Sunday, January 04, 2015

રસોઈમાં થતાં ઝોલની યુનિવર્સલ વાતો: આવું બનાવ્યું કે બની ગયું ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | | ૦૪-૦૧-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અમારી અમેરિકન ઈ-ફ્રેન્ડ ભવદા સોશિયલ મીડિયા પર લખે છે કે ‘એ (રુચિક) જયારે વઘારેલી ખીચડીને ભાજીપાઉં સમજે છે, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું’. આ સમસ્યા ઘણી ગંભીર છે. જોકે આમાં સમસ્યા રાંધનારની છે કે ખાનારની છે એ સ્પષ્ટ નથી થતું. બહુધા ખાનાર રસહીન હોય ત્યારે આવું બનતું હોય છે. બનાવનાર બે-ત્રણ કલાક રસોડામાં મહેનત કરીને વાનગી બનાવે અને ખાનાર એને પંદર મીનીટમાં હતું-નહતું કરી નાખે છે. એમાં વઘારેલી ખીચડી પીરસાઈ હોય અને પેલો પાઉંની રાહ જોતો હોય, અથવા પાઉં પીરસાય એ પહેલાં ભાજીને ખીચડી સમજીને ખાઈ જાય એવી ઘટનાઓ બનવાજોગ છે! બીજી તરફ બનાવનારે શું બનાવ્યું એ નક્કી કરવું એ ઘણીવાર બીગબોસ શોનો અમુક પાર્ટીસીપન્ટ ભાઈ છે કે બહેન છે એ નક્કી કરવા જેટલું જ અઘરું હોય છે.

આજકાલ અનેક અવનવી વાનગીઓ જોવા મળે છે. હા, જોવા. સોશિયલ મીડિયા પર હરખપદુડાઓ અને હરખપદુડીઓ, ‘આજે આ બનાવ્યું’ અથવા ‘આજે આ ખાધું’ કરીને વાનગીના મોબાઈલથી પાડેલા ફોટાં મુકે છે. પણ આ ફોટાં અને વાનગીનું નામ વાંચીને આપણે ઝોલે ચડીએ કે ‘આવું બનાવ્યું હશે કે આવું બની ગયું હશે?’ છોકરો કે છોકરી જન્મે પછી એનું નામ પાડવામાં આવે છે. એમાં જન્મ સમયની રાશિ પણ એમાં ધ્યાનમાં લેવાતી હોય છે. એવી જ રીતે કેટલીક રસોઈનાં નામ બન્યા પછી પાડી શકાય છે. કારણ કે રસોઈમાં તમારા ઇન્ટેનશન નહીં (શું બનાવવા ધાર્યું હતું), રીઝલ્ટ (શું બની ગયું) એ અગત્યનું છે. અંગ્રેજીમાં કહ્યું છે કે ‘એઈમ ફોર સન, ઇફ યુ મિસ, યુ વિલ લેન્ડ ઓન મુન’, આવું રસોઈમાં ન ચાલે. જે બનાવવું હોય એ જ બનાવવાનું ધારવું જોઈએ, અને એ જ બનવું પણ જોઈએ. કારણ કે બનાવવાની રસોઈ હોય છે, જમનારને નહી!

આપણા ગુજરાતી કહેવત વિશ્વમાં દરેક વાત માટે એક કહેવત મળી આવે છે. જેમ કે આ રસોઈ માટે ‘કરવા ગઈ કંસાર ને થઈ ગયું થૂલું’ એવું કહેવાયું છે. આમાં થૂલું શું હોય એ અમને ખબર નથી કે અમે ચાખ્યું નથી. પણ જે હશે એ કંસાર જેવું નહીં હોય એવું વિદિત થાય છે. જોકે અમને તો કંસાર પણ નથી ભાવતો એટલે જે બન્યું હોય એ, આપણને શું ફેર પડે છે?

અમેરિકામાં અમે છ મહિના બેચલર તરીકે રહ્યાં ત્યારે જિંદગીમાં પહેલીવાર અમને જાતે રસોઈ બનાવવાનો લાભ મળ્યો હતો. જાતે રસોઈ બનાવવી સહેલી છે. પણ જાતે બનાવેલી રસોઈ ખાવી અઘરી હોય છે. મોટાભાગના ઘરોમાં રસોઈ એટલે સારી બને છે કારણ કે રાંધનારને પણ એ જ રસોઈ ખાવાની હોય છે. જે ઘરમાં રાંધનારને સ્વાદમાં રસ ન હોય ત્યાં જમવાનાં આમંત્રણ નકારવા. આવું ચાણક્ય નથી કહી ગયા, અમે કહીએ છીએ. તો અમેરિકા જવાનું થયું તે સમયે અમને ચા અને પોટેટો ચીપ્સ સિવાય કશું જ બનાવતા નહોતું આવડતું. પ્રેશરકુકરમાં ખીચડી કઈ રીતે મૂકવી, એ પણ અમે તાજું જ શીખ્યા હતાં. એ પણ માત્ર થિયરી જ, પ્રેક્ટિકલ નહી. ખીચડીમાં પાણીનું પ્રમાણભાન અગત્યનું છે એ અમને પહેલાં પ્રયત્ન પછી ભાન પડ્યું. ખીચડીમાં પાણી ઓછું પડ્યું અને ખીચડી ને બદલે ખીચું બની ગયું. બીજી વખત પાણી વધારે નાખ્યું. બહુ વધારે. એટલે ખીચડીનાં સૂપ જેવું કંઇક બની ગયું. આ તો આપણે જાતે બનાવ્યું હોય એટલે આવું બધું ચલાવી લેવું પડે, બાકી બીજાં કોઈએ કર્યું હોય તો ઘોંઘાટ, કકળાટ, અને એ બે ન થઈ શકે એ સંજોગોમાં બબડાટ કરવાની આપણને ટેવ છે.

જોકે અમે એન્જીનિયર છીએ, એટલે ત્રીજી-ચોથી વખતથી પ્રમાણ જળવાવા લાગ્યું. અમુક વાડકીથી આટલા ચોખા, આટલી દાળ લેવી, અને અમુક ગ્લાસથી આટલું પાણી લેવું, એવા બધાં માપ કાઢી રાખ્યાં. એવામાં જો કોઈ મિત્ર જમવા આવે, તો માપ ડબલ કરી દેવાનું, પણ મિત્ર જો એમ કહે કે ‘મને ઓછી ભુખ છે, ખીચડી થોડીક જ મૂકજે’ તો એવું ન બની શકે. સોરી બોસ. ક્યાં એક જણ માટે અથવા બે જણ માટે, દોઢ જણ માટેનું પ્રમાણ કાઢવું આટલા ઓછા અનુભવમાં અમારા માટે શક્ય નહોતું.

જોકે આ અનુભવ પછી છેક અમને સમજાયું કે રસોઈ એ એક કળા છે જે દરેકને સાધ્ય નથી હોતી. જેમ બધાને ચિત્ર દોરતા નથી આવડતું એમ જ. ઘોડો દોરે અને એ ગધેડો લાગે, એ તો ઘણું સારું કહેવાય, પણ મોટે ભાગે ઘોડો દોરે ને બકરી કે કુતરું લાગે એવું બનતું હોય છે. રસોઈમાં પણ કંઇક આવું જ થાય છે. જોકે ચિત્રમાં જેમ મોડર્ન આર્ટ હોય છે જેમાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગનાં નામે સસલાને પણ ઘોડામાં ખપાવી શકાય છે એમ શેફનાં હાથે બનેલો ફિક્કો હાંડવો બેક ડીશ તરીકે ચાલી જાય છે. રસોઈ એ કળા છે એનો અનુભવ આપણને દિવાળી પછી એન્ટીકની કક્ષાએ પહોંચેલા જુનાં નાસ્તા પીરસવામાં આવે ત્યારે થાય છે. હાસ્તો, કલાના નમુનાને સાચવવામાં આવે છે. ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા આ બધી કળાઓ વગર જીવી શકાય છે. પરંતુ રસોઈકળા જીવનજરૂરી છે. કારણ કે મોટાભાગનાં અમારી જેમ ખાવા માટે જીવે છે.

રસોઈ એ કળા જ નહીં વિજ્ઞાન પણ છે. એમાં અગત્યનું પ્રમાણ તો છે જ, એટલું જ અગત્યનું સંયોજન છે. રસની સાથે ઢોકળા, ખીચડીની સાથે કઢી, રોટલો અને ઓળો, એવું બધું હોય તો જ રસોઈ જામે. રસની સાથે રોટલો અને વેઢમી સાથે ઓળો ન બનાવાય એ લગભગ બધાને ખબર છે. આમ છતાં સવારની વધેલી આઇટમ સાંજે ખપાવી દેવા કજોડા સર્જાતાં રહે છે. રસોઈમાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને નોન-વેજમા બાયોલોજી પણ આવે છે. ખીરું ઉકળતા તેલમાં નાખવાથી ભજીયાનું ઘન સ્વરૂપ ધારણ કરે છે. દૂધ અને ખટાશ સાથે ન થાય. ડુંગળી ધીમા તાપે જ્યાં સુધી એ સોનેરી રંગની ન થાય ત્યાં સુધી સાંતળવી પડે. ફિઝીક્સની અપૂરતી જાણકારી સાથે રસોઈ કરનાર ગેસની ફ્લેમની સાઈઝ, વાસણનો પ્રકાર અને વાહકતા, તેલનું જ્વલનબિંદુ જેવા મૂળભૂત નિયમોથી વાકેફ ન હોય તો જમનાર કાચી કે બળેલી રસોઈ જમવા પામે છે. દૂધપાકની ડેન્સીટી માપવાના સાધનો અને માપદંડનાં અભાવે આપણને દૂધ જ દૂધપાક તરીકે પીરસવામાં આવે છે, જે રસોઈવિજ્ઞાનમાં ભારતીય વૈજ્ઞાનિકોની અરુચિ દર્શાવે છે. બનાવેલી વાનગી એક દિવસમાં પૂરી કરવી કે વધેલી એક અઠવાડિયું રોજ ખાવી એ અંગે સાયન્ટીફીક સમજનાં અભાવે ખાનારે તબીબીવિજ્ઞાનની મદદ લેવી પડે છે. તો ઘણીવાર વધું પ્રમાણમાં રસોઈ બની જાય તો ઘરમાં ભાજીપાઉં કે ચણાપૂરી સપ્તાહ પણ ઉજવાતું હોય છે.

ખરાબ રસોઈ કોઈને ખવડાવવી એ પણ એક કળા છે. રિસેપ્શનમાં તમે જશો તો સલાડની સુંદર ગોઠવણી કરેલ હોય છે. એ જોઈને લલચાઈ જવાય છે, પણ થાળીમાં લીધાં પછી ભાન થાય છે કે આ તો એ જ કાકડી અને ગાજર છે જે ચાવીને ખાધા પછી માત્ર પેટને સિગ્નલ પહોંચે છે કે આપણે કંઈ ખાધું, પણ મન અને મગજને પહોંચતું નથી! સલાડ શું હવે તો કોફી ઉપર પણ હાર્ટ ચિતરવામાં આવે છે. આવી કોફીશોપમાં જવા માત્રથી અમુક લોકોને માનસિક સંતોષ મળે છે. રસોઈ સારી ન આવડતી હોય તેને માટે આ ડ્રેસિંગ સેન્સ અગત્યની છે. યસ, જે બની ગયું હોય એને ખપાવવું એ પણ એક કળા છે!

રસોઈમાં તો એવું છે કે ચાલુ રસોઇએ ફોન આવે તો પણ જમવામાં દાવ થાય છે. કારણ કે રસોઈમાં જે બની ગયું છે એ ન બની ગયેલું થવાનું નથી, કારણ કે વઘાર એ રાજીનામું નથી કે જેને પાછો ખેંચી શકાય. માટે જે બન્યું છે એને પેટે ચડાવી લેવામાં જ સાર છે.

No comments:

Post a Comment