Sunday, September 04, 2011

મારી લાયખા, બટાકાનું હાક !


|મુંબઈ સમાચાર| વરાઇટી સપ્લીમેન્ટ|લાતની લાત વાતની વાત |
|૦૪-૦૯-૨૦૧૧ | 
| અધીર અમદાવાદી |
દુનિયામાં ફક્ત બે પ્રકારનાં માણસો હો છે. એક કે જેમને બટાકા ભાવે છે, અને બીજાં કે જેમને બટાકા નથી ભાવતાં. આ બે પ્રકારનાં લોકો વચ્ચે સદીઓથી વેર ચાલ્યું આવે છે. એમાંય ખાસ કરીને જો એક ઘરમાં જો આ બે પ્રકારનાં માનવીઓ ભેગાં થા તો પછી ખલ્લાસ. યુદ્ધ થા. રમખાણ મચી જા. બટાકા વિરોધી કહેશે કે બટાકા ખાવાથી વજન વધે, તો બટાકા તરફી સ્થૂળકા વ્યક્તિને પૂછો તો કહેશે કે ‘બેન, માંડ એક રોટલી ખાઉં છું તોયે વજન વધ્યા કરે છે, ખોટું બદનામ ના કરો બટાકાને. બટાકા વિરોધીઓ કહેશે કે બટાકા વાયડા પડે, એનાથી ગેસ થાય. એટલે બટાકા તરફીઓ બોલશે કે અરે ગેસ થા તો સારું યાર ભેગો કરો, આમે હવે સિલિન્ડરનો ભાવ ચારસોને તેર થયો છે.

પુરાતત્વ વિભાગે બટાકા વિષે એવું શોધી કાઢયું છે કે ઇસુના જન્મના પાંચસો વરસ પહેલા પણ બટાકાં હતાં. અને એટલા વરસ પહેલા બટાકાં કંઈ ચોરસ નહોતા. આવાં કંટાળા જનક લંબગોળ હતાં. અને જેમ કાગડા બધે કાળા હો તેમ અમેરિકા હો કે ઇન્ડિયા બટાકા સામાન્ રીતે આછાં કથ્થાઈ જેવા રંગના હો છે. ખરેખર તો એનો રંગ કથ્થાઈ પણ ન કહેવા. એનો રંગ પીળો પણ નથી. તો પછી આપણે બટાકાં બટાકા રંગના હો છે એમ કહી શકીએ. હાસ્તો. જો નારંગી નારંગી રંગની હો, કોફી કોફી રંગની હો, અને જાંબુ જાંબલી રંગના હો તો બટાકાં બટાકા રંગના કેમ ન હોઈ શકે?

બટાકા કે હિન્દીમાં જેને આલુ કહે છે, એ બહુ ચાલુ શાક છે. ચાલુ એ રીતે કે એ કોઈ પણ શાક સાથે ચાલે છે. કોબી, ચોળી, દૂધી, ગુવાર, ટીંડોળા એવાં કોઈ પણ શાક સાથે એ ચાલે. એટલે અમુક લોકો એને શાકનો રાજા કહે છે. (મને ખબર છે રીંગણની રૈયત આ સાંભળીને નારાજ થઇ જશે!) એટલે બટાકા કંઈ રાજાની જેમ કૌભાંડી નથી, પણ બધાં શાકમાં બટાકાને શ્રેષ્ઠ ગણ્યા છે. આપણે ત્યાં જેને અને તેને રાજા જાહેર કરવાની લોકોને કુટેવ છે. પ્રાણીઓમાં સિંહ રાજા, ફૂલોમાં ગુલાબ, ફળોમાં કેરી, અને કેરીમાં પાછી આફૂસ રાજા. આમાં પાછું જાનમાં કોઈ જાણે નહિ હું વરનો ભા, એમ આફૂસ કે સિંહને તો પાછી ખબર ના હો કે આપણે રાજા છીએ. હાસ્તો, જંગલનો રાજા સિંહ, પણ પ્રાત:ક્રિયા પછી ન એ પાણી કે ન એ ટોઇલેટ પેપર વાપરે છે અને ફર્યા કરે છે આખો દિવસ જંગલમાં ! માણસ નામની ફોઈબા આ નામ અને ઉપનામ આપવામાં બહુ શૂરી. આમ આવી શૂરવીર માણસ જાતે બટાકાને શાકનો રાજા બનાવી દીધો. સાવ ગોળમટોળ રાજા! હૂહ ! આવા તે કંઈ રાજા હોતા હશે?

અમે તો હોસ્ટેલમાં રહી ભણતાં ત્યારે સવાર સાંજ એકલા બટાકા ખાતા હતાં. આમાં બટાકાઓએ કાઇ ખુશ થવા જેવું નથી. બીજાં શાક સારા ન બનતા હો એટલે પછી બટાકાથી કામ ચલાવવું પડે. ઇલેક્શન વખતે લોકોને ખબર હો છે કે ઉમેદવારમાં દમ નથી, પણ બીજો તો એનાથી જા એવો છે, માટે દબાવો બટન. બસ આમ અમે બટાકા ખાધે રાખ્યા. પણ પછી એવી હાલત થઇ છે કે હવે બટાકાનું નામ સાંભળીને મ્હોમાંથી નીકળી જાય છે કે ‘મારી લાયખા, બટાકાનું હાક!

લાલુનાં નામનો પ્રાસ આલુ સાથે મળે છે. એમાં જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મે લાલુ નામનું રૂપાળું સૂત્ર એક જમાનામાં બિહારના શાસક એવાં લાલુને રીઝવવા એનાં સમર્થકો ઊછળી ઊછળીને બોલતાં હતાં. પણ સમોસામાં હજુ આલુ છે, પણ બિહારમાંથી લાલુનાં બિસ્તરા પોટલાં વળી ગયા છે. આ પ્રાસનો ત્રાસ, ખાલી ગુજરાતી કવિતામાં નથી હોતો!

શ્રાવણ મહિનો આમ તો ધર્મ અને ઉપવાસ કરવાનો મહિનો છે. પણ ઉપવાસમાં બટાકાનું ઘણું માહત્મ્ય છે. ઉપવાસીઓ બે પ્રકારનાં હો છે. એક સાચાં ઉપવાસી અને બીજાં સ્યુડો ઉપવાસી. પહેલા નંબરનો સાચો ઉપવાસી ઉપવાસ કરે છે. જ્યારે બીજા નંબરનો એટલે કે સ્યુડો ઉપવાસી ભૂખ્યો થા એટલે બટાકાની સુકી ભાજી અને બટાકાની કાતરી કે પછી ચીપ્સનો ભુક્કો કાઢી નાખે છે. કાતરીની વિદેશી કઝિન એટલે ફ્રેંચ ફ્રાઇઝ. બટાકાને મશહુર કરવામાં આ ફ્રેંચ ફ્રાઈઝ્નો ઘણો મોટો ફાળો છે. આ ફ્રાઇઝ ખાવાથી કોલેસ્ટોરોલ વધે છે એવું જાણવા છતાં એનાં શોખીનો એને છોડી નથી શકતા. આમ બટાકા એક પ્રકારનું વ્યસન છે. ઘણાં લોકોને બટાકા છોડવા હો છે, પણ બટાકા એમને છોડતા નથી. અને કમનસીબે હજી બટાકા વ્યસનમુક્તિ કેન્દ્રો ચલણમાં નથી આવ્યાં.

બટાકાની હેરફેર ગુણો ભરીને થા છે. અને અમુક માણસોનો દેખાવ બટાકા જેવો અથવા તો પછી બટાકાની ગુણ જેવો હો છે. એ ટીવીની સામે ઢગલો થઈને પડ્યા રહેતા હો તો એમને કાઉચ પોટેટો પણ કહે છે. ઇન્ઝમામ ઉલ હક નામના આવાં રોલી પોલી પાકિસ્તાની ક્રિકેટરને યાદ કર્યા વગર બટાકા પરનો લેખ અધુરો રહી જા. ઇન્ઝીને લોકો આલુ કહી ચીડવતા હતાં, અને એ ખુબ અકળાતો હતો. ૧૯૯૭-૯૮માં કેનેડા ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ વખતે એક દર્શકે ઇન્ઝીને આલુ કહીને ચીડવ્યો એટલે ગુસ્સે થઈને ઇન્ઝી બેટ સાથે સ્ટેન્ડમાં દર્શકને મારવા દોડ્યો હતો, આવી શરમ જનક ઘટના બટાકાને લીધે સર્જાઈ હતી. એટલે તો અમે બટાકા પસંદ નથી કરતાં !

ડરના જરૂરી હૈ ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૪-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

પાંસઠ કિલો વજન ધરાવતો પરણિત પુરુષ પોતાની પ્રેમિકાને મળવા જાય ત્યારે પોતાની સિત્તેર કિલો વજન ધરાવતી પત્નીથી ડરતો ડરતો જાય છે. એની એ પત્ની દોઢસો ગ્રામના ઉંદરથી ડરે છે. ઉંદર એની જાની-દુશ્મન બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરો સાણસો લઇ પકડવા આવતાં કોર્પોરેશનના સ્ટાફથી ડરે છે. આ સ્ટાફ એમનાં ઉપરી અધિકારીથી ડરે છે. ઉપરી અધિકારી એમનાંથી વધારે ઉપરના અધિકારીથી ડરે છે. સૌથી ઉપરી અધિકારી શાસક પક્ષના નેતાથી ડરે છે. પણ આ નેતા કોઈનાથી ડરતા નથી, પ્રજાથી પણ નહિ ને પોતાનાં અંતરાત્માના અવાજથી પણ નહિ !

ડરવું એ કઈ જરૂરી નથી. કમ્પલસરી નથી. એટલે બહુ ચર્ચિત ફિલ્મ નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્માએ ડરના મના હૈ ફિલ્મ બનાવી હતી. પછી થોડા વર્ષો પછી રામુનાં લગ્ન થયાં હોય કે બીજું ગમે તે કારણ હોય, એણે ડરના જરૂરી હૈ નામની હોરર ફિલ્મ બનાવી હતી. રામુએ પછી ફૂંક નામની એક ફિલ્મ બનાવી હતી આ ફિલ્મ થિયેટરમાં જે એકલા જોવે તેને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. એલિસ્ટર મેકલિન નામના જાસૂસી નવલ કથાના લેખકે ફીયર ઇઝ કી લખી હતી (શર્મિલા ટાગોર મેરે સપનો કી રાની ગીત વખતે વાંચતી હોવાનો ડોળ કરે છે તે પુસ્તક) જેમાં ડરનો ઉપયોગ કરી નાયક ગુનેગારને પકડે છે.

ફિલ્મોની વાત કરીએ તો શોલેમાં ગબ્બર સિંગ ઇન્સ્પેક્ટર બલદેવ સિંઘ પકડી લેશે એ ડરથી મારતે ઘોડે ભાગતો જોવા મળે છે, પણ છેવટે ઠાકુર સરકારી ઘોડા પર હોવાં છતાં એને આંબી જાય છે. હોલી કબ હૈ વાળા સીનમાં પણ છેલ્લે ગબ્બર જય અને વીરુથી ડરીને ગામ છોડીને ભાગી જાય છે. આટલું નહિ, મહેબુબા ગીત પછી જય અને વીરુ ધડાકા કરે છે ત્યારે પણ ગબ્બર ડરીને ઉભી પૂંછડીએ ભાગે છે. છેલ્લા સીનમાં ઠાકુર એની હવા ટાઈટ કરી નાખે છે ત્યારે પણ ગબ્બર ડરે છે. આમ સતત ડરતો આ ગબ્બર આ ફિલ્મમાં એક વખત જો ડર ગયા સમજો મર ગયા વાળો ફેમસ ડાઈલોગ (કે જે હવે રૂઢિપ્રયોગ બની ગયો છે) મારી ગયો હતો. એટલું નહિ આ ડાઈલોગ મારતા પહેલા ત્રણ જણને તો એણે ડરી જવા બદલ ઢાળી દીધાં હતાં. આ ગબ્બરની હિપોક્રસી નહિ તો બીજું શું કહેવાય ? પણ શું થાય, એ આખરે ડાકુટોળીનો બોસ હતો, અને બોસ ઇઝ ઓલવેઈઝ રાઈટ!

પણ ગબ્બર હોય કે સિબ્બલ, દરેકને કોઈનો કોઈ ડર હોય છે. અમુક લોકોને પરીક્ષાનો ડર લાગતો હોય છે. આવા લોકોને કદાચ કાળા અક્ષર ભેંસ બરોબર લાગતાં હોઇ શકે. અને ભેંસ એ ખરેખર ડરવા જેવું પ્રાણી છે, ખાસ કરીને એ રસ્તા પર નીકળે ત્યારે બીજા લોકોના અસ્તિત્વને ગણકારતું નથી. પણ પરીક્ષાનો આ ડર જેને સંપૂર્ણ તૈયારી કરી હોય તેને પણ લાગતો હોય છે. આથી ઉલટું જેણે કશી તૈયારી ન કરી હોય એને બિલકુલ ડર ન લાગતો હોય એવું પણ બને છે. આ પરીક્ષાનો ડર દૂર કરવાના ઘણાં ઉપાયો પ્રચલિત છે. એમાંનો સૌથી પ્રચલિત ઉપાય ટ્યુશન રાખવાનો છે. અને એટલે પરીક્ષાનો ડર કદાચ ટ્યુશનીયા શિક્ષકોએ ઉભો કર્યો હોય તેવું બની શકે. પરીક્ષાનો ડર દૂર કરવા હિંમતવાળા છોકરાઓ કાપલી નામના કાગળના શસ્ત્રનો ઉપયોગ પણ કરતાં હોય છે. પરીક્ષા સારી ન ગઈ હોય તો પછી પરિણામનો ડર લાગતો હોય છે. એટલે ઘણાં વિદ્યાર્થીઓ આ ડર ઓછો કરવા ઉત્તરવહીમાં સોની નોટ મુકે છે.

ડરથી બચવા લોકો અનેક ઉપાયો કરે છે. ડર લાગે ત્યારે અમુક લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગે છે. ખાસ કરીને ભૂતપ્રેતનાં સંભવિત આક્રમણ સામે હનુમાન ચાલીસા અકસીર ગણવામાં આવે છે. અરે, હનુમાન ચાલીસામાં ભૂત પિશાચ નિકટ નહિ આવે એવી ગેરંટી ચાલીસા લખનારે આપી છે. પણ ભૂત પિશાચ જો સાચે સામે આવે તો એ વખતે હનુમાન ચાલીસા યાદ આવે કે કેમ ? તે એક મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન જે ભૂતપ્રેતને મળ્યું હોય તેને પૂછી શકાય.

નાના છોકરાઓને પોલીસ પકડી જશે એવો ડર બતાવવામાં આવે છે. અણ્ણા સૂચિત લોકપાલ બિલ અને ઉપવાસથી ઉભા થનાર લોકજુવાળથી ડરતી સરકારનાં ઇશારે પોલીસ અણ્ણાને પકડી ને તિહાર જેલ લઇ ગઈ હતી. પણ અણ્ણાની મમ્મીએ નાનપણમાં અણ્ણાને કદાચ પોલીસનો ડર નહિ બતાવ્યો હોય એટલે અણ્ણા ડર્યા વગર જેલ ભેગાં થઇ ગયા હતાં. હવે મઝા એ વાતની છે કે જે લોકો અણ્ણાથી ડરતા ન હોવાનો  દેખાવ કરતાં હતાં અને પ્રેસ કોન્ફરન્સમાં ઉછળી ઉછળીને બોલતાં હતાં એ લોકો આ લખાય છે ત્યારે માઈક મનમોહન નામના દાંત વગરના સિંહના હાથમાં પકડાવી છૂમંતર થઇ ગયા છે.