં ક્યાં કેટલી લાંબી લાઈન લાગી છે તેની જાણકારી માટે ત્રણ દબાવો.
...
કઈ જગ્યાએ લાઈનમાં સહેલાઈથી ઘૂસ મારી શકાય છે, એ જાણવા ચાર દબાવો.
..
કઈ જગ્યાએ ફાફડાની સાથે સંભારો અને ચટણી કંજુસાઈ કર્યાં વગર આપે છે, એ જાણવા માટે પાંચ દબાવો.
..
લાઈનમાં ઊભા ઊભા ટાઈમ પાસ કઈ રીતે કરવો એ જાણવા માટે છ દબાવો.
..
અધીર અમદાવાદી લિખિત આ પીસ ગમ્યો હોય તો લાઈક દબાવો.
 

...
કઈ દુકાનોમાં ગઈકાલ રાતના બનાવેલા ફાફડા અને જલેબી સંપૂર્ણ વેચાઈ ગયા છે એ જાણવા માટે સાત દબાવો.
..
જો તમે મજબૂત હ્રદયના હોવ, તો, ચોખ્ખા ઘીની જલેબીના ભાવ જાણવા માટે આઠ દબાવો.
..
‘જલેબી ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવે છે’  એવું કહીને ડાલડા ઘીની જલેબી વેચતી દુકાનો વિષે જાણકારી મેળવવા માટે નવ દબાવો.
..
તમારા કયા ફ્રેન્ડઝ મહેનત કરી, લાઈનમાં ઊભા રહને ફાફડા જલેબી લઈ આવ્યાં છે એની જાણકારી મેળવવા ફોન મૂકી ફેસબુક પર અપલોડ કરેલા ફોટાં જુઓ, અને સીધાં એમનાં ઘેર પહોંચી જાવ. હેપી દશેરા ....

(બાય અધીર અમદાવાદી)

Wednesday, October 09, 2013

સરકારી તુક્કાબાજી



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૬-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |

આ વરસ તાત્કાલિક અમલમાં આવે એ રીતે સરકારી તુક્કા વર્ષ જાહેર કરવું જોઈએ એવું અમને લાગે છે. અગાઉ નાણામંત્રીએ સોનું ન પહેરવા વિનંતી કરી હતી. પછી તેલમંત્રીએ પેટ્રોલપંપ રાત્રે બંધ રાખવા સૂચન કર્યા. સરકારે નવી ભરતી પર રોક લગાવવાની નિર્ણય લીધો છે. કદાચ આ રોકથી શિક્ષકો અને પ્રોફેસરો પણ નહીં નીમાય. આમ થશે તો ક્યાં આવનારી પેઢી અભણ રહેશે અથવા પોઝીટીવ વિચારો તો એવું વિચારાય કે જથ્થાબંધ એક્લવ્યો પાકશે. આટલા તુક્કા ઓછાં હોય એમ અમદાવાદ પોલીસે જનતા પર પેટ્રોલ ખરીદવું હોય તો પેટ્રોલ પંપ પર હેલ્મેટ, રજીસ્ટ્રેશન પેપર્સ, અને લાઈસન્સ બતાવવું ફરજીયાત થાય તેવો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.


આમ તો એક રીતે આ આઉટ સોર્સિંગ જ થયું. અગાઉ જણાવ્યું એમ સ્ટાફની તંગીને કારણે પૂરતા ટ્રાફિક પોલીસ શહેરમાં હોતાં નથી. એમાં વાહનો વધતાં જાય છે. એમાં પાછું માલ-સામાન લઈ જતાં ટેમ્પો-ટ્રકનું ચેકીંગની હાઈ-પ્રાયોરિટીમાં આવે. ઉપરથી જે વાહનચાલક પકડાય એ લાંબી લમણાઝીંક કરે. પાછું દરેક વાહનચાલકના છેડા કોક અધિકારી કે નાના-મોટા નેતા કે લુખ્ખા સાથે અડતા હોય. પચાસ રૂપિયા દંડ ન ભરવા માટે ચૌદ તો ફોન લાગાવે. એવામાં પોલીસ કામ કઈ રીતે કરે? એટલે આ જે કર્યું તે સારું કર્યું. પોલીસનું કામ હવે પેટ્રોલ પમ્પ કરશે.

પછી તો પેટ્રોલ પંપ પર કર્મચારીઓ પણ ભણેલાં ગણેલા રાખવા પડશે. હાસ્તો, આરટીઓ બુક અને લાઈસન્સ ચેક કરતાં આવડવું જોઈએ ને? ઓરીજીનલ છે કે ડુપ્લીકેટ એ પણ ખબર પડવી જોઈએ. પછી તો પેટ્રોલ પંપ એટેન્ડન્ટસની ટ્રેનિંગના કામો નીકળશે. કેટલી બધી ધંધા અને નોકરીની તકો ઊભી થશે?

જોકે એવું પણ કરી શકાય કે પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટ તરીકે કોન્સ્ટેબલને જ ગોઠવી દેવાનાં. બધે જ અને છુપા વેશમાં. આ સારું. બધાએ જખ મારીને પેટ્રોલ પુરાવવા આવવું પડે. એમાં આરોપીઓ અને ધૂમ સ્ટાઈલમાં મહિલાઓની ચેઈન ઉડાવતા ચેઈન સ્નેચર્સ પણ આવી ગયા. બસ એ પેટ્રોલ પુરાવવા આવે એટલે “કેટલાનું નાખું?’ એવું પૂછવા નજીક જઈને રૂપિયા રાખવાના ચામડાના પાકીટમાંથી રિવોલ્વર કાઢી કાનપટ્ટી પર મૂકી દેવાની. બીજાં હાથે બાઇકમાંથી ચાવી કાઢી નાખવાની. વધારે હાઈટેક થઈએ તો સીસી ટીવી કેમેરા પરથી ચાલકની ઈમેજ લઈ સર્વર પર મોકલી શકાય, અને ત્યાંથી કન્ફર્મ થાય કે ‘એજ કબુતર છે’ એટલે દબોચી લેવાનો. છે ને જબરજસ્ત આઈડિયા?  

જોકે પ્રજાને આ આઈડિયા જચ્યો નથી. અમદાવાદમાં કહે છે કે સૌથી મોટો વિરોધ રિક્ષા ડ્રાઈવરોએ કર્યો છે. બાપડા અભણ છે એટલે એ લોકો લાઈસન્સ મેળવી શકતાં નથી. અને એટલે પચાસ ટકા રીક્ષાઓ વગર લાઈસન્સથી ચાલે છે. આવું અમે વાંચ્યું છે, સાચું ખોટું લખનાર જાણે. પોલીસ પણ અત્યાર સુધી  મોટું મન રાખીને આ રીક્ષાઓ ચલાવનારને ચલાવી લેતી હતી. પણ આમ એકાએક રાતોરાત કાયદા આવી જાય તો બિચારા ગરીબ રિક્ષા ચાલકો જાય ક્યાં? જો લાઈસન્સ વગર રિક્ષા નહોતી ચલાવવા દેવી તો પહેલેથી કરવું જોઈએ ને એવું? હવે લાઈસન્સ વગર ચલાવવા સૌ ટેવાઈ ગયા છે, ત્યારે આ નવા ડફાકા કરવાની શી જરૂર છે? અમારી અમદાવાદ પોલીસ કમિશનરને નમ્ર અરજ છે કે ગરીબ ભાઈઓના પેટ પર લાત ન મારશો. એમને જેમ ચલાવવી હોય એમ રિક્ષા ચલાવવા દો. અથડાવવી હોય એમ અથડાવવા દો. ભાડું તો લે છે જ એ લોકો જેમ લેવું હોય એમ!

જનરલ કેટેગરીને પણ આ નિયમથી તકલીફ પડશે. હેલ્મેટ માટે તો ચાલો પંપની બહાર કોક બે-પાંચ રૂપિયામાં ભાડે આપનાર પણ મળી આવશે, પણ રજીસ્ટ્રેશન પેપર કઈ રીતે સાથે હોય? અમારા જેવા ઘણાં છે કે જેમને જેના અને તેના વાહન ઉછીના લેવાની ટેવ છે, ‘લાવને યાર બાઈક અડધો કલાકમાં આવું’ એમ કહીને. તે એમ અડધો કલાક માટે ઉછીનું લીધું હોય તો એનાં રજીસ્ટ્રેશન પેપર પણ આપ લે કરવા પડે. અને બાઈકમાં તો કાગળો પલળી ન જાય? અને રોજ રોજ સાથે લઈને ફરો તો ખોવાઈ ન જાય? પછી પેટ્રોલ પંપ પર ‘કાગળ કેમ નથી’ એની નવરાશથી માથાકૂટ કરતાં કાકાઓ અને આંટીઓને કારણે જો નોકરીએ પહોંચવામાં કોઈને મોડું થાય તો એનાં માટે કોણ જવાબદાર? કાકા, આંટી, પોલીસ કે પ્રજા પોતે?  

પેટ્રોલ પંપ એસોશિયેશન તરફથી હજુ સુધી કોઈ વિરોધ પ્રગટ નથી થયો એ નવાઈની વાત છે. કારણ કે આ નિયમથી પંપ પર ઘર્ષણના બનાવો વધશે. પંપ પર બાઉન્સર્સ રાખવા પડશે. લુખ્ખાઓ અને સ્થાનિક નેતાઓ પંપ પર પોતે ડોક્યુમેન્ટ વગર પેટ્રોલ ભરાવી શકે છે એ વટનો પ્રશ્ન બનાવી દેશે. તો કોઈ પમ્પ ઓપરેટરને દસ-વીસ પકડાવી ડોક્યુમેન્ટ વગર પેટ્રોલ ભરાવી જવાની વ્યવહારિક કોશિશો પણ કરશે. પોલીસ ખાતું ‘પંપ માલિકો ગડબડ નથી કરતાં ને?’ એ ચેક કરવા અલગ સ્કવોડ રચશે, અને એમાં પણ તોડપાણી ચાલુ થાય તો નવાઈ નહી. કદાચ નવા પ્રકારના હપ્તા ચાલુ પણ થાય. એકંદરે ન પેટ્રોલનો વપરાશ ઓછો થશે, ન ઉપરની કમાણી, બસ આમ જનતાની પરેશાની વધશે. પણ એટલે જ તો આપણને માંના પેટમાંથી જ લાતો મારવાનું શીખવાડવામાં આવે છે!

જોકે સરકાર આમ તુક્કાબાજીથી જ કામ ચલાવવાની હોય તો અમને અમારું અને અમારા જેવા ઘણાઓનું ભવિષ્ય ઉજળું દેખાય છે. સરકાર કદાચ અમારા જેવા તુક્કાબાજોના લાભાર્થે કોઈ શેખચલ્લી સહાય યોજનાઓ શરું કરે એવું બને. કે પછી શ્રેષ્ઠ તુક્કા માટે તઘલખ ઇનોવેશન એવોર્ડઝ અપાય. પણ આવું કશું નહીં થાય ‘અધીર’. કઈ સરકારને કોમ્પીટીશન ગમે છે? 
--
by adhir amdavadi

Saturday, October 05, 2013

વરસાદી નવરાત્રીના કેટલાંક સંવાદો



અમદાવાદમાં પહેલી નવરાત્રીએ જ વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે આજે કેવા સંવાદો સાંભળવા મળશે...
by Adhir Amdavadi 
------------------
બકો : આજે કયા કપડાં પહેરશું ?
અલી : આ જે પહેર્યા છે એ જ. ઉપર રેઇનકોટ પહેરી લે જે.
--
ખેલૈયા-૧ : બકા આજ રાતના પાસનું શું કરીશું ?
ખેલૈયા-૨ : ઓએલએક્સ પર મૂકી દે, કોક મુરખો ખરીદી લેશે
--
ખેલૈયા-૧ : બે બકા પેલું ‘પંખીડા રે ... ‘ ગાય તો મઝા પડે...
ખેલૈયા-૨ : તંબુરો ગાય ! પંખીડાની પાંખો ભીની થઈ ગઈ છે તે ક્યાંથી ઉડે?
--
ખેલૈયા-૨ : અલા, આ સ્ટેપ તો પહેલી વાર જોયા જો તો દોઢિયું તો નથી લાગતું ...
ખેલૈયા-૧ : બકા, એને લપસિયુ કહેવાય. બે સ્ટેપ આગળ ભરે પછી લપસીને દોઢ સ્ટેપ વધું આગળ જાય, પછી બ્રેક વાગે છે. પછી એક સ્ટેપ પાછળ ભરે એમાં લપસીને અડધું વધારે સ્ટેપ પાછળ જાય. ફરી પાછાં આગળ એમ ...
--
ખેલૈયા-૧ : બે યાર આ ભરતકામને ચાકડાવાળી છત્રી વરસાદમાં ઓઢી પણ એમાંથી તો કલર જાય છે જો મારી ચોયણી સફેદમાં થી લીલી થઈ ગઈ.
ખેલૈયા-૨ : હા બે. આ છત્રીની નીચે સાચી છત્રીનું કાપડ કે પ્લાસ્ટિક નાખવું જોઈએ આ લોકોએ.
Cartoon Courtesy - Mahendra Shah
--
ખેલૈયા-૨ : અલા, આ માઈક પર કોગળા કરતો હોય એવું કેમ ગાય છે?
ખેલૈયા-૧ : બકા, એ તો બરોબર જ ગાય છે, આ તો સ્પીકર વરસાદમાં પલળી ગયા છે એટલે એવું સંભળાય છે.
--
ખેલૈયા-૧ : બકા, કોઈ સારી છોકરીઓ કેમ દેખાતી નથી ?
ખેલૈયા-૨ : અલા બધીઓનો મેકઅપ વરસાદમાં ઉતરી ગયો એટલે બાઇજ્જત વહેલી ઘેર જતી રહી છે.
--
ખેલૈયા-૨ : હેં, આ આ સનેડામાં બધાં દુપટ્ટા ઉડાડતા હતાં એનું શું થયું?
ખેલૈયા-૧ : એ બધાં વરસાદમાં ભીનાં થઈ ગયા એટલે ઉડાડવામાં બહુ મહેનત પડે છે.
--
ખેલૈયા-૧ : બકા, આ ગાયિકા તો જબરજસ્ત ગાય છે એનાં વોઈસના આરોહ અવરોહ તો સાંભળ ...
ખેલૈયા-૨ : અલા એ બેન પલળ્યા છે એટલે ઠંડી ચડી છે. ધ્યાનથી જો ધ્રુજે છે...
--
ખેલૈયા-૨ : અલા, ખબર છે આ વખતે ફર્સ્ટ પ્રાઈઝ કોને મળ્યું?
ખેલૈયા-૧ : હા બકા, પેલા ધીમીધારે ગરબા ગાતાં હતાં એ કાકા અને કાકીને. પેલા ઠેકડા મારવાવાળા તો હોંશિયારી મારવામાં લપસીને હોસ્પિટલ ભેગાં થઈ ગયા.
--
ખેલૈયા-૧ : બકા, તો પછી આપણે શું કરીશું ?
ખેલૈયા-૨ : જો સામે પેલો સ્ટોલ છે એમાં ઢોકળા મસ્ત મળે છે, હેંડ ...