કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૧-૨૦૧૫
આપણા લોકગાયકો ‘કાઠીયાવાડમાં કો’ક દી ભૂલો પડ ભગવાન ...' ગાઈને ભગવાનને મહેમાન બનવા નિમંત્રણ આપતા હોય છે. પણ અહીં પૃથ્વી પર પ્રભુના નામે ફિલમવાળા, ચેનલવાળા, રાજકારણીઓ અને પાખંડી ધર્મગુરુઓ જે રીતે ધુપ્પલ ચલાવી રહ્યા છે એ જોતાં હાલમાં તો ભગવાન ભુલા પડે એવું લાગતું નથી. પણ જેમ મ્યુઝીકલ કોન્સર્ટોમાં બોલીવુડના સ્ટાર્સ શો અડધો થાય પછી પધરામણી કરે, અને ત્યાં સુધી જેમ લોકલ ગાયકો ધીરજપૂર્વક શ્રોતાઓને પકવતા હોય છે, એમ જ પ્રજાનો ઉદ્ધાર કરવા અને સંભવામિ યુગેયુગે પ્રોમિસ પૂરું કરવા ભગવાન પધારે ત્યાં સુધી ઓબામા જેવા મહાનુભાવો અમદાવાદમાં ભુલા પડતા રહે તો કમસેકમ શહેરની રેલીંગ, ફૂટપાથ અને ભુવાગ્રસ્ત રસ્તાઓનો જીર્ણોદ્ધાર થતો રહે તો એમાં શું ખોટું છે?
આમ તો વાઈબ્રન્ટ ગુજરાત નિમિત્તે શહેર ચમકતું તો થઈ જ ગયું છે,
એમાં ઓબામા ભુલા પડે તો ચાર ચાંદ લાગી જાય એમાં કોઈ શક નથી. જહાંગીરે જેને ગર્દાબાદ કહ્યું છે તે અમદાવાદમાં વાસણ માંજવામાં ધૂળનો ઉપયોગ સાર્વત્રિક થાય છે અને એ દરેક નાગરિકને ઘર આંગણે મળી રહે તે માટે મુનસીટાપલી ભરપૂર પ્રયાસો કરે છે. પણ ઓબામા આવે તો આ ધૂળ અદ્રશ્ય થઈ જાય ને ડોહાઓના ધોળામાં, ટાલમાં અને બુઢીયાટોપીમાં ધૂળ પડતી પણ બંધ થાય, પ્રેક્ટીકલી, એ નફામાં! આમ તો વાઈબ્રન્ટ ગુજરાત નિમિત્તે શહેર ચમકતું તો થઈ જ ગયું છે,
આમ તો હવે અમદાવાદમાં ભુલા પડવું અઘરું છે. પોળોમાં પણ હવે ‘ભમ ભમ કે ભાલક’ જેવું રહ્યું નથી કારણ કે મુનસીટાપલીએ ઠેરઠેર મોટા મોટા દિશાસૂચક બોર્ડ મુક્યા છે. એ ઉપરાંત જીપીએસ અને મોબાઈલ ઉપર એડ્રેસ જોઈ શકાય છે. મોબાઈલમાં સરનામું જોવું ટ્રાફિક કે તડકાને લીધે અઘરું પડે તો પાનના ગલ્લા પરથી કે ટ્રાફિક હવાલદાર પાસેથી નેવિગેશન મળી રહે છે. એટલે આજકાલ ગોગલ્સ ન પહેરતી હોય તેવી પ્રેમિકાની આંખો સિવાય ભૂલું પડવું હવે અઘરું છે. આજકાલ તો સગાસંબંધીને ત્યાં પણ ફોન કરીને જવાનો રિવાજ છે. એટલે કોઈના ઘેર જાવ તો પહેલાની જેમ ‘ક્યાંથી ભુલા પડ્યા રાજા?’ સાંભળવા નથી મળતું.
જોકે ઓબામા અમદાવાદમાં આવે અને ભૂલા પડે એ ડોનને પકડવા કરતાં પણ વધારે મુશ્કેલ જ નહી નામુમકીન છે. જે રીતે ગણતંત્ર દિવસ માટે દિલ્હીમાં સિક્યોરીટી ગોઠવાઈ છે એ જોતાં ચોક્કસ એવું માની શકાય. ઓબામા જ્યાં રોકવાના છે એ હોટલમાં અમેરિકન સિક્રેટ સર્વિસે કબૂતરો માટે મેટલ ડિટેક્ટર મુકવાના જ બાકી રાખ્યાં છે, એ જોતાં જો ઓબામા મિશેલને માણેકચોકની પાણીપુરી ખાવા લઈ જાય તો ભૈયાના ઘરની સાફસફાઈની જવાબદારી પણ અમેરિકન એજન્સીઓ અઠવાડિયા પહેલાં લઈ લે. પાણીપુરીવાળાને પણ આ બહાને ન્હાવાનો દુર્લભ અવસર મળે એ અલગ! નહાવાની વાત પ્રજાના બહોળા વર્ગને સ્પર્શતી બાબત છે, કારણ કે પાણીપુરી ખાવાથી વાગતી કીક ભૈયાના પ્રસ્વેદભર્યા સ્પર્શને કારણે જ છે એ ઓપન સિક્રેટ છે.
તાજેતરમાં અનેક વિશ્વવિભૂતિઓ ગુજરાત અને અમદાવાદની મુલાકાતે આવી ગઈ. એમાંનું કોઈ ભૂલું નહોતું પડ્યું, બધાને નોતરાં આપીને બોલાવવામાં આવ્યા હતા. અમેરિકન પ્રમુખ હજી બાકી છે. એટલે અમારી તો દિલની તમન્ના છે કે ઓબામા અમદાવાદમાં આવે. એટલું જ નહી, મિશેલ અને બાળકો સહિત માણેકચોક પાણીપુરી ખાવા જાય. જો એવું બને તો પછી પાણીપુરીમાં ભરીને પીધેલા સાબરમતીના પાણીની કિક વાગે તો મિશેલ બુન ભૈયા સાથે છેલ્લે મફત મસાલા પૂરી માટે રકઝક કરતી હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે! એ આખી રકઝક દરમિયાન અમારા જેવો અમદાવાદી યજમાન અદબ વાળીને ઉભો હોય પાછો! જે છેલ્લે વિવેક પણ કરે કે ‘તમે તો મહેમાન કહેવાવ, તમારે તો ખિસામાં હાથ નખાય જ નહી.’ કારણ કે અમદાવાદી માટે એવું કહેવાય છે કે અમદાવાદી જો ખિસામાં હાથ નાખે તો સમજવું કે ઠંડી વધારે છે. જોકે અમદાવાદીઓની નવી જનરેશન આ ઓળખ બદલી રહી છે. હવે ફૂલ પેમેન્ટ નહિ તો છેવટે સોલ્જરીમાં પોતાનો ભાગ આપવા માટે પણ અમદાવાદી ખિસામાં હાથ નાખતો થયો છે.
અમેરિકામાં લાખો ગુજરાતીઓ વસે છે. એમાં હજારો અમદાવાદીઓ પણ હશે જ અને જ્યાં અમદાવાદીઓ હશે ત્યાં એમણે એમનો કમાલ બતાવ્યો જ હશે. છતાં ભૂલેચૂકે ઓબામા અમદાવાદમાં ભૂલા પડે તો એમને જોવા મળે કે લ્યુના પર તૈણ સવારીમાં જનારા અમદાવાદી જવાનીયા છ છ લાખની દુકાતી, કાવાસાકી નિન્જા, હયાબુઝા બાઈક ફેરવતા થઈ ગયા છે. મલ્ટીપ્લેક્સની ત્રણસોની ટીકીટ ખરીદીને કાજુકતરીના ભાવે ખરીદેલા પોપકોર્ન ખાતાખાતા એ બોક્વાસ ફિલ્મમાંથી પણ પૈસા વસુલ કરી બતાવે છે. અહીંની પ્રજા હવે ફાફડા, જલેબી અને ઊંધિયાની લાઈનમાં શિસ્તબદ્ધ રીતે ઊભી રહી શકે છે. ઘરે ગરમ રોટલી પીરસતા વાર થાય તો થાળી પછાડનારા લોકો શનિવારે રાત્રે રેસ્તરાંની બહાર મસાણીયાની જેમ અદબવાળીને ‘બળી રહે એટલે જઈએ’ની મુદ્રામાં ધીરજથી ઉભા રહેલા જોઇને તો ઓબામા સાહેબ એમના ફોલ્ડરને રેલ્વે સ્ટેશન મોકલીને ખાતરી કરાવે કે, ‘જોઈ આવ તો બકા, આ શહેર અમદાવાદ જ છે કે હું ભૂલો પડ્યો છું?’
મસ્કા ફ્ન
આ ઉત્તરાયણનું સરવૈયું:
कम हवाओसे जूझकर पतंग चगाये थे चार
दो वोट्सेपिंगमें कट गए, दो फेसबुकिंग में