Sunday, August 10, 2014

ફરાળી પાણીપુરી અને પિઝ્ઝા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |

માણસ અને પશુઓમાં ઘણાં તફાવત છે. એમાંનો એક તફાવત એ છે કે માનવજાત સામે ખાવાનું પડ્યું હોય તો પણ એ ઉપવાસ કરે છે પણ વાઘ ભૂખ્યો હોય તો સામે બકરી હોય કે બળદ, જે આવે તે ખાઈ લે છે. માણસની જેમ વાઘ ભૂખ્યો હોય ત્યારે ઉપવાસ કરી પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે એવું નથી કરતો. બિચારાં વાઘ આટલા ફ્લેક્સિબલ હોવા છતાં નિર્મૂળ થવાની શક્યતા ધરાવે છે, તો માનવ જાત આટલા નખરા અને અખતરા કરે છે એનું શું થશે એ ભગવાન જાણે!

રામાયણના રચયિતા વાલ્મીકિ પૂર્વાશ્રમમાં વાલિયા લૂંટારા હતા. પાપમાં એનું કુટુંબ ભાગીદાર નથી એવી વાલિયાને બહુ મોડેથી ખબર પડી હતી. પાપની જેમ પુણ્ય પણ પોતપોતાનું આગવું હોય છે. પોતાનું પુણ્ય પોતે જાતે ઉપવાસ કરી કમાવું પડે છે. એમાં ક્રિયાકાંડ કરનાર બ્રાહ્મણ તમારા વતી ઉપવાસ કરે તો ન ચાલે. પતિનાં દીર્ઘાયુ માટે પત્ની ઉપવાસ કરે એવા અમુક વ્રત છે, પણ એને બાદ કરતાં બાકીના ઉપવાસો પતિઓએ જાતે જ કરવાના હોય છે. માત્ર પુરુષોને જ કરવાના હોય તેવા વ્રત હજુ સુધી નીકળ્યા નથી, અને નજીકના ભવિષ્યમાં નીકળે તેની શકયતા વિદેશમાં રહેલું કાળુંનાણું દેશમાં પાછું આવે એટલી છે. પણ યુનીસેક્સ વ્રતો માટે એક વાત કહી શકાય કે ભારતીય સ્ત્રીઓ જેટલી સહેલાઈથી ઉપવાસ કરી શકે છે એટલી સહેલાઈથી પુરુષો નથી કરી શકતા.

પુરુષો જો ઉપવાસ કરે તો આખા ગામમાં ખબર પડે એવી રીતે કરે છે. આનું ઉદાહરણ શ્રાવણ મહિનામાં ઉગાડાતી દાઢી છે. શ્રાવણ મહિનામાં જ જો કોઈ નવીસવી દાઢી વસાવે તો તરત જ ઘણાં અહોભાવપૂર્વક ‘શ્રાવણ મહિનો કર્યો છે?’ એવું પૂછે છે. આમ દાઢી વધારનારને પોતાની ઉગાડેલી દાઢી સાર્થક થતી જણાય છે. આમ છતાં અમુક એવાય હોય છે કે જેમને દાઢી કરતાં છોલાઈ ગયું હોય અને અઠવાડિયા માટે દાઢી કરવાનું બંધ રાખ્યું હોય કે પછી શેવિંગ ક્રીમ લાવવાનું વારંવાર ભૂલી જતાં હોય એવાં પણ મફતમાં આવું બહુમાન પામે છે. આવું થાય ત્યારે અસલી ઉપવાસીને લાગી આવે છે. એ અલગ વાત છે કે આજકાલ બહુ મોટા માણસો જ દાઢી રાખે છે.
  
ઉપવાસ કરનારમાં હવે દાઢીની દાઢીને સાવરણીની સાવરણી ધોરણે ડાયેટીંગવાળા જોડાયા છે. એમનો મૂળ હેતુ ડાયેટીંગ કરી વજન ઉતારવાનો હોય છે પણ સાથે સાથે થોડું પુણ્ય કમાઈ લેવા મળતું હોય તો શું ખોટું છે? એવું વિચારી તેઓ ઉપવાસ કરે છે. પાતળાં લોકો દ્વારા થતાં ઉપવાસ વધારે વિશ્વાસજનક હોય છે. જેનું વજન વધારે હોય એ ઉપવાસ કરે તો પણ ધાર્મિક કારણસર કરે છે એવું માનવા લોકો જલ્દી તૈયાર નથી થતાં. આવા ઉપવાસ કરનારમાં આરંભે શુરા હોઈ એકાદ બે ઉપવાસ તો એકવાર ખાઈને બીજો ટાઈમ ચા-કોફીથી ચલાવી લે છે. પણ સમય જતાં અન્ય લો-કેલરી વિકલ્પો શોધવા લાગે છે. છેવટે એમની દશા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં રાજીનામું આપ્યું પછી જેવી થઈ એવી થાય છે. અરેરે... ક્યાં સુખેથી બે ટાઈમ જમતા અને ત્રણ ટાઈમ નાસ્તો કરતાં અને ક્યાં આ સાંજ કેમની કાઢવી એની ચિંતામાં ઓફિસમાં દિવસે કામ નથી થતું!

ઉપવાસ કરનાર પાછાં બે પ્રકારના હોય છે. ખરેખર ઉપવાસ કરનાર અને અનિચ્છાએ ઉપવાસ કરનારા. ઘરમાં ત્રણ જણ ઉપવાસ કરતાં હોય તો ચોથાએ લાંબા સાથે ટૂંકાનાં જેવો ઘાટ થવા છતાં જોડાવું પડે છે. એક જ ઘરમાં રહેનાર જુદીજુદી પાર્ટીને મત આપી શકે, પણ ઉપવાસ બાબતે તો એકમત થવું પડે છે કારણ કે એક જણ માટે ‘રસોડું કરવું’ પ્રેક્ટીકલ નથી. એવા વાડા કવચિત પાડવામાં આવે તો પણ ઉપવાસ ન કરનારને ભાગે રસોઈ બનાવનાર ચાખી ન શકે એ કારણે મીઠું ઓછું વત્તું હોય એવું ખાવાનો વારો આવે છે. વધારે તકલીફ તો ઉપવાસ કરનાર જે ફરાળ કરે તે જોઈને થતી હોય છે. ઉપવાસ ન કર્યો હોય તેથી કંઈ રાજગરાનો શીરો અણમાનીતો નથી થઈ જતો, એ અઠંગ ઉપવાસી કદી સમજી નથી શકતા એટલે ઉપવાસ ન કરનારની શીરામાં ભાગ પડાવવાની બદદાનત અંગે કટાક્ષ કરે છે. ઉપવાસ ન કરનાર આવા કટાક્ષ પછી મહાપરાણે શીરો ગળે ઉતારે છે.

ઉપવાસ માટે અંગ્રેજીમાં ‘ફાસ્ટ’ શબ્દ ઉપયોગ થાય છે. પણ ઉપવાસ કરો તો દિવસ ઘણો ધીમી ગતિએ પસાર થાય છે. ફરાળ કર્યું હોય તે પછી બીજાં રાઉન્ડનો વારો આવતાં ઘણો સમય લાગે છે. ડાયેટીશિયન્સ કહે છે કે દિવસમાં વધુ વાર જમો, પણ ઓછું ઓછું જમો. ઉપવાસના દિવસે ઉપવાસમાં વારંવાર ભુખ લાગે ત્યારે ડાયેટીશિયનની સલાહનું અજાણતા પાલન થઈ જાય છે પણ ઉપવાસમાં પેટમાં ઓરવામાં આવતી ચીજવસ્તુઓની કેલરી જવલ્લેજ ડાયેટીશિયન્સની માન્યતા પ્રાપ્ત થાય એવી હોય છે. આમ છતાં ભૂખ્યા પેટે કામ ન થાય એ દાવે મનુષ્ય સવારથી સાંજ સુધી જે હાથ લાગે તે ઓરતો રહે છે.

એમાંય મર્ફીઝ લો પ્રમાણે ઉપવાસ કર્યો હોય એ દિવસે પાછુ ઓફિસમાં કોકની બર્થ ડે હોય છે અને કેક કપાય પછી માત્ર વેફર ખાઈને કામ ચલાવવું પડે છે. ઘરમાં પણ પાણી પીવા ફ્રીઝ ખોલોને સામે કેટલીય વસ્તુઓ તમને લલચાવે છે, જે ઉપવાસ ન કર્યો હોય ત્યારે ભાગ્યે જ દેખાતી હોય છે. એકંદરે ઉપવાસીઓની દશા વિશ્વામિત્ર જેવી હોય છે જેમનાં તપમાં ભંગ પડાવવા જાતજાતની વાનગીઓ મેનકા બનીને દિવસ દરમિયાન આસપાસ નાચે છે.

આમ તો ટામેટા ફ્રુટ છે. પણ અમેરિકામાં ૧૮૯૩માં કોર્ટે ટામેટા ફ્રુટ નહિ બલ્કે શાકભાજી છે એવું ઠરાવ્યું હતું. આ માહિતી ઉપવાસ કરનારા માટે અગત્યની છે. કારણ કે ઉપવાસમાં શું ખવાય અને શું ન ખવાય એ અંગે કોઈ સરકારી સરક્યુલર નથી બહાર પાડવામાં આવતાં એટલે લોકો એનું મનઘડત અર્થઘટન કરે છે. ‘શું ફરાળ કહેવાય?’ એની વ્યાખ્યા આપવામાં જે લોકો જીવવા માટે ખાય છે અને અમારા જેવા જે ખાવા માટે જીવે છે તેમના અભિપ્રાયો વચ્ચે ખાસો મતભેદ જોવા મળે છે. એકંદરે ભુખ સહન કરી શકનારનાં ધોરણો વધારે કડક જોવા મળે છે. એટલે જ જેનાથી ભૂખ્યા ન રહેવાતું હોય એને ફ્રેંચ ફ્રાઇઝ સાથે કેચપ ખાવાની કોઈ ના પાડે તો શું થાય? આઈસ્ક્રીમ અને કોલા ડ્રિન્ક્સમાં મકાઈ આવે, ચોકલેટમાં લોટ આવે અને વઘારમાં રાઈ-મરચું ન વપરાય જેવા અનેક પ્રતિબંધ પછી જૂની અને જાણીતી મોરૈયો, સિંગદાણા, સાબુદાણાની ખીચડી અને સુરણનું શાક જેવી આઇટમ્સ ઉપવાસીઓને ભાગે બચે છે. પણ આવી આઇટમ્સનાં નામ સાંભળીને કે દેખાવ જોઈને જ ઉપવાસીની ભુખ ઘણીવાર ભાંગી જાય છે.

જોકે બજારમાં જાતજાતની ફરાળી આઇટમ્સ મળે છે જે રાજગરા, સિંગોડા અને મોરિયાનાં લોટમાંથી બને છે. આ વાનગીઓ જેવી કે પીઝા, નુડલ્સ, બિસ્કીટ, ખાજા, કેક અને ફરાળી પાણીપુરી આજકાલ ધૂમ મચાવી રહ્યા છે. શું? આ બધું ક્યાં મળે એનું એડ્રેસ જોઈએ છે? અલા, ઉપવાસ શરીરની શુદ્ધિ માટે કરો છો એ તમે પણ અમારી જેમ ભૂલી ગયા?
 

No comments:

Post a Comment