Sunday, August 31, 2014

VIP ભેંસ


 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૮-૨૦૧૪

યુપીના રાજકારણમાં નંબર-૨ ગણાતાં આઝમ ખાનની ભેંસો પણ આજકાલ સમાચારમાં છે. અત્યાર સુધી કોઈના કોઈ કારણોસર આઝમ ખાન હેડલાઈનમાં રહેતા હતાં. થોડા સમય પહેલાં તેમની સાત સાત ભેંસો ચોરાઈ ગઈ હતી. પછી મળી પણ આવી. એ ભેંસોને શોધવા માટે પોલીસે સ્નીફર ડોગ્ઝ પણ કામે લગાડ્યા હતાં. હવે નવું ભેંસ પ્રકરણ શરુ થયું છે. બન્યું એવું છે કે માનનીય મંત્રીશ્રીએ પંજાબથી પાંચ ભેંસો ખરીદી. તેમને પંજાબથી યુપીના સહરાનપુર થઈને ખાનસાહેબના વતન રામપુર સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે, યુપી પોલીસે એ ટ્રકને એમની હદમાં એસ્કોર્ટ કરી. એટલું જ નહીં સાહેબની ભેંસોને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી. રાતવાસા દરમિયાન ભેંસોને મચ્છર ન કરડે એ માટે પોલીસના પરગજુ ભાઈઓએ તાપણું કર્યું! ભેંસો મુસાફરીમાં થાકી ગઈ હશે એમ ધારી એમનાં માટે કંસારનાં આંધણ ચડાવ્યા! અમને તો એ ભેંસોના જન્માક્ષરમાં રસ છે. કેવા નસીબ લઈને જન્મી હશે નહીં?



જોકે, ભેંસને આ સન્માન મળ્યું એનાથી અમે તો ખુશ છીએ. જરા વિચારો કે ભેંસે સમાજને કેટલું બધું આપ્યું છે અને સામે સમાજે ભેંસને શું આપ્યું? આઝાદી પછીની મોટામાં મોટી ગણાતી શ્વેત ક્રાંતિની પાયાની ઈંટ ભેંસ ગણાય છતાં આપણે એને ‘ડોબું’ કહીને નવાજી છે. હા, એને ‘ડોબું’ કહેવાની મનાઈ જરૂર ફરમાવી છે પણ એ ફક્ત ચોક્કસ ધર્મ પાળતી વ્યક્તિની ભેંસને જ. ‘ભેંસ આગળ ભાગવત’, ‘અક્કલ બડી કે ભેંસ?’, ‘ગઈ ભેંસ પાણી મે’ - આવા રુઢિપ્રયોગો ભેંસનો સંદર્ભ લઈ પ્રયોજાય છે! બાકી હોય એમ ‘ધોકે ડોબું દોહવા દે, ધોકે છોકરું છાનું રહે’ જેવા હિંસક જોડકણા પણ બનાવાયા છે! આટલું ઓછું હોય તેમ ઓવરવેઈટ કે અશ્વેત સ્ત્રીને ભેંસ સાથે સરખાવવામાં આવે છે. કેમ? ભેંસ તરફી કોઈ બોલનાર નથી એટલે?


એક રીતે જોઈએ તો ગાયને બોલીવુડની દીપિકા જેવું સ્થાન મળ્યું છે જ્યારે ભેંસને આપણે સોનાક્ષીની કક્ષાએ રાખી છે. બંને કરોડો કમાઈ આપે છે, પણ સોનાક્ષીની જેમ જ ભેંસને પણ પુરતો જશ મળતો નથી. રસ્તા પર ટ્રાફિક જામ કરતી અને લોકોને શીંગડે ચડાવતી દીપિકા, સોરી ગાયને બધા પૂજે છે, એનું પૂછડું પણ આંખે અડાડે છે. જ્યારે ભેંસ હમેશા ઉપહાસનો વિષય રહી છે. સમજોને કે બંને સરખા કમ-ટેલેન્ટેડ હોવા છતાં લોકોએ દીપિકાને ચગાવી મારી છે એવું જ. આ હિસાબે ખરેખર તો યુ.પી. પોલીસનું સન્માન થવું જોઈએ એના બદલે ટીકા થઇ રહી છે, જે દુખદ છે.


આમ જુઓ તો ભેંસ પાસેથી ઘણું શીખવા જેવું છે જેમ કે, નિર્ભયતાથી આગળ વધવાનું! કવિ નર્મદની ‘ડગલું ભર્યું તે ના હટવું ના હટવું...’ પંક્તિને દરેક ભેંસે પોતાનાં જીવનમાં આત્મસાત કરેલી જણાય છે. એક વાર એ રોડ પર પગલું માંડી દે પછી નાની સાયકલ હોય કે મોટી ટ્રક, કોઈ એને રોકી શકતું નથી. એનો રૂઆબ એટલો કે ભલભલા વાહને ઉભા રહીને એને માન આપવું પડે છે. આવો રુતબો ફક્ત આર.ટી.ઓ.ના અધિકારીઓને જ સુલભ છે એવું કહેવાય છે.


થોડા સમય પહેલાં અમે એવાં સમાચાર વાંચ્યા હતાં કે બન્ની પ્રદેશની ભેંસોની કિંમત અઢી લાખ રૂપિયા છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા લોકો એવું કહે છે કે ભેંસ કરતાં તો નેનો લેવી સારી પડે! પણ એમની માન્યતા એમને મુબારક. ખોટા પ્રચારથી ભરમાશો નહિ. નેનો સામે ભેંસના જે ફાયદા અમને દેખાયા છે એની પર જરા નજર નાખશો એટલે દૂધનું દૂધ અને પેટ્રોલનું પેટ્રોલ થઇ જશે. પહેલું તો ભેંસ એ ગ્રામ્ય વિસ્તારની BRTS છે - ભેંસ રીલાયેબલ ટ્રાન્ઝીટ સીસ્ટમ. બીજું, એમાં પેટ્રોલની જરૂર પડતી નથી. એને ચલાવવા માટે લાઈસન્સની કે પીયુસી કઢાવવાની જરૂર પડતી નથી. એને રોંગ સાઈડમાં પણ ચલાવી શકાય છે. સીટ બેલ્ટ બાંધ્યા વિના ભેંસ ચલાવો તો પણ પોલીસ તમને ચલણ આપી નથી શકતો. આ ઉપરાંત ટર્નીંગ રેડિયસથી લઈને ગ્રાઉન્ડ ક્લીઅરન્સ સુધી ભેંસ ટેકનીકલી સુપીરીયર છે. આ ઉપરાંત ભેંસ દૂધ તો આપે જ છે!  


સમગ્ર રીતે જોતાં અમને એવું લાગે છે કે આઝમ ખાનની ભેંસો માટે સહરાનપુર પોલીસે જે પણ કંઈ કર્યું તે બદલ એમને શેણી-વિજાણંદ એવોર્ડથી નવાજવા જોઈએ. જોકે એમને ભેંસોની આવભગત માટે સમય ઓછો પડ્યો હશે બાકી એમણે ભેંસોને નવડાવી, ધોવડાવી, ખરી-ક્યોર, શીંગડા-ક્યોર કરવા ઉપરાંત પુંછડાને શેમ્પુ કરીને એવી તૈયાર કરી હોત કે ખુદ ખાન સાહેબ એને ઓળખી ન શકત. આમ પણ સંસ્કૃતમાં ભેંસને महिषी કહે છે જેનો બીજો અર્થ ‘રાજરાણી’ એવો થાય છે. તો ફિર ઇતની ખાતિરદારી તો બનતી હૈ ભીડુ ... n


મસ્કા ફન

નાડું બાંધતા પહેલાં એની મજબુતાઈ ચકાસો એને ‘નાડી પરીક્ષણ’ ન કહેવાય!


કાલ કરે સો આજ કે આજ કરે સો કાલ ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |


કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પલમેં પ્રલય હોયગી, ફિર કરેગા કબ?
--
આજ આજ ભાઈ અત્યારે...
--
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.
--
ધન ગયેલું સાંપડે, ગયા વળે છે વહાણ;
ગઈ વેળા આવે નહીં, ને ગયા આવે પ્રાણ.
--
ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં સમયનું મહત્વ સમજાવતા ઘણાં સંદર્ભ મળી આવે છે. જોકે સાહિત્યમાં ઘણું એવું કહ્યું છે કે જે અંગે વિચાર કરવા જઈએ તો આપણે કન્ફયુઝ થઈ જઈએ. એક કવિએ કહ્યું છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ....’.  આપણે જે કરીએ છીએ એ બધું વ્યર્થ જ હોય તો શું કામ કશું કરવું? એક તો મહેનત કરોને ઉપરથી આપણી સરખામણી કૂતરા સાથે થાય! બીજાં એક કવિએ એવું કહ્યું છે કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’. આપણ ને સવારની જો ખબર જ ન હોય તો કાલનું કામ આજે તો ન જ કરાય, એ ચોક્કસ છે.

અંગ્રેજીમાં પ્રોક્રાસ્ટીનેશન જેને કહે છે તે વાત ગુજરાતીમાં લાસરિયાપણું કહેવાય છે. હિન્દીની આ પંક્તિઓ બહુ પ્રચલિત છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અભી.એમાં જો પ્રલય થવાનો જ હોય તો કામ કરવું જ શું કામ? તોયે આ ઉક્તિના જવાબમાં, વિલંબ કર્યા વગર, કોક આળસુના પીરે આજ કરે સો કાલ, કાલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી ભૈયા જબ જીના હૈ બરસોએવું કહ્યું છે. તો અંગ્રેજીમાં વાલી કોક ઉદ્યમી અર્લી બર્ડ કેચીઝ ધ વોર્મકહી ગયો છે. આના જવાબમાં કોકે નિરુદ્યમીએ સામો સવાલ કર્યો કે ‘જે વોર્મ સવારે વહેલું ઉઠી અર્લી બર્ડનો શિકાર બને છે એનું શું?

ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. આમેય આંબા પકવવાના નથી હોતાં, કેરી પકાવવાની હોય છે. અને ઉતાવળે કેરી પાકે છે. અમુક વેપારીઓ કાર્બાઈડ નામનું કેન્સરકારક કેમિકલ નાખીને કેરી પકાવે છે. વેકેશનમાં ગુજરાતી મમ્મીઓને જયારે છોકરાંને લઈને ટુ-વ્હીલર પર હોબી-ક્લાસ લેવા-મુકવા દોડધામ કરતી જોઈએ છીએ ત્યારે અમને કાર્બાઈડથી કેરી પકવતા વેપારી અચૂક યાદ આવે છે.

મહાભારતનો એક જાણીતો પ્રસંગ છે જેમાં યુધિષ્ઠિર એક યાચકને કાલે આવવા કહે છે. આ સંવાદ સાંભળી ભીમ નાચવા લાગે છે કે મોટા ભાઈએ કાળને નાથ્યો, કારણ કે એમને ખબર છે કે એમને કાલ પર વિશ્વાસ છે. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. આ પ્રસંગ આજનું કામ કાલ પર ન ઠેલવાનો બોધ પણ આપે છે. છતાં વ્યવહારમાં કોઈને રૂપિયા પાછાં આપવાના હોય, ક્રેડીટ કાર્ડનું બિલ ભરવાનું હોય, લોનના હપ્તા ભરવાના હોય તો આવી પ્રવૃત્તિ નિર્ધારિત સમય કરતાં વહેલા કરવાની વૃત્તિ કોઈ ધરાવતું નથી. અમારા પ્રોફેસર તરીકેના લાંબા અનુભવમાં છોકરાં અસાઈનમેન્ટ પણ છેલ્લા દિવસે જ આપવામાં માને છે, એક પણ વાર સમય કરતાં વહેલું નથી આવતું.

ભૂતકાળની વાત કરીએ તો આપણે ત્યાં તો શોલે પહેલાનાં સમયથી રામલાલ પ્રથા ચાલુ છે. બીજા દ્વારા થતાં કાર્યો કાલના આજ કરવામાં આવે તો એનો વાંધો નથી. પણ અમેરિકામાં બધાં કામ જાતે કરવાના હોય છે. ત્યાં આજનું કાલ પર નાખો તો સૌથી પહેલાં કિચન સિંક ભરાઈ જાય. અને તમે જોજો, માણસના ઘરમાં બે કાર, બે ટીવી, અરે બે બે પત્નીઓ પણ હોઈ શકે છે પણ કોઈના ઘરમાં બબ્બે કિચન સિંક નથી હોતાં. પછી જોઈતું વાસણ શોધવા ઢગલામાં ઉપરથી વાસણ ધોવાની શરૂઆત કરવી પડે. એવું જ લોન્ડ્રીમાં થાય. રવિવારે ટુવાલ પહેરીને લોન્ડ્રીના કપડાં સુકાય એની રાહ જોવી પડે.
આપણા કોન્ટ્રાક્ટરો આજનું કામ કાલે જ નહિ છ મહિના પછી કરવામાં માને છે. આજે ખાડો ખોદ્યો હોય તેની માટી છ મહિના પછી પૂરે. એમને ખાડો ખોદે તે પડેકહેવત લાગુ પડતી નથી. ખરેખર તો આપણે ત્યાં કોન્ટ્રાક્ટર ખાડા ખોદે અને કોક પડે તેવી પ્રથા છે. ડોક્ટરો પણ આજનું કામ કાલ પર રાખવામાં માને છે. ઘણાં ડોક્ટરો ઓપેરશન પછી દર્દીના પેટમાંથી કાતર અને ગ્લોવ્ઝ તાત્કાલિક કાઢવાને બદલે મહિના બે મહિના પછી દર્દી પેટમાં દુખવાની ફરિયાદ લઈને પાછો આવે ત્યારે કાઢવાનું રાખે છે. રૂપિયા રીફંડ લેવાના અમારા બહોળા અનુભવમાં સામેવાળી પાર્ટી કોઈ દિવસ ઉતાવળ કરતી હોય તેવું અમે જોયું નથી. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ પણ તમારું રીફંડ આજનું કાલે ને કાલનું પરમદિવસે જ આપે છે.

અમે જોયું છે કે ઘણાં લોકો સમય કરતાં આગળ હોય છે. આ મહાપુરુષોની વાત નથી. અમે તો દોરાની ચીલઝડપ કરનારની વાત કરીએ છીએ. પીછો કરનાર કરતાં એ સદાય આગળ રહેવાની કોશિશમાં હોય છે. સ્લો સાયકલીંગ સિવાય બધી રમતોમાં પણ આગળ રહેવાનો જ મહિમા છે. જોકે ઉત્તરાયણમાં આગળના ધાબાવાળાનાં પતંગ આસાનીથી કપાય છે એ આગળ રહેવાનાં ગેરફાયદામાં ગણાય. તોફાનો અને રેલીઓમાં આગળ રહેનારા ગોળી, દંડા કે ટીયર ગેસના ટોટાનો લાભ લે છે. ઓફિસમાં સમયસર પહોંચનાર બોસના ગુસ્સાનો પહેલો ભોગ બને છે. અમે નોંધ્યું છે કે ક્રિકેટમાં ઓપનીંગમાં જનાર બે પૈકી એક બેટ્સમેન સૌથી પહેલાં આઉટ થાય છે. જોકે મોડા પહોંચનાર ક્યારેક નસીબદાર સાબિત થાય છે. મોડા પડવાને લીધે ફ્લાઈટ મિસ થઈ હોય અને એ ફ્લાઈટ હાઈજેક થઈ હોય એવાં કિસ્સા ક્યારેક સાંભળવા મળે છે.

જોકે અતિ ઉત્સાહી લોકોની દશા ભૂંડી થાય છે. તમે ઉત્સાહમાં કોઈ કાર્યક્રમમાં સમય કરતાં વહેલા પહોંચી જાવ તો તમારી નોંધ લેવા માટે પણ કોઈ હાજર ન હોય. એમાં તમે એ ફંકશનમાં ચીફ ગેસ્ટ હોવ ત્યારે સાલું લાગી આવે. અમારા જેવા હોય એ તો ચિંતામાં પડી જાય કે એક દિવસ વહેલા તો નથી પહોંચી ગયા ને? પછી આયોજકોને મોબાઈલ કરીએ ત્યારે ખબર પડે કે પ્રોગ્રામ આજે જ છે, પણ આવા પ્રોગ્રામ કાયમ મોડા ચાલુ થતાં હોઈ આયોજકો પણ ટાઈમ-ટુ-ટાઈમ જ આવે છે. મોડા પહોંચનાર કદીય આવી માનસિક હાલાકી ભોગવતા નથી. કારણ કે એ લોકો મોડા પહોંચીને આયોજકોને અધ્ધરશ્વાસે રાખે છે. ક્યારેક આયોજકો આવા મુખ્ય મહેમાનને કારણે પ્રેક્ષકોનો માર પણ ખાય છે. જેવા જેનાં કર્મો બીજું શું?

Sunday, August 24, 2014

છોકરીના હાથમાંથી રૂમાલ પડે ત્યારે




 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૮-૨૦૧૪


કવિ શ્રી રમેશ પારેખ તો સૌના પ્રિય કવિ છે. એમની કવિતામાં જાદુ છે. એમની કવિતામાં આધ્યાત્મ પણ છે અને વ્યંગ પણ છે. એટલે જ અમને એ વિશેષ ગમે છે. સ્વત્રંતા દિવસ નિમિત્તે ‘રેડિયો મિર્ચી’ દ્વારા આયોજિત સલામ-૬૮ કાર્યક્રમમાં શ્યામલ-સૌમિલના કંઠે ફરી એક છોકરીના હાથથી રૂમાલ પડેએ લેવા આખુંય ગામ વળે નીચે’ સાંભળ્યું અને અમે જાણે કે એ ઘટનામાં ઉતરી ગયાં જેમાં છોકરીના હાથમાંથી રૂમાલ છટકીને નીચે પડે છે.

ર.પા.એ કવિતા લખી એ સમયે મોબાઈલ હતાં નહિ, એટલે રૂમાલ કેમ કરતાં પડી ગયો હશે એ સવાલ કોઈને પણથાય. આજકાલ તો છોકરીનું ધ્યાન મોબાઈલમાં હોય તો હાથમાંથી ભલભલી વસ્તુઓ પડી જાય અને બચારીને ખ્યાલ પણ ત્યારે આવે જયારે પાછળ આવતો કોઈ ફ્રેન્ડ વોટ્સેપ પર મેસેજ કરે કે ‘તારો હેન્ડકી પડી ગયો, ઇડીયટ નીચે જો’. પણ એ સમયે છોકરીઓમાં બોલવાનું ચલણ તો હતું જ એટલે વાતોવાતોમાં રૂમાલમાં ધ્યાન નહિ રહ્યું હોયએવું સહેલાઈથી માની શકાય. હમણાં જ એક હોસ્પિટલમાં સિસ્ટર નિસરણી ઉતરવાની સાથે વોટ્સેપ ચેક કરવાનું મલ્ટીટાસ્કિંગ કરવા જતાં થોડાક પગથિયા એકસાથે ઉતરી ગયાં હતાં. પણ આખી ઘટના વિડીયો કેમેરામાં ઝડપાઈ એટલે સિસ્ટરને ‘ઓન ડ્યુટી’ ટાંટીયો તોડવા બદલ કોઈ વળતર નહોતું મળ્યું. અહીં સિસ્ટર એટલે છોકરી જ સમજવું. સિસ્ટર્સ તો હવે સરકારી હોસ્પિટલ તથા એરલાઈન્સમાં જ જોવા મળે છે!

જે સમયે આ કવિતાલખાઈ હશે તે સમયે કોલેજ જતી બહેનો સાડી પહેરતી હતી. અહીં સાડી પહેરે એને છોકરી કહેવા જીભ કે પેન ઉપડતી નથી એટલે ક્ષમા કરજો. થોડી મોડર્ન હોય એ પંજાબી પહેરતી જેમાં રૂમાલ મુકવાની સુવિધા ન હોય, એટલે જ એ રૂમાલ હાથમાં પકડતી હશે. એ જમાનામાં તો બહેનો પુસ્તકો હાથમાં લઈને કોલેજ જતી હતી. હાઉ રીડીક્યુલસ! એમાં બુક્સ નીચે પડી જાય અને રાજેન્દ્ર કુમાર જેવા કોક પ્રૌઢ શિક્ષણને લાયક કાકા નીચે વળીને બુક્સ ભેગી કરી આપે અને એમાં તંબુરા તતડવા લાગે બેકગ્રાઉન્ડમાં! આજકાલ તો ટાઈટ જીન્સ કે કેપ્રીના ખિસામાં ખોસેલા રૂમાલને બહાર કાઢવાની સમસ્યા હોય ત્યાં પડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમાં હાથમાં બુક્સને બદલે મોબાઈલ હોય છે. પણ મોબાઈલ ઝાઝું કરીને પડી નથી જતો. ખરેખરતો મોબાઈલ હાથમાંથી છૂટતો જ નથી. એટલે આવા પડેલા રૂમાલો-ચોપડીઓ ઉપાડી-ઉપાડીને ઘર વસાવવાની તકો ઘટી રહી છે એ આજના યુવાનોનીગંભીર સમસ્યા છે.

અમને વધુ ચિંતા એ ગામના યુવાનોની થાય છે. એક રૂમાલ પડે અને આખું ગામ નીચે વળતું હોય તો એ ગામમાં કોમ્પીટીશન કેટલી બધી હશે? એ હિસાબે એ ગામના ઝૂઝાર નવજવાનોએ પહેલાં પ્રણય અને પછીથી પરિણયના વ્યોમમાં પાંખો વીંઝવા માટે અણદીઠી ભોમપર આંખ માંડવા સિવાય કોઈ રસ્તો બાકી નહિ રહેતો હોય એટલું સ્પષ્ટ જણાય છે.

બીજું, ન્યુટનને ઝાડ ઉપરથી સફરજન નીચે કેમ પડ્યું? ઉપર કેમ ન ગયું? એવા પ્રશ્નો થયા અને એમાંથી આપણને ગુરુત્વાકર્ષણના નિયમો મળ્યા. આ નિયમો અમને એન્જીનીયર થયા ત્યાં સુધી નડ્યા છે એ આડવાત. પણ સફરજનની જેમ પ્રેમમાં પણ પડવાનું આવે છે. સફરજનનાં પડવામાં  ગુરુત્વાકર્ષણ અને પ્રેમમાં આકર્ષણ કામ કરે છે. છોકરીના હાથમાંથી રૂમાલ છટકે તો એ પણ નીચે જ પડે એવું આપણે સહુએ સગવડતાપૂર્વક ધારી લીધું છે. બાકી હલકા વજનનો રૂમાલ પવનને લીધે જો હવામાં ઉડ્યો હોત તો - પેલા પીંછાવાળી વાતમાં આવે છે એમ - મારા હાથમાં નહી તો કોઈના હાથમાં નહી એ દાવે ફૂંકો મારી મારીને ગામના લોકો એ રૂમાલને ઔડા લીમીટની બહાર પહોંચાડી દીધો હોત. 

આ વિષયમાં ઊંડાણપૂર્વક વિચારવા જતાં લાગે છે કે રૂમાલ તો પડતાં પડી જાય, પણ એમાં ગામ આખું લેવા નીચે વળે એ ગામના લોકો કેવા આશિક મિજાજ હશે? એમાં નોંધવા લાયક એ છે કે વાંકા વળનાર ગામ લોકોમાં જુવાન અને બુઢઢા બંનેનો સમાવેશ થાય છે. જોકે પ્રણયમાં હવે ઉંમરની ભેદરેખાઓ ભૂંસાઈ રહી છે એ હિસાબે એ ગામ અમદાવાદ જેવું હોય તો આ રૂમાલકાંડમાં જુવાનીયાઓ કરતાં કાકાઓ મેદાન મારી જાય એમાં કોઈ શક નથી. છતાં પણ રૂમાલ ઉઠાવવા જેવું કોઈ સાહસ ખેડવું હોય તો પણ કન્યાનું મતદાન મથક અને એ બૂથના પુરુષ મતદારોની સંખ્યા જોઇને ઝંપલાવવું વધુ સલામત ગણાય એવું અમારું માનવું છે. બાકી પશ્ચિમની હવાની અસરને કારણે આજકાલ કન્યાઓ રૂમાલને બદલે ટીસ્યુ વાપરતી હોય એવી શક્યતા વધુ છે, અને જો એમ હોય તો તમારા હાથમાં શું આવશે એ વિચારીને રૂમાલ ઉઠાવજો...n

મસ્કા ફન

કોણ કહે છે શરમથી નજર નીચી રાખે છે બકા?
અમને તો એ મોબાઈલમાં જોતી લાગે છે બકા. 
---

વિડીયો લીંક : અમિતાભ-રેખા ચશ્મે બદદુરનો ફેમસ કેમીઓ, રૂમાલના સંદર્ભમાં ...

એન્જીનીયરીંગમાં કોઈ 'દિ ભૂલો ન પડતો ભગવાન



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |
ડિમાંડ અને સપ્લાય ઇકોનોમિક્સ વિષયનાં પાયામાં છે. જયારે ડિમાંડ કરતાં સપ્લાય ઓછો હોય ત્યારે ભાવ વધે છે. વીસ જ વરસ પહેલાં ગુજરાતમાં એન્જીનીયરીંગની ગણીને આઠ કોલેજ હતી. એ સમયે એન્જીન્યરીંગ કરવા લોકો ડોનેશન આપીને મહારાષ્ટ્ર (ખાસ કરીને ધુલિયા) અને કર્ણાટક જતાં. આ બાબતે સરકાર પર ખુબ માછલા ધોવાયાકે આપણા વિધાર્થીઓનેરૂપિયા ખર્ચીને બહાર જવું પડે છે. એમાં દુઃખ રૂપિયા બહાર જાય એનું વધારે. આ બાબતમાંથી બોધપાઠ લઇ સ્થાનિક સંચાલકોએ નવી સંસ્થાઓ ખોલી. અત્યારે ગુજરાતમાં ૧૦૦ કરતાં વધારે કોલેજ છે. પણ કોલેજ ખોલનારમાંથી ઘણાં ઇકોનોમિસ્ટ નહિ પણ પોલીટીશીયન હોવાથી ડિમાંડ સપ્લાયનો નિયમ ભૂલી ગયા. ગુજરાત શિક્ષણ બોર્ડની અસીમ કૃપાથી અઢળક માર્ક્સ મેળવ્યા પછી પણ, અને માત્ર પંચાવન ટકાએ એડમિશન મળતું હોવા છતાં, એન્જીનીયરીંગની સીટ્સ હવે ખાલી રહે છે. આના પુરાવા તરીકે બારમાંના પરિણામ પછી જ, અમુક તમુક કોલેજની પ્લેસમેન્ટ, ફેકલ્ટી વગેરેની જ્વલંત સફળતાના સમાચાર છાપાઓમાં અદ્દલ સમાચાર જ લાગે તેવી જાહેરાતો રૂપે જોવા છે.

કોઈ કાર્યક્રમ હોય અને જો સીટો ખાલી રહે તો વક્તા નારાજ થઈ જાય છે. પછી એ કવિ સંમેલન હોય કે ચૂંટણી સભા. મોટા નેતાઓ તો આયોજકોનો ઉધડો લઇ નાખે છે. આવા ઘણાં કાર્યક્રમ જોવા માટે રૂપિયા નથી ખર્ચવા પડતાં. તો પછી જેમાં ખાસા રૂપિયા ખર્ચીને જવાનું હોય એવી એન્જીનીયરીંગની સીટો ખાલી રહે તો સંચાલકો જાય ક્યાં બિચારા? હજુ તો પાંચ વરસ પહેલાં જ જે સીટ દીઠ બે-પાંચ લાખ ઉઘરાવતા હતાં એ વગર ડોનેશને સીટ ઓફર કરે અને એ લેનાર પણ ન હોય તો કેવું લાગે?

હવે બીજાં ધંધામાં થાય છે એમ આ સીટ્સ ભરવા માટે માર્કેટિંગ ગીમિક્સ થશે. જેમ કે એક સીટ પર એક સીટ ફ્રીની ઓફર થશે. જે સીટ્સ નથી ભરાતી એવી આઈટી બ્રાંચ લેનારને સાથે મીકેનીકલ કે સિવિલ એન્જીનીયરીંગ ફ્રી આપવામાં આવશે. શહેર દુરની કોલેજીસ ફ્રી ટ્રાન્સપોર્ટેશન ઓફર કરશે. બિલ્ડર્સની સ્કીમની જેમ ‘રીંગ રોડથી માત્ર પંદર મિનિટના અંતરે’ એવી જાહેરાત દ્વારા કોલેજમાં ગુલ્લી મારીને ભાગવાનો મોકો છે એવો ઈશારો પણ કરવામાં આવશે. આજકાલ મમ્મીઓ ડિસીશન મેકર હોય છે એનો ફાયદો ઉઠાવવા એક સીટ પર એક વોશિંગ મશીન ફ્રી જેવી ઓફર્સ પણ આવશે. મમ્મીઓ પણ પછી ‘ઘરમાં વોશિંગ મશીન તો છે, એમ કરીએ પેલી કોલેજમાં કુકિંગ રેન્જ વિથ ચીમની ઓફર કરી છે ત્યાં એડમિશન લઈએ’ એવું કરશે. આ ઉપરાંત મમ્મીઓને ટાર્ગેટ કરીને સીટ સાથે ‘દીપિકા સ્લિમિંગ પેકેજ ફ્રી’ જેવી ઓફર્સ પણ જોવા મળે તો નવાઈ નહી.

પછી તો ઘેર ઘેર આવી કોલેજોના પ્રોફેસર કમ પાર્ટ-ટાઈમ-માર્કેટિંગ એક્ઝીક્યુટીવ ટાઈ પહેરીને બકરાની નોંધણી કરવા પહોંચી જશે. હાસ્તો, પ્રાઈવેટ કોલેજમાં પ્રોફેસરની સેલરી વસુલ થવી જરૂરી છે. પછી ભલે કારકૂની હોય કે માર્કેટિંગ. આજકાલ સેમિનાર અને એજ્યુકેશન મેલા તો ઓલરેડી શરુ થઈ ગયાં છે, પણ પછી તો તમારો સુપુત્ર કે સુપુત્રી કોલેજ લાયક છે એ જાણવા મળે તો તમારો ટેલીફોન નંબર લઇ ઘેર ફોન આવતાં થઈ જશે. જેમ કે,

“હેલ્લો સર, હું અમથીબેન કચરાભાઈ ફાઉન્ડેશનથી બોલું છું. તમારો નંબર અમારા લકી ડ્રોમાં નીકળ્યો છે સર. સૌથી પહેલાં તો કોન્ગ્રેચ્યુલેશન્સ. સર, આવતીકાલે સાંજે પાંચ વાગ્યે તમારે તમારી પત્ની અને સન સાથે અમારી ઓફિસ પર આવવાનું છે. જેમાં અમે તમને અમારી સંસ્થા વિષે એક નાનું ઇન્ટ્રોડક્શન આપીશું એ પછી તમને ચાર જણ માટે ત્રણ દિવસ બે રાતના સાડત્રીસમાંથી તમારી પસંદગીના સ્થળના હોલી ડે વાઉચર આપવામાં આવશે. સર તો તમે આવશો ને?”

અને જો તમે ભૂલમાં ત્યાં ગયાં તો તમને કોલ્ડ્રીંક પકડાવી ને કોઈ નવી શરુ થયેલી કોલેજના કોર્પોરેટ પ્રેઝન્ટેશન અને કેમ્પસના ૩૬૦ ડીગ્રી વિડીયો દેખાડી લલચાવશે. એમાં તમે જો જરાક ઢીલા પડ્યા તો તમારા વતી ફોર્મ અને ઓનલાઈન ચોઈસ ફીલીંગ પણ કરી આપશે. પણ કોલેજ ચાલુ થાય ત્યારે તમારો રાહુલ ખબર આપશે કે ત્યાં લેક્ચર તો તમારા પડોશીનો મ્હોં પરથી માખ ન ઉડાડી શકતો સદ્યસ્નાતક બાબો આપે છે! અને જે ત્રણ દિવસના વાઉચર મળ્યા હતાં એ તો ફૂદડીવાળા હતાં જે વેકેશન અને વિકેન્ડ સિવાય વાપરવાની શરત હતી. એમાંય પાછું સાડત્રીસ સ્થળોમાંથી તેત્રીસ સ્થળો તો એક હજાર કિ.મી. કરતાં વધુ દુરનાં સ્થળના હતાં જ્યાં જવા-આવવાનો ખર્ચ મારી નાખે એવો હતો. એકંદરે બાવાના બેઉ બગડ્યા જેવું થાય છે.

હવે તો પેમેન્ટ અને ખાલી સીટ્સ પર કોઈપણ આલિયા-માલિયા ગમે ત્યાં એડમિશન લઇ શકે છે (ટુ-સ્ટેટ્સમાં આલિયા આઈઆઈએમની સ્ટુડન્ટ છે જ ને!). છોકરાએ ભણવામાં મહેનત ન કરી હોય પણ પપ્પાએ નોકરી-ધંધામાં મહેનત કરી હોય તો લક્ષ્મીકૃપાથી એડમિશન મળી જાય છે. પછી સરસ્વતિકૃપા વગર ડીગ્રી પણ મળી જાય છે. પણ ડીગ્રી છતાં ડફોળ એવાં આપણા આ એન્જીનીયરને નોકરી હાથતાળી આપી જાય છે. આમ જુઓ તો એમ થવું એ બહુજનહિતાય છે.

આમ તો પાસ થનાર ડબ્બાને ઘણીવાર કોલેજમાં જ નોકરી મળી રહે છે. પણ ડીમાંડ-સપ્લાયના નિયમ અનુસાર ભાવ, એટલે કે પગારમાં મંદીની નીચલી સર્કીટ લાગેલી છે. છતાં ખાનગીમાં જે ‘ડબ્બા ટ્રેડીગ’ ચાલતું હોય છે, મતલબ કે એન્જીનીયરીંગમાં ‘કરતા જાળ કરોળીયા’ની જેમ ‘એટીકેટી’ (બ્લોક) ક્લીયર કરી કરીને નીકળેલા ડબ્બાઓ ડાળે વળગી જતા હોય છે. આવા ડબ્બેશો ‘આસિસ્ટન્ટ પ્રોફેસર’ની પોસ્ટ શોભાવતા હોય છે જેમનો પગાર ‘ફૂલ પગાર’વાળા પટાવાળા કરતાં પણ ઓછો હોય છે. આ બાબતે વિગતે સંશોધન કરવામાં આવે તો જે કોલેજો બંધ થવાની કગાર પર છે તેમાંની અમુક પગારના બદલામાં કોલેજના ટેબલ-ખુરશી, કબાટ અને અમુક નસીબદારોને કોમ્પ્યુટર આપતી હોય એવા કિસ્સાઓ મળી આવે તો પણ નવાઈ નહિ.

આવી દારુણ પરિસ્થિતિમાં પડ્યા પર પાટુની માફક હવે લગ્નબજારમાં એમબીએ પછી એન્જીનીયર્સનાં પણ ભાવ ગગડ્યા છે. જેમ પહેલા મંગળદોષ છુપાવવામાં આવતો હતો એમ હવે છોકરો એન્જીનીયર છે એ બાબત ગર્વ લેવાને બદલે છુપાવવામાં આવે છે. લાગે છે કે રેસમાં હવે માત્ર એનઆરઆઈ, ડોક્ટર્સ અને સીએ જ બચશે. અથવા તો એન્જીનીયરોમાં અંદર અંદર સગોત્ર લગ્ન કરશે. આ પરિસ્થિતિમાં અમે તો એટલું જ સાંત્વન લઈએ છીએ કે સારું છે કે મંદી આવતા પહેલાં અમે પરણી ગયા.આપમુવા પીછે ડૂબ ગઈ દુનિયા!