Sunday, January 25, 2015

પત્ની હોમ મિનિસ્ટર કે સૂચના અને પ્રસારણ મંત્રી ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૧-૨૦૧૫ | અધીર અમદાવાદી |

હજુ પણ ઘણાં પોતાની પત્નીને હોમ મીનીસ્ટર કહે છે. પાછાં પોતે બધાં નિર્ણય હોમ મીનીસ્ટરને પૂછીને લે છે એવું બતાવતા ફરે છે. પણ અમારા મતે ઘરની જો કોઈ મીનીસ્ટ્રી હોય તો પત્નીને હોમ નહી પરંતુ સૂચના અને પ્રસારણ ખાતું મળવું જોઈએ. સૂચના ગુજરાતીમાં. હોમ એટલાં માટે નહીં કે આજકાલ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર ઘર પૂરતું સીમિત નથી રહ્યું. પતિને સ્વભાવ મુજબ એક્સટર્નલ એફેર્સ, સાસુને બાળ અને પરિવાર કલ્યાણ, નણંદને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, દિયરને લેબર અને એમ્પ્લોયમેન્ટ, અને સસરાને પ્રેસિડેન્ટનો રોલ આપી શકાય.
 
એક અંગ્રેજી સુવાક્યમાં કહ્યું છે કે જિંદગી ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ સાથે નથી આવતી, એ માટે આપણને માતા-પિતા, ટીચર્સ અને કન્સલ્ટન્ટ મળે છે. પણ પત્ની એ દળદાર ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે. તમારે શું કરવું, શું ના કરવું, અને બેઝિક ટ્રબલ-શુટીંગ પત્ની જાણે છે. આમ તો એની મોટાભાગની સૂચનાઓ આપણી સુખાકારી માટે હોય છે. જેમ કે સમયસર જમી લે જે, બાઈક ધીમે ચલાવજે, જંક-ફૂડ ખાઈશ નહી, ખોટાં ખર્ચા કરીશ નહી વગેરે વગેરે. જો પત્ની દ્વારા આપવામાં આવતી બધી સૂચનાઓ અમે અહીં લખવા બેસીશું તો લેખ એમાં જ પુરો થઈ જશે.
 
પત્ની દ્વારા આપવામાં આવતાં નિર્દેશોમાં પતિ માટેનો પ્રેમ છુપાયેલો હોય છે. આપણને એમાં હુકમ કે આજ્ઞા દેખાય તો આપણે નગુણા જ કહેવાઈએ. શિક્ષક વિદ્યાર્થીને, મેનેજર કર્મચારીઓને, સંત ભક્તોને, કેપ્ટન ખેલાડીઓને, માબાપ સંતાનોને, જેલર કેદીઓને આપે છે એમ પત્ની પતિને માર્ગદર્શન આપે છે. તેમાં સામેવાળાનું ભલું ઇચ્છવામાં આવે છે. એને સુધરવાનો મોકો આપવામાં આવે છે. સત્કર્મ તરફ વાળવાનો પ્રયાસ થાય છે.

પુરુષો બગડવાનું મુખ્ય કારણ એમની મમ્મીઓ હોય છે. આવું મોટા ભાગની પત્નીઓ માને છે. એટલે પુરુષોને ‘શું ન કરવું’ એ પ્રકારની સુચનાઓની વધારે જરૂર પડે છે. મેનેજમેન્ટમાં આને ડી-લર્નિંગ કહેવાય છે. નવું મેનેજમેન્ટ આવે એટલે જુનાં કર્મચારીઓને જૂની ટેવો ભુલાવવામાં અને નવી પદ્ધતિ શીખવાડવામાં આવે છે. જે ખોટું શીખ્યા હોઈએ એ ભૂલી જવાનું અને નવેસરથી, એકડેએકથી શરૂઆત કરવાની. પત્નીઓને કોરી સ્લેટ વધારે ગમે છે. કોરી સ્લેટમાં સૂચનાઓ લખવી સહેલી પડે, જયારે પહેલેથી ભરેલી સ્લેટ હોય એને સાફ કરવી પડે પછી નવું કશું લખી શકાય. જોકે એકાદ-બે સ્લેટ હોય તો ઠીક, પણ અહીં પતિના કિસ્સામાં ડઝનબંધ નવી સ્લેટના ખર્ચા પાડવા પડે છે. ઘણી કંપનીઓમાં નવું મેનેજમેન્ટ આવતાં જુનાં કર્મચારીઓને વીઆરએસનો વિકલ્પ આપવામાં આવે છે. જોકે ઘરમાં નવું મેનેજમેન્ટ આવે ત્યારે કર્મચારીઓએ નવા મેનેજમેન્ટ એટલે કે મેનેજર સાથે ફવડાવી દેવું પડે છે.

સામાન્ય રીતે સૂચનાઓ આદતો, સંબંધ, ઈર્ષ્યા, ખર્ચ, ઘરકામ, વેકેશન, આરોગ્ય, પહેરવેશ, શોખ, ખાવાં-પીવા, અને બાળકો બાબતે હોય છે. સૂચનાઓ પ્રસંગોચિત હોય છે અને દરેક પ્રસંગ માટે અલગ હોય છે. બેસણામાં કેવા કપડાં પહેરવા, ચા પીતી વખતે સફેદ શર્ટનું ધ્યાન રાખવું, લગનમાં વ્યવહાર કેટલો કરાય થી માંડીને કાર કેવી રીતે ચલાવાય સુધીની સૂચનાઓ એમાં આવી જાય. ઘણાં કિસ્સામાં પત્નીનો સૂચના અધિકાર હોદ્દાની રુએ હોય છે, નહીં કે અનુભવ અને યોગ્યતાની રુએ. જેમ કે કાર કેવી રીતે ચલાવવી, આજુબાજુમાં પસાર થતાં વાહનો પ્રત્યે ધ્યાન દોરવું, ક્યાં પાર્ક કરવી વગેરેનો પ્રત્યક્ષ અનુભવ અને આવડત ન હોવાં છતાં પરોક્ષ અનુભવને આધારે આ સૂચનાઓ અપાય છે. આપણા દેશમાં પણ કંઇક એવું જ છે ને?

સૂચનાઓ બે પ્રકારની હોય છે. એક, શું કરવું અને બે, શું ન કરવું. શું કરવું, એ હકારાત્મક છે. ચા પીને કપ સિંકમાં મુકવો, ઓફિસેથી આવીને મોજા ધોવા નાખવા, નાહ્યા પછી ટુવાલ બહાર તાર ઉપર સુકવવો, જેવી સુટેવો કેળવવાનું તેમજ જાળવવાનું પત્ની આપણને યાદ દેવડાવે છે. શું ન કરવું એ નકારાત્મક છે. જેમ કે ચા પીને કપ ત્યાંને ત્યાં ન છોડી દેવો, ઓફિસેથી આવીને મોજા બુટમાં ન મૂકી રાખવા, નાહ્યા પછી ટુવાલ બેડ પર ન ફેંકવો, કુટેવો છોડવા માટેનાં નિષેધાત્મક આદેશો છે. આમાં બોલનારના અવાજનો આરોહ-અવરોહ થોડોક બદલાય છે. ટૂંકમાં એકની એક વસ્તુ બે રીતે કહી શકાય છે. આવી ચોઈસ નસીબદાર પતિને જ મળે છે. જોકે પિયરીયા સાથેનું વર્તન વિષય અંતર્ગત અપાતી સૂચનામાં બેઉ- શું કરવું અને શું ન કરવું- આવી જાય છે.

પત્નીને ફ્રેન્ડ, ફિલોસોફર, અને ગાઈડનો ઉચ્ચ દરજ્જો અમુક પતિઓ આપે છે. આ ત્રણેય વરાઇટીનાં લોકો માર્ગદર્શન આપતાં હોય છે. પતિને લેવાનું ગમે છે. સેવા, સારવાર અને સુશ્રુસા લેવી એને ગમે છે, પણ માર્ગદર્શન ગમતું નથી. એટલે જ પત્ની દ્વારા અપાતી સરળ સૂચનાઓને લાંબા લેક્ચર તરીકે ખપાવવાનો પતિઓનો સદા પ્રયાસ રહે છે. પણ વિધાર્થીઓ ક્લાસમાં બગાસાં ખાય, ચિત્ર-વિચિત્ર અવાજો કરે, જમીન પર બુટ ઘસે, એનાથી પ્રોફેસર વિચલિત નથી થતાં. પ્રોફેસરો એમ વિદ્યાર્થીના ગમા-અણગમાનો વિચાર ન કરી શકે.

આરટીઆઈ એટલે રાઈટ-ટુ-ઇન્ફર્મેશન. જાહેર કામો અંગે આમ જનતાને કોઈપણ માહિતી જોઈતી હોય તો ફોર્મ અને સામાન્ય ફી ભરવાથી આ માહિતી મળી રહે તે માટે સરકારે કાયદો બનાવ્યો છે. લગ્ન કરવાથી પત્નીને રાઈટ-ટુ-ઇન્ફર્મેશન મળે છે. આ અંગે કોઈ ફોર્મ કે ફી ભરવાની નથી હોતી. આમાં પતિએ નિયત સમયમર્યાદામાં-ઓન ધ સ્પોટ સમજવું- જવાબ આપવાનો હોય છે. જોકે આ જવાબો લેખિતમાં નથી આપવાનાં હોતાં. એક પ્રશ્નના જવાબથી ઊભા થયેલા નવા અથવા પૂરક પ્રશ્નોના જવાબો મેળવવા પત્નીએ નવું ફોર્મ ભરવું પડતું નથી. આ પ્રશ્નો ઉલટતપાસની રીતે પણ પૂછી શકાય છે. આ અંગે કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકાતું નથી અને ઉઠાવો તો એ ઓબ્જેક્શન સસ્ટેઈન કરે તેવી કોઈ ઓથોરીટી નથી હોતી. આરટીઆઈ અંતર્ગત મેળવેલી માહિતી પત્નીની લોંગ-ટર્મ મેમરીમાં જાય છે અને એનો ઉપયોગ સમય સંજોગો જોઈ વખતોવખત કરવામાં આવે છે. ઘણી સૂચનાઓ આ રીતે અગાઉ મળેલી માહિતીનાં પરિણામે ઉદ્ભવે છે.

પતિઓને માર્ગદર્શન આપનાર સ્ત્રીઓ ફક્ત મધ્યમવર્ગીય પરિવારોમાં જ પાકે છે એવું નથી. ઉચ્ચવર્ગમાં પણ સલાહ-સૂચન એટલું જ પ્રચલિત છે. જાહેર રસ્તા ઉપર થતાં ભવાડા હોય કે એરકન્ડીશન્ડ બેડરૂમમાં થતાં મોનોલોગ, ફક્ત ટોન બદલાય છે. પણ વાત મંદ્ર સપ્તકમાં થાય કે તાર સપ્તકમાં, સ્વર કોમળ હોય કે તીવ્ર, વાત ‘લીસન’ કહીને શરુ થઈ હોય કે ‘સાંભળો’, બધું એકનું એક છે. ટૂંકમાં પત્ની કમર પર બે હાથ ટેકવીને વાત શરુ કરે ત્યારે પતિએ આદર્શ શ્રોતા બની જવામાં સાર છે. એવું નહી કરો તો તમે કંઈ ઉખાડી લેવાના નથી એટલું લખી રાખજો!

No comments:

Post a Comment