મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |
તમે જતાં હોવ અને સિંહ સામો મળે તો તમે શું કરો ? જવાબ એ છે કે પછી જે કરવાનું હોય એ સિંહે કરવાનું હોય. આ જોક બહુ જુનો છે. જોકમાં તમે ક્યાં જાવ છો એ અધ્યાહાર રાખ્યું છે. ધારો કે તમે પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરા પાસેથી જતાં હોવ તો તમારે જોવા સિવાય કશું કરવાનું નથી હોતું. હા, ફોટો જરૂર પાડી શકો. સિંહ પણ કશું નથી કરતો. આ પાંજરે પુરાયેલા સિંહની વાત થઈ. પણ તમે જો સાસણ-ગીરનાં જંગલમાં જાવ તો ત્યાં પણ આ જોક ખોટો પડે. ત્યાં સિંહ સામો મળે અને એને આપણામાં લેશમાત્ર પણ રસ ન હોય. એ આપણી સામું પણ ન જુવે. એને તો હરણ, સાબર, નીલગાય, ભેંસ જેવા પ્રાકૃતિક ભોજનમાં રસ પડે. માણસ નામનાં જંકફૂડમાં નહીં. અમે ગીર ગયા ત્યારે સિંહ સાથે સેલ્ફી લેવાની કોશિશ પણ કરી હતી, પણ સિંહે સેલ્ફી પડાવવામાં ખાસ રસ ન દાખવ્યો. કદાચ એટલે જ એ સિંહ છે.
બ્રાઝીલીયન ફૂટબોલ ફેન |
અત્યારે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને એક ગુજરાતી પ્રાઈમ મીનીસ્ટર છે. હાલની સરકારમાં ગુજરાતના ગૌરવ એવા સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાનાં પ્રયાસો શરુ થયા છે એવું જાણવા મળે છે. એવું મનાય છે કે સિંહ કારણ વગર હુમલો નથી કરતો, પણ વાઘને એવું નથી હોતું. સિંહ ભૂખ્યો ન હોય તો શિકાર નથી કરતો. વાઘને એવો બાધ નથી. આમ એકંદરે સિંહ વધુ વિશ્વાસપાત્ર છે, જયારે વાઘ દગાખોર છે. હમણાં એક ભાઈ બિચારા વાઘના પાંજરા ઉપર ચઢી ફોટો પાડવા જતાં પાંજરામાં પડી ગયા અને વાઘનો શિકાર બની ગયા. કોઈ ફોટો પાડે તો એ થેંક યુ કહેવાનો રીવાજ છે, પણ વાઘમાં એટલી સેન્સ હોત તો જોઈતું’તું જ શું? એટલે જ વાઘ હજુ સુધી રાષ્ટ્રીય પ્રાણી કેમ છે, એ આશ્ચર્યની વાત છે.
સિંહ જંગલનો રાજા કહેવાય છે. પણ જંગલમાં દરેક સિંહની અલગ ટેરીટરી હોય છે એ અલગ વાત છે. પોતાની ટેરીટરી છોડી બીજાની હદમાં ઘૂસવું સારી મેનર્સ નથી ગણાતી. સિંહની જેમ જ કૂતરાં અને પોલીસમાં હદનો વિવાદ ભારે હોય છે. મોડી રાત્રે ટુ-વ્હીલર પર જતાં હોવ અને કૂતરું પાછળ પડે તો હડકવાના ઇન્જેક્શનથી બચવા તમારે સદરહુ કૂતરાની હદની બહાર નીકળી જવાનું, બસ. નવી ટેરીટરીનાં કૂતરાં ભસવાને બદલે કદાચ તમારું ચાટીને સ્વાગત કરે એવું પણ બને. ટેરરીસ્ટ આવું જ કરે છે. આ હદનાં સંદર્ભમાં પોલીસ વિભાગની તારીફમાં એક વાત સાંભળી છે. પોલીસને જો નદીમાંથી લાશ મળે તો જે તરફ લાશ મળી હોય તે તરફના પોલીસકર્મીઓ વગર ફરિયાદ લીધે, ઓન ડ્યુટી છે કે ઓફ ડ્યુટી એની પરવા કર્યા વગર, પોતાની હદમાંથી લાશને બીજા પોલીસ સ્ટેશનની હદમાં પહોંચાડી આવે છે. એ પણ કોઈપણ પ્રકારની ક્રેડીટ લીધા વગર. કોણે કીધું પોલીસ માણસ નથી?
જોકે સિંહ ડીગ્નીટીનું પ્રતિક છે. સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ નથી ખાતો. સિંહ દિવસમાં એકવાર શિકાર કરી ખાય છે અને પછી એ પચે ત્યાં સુધી પડ્યો રહે છે. સિંહોમાં સેલીબ્રીટી સિંહના ડાયેટીશીયન નથી હોતાં કે જે દિવસમાં છ-સાત વખત થોડું-થોડું જમવાની હિમાયત કરે. પરણ્યા પહેલા ઘણાં પુરુષો પોતાને સિંહ માનતા હોય છે. સ્પાઈસી અને અવનવું ખાવા-પીવાના શોખીન એવા આ ફાસ્ટફૂડમથ્થાને ભોગેજોગે પત્ની જો હેલ્થ કોન્શિયસ મળે તો સૂપ-સલાડ ને ઘાસફૂસ ખાતાં થઈ જાય છે. કોલેજકાળમાં પ્રોફેસરોને અને નોકરીકાળમાં કર્મચારીઓ કે મેનેજમેન્ટને ડારતો માણસ ઘેર બે પગ વચ્ચે પૂંછડી દબાવીને, મોબાઈલનું ચેટ અને કોલ-લીસ્ટ ડીલીટ કરીને આવે છે. માણસ સિંહ નથી. માણસ પોતાની સત્તા અને સંપત્તિનાં બળે જોર કરે છે. નામ પાછળ સિંહ લખાવનાર તો ઘણાં મળશે.
આમ તો સિંહ કાચું માંસ ખાય છે. કદાચ સિંહણોને રાંધતા નહિ આવડતું હોય. સામાન્ય રીતે શિકાર પણ સિંહ જ કરતો હોય છે, અને સિંહણ એમાંથી જયાફત ઉડાડે છે. અમે સાસણ ગયા ત્યારે સિંહોએ એક હરણનો શિકાર કર્યો એ અમે નજરે જોયું. એમાં હુમલો કરવાનું કામ એક સિંહે કર્યું જયારે હરણને દબોચ્યા બાદ સિંહણો ખાવા પહોંચી ગઈ હતી. ચાર સિંહણ હતી, પણ અંદર-અંદર ઝઘડો કર્યા વગર હરણને ખાઈ ગઈ. સિંહ માટે પણ કોઈ સિંહણ માનીતી કે અણમાનીતી હોય એવું અમારા ધ્યાનમાં ન આવ્યું. સિંહને પણ કદાચ એવા પંગા લેવા પોસાતાં નહિ હોય કારણ કે એને રહેવાનું જંગલમાં છે, અને જંગલમાં રહીને સિંહણ સાથે વેર બાંધવાનું એને મુનાસીબ નહિ લાગતું હોય.
તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીમાં ગીરનાં સિંહોની સંખ્યામાં છેલ્લાં પાંચ વરસમાં ૨૭ ટકા જેટલો વધારો થયો છે. વિરોધ પક્ષ આ બાબતે ગુજરાત સરકારનો કાન ખેંચી શકે એમ છે કે ‘સરકાર વસ્તી વધારો ડામવામાં નિષ્ફળ ગઈ છે’, લોકો તો આમેય અડધું જ વાંચે છે ! એ જ રીતે કેન્દ્રમાં પણ કોઈ સિંહોના આ વસ્તી વધારાને ગુજરાત મોડલની નિષ્ફળતા તરીકે મુલવી શકે છે. જોકે આવું હજુ થયું નથી તે બતાવે છે કે વિરોધ પક્ષ સાવ ખાડે નથી ગયો.
---
અને છેલ્લે પંચતંત્ર પ્રેરિત વાર્તા. ઉંદર ઊંઘતા સિંહની ઉપર-નીચે ચડઉતર કરતો હતો. ઉંદરને આમ કરવાનું ખાસ પ્રયોજન હતું. ઉંદર સમાજમાં બીજા ઉંદરો આ જોઇને ઉંદરનો સિંહ સાથે કેવો ઘરોબો છે એ જોઈ અંજાઈ જતાં હતા. આમ તો સિંહ આળસુ હોય છે. પણ આ ઉંદરડાએ એની ઊંઘ હરામ કરી નાખી હતી. જાગીને સિંહે ઝાપટ મારીને ઉંદરને પકડી લીધો. ઉંદર ઉંદર હતો, દાઉદ નહોતો એટલે સહેલાઈથી પકડાઈ પણ ગયો. પકડાયા પછી ઉંદરને થયું કે સાલું આ તો વટ મારવામાં જાન જશે. એટલે એ સિંહને કાલાવાલા કરવા લાગ્યો. સિંહે ઉંદરને છોડી મુક્યો. અને ચેતવણી આપી કે જરૂર પડ્યે જો કામમાં નહિ આવે તો એને ગમે ત્યાંથી શોધીને કોઈ કેસમાં ફીટ કરી દેવામાં આવશે. જંગલની પોલીસ આ માટે કુખ્યાત હતી. એ લોકો ખોવાયેલા હરણના બચ્ચા શોધી નહોતાં શકતા પણ બિલ્ડરો અને નેતાઓના પોલીટીકલ વિરોધીઓને શોધવામાં અને એમના વિરુદ્ધ કેસ ફીટ કરવામાં એમની માસ્ટરી હતી. બસ પછી તો જંગલમાં ઈલેકશન આવ્યા. ઉંદરોનાં લીડર એવા પેલા ઉંદરે સમાજમાં હાકલ કરી અને સિંહ ફરી જંગલના રાજા તરીકે ચૂંટાઈ આવ્યો. આમ ઉંદરે સિંહે કરેલા ઉપકારનો બદલો વાળ્યો. બદલામાં ઉંદરને અનાજ અને ખાદ્ય બોર્ડનો ચેરમેન પણ બનાવવામાં આવ્યો. પછી ખાધું, પીધું, અને રાજ કીધું.
--
કોમેન્ટ્સ આવકાર્ય ....