Tuesday, February 28, 2012

મહાન ભારતની વાતો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |


કુંતીની અગમચેતી

અને બધાં પાંડવો જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં જવા રવાના થઈ ગયાં એ પછી કુંતી કામકાજમાં પરોવાઈ. બધું આટોપી એ ઓટલા પર જઈ બેઠી જ હતી ને ત્યાં એનાં પડોશી કાન્તાબેન ખુશખુશાલ હાલતમાં આવતાં દેખાયા. ‘કુંતીબેન અભિનંદન, ટીવી પર સાંભળ્યું કે તમારો અર્જુન સ્વયંવરમાં લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને પામ્યો’.

‘ખબર હતી, કે આ કામ અર્જુન કરશે જ. પણ મારે અહિં નવા પ્રૉબ્લેમ ઊભા થશે એનું શું ?

‘કેવાં પ્રૉબ્લેમ?’

‘અરે, અર્જુન પરણ્યો એટલે યુધિષ્ઠિર તો સમજુ છે પણ પાછળ ભીમ, અને પછી નકુળ સહદેવ પણ પરણવાની જીદ કરશે.’

‘ઓહ, એમાં શું છોકરાં ઉંમરલાયક થાય એટલે પરણે જ ને ?’

‘અરે, એ જ તો રામાયણ છે. એ પાંચે પરણે એટલે ઘરમાં પાંચ પાંચ વહુઓ આવે, એમને સંભાળવી એ સહેલું થોડું છે?’

અને પછી કુંતીએ પાંચ વહુઓ ઘરમાં ન ઘૂસે એ માટે જે રસ્તો કાઢ્યો એ તો જગજાહેર છે.

લાક્ષાગૃહ
અને પછી વગર ટેન્ડર મંગાવે લાક્ષાગૃહનું બાંધકામ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ શકુનિના સાળાને ફાળવી દેવામાં આવ્યું. મકાનમાં સિમેન્ટની જગ્યાએ રેતી, લાકડાની જગ્યાએ લાખ અને સળિયાની જગ્યાએ ઘાસ વાપરવામાં આવ્યું. પાંડવોને તો બચારાને મકાન એલોટ થયું ત્યારે વિદુરજીએ કહ્યું પણ હતું કે ‘તમે સાચવજો, આ શકુનિનો સાળો બ્લેકલિસ્ટ થવાનો હતો એ શકુનિની દખલને કારણે બચી ગયો છે. પણ એનાં બાંધેલા મકાનનો ભરોસો નહિ’. પણ ભોળા પાંડવો સરકારના વિશ્વાસે રહેવા જતાં રહ્યા. સારું મુર્હુત જોઈ બધાં ઘરમાં પ્રવેશ્યા, જેમાં છેલ્લા ભીમ અંદર ઘૂસ્યો. ભીમનો ઘરમાં પગ પડતાં જ ફલોરીંગ બેસી ગયું અને ત્યાં એક ભૂવો પડ્યો જેમાં છએ જણા ધસી ગયાં. એ ભૂવો ચારસો ફૂટ દૂર સ્ટોર્મ વોટર લાઈનમાં જોડાઈ ગયો. એ નીકળ્યા એની પાછળ આખું મકાન ધસી પડ્યું અને શૉર્ટ સર્કિટના કારણે આગ પણ લાગી. પાંડવો તો જીવ બચ્યો એ માટે ભગવાનનો પાડ માનતા જંગલ ભણી નીકળી પડ્યા. આ તરફ લાક્ષાગૃહમાં ગરીબ પાંડવો દબાઈ ગયાં છે એ મામલે ગામમાં ઊહાપોહ થઈ ગયો. સરકાર પર દબાણ આવ્યું એટલે આગ અને ઇમારત ધસી પડવાના કારણોના તપાસ માટે શકુનિની અધ્યક્ષતામાં જ એક કમિટી રચાઈ છે. જેનો રિપોર્ટ આવે તેની હજુ પ્રતીક્ષા થઈ રહી છે.

સોયની અણી પર આવે એટલી જમીન પણ નહિ મળે
અને સમાધાનના પ્રયાસરૂપે યુધિષ્ઠિરે દુર્યોધન પાસે માગણી કરતાં કહ્યું કે ‘હે ભાઈ, અમને પાંચ ભાઈઓ જોગ પાંચ ગામ આપી દે એટલામાં અમે ખુશ રહીશું’

‘ના, તમને તો હું સોયની અણી પર આવે એટલી જમીન પણ નહિ આપું.’ દુર્યોધને પ્રોપોઝલને સાવ રીજેક્ટ કરી દીધી.

થાકેલા અને નિરાશ પાંડવો પાછાં ફરતાં હતાં ત્યાં રસ્તામાં એક મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ કમ દલાલની ઑફિસનું પાટિયું જોયું. પાંચે જણા અંદર ગયાં. દલાલે બધી વાત સાંભળી અને એક અઠવાડિયા પછી આવવા કહ્યું. ફી પણ નક્કી કરી, અને ભીમની કચકચથી ફી કામ થયાં બાદ આપવી એવું પણ ઠરાવ્યું. એક અઠવાડિયા પછી પાંડવો વતી એ દલાલ એક રિપોર્ટ લઈ ઉદ્યોગ વિભાગના મંત્રી દુર્યોધનને મળી આવ્યો. આ મીટિંગના ત્રીજા દિવસે હસ્તિનાપુર ટાઈમ્સમાં સમાચાર આવ્યાં કે ‘ઇન્દ્રપ્રસ્થ એસ્ટેટ અને શસ્ત્ર ફૅક્ટરી બાંધવા માટે પાંડવોના સરકાર સાથે એમ.ઓ.યુ., સરકારે સાત હજાર હેકટર જમીન એક પૈસાના ટોકન ભાવે ફાળવી’.


દ્રોણનું રાજીનામું ? 

ને ધનુર્વિદ્યાના પ્રેક્ટિકલમાં ‘તમને શું દેખાય છે ?” એવો વિચિત્ર સવાલ પૂછી દ્રોણે બધાંને ચકિત કરી દીધા હતાં. સવાલ કોર્સની બહારનો હતો એવું નહોતું, પણ મુદ્દે અર્જુન સિવાય કોઈને સવાલ શું છે એ ખબર જ નહોતી પડી. એટલે જ તો એક માત્ર અર્જુન પાસ થયો. કર્ણને તો ફોર્મ જ ભરવા નહોતું દીધું. એટલે જ આજે શકુનિની આગેવાનીમાં વાલીમંડળની બેઠક મળી હતી. દ્રોણનું વલણ પક્ષપાત ભર્યું હતું. અર્જુન એમને પ્રિય હતો એ તો સૌ જાણતા હતાં, પણ આ હદે દ્રોણ એની તરફદારી કરશે એની કોઈને કલ્પના પણ નહોતી. એટલે જ મીટિંગમાં સૌએ એક અવાજે દ્રોણને હાંકી કાઢવા અને પરીક્ષામાં ગેરરીતિને મામલે દ્રોણની સામે કેસ કરવા ઠરાવ કર્યો. શકુનિ પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્રને મળવા ગયાં. મુખ્યમંત્રીને કશું જ દેખાતું નહોતું પણ શકુનિના આવ્યાનું પ્રયોજન એ જાણતાં હતાં. અને એમ પણ સીએમના પોતાના સો છોકરાં નાપાસ થયાં હતાં એટલે ઘરમાં ગાંધારીનો કકળાટ ચાલતો હતો કે ‘ટ્યુશન રાખવા છતાં છોકરાં ફેઈલ થતાં હોય તો ટ્યુશનના રૂપિયા શું કામ ખર્ચવા?’. શકુનિએ વાલીમંડળના અધ્યક્ષ તરીકે દ્રોણને હાંકી કાઢવા અસરકારક રજૂઆત કરી. આ દરમિયાન સ્ટુડન્ટ્સ યુનિયને પણ સીએમ ઓફિસની બહાર સુત્રોચ્ચાર ચાલુ કરી દિશા હતાં. બધી વાત સાંભળ્યા બાદ ધ્રુતરાષ્ટ્રે શકુનિને ખાનગીમાં કહ્યું, ‘ હે વત્સ, તારી વાત તો સાચી છે, પણ આપણે આ છોકરાંઓને ભણાવીને ક્યાં નોકરી કરાવવી છે કે તું આટલો ક્ષોભ કરે છે ? એમણે તો છેવટે રાજકારણમાં જ આવવું છે ને ? અને તને તો ખબર જ છે કે દ્રોણ આચાર્યમંડળના પ્રમુખ છે. આપણી સભાઓ અને મેળાઓમાં કાયમ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પુરા પડવાનું કામ પૂરી નિષ્ઠાસહિત એ કરે છે, માટે તમે એની ટ્રાન્સ્ફરની વાત પડતી મુકો’. અને શકુનિ માથું ખણતો ખણતો અને વાલીમંડળ અને સ્ટુડન્ટ યુનિયનને કઈ રીતે ઉઠા ભણાવવા એ વિચારતો ત્યાંથી રવાના થઈ ગયો. ■

Monday, February 27, 2012

પાર્થને કહો ઉઠાવે વડાંપાઉં


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૬-૦૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |    

અને પાર્થે એકદમ દીનભાવ સાથે પોતાનાં સાળા ક્રિષ્નાને કહ્યું કે ‘ડીયર ક્રિષ્ના, સામે ફાસ્ટફૂડ રેસ્ટોરાંમાં બર્ગરના ફોટા મને લલચાવે છે, આ તરફ હું વડાપાઉં બનતા જોઉં છું, પેલી તરફથી પંજાબી સમોસાની અને આ બાજુ ભાજીપાઉંની લારીમાંથી આવતી ખુશ્બુએ તો મારા પગમાંથી ચાલવાની સઘળી તાકાત બિલકુલ હણી જ લીધી છે. સખા, દુકાનમાં રસઝરતી જલેબી જોઈ મારું મન ચકરાવે ચઢ્યું છે. પણ હે મિત્ર, આ બધું મારા માટે વર્જ્ય છે. કારણ કે વડાપાઉં અને સમોસા કોલેસ્ટોરોલ વધારે છે અને ડાયાબિટીસના કારણે જલેબીને તો અડવાની પણ ડોક્ટરે મનાઈ ફરમાવી છે. તો હે સખા, તું જ કહે કે ચારેતરફ સ્વાદિષ્ટ વાનગીઓથી ઘેરાયેલો એવો હું કઈ રીતે સંતૃપ્તિ પામું ?’ ત્યારે ટેસ્ટી ખાવાનું જોઈ ચલિત થયેલા, પરંતુ ડોક્ટરોની ધમકીઓ અને હેલ્થ ટીપ્સ વાંચીને નાસીપાસ થયેલ પાર્થને ક્રિષ્ના કહે છે કે:

‘હે વત્સ, ડોક્ટરોનો ધર્મ છે પેશન્ટની રક્ષા કરવાનો. આ માટે ડોક્ટરો પ્રતિજ્ઞા પણ લે છે. આમ પેશન્ટને ખાવાની મનાઈ ન ફરમાવે તો એ ડોક્ટર એનો ધર્મ ચૂક્યો કહેવાય. પણ ડોક્ટરોના કહેવા છતાં ઈન્દ્રિયોને વશ અમુક દર્દીઓ પોતાનું ધાર્યું ખાય છે અને અંતે વાયા ડોક્ટર થઈને યમલોકને પામે છે. પાર્થ, એક દિવસ બધાએ મરવાનું છે. જે ખાય છે એ પણ મરે છે અને ભૂખ્યો રહે છે એ પણ મરે છે, તો પછી ખાઈને કેમ ન મરવું? વત્સ, એટલે જ તો મને રોજ ત્રણ ફરસાણ અને છપ્પન ભોગ મઠા વગર ખાવાનું ગળે જ નથી ઉતરતું.’

‘અને હે મિત્ર, તું તો માર્કેટીંગનું કામ કરે છે. તારે રોજ કેટલાં ટાર્ગેટ પાડવાના હોય છે જેના માટે તારે શક્તિની જરૂર છે, ઘાસ જેવા કોબીના સલાડ અને સ્વાદહીન દૂધીના ડાયેટ સુપ પર રહીને તું આ ટાર્ગેટ કદાપિ ન પાડી શકે, માટે મારું માન અને આ પંજાબી સમોસાને ચટણી સાથે ન્યાય આપ.’ ક્રિષ્નાની આવી વાતો સાંભળી પાર્થના ચહેરા પર થોડું તેજ દેખાયું. પણ એક દુબળા-પાતળા મિત્રે ગઈકાલે જ હાર્ટ-એટેક અંગે ફોરવર્ડ કરેલાં ઇ-મેઈલને યાદ કરી ભયભીત થયેલ પાર્થ ફરી પાણીમાં બેસવા લાગ્યો અને બોલ્યો, ‘હે સખા, તું મને આ ગલીમાંથી બહાર કાઢ, અહિં મારું કાળજું કાંપે છે’ ત્યારે ક્રિષ્નાએ પોતાનો ઉપદેશ આગળ ધપાવ્યો:    

‘હે વત્સ, ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાની રક્ષા કરવાનો, શિક્ષકનો ધર્મ છે જ્ઞાન આપવાનો, અને કંદોઈનો ધર્મ છે મીઠાઈ બનાવવાનો. જો શિક્ષક જ્ઞાન આપવા તૈયાર હોય પણ લેનાર કોઈ ન હોય તો ? વિચાર કે કંદોઈની  બનાવેલ મીઠાઈ વેચાય નહિ તો એનું ઘર કઈ રીતે ચાલે ? એમનાં છોકરાંઓના મોબાઈલ રિચાર્જ કઈ રીતે થાય?  માટે વત્સ તું મુક્તમને મીઠાઈ અને સમોસા આરોગ કારણ કે એમાં જ કંદોઈના છોકરાંઓનું ઇષ્ટ છે.  વ્હાલા, આ સકળ ખાઉગલી અને એ થકી અનેક પરિવારોનું પાલન તારા-મારા જેવા લોકોનાં ચટાકાથી થાય છે. તું આમ ખાઉગલીમાં આવી પાછો ભૂખ્યો જાય તો અનર્થ થઈ જશે. અને યાદ રાખ વત્સ કે જે પુરુષ સ્વાદ-ઇન્દ્રિયને વશમાં રાખે છે તે પુરુષ ઘરમાં પત્નીના હાથનું સ્વાદહીન ભોજન ખાવાને પામે છે.’ શિખાઉ પત્નીના હાથે બનાવેલ દુધીનાં જ્યુસ, સૂપ, શાક અને દૂધીનાં જ ઢેબરાં યાદ આવતાં પાર્થ કાંપી ઉઠ્યો, અને બોલ્યો કે ‘હે સખા, તારી વાતો સાંભળી મારો સંયમ ચળી રહ્યો છે, પરંતુ મારા મનમાં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે’.

ત્યારે ફફડી ઉઠેલા પાર્થને ક્રિશ્નાએ પોતાનું મોઢું ખોલીને વિરાટ દર્શન કરાવતા કહ્યું. ‘હે સખા, જો મારા મોઢામાં માવો ખાવાને લીધે પડેલા ચાંદા દેખાય છે ? મારા પગમાં ડાયાબિટીસને કારણે સડો દેખાય છે ? આટલું ચાલવામાં મને ચઢી ગયેલી હાંફ સંભળાય છે ? હે મિત્ર, આ બધું તો કોઈને પણ થઈ શકે છે, અને તું વહેલો મરીશ તો પણ વૈકુંઠને પામીશ, અહિં આ પોલ્યુશન અને ભ્રષ્ટ દુનિયાથી છુટકારો પામીશ માટે તબિયતથી આ વડાપાઉં ઉપાડ અને નિયતીને એનું કામ કરવાં દે’ ત્યાર પછી અનેક પ્રકારે સાંત્વન પામેલો પાર્થ ક્રિશ્નાના હાથમાં રહેલી બટર વડાપાઉંની પ્લેટમાંથી એક પાઉં હાથમાં લઈ આજુબાજુ બીજું શું ખાવા જેવું છે તેનો ક્યાસ કાઢવા લાગ્યો.

ડ-બકા
ફાસ્ટથી અનેક પ્રોબ્લેમ સોલ્વ થાય છે બકા,
બીજું જે થાય તે, ફેટ ડીસોલ્વ થાય છે બકા. 


--> આપનો પ્રતિભાવ આવકાર્ય છે ....


Monday, February 20, 2012

માંગવાનો અધિકાર

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
સુભાષચન્દ્ર બોઝે તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગાકહી લોકો પાસેથી કુરબાની માંગી અને સ્વતંત્રતા માટે પ્રેર્યા હતાં. ગાંધીજી અને મહંમદ અલી ઝીણા પણ એ વખતે દેશ માટે દાન માગતા હતા. જોકે આજકાલ પરિસ્થિતિ અલગ છે. ભાજપ આજકાલ ખુલ્લેઆમ ધનસંચય ઝુંબેશ ચલાવી રહ્યું છે. આમ તો બધાં રાજકીય પક્ષ ફંડ માટે આવી ઝુંબેશ જાહેર કે ખાનગીમાં ચલાવતા જ હોય છે. આ રીતે ભેગાં કરેલાં રૂપિયા દેખાડી ઉમેદવાર અને પક્ષ ચૂંટણી સમયે મત માંગે છે, પણ જીત્યા પછી પ્રજાને શું જોઈએ તે મત ભાગ્યે જ કોઈ માંગે છે. એ વાત જગજાહેર છે કે ચૂંટાયા પછી જ્યારે થૂંકના સાંધા કરી સરકાર રચાતી હોય છે ત્યારે એ સાંધા કરવામાં ભાગીદાર થવા પણ રૂપિયા અને પૉર્ટફોલિયો માંગવામાં આવે છે. દેશમાં બૉમ્બ ધડાકા કરી પાકિસ્તાનમાં છુપાઈ ગયેલા આતંકવાદીઓને આવી રીતે ચૂંટાયેલી કાર્યક્ષમ સરકાર પકડી શકતી નથી એટલે એ પાકિસ્તાન સરકારને અપીલ કરી ગદ્દારોને પાછાં સોંપવા માગણી કરે છે. આ છે માંગવાની બોઝથી આજ રોજ સુધીની વાત. 
 
આમ તો માંગવું એ ઘણું વ્યાપક દૂષણ છે. હમણાં જ ગયેલા વેલેન્ટાઈન ડે પર અનેક યુવક યુવતિઓએ એકબીજાના હાથ કે જીવનભરના સાથ માંગે છે. ચાઈનીઝ માલ જેવાં છોકરાના મા-બાપ પણ હજુ દહેજ માંગે છે. અમુક નાના નાના પ્રદેશો અલગ રાજ્ય માંગે છે. મંદિરની બહાર ભિખારીઓ ભીખ માંગે છે. આ ભિખારીઓને ભીખ આપી જે અંદર જાય છે એ અંદર જઈ ભગવાન પાસે પાછું કંઈક માંગતા હોય છે. અને બીજાનાં વતી દાન માંગવું એ પણ આજકાલ ફૅશનમાં છે. ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ અવારનવાર કોઈ ઉમદા કામ માટે ચેરિટીની ટહેલ નાખે છે. પ્રજા રૂપિયાથી એમની ઝોળી છલકાવી દે છે. પણ સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો આ દાનના રૂપિયા વાપરી વિમાનોમાં ફરે છે ત્યારે આપણને સાલું લાગી આવે છે.  
 
આ માંગવાની રીત જોઈએ તો બે પાંચ રૂપિયા માંગનાર ભિખારી હોય છે. ટાબોટા પાડી પાંચસો ઉઘરાવનાર કિન્નર હોય છે. બસો થી બે હજાર ઉછીના માંગનાર દોસ્ત હોય છે. બૅન્ક પાસેથી બે લાખ રૂપિયા લોન લેનાર મધ્યમવર્ગીય હોય છે. પબ્લિક ઈશ્યુના નામે પબ્લિક પાસેથી કરોડો લેનાર કોર્પોરેટ કંપની હોય છે. અવળા ધંધા કર્યા બાદ ખોટ જાય એટલે સરકાર પાસે કરોડોના બેઈલ આઉટ પેકેજ માંગનાર એરલાઈન્સ કંપનીના માલિક દેશમાં ઇજ્જતદાર બિઝનેસમૅન તરીકે લેખાય છે. તમારી ગણના ભિખારી તરીકે થાય કે બિઝનેસમૅન તરીકે એનો આધાર તમારી માંગવાની રીત પર છે. તમે જો મર્સિડીઝમાં ફરતાં હોવ તો તમને લોન આપવા લોકો તમારી આગળ પાછળ ફરશે. પણ જો તમે સ્કૂટર પર ફરતાં હશો તો તમારી લોન અરજી સાથે રજૂ કરવા પડતા કાગળોની ફોટોકોપી અને પ્રમાણિત નકલ કરવા જાતે દોડવું પડશે, અને એ કરાવ્યા પછી પણ પચીસ હજારની લોન પાસ થતાં પચીસ દાડા નીકળી જશે.  
 
માંગવું એ આજકાલ લોકોનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો હોય એવું લાગે છે. રૂપિયા ઉધાર માંગનાર જો સંબંધી કે મિત્ર હોય તો એ હકથી માંગે છે. તમને એ પ્રેમના દરિયામાં ડુબાડે છે. તમે તરફડીયા મારી કિનારા પર આવો તો તમને તમારી જ દરિયાદિલીની તમને પણ ન ખબર હોય તેવી વાતો કરી સીધાં ચણાના ઝાડ પર ચઢાવે છે. ચણાના ઝાડ પર ચઢાવનાર માટે તમને આત્મીયતા જાગે છે. આમ તમે ભાવાવેશમાં આવી જાવ એ પછી માંગનાર હળવેકથી તમારી પાસે ફોગટમાં સાવ નજીવા વ્યાજે પડ્યા રહેલા રૂપિયામાંથી થોડા ઢીલાં કરવા તમને રાજી કરી દે છે. અને એ પછી સંતાકૂકડી અને હાથતાળીની ખરી રમત શરુ થાય છે !   
 
ગુજરાત સરકારે વાંચે ગુજરાતનામનું ખૂબ જ પ્રશંસનીય અભિયાન પ્રજાને આપ્યું છે. અંગ્રેજીમાં બાય, બેગ, બોરો ઓર સ્ટીલ (ખરીદો, માંગો, ઉધાર લો કે ચોરો) એ વાક્ય પ્રખ્યાત છે. આ વાક્યને જીવનમાં ઉતારી પુસ્તકોને મામલે માંગી-ભીખીને, ઉછીનું લઈને, ચોરીને કે ઠામીને જ વાંચે છે ગુજરાત. પકડેલા પતંગ ચગાવવામાં જેમ વધારે આનંદ આવે છે તેમ લોકોને તફડાવેલા પુસ્તકો વાંચવામાં આનંદ આવે છે. આ કામ અતિ સફાઈપૂર્વક થાય છે. સૌથી પહેલાં તો ભોગ બનનારનાં પુસ્તક કલેક્શનને વખાણવામાં આવે છે. પછી પોતે કેમ પુસ્તકો વસાવી નથી શક્યા એનાં ખુલાસા થાય છે. આ પછી મને પણ વાંચવાનો બહુ શોખ છે હોંએવા ભોળવી દે એવા વિધાનો થાય છે. અને અંતે બે ચાર વાંચવા લાયકપુસ્તકની માગણી થાય છે. આપનાર શરમના માર્યો કે લેનારના દરજ્જાને ધ્યાનમાં લઈ ભારે હૈયે પુસ્તક આપી દે છે.  
 
માંગવાની આખી પ્રક્રિયામાં સૌથી અગત્યનું કામ માગવાનું છે અને એ એક કળા છે! માગ્યા વિના તો મા પણ ના પીરસે અને આપનાર ઈશ્વર નથી કે તમે મનમાં માગ્યું હોય એ પણ આપી દે એટલે તમારે સ્પષ્ટ શબ્દોમાં માગણી કરવી પડે! જોકે આમ ચણા મમરા જેવી રકમ કે બસો પાંચસોના પુસ્તક માંગનાર પામર જીવો ક્ષુલ્લક રકમ માટે પોતાની આબરૂ દાવ પર લગાડી દે છે. આવા લોકોને અમારી એક જ સલાહ છે કે હાથ ફેલાવો તો બે પાંચ કરોડ માટે, નહિતર ના ફેલાવો. કારણ કે નિશાન ચૂક માફ છે, નહિ માફ નીચું નિશાન !  

Sunday, February 19, 2012

સ્ત્રીઓની સમસ્યાઓ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

આ આરોગ્ય સંબંધિત કોલમ નથી, અને હું ગાયનેકોલોજિસ્ટ કે સેક્સોલોજીસ્ટ નથી. એટલે જે બહેનો, અને ખાસ કરીને ભાઈઓ, આ ટાઇટલ વાંચીને ભૂલમાં અહિં આવી ગયા હોય એ પાછાં જતા રહે. બાકીનાં આગળ વાંચે.

આ લેખ સ્ત્રીઓને રોજબરોજના જીવનમાં સહેવી પડતી હાડમારીઓ વિષે છે. બિચારી સ્ત્રીઓ વર્ષોથી સહન કરતી આવી છે. પરણિત સ્ત્રીઓ તો ખાસ. ‘બધાંને થાય કે કબાટ તો આનાં જ કપડાથી ભર્યા છે, પણ બેન તમે આવીને જુઓ તો ખબર પડે કે પહેરવા જેવું કશું નથી. પેલો ગ્રીન ડ્રેસ તો બહુ (ત્રણ વખત) પહેર્યો છે. અને આ પિંક તો સુષ્માની પાર્ટીમાં(વરસ પહેલાં જ) પહેર્યો હતો, અને આ રેડનું મેચિંગ પર્સ નથી, પણ લેવા જવાનો સમય નથી બોલો. આટલું બોલ્યા પછી એ જો તૈયાર થવામાં વાર કરે તો પતિ નામનો કાગડો કાં કાં કરી મૂકે, જાણે એ ન જાય ત્યાં સુધી રિસેપ્શન શરું જ ન થવાનું હોય ! પણ જો એ ઉતાવળે તૈયાર થાય તો પતિ બોલે જ કે ‘સાડી લપેટી, તું રેખાને જો, સાઈઠ વર્ષે પણ ફિલ્મના એવોર્ડ ફંક્શનમાં કેવી ગ્રેસફુલ લાગે છે’. પણ ભાઈ રેખા તૈયાર થવામાં સવારથી સાંજ પાડે ત્યારે રાતે એવોર્ડ ફંકશનમાં પહોંચે છે, એ પણ મોડી એ તો જુઓ!

પણ સ્ત્રીઓ ગમે તે કરે જાલિમ વજન, એમને જીવવા નથી દેતું. જો તળેલું, ગળ્યું ખાઈને બહેન જાડા થાય તો ‘ખાઈ ખાઈને ભાદરવાની ભેંસ જેવી થઈ છે’ એવી ટીકા થાય. બિચારી ભેંસ! હવે પતિ નામનાં પ્રાણીને તો બે ટાઈમ સારું ખાવાનું જ જોઈતું હોય છે. સ્ત્રી એ બનાવે તો પછી પોતે ચાખે પણ નહિ ? અને જો સ્ત્રી ન ખાય તો પણ પાછી ટીકા તો થાય જ. ડાયેટીંગ કરતી સ્ત્રીને ખવડાવવાના લોકો ભરપુર પ્રયત્નો કરે. એમાંય સ્ત્રી પોતાનાથી પાતળી હોય એવી સ્ત્રીઓને તો ખાસ આગ્રહ કરે. પણ જો એ ડાયેટીંગ કર્યા બાદ પણ પાતળી ન થાય તો પણ પાછી એની ટીકા થાય કે ‘જોયું, ડાયેટીંગ કરે છે, જીમ જાય છે, ટ્રેનર રાખ્યો છે, હજારો ખર્ચી નાખ્યાં પણ કંઈ ઘટે છે ?’ આથી વિરુદ્ધ સ્ત્રી જો પાતળી હોય તો તરત ‘સાવ સળી જેવી દેખાય છે, શું જોઈને સાઈઝ ઝીરોનાં સવાદ કરતાં હશે’ એવી ટીકા થાય છે.

સ્ત્રીઓને જો વાહન ચલાવતાં ન આવડે તો ‘તારા મા-બાપે તને કાંઈ શીખવાડ્યું નથી’ એવાં આક્ષેપો થાય છે, અને જો સ્ત્રી વાહન ચલાવે તો ‘કોણ આવા લોકોને લાઈસન્સ આપે છે?’ એવાં બખાળા પબ્લિક કરે છે. બિચારી સ્ત્રીઓ! એમાંય ટુ વ્હીલર હાંકતા નમણી અને અન્ય દરેક પ્રકારની સ્ત્રીઓએ હેલ્મેટ પહેરવી પડે છે, જેથી કેશરાશિ વિખરાઈ જાય છે. જો સ્ત્રી કાર ચલાવે તો સીટ બેલ્ટના લીધે સાડી કે ડ્રેસ ખરાબ થઈ જાય છે. એમાં કારમાં બેઠેલ બહેન જો મિરરમાં જુએ તો પણ લોકો ટીકા કરે કે ‘જુઓ તો ખરા, રીઅર વ્યૂ મિરરનો ઉપયોગ મેકઅપ માટે કરે છે’. હવે લોકોને કઈ રીતે સમજાવવા કે આ તો એક પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ છે, સિગ્નલ પર બે મિનીટ નક્કામું ઊભા રહેવાનું હોય એ સમયનો ઉપયોગ કરી જો કોઈ મેકઅપ રિપેર કરી લે તો એમાં કયો મોટો ગુનો થઈ ગયો? પણ આ લોકો તો. એમણે સીતાજીને પણ ક્યાં છોડ્યા હતાં?

સ્ત્રી જો ચુપચાપ કામ કરે તો લોકો ‘રિસાઈ હશે, કાંઇ સેટ બેટ જોઈતો હશે’ એવાં અનુમાન બાંધે છે. સ્ત્રી જો ખપ પૂરતી વાત કરે તો ‘સ્વાર્થી બાઈ છે’ એવું લેબલ લાગે છે. સ્ત્રી જો વાચાળ હોય તો એ ક્યારે બોલવાનું બંધ કરશે એ વિષે અટકળો લગાવવામાં આવે છે. એનું નામ બસંતી કે એટીએન્ડટી (ઓલવેઝ ટોકિંગ એન્ડ ટોકિંગ) પાડવામાં આવે છે. હવે તમે જ વિચારો કે આમ નોનસ્ટોપ બોલવું સહેલું છે ? પ્રયત્ન કરી જોજો. અરે, નોનસ્ટોપ બોલવું એ કળા છે, જે દરેકને સાધ્ય નથી હોતી. એટલે જ તો શંકર મહાદેવનનું બ્રીધલેસ આટલું પ્રખ્યાત થયું. બાકી તમને કોઈ સ્ટેજ પર ચડાવી દે ત્યારે બે મિનીટ બોલવાનાય કેવા ફાંફા પડે છે એ યાદ છે કરજો, પછી સ્ત્રીઓની ટીકા કરજો !

ડ-બકા
તારી મહેંદીનો રંગ હજુ છે લાલ બકા,
ને સનમને પડવા લાગી છે ટાલ બકા.

 

Tuesday, February 14, 2012

વેલેન્ટાઈન ડે

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |


પ્રેમમાં જે પડે છે એ હવામાં ઊડે છે. પછી તો એને હવા પણ ગુલાબી લાગે છે. ઠંડી ખૂબ હુંફાળી લાગે છે. તડકો રેશમી લાગે છે. ચહેરામાં ચાંદ દેખાય છે. વાદળમાં એને પ્રેમિકાનાં વાળની ઘટા દેખાય છે. એનાં અવાજમાં સુર રેલાય છે. આંખો મળે તો તીર વાગે છે અને જુદાઈ હોય ત્યારે દિલમાં શૂળ ભોંકાય છે. પણ પરણ્યા પછી બંને જમીન પર પાછાં આવી જાય છે. પછી હવા પ્રદૂષિત લાગવા લાગે છે. ઠંડીમાં શરદી થઈ જાય છે. તડકામાં સનગ્લાસ વગર ચાલતું નથી. ચહેરામાં ખીલ દેખાય છે અને ફેસિયલ કરવાની જરૂરિયાત પણ જણાય છે. વાળમાં તેલ નડે છે અને એનાં અવાજથી ડિસ્ટર્બન્સ થાય છે. જુદાઈનાં પ્રસંગો બહુ સારા લાગે છે.

આમ છતાં ફેબ્રુઆરી મહિનાની ચૌદમી તારીખે વેલેન્ટાઈન ડે આવે એટલે લોકો ધંધે લાગી જાય છે. પ્રેમીઓ મહિનાઓ પહેલેથી આ દિવસના આગોતરા આયોજન કરે છે. આ દિવસે પાર્ટી, એન્ગેજમેન્ટ, અને ગોર મહારાજો જો આ તારીખને મંજૂરી આપવામાં આડોડાઈ ન કરે તો તેઓ લગ્ન પણ કરી નાખે છે. આપણે ત્યાં વેલેન્ટાઈન ડે પર થયેલા લગ્નો પર કોઈ ખાસ વિશેષ સંશોધનો નથી થયાં બાકી આ અમેરિકા હોત તો કોકે રિસર્ચ કર્યું હોત કે વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનાર લાબું જીવે છે, એમને શરદી નથી થતી, અથવા તો આ દિવસે કરેલાં લગ્ન અન્ય લગ્નો કરતાં સાડા ત્રણ મહિના વધારે લાંબા ચાલે છે, વગેરે વગેરે. પણ આ અમેરિકા નથી. આ ઈન્ડીયા છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. એટલે અહિં વેલેન્ટાઈન ડે જરા જુદી રીતે ઊજવાય છે.

વેલેન્ટાઈન ડે નજીક આવે એટલે મોલ્સમાં ગુલાબી અને લાલ રંગ છવાઈ જાય છે. પણ જેમ સાંઢ લાલ રંગ જોઈ ભડકે એમ અમુક લોકો ભડકી ઊઠે છે. ખાસ કરીને લેખકો. લેખકો લેખ લખી વેલેન્ટાઈન ડે ના દુષણો વિષે લોકોને નવેસરથી માહિતગાર કરે છે. રૂઢિચુસ્તો પણ પાનનાં ગલ્લેથી માંડીને ઑફિસના ટૅરેસ સુધી સિગરેટ પીતાં પીતાં આ વિષય પર ઉગ્ર ચર્ચા કરે છે. કૉલેજ મૅનેજમેન્ટ પોતે જે યુવાનીમાં નથી કરી શક્યા એ છોકરાઓ ન કરે તે માટે આચારસંહિતા જાહેર કરે છે. યુનિવર્સિટીઓ કઈ કોલેજે આચારસંહિતા નથી લાગુ પાડી?’ તેનું ધ્યાન રાખે છે. લેડિઝ હોસ્ટેલનાં વોર્ડન નાઇટ આઉટ માટેની મંજૂરીઓ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવે છે. આમ વિવિધ લોકો વેલેન્ટાઈન ડે એ ભારતીય સંસ્કૃતિ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ છેએ મુદ્દે એક થઈ જાય છે. જો આવી એકતા લોકોએ અંગ્રેજો ભારત આવ્યા ત્યારે દેખાડી હોત તો કદાચ દેશ વહેલો આઝાદ થઈ ગયો હોત !

આ દિવસે રૂપિયા ખર્ચી યુવાનો છાપામાં વેલેન્ટાઈન ડે મૅસેજ છપાવે છે. ગુજરાતી છોકરો કેવો બદલાઈ ગયો છે તેનો આ તાદ્રશ્ય પુરાવો છે. જ્યારે મોબાઈલ પર પચાસ પૈસામાં ફોન થઈ શકતો હોય, અને સો જણને ફ્રી મૅસેજ થઈ શકતો હોય તે સંજોગોમાં પાંચસો રૂપિયા ખર્ચીને આવી જાહેરાત છપાવે એ બીજું કોઈ હોય પણ ગુજરાતી તો ન જ હોઈ શકે. હવે તો છોકરીઓ પણ બોલ્ડ થઈ ગઈ છે. ગયા વરસે અમે એક અંગ્રેજી અખબારમાં આવી કોઈક જાહેરાત વાંચી હતી જેમાં લખ્યું હતું કે
 
ડિયર રાજ...
પ્લેન્ટી ઑફ લવ
,
ટન્સ ઑફ કિસીઝ
,
હોપ સમ ડે
ટુ બી યોર મિસીઝ.
યોર સિમરન
.

બચારો રાજ. એક તો ટનના ભાવે ચુંબનો લેવાનાં અને ઉપરથી પાછી પેલીને મિસીઝ બનાવવાની! આ કિસ્સામાં પેલી આપતી હોવાથી આપણો ગુજ્જેશ બચારો ચુપચાપ લઈ લેતો હશે
, બાકી જો છોકરી એમ કહે કે એક ચુંબન લેવા દે, તો ચોક્કસ પેલો ના પાડી દે !

આ દિવસે ગર્લ ફ્રેન્ડ્સને ચોકલેટ, ફુગ્ગા, ગ્રીટિંગ કાર્ડસ અને ગિફ્ટ્સ આપવાનો રિવાજ છે. વિદેશમાં તો છોકરીઓ બોય ફ્રેન્ડસને પણ ગિફ્ટ આપતી હોય છે. કાગળ બચાવવા અને પર્યાવરણની રક્ષાકાજ ભારતીય યુવાધન ગ્રીટિંગ્સ ન આપતાં ફેસબુક કે મોબાઈલ મેસેજથી કામ ચલાવી લે છે. પણ જેમની પાસે ખર્ચની જોગવાઈ નથી તેવાં અને પાર્ટી કે ક્લબના મફત પાસની ગોઠવણ ન થઈ હોય તેવાં લોકો બગીચા કે અન્ય એકાંત સ્થળોએ ગીફ્ટની લેણદેણ માટે મળે છે. પછી આ આદાનપ્રદાનની પ્રક્રિયા સ્ક્રિપ્ટની બહાર પણ જાય છે. પણ ત્યાં જ પોલીસ દાદા રંગમાં ભંગ પડાવવા આવી પહોંચે છે. કલાપીની રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજોએ કવિતા સ્કૂલમાં ભણ્યા હોવા છતાં પોલીસ એ પંખીડાઓને સુખેથી ચણવા દેતાં નથી એ આપણાં ગુજરાતી શિક્ષકોની નિષ્ફળતા દર્શાવે છે. પણ પંખીડા જેને કીધાં, એ પંખીની જેમ જ એક જગ્યાએથી ઉડાડો તો બીજી જગ્યાએ જઈ ગુટર ગુ કરવા લાગે છે.  

વેલેન્ટાઈન ડે પર યુવાનો ફેસબુક અને મેસેજમાં શાયરી મોકલે એવો રિવાજ છે. તુષારભાઈએ એમ પૂછીને  થાય નહિ પ્રેમદ્વારા મા બાપ કે સામેવાળા પાત્રને પૂછવાની મનાઈ ફરમાવી છે. જોકે રૂબરૂમાં શાયરી કહેવાની આવડત અને હિંમત ઘણાં ઓછા લોકોમાં હોય છે. શાયરીના લખનારા કવિઓ પણ શું પોતે પ્રેમની રૂબરૂ અભિવ્યક્તિ કરે છે, કે શ્રી સુરેશ દલાલની પેલી પંક્તિની જેમ પ્રેમની વાતો જ કરે છે ? આ સવાલ સંશોધન માંગી લે છે. કોઈક વિદ્યાર્થીએ ગુજરાતી કવિઓ અને પ્રેમ : કવિતાથી વાસ્તવિકતા સુધીએ વિષય પર શોધ નિબંધ લખવાની તાતી જરૂર છે.