Saturday, July 30, 2011

ધુરંધર તારાચંદ રાજકોટવાળાની વિધવાનો પત્ર


| અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૬-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને ઇ-મેઇલ તો આપણે બધા જ આજકાલ વાપરીએ છીએ. આ ઇ-મેઇલ દ્વારા આપણને જાતજાતની લલચામણી ઓફર્સ રોજ મળતી રહે છે. જેમ કે, પોતાનાં એરિયાની રૂપવતીઓ સાથે ડેટિંગની, વેબ કેમ ધરાવતી રૂપાળી છોકરી સાથે ચેટિંગની, દસ જણને ઇ-મેઇલ ફૉર્વર્ડ કરવાથી મફતના ભાવે લેપટોપની, ક્યાંક મફત મોબાઈલ ફોનની, તો કરોડો અબજો ડોલરની લોટરી જીતવાની તક અંગેની ઇ-મેઈલ્સ આપણે રોજ વાંચીએ છીએ અને અમુક લોકો તો એ ઇ-મેઇલમાંથી થોડા સપનાં ડાઉન લોડ પણ કરે છે. આમાં સૌથી વધારે સમયથી નાઈજીરિયન ફ્રોડનાં નામે ઓળખાતી ઓફર્સ ચાલે છે. આમાં કોઈ બિનવારસી ધન છૂટું કરવા તમને મદદ માટે પોકાર કરે છે અને તમે એ કરોડો રૂપિયા મેળવવાની લાયમાં  તમારી પાસે હોય તો, લાખો રૂપિયા ખોઈ બેસો છો.

પણ આ વિષે વિચારતાં અમને થયું કે દુનિયાના લોકો આપણને ઠગી જાય એટલાં આપણે ભોટ છીએ ? શું આપણી પાસે કોઈ આવા કલાકાર જ નથી ? શું આપણે દુનિયાને સામું કશું જ ન આપી શકીએ ? હા જાડેજા, ગાંધી, પંચાલ, સૈયદ જેવા થોડા તિલસ્મીઓ જરૂર છે આપણી પાસે જે સામી છાતીએ રૂપિયા લઈ જાય છે. એટલે અમે અમારા કઝીન જૈમિન જાણભેદુંને આ મામલામાં તપાસ કરવા કહ્યું તો, એણે તરત જ નાઈજીરિયા ફોન લગાવ્યો. પછી તો એણે બીજાં ચાર પાંચ દેશમાં ફોન કર્યા, અને એ જાણી લાવ્યો કે બોસ આપણી ગળી ગુજરાતણનાં નામે પણ બીજાં કેટલાય દેશોમાં આવા જ ઇ-મેઇલ ફરે છે. અને એવી જ એક ઇ-મેઇલ જૈમિનીયો શોધી લાવ્યો છે, જે અક્ષરશઃ તમારા માટે નીચે રજૂ કરું છું.     

વહાલા જ્હોન,

તમને થશે કે દુનિયાના લાખો જ્હોનમાંથી મેં તમને એકલાંને જ કેમ આટલાં પ્રેમથી અને કારણ વગર પસંદ કર્યા હશે ? પણ એવું નથી. મને કહેતા સંકોચ નથી થતો કે હું તમારી અને મારી બંનેની જીંદગી બદલાઈ જાય એવું કંઈક કહેવાની છું. કારણ કે તમે લકી છો. સૌથી પહેલા તમને હું મારી ઓળખાણ આપી દઉં, કારણ કે આ ઈન્ડીયા નથી કે ઓળખાણ પિછાણ વગર કોઈ કોઈના પર ભરોસો કરે? હું સ્વર્ગસ્થ ધુરંધર તારાચંદ રાજકોટવાળાની વિધવા પત્ની છું. ના, એમનો પેંડાનો બિઝનેસ નહોતો, એ સરકારી અધિકારી હતાં. વહાલા, તમારું ઇ-મેઇલ મને એક વિશ્વાસપાત્ર મિત્ર પાસેથી આપ્યું છે. આ મિત્ર સંશોધનનું કાર્ય કરે છે. શેનું સંશોધન ? વેલ, એને ઇ-મેઇલ ભેગાં કરવાનો શોખ છે. જુદા જુદા લોકોના ઇ-મેઇલ. કેટલી વરાઇટી હોય છે નહિ ઈ-મેઈલ્સમાં નહિ ? જોને મારું ઇ-મેઇલ બબલી.બંટી@ધુતારા.કોમ  પણ અહિ બધાને ઘણું જ ગમે છે. તો જ્યારે મારા આ મિત્રને મેં કહ્યું કે મારે એક વિશ્વાસ પાત્ર વ્યક્તિની જરૂર છે. એણે ક્ષણનાં પણ વિલંબ વગર મને તમારું ઇ-મેઇલ શોધી આપ્યું. કેટલું સરસ ઇ-મેઇલ છે તમારું, લોભિયા.જ્હોન@બેવકૂફ.કોમ મને તો ઇ-મેઇલ એડ્રેસ વાંચીને જ તમારી વિશ્વસનીયતા વિષે વધારે સવાલ કરવાનું મન ન થયું. તો હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો કેવું ? પણ તમે આગળ વાંચો એ પહેલા મારી તમને જણાવી દેવાની ફરજ છે કે આપણી વચ્ચે જે આ પત્રવ્યવહાર થાય છે તે અતિશય ખાનગી પ્રકારનો છે, જે ઇન્કમ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, સર્વિસ ટૅક્સ, બીટેક્સ, નીટેક્સ કે ટેરરીસ્ટ એટેકસ એવા કોઈ પણ ટૅક્સની નજરમાં ન આવે એટલું ધ્યાન રાખશો. નહિતર ધંધો કરવાની મઝા તો નહિ જ આવે, પણ હાથમાં આવેલું પંખી પણ ઊડી જશે !

જ્હોન તમારો, મારો, અને સૌનો ઈશ્વર એક છે, ને એ જ સૌનો માલિક છે. આ હું નથી કહેતી, પણ એવું મારી જનની કે જેની જોડ અખિલ બ્રહ્માંડમાં નહિ જડે એણે ક્યારેક કહ્યું હતું. હા, એજ બ્રહ્માંડ કે જેમાં કરોડો તારા પણ છે. જોકે અમુક તારા જમીન પર પણ હોય છે. અને આકાશ અને જમીનવાળા બધાં તારા અમારા ગુજરાતમાંથી કમ્પ્લીટ દેખાય છે, કોક વખત તો ધોળે દાડે પણ દેખાય છે. પણ ભારતીય અધ્યાત્મમાં માનનારા આ તારા-મારામાં માનતા નથી પરંતુ આપણામાં માને છે. આપણું એટલે મારું પણ નહિ, તારું પણ નહિ, પાડોશીનું પણ નહિ અને સરકારનું પણ નહિ. તમે સમજો છોને વહાલા જ્હોન ? એટલે જ તમને મારા સમજીને આપણાં બેઉના ફાયદા માટે આ મેઇલ કર્યો છે. 

વહાલા, અમારા ભગવાન કહે છે કે કર્મ કરો અને ફળની આશા ન રાખો. મારા સ્વર્ગસ્થ પતિ પતી ગયાં ત્યાં સુધી કર્મ કરતાં રહ્યા. એ સરકારી નોકરીમાં હતાં પણ એ કાયમ ઓવર ટાઈમ કરતાં હતાં. સરકાર આ ઓવર ટાઈમના રૂપિયા પણ નહોતી ચૂકવતી. એ ઑફિસની ફાઈલોને નકશા ઘેર લાવતા હતાં. મારા એ ઑફિસમાં કરે તેટલી જ મીટીંગો હોટલોમાં કરતાં હતાં. પણ, છતાં એ એટલાં સાદાં હતાં કે ફાઈવ સ્ટાર હોટલમાં આવી મીટિંગ થાય તો પણ કોફી તો ખાંડ વગરની જ પીતા હતાં. ગુજરાતમાં હોય ત્યાં સુધી તો એ સાવ સસ્તી કારમાં ફરતાં હતા, હા, પણ અમે બહારગામ જઈએ ત્યારે મારા પતિ એકાદ બે ફોનથી કરી ક્યાંયથી અગડમ બગડમ (બળ્યું, નામ પણ લખતા નથી ફાવતું) કંપનીની કાર અમારી સેવામાં મંગાવી લેતાં હતાં. એમની ઑફિસનો સ્ટાફ પણ અમારા ઘેર અવરજવર કરતો હતો. આ સ્ટાફ એટલો વિશ્વાસુ હતો કે સ્ટાફના રૂપિયા અમારે ત્યાં વગર વ્યાજે પડ્યા રહેતા હતાં. બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને જમીનનાં દલાલોને મારા હાથની ચા બહુ ભાવતી એટલે એ ચા-પાણી માટે અમારે ત્યાં આવતા હતાં, અને જતી વખતે ચા-પાણીના રૂપિયા બૅગમાં ભરીને આપી જતાં હતાં. હા, મોંઘવારી કેટલી વધી ગઈ છે નહિ ? પણ મોંઘવારી તો બધાને નડે છે, એટલે જ મારા એ ઘણી વખત મંત્રીજીનાં પત્નીના હાથની ચા પીવા જતા અને ફોરેન જવામાં વપરાય એવી સૂટકેસ ભરીને રૂપિયા આપી આવતાં. હાસ્તો, મોટા માણસો વધારે મોંઘી ચા ના પીવે ?

પણ મારા પતિ ઘણાં ઉદ્યમી હતાં. એ પ્રધાનોના હમરાઝ, બિલ્ડરોના હમદર્દ અને અમુક લોકો માટે સરદર્દ હતાં. એમની સ્કીમોનો વ્યાપ અત્ર, તત્ર, અને સર્વત્ર એમ ઘણો વિશાળ હતો. એકવીસ જિલ્લાઓમાં તો એમણે બેતાલીસ એજન્સીઓ આપી હતી. આ એજન્સી તૃણમૂળ બોલે તો ગ્રાસ રૂટ લેવલે કામ કરતી હતી. સોરી, ગાંધીજીના ગુજરાતમાંથી કાગળ લખું છું પણ ખબર નહિ વચ્ચે મુન્ના ભાઈ ક્યાંથી ઘૂસી જાય છે. પણ તમને એ બધી સમજ નહિ પડે. હા, તો મારા પતિની સરકારી અને બિનવારસી મોકાની જમીનો શોધી એનાં કાગળોમાં જરૂરી સુધારા વધારા કરી આપવાની સેવાઓમાં એમની હથોટી હતી. હથોટી સમજો છોને ? હથોટી મીન્સ, જેમ લખોટીની ગેમ્સમાં તાકવાની આવડત હોય એમ જ એમને રૂપિયા પાડવાની આવડત હતી.

તો આમ ખૂબ આકરી મહેનત કરી, પરસેવો પાડીને મારા પતિએ ઘણાં રૂપિયા બનાવ્યા હતાં. તો પણ એમનાં વિરોધીઓ તો એમને નોટો છાપે છે કહી બદનામ પણ કરતાં હતાં. બનવાવા અને છાપવામાં શું ફેર છે એ તો તમને ખબર હશે જ. પણ એમનાં વિભાગમાં ભારે સંપ હતો. સંપ ત્યાં જંપનાં સૂત્રો એમની ઓફિસમાં ઠેર ઠેર લાગેલા હતાં. આ સંપના કારણે પટાવાળાથી લઈને મંત્રી સુધી સૌ બે પાંદડે થયા હતાં. એમનાં વિભાગમાં જે હજારપતિ હતાં એ જંપ મારીને વરસ બે વરસમાં લખપતિ, લખપતિઓ જંપ મારીને કરોડપતિ અને કરોડપતિઓ જંપ મારીને અબજપતિ બન્યા હતાં, અને આમ સંપ ત્યાં જંપનું સૂત્ર સાર્થક કર્યું હતું. પણ કૉમન વેલ્થ ગેમ્સ પછી એક વખત બહુ હાઈ જંપ મારવામાં આખી ટોળકી ભેખડે ભરાઈ ગઈ. સરવાળે ઘણાં પ્રયત્ન છતાં બંદૂકવાળા, ટોપીવાળા, ટાલવાળા, અને દાઢીવાળા અનેક લોકો જેલમાં ગયાં, પણ મારા પતિને તો માનવામાં જ ન આવ્યું કે કરોડો રૂપિયા હોવા છતાં અને એ વેરવાની તૈયારી હોવા છતાં પતાવટ કેમ ન થાય. એટલે જ એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, પછી એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા, ત્યાં એ ડોક્ટરો અને સાથીઓને આશ્ચર્યમાં મૂકી એ હેવન  ડોટ કોમની સફરે ચાલ્યા ગયાં. આ વાતને આશરે છએક મહિના થયા હશે. છેક હવે, હું એમના શોકમાંથી બહાર આવી છું. હા, અમારા ઇન્ડિયામાં આ શોકને બધું બહુ લાંબું ચાલે, તમારે ત્યાં તો અત્યાર સુધીમાં બીજા લગન થઈ ગયા હોય નહિ ?     

તો વહાલા જ્હોન તમને ખબર પડી ગઈ હશે કે આ મારા પતિએ ભેગાં કારેલા બધાં દલ્લાની માલિક હું જ છું, મારા પતિના પીએફને અત્યારે ન ગણું તોયે અંદાજે સાડી સુડતાલીસ કરોડ રૂપિયાનાં આઠ ફ્લૅટ, ત્રણ બંગલા, ચાર પ્લૉટ અને બે શો રૂમ મારા પિયરના નામે લીધેલાં છે. પિયર તો તમને ખબર જ હશે, અમારી ગુજરાતી સ્ત્રીઓ પિયર બહુ જાય, અને ન જાય તો જવાની ધમકીઓ પણ બહુ આપે, અને અમુક સ્ત્રીઓ તો પિયર ગયાં પછી પાછી આવવાની ધમકીઓ પણ આપે બોલો ! તમે પણ શું જ્હોન, પિયર યાદ કરાવીને રડાવી દીધીને મને? હા, મારું પિયરનું નામ જ આ બબલી છે. તમારામાં પેલી બબલ ગમ હોયને એમ હું બબલી, ફુગ્ગા જેવી જ છું, અરે ફુગ્ગા જેવી હવા ભરેલી કે ગોળ નહિ, નાજુક ડિયર. તો આ બધી પ્રૉપર્ટી છે અને નથી. છે એટલાં માટે કે એ છે, અને નથી એટલા માટે કે એ હું વાપરી કે વેચી શકતી નથી એટલે.  

તો તમને આ સ્કીમ સંભળાવવાનો હેતુ એટલો જ કે તમે આ પ્રૉપર્ટી છોડાવવામાં મને સહાય કરો. હવે આ સાડા સુડતાલીસ કરોડ રૂપિયા કે જેને પિસ્તાલીસ વડે ભાગશો એટલે તમને કેટલા અમેરિકન ડોલર થશે એ પણ ખબર પડી જશે. ભૂલચૂક લેવી દેવી. તો આ પ્રૉપર્ટી મારે તમારા નામે ટ્રાન્સ્ફર કરવી છે. અમારા ગુજરાતમાં આજકાલ ફોરેન ઇન્વૅસ્ટમેન્ટ બહુ બધું થાય છે. એટલે તમે અહિ બે ચાર પ્રૉપર્ટી ખરીદશો તો કોઈને આશ્ચર્ય નહિ થાય. એટલે વાત બહુ સિમ્પલ છે. તમે એક વાર મને હા કહો એટલે હું પ્રોપર્ટીના કાગળ તૈયાર કરું. તમારે આમાં ખાલી સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો કરવાનો છે, બસ એટલી મામૂલી રકમમાં પ્રૉપર્ટી તમારા નામે, અને પછી એ વેચીને ૩૦% હિસ્સો લઈ તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. તો તમને આ સ્કીમ મંજૂર હોય તો તમારું સંપૂર્ણ નામ, સરનામું અને બૅન્કના પાસવર્ડ મને મોકલી આપશો. હા, અમારે ત્યાં પ્રૉપર્ટી રજિસ્ટર કરવા એ જરૂરી છે, કારણ કે અહિ આજકાલ એટલાં ફ્રોડ વધી ગયાં છે એટલે સરકાર ખૂબ સાવચેતીથી કામ કરે છે. હવે હસો નહિ, અમારા ત્યાં સરકાર ખરેખર કામ કરે છે, એટલે જ તો એક પચાસ હજારનો પગારદાર માણસ સાડી સુડતાલીસ કરોડ ભેગાં કરી શકે ને ? તો નિશ્ચિંત થઈ તમારી વિગતો અને ટેલિફોન નંબર મોકલી આપો, એટલે હું તમને વળતી ઇ-મેઈલે આગળની કાર્યવાહી અંગે માહિતી આપું.

એજ લી.
તમારી મદદ થકી
કરોડપતિમાંથી અબજપતિ
થવા મથતી
વિધવા બબલી

Tuesday, July 26, 2011

જવાબ વગરના સવાલો


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૨૪-૦૭-૨૦૧૧ |
‘રાઈટ ટુ ઇન્ફર્મેશન’ તો મહાભારત સમયમાં નહોતું છતાં મહાભારતમાં અજ્ઞાત વાસ શરુ થવાનો હતો એ સમયે પાંડવોને સરોવરમાં પાણી પીવા જતી વખતે યક્ષ મળ્યો હતો જેણે પ્રશ્નો પૂછીને યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવોને ઢાળી દીધા હતાં. આ પ્રશ્નો ઓબ્જેક્ટીવ બોલે તો હેતુલક્ષી પ્રકારનાં નહોતા એટલે ચાર પાંડવોએ તો યક્ષનું પ્રશ્નપત્ર જોવાની જ તસ્દી જ નહોતી લીધી. માત્ર યુધિષ્ઠિર ધીરજવાન હતાં કે જેમણે તરસ લાગી હોવા છતાં યક્ષના પેપરને સોલ્વ કર્યું હતું. પછી તો યક્ષે ખુશ થઈને પાંડવોને સજીવન કર્યા અને શિખામણ આપી રવાના કર્યા હતા. આજકાલ જોકે જવાબો કરતાં પ્રશ્નો મહત્વના થઈ ગયાં છે. રાઈટ ટુ ઇન્ફર્મેશન હોય કે લોકસભા કે વિધાનસભામાં પુછાતાં પ્રશ્નો. સામાન્ય રીતે જવાબ આપવાથી નવા પ્રશ્નો ઉભા થાય એવા પ્રશ્નો પૂછવાથી જ જવાબ આપનારની પરીક્ષા થઈ જાય છે. અને પ્રશ્ન પૂછનારનું અડધું કામ તો પ્રશ્ન પૂછવાથી જ પતી જતું હોય છે!

બાકી પરીક્ષામાં પ્રશ્નો પૂછી માસૂમ વિદ્યાર્થીઓનો જીવ લેનાર માસ્તરોનો પોતાનો જીવ વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછીને ખાઈ જતાં હોય છે. અમારી કૉલેજમાં એક કેસી સર કરીને હતાં જેમને છોકરાંઓ જાણી જોઈને સવાલ કરતાં, અને કેસી સર એટલાં સિન્સિયર કે એ સવાલનો જવાબ આપે જ, ભલે પછી એ જવાબ આપવામાં આડા પાટે ચઢી જવાય. જોકે બધાં પ્રોફેસરો પુછાયેલા સવાલોના જવાબ આપે જ તે જરૂરી નથી. અમુક પ્રોફેસરો પ્રશ્ન પૂછવાથી ગૂંચવાઈ જાય છે, અને જો એ દાખલો સોલ્વ કરતાં હોય તો એમણે કોમ્પ્યુટરની જેમ રીસ્ટાર્ટ થવું પડે છે. રાહુલ દ્રવિડની જેમ સ્ટમ્પની બહાર જતાં બોલને અડતો નથી, તેમ અમુક પ્રોફેસરો આડાઅવળાં સવાલોનાં જવાબ આપતા નથી. તો અમુક પ્રોફેસર એ સમજવું હોય તો રીસેસમાં રૂબરૂ મળએવી ગર્ભિત ધમકી પણ આપે છે, જેથી પેલો છોકરો રીસેસમાં અને એ પછી મોટેભાગે આખો દિવસ પ્રોફેસરની રેન્જમાંથી અદ્રશ્ય જ થઈ જાય છે. પણ જો કોઈ પ્રોફેસર અમારા જેવા હોય તો એ પ્રશ્ન પૂછનારને જ સામો પ્રશ્ન પૂછીને કન્ફયુઝ કરી નાખે છે!

રેલ્વેમાં અને સરકારી વિભાગોમાં પ્રશ્નોનાં જવાબ આપવા પૂછપરછનામની બારી હોય છે. અમુક વખતે તમે સરકારી મકાનમાં પ્રવેશો તો પૂછપરછલખેલી બારી કરતાં પહેલા તમને અહિ પૂછપરછ કરવી નહિતેવી બારી જોવા મળે છે. પછી થોડા ફાંફા મારો એટલે પૂછપરછની બારી જડે. આવી પૂછપરછકરવાની બારી પર જવાબ આપવા ખૂબ જ ધીરજવાળી વ્યક્તિને બેસાડી હોય છે. આવી બારીઓ પર સામાન્ય રીતે લાઈન લાગેલી જોવા મળે છે. લાઈનમાં  પૂછપરછ કરનાર લોકો બે પ્રકારના હોય છે. એક, કે જેમને ફુરસદ જ ફુરસદ હોય છે એટલે કબજિયાતના દર્દીની જેમ એ ખૂબ જ શાંતિથી પૂછપરછ કરે છે. અને બીજા, કે જે અતિસારનાં દર્દી જેવા હોય છે કે જેમને ખૂબ ઉતાવળ હોવાથી આગળ વાળો ખસે તો પોતે પૂછી લે તેવી ઉતાવળ ધરાવતા હોય છે. કુદરતના કોઈ અકળ નિયમ મુજબ આવી લાઈનોમાં કબજિયાત વાળો આગળ અને અતિસાર વાળો હંમેશા પાછળ ઊભેલો હોય છે.

એવું કહેવાય છે કે પૂછતાં પંડિત થવાય. આ પંડિત થવાની લાયમાં લોકો બીજાનાં લમણા દુખાડી દે છે. આમાં પૂછનાર તો પૂછતાં પંડિત થતો હશે કે નહિ તે રામને પૂછો, પણ જેને પ્રશ્નો પૂછાય છે તે જરૂર કંટાળી થાય છે. અને જો પૂછતાં જ પંડિત થવાતું જ હોય તો શિક્ષકો અને પ્રોફેસરો મહેતા કે આચાર્ય મટી પંડિત જ ન બની જાય ? આમાં પાછું જે પહેલેથી જ પંડિત હોય એમનું શું? એ યક્ષ પ્રશ્ન તો પાછો ઊભો જ રહે છે. આ ઉપરાંત જે પહેલેથી પંડિત હોય તે વધુ પ્રશ્નો પૂછી મહાપંડિત થઈ શકે તેવી જોગવાઈ આ કહેવતમાં નથી, અને એકવાર પંડિત થયાં પછી પંડિત તરીકે ચાલુ રહેવા માટે પ્રશ્નો પૂછ્યા કરવા કે કેમ એ અંગે પણ કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. એકંદરે આ આખો મામલો જુના પ્રશ્નો સોલ્વ કરવાને બદલે નવા પ્રશ્નો ઉભા કરે છે. 

પ્રશ્ન પૂછવા એ ઘણાનો ધંધો હોય છે, તો અમુકનાં DNAમાં વણાયેલું હોય છે. વકીલોનો સમાવેશ પ્રથમ પ્રકારમાં થાય અને પત્નીઓનો બીજા પ્રકારમાં. બંનેમાં સમાનતા એ છે કે બન્ને સામેવાળા પાસે સત્ય ઓકાવવા માટે આમ કરે છે. બંનેમાં ફેર એટલો જ કે વકીલ વ્યવસાયના ભાગ તરીકે પ્રશ્નો પૂછે છે, અને પત્ની પોતાના અબાધિત હકની રૂએ. આવી આકરી પૂછપરછને ઊલટ તપાસ પણ કહે છે. પત્નીનાં સવાલોનાં જવાબ આપવામાં ખૂબ તકેદારી રાખવી તેવું અનુભવી લોકો કહે છે. કારણ કે પત્નીના સ્વરૂપમાં કુદરતે એક અદભુત લાઈ ડિરેક્ટર મશીન બનાવ્યું છે. અને કમનસીબે એ મશીન ઘણું એક્યુરેટ હોય છે.

ક્યારેક પ્રશ્નનાં સાચો જવાબ આપવામાં જોખમ રહેલું હોય છે. વિક્રમે વાર્તા સાંભળી વેતાલના પ્રશ્નોનાં દોઢ ડાહ્યાં થઈને જવાબ આપ્યા એમાં પચીસ વખત મડદું ઉતારવાની ગધ્ધામજૂરી કરી હતી. વિક્રમને પછી બેક પેઈનનો પ્રૉબ્લેમ પણ થયેલો એ વાત વાર્તાકારે વાંચકોથી છુપાવી છે. પણ અમુક વખત પ્રશ્ન પૂછવાનો આશય ટાઈમપાસ કે સામેવાળાને પકાવવાનો હોય છે. પ્રશ્નો જ એવા પૂછવામાં આવે છે કે જેનો જવાબ જ ન હોય. જેમ કે 'પહેલા મરઘી કે પહેલા ઈંડું?'. કહે છે કે હકીમ લુકમાન પાસે પણ આ પ્રશ્ન નો જવાબ નહોતો. કાદરખાને જુદાઈ ફિલ્મમાં 'એક કુત્તા ચાર કિલો મીઠાઈ ખા ગયા, ફિર કુત્તે કા  વજન કિયા તો ચાર કિલો હી નિકલા તો બતાઓ મીઠાઈ મેં સે કુત્તા કહાં ગયા?' જેવા પ્રશ્નથી 'પકાઉ' પ્રશ્નો પૂછતાં પરેશ રાવળને ઢાળી દીધા હતા! તો લ્યો, તમારા માટે આજનો પકાઉ પ્રશ્ન 'જો બનિયાનમાં પડેલું કાણું બનિયાન જેવડું જ હોય તો તમે શું પહેર્યું કહેવાય, બનિયાન કે કાણું ?' ■
~ અધીર  અમદાવાદી

Sunday, July 24, 2011

ટ્રાફિક સિગ્નલનો ઇન્ટરવ્યુ


|અભિયાન |હાસ્યમેવ જયતે | ૦૯-૦૭-૨૦૧૧ |

બાબા રામદેવે પારણા કરી નાખ્યા એટલે નવરા થયેલ ચેનલ ANNના ઉત્સાહી રિપોર્ટર્સ નવી સ્ટોરીની શોધમાં અમદાવાદમાં આવી ગયા છે. હવે આ વળી ANN ચેનલ કઈ ? એવો પ્રશ્ન તમારા મગજમાં આવે એ સ્વાભાવિક છે. તો તમારું કુતૂહલ વધાર્યા સિવાય જણાવી દઉં કે ANN એટલે અધીર ન્યુઝ નેટવર્ક. બહુ અદ્દભુત અને આશ્ચર્યજનક ખબરો માટે આ ચેનલ આજકાલ નામ કાઢી રહી છે. તો આમ ANNની અનુભવી રિપૉર્ટર મિસ. અભરખા કેમેરામેન દેખતેની સાથે આજે શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે. આશરે રાતના સવા નવ વાગ્યાનો સમય હશે.

આજના આખા દિવસનાં રઝળપાટ પછી અભરખાને માત્ર એક જ સ્ટોરી મળી હતી. અમદાવાદનાં બહેરામપુરા વિસ્તારમાંથી આઠ કુતરા ગુમ થયાની સ્ટોરી હતી. આમ તો એણે સ્ટોરી સંતોષકારક રીતે કવર કરી હતી. કૂતરાઓનાં ગુમ થવાથી દુખી થઇ રડતાં બે નાના છોકરાઓને પણ કેપ્ચર કર્યા હતાં. એક હાઉસ વાઈફે પણ હવે કૂતરા જવાથી એઠવાડનું શું થશે ? એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. અરે, એણે કોર્પોરેશનની ચૂંટણીનાં બે ભૂતપૂર્વ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ કર્યા હતાં, એમણે કૂતરાઓના ગુમ થવા પાછળ વર્તમાન કોર્પોરેટરનો હાથ હોઈ શકે તેવો આક્ષેપ પણ કર્યો હતો. તો આ વિસ્તારમાં કામ કરતાં અને નવરંગપુરાના પોશ વિસ્તારમાં ઓફિસ ધરાવતાં એક એનજીઓનાં યુવા કાર્યકર અનુરાધાને પણ એણે કવર કર્યા હતાં. અનુરાધાએ સરકારની નીતિ ગરીબ વિરોધી હોવાની અને કોઈ બિલ્ડર ઝૂપડપટ્ટીની જગ્યાએ સ્કીમ મુકવા સાઈટ જોવા આવ્યો હતો, અને એ બિલ્ડરને સ્થાનિક કૂતરાઓએ ભસીને ભગાડી મુક્યો હતો તે આ કૂતરાંવાળી ઘટનાનાં મૂળમાં છે એ વાતની લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. પણ એની વાત એટલી લાંબી થઇ ગઈ હતી કે સવા બે મિનિટના ફાળવેલા સમયમાં સમાઈ શકે તેમ નહોતી. પણ રાધાડીને કોઈ સરકાર વિરોધી ટોક શોમાં બોલાવવા જેવી તો છે, તેવી મનોમન નોંધ સાથે એણે કૂતરા વાળી સ્ટોરી પડતી મૂકી હતી.

એટલે થોડીક નિરાશ એવી અભરખા ઓફિસમાં રિપોર્ટ કરવા પાછી જતી હતી ત્યાં સિગ્નલ પર એને અનપેક્ષિત બ્રેક મળ્યો. એ રસ્તાની બરોબર ડાબી તરફ એ ઉભી હતી ત્યાં સિગ્નલના થાંભલા પાસેથી અવા આવ્યો, હેય અભરખા, કમ હીયર ! અભરખા ચકિત થઇ ગઈ. થાંભલા પાસે કોઈ એવું દેખાતું નહોતું જે એને બોલાવે. ભિખારી છોકરાઓ તો એમની પાળી પૂરી કરી ઘેર પહોંચી ગયાં હતાં. ટ્રાફિક પોલીસ પણ એમની નવ વાગ્યાનાં નિર્ધારિત સમય પહેલા સરકી ગયાં હતાં. એટલે થાંભલો બોલાવે છે એ નક્કી થતાં અભરખાએ ટુ-વ્હીલર સાઈડમાં કરી પહોંચી ગઈ. દેખતે સહે આગળ નીકળી ગયો હતો એને પણ પાછો બોલાવી લીધો.

બસ પછી તો અભરખાએ જોતજોતામાં થાંભલાને ઇન્ટરવ્યુ આપવા રાજી કરી લીધો. થાંભલાના ચેનલ પર પ્રસારિત થયેલા ઇન્ટરવ્યુનાં સંક્ષિપ્ત અંશો વાચકો માટે અહિ રજુ કર્યા છે.

અભરખા : દુનિયામાં પહેલી વાર, ANN નેટવર્ક પર એક ટ્રાફિક સિગ્નલની સ્ટોરી. સિગ્નલ કે જે આખો દિવસ તડકામાં તપે છે ને વરસાદમાં પલળે છે. સિગ્નલ કે જે આખો દિવસ વીસ અને પચાસની નોટોની હેરફેર જુએ છે. તો આવો વાત કરીએ આવાં સિગ્નલ સાથે, હા તો સિગ્નલ જી, તમારા જન્મ વિષે થોડી વાત કરો. કઈ રીતે તમે આ જગ્યા સુધી પહોંચ્યા ?  

સિગ્નલ : એ તો બહુ લાંબી વાત છે. પણ ટૂંકમાં કહું તો કોર્પોરેશનનાં કોક હોશિયાર એન્જિનિયરે ઓફિસમાં બેઠા બેઠા ટ્રાફિકના આંકડાઓની રમત કરી હશે, એટલે આ ચાર રસ્તા પર સિગ્નલ મૂકવાની દરખાસ્ત તૈયાર થઇ હતી, આમ મારા માનસ પિતા એ એન્જિનિયર થયા. પછી તો એસ્ટિમેટ થયો, ટેન્ડર બન્યું. જાહેરાત આવી. દિનેશભાઈએ ટેન્ડર ભર્યું અને એસ્ટિમેટ કરતાં વીસ ટકા ઓછી કિંમતમાં અમને ચાર ભાઈઓને ઉભા કરવાની દિનીયાએ લેખિત બાંહેધરી આપી. પછી મહાકાળી ફેબ્રીકેટરને ઓર્ડર આપ્યો. આમ મારા જન્મની પૂર્વતૈયારીઓ શરુ થઇ.

અભરખા : ઇન્ટરેસ્ટિંગ છે. પછી શું થયું ?

સિગ્નલ  : પછી જે થવાનું હતું તે થયું !

અભરખા : પણ શું એ તો કહો

સિગ્નલ  : પછી મને બનાવવા માટે પાઈપ સિલેક્ટ થયો, જે ઈંચના બદલે ચાર ઈંચનો હતો. અને ગેજમાં પણ લગભગ દોઢ દોરો ઓછો, એટલે એમ સમજોને કે જાણે બાળક અન્ડર વેઈટ જન્મે એવી અમારી પરિસ્થિતિ થઇ. આટલું ઓછું હોય તેમ અમને જમીનની અંદર ચાર ફૂટ દાટવાનાં હતો એમાં પણ ૨૫% ઓછા એટલે કે ત્રણ ફૂટ દાટવામાં આવ્યા. અમારી આજુબાજુ બે બે ફૂટનું સિમેન્ટ કોન્ક્રીટ કરવાનું હતું તે પણ બધું એવું ઘાલમેલવાળું. અરે બીજું તો ઠીક, અમને રંગ કરવામાં આવ્યો એમાં પણ અંધારામાં ચળકે એવાં રંગને બદલે નારોલની કોઈક ફેક્ટરીમાંથી ચાલુ રંગ મંગાવવામાં આવ્યો હતો. પછી આવું બધું હોય એટલે અમે જુવાનીમાં ખખડી જઈએ ને ?

એટલામાં પવન ચઢયો. અભરખાને બે ઘડી પરસેવો થઇ ગયો. આ થાંભલો પડશે તો ઇન્ટરવ્યુ, પોતે અને દેખતે બધાં પુરા થઇ જશે એવા વિચારો પણ એને આવવા લાગ્યા. પણ એ બધાં વિચારોને ઢીંક મારી એ પાછી સિગ્નલ સાથે વાત કરવા લાગી.  

અભરખા : હશે, કોન્ટ્રાકટરને પણ ફેમીલી હોય ને. એટલે કરવું પડે. પણ તમે એ કહો કે તમારી દિનચર્યા શું છે ?

સિગ્નલ  : અમારા દિવસની શરૂઆત તો ગમે તે કૂતરો ગમે તે સમયે કરી નાખે છે. પણ અમારા ચાલુ થવાનો ઓફિશિયલ સમય સવારનાં નવ વાગ્યાનો છે. કોન્સ્ટેબલ વારદાન તો સવા નવ કે સાડા નવે પહોંચે પણ પહેલા પેલા સામે કોર્નર પર કીટલી વાળા શંકરજી બરોબર નવ વાગ્યે અમારું કંટ્રોલ બોક્સ ખોલી સ્વીચ પાડી દે. એટલે અમારી બત્તીઓ અને રુઆબ ચાલુ. પણ ઠીક મારા ભાઈ. રુઆબનાં તો દિવસો ગયાં હવે બોલી થાંભલાએ એક લાંબો નિસાસો મુક્યો.

અભરખા : એટલે ?

સિગ્નલ  : અરે હવે તો કોઈ અમને માન નથી આપતું. અને આ અન-સ્ટોપેબલ અમદાવાદીઓ. રેડ સિગ્નલ પણ એમણે રોકી શકતું નથી. અને અમારી બત્તીઓ કરતાં બાઈકધારીઓની નજર કૉન્સ્ટેબલ પર વધારે હોય છે. અમારી હાલત આપણા વડાપ્રધાન જેવી થઇ ગઈ છીએ, આમ આખો ટ્રાફિક અમારા ઈશારા પર ચાલે, પણ જો કોન્સ્ટેબલ તમાકુ મસળતા હોય તો અમને કોઈ ન ગાંઠે. સિગ્નલ રેડ હોવા છતાં રોકેટની જેમ બાઈક્સ છૂટે. પણ આ કૉન્સ્ટેબલ પણ શું કરે બિચારા ! કેટલાને પકડે ! કેમે કે આવા કોલેજીયનો કે માર્કેટિંગ એક્ઝીક્યુટીવ્સને પકડે તો પણ એ લોકો વીસ રૂપિયાથી વધારે છૂટે નહિ. અને એ સિવાયના જેટલાને પકડે એમાંથી અડધો અડધનાં સગા ક્યાં તો પોલીસમાં હોય, કોક મંત્રીનાં દૂરનાં સગા થતાં હોય કે પછી કોક ચોપાનિયામાં નોકરી કરતાં હોય. એટલે વાર્તા કરીને જવા દેવાના ! અમને તો અહિ શું કામ રાખ્યા છે એ સવાલ થાય છે હવે તો. એક અમારા દાદાનો જમાનો હતો કે જ્યારે જોરુભા જેવા કૉન્સ્ટેબલ ચાર રસ્તા વચ્ચે ઉભા રહેતા તે એવાં તો જબ્બર હતાં કે ડીએસપી પણ એક વાર ઉભા રહી જતાં.

અભરખા : હશે, એ તો થયાં કરે, એ કહો કે આખો દિવસ કેવો જાય છે તમારો ?

સિગ્નલ : અરે ખાસ કઈ નથી હોતું. એક વાર સિગ્નલ ચાલુ થાય એટલે પછી બધું રૂટિન. લાઈટ લાલ હોય એટલે બધાં ઝિબ્રા ક્રૉસિંગ વટાવીને ઉભા હોય. જેને જમણી બાજુ જવું હોય તે સૌથી ડાબી બાજુ ઉભા હોય. ડાબી બાજુ જવું હોય એનો રસ્તો બ્લોક કરીને કોઈ સીધા જનારું ઉભું હોય. સિગ્નલ પર સૌથી આગળ એક પસ્તીની લારીવાળો ઉભો હોય. એની બાજુમાં એક સાઈકલ રીક્ષાવાળો હોય. એની બાજુમાં એક રીક્ષાવાળો મશીન બંધ કરીને છાપું વાંચતો હોય. સ્કુટર બંધ કરી ઊભેલા કાકા હોર્ડિંગમાં રહેલી મોડલની પોતાનાં સ્કૂટરથી પણ જુના મોડલની પત્ની સાથે સરખામણી કરતાં હોય. કારનાં એસીમાં બેઠેલો મિડલ એ મેનેજર કોલેજીયનોને તાકતો હોય. કોલેજીયન્સ સ્કુટી પર જતી છોકરીએ બાંધેલા બુકાનીની આરપાર એ કેવી દેખાતી હશે એ તર્ક કરતાં ઉભા હોય. સ્કુટી પર પાછળ બેઠેલી છોકરી મોબાઈલ પર એસએમએસ વાંચતી હોય. કોક આન્ટી પાછળ બે બાળકોને લઇને જતાં હોય એ પોતાનાં બેઉ પગ લબડાવી ચંપલ ઘસડાતા બ્રેક મારી ઉભા રહે. અને સિગ્નલ હજુ તો ગ્રીન થવામાં હોય એ પહેલા હોર્નની કાગારોળ મચી જાય. જે સૌથી આગળ હોય એમને કોઈ ઉતાવળ ન હોય એમ નિરાંતે બંધ વાહન ચાલુ કરે. ને બાઈક પર ક્યાંય ન જતાં કપલને સૌથી વધુ ઉતાવળ હોય, પણ એ ચાર રસ્તાની અધવચ્ચે પહોંચે એટલે પાછળ બેઠેલી છોકરીની સુચના મુજબ પેલો યુ ટર્ન લે. અને આમ અફડાતફડીનો માહોલ થઇ જાય.

અભરખા: અહા, બહુ ઇન્ટરેસ્ટીંગ..  

સિગ્નલ  : મને હતું કે અફડાતફડી વાળી વાત તમને ગમશે .

અભરખા : હા, એ સાચી વાત. પણ સિગ્નલભાઈ આ રો એનું એ કામ કરી તમે બોર નથી થતાં ?

સિગ્નલ  : હા, હું તો કંટાળી ગયો છું. રો એનો એ ટ્રાફિક, જાહેરાતોના પાટિયામાં રૂપાળી મોડલો, એક સાઈડથી બીજી સાઈડ દોડી ભીખ માંગતા છોકરા, રો બે ચાર મારામારી, રો દસ વીસ ગાળાગાળી, અમીરોના મોંઘા બાઈકમાં ધુમાડો થતું પેટ્રોલ અને ત્રણ પૈડાની રીક્ષામાં લોખંડના એન્ગલોનું  વજન ખેંચતો દલપો, ઘેર બાળકો ભૂખ્યા હશેની લ્હાયમાં સાંજે રઘવાઈ થઇ નોકરીથી ઘરભણી ભાગતી મમ્મીઓ, ને પેલા વારદાનનો રો દસ ટેમ્પોનો ક્વોટા, ને તોયે બસ પકડી ઘેર પહોંચે ત્યારે એનાં ઘેર અડધાં ભૂખ્યાં છોકરાં ! ને એમાં આપણે જાણે કાઇ લેવાદેવા ન હોય એમ સવાર થતાં લાલ, પીળાને લીલા થયાં કરવું, ને રો રાતે પાછું ઓલવાઈ જવું, સાલું સખ્ખત બોરિંગ કામ છે આ તો !  
~ અધીર અમદાવાદી