Wednesday, September 28, 2016

સગવડિયા સત્યો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૦૯-૨૦૧૬

સન ૨૦૦૫ની વાત છે. બિહારમાં સત્યેન્દ્ર દુબે નામના એક પ્રમાણિક આઈ.ઈ.એસ. ઓફિસરે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનાં ખરાબ કામ અંગે સત્યના પક્ષે રહી કાર્યવાહી કરી જેને પરિણામે રોડ માફિયાઓએ એને ગોળી મારી દીધી. જોકે એનાથી બીજા સત્યેન્દ્ર દુબે નથી બન્યા કે નહીં બને એવું નથી. ગાંધી બાપુનો બર્થ ડે આવે છે એટલે આ વાત યાદ આવી. હેપી બર્થ ડે ટુ ડીયર બાપુ. બાપુએ ઘણું બધું આપ્યું અને અપાવ્યું છે. એમાં સત્ય અને અહિંસા એ બે વાત સૌથી વધારે યાદ રહી જાય તેવા સિદ્ધાંતો છે. બાપુએ સત્યના પ્રયોગો કરીને આત્મકથા લખી છે. પ્રયોગ શબ્દ સંશોધનમાં ખાસ વપરાય છે. પ્રયોગના પરિણામો પોઝીટીવ અને નેગેટીવ બેઉ હોઈ શકે છે. વિજ્ઞાનમાં પ્રયોગ સફળ જાય તો આપણને નવી શોધ મળે છે અને નિષ્ફળ જાય તો અનુભવ મળે છે. અત્યારે તો સત્યના પ્રયોગો કરવામાં જાનનું જોખમ છે, અને એ પરણેલાઓ સારી રીતે સમજે છે. ગાંધીજી એટલે પણ મહાન હતાં કે એમણે સત્યના પ્રયોગો કસ્તુરબાની હયાતિમાં લખ્યા હતા, અને પાછા તે વકીલ પણ હતા! 
 
ખોટું બોલવા અંગે કેટલીય માન્યતાઓ પ્રવર્તે છે. હિંદુ ધર્મમાં એવી એક માન્યતા પ્રવર્તે છે કે જો થોડુક ખોટું બોલવાથી કોઈનું ઘર વસતું હોય તો ખોટું બોલવામાં પાપ નથી. અધર્મનો નાશ કરવા માટે યુધીષ્ઠીર પણ ‘નરો વા કુંજરો વા’ બોલ્યા હતા. જોકે અમારા સાકર બાનું માનવું છે કે ઘોંઘાટ વચ્ચે ગુરુ દ્રોણ ‘વા’ની તકલીફ માટે કંઈ પૂછવા આવ્યા છે એમ માનીને યુધિષ્ઠિરે એમને નરીયો વા છે કે કુંજરીયો વા છે એવું સામે પૂછ્યું હતું. પણ ઉંમરના લીધે દ્રોણના કાને પણ કાચું હશે તે એ પણ ઊંધું સમજ્યા. એ જે હોય તે પણ એ વાત સત્ય છે કે નકરું સત્ય ચોખ્ખા ઘી જેવું હોય છે, જેનું માપમાં સેવન કરો તો ગુણકારી નહિ તો એ અતિસારકારી નીવડે છે! એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘सत्यम ब्रुयात प्रियम ब्रुयात न ब्रुयात सत्यम अप्रियम’ અર્થાત સાચું બોલો, પ્રિય બોલો, પણ કડવું લાગે એવું સત્ય ન બોલો. એમ તો પ્રિય લાગે એવું અસત્ય બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે. અને હજી જો ગ્રંથોનો વધુ અભ્યાસ કરશો તો તમારે જોઈતુ હોય એવું સત્ય મળી જશે. જેમ કે જે સત્ય કહેવાથી છૂટાછેડાની નોબત આવે એવી હોય એવું સત્ય કહેવાનું ટાળવું જોઈએ. આશય એટલો જ કે છોકરાં રખડી ન પડે. બાકી અમને ખબર છે કે આ વાંચીને ઘણાને હાશ થઈ હશે!

પોતાના લખાણથી વાચકોને સેન્ટી કરી મુકનારા કોલમિસ્ટો અને લેખકો વારંવાર લખે છે કે આપણા સમાજમાં પ્રત્યેકના ચહેરા ઉપર અસત્યનું મહોરું ચડાવેલું હોય છે જેની પાછળનું સત્ય ચોંકાવનારુ હોય છે. હાથીની જેમ માણસોમાં પણ ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. આમ પણ હવે ઇમ્પ્લાન્ટસ આવી ગયા પછી અસલી અને નકલી દાંત વચ્ચેનો તફાવત જાણવો પણ મુશ્કેલ થઇ ગયો છે ત્યારે સ્માઈલ પણ ચોવીસ કેરેટનું હોવાની શક્યતા નહીવત છે. પણ વાતમાં અસ્થમા છે. આપણે ત્યાં એવા ‘કુમાર’ મળી આવશે જે સાસુને કાંદા-લસણની ના પાડતા હોય અને બહાર એમના મિત્રો એ ભાઈ બાઈટીંગ લઈને આવે તો બાટલી ફોડીએ એમ કરીને એની રાહ જોતા બેઠા હોય છે. અમારો તાજો અનુભવ કહીએ તો એક સત્સંગી અને ભક્ત ગણાતા ભાઈ સાથે અમે ચાની લારીએ બેઠા હતા ત્યારે પાણીનો ગ્લાસ અમારી તરફ લંબાવતા એમણે જયારે કહ્યું કે “લો, લગાવો” ત્યારે અમે બાંકડા પરથી ઉલળતા ઉલળતા રહી ગયેલા. આ બધા રાજપાલ યાદવની સાઈઝના સત્યો છે જેની ઉપર ટોપલો ઢાંકેલો રાખવામાં જ સાર છે.

જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે કે જયારે સાચું બોલવું જોખમી હોય છે. પોલીસ પકડે ત્યારે પોતે વેપારી કે માલદાર છે એની જાણ કરવી, પત્ની આગળ ઓફિસમાં ખુબસુરત મહિલા કલીગ છે તે જાહેર કરવું, ઇન્કમટેક્સનાં દરોડા વખતે સામે ચાલીને લોકરની ચાવીઓ આપી દેવી, અને દારુડીયો મિત્ર ઘેર મળવા આવે ત્યારે સારી બ્રાંડની વ્હિસ્કી પડી છે તેવું કહેવું રિસ્કી છે.

અમુક એવું માને છે કે મોટું જુઠ્ઠાણું ન ચલાવાય, પરંતુ નાના-નાના મીની જુઠ બોલીએ તો ચાલે. મોઢા ઉપર માખણ ચોંટ્યું હોય છતાં બાળ કનૈયો પણ કહેતો કે ‘મૈયા મોરી મૈ નહિ માખન ખાયો...’ એવું. આથી જ ‘અમદાવાદ આવવા નીકળી જ ગયો છું, રસ્તામાં જ છું’ એવું કહેનાર હજી મુંબઈથી નીકળીને વિરાર માંડ પહોંચ્યો હોય એવું બને, અને છતાં ‘રસ્તામાં જ છું’ એને માટે એવું મોટું અસત્ય નથી કે જેના માટે એને નરકમાં જવું પડે! ફેસબુક કે ટ્વિટર પર કોઈની પોસ્ટ કે ટ્વિટ લાઈક ન કરી હોય તો ‘મેં તો જોઈ જ નથી, ક્યારે મૂકી?’ એવું કહી છટકી જવું એ મીની જુઠ છે. આ બધા નાના નાના જૂઠ છે જે સાહજીકતાથી બોલવામાં આવે છે. આવી વાતમાં છુપાયેલા અસત્ય બાબતે બોલનાર પોતે સભાન રીતે અભાન હોય છે. પછી જેમ ટ્રાફિક પોલીસ ત્રણ સવારી કે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર સાથે પરત્વે સખ્તાઈથી કામ નથી લેતા, તેમ આવા નાના જુઠ બોલનારને ઉપરવાળો આડા હાથે નહિ લેતો હોય, એવું સાહજીક રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે.

મસ્કા ફન
શોભાના ગાંઠિયાની બહેનને ચટણી ન કહેવાય, એકતા કપૂર કહેવાય!

Wednesday, September 21, 2016

નવા પાપ-પુણ્ય પર પ્રકાશ પાડતી અધીર-બધિર સંહિતા


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૦૯-૨૦૧૬

એવું કહેવાય છે કે ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ અકળ છે. અને એટલે જ આપણને રોજબરોજની ભાષામાં દરેક બાબુ, બચુ કે રંછોડભ’ઈ વાપરી શકે એવું સૂત્ર ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ મળ્યું છે. કવિશ્રી દા. ખુ. બોટાદકર લખે છે – ભર્યા ભાગ્યના ભેદ રે ભૂંડા–ભલા ભોગવવા. સાદી ભાષામાં આપણને સમજાવવામાં આવે છે કે કર્યા ભોગવવાના છે કે પછી અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે. કર્મના પ્રકોપથી બચવા આપણે અનિચ્છનીય કૃત્યો કરવાથી દૂર રહીએ છીએ. પણ બધું આપણા હાથમાં નથી. ગયા જન્મના જે કર્મોએ આપણો અત્યારનો ભવ નક્કી કર્યો છે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી.

સત્કર્મોથી ભવિષ્ય અને ભવ સુધારવા માટેના અગણિત રસ્તાઓ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા અને ધર્મગુરુઓએ સમજાવ્યા છે. લેકિન કિન્તુ પરંતુ but ... નવા મિલેનિયમમાં મુલ્યો બદલાયા છે. ગઈકાલ સુધી જે વિકૃતિ લેખાતી હતી એને આજે સામાજિક સ્વીકૃતિ મળી ગઈ છે. લગ્નસંસ્થામાં પરિવર્તનનો પવન વાયો છે. સાયન્સ અને ટેકનોલોજી બદલાયા છે. પરિવર્તનની સાથે સાથે નવા પ્રકારના પાપ પણ સામે આવ્યા છે જે બાબતે શાસ્ત્રો મૌન છે. જેમ કે, દગા તો અગાઉ પણ થતા હતા પણ આજકાલ ફેસબુક ઉપર રૂપકડી કન્યાના પ્રોફાઈલ પિક્ચર સાથેનું એકાઉન્ટ બનાવીને વાંઢા, પ્રૌઢ, વિધુરો અને અસંતુષ્ઠ પરિણીતોને છેતરવાની પ્રવૃત્તિ. આ છેતરપીંડી બાબતે કાયદાકીય જોગવાઈ હશે, પણ ઉપરવાળાની અદાલતમાં શું સજા મળશે એ બાબતે શાસ્ત્રનું વિધાન ન મળે એ સ્વાભાવિક છે, કારણ કે એ જમાનામાં સોશિયલ મીડિયા નહોતું. પણ તમે લેશમાત્ર ચિંતા ન કરશો. આ બાબતે અમો એ ગહન અભ્યાસ કરીને તમારા માર્ગદર્શન માટે કેટલાક તારણો કાઢ્યા છે.

પડોસન ફિલ્મ પરથી પ્રેરણા લઈ, ફેસબુક ઉપર ‘રાધા કાનાની’ નામનું ફેક આઈ.ડી. બનાવીને સગ્ગા મામાને છેતરનાર ભાણીયા જેવા લોકો આવતા ભવમાં બહુરૂપી બને છે અથવા કાચિંડાનો અવતાર પામે છે. રહી વાત મામીને પડતી મુકીને ફટાકડી પાછળ ફિલ્ડીંગ ભરનારા એના મામાની, તો એવા મામાઓ આવતા જનમમાં વાનર તરીકે અવતરે છે, એ પણ પૂંછડી કપાયેલા. 

Image Source: Unknown
‘મુવ ઓન’ ફિલોસોફી આવી છે ત્યારથી સંબંધોમાં બેવફાઈનું પ્રમાણ વધી રહ્યું છે. લગ્નજીવન તો ઠીક, મિત્રતામાં પણ બ્રેકઅપના કિસ્સા વધી રહ્યા છે. મોટો વર્ગ વારંવાર ગર્લફ્રેન્ડ બદલતા અને રીલેશને રીલેશને કુંવારા રહેતા સલમાન ખાનને તો સામો પક્ષ બિપાશા અને દીપિકા જેવીને આદર્શ ગણી આગળ વધી રહ્યો છે. આવા લોકોને અમે લાલબત્તી ધરવા માંગીએ છીએ. આમારા સંશોધન પ્રમાણે જે જાતક વારંવાર ગર્લફ્રેન્ડ બદલતો રહે છે એ નેક્સ્ટ જનમમાં પાણી-પૂરીવાળો ભૈયો બને છે. પછીના જનમમાં એ રૂપકડી કન્યાઓથી સતત ઘેરાયેલો તો રહે છે, પણ એ તમામ એને ‘ભૈયા’ તરીકે સંબોધે છે. બાકી હોય એમ આટલી સુંદરીઓનો લાડકો ભૈયો હોવા છતાં એમાંની એક પણ એને ભાઈબીજ ઉપર જમવા બોલાવતી નથી.

માણસ કમાય છે શા માટે? ફિલ્મી ભાષામાં કહીએ તો ‘ચૈન કી રોટી ખાને કે લીએ...’ પણ આ વિશ્વમાં એવા અસંખ્ય લોકો છે જે બે ટંક પેટ ભરી શકે એટલું કમાય છે ખરા પણ શાંતિથી ખાઈ શકતા નથી. કારણ એટલું જ કે એને જમાડનાર પત્ની ભૂખથી નબળા પડેલા માટીડાના માથે સતત ટકટક કરતી હોય છે. આવામાં હાથનો કોળીયો હાથમાં રહી જાય અને રાંધ્યા ધાન રખડી પડે એવું પણ બને છે. જે પત્ની એના પતિને જમતી વખતે ખલેલ કરવાનું મહાપાપ કરે છે, તે પછીના જનમમાં શાકમાર્કેટની ગાય તરીકે અવતરે છે અને ટોપલામાં મોઢું નાખવા સાથે માથામાં દંડો ખાવા પામે છે. માફ કરજો, રજોoનnio અને નણંદ ાલા-ગુટખા આ લખતા અમે થોડા ભાવુક થઇ ગયા!

મોબાઈલ નંબર પોર્ટેબિલીટી દ્વારા સર્વિસ પ્રોવાઈડર બદલ્યા કરનાર વ્યક્તિ નેક્સ્ટ જનમમાં સીઝનલ વસ્તુ વેચતો વેપારી બને છે અને એની બધી શક્તિ ગઈ સિઝનના હવાયેલા ફટાકડા કે ફસકી જાય એવા પતંગ વેચવામાં વપરાઈ જાય છે. સસ્તી સ્કીમ માટે નવા નંબરો લેતા લોકો ચાઇનીઝ માર્કેટના દુકાનદાર બને છે જેના પર જાતજાતના વિભાગોના દરોડા અવારનવાર પડતા રહે છે. મિસકોલ મારીને કામ ચલાવનાર પરભવમાં કોઈ મૉલમાં દુકાનદાર બને છે જેની શોપની મુલાકાત તો હજારો લોકો લે છે, પણ માલ કોઈ ખરીદતું નથી.

વિદ્યાર્થીઓને ચાલુ કલાસે પડીકી લેવા મોકલનાર શિક્ષક બીજા જનમમાં મોટા ઘરનો શ્વાન બને છે અને બગીચામાં ટેનીસ બોલ અને ફ્રીઝ્બી લેવા દોડાદોડ કરવા પામે છે. વારંવાર અને કારણ વગર હોર્ન વગાડનાર આવનાર જન્મમાં ડીજેવાળો બાબુ બને છે જેને છોકરીઓ વારંવાર પોતાનું ગીત વગાડવાની ફરમાઈશ કરીને માથું ખાઈ જાય છે. વેફર અને પાણીના પાઉચ જ્યાં ત્યાં ફેંકનાર વ્યક્તિ બીજા જનમમાં શહેરી ગાય બને છે અને પ્લાસ્ટિક સહિતનો એંઠવાડ ખાવા પામે છે. રોંગ સાઈડમાં વાહન ચલાવનારને સ્વર્ગની ટીકીટ હોવા છતાં યમરાજનો પાડો ભૂલથી નર્કમાં નાખી આવે છે.

આજ રીતે ટીવી જોતી વખતે પાર્ટનર પાસેથી રીમોટ આંચકી લેનાર, કોઈના મોબાઈલમાં મેસેજ વાંચનાર, ચાલુ વાહને મોબાઈલ પર ગપ્પા મારનાર કે રસ્તા પર વાહન મૂકી પાન ખાવા જનાર, કોઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરનાર કે કોઈને ટ્રોલ કરનાર તેના અપકર્મોની સજા આ નહીં તો આવતાં ભવમાં જરૂર પામે છે. જોકે ઉપર પણ આપણી કોર્ટની જેમ કેસોનો ભરાવો થયો હશે એવી આશાએ લોકો આવા પાપ કરવાનું બંધ નથી કરતાં એ અલગ વાત છે.

મસ્કા ફન

ઢીંચણમાં બેઠો માર વાગવાથી ઊભા રહેવામાં તકલીફ પડે છે. 


( આ પાંચસોમી બ્લોગ પોસ્ટ છે. ગુડ છે બ્લોગ tતથા આ આર્ટીકલ કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં શેર કરજો !!! બીગ થેંક યુ !!!)

Wednesday, September 14, 2016

સર્જ પ્રાઈસિંગ, વ્યવહારમાં

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૦૯-૨૦૧૬ 

‘હવે તો રાજધાનીમાં પણ સર્જ પ્રાઈઝિંગ લાગુ પડશે’ જીગ્નેશે ઓફિસમાં પ્રવેશ કરતાં જાહેર કર્યું. ‘ખબર છે’ ત્રણ જણા એક સાથે બોલ્યા.
--
હવે દરેક વ્યક્તિ એકના એક સમાચાર ઓછામાં ઓછા ચાર પાંચ વાર તો જુવે જ છે. પહેલું ચેનલ સર્ફ કરતાં કરતાં જુદી જુદી ચેનલ પર એકનું એક પીપુડું વાગતું હોય એ. બીજું એજ સમાચારનું સોશિયલ મીડિયાના બની બેઠેલા એક્સપર્ટસ દ્વારા ઓનલાઈન વિશ્લેષણ વાંચીને. એ પછી ત્રીજા નંબરે એ જ સમાચાર ઓફિસમાં સાંભળ્યા હોય તો ઘેર, અને ઘરે સાંભળ્યા હોય તો ઓફિસમાં ટ્રાન્સમીશન થાય ત્યારે ઓફલાઈન સાંભળવા મળે. આજે જીગ્નેશ આ રીતે જ સર્જ પ્રાઈઝિંગનાં સમાચાર લાવ્યો હતો જે બધાને ખબર હતા. જેમ હવાઈસફર કરનાર જેટલી મોડી ટીકીટ બુક કરાવે તેમ ટીકીટનાં ભાવ વધતા જાય છે, તેમ જ હવે રાજધાની ટ્રેઈનનાં બુકિંગમાં થશે. આ રીતે ઓનલાઈન ટેક્સી સેવા આપનાર પણ ઊંચા ભાવ વસુલે જ છે. રીક્ષામાં પણ રાત્રે દોઢું ભાડું છે. હિલસ્ટેશન્સ પર હોટલનાં ભાવ શિયાળાનાં અને ઉનાળાના જુદા જ હોય છે. ડોકટરો પણ ઈમરજન્સીમાં કેસ જોવાનો ચાર્જ અલગ લેતા હોય છે. ઇકોનોમિકસમાં ડિમાંડ-સપ્લાયનાં નિયમો તો વર્ષોથી જાણીતાં છે. ટૂંકમાં તત્કાળ રીઝર્વેશન નામની ડોશી મરી ગઈ એમાં સર્જ પ્રાઈસિંગ નામનો જમ ઘર ભાળી ગયો એમ ચોક્કસ કહી શકાય. આ બધા ગરજવાનને ખંખેરવાના દાવ છે. જોકે ઓફિસમાં જીગ્નેશ દ્વારા ચર્ચા છેડાઈ એ પછી ચર્ચાએ અલગ મોડ લીધો. પ્રોગ્રામર રુતુલે તુક્કો ચલાવ્યો કે ‘સાલું આ સર્જ પ્રાઈઝિંગ આપણી નોકરીમાં અને પગારમાં લાગુ પડે તો?’

અને બધા ચમકી ઉઠયા. માય ગોડ.

‘બ્રીલીયંટ આઈડિયા રુતુલીયા’ કહી સૌથી સીનીયર કામચોર શાહભાઈએ વધાવી લીધો.

‘મંથ એન્ડ અને માર્ચ એન્ડમાં કામ કરવા માટે પગાર સર્જ રેટથી મળવો જોઈએ’. બીજું બોલ્યું.

‘સાંજે છ પછી કામ કરીએ તો સર્જ રેટથી સેલરી ગણાવી જોઈએ’,

‘હા યાર, એટલે આ શાહભાઈ જેવા સાડા પાંચમાં વોશરૂમમાં જઈને માથું ઓળવા માંડે છે તે બંધ થઈ જશે’.

‘અરે આગલી કંપનીમાં તો મારે બેસતા વર્ષે અને રક્ષાબંધન પર પણ જવું પડતું હતું, એવા દિવસોમાં સેલરી ૨૫૦% મળવી જોઈએ’

પછી તો એક પછી એક તુક્કા આવવા લાગ્યા.
અન-રીઝર્વ જનરલ ક્લાસમાં નથી સર્જ પ્રાઈઝિંગ. જલ્દી આવી જા !!

--
ઓવરટાઈમ અને બોનસ આ બે મિકેનીઝમ નોકરીયાતો માટે ઓલરેડી છે જ. પણ એમાં રેટ ફિક્સ રહે છે. સર્જ પ્રાઈઝમાં રેટ વેરીએબલ રહે છે. ટૂંકમાં એક કલાક કામ તમે રોજ કરતાં હોવ અને મંથ એન્ડના પ્રેશરમાં કરતાં હોવ તો તમને મંથ એન્ડમાં અલગ રેટ મળવા પાત્ર થાય. આ તો તુક્કા છે, બાકી પેટ માટે બધી જધામણ કરતો નોકરિયાત પથારીમાં ગમે તે બાજુ મ્હોં કરીને સુવે, એનું પેટ વચ્ચે જ આવે છે.

સર્જ પ્રાઈઝીંગમાં મુખ્ય વાત મંદીના સમયે અથવા રોજબરોજની કામગીરીમાં સસ્તી સેવાઓ આપવાની અને મોકો મળતા વધારે ભાવ પડાવી લેવાની વાત છે. આ હિસાબે કામવાળાઓ હોળી અને દિવાળી વખતે સર્જ પ્રાઈઝ માંગે તે વાજબી જ છે ને? અહીં બોનસ અને સર્જ પ્રાઈઝ વચ્ચે કન્ફયુઝનને સ્થાન નથી, મૂળ વાત જે ભાવ હોય તેનાથી વધારે કે ઉપરની રકમ વસુલવાની છે. સ્વાભાવિક રીતે જ ટેક્સી કે ફ્લાઈટમાં કંપની તમારી પાસે બોનસ ના માંગી શકે.

આ રીતે તો પછી ઘરમાં પણ સર્જ સર્વિસ રૂલ્સ લાગુ પડે. હાસ્તો. ઘરમાં તો કેશ ટ્રાન્ઝેક્શન થાય નહીં એટલે પોઈન્ટ સિસ્ટમ દાખલ કરવી પડે. અડધી રાત્રે નાસ્તો બનાવવાના સર્જ પોઈન્ટ્સ મળે. મેચ જોતી વખતે અને દારુ પીતી વખતે બાઈટીંગ કે બરફની ગોઠવણ કરવાના સ્પેશિયલ સર્જ પોઈન્ટ્સ. અહીં અગત્યનું એ છે કે બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર જેવી નોર્મલ સર્વિસના પોઈન્ટ મળતા નથી. સામી તરફ પતિને પત્નીને રેલ્વે સ્ટેશન મુકવા જવાની હોય તો એના પોઈન્ટ ન મળે. પરંતુ સાસરા પક્ષનાં મહેમાનોને સ્માઈલ આપવામાં કે સાસરે જતી વખતે ડ્રાઈવરની સેવા આપવાના પતિને ખાસ સર્જ પોઈન્ટ્સ મળે, જે હિસાબ કરતી વખતે પત્નીના બેલેન્સમાંથી બાદ થાય!

દસેક વર્ષ પહેલા અમારી સાથે બની ગયેલી એક સાચી ઘટનાની વાત છે. સુરતથી મધરાત્રે બે વાગે મણિનગર સ્ટેશન ઉતરી અમે કાંસ તરફ અમારા ઘરે જવા દક્ષિણી ફાટક પાસે ઉભેલા એકમાત્ર રિક્ષાવાળાને જયારે પૂછ્યું, ‘આવવું છે?’ તો એણે તોરમાં કહ્યું કે ‘ડબલ ભાડું થશે’. અમદાવાદી અને એમાય મણિનગરનું પાણી પીધું હોય એ એમ ડબલ ભાડું થોડું આપે? આમેય સામાન ન હોવાથી અમે ઘર તરફ પગપાળા પ્રયાણ કર્યું. આજે તો દેખાડી જ દેવું છે કે રાત્રે બે વાગે કોઈ અમદાવાદીને ચાલવામાં વાંધો નથી આવતો. અમદાવાદમાં આમેય મધરાત્રે કૂતરા અને પીધ્લા સિવાય ખાસ ડર રાખવા જેવું નથી. અમે થોડું આગળ ચાલ્યા હોઈશું એટલામાં રિક્ષાવાળાને બીજા પ્રવાસી ન મળતાં, અને કદાચ અમે રહેતાં હતા તે તરફ જ જવાનું હશે એટલે, અમારી પાછળ આવી કીધું ‘સારું બેસી જાવ દોઢું આપજો’. પણ અમને લોભ થયો કે આ રિક્ષાવાળો અગાઉ અમારી ગરજનો લાભ ઉઠાવતો હતો, હવે એને ગરજ છે, માટે અમે મોકો જોઈ કીધું ‘પણ હું આટલું ચાલ્યો, ટાઈમ બગાડ્યો, હવે સિંગલ ભાડામાં આવવું હોય તો આવ’. કહેવાની જરૂર નથી કે રિક્ષાવાળો કશુક બબડતો બબડતો ચાલ્યો ગયો અને અમે ચાલતાં ઘેર પહોંચ્યા! આમાં રિક્ષાવાળાએ ડબલ ભાડું માગ્યું એ સર્જ પ્રાઈઝિંગ અને અમારો પ્રયાસ સફળ થયો હોત તો એ રીવર્સ સર્જ ઈફેક્ટ કહેવાત.

મસ્કા ફન
મામા પોની વાળતાં હોત તો માસી ન કહેવાત?

Thursday, September 08, 2016

રોંગ સાઈડ રાજુ - રીવ્યુ



Spolier Alert: On producers request article has been modified from first version to moderate the spoilers. However, this may still have some spoilers.


તન્મય શાહ પૈસાદાર બાપની બિગડી હુઈ ઓલાદ છે જે હીટ એન્ડ રન કેસના મીડિયા ટ્રાયલમાં આરોપી છે. પણ પોલીસના મતે તન્મયનો ડ્રાઈવર રાજુ આરોપી છે. તન્મયની ફ્રેંચ ફ્રેન્ડ શૈલી રાજુની બહેન પાસે ગરબા શીખે છે અને રાજુ સાથે ગરબા રમવા લાગે છે. તન્મયના બાપ વકીલ અને બિઝનેસમેન છે. રાજુનું શું થશે? એ જાણવા માટે તો સસ્પેન્સ ફિલ્મ રોંગ સાઈડ રાજુ જોવી જ પડે ! હંમેશની જેમ, આ રીવ્યુ લાઈટર વેમાં છે, એટલે બહુ લોડ નહિ લેવો, ફિલ્મ તો જોવી જ.

બુધવારે યોજાયેલ પ્રીમિયરમાં અઢળક ગુજરાતી સાહિત્ય, રેડિયો, મીડિયા સેલીબ્રીટીઝ અને બિઝનેસ આઇકોન્સની હાજરીમાં યોજાયેલ પ્રીમિયરમાં જવાનું થયું અને ગુજરાતી ફિલ્મનાં બદલાતા પ્રવાહના સાક્ષી થવાનો ખુબ આનંદ થયો. પણ અહીં વાત પ્રીમિયરમાં શું થયું એ નહિ, મુવીમાં શું છે, એ કરવાની છે.

રોંગ સાઈડ રાજુ એક હીટ એન્ડ રન એક્સિડન્ટથી ઓપન થાય છે (એક્ચ્યુઅલી મુતરવાનાં સીનથી!) જેમાં નાઈટ ચેકિંગમાં તોડ કરતાં બે પોલીસવાળા અને એક સીનીયર સીટીઝનને એક મોંઘી કાર (બીએમડબ્લ્યુ કે ઔડી સિવાય પણ છે કારો યાર!) ઉડાવી દે છે. કેસની તપાસ કરનાર ઇન્સ્પેકટર ગોહિલ તરીકે દમદાર અભિનય કરનાર જયેશ મોરે ખાસ કરીને મિડલ ક્લાસનાં અને એ પણ દારૂના કેરિયર એવા રાજુને પકડી પાડે છે, પણ એકપણ લાફો નથી મારતો એ આશ્ચર્ય હજુ અમને હજુ છે, અને કાયમ રહેશે ! અમદાવાદના સેટિંગમાં બનેલી ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર રાજુ મૂળ કાઠીયાવાડીનો જણાય છે, પણ કદાચ પ્યોર નહિ, પણ બબ્બૈયા કાઠીયાવાડી બોલે છે. જોકે અમદાવાદના સેટિંગની ફિલ્મ હોવા છતાં હોસ્પિટલ અને કોર્ટ સહિત ક્યાંય ભીડ કે કેઓસ દેખાતો નથી તે ડાયરેક્ટરની કમાલ છે અને આ સ્કીલ સરકારી ડોક્યુમેન્ટરી બનાવવામાં કામ આવે એવી છે.

ફિલ્મના ટાઈટલ્સ ખુબ લાંબા છે અને ઢગલાબંધ લોકો અને દારુ સિવાયનાં અનેક પ્રોડક્ટ પાર્ટનર્સને યાદ કર્યા છે. અભિષેક જૈન અને પ્રોડ્યુસર નયનભાઈ બિઝનેસમેન તરીકે એકદમ હીટ છે. ટાઈટલ્સ (પડે!) સાથે ગીત છે એ સારું છે. ગીતો સાંભળવા ગમે એવા છે, અરિજિત અને સચિન-જીગર વેડફાયા હોય એવું થોડું ઘણું લાગે ખરું.

ફ્રેંચ છોકરીના શૈલીનાં રોલમાં કિમ્બર્લી સારું અંગ્રેજી બોલે છે, અને ખાસ તો ગુજરાતી સારી રીતે સમજે છે. એ અમદાવાદમાં કદાચ ગરબા શીખવા જ આવી હતી. રાજુની બેન એને ગરબા શીખવાડે છે, રાજુનું દિલ વાઈટ-વાઈટ સ્કીન જોઇને બીટિંગ ફાસ્ટ કરવા લાગે છે પણ એનાં બૉસ તન્મયની ફ્રેન્ડ છે. એમાય જયારે ચણીયા-ચોળી પહેરીને તૈયાર થાય છે, અને રાજુને એની ચોળીની કસો બાંધવાનું કહે છે ત્યારે તો ખાસ! શૈલી દારૂની શોખીન છે અને એને અંગ્રેજી કે ફ્રેંચ વાઈન કરતાં એને ગુજરાતી શબ્દ દારુ વધારે ગમી જાય છે, એટલે રાજુને ‘દારુ’ લઇ આવવાનું કહે છે. રાજુને તો એક પંથ દો કાજ જેવું થાય છે.

ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા પણ છે, જોકે આગળના પોલીસ સ્ટેશનના (અને કોર્ટનાં પણ) અર્થહીન કોમેડી સીન ટૂંકાવી કોર્ટ સીન વધાર્યા હોત તો જમાવટ થાત. કોર્ટરૂમ સીનમાં સ્ટોરીના જર્ક કરતાં કેમેરાના જર્ક વધારે દેખાય છે ! હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ કર્યું હતું? ફિલ્મમાં ઘણા સીન રાતના છે, એટલે તમે રાતના શોમાં જશો તો ફિલ્મ સાથે વધારે રીલેટ કરી શકશો !

કેવી રીતે જઈશ, બે યાર અને રોંગ સાઈડ રાજુમાં શું સરખું/કોમન છે?
  •  ત્રણેય ફિલ્મમાં હિરોઈન તરીકે ગુજરાતી છોકરી નથી. ગુજરાતી છોકરીઓ જાગો, અને કામ માંગો ! અભિષેક, હવે નેક્સ્ટ પિક્ચરમાં ગુજરાતી છોકરી હિરોઈન નહિ હોય તો હું એ ફિલ્મ નહિ જોવું, ઓકે !
  • હીરો મિડલ ક્લાસ છે અને એમ્બીશીયસ છે.
  • ત્રણેમાં મેઈન કેરેક્ટરને/ફ્રેન્ડસને દારુ પીતાં બતાવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તે છતાં સહેલાઇથી દારુ મળે છે એ વાત પર અહીં નોન-ગુજરાતી ફિલ્મમેકર્સ કંઈ કટાક્ષ નથી કરતાં, પરંતુ બધા મિડલક્લાસ ગુજરાતી છોકરા દારુ પીતાં હશે એવું બતાવવા માંગતા હોય એવું જરૂર લાગે છે.

બાકી ફિલ્મમાં પરફોર્મન્સ દમદાર છે, અને શુક્રવારે રીલીઝ થાય છે અને ચોક્કસ જોવાય એવી ફિલ્મ છે. ઓલ ધ બેસ્ટ તો ટીમ રોંગ સાઈડ રાજુ ! ● 

Wednesday, September 07, 2016

માર ખાવ અને નં -૧ બનો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૦૯-૨૦૧૬ 

એક જાણીતું ગુજરાતી ગીત છે કે “લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો”. આમાં લડાઈની વાત છે, પણ નજાકત ભરી છે. ભારતમાં આજકાલ સ્ત્રીઓનો દબદબો છે. ઓલમ્પિકમાં પણ કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધાઓમાં સ્ત્રીઓ મેડલ લઈ આવે છે. નારી સશક્તિકરણની ચળવળમાટે આ ઘટનાઓ જરૂર પ્રોત્સાહક હશે, પરંતુ અકોણા પુરુષો માટે ચેતવણીરૂપ છે.
via nonsensetomomsense.com


ભારતમાં પુરુષો સ્ત્રીઓ પર હાથ ઉપાડે એ આમ તો સોળમી સદીની માનસિકતા ગણાય છે, પણ કમનસીબે એ આજે પણ હકીકત છે. પરંતુ પુરુષ પત્નીના હાથનો માર ખાય તો એ સમાચાર બની જાય છે. અહીં અમે માણસને કૂતરું કરડે વાળું ઉદાહરણ ટાંકવા નથી માંગતા કારણ કે એમ કરવામાં સ્ત્રીઓની સરખામણી કૂતરા સાથે થાય. તો વાત એ છે કે, પુરુષો ગુંડાનો માર ખાઈ શકે. ડાકુ અને લુંટારાનો માર ખાઈ શકે. પોલીસનો માર ખાઈ શકે. પણ પત્ની કે અન્ય સ્ત્રીનો માર ખાય તો એ સમાચાર હેડલાઈન બની જાય છે. અહીં પાછું એવું ધારી લેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ ડાકુ, ગુંડી, પોલીસ ન હોય! થોડા સમય પહેલા જ, ઈજીપ્તના પુરુષો સ્ત્રીઓના હાથે પીટાતી દુનિયાના સૌથી વધુ કમનસીબ જાત છે એવું સદા અલ બલાદ (શહેરનો અવાજ) ન્યૂઝમાં આવ્યું હતું. સમાચાર મુજબ ઈજીપ્તના ૨૮%, અમેરિકા ૨૩%, યુકેનાં ૧૭% અને ભારતના ૧૧% પુરુષો સ્ત્રીના હાથનો માર ખાય છે. ઈજીપ્તના પિરામીડ અત્યાર સુધી દુનિયાની અજાયબીમાં ગણાતા હતા. હવે પુરુષોએ ધ્યાન ખેંચ્યું છે. આમાં ઈજીપ્તની સ્ત્રીઓ મારફાડ છે કે પુરુષો ઢીલા છે એ કંઈ જાણવા મળતું નથી. આમ જોઈએ તો ઈસ્વીસનના તેરસો-ચૌદસો વર્ષ પહેલા થઇ ગયેલા ઈજીપ્તના ફેરો આખેનાતેન અને તેની પત્ની નેફરતિતિએ મળીને રાજ કર્યું એ ઈજીપ્તનો સુવર્ણકાળ ગણાય છે. એટલે પછીની સદીઓમાં જરૂર કૈંક લોચા થયા હોવા જોઈએ નહિ તો આવું બને નહિ. એ જે હોય તે, પણ પુરુષ સ્ત્રીના હાથે માર ખાય એ સમાચારમાં સ્ત્રી-પુરુષ સૌને રસ પડે છે.

ભ્રષ્ટ્રાચારને બાદ કરતાં ભારત ઓલમ્પિક, ફૂટબોલ, સરેરાશ ઊંચાઈ જેવી ઘણી બાબતોમાં દુનિયાથી પાછળ છે. પણ માર ખાવામાં આપણને ઈજીપ્ત જેવા ટચુકડા દેશના પુરુષો પછાડી જાય તે ઘણી શરમજનક વાત છે. સામાન્ય રીતે આપણા માટીડાઓ કોઈ બાબતમાં મોળા પડે એમ નથી પણ કોણ જાણે પત્ની સામે મોળા પડતા કેમ ચૂંક આવે એ સમજાતું નથી. ભારતીય સ્ત્રીઓએ પણ આ અંગે ગંભીર થવાની જરૂર છે. સામાન્ય રીતે તો માર ખાવાની વાત કોઈ પુરુષ સ્વીકારે જ નહીં. ભારતમાં તો અમે હજુ સુધી કોઈના મોઢે એવું નથી સાંભળ્યું કે ‘મારી પત્ની મને રોજ મારે છે’. એટલે જ સર્વેક્ષણના પરિણામ કરતાં ખરો આંકડો કૈંક જુદો જ હોય એવું બની શકે. કદાચ સર્વેક્ષણમાં પડોશીઓ અને એમાં પણ પડોશમાં રહેતી મહિલાઓને સામેલ કરવામાં આવી હોત તો ચોંકાવનારા તથ્યો બહાર આવવાની સંભાવના હતી. હશે, આ સમાચાર વાંચીને પણ કોઈનું હૃદય દ્રવી ઉઠે અને એ દેશને આગળ કરવા માટે કટિબદ્ધ થાય તો પણ લેખે લાગશે.

આપણું પદ્ય સાહિત્ય તપાસશો તો નજરનાં બાણ કે નયન કટારીથી ઘાયલ થયેલા કૈંક મળી આવશે. થોડા સમય પહેલા ‘અખીયોં સે ગોલી મારે’ એવી નારીની પ્રજાતિ પણ મળી આવી હતી. પણ એ બધા ડોકટરોને ઘરાકી થાય કે પેલા સર્વેક્ષણ માટે ક્વોલીફાય થાય એવા કિસ્સાઓ નથી. ઉપર જણાવ્યું એમ લવિંગની લાકડી અને ફૂલનાં દડૂલિયાની કલ્પના બરોબર છે, પરંતુ જયારે લડાઈ થાય ત્યારે સ્ત્રીઓ પાસે લોખંડ કેરી સાણસી, લાકડા કેરું વેલણ કે પછી તાવેથા કેરું તીર હાથવગું હોય છે. લોખંડના હોવા છતાં સાણસી અને તાવેથા રોજ વપરાતા હોવાથી એ વાગવાથી ધનુરનાં ઇન્જેક્શન નથી લેવા પડતા. એવી જ રીતે વેલણ રોજ રસોઈમાં વપરાતું હોવાથી એ એડીબલ હોય છે, અને વેલણ વાગવાથી પણ પુરુષને ઇન્ફેકશન નથી થતું. આ સ્ત્રીઓની પુરુષો પ્રત્યેની કુણી લાગણી દર્શાવે છે

આ ઉપરાંત આ ક્ષેત્રે દેશને આગળ કરવાના બીજા પણ અનેક રસ્તાઓ છે. મારવા ઉપરાંત ચૂંટલી ભરવાની પણ પ્રથા પણ હજુ સાવ લુપ્ત નથી થઈ. જોકે કાકાઓ ધોતિયાધારી હતા તે જમાનામાં ચૂંટલી ભરવામાં સુગમતા રહેતી હશે, જે જીન્સ પેન્ટના ઉદય પછી અદ્રશ્ય થતી જાય છે. આદમી મોંવગો હોય તો બચકું સુગમ પડે. આવડત હોય તો ધોકાથી માંડીને છાપાનો વીંટો હાથવગા હથિયાર તરીકે કામ આવી શકે છે. આ સિવાય સેન્ડલનો ઉપયોગ આઉટડોરમાં અને પરપુરુષ માટે વધુ પ્રચલિત છે. હાથોહાથનાં આ માર પછી, ઘરમાં જગ્યા હોય તો, ફેંકી શકાય તેવા પદાર્થો જેવા કે વાસણોનો ઉપયોગ સર્વસામાન્ય છે. કિચન સિવાય ઘટનાસ્થળ બેડરૂમ હોય તો કાંસકા પણ છુટ્ટા ફેંકવામાં આવે છે. એમાય જુના સમયની કાંસકીઓની સરખામણીમાં આજના બ્રશ વજનદાર તેમજ વાગે એવા હોય છે. આ માહિતી અમારા અનુભવનો નહિ, પણ અભ્યાસનો પરિપાક છે. તમે નવા ચીલા ચાતરીને સમાજમાં તમારું આગવું સ્થાન બનાવી શકો છો.

અમુક માર ઉપરવાળાની લાઠી જેવા હોય છે જે પડે તો એનો અવાજ નથી થતો. જેમ કે શેરબજાર જયારે આપણે ધાર્યું હોય એ પ્રમાણે ના વર્તે તેનો માર; પાર્ટી ઉઠી જાય કે કરી જાય ત્યારે કિસ્મતનો માર; બેવફા ગર્લફ્રેન્ડ પાછળ વપરાયેલા ઉધારના રૂપિયાની ઉઘરાણીવાળાનો માર; આવા અનેક પ્રકારના માર જાતકના નસીબમાં હોય છે. પણ ઘરવાળીનો માર કિસ્મતને કારણે નહિ, કર્મોને લીધે ખાવો પડતો હોય છે.

મસ્કા ફન
ઉપવાસમાં પણ વેલણ ખાઈ શકાય છે. એટલે વેલણ ફરાળી ગણાય.