Friday, July 22, 2011

ભૂવાની સમસ્યાના સમાધાન માટે થોડાક સજેશન


| દિવ્ય  ભાસ્કર ડોટ કોમ | ૧૮-૦૭-૨૦૧૧ |

સામાન્ય રીતે ભૂવાઓ ભલભલા ભૂત ભગાડી દે છે એવું લોકો માને છે. પરંતુ અમદાવાદમાં રસ્તા પર પડતાં ભૂવાઓ પોતે લોકોને અકાળે સ્વર્ગસ્થ કરી ભૂતોની વસ્તીમાં વધારો કરે છે.

અમદાવાદને કનડતી ભૂવાની સમસ્યાનો ઉકેલ લાવવા અમે ઊંડું મનોમંથન કર્યું છે. તો ભૂવા પરના મનોમંથનમાંથી નીકળેલા થોડા અમૃતનાં ઘૂંટડા તમને પીવા માટે અહિ પીરસું છું.
  • અમને ભૂવાઓનો અભ્યાસ કરતાં એવું લાગ્યું કે ભૂવાઓ અમદાવાદીઓની પાણી-પરીક્ષા લે છે. જેમ રામાયણમાં સીતામાતાની અગ્નિ પરીક્ષા પછી ધરતી ફાટી હતી અને સીતાજી એમાં સમાઈ ગયાં હતા, એમ અમદાવાદીઓની પાણી-પરીક્ષામાં જમીનમાં ભૂવા પડે છે અને એમાં સ્કુટરો, કાર, બસો વગેરે સમાઈ જાય છે.  
  • જો કે અગ્નિ પરીક્ષામાં સીતાજી પાસ થયાં હતાં, પણ પાણી-પરીક્ષામાં ડોબા અમદાવાદીઓ ફેઈલ થવાથી બીજાં વર્ષે પણ એની એ પરીક્ષા એમણે ફરી આપવી પડે છે.
  • અને અમદાવાદની ધરતી પર સાચે પાપ વધી ગયાં છે એટલે તો ધરતી આમ વારંવાર ફાટે છે.
 ભૂવાઓની સમસ્યાનો કાયમી ઉકેલ હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જડ્યો નથી તો એમનાં એન્જિનિયરો અને નવા કમિશનરને ભૂવાની સમસ્યાના સમાધાન માટે થોડાક સજેશન એન્જીનિયર અધીર અમદાવાદી તરફથી ...
  • ચાર પાંચ ભુવાઓના સમૂહને જમીન નીચે જોડી દિલ્હીના પાલિકા બજાર જેવું અન્ડર ગ્રાઉન્ડ માર્કેટ બનાવી દેવું જોઈએ. મ્યુનિ. વાળા ખુશ થશે કારણ કે માર્કેટની દુકાનોની હરાજી કરીને એ લોકો નવી આવક ઉભી કરી શકશે.
  • બીઆરટીએસનાં રૂટ પર પડેલા ભૂવાઓને જમીન નીચે જોડી ને નવો અન્ડર ગ્રાઉન્ડ બીઆરટીએસ રૂટ બનાવી દેવો. બીઆરટીએસ પછી અન્ડરગ્રાઉન્ડ રૂટ પર ચલાવવી જોઈએ. આથી બીઆરટીએસ રૂટને લીધે આસપાસનાં રસ્તા પરનાં આમ વાહનચાલકોની કનડગત પણ ઓછી થશે.
  • અમુક ભૂવાઓને સ્વીમીંગ પુલમાં ફેરવી નાખવા જોઈએ. અમદાવાદમાં આમેય ગરમી ઘણી છે અને સ્વીમીંગ પુલ આમેય ઓછા પડે છે.
  • ભૂવાઓને તળાવમાં ફેરવી નાખી એનાં ઉપર ફ્લાયઓવર બાંધી દેવો જોઈએ. આથી ફરી ફરી થતાં ભુવાઓની સમસ્યાનો કાયમી નિકાલ થાય.
  • ભૂવાઓમાં પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ બનાવી દેવી જોઈએ, એટલે વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે. જો આવું થાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આફ્રિકાનાં કોઈ એનજીઓ તરફથી વધારાનો એવોર્ડ પણ મળી શકે તેવી શક્યતા રહેલી છે.  
ઉપર દર્શાવેલ બધા ઉપાયોમાં ભૂવામાં પુરાણ કરવા વપરાતા કરોડો રૂપિયા તો બચશે અને આ બધાં પ્રોજેક્ટમાં ખોદકામ કરવાના કરોડો રૂપિયા પણ બચશે, આમ ડબલ ફાયદો છે. જો કે આવું થાય તો બિચારા કોન્ટ્રાક્ટરો તો ભૂખ્યા મરે ને ? માટે અમે આ બધાં પ્રસ્તાવો પાછાં ખેંચીએ છીએ.

No comments:

Post a Comment