Sunday, September 27, 2015

ડુંગળી એક સ્ટેટ્સ સિમ્બલ

કટિંગ વિથ અધીર-બધિર અમદવાદી | ૨૭-૦૯-૨૦૧૫

સમીરભાઈ : જૂઓ મહારાજ તમને રાજસ્થાનથી કેટરિંગ માટે એટલા માટે બોલાવ્યા છે કે તમે રાજા-મહારાજાનાં ત્યાં લગ્નોમાં કેટરિંગ કરો છો.

મહારાજ : હા જી, એમાં કહેવું ના પડે.

સમીરભાઈ : આપણો દીકરો પણ રાજકુંવરથી કમ નથી સમજ્યા.

મહારાજ : હા જી શેઠ એ તો અમને ખબર જ છે કે તમે કેટલા મોટા બિલ્ડર છો.

સમીરભાઈ : એનાં રિસેપ્શનમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ.

મહારાજ : તમે બેફિકર રહો શેઠ, આપણે એવું જ મેનુ બનાવીશું.

સમીરભાઈ : તો શું રાખશો મેનુમાં?

મહારાજ : જુઓ શરૂઆત રોસ્ટેડ ઓનિયન સૂપ, ઓપ્શનમાં રશિયન ઓનિયન સૂપ અને ક્રીમી ઓનિયન-કોલીફ્લાવર સૂપ આપીશું. સાથે ઓનિયન રિંગ્સ, કાંદાના કન્ટ્રી પકોડા, અને પ્યાજ કચોરી સ્ટાર્ટરમાં. સાથે ફેંચ ઓનિયન ડીપ અને ઓનિયન રાઈતા તો ખરા જ.

સમીરભાઈ : આહાહાહા

મહારાજ : સાઉથ ઇન્ડીયનમાં ઓનિયન ઉત્તપમ વિથ અરાચુ વીટટા સાંબર અને ઓનિયન વડાઈ, ઇટાલિયનમાં બેલસેમિક રોસ્ટેડ સિપોલીની ઓનિયન્સ, મેક્સિકનમાં વેજન ચોરિઝો ક્ર્મ્બલ્સ વિથ ચોપ્ડ યલો ઓનિયન્સ, મેઈન કોર્સમાં સ્પ્રિંગ ઓનિયન એન્ડ ટોમેટો કરી, હરે પ્યાઝ કી સબ્જી, અને પોટેટો સ્પ્રિંગ ઓનિયન કરી, અને દાલ મખની. રોટીમાં સ્પ્રિંગ ઓનિયન પરાઠા.

સમીરભાઈ : વાહ, અને ડેઝર્ટમાં?

મહારાજ : વેનિલા આઈસ્ક્રીમ વિથ ઓનિયન સિરપ !

સમીરભાઈ : વાહ મહારાજ મઝા પડી ગઈ, પાકું કરી નાખો, પર ડીશ અંદાજ કેટલો છે

મહારાજ : દસ હજાર પકડીને ચાલો તમે .... પછી એડજસ્ટ કરી લઈશું, તમે તો ઘરના છો. ચાલો તો મુ જઉ ? 
--


  
કોન્સ્ટેબલ : સાહેબ આ એક પ્રોટેક્શનની અરજી આવી છે, લઉં?

ઇન્સ્પેકટર : કોની છે? નેતાઓના જમાઈની અરજી હોય તો બહારથી જ વિદાય કરી દેજે.

કોન્સ્ટેબલ : ના સાહેબ, આ તો ડુંગળીની લારીવાળો છે. કહે છે જમાલપુરથી નવરંગપુરા આવતાં આવતાં બે વાર લુંટારાઓ ધૂમ સ્ટાઈલમાં આવી ડુંગળી લુંટીને ભાગી ગયા.

ઇન્સ્પેક્ટર : લઈ લો, એની અરજી. પણ આપણો, મહિનાનો, ડુંગળી સપ્લાય, સમજી ગયા ને ?

--

ટીવી એન્કર : અને તમે જોઈ રહ્યાં છો કે મુખ્યમંત્રીશ્રી પધારી ચુક્યા છે, અને થોડીજ વારમાં ઉદઘાટનની વિધિ ચાલુ થશે. અને આ સાથે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં મુખ્યમંત્રીને, સ્થળ પર આવી રહેલા. આ સાથે મુખ્યમંત્રી ઉદઘાટન સમારંભમાં પહોંચી ગયા છે. સ્થળ પર તમે ભીડ પણ જોઈ શકો છો. અને મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે આજે એ સ્થળ પર પહોંચી ગયા છે. આપ જોઈ રહ્યા છો સ્થાનિક નેતાઓ મુખ્યમંત્રીનું અભિવાદન કરી રહ્યાં છે. અમદાવાદમાં ટુરીઝમ ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ ખુબ અગત્યનો ગણાય છે અને વિદેશની કંપનીઓએ એમાં મૂડીરોકાણ કર્યું છે. અમારા શ્રોતાઓને જણાવી દઈએ કે અમદાવાદમાં એક વર્લ્ડ ક્લાસ ડુંગળી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, જેમાં અમદાવાદના જાણીતાં દાનવીર શ્રીમંત સાકરલાલ પરિવારે એન્ટીક ડુંગળીનો સેટ કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોની છે, તે આ મ્યુઝિયમને ભેટ આપી છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં લાલ, સફેદ, પીળી, લીલી, અને વિદેશી ડુંગળીને પણ સાચવવામાં આવશે. જાણીતા શિલ્પકારનાં પ્રખ્યાત શિલ્પ, કે જેમાં મધ્યમવર્ગીય ગૃહિણી ડુંગળી કાપતી હોય અને એનાં આંખમાં ડુંગળીના કારણે નહિ, હરખના આંસુ હોય એવા શિલ્પની અહીં એન્ટ્રન્સ પર સ્થાપના કરવામાં આવશે. સરકારનાં ડુંગળી હેરિટેજ જાળવવાના પ્રયાસને વર્લ્ડ હેરિટેજ સંસ્થાનું પણ સમર્થન મળ્યું છે.

--

અમદાવાદ એરપોર્ટ. કસ્ટમ ખાતાના ઓફિસર્સની તાકીદની મીટીંગ

સીનીયર ઓફિસર : છેલ્લા બે અઠવાડિયામાં દાણચોરીના કેસ વધી રહ્યા છે. આપણે હજુ માત્ર છ જણને પકડ્યા છે પણ સૂત્રો પાસેથી જાણવા મળે છે કે રોજની કરોડો રૂપિયાની ડુંગળી અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાકથી યુએઇ અને અન્ય માર્ગે અમદાવાદ ખાતે આવી રહી છે. ગઈ કાલે જે મહિલા પકડાઈ એ પ્રેગ્નન્ટ હોવાનો ડોળ કરી રહી હતી અને એનાં પેટ પર ટ્યુબ બાંધી એમાં ડુંગળી લાવી રહી હતી. એની પાસેથી પંદર કિલો ડુંગળી પકડાઈ છે. આ તો આપણા સતર્ક ઓફિસરને એવું લાગ્યું કે આ મહિલાને વજનને કારણે ચાલવામાં તકલીફ પડી રહી છે એમાંથી આ જથ્થો પકડાયો હતો. બે દિવસ પહેલા બે કોલેજીયન જેવા દેખાતાં છોકરાઓની પૂછપરછ કરતાં એમના લેપટોપમાં ડુંગળી છુપાવેલી મળી આવી હતી, અંદર મશીન હતું જ નહિ. વધુ એક મુસાફર છેક એરપોર્ટની બહાર નીકળી ગયો હતો, પણ એણે ટેક્સી કરી પણ ટેક્સી ડ્રાઈવર આપણો ખબરી હતો જેને મુસાફરની હિલચાલ શંકાસ્પદ લાગતાં આપણે પોલીસના સહયોગથી એને જમાલપુર વિસ્તારમાં ડુંગળીની ડિલીવરી કરતાં રંગેહાથ ઝડપી લીધો હતો. એ દિવસે ડ્યુટી પર હતાં એ ઓફિસર સામે ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ ચાલુ કરી દેવામાં આવી છે તો મિત્રો તમે સાવધાન રહેજો.

--

કસ્ટમર (લોન વિભાગમાં) : સાહેબ ડુંગળી ખરીદવા માટે લોન મળશે?

ઓફિસર: જુઓ ભાઈ, લોન તો મળશે, પણ કોલેટરલમાં જે પ્રોપર્ટી મુકવાના હોવ એનાં ડોક્યુમેન્ટ જોઈશે, ડુંગળી અને મકાન બેઉનું વેલ્યુએશન અમે કરીશું, એનો ચાર્જ તમારે ભોગવવાનો રહેશે, અને હા, ચેક સીધો ડુંગળીના વેપારીના નામનો નીકળશે.

કસ્ટમર : પણ હું તો સાહેબ ઝૂંપડામાં રહું છું, આ કોલ લેટર ક્યાંથી લાઉં?

ઓફિસર : તો રાહ જુઓ, મહિના પછી સરકારી યોજના આવશે જેમાં સરકાર ગેરંટર બનશે. ત્યારે આવજો.

--

મસ્કા ફન

બાએ દાદાને લખેલા લવ-લેટરને બાનાખત ના કહેવાય

સલમાન ચીંધ્યો માર્ગ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

હમણાં જ દિલ્હીમાં મુનસીટાપલીએ અબ્દુલ મુઝફ્ફર મોઇઉદ્દિન મહમ્મદ ઔરંગઝેબ માર્ગનું નામ બદલીને અવુલ પકીર જૈનુંલબ્દીન અબ્દુલ કલામ માર્ગ કરી નાખ્યું. રાતોરાત આ રોડ પર રહેનારાનું સરનામું ફરી ગયું. ઔરંગઝેબમાંથી અબ્દુલ કલામ આવું કામ એક દિવસમાં માત્ર મુનસીટાપલી જ કરી શકે. ઔરંગઝેબ પોતાનાં ત્રણ ભાઈઓને મારી, બાપને કેદ કરી ગાદી ઉપર આવ્યો હતો. ઔરંગઝેબ કલા અને સંગીતનો ઔરંગઝેબ હતો. એ ખુબ જ રૂઢીચુસ્ત પણ હતો. ગાદી ટકાવી રાખવા એ આખી જિંદગી લડ્યા કર્યો હતો. અબ્દુલ કલામ સાહેબ કમાલનાં સાયન્ટીસ્ટ હતાં. એક ઉમદા માણસની મિસાલ રૂપ એવા ભારતરત્ન કલામ સાહેબ ભારતમાં મિસાઈલ મેન તરીકે જાણીતાં છે અને રહેશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ બંને પક્ષની સંમતિ અને આગ્રહથી એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ તરીકે પણ એ એમની સાદગી અને નમ્રતા માટે હંમેશા યાદ રહેશે. હવે દિલ્હીનાં આ રોડ પર ચાલનારાં પોતે કલામના માર્ગે ચાલે છે એમ કહી શકશે. સાયન્ટીસ્ટસ આ માર્ગ પર ચાલીને પ્રેરણા મેળવશે. 
--
 

દારૂડિયા અને જુગારીયાઓ સહીત ભારતમાં કદાચ ભાગ્યે જ કોઈ એવું હશે એ ગાંધી માર્ગ પર નહીં ચાલ્યું હોય. દેશના ખૂણે ખૂણામાં આવેલા નાનાં-મોટાં શહેરમાં એક ગાંધી માર્ગ તો હોય જ. અમદાવાદનો ગાંધી રોડ વર્ષોથી ચન્દ્રવિલાસ હોટલ અને ત્યાંના ફાફડા-જલેબી માટે પ્રખ્યાત હતો. અત્યારે ગાંધી રોડ પર ચાઇનીઝ આઈટમ્સ વધારે મળે છે. પણ વાત એ ગાંધી રોડની નહિ, ગાંધી ચીંધ્યા માર્ગની કરીશું. ભારતમાં કોઈએ ચીંધેલા માર્ગ પર ચાલવાની ફેશન છે. શબ્દશ: જોઈએ તો, ટેકનોલોજીના અભાવે આપણે જીપીએસને બદલે કોઈને પૂછી, એ ચીંધે એ માર્ગ પર જવા ટેવાયેલા પણ છીએ. 
 
ગાંધીજીએ કંઈ પોતાનાં નામના રોડ કે પુતળા બનાવવાનું નહોતું કહ્યું. એમણે એક વિચારસરણી આપી હતી અને એનાં પર ચાલી બતાવ્યું હતું. હવે આલિયા-માલિયા આ માર્ગે ચાલવાની વાતો કરે છે. જાણે ગાંધી ચીંધ્યો માર્ગ કોઈ શહેરનો મેઈન રોડ હોય જ્યાં ગમે તે પોતાની ઓડી કે બીએમડબ્લ્યુ લઈને જઈ શકતું હોય. નેતાઓએ ગાંધી-ચીંધ્યો માર્ગ બહુ વાપર્યો છે. ભાષણોમાં. ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. સત્યમેવ જયતે તો જેનાં માટે રોજ ખૂનામરકી થાય છે તે નોટો ઉપર આપણે છાપી માર્યું છે, અને અહિંસા હવે એક્સપ્રેસ છે.

હમણાં જ પાટીદારોના આંદોલનમાં ગાંધી, સરદાર, બોઝ, અને ભગત સિંહ આ બધાંના માર્ગે ચાલવાની જાહેરાત એક જ મંચ ઉપરથી, એક જ જણે કરી હતી. હવે ગાંધીજી અને ભગત સિંહના માર્ગનો કોમ્બો કઈ રીતે કરશે એ તો એ લોકો જાણે, બાકી આજકાલ કોનાં માર્ગે લોકો ચાલે છે એ જોવા જેવું છે.

દુનિયાનાં મોસ્ટ વોલેટાઈલ સ્ટોક માર્કેટ્સમાં આપણો નંબર તેરમો આવે છે. તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. શેરબજારમાં ઘણાં ગુજરાતીઓ ડૂબેલાં છે. બંને રીતે. ખુંપેલા પણ છે અને ડૂબેલાં પણ છે. આમાં બીગ બુલ હર્ષદ મહેતાનો માર્ગ ઘણો જાણીતો છે. આ માર્ગ જેલમાં પૂરો થયો હતો. કેતન પારેખ પણ આ માર્ગ પર ચાલીને જેલમાં ગયા છે. અત્યારની વાત જુદી છે પણ આઝાદીના સમયે જેલમાં જનાર હીરો ગણાતાં. આઝાદીનાં ૨૫ વર્ષ પછી જયારે સ્વાતંત્ર સેનાનીઓ માટે પેન્શન શરું થયું ત્યારે એ પેન્શન માટે હકદાર થવાનો એક શરત આઝાદી પૂર્વે છ મહિના ઉપરનો જેલવાસ હતો. એટલે અત્યારે સ્કેમ કરીને જેલ જનારાં પણ ‘હશે, બે-ચાર વરસ જેલમાં કાઢી નાખીએ, પણ પછી સાત પેઢી તો તરી જાય’ એ હિસાબે સ્કેમ કરતાં જાય છે. જેલમાં આજકાલ સગવડો પણ સારી મળે છે એવું સાંભળ્યું છે. અફકોર્સ રૂપિયા ખર્ચીનેસ્તો !

સાજીદ અલી ખાન જેનું મૂળ નામ છે તે ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાનને પદ્મશ્રી મળ્યો છે. બની શકે કે ભવિષ્યમાં કોઈ માર્ગને પદ્મશ્રી સૈફ અલી ખાન માર્ગ નામ પણ આપવામાં આવે. જોકે આનાં કરતાં કોઈ રોડને સલમાન માર્ગ નામ આપવામાં આવે તો એ વધારે પોપ્યુલર થાય, કારણ કે સલમાન માર્ગ પર ચાલનારાં આ પેઢીમાં ઘણાં છે. સલમાન ચીંધ્યા માર્ગે ચાલનાર મોડે સુધી લગ્ન નથી કરતાં, તથા અનેક ગર્લફ્રેન્ડ ધરાવે છે. ક્યારેક એ દારૂ પીને ગાડી પણ ચલાવે છે. દારુ ઉતરી જાય પછી એમને પોતે નહિ, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એવું પણ લાગે છે. વખત આવ્યે એ ફોન પર અને રૂબરૂમાં, મિત્રો અને ગર્લફ્રેન્ડઝને ગાળો પણ દે છે. સલમાન પોતાનું શર્ટ ઉતારવા માટે જાણીતો છે, અને હવે એ ફિલ્મમાં શર્ટ ન કાઢે તો ઘટના બને છે. દેશમાં અનેક લોકો, ખાસ કરીને પુરુષો, વસ્ત્ર સમસ્યાને કારણે, અથવા અસહ્ય ગરમીને કારણે શર્ટ કાઢીને ફરે છે. આ બધા આપોઆપ સલમાન માર્ગનાં પ્રવાસી બની જાય છે. જોકે સલમાનની જેમ શર્ટ કાઢે એટલે એમને ઠંડક જરૂર થાય છે, પણ કુલ નથી બની જતાં.

ભારત સંતોની ભૂમિ છે એ વાતનો લાભ લઈ વર્ષોથી લેભાગુઓ બાપુ અને સંત બની બેસે છે. જે સમસ્યા ડોકટર અને મેનેજર થયેલાં ઉકેલી ન કરી શકે, તેવી સમસ્યાઓ આ સંતો ઉકેલી શકે છે. આવું લોકો માનતાં હોય છે. આ માર્કેટિંગનો કમાલ છે. પછી સમસ્યા લઈને આવનારની સમસ્યામાં એમની જાણબહાર એક-બે નવી સમસ્યાઓનો ઉમેરો થાય છે. આની સામે આ સમસ્યાનું સમાધાન આપનાર સંતની સાતેક પેઢી તરી જાય એટલું ભેગું થાય છે. હા, સંતનીય પેઢીઓ હોય છે. બાપુ અને સંત બનવું એ દુન્યવી વૈભવો પ્રાપ્ત કરવાનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે આસારામે પણ ચીંધ્યો છે. આ રસ્તો પણ મોટેભાગે જેલમાં પૂરો થાય છે. લોકોના હાથે ધીબાવાનાં યોગ પણ આ માર્ગ પર ચાલનારાએ ગણતરીમાં રાખવા પડે છે. જોકે જેમ રૂપિયા અને શિષ્યો ભેગાં થતાં જાય તેમ પ્રોટેક્શન આપોઆપ મળતું જાય છે.

હવે તમને એમ થશે કે સંત અધીરેશ્વર કયો માર્ગ ચીંધે છે? તો અમે કહીએ છીએ કે અમારા કે કોઈએ બતાવેલા માર્ગે ચાલવું હોય તો ચાલવું, પણ આંખો ખુલ્લી રાખીને ચાલવું, નહીંતર જેલમાં નહીં તો ગટરમાં પડવાની પ્રોબેબીલીટી આ દેશમાં લગભગ ૧૦૦% છે.

Sunday, September 20, 2015

ભારતમાં ટૉપલેસ ફરી ક્યારે?

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦-૦૯-૨૦૧૫
 
અમેરિકા અને કેનેડા આપણાથી ઘણી બાબતોમાં ઘણાં આગળ છે. જોકે આ વાત એવી છે જેમાં એમને આગળ કહેવા કે પાછળ એ પણ એક સવાલ થાય અને એ વિષય પર ચર્ચા થઈ શકે. થોડા સમય પહેલાં કેનેડામાં સ્ત્રીઓએ ‘બેર વિથ અસ’, બેનર્સ સાથે શરીરના ઉપરાર્ધને અનાવરિત રાખવાના અધિકાર માટે રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને એ રેલીના સમાચાર વાંચવામાં વિશ્વભરના પુરુષોએ રસ બતાવ્યો હતો. થોડાં વખત પહેલા હાડકાનાં માળા જેવી દીપિકાએ પણ ‘માય બોડી માય ચોઈસ’ ઝુંબેશ ઉપાડી હતી, જેને ઘણાં પુરુષોએ પણ ટેકો આપ્યો હતો. વર્ષો પહેલા પ્રોતિમા બેદીએ જુહુ બીચ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં દોટ લગાવી સનસનાટી મચાવી હતી. મુંબઈમાં ઘણાં લોકોએ એ ઘટના પછી બીચ પર ચાલવા જવાનું શરુ કર્યું હતું. અમદાવાદ આ બાબતે હજુ પાછળ છે. મુંબઈમાં વરસાદ પડે તો રાજકોટ અને સુરતમાં લોકો ભલે છીંકો ખાતાં હોય પણ આ બાબતમાં મુંબઈની બરોબરી કરી શકે એવું કોઈ નીકળ્યું નથી. એ વાત અલગ છે કે નગ્ન દોટ મુકવામાં મહિલાઓ નહિ પુરુષો આગળ છે, અને એ પણ શારીરિક નહિ ધંધાકીય બાબતોમાં! 
 
ભારતમાં તો વર્ષોથી ખજુરાહોની પ્રતિમાઓ-શિલ્પ અનાવરિત જ છે. દુનિયામાં ભારત કામસૂત્રનાં દેશ તરીકે પણ જાણીતો છે. આમ છતાં આપણા હિન્દી ફિલ્મના પોસ્ટર્સમાં ન્યુડીટી હોય તો એના ઉપર કુચડો ફેરવવામાં આવે છે, પણ કોઈ ખજુરાહોનાં શિલ્પોને કપડાં નથી પહેરાવી આવતું. કેમ? મૂર્તિઓ બરોબર ફીટ કરેલી છે, અને એમ કપડાં પહેરાવી બટન બંધ કરવા ફાવે નહિ, બાકી આપણી પ્રજા એ પણ કરે તેવી છે! પણ અમને આનંદ છે કે કેનેડાની સ્ત્રીઓ સમાનતા માટે લડી રહી છે. પુરુષો જો ઉઘાડા ફરી શકે તો સ્ત્રીઓ કેમ નહિ? સલમાન શર્ટ ફગાવી શકે તો સની કેમ નહિ? સલમાન શર્ટ ફગાવે તો એ કુલ ગણાય અને સની ટોપલેસ થાય તો એ પોર્ન ગણાય. આ ભારતનો ન્યાય હોય, તો એ અન્યાય છે.

પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલી સની લીઓનીનાં સાડી પહેરેલાં ફોટા સોશિયલ મીડિયામાં ‘સાડીમાં આ ઓળખાય છે?’ એવા કેપ્શન સાથે વાઈરલ થયા છે. અને વાત પણ સાચી છે. જે લોકોને તમે કાયમ લેંઘા સાથે કાણાવાળા ગંજીમાં જ જોયા હોય, તેને તમે સુટબુટમાં જુઓ તો બે ઘડી આંખોને વિશ્વાસ ના પડે કે ‘અલ્યા રમણીયા, તુ ચે દા’ડાનો શૂટ પેરતો થઈ જ્યો?’

આમ જુઓ તો અમે તો આ સ્ત્રીઓને ટોપલેસ જવાની સ્વત્રંતા આપવાને બદલે પુરુષોની ટોપલેસ ફરવાની સ્વતંત્રતા છીનવી લેવાના મતનાં છીએ. કેટલીકવાર વિશાળ ફાંદ, ફાંદ પર પરસેવો, અને એ પરસેવાવાળી ફાંદ પર રીંછ જેવા વાળ ધરાવતાં લોકો મોલમાં ચેન્જરૂમ ખાલી ન હોવાથી ખૂણામાં જઈને શર્ટનો ટ્રાયલ લેતા જોવા મળે છે. ન કરે નારાયણ અને કોઈ મહિલાની નજર એ બાજુ જાય અને આછા અજવાળામાં રીંછને શર્ટમાં ઘુસવાનો ટ્રાય કરતું જુવે તો છળી મરે કે નહિ? જોકે પુરુષોમાં આ બધું સામાન્ય છે. સલમાન કે જોન અબ્રાહમ પણ ટોપલેસ થાય તો બહુ ઓછા પુરુષોને આનંદ થતો હશે. જેમને થતો હશે, એ અલગ પ્રકારનાં હશે.

ભારતમાં ટોપલેસ જવામાં મોરલ પોલીસ, નકલી પોલીસ, અને અસલી પોલીસ બધા નડે. આપણે ત્યાં રીવરફ્રન્ટ પર બેઠેલા કપલ્સને સાથે તોડ થાય છે. અથવા ક્યારેક ડંડાવાળી થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આપણે ત્યાં કુંભમેળા અને રાજકારણમાં લોકો સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને ફરી શકે છે. આજ કારણથી નાસિકમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં રાજકારણીઓ સાથે ગયેલા સુરક્ષાકર્મીઓને નાગાબાવાઓ વચ્ચેથી પોતાના સાહેબોને શોધવામાં મુશ્કેલી પડે તેવી વકી છે. આવા સાહેબોને સરળતાથી શોધી શકાય એ માટે એમના માથે લાલ બત્તી લગાવવી જોઈએ એવું અમારું નમ્ર સૂચન છે.


વળી ભારતમાં પુષ્કળ ગરમી છે. એટલે કેનેડા અને અમેરિકા કરતાં ઓછાં કપડાં આપણે ત્યાં જરૂરીયાત છે. ખરેખર તો ટોપલેસ જવાથી કપડાની બચત થશે અને આપણે કાપડ એક્સપોર્ટ કરી શકીશું. સાડા પાંચ મીટરની સાડી છોડીને સાડા ત્રણ મીટરનાં ડ્રેસ પર આવવાથી ઘણી બચત ઓલરેડી થઈ રહી છે ત્યારે, બિકીની પર આવવાથી આ સાડા ત્રણ મીટર કાપડને બદલે માત્ર એક મીટર જેટલાં કાપડમાં કામ પતી જતું હોય તો ખોટું શું છે? અરે, મીટર પણ શું કામ? બિકીની તો કદાચ દરજીને ત્યાં વધેલા કટપીસમાંથી પણ બની જાય!

અનેક બાબતમાં વિદેશની નકલ કરતાં આપણે આ બાબતમાં પણ કેનેડાને પછાડી જ દેવું જોઈએ. ગે પરેડ થાય છે, તો ટોપલેસ પણ થઈ શકે. મોરલ પોલીસ આપણને કાંકરિયા લેકફ્રન્ટ કે સાબરમતિ રીવરફ્રન્ટ પર આવી પરેડ કરતાં રોકી ન જ શકે. જોકે અમદાવાદમાં ગરમી અને ધૂળથી બચવા હવે તો પુરુષો પણ બુકાની બાંધીને ફરે છે ત્યારે બિકીની કે ટોપલેસની કલ્પનામાં હોપ-લેસ છે, જવા દો ત્યારે! n

મસ્કા ફન

નાગાઓના ફેશન શોમાં વોર્ડરોબ માલ ફંકશન જેવું કંઈ હોતું નથી.

જીવનમાં બે વાત યાદ રાખજો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે. જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે. પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી પાસે બે જ વિકલ્પો હોય, ક્યાં આ પાર કે પેલે પાર. પ્રમાણિકતા કે અપ્રમાણિકતા. નોકરી કે ધંધો. પત્ની કે મા-બાપ. રૂપ કે દોલત. ઓફિસમાં ઓવરટાઈમ કરી બોસના હાથે બોર થવું કે ઘેર જઈ પત્નીના હાથે. પુરુષોને વાસણ કરવા કે કપડા ધોવા એ વિકલ્પ મળે ત્યારે ગૂંચવાઈ જાય છે. અહીં જણાવેલાં બંને વિકલ્પોમાંથી પસંદગી કરવી ઘણી અઘરી છે. પણ આવા તો નાનામોટાં કૈંક અઘરા વિકલ્પો આવે છે જિંદગીમાં.

મહેમાન તરીકે કોઈના ઘેર જાવ તો તમને બે જ વિકલ્પ મળે છે, ચા કે કોફી. પણ આવા બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવો જયારે અઘરો લાગે ત્યારે આપણા દરેક બાબભઇઓ અને બચુભઇઓ તાત્કાલિક શેક્સપિયરના હેમ્લેટનો દાખલો ટાંકતા હોય છે. એ ખોટું પણ નથી, હેમ્લેટ પાસે To be અને Not to be એમ બે ચોઇસ હતી જ, અને એ ભેખડે ભરાયેલો જ હતો, પણ એની વાતમાં લોચો શું હતો એ જાણવાની ભોજીયો ભાઇ પણ કોશિશ કરતો નથી એ ખોટું છે.

સરકારે કુટુંબ નિયોજન માટે વર્ષો પહેલા બે (બાળકો) બસ, સુત્ર આપ્યું હતું. હજુ પણ એ સુત્ર અમલમાં છે. ચાઈનામાં એક બાળકથી વધારે પેદા કરી શકાતું નથી. પણ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમ કોમેડિયન લાલુપ્રસાદ યાદવને સાત છોકરી અને બે છોકરા એમ અંકે નવ પુરા બાળકો છે. આ બહુ ફેમસ પ્રસંગ છે. લાલુને પૂછવામાં આવ્યું કે તમે સરકારની કુટુંબ નિયોજનની નીતિનું કેમ પાલન ન કર્યું તો લાલુ એ જણાવ્યું કે અમે ત્યારે વિરોધ પક્ષમાં હતા અને અમારો રોલ ત્યારે સરકારની દરેક નીતિનો વિરોધ કરવાનો હતો.

એવું કહેવાય છે કે અમેરિકામાં લગભગ ૪૧% પ્રથમવારનાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ટૂંકમાં આ બધા ક્યારેકને ક્યારેક બીજા લગ્ન કરે છે. બીજી વારનાં લગ્નો પૈકી ૬૦% લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. આપણે ત્યાં છૂટાછેડા થાય તો બીજા નંબરની સ્ત્રી કે પુરુષને દોષ દેવાની પ્રણાલી છે. પરંતુ જો પહેલા લગ્ન થયાં જ ન હોત તો છૂટાછેડાનો સવાલ જ ઊભો ન થાય, આમ એકંદરે બીજા લગ્નમાં ઊંચા છૂટાછેડાના દર માટે પહેલું લગ્ન જવાબદાર ઠેરવી શકાય. આપણે અમેરિકા પાસેથી ઘણું શીખીએ છીએ, પણ હજુ લગ્નમાં આપણે ઘણા પાછળ છીએ. આપણા લગ્નો ટકાઉ છે, અને પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિથી સુખેદુખે લાંબા પણ ચાલે છે. બીજા લગ્ન થાય તો પણ એનો ઉત્સાહ લગ્ન કરનાર જેટલો બીજાં કોઈને ભાગ્યે જ હોય છે.
 
ગુજરાતીમાં એકથી ભલા બે કહ્યું છે. આ સુમસામ રસ્તે જતા, ખાસ કરીને કુતરા પાછળ પડતા હોય તેવા રસ્તે આપણને આ સાચું લાગે. પણ આવા સંજોગોમાં કૂતરાને બે વિકલ્પો મળી રહે છે. કૂતરા જેવા કૂતરાને પણ કરડવામાં બે ચોઇસ મળી રહેતી હોય તો એ શ્વાન સમાજ માટે ગૌરવની વાત કહેવાય. બોબી ફિલ્મમાં ભલે ‘શેર કો મેં કહું તુમ્હે છોડ દે, મુઝે ખા જાય’ એવું ગુજરાતણ ડિમ્પલ ભલે ગાતી હોય, પણ કુતરું સામે મળે એ જુદી વાત છે. આપણામાં તો પુરુષ અને સ્ત્રી સાથે ફરવા જતાં હોય અને સામેથી કૂતરું આવે તો સ્ત્રી સામાન્ય રીતે પુરુષને આગળ કરે કે ધરે છે. કૂતરું ભસે કે જરાક અમથું દોડે એટલામાં સાત જનમ સાથ આપવાનો વાયદો હવાઈ જાય છે. પુરુષ પણ સાત જનમ (કૂતરાથી) રક્ષણ કરવાનો વાયદો કર્યો હોય એમ

બોસ ખીજાયા હોય ત્યારે પણ એકથી ભલા બેના હિસાબે બીજા કોઈને સાથે લઈને એમની કેબીનમાં જવામાં સાર છે, કારણ કે બોસનો ગુસ્સો સરખા હિસ્સે વહેંચાઇ જાય. લગ્ન કરવામાં પણ અમુક અપવાદ સિવાય બે જણની જરૂર પડે જ છે. લશ્કરમાં બડી સિસ્ટમ હોય છે જેમાં સોલ્જરોને બબ્બેની જોડીમાં મોકલવામાં આવે છે. આમાંના એક સોલ્જર તમે હોવ તો દુશ્મનના ફાયરીંગ વચ્ચે તમારા બચવાના ચાન્સ બમણા થઇ જાય છે.

વક્તાઓ જયારે પોતાનું વક્તવ્ય આપે ત્યારે તમે નોંધજો કે એ લોકો કાયમ બે વાત કરતાં હોય છે. એમના સંભાષણમાં પહેલું અને બીજું અથવા એક અને બે આવે જ છે. જેમ કે ‘જીવનમાં બે વાત યાદ રાખજો, બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા કલેજું જોઈએ’. કોઈ વક્તા ભૂલેચૂકે ત્રણ વાત નહિ કહે, અને કહે તો પેન કાઢીને નોંધ કરજો, બે વાત કરીને એ ભૂલી જશે કે એમણે ત્રણ વાત કરવાનું વચન હમણાં જ ‘બે’ મિનીટ પહેલા જ આપ્યું હતું!

બે વિકલ્પો હોય ત્યારે જ દ્વિધા થાય છે. ઘણીવાર બે વિકલ્પો મળે તો તમે નસીબદાર કહેવાવ. ખિસ્સામાં દસની નોટ હોય તો એ નોટમાંથી પેટ જ ભરશે. પણ જેની પાસે ૧૦૦ રૂપિયા હોય એ કાયદેસર દ્વિધાગ્રસ્ત થઈ શકે છે. જીંદગીમાં તમે એવા મુકામે જઈ પહોંચો કે જ્યાંથી રસ્તાનાં બે ફાંટા પડતાં હોય, તો આજુબાજુ પાનના ગલ્લા પર પૂછી સાચો રસ્તો કયો છે તે નક્કી કરી આગળ વધવું હિતાવહ છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહી ગયા છે કે જીવનમાં બે વસ્તુ અગાધ છે, બ્રહમાંડ અને મૂર્ખતા. માર્ક ટ્વેઈને કહ્યું છે કે જીવનમાં બે દિવસો સૌથી મહત્વના છે, પહેલો જયારે તમે જનમ્યા અને બીજો તમે કેમ જનમ્યા એ હેતુ ખબર પડે તે દિવસ. અને તમે લેખના અંત સુધી આવ્યા એટલે બે વાત નક્કી થઈ, એક કે આ લેખ ઓછામાં ઓછા બે જણાએ તો વાંચ્યો જ છે, એક અમે અને બીજા તમે! અને બીજી વાત? ફરી ક્યારેક ! 
--
(આ આર્ટીકલ સાથે મુંબઈ સમાચારની લેખન યાત્રાને પાંચ વરસ પુરા થયા, આભાર અહીં સુધી વાંચવા બદલ !)
 

Tuesday, September 15, 2015

એન્જીનીયર્સ કી કમી નહીં

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૩-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

એન્જીનીયર્સ કી કમી નહીં ઇન્ડિયામેં ‘અધીર’
એક ઢુંઢો હજાર મિલ જાતે હૈ.

--

ઉપર લખ્યું છે એ શબ્દશઃ જ અમારે કહેવું છે. સાચે જ. એક જમાનામાં ગુજરાતમાં એન્જીનીયરીંગમાં એડમીશન ન મળે તો છોકરા (છોકરાં નહિ) કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ડોનેશન આપી ભણવા જતાં હતા. આ વખતે ગુજરાતમાં ૨૮,૦૦૦ સીટો ખાલી પડી છે. જેમ પોતાનાં મનપસંદ છોકરા સાથે માં-બાપ પરણવાની ના પાડે તો છોકરીઓ કુવારી રહેતી હતી તેમ અમુક એન્જીન્યરીંગ બ્રાંચ કે અમુક કોલેજોમાં ભણવા કરતાં ન ભણવું સારું એવું માનતા થઈ ગયા છે. આ બધું ખોટા સમયે સામે આવી રહ્યું છે. ૧૫ સપ્ટેમ્બર ભારતમાં શ્રી એમ. વિશ્વેસ્વરૈયાજીની યાદગીરીમાં એન્જીનીયર્સ ડે તરીકે ઊજવાય છે.

ધરતીકંપ પછીના પાંચ વરસમાં સિવિલ એન્જીન્યર્સ હવામાં ઉડતા હતાં. ના, એટલે અમે એમના પગ નીચેથી ફૂટપટ્ટી ફેરવીને જોયું નહોતું, અનુભવ્યું હતું. પણ હવે એન્જીનીયરની કિંમત ઘટી રહી છે. જે ભોગેજોગે એન્જીનીયર થઈ જાય છે એ એમબીએ કે એવું કંઈ કરીને એન્જીનીયરનું લેબલ ફેરવવામાં લાગેલા જોવા મળે છે. જોકે એમબીએ થયેલા પણ પાણીપુરીની લારી ચલાવે એવા આ દિવસો છે. છત્તીસગઢમાં હમણાં જ ૧૪૦૦૦નાં પગાર ધરાવતી પટાવાળાની માત્ર ૩૦ પોસ્ટ માટે એન્જીનીયર અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સહીત ૭૫૦૦૦ એપ્લીકેશન્સ આવી હતી. મધ્યપ્રદેશમાં ક્લાસ-૪ની ૧૩૩૩ વેકેન્સી માટે ૩.૬૨ લાખ લોકોએ અરજી કરી હતી જે પૈકી ૧૬૦૦ એન્જીનીયર્સ અને ૧૪૦૦૦ પોસ્ટ-ગ્રેજ્યુએટસ હતા. પ્રાઈમરી સ્કુલમાં ટીચર તરીકે કામ કરતાં એક કરતાં વધારે સિવિલ એન્જીનીયર તો અમે પોતે જોયેલા છે. જેમ જેમ સરકારનાં અને સરકારી કર્મચારીઓના કૌભાંડોનાં આંકડાં બહાર આવે છે તેમ તેમ કદાચ સરકારી કર્મચારી અને નેતા બનવાની ખરજ વધતી જાય છે. 
પહેલાનાં સમયમાં લગ્નલાયક છોકરો ગ્રેજ્યુએટ ન થયો હોય અને છોકરીને રાંધવાનું ન આવડતું હોય તે છુપાવવામાં આવતું હતું. હવે મધ્યસ્થી એન્જીનીયર કે એમબીએની વાત લઈને આવે તો છોકરીના માબાપ ‘એ તો બરોબર પણ કોઈ સારો છોકરો બતાવોને’ એવું કહે છે. ભોગેજોગે વિચાર કરે તો પણ કઈ બ્રાન્ચમાં અને કઈ કોલેજથી એન્જીનીયરીંગ કર્યું તે પણ જોવાય છે. સેલ્ફ-ફાઈનાન્સમાં ચાલીસ ટકા સાથે એડમીશન લઈ એન્જીનીયર થયેલાને કોઈ સહેલાઈથી નોકરી કે છોકરી આપતું નથી. પહેલાનાં સમયમાં ડોકટરી કરતાં છોકરાં-છોકરીને માબાપ ફોરવર્ડ બની જઈ ‘તારી સાથે કે આગળપાછળ ભણતું કોઈ યોગ્ય પાત્ર હોય તો કહેજે’ એવું જણાવતાં. એન્જીનીયર્સનાં આવા ભાગ્ય પણ નથી. દહેજની પ્રથા આપણા ન ઈચ્છવા છતાં ચાલુ છે ત્યારે, એન્જીનીયરને કોઈ દહેજ નથી આપતું. કદાચ જે થાય છે એ સારા માટે થાય છે.

પહેલાના સમયમાં સ્વયંવર થતાં, હવે જો સ્વયંવર થાય તો કદાચ એન્જીનીયર સ્વય્મ્વારમાં ભાગ લેવા માટે એલીજીબલ થાય કે કેમ એ સવાલ છે. થાય તો પણ એન્જીનીયર છોકરાઓએ એક સ્વયંવરથી બીજા એમ જ્યાં જ્યાં સ્વયંવર સીએલ મૂકી મુકીને ધક્કા ખાવા પડે. એમાંય જયારે કન્યા એન્જીનીયર કે એમબીએને મુકીને કોઈ ઇન્ડસ્ટ્રીઆલીસ્ટ બીએ-બીકોમનાં ગાળામાં હાર નાખી દે ત્યારે જોવા જેવી થાય!

“વર રાંધણીયો, વર સિંધણીયો, વર ઘમ્મર ઘંટી તાણે,

પરણનારીનાં ભાગ્ય હોય તો બેડે પાણી આણે.”

જૂનાં સમયમાં ઉપરની ઉક્તિ ઘણી પ્રચલિત હતી. અમારા એન્જીનીયર પાડોશી અનિલભાઈ મિનરલ વોટરના ૨૦ લીટરિયા બાટલા ઊંચકીને લાવે છે ત્યારે અમને ‘બેડે પાણી આણે..’ ઉક્તિ યાદ આવે છે. અત્યારે એન્જીનીયર છોકરા વર તરીકે કંઈ ખોટા નહિ, એવું અમારું અનુભવગત માનવું છે. ઘરના નાનામોટાં રીપેરીંગ કામો તો એ જાતે કરી નાખે. એ પછી ફ્યુઝ ઉડ્યો હોય કે નળનું વાઇસર (વોશર) બદલવાનું હોય, વોશિંગમશીન કે ઓવન કઈ રીતે ચલાવવું, મોબાઈલમાં કઈ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી, આ સઘળી બાબતોમાં માર્કેટમાં ન ચાલતી નોટ જ કામમાં આવે છે. એન્જીનીયરીંગનાં ભણતરમાં જે જાતે ટર્મવર્ક કરે છે, તે મજુરી પણ કરી જાણે છે. જર્નલ કોપી કરવાની ટેવ ધરાવનાર એન્જીનીયર પતિને રામલો ન આવ્યો હોય ત્યારે કામે લગાડી શકાય છે. જેમ રામાયણમાં રાક્ષસોનું જોર રાત્રે વધતું એમ એન્જીનીયરોનું જોર પણ રાત્રે વધે છે. રાત્રે સાડા અગિયાર વાગે એને એક કપ ચા અને ખારી બિસ્કીટ ખવડાવીને કોઈ પણ કામ ચપટીમાં કરાવી શકાય છે.

એન્જીનીયર્સ અને પ્રોબ્લેમ્સને ચોલી-દામનનો સાથ છે. જ્યાં સમસ્યા હોય ત્યાં એન્જીનીયર તક શોધતો પહોંચી જાય છે. ઘણીવાર એ સમસ્યા અને તક બેઉ કોઈ એન્જીનીયરે જ ઉભા કર્યા હોય છે. જોકે એન્જીનીયર કમનસીબ છે, કારણ કે ડોકટરોની ભૂલ બાળી મુકાય કે દાટી દેવાય છે. વકીલ પોતાની ભૂલ કબુલ કર્યા વગર છેક ઉપરની કોર્ટ સુધી દલીલ કરી વધુ કમાય છે. આર્કિટેક્ટ પોતાની ભૂલ છુપાવવા બિલ્ડીંગ આગળ ઝાડ ઉગાડી, અને એને લેન્ડસ્કેપીંગ કહી એમાંથી વધુ રૂપિયા ઉભા કરી શકે છે, પણ એન્જીનીયરે કરેલી ભૂલ ભોંયતળિયાથી લઈને છાપરે ચઢીને પોકારે છે! એને પોતાની મરજીથી ઝાડ ઉગાડવાની પણ છૂટ નથી!

ઘરની બારીથી કોમ્પ્યુટરનાં વિન્ડો સોફ્ટવેર માટે એન્જીનીયર જવાબદાર છે. જોકે ઘરની બારી અને કોમ્પ્યુટરમાં વિન્ડો, ઘણીવાર બંને આસાનીથી ખુલતા નથી. બારીમાંથી ભેજ અને વિન્ડોમાં વાયરસ ઘુસી જાય છે. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર્સ એવું માને છે કે જો તેમણે ઈલેક્ટ્રીસીટી નાં શોધી હોત તો પ્રજા હજુ પણ મીણબત્તીની લાઈટથી ટીવી જોતી હોત. ઈલેક્ટ્રોનિક એન્જીનીયર તો એમ માને છે કે એ ના હોત તો આપણે મીણબત્તીનાં પ્રકાશમાં બાયોસ્કોપ જોતાં હોત. મિકેનીકલ એન્જીનીયર સમજે છે કે ચક્રની શોધ ન થઈ હોત તો આપણે મ્યુનિસિપલ (ની હદમાં છુટ્ટા ફરતાં) કૂતરા વડે ચાલતી સ્લેજમાં ઓફીસ જતાં હોત. આમ દરેક એન્જીનીયરને એવો ભ્રમ હોય છે કે એન્જીનીયરો જ દુનિયા ચલાવે છે. પણ એ બીજાં, સારા એન્જીનીયરો ચલાવે છે બકા. જેમ સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે છે તેમ એન્જીનીયર કહેવડાવતાં પહેલા એન્જીનીયર બનવું પડે છે.

હવે એન્જીનીયરને એની ડીગ્રી માટે નહિ, એના નોલેજ માટે પગાર મળે છે. હજારોની સંખ્યામાં દર વર્ષે માર્કેટમાં ઠલવાતા એન્જીનીયરો પૈકી જેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કીલ્સ છે, એન્જીન્યરીંગનું મૂળભૂત જ્ઞાન છે, અને કમ્પ્યુટર સારી રીતે વાપરી શકે છે તેમને ખાસ તકલીફ નથી પડતી. આવા એન્જીનીયરો ઇન્ડસ્ટ્રીનાં દુધમાં સાકરની જેમ ભળી જાય છે, બાકીનાં દુધમાં માખી બની રહે છે. ચાર વર્ષ ભણ્યા પછી કોરાં નીકળીને યુનિવર્સીટીને દોષ દેવાને બદલે પોતાને સક્ષમ બનાવવાનો સમય આવી ગયો છે. દ્રોણનું કોચિંગ મળે તો અર્જુન બનો, નહીંતર એકલવ્ય ! કંઈક કરી દેખાડો યાર !

Wednesday, September 09, 2015

અનામત મળે કે ન મળે નેટવર્ક મળવું જોઈએ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

શ્રાવણ મહિનો ભક્તિ અને તહેવારોનો મહિનો છે. એમાં લોકો મંદિર જાય છે અને ઉપવાસ કરે છે. પણ આ વખતે પાટીદાર આંદોલનને પગલે ગુજરાત પોલીસે ઈન્ટરનેટ ડેટા અને બ્રોડબેન્ડ પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ જેવી કે ફેસબુક, વોટ્સેપ અને ટ્વીટર પર પ્રતિબંધ મુક્યો જે લગભગ અઠવાડિયું ચાલ્યો. પોલીસના ડંડાથી જેટલી લોકોની કમર નથી તૂટી તેટલી નેટ બંધ થવાથી તૂટી છે, એવું લોકો માને છે.

નેટ ઉપવાસ અંગે શ્રાવણ મહિનો ચાલુ થયો તે પહેલેથી જ જોક ચાલતાં હતા. લો ઓફ એટ્રેકશન પ્રમાણે આ જોક સાચાં પડ્યા છે. શ્રાવણ મહિનામાં નેટનાં ઉપવાસ કરવાથી જ પુણ્ય મળે છે, એવું તુત અમુક લોકોએ ચલાવ્યું હતું. કમનસીબે એ સાચું પડ્યું. શ્રાવણ મહિનામાં એક અઠવાડિયાના નેટ ઉપવાસથી ઘણાં પતિ-પત્ની વચ્ચે સંવાદ સધાયો છે, એવું પણ જાણવા મળે છે. નેટ ઉપવાસને પગલે બોર્ડનું રીઝલ્ટ આ વખતે ઊંચું આવે તો એ સંજોગોમાં એન્જીનીયરીંગમાં ખાલી રહેતી સીટોની સમસ્યા પણ સોલ્વ થશે, એવું જેનું શૈક્ષણિક સ્તર પછાત છે તેવી એન્જીનીયરીંગ કોલેજોના ટ્રસ્ટીઓ માની રહ્યા છે. 
નેટ કે નેટ પર સોશિયલ મીડિયા બંધ થવાથી સોસાયટીઓ અને પોળોમાં જૂની ઓટલાં પરિષદો ફરી ચાલુ થઈ છે. સાંજ પડે ટીવી અને મોબાઈલમાં ખુંપી જતી પ્રજા હવે બહાર દેખાવા લાગી છે. ઇસનપુરમાં તો બાજુબાજુમાં ત્રણ વર્ષથી રહેતાં બે પાડોશીની આ અઠવાડિયામાં જ ઓળખાણ થઈ, અને એમને ખબર પડી કે બેઉ એક જ ગામના છે, એટલું જ નહીં નાનપણમાં એક જ શેરીમાં રહેતાં હતાં! પશ્ચિમ અમદાવાદમાં પણ પાડોશીઓ દ્વારા વાઈફાઈ વાપરવાના કિસ્સામાં અભૂતપૂર્વ કડાકો બોલ્યો છે અને પાસવર્ડ વગર વાઈફાઈ વાપરનારા નેટ-અબુધો આનું કારણ હજી સમજી શક્યા નથી. નેટ ફરી શરુ થતાં વરસથી મફત વાઈફાઈ વાપરવા દેતાં પાડોશી પ્રત્યે હમદર્દી ઉભરાઈ આવતાં અમુકે જણાએ તો પાડોશીના રાઉટરમાં પાસવર્ડ સેટ કરી આપવા સુધીની સેવાઓ આપી છે.

આ તરફ નેટ બંધ થવાથી ગુજરાતનાં કારખાનાંઓ અને ધંધામાં સુધારો નોંધાયો છે, ઓફિશિયલ ફીગર્સ આવવાના બાકી છે, પણ અગ્રણી બિઝનેસ હાઉસ હવે ગુજરાત પોલીસનું નેટ-ઉપવાસ મોડેલ થોડા ફેરફાર સાથે વાપરવાનું વિચારી રહી છે. કારણ કે બિઝનેસ માટે સાવ નેટ બંધ કરો તો કદાચ ન ચાલે. અમુક સોશિયલ મીડિયા સંપૂર્ણ બંધ તો ઘણાં સવારમાં સાડા આઠથી નવ અને સાંજે સાડા છ થી સાત જ ધંધાના કામકાજ માટે નેટ ચાલુ કરવાના મતનાં છે. સવાર-સાંજ નેટ માટે થઈને કર્મચારીઓ સમયસર અથવા સમય કરતાં વહેલાં આવતાં થશે એવી સૌને આશા છે. ગાંધીનગરમાં જીએસવાન અંતર્ગત નેટ ચાલુ હતું એ કારણે કર્મચારીઓ આ અઠવાડિયા દરમિયાન વધારે સમય કચેરીમાં ગાળ્યો હતો, તેવા અંદરના બિનસત્તાવાર સમાચાર પણ અમારી પાસે છે.

જોકે નેટ બંધ થવાથી યુવાનો આ આંદોલનથી વિમુખ થઈ ગયા છે. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો એ કહેવતમાં જેમ ગમે તે થાય ગોરનું પેટ ભરાવું અગત્યનું છે, તેમ આંદોલનનો હેતુ સારો હોય કે ખરાબ નેટ ચાલુ રહે તે યુવાનો માટે અગત્યનું છે. બાલ ગંગાધર તિલકજીએ કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે એ હું મેળવીને જ રહીશ, એમ સોશિયલ મીડિયા એ યુવાનોનો યુવાનીસિદ્ધ હક્ક છે, અને એ મેળવવા ભગતસિંહનો માર્ગ અપનાવતા પણ યુવાનો અચકાશે નહિ તેવી ચીમકી નેટીઝનોએ સરકારને આપી હતી. સરકારે અને પોલીસે આ ચીમકીથી ડર્યા વગર એક-એક દિવસ કરીને ઉપવાસ લંબાવ્યે રાખ્યા હતા.

એકાદ બે દિવસ તો ચલાવી લીધું કે ‘હશે, આપણે જ ચૂંટેલી સરકાર છે’, પણ જયારે નેટ ઉપવાસ અઠવાડિયું ચાલ્યા તેનાથી સૌ સરકાર પર અકળાયા છે. કારણ કે નેટ અને સોશિયલ મીડિયા પ્રજાની દુખતી રગ છે. જે હવે સરકારનાં હાથમાં આવી ગઈ છે. અમુક ને તો ડોશી મર્યા કરતાં જમ ઘર ભાળી ગયાંનું દુઃખ વધારે છે. હવે વારે-તહેવારે આ શસ્ત્ર પોલીસ વાપરશે. બની શકે કે દશેરાએ શસ્ત્રપૂજા સાથે દર વર્ષે નેટ બંધ કરવાનો નવો રીવાજ પણ પોલીસ ચાલુ કરે!

એક અઠવાડિયાના ઉપવાસ બાદ સેવા ચાલુ કરતી વખતે પોલીસે ચીમકી આપી છે કે જો આડાઅવળાં ઉશ્કેરણીજનક ફોટા કે વિડીયો પોસ્ટ કર્યા છે તો અંદર કરી દઈશું. પોલીસની આ ધમકીને પગલે વોટ્સેપ પર આડેધડ વિડીયો ફોરવર્ડ કરવાનાં બંધ તો થયા જ છે, પણ અમુક કે જે જોયા વગર કંઈ પણ ફોરવર્ડ કરતાં હતા તે ફોરવર્ડ કરતાં પહેલાં બધું વાંચતા થઈ ગયા છે. એટલે સુધી કે ગાય જેવા ઇશાંત શર્માનાં રાવણ ટીમ સામે ગુસ્સાભર્યા રૂપના વિડીયો પણ શેર કરતાં લોકો ડરે છે કે ક્યાંક પોલીસ આને ઉશ્કેરણીજનક વિડીયોમાં ખપાવી દે તો પોલીસ કસ્ટડીમાં જવું આજકાલ સલામત નથી! ચાર રસ્તા ઉપર બિન્દાસ્ત ટ્રાફિક પોલીસને ફટકારનારા પણ પોલીસનું આ નવું રૂપ જોઇને થોડાંક ડરેલા છે, કે હાઈલા, પોલીસમાં અંદર હજુ પણ અગ્નિ છે !

નેટ ચાલુ થતાં સર્વત્ર ખુશાલીનો માહોલ વ્યાપી ગયો છે. રામ રાવણ પર યુદ્ધ કરીને પાછાં આવ્યા એ સમયે નગરજનોમાં હતી એવી ખુશાલી ફેલાઈ છે, બસ ચોમાસાનાં લીધે ફટાકડા હવાઈ ગયેલા હોવાથી, અને ક્યાંક પોલીસના ડરથી બોમ્બ નથી ફોડ્યા એટલું જ. પૂર્વ અમદાવાદના અમુક એપાર્ટમેન્ટમાં લોકોએ પોતાની મ્યુઝીક સિસ્ટમ પર ‘મન મોર બની થનગાટ કરે’ ગીત જોરજોરથી વગાડી આનંદ વ્યક્ત કર્યો હતો. તો અમુકે તો નકલી પૂંછડી લગાડીને જોરજોરથી હલાવી આનંદની અભિવ્યક્તિ કરી હતી. એકંદરે સૌ ગઈ-ગુજરી ભૂલીને પાછા મોબાઈલનાં શરણે જતાં રહ્યા છે. હવે સરકાર અને આંદોલનકારીઓને જે કરવું હોય તે કરે, આપણું નેટ ચાલુ રહે!

આ આખા આંદોલન અને નેટ બંધ થવાથી લોકોની કમર તૂટી ગઈ હોય કે કોઈ મરી ગયું હોય એવા મેડીકલ અહેવાલ નથી જાણવા મળ્યા. નેટ જરૂરી છે, પણ अति सर्वत्र वर्जयेत એ હિસાબે નેટનાં અતિરેક પછી ઉપવાસ લોકોને અંદરથી ગમ્યા છે, હા, ઉપવાસ ભક્તિ ભાવપૂર્વક કે મરજીથી હોય તો સંથારો બને, મજબુરીથી હોય તો ભૂખમરો, અને ધમકીથી હોય તો ખૂન! હવે આ ઉપવાસમાં સરકારે શું કર્યું છે એ તમે જ નક્કી કરો !