Tuesday, February 24, 2015

મુઓ વર્લ્ડ કપ ....

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૨-૨૦૧૫

વર્લ્ડ કપ વર્લ્ડ કપ.... મુઓ વર્લ્ડ કપ. ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે કૂતરીને ગલુડિયા વળગ્યા હોય એમ ટીવીને વળગ્યા હોય છે મુઆઓ. જાણે સાસુએ સવા શેર સૂંઠનાં બદલે
સવા શેર ગુંદર ખાઈને ના જણ્યા હોય ! મને તો ચીસો પાડવાની ઈચ્છા થાય છે, અને મારા જેવી કેટલીય સ્ત્રીઓને પણ થતી હશે. આ વર્લ્ડ કપ આયો નથી કે એમાં અહીં ઘરમાં લોહીઉકાળા શરુ થઈ ગયા છે.

વર્લ્ડ કપ ચાર વર્ષે એકવાર આવતો હોય તો શું થયું? એમ તો કુંભમેળો બાર વર્ષે આવે છે તો એમાં નાગાબાવાઓ સાથે ગંગામાં ડૂબકી મારવા જાવ છો? અને કેટલી મેચ હોય? કોઈ લીમીટ તો હોવી જોઈએ ને? રોજ ઉઠીને ટીવી સામે બેસી જવાનું. પછી ગમે તે દેશ રમતો હોય. અલા ઝિમ્બાબ્વે અને યુએઈ નકશામાં ક્યાં આવ્યું એ ખબર છે? તોયે ટીવી જોવાનું અને એમાં ઓફિસ જવાનું મોડું પણ થઈ જાય. આપણી મેચ હોય તો તો નવ-દસ કલાક ટીવી સામે ચોંટી રહે. એકી-પાણી માટે ઊભા થાય તોયે રીમોટ ચડ્ડીના ખિસામાં નાખીને ફરે. તે કોઈએ કુકરી શો જોવાનાં હોય કે નહી? હવે એમ ન કહેતાં કે કુકરી શો તો આખું વરસ આવે છે. જે વસ્તુ આખું વરસ આવતી હોય એ નહી જોવાની એવું કોણે કીધું? એમ તો પાણી પણ આખું વરસ આવે છે એટલે નહી વાપરવાનું? છાપું ય આખું વરસ આવે છે તોય રોજ વાંચો છો કે નહી?

આજકાલ બધાને ચાઈનીઝ, ઇટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડ ખાવું હોય છે. પણ એ શીખવા માટે ચાઈના, ઇટલી કે મેક્સિકો લઇ જવાની વાત આવે તો ટાંટિયા કેળા જેવા ઢીલા થઇ જાય છે. થાઈલેન્ડ પણ મારા બેટા કંપનીએ કોન્ફરન્સ ત્યાં રાખી છે એ બહાને જાય છે, એ પણ એકલા. અમે કુકરી શો જોઈને કમસેકમ નવી નવી આઇટમ્સ બનાવીને ખવડાવીએ તો છીએ. જયારે તમે લોકો આ બધી મેચો જોઈને શું શીખો છો? નવરા બેઠા નાસ્તાના ડબા ખાલી કરવાનું? સોફાની મોંઘી ટેપેસ્ટ્રી પર ચા ઢોળવાનું? એક ઓવર પણ સરખી નાખી શકો છો? જીલ્લા-તાલુકાની ટીમ તો જવાદો પણ તમારી સોસાયટીના છોકરાં તમને ટીમમાં લે છે ખરા? સાડા ત્રણ વરસનો ટીટુ એના ડેડને પ્લાસ્ટીકનાં બોલથી એક ઓવરમાં તૈણ વાર ક્લીન બોલ્ડ કરે છે. તો પછી શું મધ લેવા મેચો જોતાં હશે?

અને મેચ હોય એટલે નહાવાનું નહી? શું કામ ? ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો શું તમને કંપનીમાં પ્રમોશન આલવામાં આવશે? મેચ હોય એટલે ડ્રોઈંગરૂમમાં અમારે બોલવાનું નહી? એમ ? મેચ હોય એટલે ડ્રોઈંગરૂમમાં કામવાળાએ કચરો નહી કાઢવાનો? એમ ? એમાં ઈંગ્લીશમાં ટપ્પો પડતો નથી તેમાં તો હિન્દી કોમેન્ટરી મુકે છે. મેચ હોય એટલે અમારે કોઈ પ્રશ્નો નહી પૂછવાના? એમ ? બે ટીમો ગ્રીન ડ્રેસ પહેરે તો અમને કેમની ખબર પડે કે કઈ ટીમ કઈ છે? અમને એવી હેન્ડસમ હન્ક્સનાં થોભડા સામે તાકી રહેવાની ટેવ નથી કે મોઢું જોઈને નામ ખબર પડે. અને ધારોકે અમે કંઈ પૂછ્યું તો જવાબ આલવામાં મારા સસરાનું ગયું શું ?

તમારો માટીડો પણ જો મેચ જોવા બાબતે તમારી સાથે આવી બબાલ કરતો હોય તો હું કરું છું એમ કરો. મહાભારતમાં જેમ યક્ષે પાંડવોને પ્રશ્નો પૂછ્યા હતા એમ એ નવરાઓ માટે દરેક મેચ પહેલાં પાંચ પ્રશ્નોનો જવાબ આપવો ફરજીયાત કરી દો. નો ઓપ્શન્સ- નો લાઈફલાઈન. પ્રશ્નોની જરૂર પડે તો કહેજો, વાઈડ બોલમાં સ્ટમ્પલા ઉડાડે એવા બીજાં સવાલો હું આપીશ. જેમ કે,
 
૧) વર્લ્ડ કપમાં ઈંગ્લેડ ઉપરાંત સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમ પણ રમે છે તો શું આપણી દીવ, દમણ અને દાદરા નગર હવેલીની ટીમો ભાગ લઇ શકે?
૨) સ્ટમ્પ ઉપર ઝબકતી લાઈટો ચાઈનાથી ઈમ્પોર્ટ કરેલી હોય છે કે ફુગ્ગાવાળા પાસેથી ખરીદેલી? 
૩) ઝીમ્બાબ્વેની ટીમના કોઈપણ પાંચ પ્લેયરના નામ સાચા ઉચ્ચાર સાથે બોલી બતાવો.
૪) યુએઈની ટીમના ખેલાડીઓ પહેરે છે એને ટી શર્ટ કહેવાય કે ઝભ્ભો? 
૫) ઇન્ડિયાની ટીમે ૩૮ ઓવરમાં છ વિકેટે ૧૯૭ રન કર્યા પછી વરસાદને કારણે મેચ ૩૮ ઓવરની કરી દેવામાં આવી. પણ સામેની ટીમ બેટિંગ કરતી હતી એ દરમિયાન ફરી વિઘ્ન આવ્યું તો સામેની ટીમને ૨૫ ઓવરમાં કેટલાં રનનો ટાર્ગેટ આવે એ ડકવર્થ લુઈસના લેટેસ્ટ નિયમ મુજબ ગણી બતાવો.

આટલું કર્યા પછી પણ એ લોકો ચેં ચેં પેં પેં કરે તો મને મિસકોલ મારજો, આખી ઘાઘરા પલટન તમારા ઘરે ઉતારી ના દઉં તો મારું નામ સરલા સળીકર નહિ.

મસ્કા ફન
અમેરિકન પત્ની, ચાઈનીઝ વસ્તુઓ, અને ફેસબુક છોડવાનો નિર્ધાર ઝાઝાં ટકતાં નથી.

Sunday, February 22, 2015

ઓફિસ મોડા પહોંચી વહેલા નીકળવાની કળા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |

કદાચ કામ પૂરતું નહી હોય. કીડીઓ ચટકા ભરતી હશે. ત્યાં અપૂરતું વિજાતીય આકર્ષણ હશે. માણસ કંઇક વધારે જ કાર્યદક્ષ હશે. બોસમાં કામ લેવાની આવડત નહી હોય. ક્યુબીકલ ક્લસ્ટ્રોફોબિક હશે. કે ખુરશી આરામદાયક નહી હોય. આમાંથી ગમે તે કારણ હોય, અથવા કોઈપણ કારણ ન હોય, પણ અમુક લોકોનાં ટાંટિયા ઓફિસમાં ટકતાં નથી. આપણે એવું નથી કહેતાં કે ઓફિસનાં સમય દરમિયાન બીજાં કામ પતાવવાની એમને ટેવ હશે. અમે એવું તો જરા પણ નથી કહેતાં કે માણસ કામચોર હશે. કારણ ગમે તે હોય, ભારતમાં વર્ષોથી ઓફિસમાં મોડા આવીને વહેલા નીકળી જવાની ફેશન છે. ઘરથી ત્રાસેલા લોકોના અપવાદ સિવાય આ ફેશન લોકપ્રિય છે.

મોડું આવવું એ કળા છે. મોડા આવનારે ઘણી વખત મોડા પડવાના બહાના પણ રજૂ કરવા પડે છે. વાઈફ કે મધર-ઇન-લો ને ડોક્ટરને ત્યાં લઈ જવાનું ઉભું કરવું પડે છે. એમાં માણસ હાજરજવાબી જોઈએ. ગાયનેકોલોજિસ્ટ કે ઓર્થોપેડિક સર્જનના નામ અને સરનામાં એને મોઢે હોવાં જોઈએ. પાછો અડધી રજા ન મૂકવી પડે એટલા સમયમાં હાજર થઈ જવું પડે. ઓફિસમાં સમયસર પહોંચવાના વિકલ્પે કરવાનાં કામ એક કે બે કલાકમાં પતી જાય તેવા હોવાં જોઈએ. પાછું ત્યાંથી ઓફિસ પહોંચવા વાહનની સગવડ પણ જોઈએ. આમ કરવા પ્લાનિંગ પણ સારું આવડતું હોવું જોઈએ. હવે વિચારો કે આવો કર્મચારી કોઈ કંપની પાસે હોય તો એ કંપની માટે ગર્વ લેવા જેવી બાબત ન કહેવાય? એની પાસે બાકીનાં છ કલાક કામ લો તો અન્ય કર્મચારીઓ સોળ કલાકમાં કરે તેટલું કામ કરી બતાવે!

કોલેજ કે ઓફિસમાં મોડા પહોંચનાર ભલે બહાનાં રજૂ કરે, પણ આ જ લોકો જયારે રેલવે કે હવાઈ મુસાફરી કરે ત્યારે કેમ મોડા પડતાં નથી? અને પડે છે તો એ બહાનાં બતાવી એજ ટીકીટમાં વગર રૂપિયા ખર્ચે જઈ શકે છે? આવા પ્રશ્નો ઘણાં વાંકદેખા પૂછતાં હોય છે. મોડા પહોંચો એ સૌથી વધું તો રોજ સમયસર આવનાર કર્મચારીઓને ખૂંચે છે. એટલે એ લોકો લેટલતીફનું જીવન દુષ્કર કરે છે. પાછું સમયસર આવનાર કંઈ વહેલા આવીને ધાડ મારતાં નથી હોતાં. એટલે જ આવા લોકોથી કંટાળીને ઘણાં મોડા આવવાને બદલે વચ્ચેના સમયમાં ગુલ્લી મારવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન ઓફિસમાં કોમ્પ્યુટર ચાલુ હોય, બેગ પડી હોય, અને આજુબાજુમાં બેસનાર જો વાટકી-વ્યવહારમાં સાક્ષી પૂરે એવો હોય કે ‘મહેતા, હમણાં તો અહીં જ હતો, કદાચ ચા પીવા ગયો હશે’ તો અનુકુળ રહે છે. મોકો જઈને નીકળી ગયા હોવ અને પાછાં આવો ત્યારે કોઈ શોધતું હોય તો ‘હમણાં જ ગયો હતો’ એવું આસાનીથી કહી શકાય છે. સવારે મોડા આવો તો ‘નવ વાગ્યાનો સમય હતો અને અગિયાર વાગે આવો છો’ એવી સરખામણી થઈ શકે છે પણ વચ્ચેના સમયમાં મારેલ ગુલ્લીનો ‘સ્ટાર્ટ ટાઈમ’ નક્કી કરવો અઘરો હોય છે.

સરકારમાં કે જ્યાં નિયમો કડક હોય છે, ત્યાં વહેલા નીકળનાર સીએલનું
ફોર્મ ભરીને જાય છે. સાહેબ કે ચેકિંગ આવે તો જ બતાવવાનું, એવી સ્પષ્ટ સૂચના અને સમજણ સાથે ફોર્મ સંબધિત કર્મચારીને આપવામાં આવે છે. કોઈ પૂછે નહી તો બીજે દિવસે એ ફાડી પણ નાખવામાં આવે છે. આ સરકારી કચેરીઓનું ઓપન સિક્રેટ છે. આવી કચેરીઓમાં હાજરી માટે પંચિંગ મશીન હોય તો પણ મેઇન્ટેનન્સનાં ધાંધીયાને લીધે ઝાઝો સમય મશીન આઉટ ઓફ ઓર્ડર અને કર્મચારી આઉટ ઓફ ઓફિસ રહેતા હોય છે.

ઓફિસમાંથી વહેલા નીકળતા લોકોને એક રીતે જોઈએ તો સમયથી આગળ કહી શકાય. એ લોકો નિયત સમય કરતાં વહેલા બિસ્તરા-પોટલાં, લેપટોપ-ચાર્જર વગેરે પેક કરી નાખે છે. જો કે આમ વહેલા ભાગી જનારાઓના બે પ્રકાર છે. એક બિલકુલ બિનધાસ્ત ને ખુલ્લેઆમ નીકળનારા, એ જાણે નિયત સમયે જ નીકળતાં હોય એમ મહાલતાં મહાલતાં નીકળે છે ને બીજાં પ્રકારના કર્મચારીઓ થોડાં ડરપોક હોય એટલે ટીફિન,લેપટોપ સાથે નીકળેને બધાં દૈણી જાય તો?? એવા ડરને કારણે લેપટોપ ખાનામાં ઘાલી ને ટીફિન પટાવાળા પાસે ધોવડાવીને બહાર ચાની લારી પર પહોંચતું કરી દે છે, જેથી જતી વખતે હાથ હલાવતાં, ખાલી લટાર મારવા જતાં હોય એવો દેખાવ કરી શકે. આમ છતાં આદતના જોરે અવારનવાર નાસી જતાં હોઈ આવા અર્લી બર્ડઝ સૌની નજરમાં હોય જ છે અને કોમ્પ્યુટર ચાલુ રાખીને, ખાનગીમાં પટાવાળાને બંધ કરવાનું સોંપીને, જતાં હોવાં છતાં એનાં કાળા કરતૂતો પટાવાળો જ, પૂરતાં ઇન્સેન્ટીવનાં અભાવે, જાહેર કરતો જોવા મળે છે. જોકે એકવાર પડેલી આદત આમ પકડાઈ જવા છતાં સહેલાઈથી જતી નથી.

ભૂતકાળમાં ઘણી જાણીતી અભિનેત્રીઓ વિદેશમાં શોપ-લીફટીંગ કરતાં પકડાયેલ છે. આવું કરનાર ઘણીવાર જરૂરિયાત કરતાં ચેલેન્જ અથવા માનસિક આનંદ માટે કરતાં હોય છે. મનોવૈજ્ઞાનિકો આને એક પ્રકારનો માનસિક રોગ માને છે. ઓફિસમાં ગાવલી મારવામાં પણ ભાગેડુ વૃત્તિ કે કંપની કે કામ પ્રત્યેનો આક્રોશ જવાબદાર ગણાય છે. ટેકનોલોજીને કારણે ફિઝીકલી ગુલ્લી મારવી શક્ય ન હોય ત્યારે માનવી મેન્ટલી ગુલ્લી મારે છે. માનસિક ગુલ્લી મારવામાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, શેરબજાર અને મોબાઈલનો સહારો લેવાય છે.

જોકે અમારા મત મુજબ (અમે પણ આખરે નોકરિયાત છીએ!), ઓફિસમાં ગાવલી મારવી એ નિર્દોષ પ્રવૃત્તિ છે જે પ્રેમાળ બોસની રહેમનજર હેઠળ પાંગરે છે. ઓફિસમાં મોડા પહોંચનાર અને ઓફિસમાંથી ગુલ્લી મારી વહેલા નીકળનારા ખાલી જોકમાં જ સામસામાં ભટકાય છે. ઓફિસમાં રહીને સ્કેમ કરનાર, મહિલાઓને છેડનાર, અને શેરબજાર કે સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર ટાઈમપાસ કરનાર કરતાં ગુલ્લી મારનાર સારા. બાકી ઓફિસમાં આઠ-નવ કલાક બેસીને લોકો કંઈ ધાડ નથી મારતાં. હા, એક રીતે તો ધાડ જ મારે છે, ઓફીસના ઈન્ટરનેટ પર. સોફ્ટવેર કે પિકચરો ગેરકાયદેસર ડાઉનલોડ કરીને !

હવે ટેકનોલોજીનાં ઉપયોગ, જેવો કે કાર્ડ પંચિંગ મશીન, ફિંગરપ્રિન્ટ સ્કેનર, જીપીએસ લોકેટર, સીસીટીવી કેમેરા, રીમોટ ડેસ્કટોપ વગેરે, ને કારણે ગુલ્લી મારવાનું કામ અઘરું થતું જાય છે. આવું જ ચાલતું રહ્યું તો ગુલ્લી મારવાની કળા લુપ્ત થઈ જશે તેવી આશંકા પણ અમુક ગુલ્લીબાજો સેવી રહ્યાં છે.

Wednesday, February 18, 2015

વોટ્સેપ પર ચવાયેલ જોક : ગોલગપ્પા અને ના-ગિન

વોટ્સેપ પર ચવાયેલ જોક : ગોલગપ્પા અને ના-ગિનનું એનાલિસીસ | અધીર અમદાવાદી  
लड़की गोलगप्पे खा रही थी.....
20 -25 खा लिए होंगे
फिर उसने अपने बॉयफ्रेंड से पूछा - "10 और खा लूँ डियर ?"
बॉयफ्रेंड झल्ला कर बोला - "नागिन ! खा ले!"
लड़की ने पानीपुरी की प्लेट फेंकी और बॉय फ्रेंड को जड़ दिया चांटा ! चटाक
"नागिन किसको बोला बे ?"
"अरे मारती क्यों है पगली ?
मैंने तो यही कहा था - ना गिन, खा ले!" ....
--
જોક એનાલીસીસ :
ઉપરોક્ત જોકમાં છોકરી ગોલગપ્પા ખાતી વર્ણવી છે. ગુજરાતમાં વોટ્સેપ પર ફરતાં થયેલા આ જોકમાં મજબુરીથી હિન્દી ભાષાનો ઉપયોગ થયો છે કારણ કે ગુજરાતીમાં નાગીન માટે નાગણ વપરાય અને તો જોકનું ત્યાં અકાળે અવસાન થાય. આમ પાણીપુરી તરીકે પ્રચલિત આઇટમને હિન્દીભાષીઓને રવાડે ચઢીને આપણે ગોલગપ્પા કહીએ છીએ તે કેટલું યોગ્ય છે તે સહુ બુદ્ધિજીવીઓએ વિચાર કરવો ઘટે. કારણ કે ગોલગપ્પા શબ્દ જ બે સવાલ ઊભા કરે છે.
) શું ગપ્પા ગોળ હોય ?
કે પછી
) ગોલ ન કર્યો હોય, પણ એ વિષે કોઈએ ગપ હાંકી હશે ?

વાતમાં આગળ જઈએ તો છોકરી ૨૦-૨૫ આ ગો.. ખાઈ ચુકી છે અને બોયફ્રેન્ડ સાથે છે એટલે પોતાનાં રૂપિયા ખર્ચીને ખાતી નહી હોય તેવું જણાય છે. જોકે છોકરી આજ્ઞાંકિત અને ડાહી છે કે વધું ગો.. ખાતાં પહેલાં પોતાનાં બીએફને હિન્દીમાં જ પૂછે છે કે હજુ દસ ખાઈ લઉં ડિયર?’ આમ છોકરી-છોકરાં વચ્ચે હજુ ફોર્મલ સંબંધો છે અને હજુ તેઓ જાનું-સ્વીટ હાર્ટ સુધી પહોંચ્યા નથી. આ ઉપરાંત ભૈયાજી પણ આખી વાતમાં વચ્ચે ડબકું મૂકતા નથી તે ભૈયાજીઓના સ્વભાવથી વિપરીત વાત જણાય છે.

જવાબમાં છોકરો ઝ્લ્લાઈને બોલે છે કે નાગિન ખા લે’, લખવામાં સ્પેસ નથી અને બોલતી વખતે બોલનાર સ્પેસ વગર બોલતો હશે તેવું જોકના ભાવકે સમજી લેવાનું થતું હશે. આમાં જ જોક રચનારાની કમાલ છે. જોકે છોકરો ઝ્લ્લાઈને કેમ બોલે છે તેનો ખુલાસો નથી થતો તે નથી જ થતો. એટલું જ નહી છોકરી સામે નાગિન કિસ કો બોલા બેએવું (સ્પેસ વગર જ) પૂછે પણ છે. અહીં નાગિન બાબતે શ્લેષ થાય છે, પણ કિસ બાબતે નથી થતો તે આશ્ચર્ય અમે હજુ પચાવી નથી શકયા. કારણ કે બોયફેન્ડ જવાબમાં અભી કિસ દિયા નહી, તુમ કિસ કિસ કી બાત કર રહી હો પગલીએવું અમોલ પાલેકર જેવા સોફ્ટ ટોનમાં પણ પૂછી શક્યો હોત.

ખેર એવું પૂછ્યું નહી એટલે છોકરીનો વારો આગળ વધે છે. નાગિન (સ્પેસ વગર) સાંભળવાથી છોકરી ખીજાય છે (એકલા બાનો ઈજારો નથી ખીજવાનો!). ખિજાયેલી છોકરી પ્લેટ ફેંકે છે, જે અંગે ફરી ભૈયાજી કોઈ વાંધો નથી ઉઠાવતાં. આ ઉપરાંત છોકરી છોકરાંને, જેને થોડીવાર પહેલાં ડિયર કીધો હોય છે તેને, એક લાફો ખેંચીને મારે છે. જોકે છોકરો ડીફેન્સીવ થઈ જાય છે અને ખુલાસો કરે છે કે એનાં કીબોર્ડમાં સ્પેસની કી વર્ક નથી કરતી એટલે આ ગૂંચવાડો થયો. જોકે અહીં લાફો ખાધા પછી પણ છોકરીને પ્રેમથી પગલી કહી છોકરો પ્રેમમાં સાચેસાચ પડ્યો હોય તેવું પ્રતીત કરાવે છે. અંતમાં છોકરો ગાલ પંપાળતો પંપાળતો પાકીટ કાઢે છે અને રૂપિયા ચૂકવી છોકરીનો હાથ પકડી એને મનાવવા વધુ ખર્ચ કરવા આગળ વધે છે. ફેંકેલી પ્લેટ ડોલમાં નાખતાં પહેલાં ભૈયાજી ગોબાનું નિરીક્ષણ કરી કશુંક બબડે છે. જોક અહીં પુરો થાય છે 

Sunday, February 15, 2015

AIB રોસ્ટની સુરતીઓને ચેલેન્જ

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૫-૦૨-૨૦૧૫


સુરત ગુજરાતનું મોખરાનું શહેર છે. ઊંચી ઈમારતો અને ફ્લાયઓવરોથી ઘેરાયેલું સુરત શહેરી વિકાસનું પ્રમાણ છે. સુરતી પ્રજા ખાવા અને પીવા બેઉની શોખીન છે. કાશીમાં તો મરવાનો લહાવો એક વાર લઈ શકાય છે, અને એમાં પણ મરણ તો કહે છે ભગવાનના હાથમાં છે, પણ સુરતનાં જમણનો વારંવાર લાભ લઈ શકાય છે. સુરતમાં જાવ તો બીજો લાભ ગાળોનો મળે. સ્ટેશનની બહાર નીકળવાની પણ રાહ ન જોવી પડે. સુરતની ગાળ બોલવા અંગેની છાપ અંગે કવિ શ્રી રઈશ મણીયારે કહ્યું છે કે:

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

પણ હવે સુરતનું આ સ્થાન જોખમમાં છે. હમણાં જ એઆઇબી રોસ્ટ નામે એક કાર્યક્રમ થઈ ગયો જેમાં ધાણીફૂટ ગાળો બોલાઈ હતી. એઆઇબી જેનું સંક્ષિપ્ત છે તે ‘બી’ માં ગાળ આવી છે. જે આજકાલ ભણેલાં અને અભણ, પુરુષ અને સ્ત્રી, અબાલ અને વૃદ્ધ સૌને ખબર હોય એવી છે. ભારતમાં કદાચ પહેલીવાર આવો કાર્યક્રમ જાહેરમાં થયો હશે એટલે કેટલાંક મૂઢમતિઓ એનો વિરોધ કરે છે. બાકી વિદેશોમાં એઆઇબી જેવા કાર્યક્રમો નોર્મલ ગણાય છે. વિદેશમાં અંગ્રેજીનું ચલણ છે અને આપણે પણ અભ્યાસથી માંડીને બિઝનેસથી સુધી બધે એ અપનાવ્યું છે. વિદેશમાંથી જીન્સ-પેન્ટ આવ્યા એટલે આપણે ધોતિયાને તિલાંજલિ આપી. વિદેશી સોફ્ટવેર વગર તો આપણા કોમ્પ્યુટર ચાલે જ નહી. આટલું બધું વિદેશી અપનાવ્યું તો કોમેડીમાં ડિક્સનરીના શબ્દો જ વપરાય એવો હઠાગ્રહ રાખીને માંડ એકવીસમી સદીમાં પ્રવેશેલા દેશને પાછો વીસમી સદીમાં શા માટે ઘસડી જવો જોઈએ? અને આ કાર્યક્રમમાં કશુંક આપત્તિજનક હોત તો દિપીકા જેવી સેક્સીસ્ટ કોમેન્ટ્સના નામે જાહેર વિરોધ કરી પ્રસિદ્ધ થનાર ઉંધી પડીને હસતી ન હોત. કે પછી આલિયા જેવી પોતાની મમ્મી સાથે આવી ન હોત. અરે શોમાં ભાગ લેનાર કરણ જોહરની મમ્મી પણ પહેલી રોમાં બેઠી આ કહેવાતાં વલ્ગર શોનો આનંદ થોડી લેતી હોત?

એઆઇબી કાર્યક્રમનાં સમર્થકો વાણીસ્વાતંત્ર્યનાં નામ પર એઆઇબીનો બચાવ કરે છે. ઘણાં ફિલ્મી મહાનુભવોએ એનાં બચાવમાં ટ્વિટ કર્યા કે બ્લોગ કે લેખ લખ્યા છે. પણ ભૂતકાળમાં આસુતોષ ગોવારીકરે સાજીદ ખાનના વાણી-સ્વાતંત્ર્યનો એક એવોર્ડ સમારંભમાં જાહેરમાં વિરોધ કર્યો હતો. આમ તો સાજીદનો પોપ્યુલર ટીવી શો ‘ઇક્કે પે ઇક્કા’ અને ‘કહને મેં ક્યા હર્ઝ હૈ’ એક રીતે ગાળો સિવાયનો સેલીબ્રીટી રોસ્ટ જ હતો. જેમાં જેની મજાક થતી એની લાગણી ક્યારેક દુભાતી હતી. અફકોર્સ બનાવનાર અને સાંભળનારને એમાં કશું અજુગતું નહોતું લાગતું. આમાં તો રેલો પોતાની નીચે આવે ત્યારે દાંત બતાવવાના છે કે ચાવવાના છે એ ખબર પડે!

‘મિંયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી’ એ રોસ્ટની તરફેણમાં સૌથી પોપ્યુલર આર્ગ્યુમેન્ટ છે. જો સાંભળનાર પોતાની મરજીથી આવે છે, બોલનાર પોતાની મરજીથી બોલે છે, તો કોઈ થર્ડ પાર્ટીએ આવીને એમાં વચ્ચે ડખો શું કામ કરવો? વાત તો એકદમ સાચી છે. ખરેખર તો આ દાવે થિયેટરમાં પોર્ન ફિલ્મ્સ પણ રીલીઝ થવી જોઈએ, કારણ કે રજૂ કરનાર, થિયેટર માલિક, અને જોનારને વાંધો ન હોય તો પછી જે ખાનગીમાં જુએ છે એ દંભી લોકોએ શું કામ વાંધો ઉઠાવવો? બસ, માત્ર બોર્ડ મૂકી દેવાનું કે ‘એડલ્ટ્સ કન્ટેન્ટ છે, અને તમારી મરજી હોય તો જ અંદર પ્રવેશવું’. અમે તો કહીએ છીએ કે કરણ જોહર, આલિયા, રણવીર સિંહ અને અર્જુન કપૂરને પણ સપરિવાર આવા શોના પ્રીમિયરમાં બોલાવવા જોઈએ. હવે તમે કદાચ એમ કહો કે કાયદાનું શું? અલા ભાઈ કાયદા તો બધાં બ્રિટીશ રાજ વખત (ઇન્ડિયન પીનલ કોડ, સન ૧૮૬૦) બનેલા છે તે આજની જનરેશન એક્સને થોડાં લાગુ પડાય? હાવ બેવકૂફ જેવી દલીલો ના કરો અને તાત્કાલિક કાયદા બદલો, હેંડો !

સર ચેતન ભગત જેવા આઇઆઇએમ પાસ આઉટે ભૂતકાળમાં દારૂબંધીની તરફેણ કરી જ હતી. આઇઆઇએમ પાસ આઉટ કહે એમાં મીનમેખ હોય જ નહીં. सर्वे गुणा: आई.आई.एम.डिग्रीमाश्रयंते. ગુજરાતમાં દારૂબંધી પણ નર્યો દંભ છે. વેચનારને વેચવી છે, પીનારને પીવી છે, તો જેને નથી પીવી તેણે મ્હોંમાં અંગુઠો નાખીને બેસી રહેવું જોઈએ, એમાં આખા ગુજરાતમાં દારૂબંધીની શી જરૂર? ગાંધીજીના આદર્શો તો સો વરસ જૂની વાત થઈ હવે. હવે તો એમનાં ફોટાંવાળા બંડલોના બંડલો હેરફેર થાય છે તે લાંચ લેવાનું પણ કાયદેસર કરવું જોઈએ. કારણ કે લાંચમાં પણ લેનાર અને આપનાર બેઉનું કામ થાય છે. પણ શું થાય? અમુક આદર્શવાદી, જડસુ, દંભી બેવકૂફો સમજતા નથી એટલે ખોટો વિરોધ કરે છે.

ધુમ્રપાન આરોગ્ય માટે હાનીકારક છે એથી સરકારે સિગારેટના પેકેટ પર કેન્સર દર્દીઓના ફોટા સાથેની કાનૂની ચેતવણી છાપવાનું ફરજીયાત કર્યું છે. જાહેર સ્થળોએ ધુમ્રપાનનો નિષેધ છે. આમ છતાં સરકાર કંઈ કપચીના ઢગલા પર બેસીને ટેસથી બીડી ફૂંકી રહેલા મજુરના મોઢામાંથી બીડી ખેંચી લેવા નથી આવતી. મતલબ કે ચેતવણીઓ છાપવી ફરજીયાત કરીને સરકારે બાકીનું ‘મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાઝી’ના ધોરણે પ્રજાના સ્વવિવેક પર જ છોડી દીધું છે. આ હિસાબે આવનારા દિવસોમાં ઝીણા અક્ષરોમાં યોગ્ય કાનૂની ચેતવણી પ્રદર્શિત કરીને દિશાઓના વસ્ત્રો પહેરેલી કોઈ વ્યક્તિ જાહેરમાં ફરી શકશે કે હનીસિંઘ જેવા ગાળોસિયા ગાઈ શકશે. સ્વાભાવિક છે કે પછી બોલનારા અને સાંભળનારા પરસ્પર સંમત હોય તો ‘રીડ ધ ઓફર ડોક્યુમેન્ટ્સ કેરફૂલી’ના ધોરણે ‘કાનના કીડા ખરી પડવાની સંભાવના છે’ તેવી ચેતવણી પ્રદર્શિત કરીને ગમે તેની માતુશ્રી અને ભાગીનીના ઉલ્લેખ સાથેના સ્વસ્તિ વચનો પણ સંભળાવી શકાશે. જય હો.

મસ્કા ફન
વાઈફ અને વાઈફાઈની રેન્જમાં આવો એટલે ચાલુ પડી જાય !

શિયાળું વસ્ત્રો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |

મુંબઈવાસીઓના નસીબમાં શિયાળો નથી. ખાસ કરીને શિયાળુ વસ્ત્ર અને શિયાળાનાં વસાણાં. પણ ગુજરાતમાં લોકો આનો ભરપૂર લહાવો લે છે. આ વસ્ત્રો વિષે મુંબઈગરા કદાચ થોડાં અજાણ હશે, તો શિયાળુ વસ્ત્રો વિષે થોડી જાણી-અજાણી વાતો.

બુઢીયા કે વાંદરાટોપી: અંગ્રેજીમાં આને ‘મન્કી કેપ’ કહેવાય છે. આધેડ અને વૃદ્ધ પુરુષોની આ મન કી કેપ છે. ટોપી પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળવા ઉપરાંત ટાલ પણ ઢંકાય છે. આ પહેર્યા પછી ટાલ-બિનટાલ સૌ સરખા દેખાય છે. ઉપરથી ટોપીની ટોચ ઉપરનું છુછું પુરુષને ઊંચાઈ બક્ષે છે. આધેડ અને વૃદ્ધ દ્વારા ખાસ પહેરાતી આ ટોપી દાઢીની નીચે સુધી પહોંચતી હોય ત્યારે એ વાંદરા જેવો દેખાવ ઉભો કરે છે આથી એનું બુઢીયા-ટોપી નામ સુસંગત છે. આમેય માણસ ઘરડો થાય ત્યારે પણ ગુલાંટ મારવાનું નથી ભૂલતો. જેમ હસવાથી આંસુ, લાઈટ કરવાથી અજવાળું, અને ક્રેડીટકાર્ડ વાપરવાથી બિલ આવે જ છે એમ બુઢીયા ટોપી પહેરવાથી ખણ આવે છે. ઉનની ટોપી કાઢ્યા પછી અગત્યના સો કામ છોડીને પહેલું કામ ખણવાનું થાય છે. પછી કાંસકાથી જો વાળ હોય તો એ સરખા કરવામાં આવે છે. માથું ઓળતાં ઓળતાં કાંસકાનો ઉપયોગ ખણવા માટે સાર્વત્રિક રીતે થાય છે.

સ્કાર્ફ: દેવ આનંદના ગળામાં જે સ્ટાઈલ સ્ટેટમેન્ટ તરીકે એક જમાનામાં પહેરતો હતો તે સ્કાર્ફ કોઈ કારણોસર પુરુષોએ હડધૂત કર્યો છે. પણ પુરુષો કરે તેથી વિપરીત કરવું એવી વૃત્તિને લઈને કે ગમે તેમ, સ્ત્રીઓએ સ્કાર્ફને દિલથી અપનાવ્યો છે. ખાસ કરીને ઉંમરલાયક સ્ત્રીઓએ. દેવ સાહેબ તો સ્કાર્ફ ગળામાં પહેરતાં જયારે સ્ત્રીઓ એને માથાથી ઉપરથી લઈને દાઢીની નીચેની તરફ લાવી ગાંઠ મારીને પહેરે છે. સ્ત્રીઓ વાંદરાટોપી ન પહેરી શકે એટલે સ્કાર્ફ પહેરે છે. સ્કાર્ફ પહેરનાર સ્ત્રીઓનાં હેરસ્ટાઈલ પ્રત્યે સભાન નહી હોય અથવા તો એમનાં વાળ કોઈ ‘યે રેશમી ઝુલ્ફે’ અથવા ‘ઝુલ્ફ ઘનેરી શામ’ ગાય એવા પ્રેરક નહી હોય એવું સહેલાઈથી માની શકાય. સ્કાર્ફ એટલાં પાતળાં કાપડનો હોય છે કે ડબલવડા કર્યા પછી પણ કાનમાં પ્રવેશતી હવા રોકવાથી વિશેષ ઠંડીમાં રક્ષણ અર્થે કામમાં નથી આવતો. પણ કાનમાં રૂના પૂમડાં નાખવા કરતાં સ્કાર્ફ પહેરવાનું સ્ત્રીઓ વધારે પસંદ કરે છે. ઉનના સ્કાર્ફ પણ આવે પણ એને ટેકનીકલી સ્કાર્ફ કહેવાય કે કેમ એ સવાલ છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ સાડી માથે ઓઢતી, એટલે તેઓ સ્કાર્ફ પહેરે તો દેખાવમાં ખાસ ફેર ન પડે, પણ કાયમ પંજાબી પહેરનાર સ્ત્રી જયારે સ્કાર્ફ પહેરીને નીકળે છે ત્યારે ઓળખાણ પડતાં બે-પાંચ મીનીટ નીકળી જાય છે. હવે ખબર પડી પુરુષો કેમ સ્ત્રીઓને તાકી તાકીને જુવે છે? આમ તો વિન્ટર કે સ્પ્રિંગ કલેક્શનની મોડલ્સ પણ સ્કાર્ફ પહેરી રેમ્પ-વોક કરતી હોય છે પણ આપણા નસીબમાં જે મોડેલ્સ છે તેઓ દિવાળી પછી સ્કાર્ફ ચડાવે છે તે છેક હોળી આવે ત્યારે ઉતરે છે. વચ્ચે નહાતી વખતે પણ ઉતારતાં હશે કે કેમ એ તો એ લોકો જ જાણે!

સ્વેટર : રેડીમેડ વસ્ત્રોનો જમાનો આવ્યો એ પહેલાં સ્વેટર હાથથી ભરવામાં આવતાં. ઘરમાં બા કે પત્ની પોતાનાં સ્પેર સમયમાં ગૂંથ્યા કરતી. હવે કોઈ કરતું નથી એવું. નહીંતર સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ જોવા મળતે કે ‘નીટિંગ સ્વેટર ફોર માય બિલવ્ડ’. સોશિયલ મીડિયા પર આવું નથી મુકાયું એટલે કોઈ જાતે સ્વેટર ગૂંથતું નહી માની લઈ શકાય, કારણ કે આજકાલ ફેસબુક પર મુક્યા વગર કરેલાં કાર્યોને સમાજ સ્વીકૃતિ નથી આપતો. સ્વેટર અને જેકેટ જેવા વસ્ત્રોનો એ ફાયદો છે કે અંદર ફાટેલું કે ડાઘવાળું શર્ટ પણ પહેરી શકાય છે. સ્વેટર બે પ્રકારના હોય છે: એક એ કે જેની નીચેની કિનારી પેન્ટના બેલ્ટથી એક સરખા અંતરે હોય, અને બીજાં કે જેમાં વસ્ત્રની નીચેની કિનારી લગ્નોમાં રૂમાલી રોટીનો લોટ ફેલાવીને વચ્ચે હાથ ખોસ્યા પછી રૂમાલી રોટીની જે હાલત હોય એવા દેખાતાં સ્વેટર. ઉનના ઊંચા ભાવ, અને દરેકને જુદાં જુદાં પ્રમાણમાં ઠંડી લાગતી હોવાથી ઉન સિવાય જાતજાતના મટીરીયલ અને ક્વોલિટીના સ્વેટર બને છે. બાંડિયા સ્વેટર શરીરમાં હાથને ઠંડી નથી લાગતી અથવા હાથનું મહત્વ ઓછું છે એવું પ્રતિપાદિત કરે છે. આખી બાંયના સ્વેટર પહેરનારને વધારે ઠંડી લાગે છે એવું સાબિત કરે છે. જોકે અમુક આ પ્રમેયને ખોટો પાડવા દિવસ દરમિયાન ગમે ત્યારે ‘ગરમી લાગે છે’ કહી સ્વેટરનો ત્યાગ કરે છે. પણ આમ સ્વેટર-ત્યાગ થકી પ્રમેયને ખોટો પાડનાર અને સ્વેટરને ગમે ત્યાં રઝળાવનારનું સ્વેટર અંતે ખોવાઈ જતું હોય છે. એકવાર સ્વેટર ખોવાય પછી બીજીવાર ચોકસાઈ પૂર્વક સ્વેટર મુકવાનું શીખવાને બદલે સસ્તા સ્વેટર ખરીદતો થઈ જાય છે, એમ કરી ને કે ‘ખોવાય તોયે વાંધો નહી’. સ્વેટરના ફીટીંગમાં બેદરકાર માણસો ઘણીવાર બ્લાઉઝ જેવા ફીટ થતાં તો ક્યારેક એક સ્વેટરમાં બે જણા ઘૂસી શકે તેટલાં લુઝ ફીટીંગના સ્વેટર પહેરતાં હોય છે. એમાં પાછું બાંયની લંબાઈ અને ગોળાઈ બાબતે બ્રાન્ડેડ સ્વેટર સિવાય ખાસ ધારાધોરણ નથી હોતાં. એટલે જ અમુકના સ્વેટરની બાંય ગાયની ડોકમાં લટકતી ચરબી જેવી દેખાતી હોય છે.

જેકેટ: જેકેટ બે પ્રકારના હોય છે. ગોદડાં જેવા જેકેટ અને સારા જેકેટ. આપણે ત્યાં એટલી ઠંડી નથી પડતી કે ગોદડા ઓઢીને નીકળવું પડે. પણ નાયલોનના, અંદર હલકું મટીરીયલ ભરેલા જેકેટ ભીડભાડમાં, ખાસ કરીને લીફ્ટમાં, ભીડ વધારે છે. અવકાશયાત્રીઓ પહેરે એ સ્પેસ સુટ અને આ જેકેટનાં દેખાવમાં રંગ સિવાય ખાસ ફેર નથી હોતો. બેઉ પહેરનાર પરગ્રહ પરથી આવ્યાં કે જતાં હોય એવું લાગે છે, ઠંડી ઓછી હોય ત્યારે તો ખાસ. આવા જેકેટનાં એક તરફના ખિસામાં હાથમોજા અને બીજાં ખિસામાં બુઢીયા ટોપી ઠોંસી હોય ત્યારે ગાદલું ઓઢ્યું હોય ને બેઉ ખિસામાં બે ઓશિકા નાખી ને નીકળ્યા હોય તેવો દેખાવ ઉભો કરે છે. એકંદરે આવા જેકેટ પહેરનારને ભેટો તો શરૂઆતની દસ મીનીટ તો જેકેટને કોમ્પ્રેસ કરવામાં ખર્ચાઈ જાય છે! 
 
શાલ : શાલ બે પ્રકારની હોય છે. સ્ત્રીઓ માટેની શાલ અને પુરુષો માટેની શાલ. સ્ત્રીઓ માટેની શાલના અનેક પ્રકાર હોય છે જેમાં રંગ, બોર્ડર, ભરતકામ, મટીરીયલ વગેરેનું વૈવિધ્ય હોય છે. પુરુષો માટેની શાલ મોટે ભાગે ઓઢાડવામાં વપરાતી શાલ ભૂખરા કે રાખોડી કલરની છુંછાવાળી હોય છે. મોટેભાગે બાબુજી ટાઈપના લોકો દ્વારા પહેરાતી શાલ મલ્ટીપરપઝ હોય છે અને એ ઓઢવા, પાથરવા, ખુરશી સાફ કરવા, તેમજ શાલના છુંછાનો ઉપયોગ ઘણીવાર પોતાનાં જ કાનમાં ગલી કરવા પણ થતો હોય છે. આ શાલ વંદા કાતરી ખાય અથવા બાબુજી જીવે ત્યાં સુધી ચાલે છે. n

Sunday, February 08, 2015

ટૂંટિયાસન : એક અભ્યાસ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૨-૨૦૧૫

ટૂંટિયાસન એક જાતનું આસન છે જે ભારતમાં જ શોધાયું હશે એવું માની લેવામાં કંઈ ખોટું નથી. ગરીબ-અમીર, નાના-મોટા, સ્ત્રી-પુરુષ, હિંદુ-મુસ્લિમ સૌ કોઈ ભેદભાવ વગર આ આસન કરી શકે છે. ટૂંટિયાસન પોતાનાં કે અન્યનાં ઘરમાં કરી શકાય છે. પણ બગીચામાં કરવું યોગ્ય નથી. જેમ ચાલવાના વિકલ્પ તરીકે ટ્રેડમિલ આવે છે એમ ટૂંટિયાસનનો વિકલ્પ અથવા આસન કરવામાં મદદરૂપ થાય એવા કોઈ ખાસ સાધન કે ઉપકરણની નથી આવતાં, પણ આ વિષયમાં સંશોધન આવકાર્ય છે.

ટૂંટિયાસનથી વા, ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કિડનીના રોગ, હ્રદયરોગ, કેન્સર, વાળ ખરવા કે ધોળાં થવા, જેવી અનેક સમસ્યા દૂર નથી થતી. અથવા થતી હોય તો એ અંગે કોઈ આધારભૂત આંકડા ઉપલબ્ધ નથી. હા, ચત્તા સુઈને વળાતું ટૂંટિયું, યોગમાં જેનાં નામ પ્રમાણે ગુણ છે તે, પવનમુક્તાસન તરીકે ઓળખાય છે. આમ આડા ટૂંટિયાસન કરવાથી પણ કર્તાને ગેસમાં રાહત થતી હશે તેવું માની લેવું સહજ અને બુદ્ધિગમ્ય છે. ટૂંટિયાસન કરવાથી ઢીંચણને કસરત થાય છે અને લાંબી વ્યક્તિઓને ટૂંકા પલંગમાં સુવામાં મદદરૂપ થાય છે. ટૂંટિયું વાળીને સૂનારને ઓઢવાનું ઓછી લંબાઈનું પણ ચાલી જાય છે. આમ ચાદર પ્રમાણે પગ ફેલાવવા વાળી કહેવતમાં ટૂંટિયું વાળનારની હેસિયત ઓછી જણાય છે.

ટૂંટિયાસન વિષે સમાજમાં ઘણી ગેરસમજ પ્રવર્તે પ્રવર્તે છે. આથી સાચી
રીતે ટૂંટિયું કેવી રીતે વાળી શકાય એની શાસ્ત્રીય પદ્ધતિ અમે અત્રે રજૂ કરી છે. સુજ્ઞ વાચકો ધ્યાન આપે કે નિષ્ણાત કે ગુરુની દેખરેખ વગર આ આસન કરવાનાં અનેક જોખમ રહેલા છે, આથી આ પદ્ધતિ પ્રમાણે પહેલી વખતે પ્રયોગ કરતી વખતે ફોનને ઓટો સ્ક્રીન-લોક ઓફ કરી સ્પીકર મોડ પર મુકવો હિતાવહ રહેશે.

૧. ઇચ્છાનુસાર પથારીમાં ડાબા કે જમણા પડખે સુઈ જાવ.
૨. બન્ને પગના ઢીંચણ નાક સુધી આવે એ રીતે પગ વાળો.
૩. માથું નમાવીને નાક બે ઢીંચણ વચ્ચે ખોસો.
૪. બીડીની ઝૂડી ઉપર દોરો વીંટતા હોવ એમ વાળેલા પગને બે હાથથી બાથ ભીડીને છાતી સારસા દબાવો. હાથ ટૂંકા પડતા હોય તો ગાળો પૂરવા માટે પાતળાં ટુવાલ અથવા ગમછાનો ઉપયોગ માન્ય છે.
૫. મોઢામાંથી હૂ હૂ હૂ હૂ ..... સી સી સી .... કડ કડ કડ ... એવા અવાજો કરો. જે જાતકો મોઢામાંથી જાતે અવાજ કરવામાં સંકોચ અનુભવે છે તે પ્રિ-રેકોર્ડેડ અવાજ મોબાઈલમાં પ્લે પણ કરી શકે છે. આમાં એવું છે કે બેકગ્રાઉન્ડ સ્કોર વગર મજા નહિ આવે....

નોંધ: ઉપર જણાવેલ સ્ટેપ નં-૩ કરતી વખતે જરૂર પડે તો પરફ્યુમનો ઉપયોગ કરવો.

આ એડવાન્સ ટૂંટિયાસનનાં સાધકો રજાઈનો એક છેડો દાંતમાં ભરાવીને પછી ટૂંટિયાભેર રજાઈમાં આળોટીને રજાઈથી શરીરની આસપાસ પીલ્લું વળી દેતા હોય છે. પણ આમ કરતા પહેલાં મુઠ્ઠીમાં મોબાઈલ પકડી લેવો જેથી સવારમાં આ પડીકું ખોલવા માટે કોઈને મિસકોલ મારીને બોલાવી શકાય. આ ઉપરાંત ઉપલબ્ધ જગ્યા પ્રમાણે ટૂંટિયાસનના નાના મોટા વેરીએશન કરી શકાય છે. ટૂંટિયું વાળ્યું હોય એ પરસ્થિતિમાં ટૂંટિયું છોડ્યા વગર પડખું ફેરવવું પડકારજનક કાર્ય છે. આ કાર્ય કરતાં પહેલાં પલંગની મજબુતાઈ ચકાસી લેવી શ્રેયકર છે. આવું જ દુષ્કર ટૂંટિયાસનમાં બેઠાં થવાનું કાર્ય છે.

ટૂંટિયાસન સંબંધિત અનેક પ્રશ્નો અમને સાધકો મોકલે છે. જેમ કે ઉત્તરસંડાથી એક સાધક પૂછે છે કે ‘ટૂંટિયું વાળીને હાથને ઢીંચણ ફરતે બંધાવાની કઠોર તપસ્યા આપને સાધ્ય હશે પરંતુ અમો પામર તો બે ઢીંચણ વચ્ચે હાથ નાખી દઈએ છીએ. અમારા ઠંડીથી મોક્ષપ્રાપ્તિના મહાયાસમાં કોઈ વિઘ્ન તો નહિ આવે ને??’ તો કચ્છથી એક ભાઈ પુછાવે છે કે ‘એક પલંગમાં કેટલા લોકો ટૂંટિયું વળીને સુઈ જઈ શકે?’ આવાં સવાલોના જવાબ મેળવવા નિર્દિષ્ટ બેંક એકાઉન્ટમાં ૫૦૧/- જમા કરાવી અમારા ટૂંટિયા દરબારમાં આવવાનું રહે છે.

દરેક ઉમદા વસ્તુની જેમ ટૂંટિયાસનની પણ કેટલીક મર્યાદા તથા ગેરફાયદા પણ છે. ટૂંટિયાસનમાં સુવા માટે સરેરાશ કરતા વધુ જગ્યા વપરાય છે, તો બીજી તરફ પગનાં તળિયાથી પલંગના છેડા સુધીની જગ્યા વેડફાય છે. હા, ડબલબેડમાં આ રીતે નીચેની તરફ ખાલી પડેલી જગ્યામાં બીજાં બેને ટૂંટિયાસન મુદ્રામાં સુવાડી શકાય. ક્યારેક ટૂંટિયું વાળવા જતાં બાજુમાં સુવાવાળાના પેટમાં ઢીંચણ વાગવાનું જોખમ પણ રહેલું છે. એક જ પલંગ પર સૂતાં બેઉ જાતક જો ટૂંટિયાસનમાં સૂતાં હોય તો સવારે ટૂંટિયામાં જકડાયેલા પગ સીધા કરવામાં એકબીજાની મદદે આવી શકતા નથી.

તો ટૂંટિયાસનની રીત અમે નિર્દેશિત કરી, હવે આ આસનમુક્ત કઈ રીતે થવું અથવા ટુંટિયું કઈ રીતે છોડવું એની રીત જાણવા માટે રૂ. ૧૦૦૦/- નો ડ્રાફ્ટ અમારા સરનામે મોકલી આપો અને વળતી ટપાલની રાહ જુઓ. એક્સપ્રેસ કુરિયર કે ફોન મારફત આ રીત જાણવા માટે અમારા રેટ વેબસાઈટ ઉપર દર્શાવેલા છે.

મસ્કા ફન

અપરણિત માણસ સિંગલ-બેડ પરથી જે બાજુ સ્લીપર પડ્યા હોય એ તરફ જ ઉતરે છે.




વસંતપંચમીના લગ્નોનું આંકડાશાસ્ત્ર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અખાત્રીજ અને વસંતપંચમીને વણજોયું મુહુર્ત કહેવાય છે. આ દિવસો શુભ જ હોય છે. આ ભારત છે, અમેરિકા હોત તો આ દિવસે થયેલા લાખો લગ્નો પૈકી કેટલાં લગ્નો કેવા સફળ થયા એ વિષે આંકડાકીય માહિતી મળી રહેત. ખેર, જલન માતરી કહે છે એમ આ શ્રધ્ધાનો વિષય છે એટલે એમાં પુરાવા શોધવા ન જઈએ તો પણ ચાલે. પણ વણજોયેલું મુહુર્ત સીધું વાપરીને લગ્નો ગોઠવનાર ભલે ગોર મહારાજનો કન્સલ્ટીંગ ચાર્જ બચાવી લેતાં હોય, પણ બીજાં કેટલાં ગૂંચવાડા ઊભા કરે છે તે એમને ખુદને ખબર નથી હોતી.

દરે વર્ષે વસંતપંચમીના દિવસે અખબારનો એક ખૂણો ‘આજે શહેરમાં કેટલાં લગ્નો છે’ એ સમાચાર માટે અનામત રાખવાનો રિવાજ છે. આમ થવાનું કારણ આ વણજોયેલું મુહુર્ત છે. આ વર્ષે એક અંદાજ મુજબ વસંતપંચમીના રોજ રાજ્યભરમાં ૩૦,૦૦૦ લગ્નો થયા. એમ સમજોને કે દર વર્ષે ગુજરાતમાં થતાં હિંદુ લગ્નો પૈકી દસ ટકા લગ્નો વસંતપંચમીનાં દિવસે થાય છે. આ ત્રીસ હજાર લગ્નોમાં એક ગોર મહારાજ વત્તા એક આસીસ્ટન્ટ ગણીએ તો અંદાજે ૬૦,૦૦૦ ગોર મહારાજ પૈણાવવા લાગેલા હશે. દરેક લગ્નની મુખ્ય વિધીના બે કલાક અને બે કલાક આગળ-પાછળ ગણીએ તો આ લગ્નોમાં ૨,૪૦,૦૦૦ ગોર-અવર્સ માત્ર એક જ દિવસમાં ખર્ચાઈ ગયા હશે!

એક લગ્નમાં કન્યા, મા, સાસુ, નણંદો, ફોઈઓ, માસીઓ, કાકીઓ, મામીઓ વગેરે ભેગી થઈને ૭૦ સાડી તો ખરીદતી હશે. એવરેજ સાડીની કિંમત ૧૦૦૦ રૂપિયા ગણો રૂપિયા ૨,૧0,00,00,000 તો ૨૧,૦૦,૦૦૦ સાડીઓમાં જ ખર્ચાય. ધારો કે સાડી ખરીદવા ઘરની ત્રણ સ્ત્રીઓ સાથે જતી હોય તો આટલી સાડીઓ ખરીદવામાં સાડી દીઠ બે કલાક (એટલાં તો થાય જ ને!) લેખે સ્ત્રીઓના ૧,૨૬,૦૦,૦૦૦ કલાકો અને આ પૈકીની અડધી સાડીઓ ખરીદવામાં પુરુષો સાથ આપતાં હોય તો પુરુષોના ૨૧,૦૦,૦૦૦ લાખ કલાક વીતી જાય! આમાં સાડીને રોલ-પોલીશ થઈને તૈયાર થાય એ પછી લેવા જવાનો સમય અને એક્ચેન્જ કરવાનો સમય તો ગણ્યો જ નથી!

હવે વાત કરીએ લગ્નમાં પધારનાર સ્ત્રી ગણનો તૈયાર થવાનો હિસાબ. દરેક લગ્ન દીઠ કન્યા સહિત ઓછામાં ઓછી ૧૦ સ્ત્રીઓ બ્યુટીપાર્લરમાં તૈયાર થતી હોય છે. આ ૩૦૦,૦૦૦ સ્ત્રીઓ જો એવરેજ ચાર કલાક બ્યુટીપાર્લરમાં ગાળે તો, પાર્લરમાં અંદાજે ૬૦૦,૦૦૦ કિલોવોટ-અવર ઈલેક્ટ્રીસિટી બળી હશે! એ પણ શિયાળો છે એટલે એસીના તો ગણ્યા જ નથી. એવી જ રીતે સમયની વાત કરીએ તો દસ મુખ્ય સ્ત્રીઓના તૈયાર થવામાં એક સ્ત્રીને તૈયાર કરવામાં એક બ્યુટીશીયન હિસાબે ૨૪,૦૦,૦૦૦ માનવ-કલાકો તૈયાર થવામાં લાગી જાય! આ કલાકોમાં શું થઈ શકે એ કહી અમારે વધું વિવાદ નથી ઊભા કરવા!

હવે વિચારો કે આ લગ્નો પૈકી ૭૦% લગ્નોમાં બેન્ડવાજાવાળાને વર્ધી આપવામાં આવી હોય તો ૨૧,૦૦૦ તો બેન્ડ જોઈએ. દરેક બેન્ડમાં ૧૦ જણા હોય તો ૨૧૦,૦૦૦ જણા તો એમાં જ લાગેલા રહેશે. લગ્નનાં રસોડામાં એવરેજ ૨૦ જણા લાગેલા હોય છે એ જોતાં ૬૦૦,૦૦૦ લોકો કાપવાથી લઈને પકવવા સુધી લાગેલા રહેશે. લગ્ન દીઠ ડેકોરેશનમાં દસ જણા મંડપ, ઇલેક્ટ્રિક, ફૂલ, લાઈટનાં કામમાં લાગેલા ગણીએ તો અંદાજે ૩૦૦,૦૦૦ લોકો એમાં ધંધે લાગેલા હશે. દરેક લગ્નમાં રૂપિયા ઉઘરાવવા કિન્નરો આવી જ જતાં હોય છે. માની લો કે માત્ર ૮૦% લગ્નોમાં જ એ લોકો પહોંચે અને લગ્ન દીઠ ત્રણ જણા હોય તો ચોવીસ ગુણ્યા ત્રણ એટલે કે ૭૨,૦૦૦ કિન્નરોને રોજગાર મળી જાય. જો દરેક એવરેજ પાંચસો રૂપિયા ઉઘરાવતા હોય તો ૩,૬૦,૦૦,૦૦૦ રૂપિયા તો એમનું એક દિવસનું ટર્નોવર થયું !

હવે વિચારીએ લગનમાં આવનાર મહેમાનો વિષે. એકદમ સામાન્યમાં સામાન્ય માણસને ત્યાં લગ્ન હોય તો પણ બે પક્ષના ભેગાં થઈને ૪૦૦ માણસો તો જમતાં જ હોય છે. એટલે વસંતપંચમીના લગ્નોમાં એક દિવસમાં ૧,૨૦,૦૦,૦૦૦, ગુજરાતની હાલની વસ્તીના ૨૦%, લોકો આવે અને જમે. આ ચારસો પૈકી માત્ર બસો જણા પણ ૧૦૧નો ચાંદલો લખાવે તો બધાં લગ્નોમાં મળીને રૂપિયા ૬૦,૬૦,૦૦,૦૦૦ ચાંદલાના જમા થાય. લગ્નમાં આવનાર દરેક માણસ જો જમે તો એક દિવસમાં ૧,૨૦,૦૦,૦૦૦ ડીશો પીરસાય અને એક ડીશના જો ૨૫૦ રૂપિયા ભાવ ગણીએ તો જમવાનો ખર્ચો અથવા કેટરિંગનું ટર્નોવર આશરે ૩,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા થાય. આઇઆઇએમ પાસ આઉટ ધ્યાન આપે!

જમણવારની થોડી વિગતવાર વાત કરીએ. હવે પ્લાસ્ટીકના ગ્લાસમાં પાણી અપાય છે. લગનમાં આવનાર વ્યક્તિ દીઠ બે લેખે ૨,૪૦,૦૦,૦૦૦ તો પ્લાસ્ટીકના ગ્લાસ વપરાય. આમાંના વીસ ટકા ગ્લાસ કચરાપેટીમાં નથી જતાં એ જોતાં ૪૮,૦૦,૦૦૦ ગ્લાસ લગ્ન પતે ત્યાં સુધીમાં વિવિધ લગ્નસ્થળની શોભામાં અભિવૃદ્ધિ કરતાં જોવા મળે. જમણવારમાં તમે જોયું હશે કે સલાડ લેવા માટે સ્ટીલની ચમચી મૂકી હોય છે. આ ચમચી વડે એક એક કરીને ગાજર, કાકડી અને ટામેટા પકડીને જાતે થાળીમાં મુકવાનાં હોય છે. ગાજરનાં લાંબા લંબગોળ ટુકડા લેવામાં ટુકડાનું સેન્ટર ઓફ ગ્રેવિટી ચમચીનાં ખાડાવાળાં આકારનાં સેન્ટર ઓફ ગ્રેવિટી સાથે ન મળે ત્યારે, અને જ્યાં પેલું કાતર જેવું હથિયાર આપ્યું હોય છે તે વાપરવાની આવડતના અભાવે, સલાડનું ગાજર કે કાકડી વારેઘડીએ પડી જાય છે. લાઈનમાં પાછળ ઉભેલા ફરસાણ અને મીઠાઈ રસિયાઓને તો જાણે આવું હિચકારું કૃત્ય પોતાને તપાવવા માટે જ થતું હોય એવું લાગે છે. લગ્નનાં જમણવારમાં પીક-અવર્સ દરમિયાન સલાડ લેવામાં ખર્ચાતી ત્રણ-ચાર મીનીટ પાછળ લાઈનમાં ઉભેલા લોકોના અંદાજે ૫,૦૦,૦૦૦ કીમતી માનવ કલાકોનો વ્યય કરાવે છે. આટલા માનવ કલાકોમાં તો ટોયોટોનાં વર્કર્સ ૨૨૮૯૪ કારનું ઉત્પાદન કરી નાખે!

લગ્ન દરમિયાન ફોટોગ્રાફ્સ તો પડે જ છે. એક લગનમાં બેઉ પક્ષ તરફથી સરેરાશ ૫૦૦ ફોટાં પડતાં હોય તો ૧,૫૦,૦૦,૦૦૦ ફોટાં પડે. આ ફોટાં ૭૫,00,00,00,000 કેબી હાર્ડડિસ્કની જગ્યા રોકે. ઘણીવાર ફોટોગ્રાફર અવસર ચુકી જાય એ સંજોગોમાં રીટેક કરાવે છે. આમાં હાર પહેરાવતા, હસ્તમેળાપ, ફેરા, અને અગત્યના ઓછામાં ઓછા દસ ફોટાના રીટેક થાય છે. લગભગ ૩૦૦,૦૦૦ જેટલાં તો આ રીટેક ફોટાં જ લેવાય છે અને દરેક રીટેકમાં બે-ત્રણ મીનીટ જાય છે, આમ ફોટોગ્રાફરને કારણે જ વરકન્યા જમવામાં ૩૦ મીનીટ મોડા પડે છે. જોકે વર-કન્યાની સાથેસાથે બીજાં પચાસ જણા લટકે છે એ જોતાં આ રીટેકને કારણે એકંદરે ૪,૫૦,૦૦,૦૦૦ માનવ મીનીટ જેટલું મોડું થાય છે!

આટલું બધું વસંતપંચમીના એક દિવસનો હિસાબ છે. ભૂલચૂક લેવીદેવી. ઓર યે તો કુછ ભી નહી! હજુ વિદાય વખતે પડતાં આંસુઓનો હિસાબ માંડીએ તો કેટલીય ટાંકીઓ ભરાય. એમાંય જો છોકરીના પપ્પાના આંસુનું વજન કરવા જઈએ તો કદાચ કોઈ કાંટો કામમાં ન આવે! 

Sunday, February 01, 2015

હરખપદૂડી વ્યક્તિના લક્ષણો શું?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૨-૨૦૧૫ 

હરખપદૂડી વ્યક્તિના લક્ષણો શું? રસ્તે જતી વ્યક્તિ હરખપદૂડી છે કે નહિ એ કઈ રીતે જાણવું? એનું કોઈ લક્ષણશાસ્ત્ર ખરું? ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો પુછાયા અને વર્ણવાયા છે. પણ હરખપદૂડા વ્યક્તિના લક્ષણો શોધવા તમારે ગીતા વાંચવાની જરૂર નથી. એ જાતે જ વર્તાઈ આવે છે. ફિલસૂફો એવું કહે છે દરેક પળને માણો. હરખપદૂડાઓ ઉર્ફે એચ.પી. લોકોએ આ સૂત્રને આત્મસાત કરી લીધું હોય છે. આવો કોઈ એચપી બસ-સ્ટેન્ડ પર પહોંચે અને તરત જ બસ મળી જાય તો કૂકડાને જાણે કીડો મળ્યો હોય એમ ઘરવાળીને ફોન કરીને વધામણાં ખાય કે આજે તો તરત જ બસ મળી ગઈ. મુનસીટાપલી મચ્છર ભગાડવાનો ધુમાડો કરવા મશીન ફેરવે અને એચપીની બાલ્કની નજીકથી એ પસાર થાય તોય પાર્ટી ફોર્મમાં આવી જાય. આપણી મુનસીટાપલીમાં ભારે ઓળખાણ! હરખપદૂડા એટલાં પોઝીટીવ થીંકીંગ ધરાવતા હોય છે કે ડોકટર એમ કહે કે ‘તમે પોઝીટીવ છો’, તો એ રીપોર્ટ એઈડ્ઝનો હોય તોયે લાગતાં વળગતાને ખુશખબરનો ફોન કરે.

હરખપદૂડા હોવું અને હરખપદૂડા દેખાવું એ બે જુદી અવસ્થાઓ છે. ઘણા લોકોની અંદર હરખપદૂડત્વ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે પણ એ લોકો યોગ્ય રીતે પ્રગટ કરી શકતા નથી. જયારે એક કુતરું પોતાનું હરખપદુડાપણું પૂંછડી હલાવી, ગલોટિયા ખાઈ, બે પગે ઉભા થઇ કે ચાટીને સાહજીકતાથી વ્યક્ત કરી શકે છે. ભગવાને હરખપદુડી વ્યક્તિને કમસેકમ એક પૂંછડીની સગવડ આપી હોત તો એ પણ પોતાનો હરખ પૂંછડી હલાવીને વ્યક્ત કરી શકત. આમ થતું હોત તો ઓબામાની મુલાકાત વખતે હજારો લોકોને પુછડી હલાવીને હર્ષ વ્યક્ત કરતાં જોવા મળત. પણ કમનસીબે કુદરતે એચ.પી. પીપલને ખુબજ અન્યાય કર્યો છે.

તમે હરખપદૂડાના સંસર્ગમાં આવો તો જરા સાચવજો. એક તો એ લોકો જે કારણે હર્ષઘેલા થયાં હોય તે વાત કરવા સદા ઉત્સુક હોય છે. બીજું, ચાલુ વાતે સાંભળનારાઓ ભાગી જતા હોય કે ગમે તેમ પણ એ લોકો શ્રોતાને યેનકેનપ્રકારેણ ઝાલી રાખતા હોય છે. એટલે તમે એમને રોકશો નહિ તો તમને પછાડીને, છાતી પર ચઢી બેસીને, એ વાત કરશે. આ અતિઉત્સાહને કારણે તમારા ચહેરા ઉપર થૂંકની ઝરમર થાય અને તમારે ચશ્માં પણ લુછવા પડે, પણ તેનાથી એમનો ઉત્સાહ મંદ નથી પડતો. ઘણાં તો એમની વાત કરતાં એટલાં ઉત્સાહમાં આવી જાય છે કે તમારો ખભો પકડીને હચમચાવી નાખે. આવા લોકો વાત કરે ત્યારે તેમની વાત પર તમે ધ્યાન ન આપો તો તમારો ખભો મચકોડાઈ જવાનું જોખમ રહેલું છે.

એક રીતે એ લોકો નાના બાળક જેવા હોય છે. નાનું બાળક જેમ કોઈ પણ જાતના કારણ વગર ખીલખીલાટ કરતુ હોય છે એમજ એચ.પી. પીપલને હરખપદૂડા થઇ જવા માટે કોઈ ખાસ કારણની જરૂર પડતી નથી. કારણ સાથે સીધો સંબંધ ન હોય તો પણ આ લોકો જેમને કારણ સાથે સીધો સંબંધ હોય એમના કરતા પણ વધુ હરખપદૂડા થઈને બતાવી શકે છે. આવા લોકો હરખપદૂડાપણાની ઉચ્ચતમ એવી BSAD કક્ષામાં આવે. અહી BSAD એટલે ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ ગણવું. આપણી ન્યુઝ ચેનલવાળા BSADની કક્ષામાં આવે. ઈંગ્લેન્ડમાં કેટ મિડલટનના લગ્ન હોય કે રોયલ બેબીનો જન્મ હોય એ લોકો અહી બેઠા બેઠા હરખપદૂડા થઇ શકે છે. આરાધ્યાના જન્મ વખતે બીગ-બીએ બ્રોડકાસ્ટ એડીટર્સ એસોસીયેશન મારફતે જો આચારસંહિતાનો અમલ ન કરાવ્યો હોત તો એ લોકો એ ઝભલુ, ટોપી, પોપટ, લાકડી, ઘૂઘરા અને ધાવણી લઈને ‘જલસા’ની બહાર જમાવટ કરી દીધી હોત!

આ પદૂડાપણું પાછું હરખના પ્રસંગો પુરતું માર્યાદિત નથી હોતું. અમારું રીસર્ચ કહે છે કે તમે કોઈ પણ વાતે પદૂડા થઇ શકો છો. જેમ કે કેટલાક લોકો ગૌરવ-પદૂડા હોય છે. એમને ગમે તે વાત પર ગૌરવ ગૌરવ થઇ જાય. દેશની પ્રગતિને લગતા મોટા ભાગના ખરા-ખોટાં ફોર્વર્ડેડ મેસેજ આવા લોકો તરફથી આવતાં હોય છે. અમુક વિચાર-પદૂડા હોય છે. નાની નાની બાબતો પર મોટા મોટા વિચારો કરવા અને લોકોને પકડીને એ વિચારો સમજાવવા એ એમનો શોખ હોય છે. સ્પોર્ટ્સપદૂડા લોકો બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે વચ્ચેની વન ડેમાં કોઈ જ્હોન કે અબ્દુલ ભ’ઈ સેન્ચુરી મારે તો ફેસબુક-ટ્વીટર પર વાહ વાહ કરી મુકતા હોય છે. લગનપદૂડા લોકોને લગ્નની ઉતાવળ હોય છે. અમુક થેરાપી-પદૂડા હોય છે. આ અઘરો પ્રકાર છે. આવા લોકો પોતાની સામાન્યમાં સામાન્ય બીમારી માટે નવી નવી ઉપચાર પદ્ધતિ શોધી એને અજમાવવા, અજમાવીને વખાણવા અને વખાણીને એનો પ્રચાર કરવા તત્પર હોય છે.

એક રીતે જોઈએ તો આપણે સહુ કોકની ને કોકની શાદીના અબ્દુલ્લાઓ છીએ. જરા તપાસી લેજો કે તમે કઈ ટાઈપના પદૂડા છો.


મસ્કા ફન

બ્રેકિંગ ન્યૂઝ: ઓબામાનાં ગાર્ડ ઓફ ઓનરમાં ઘૂસ મારનાર લાલિયાને યુએસ સિક્રેટ સર્વિસ એજન્સીએ અમેરિકા લઈ જવા મોટી ઓફર કરી.





ગાર્ડ ઓફ ઓનરમાં લાલિયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |
અમેરિકા જેવા સશક્ત દેશના પ્રેસિડેન્ટને અપાયેલ ગાર્ડ ઓફ ઓનર સમારંભમાં ઓબામાને આવવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે એક કુતરું ઘૂસી ગયું. હવે આ અનામી કુતરાનું લાલિયો નામાભિધાન થઈ ચૂક્યું છે. આ ઘૂસણખોર લાલિયો ઓબામા માટે પાથરેલ રેડ કાર્પેટ પર પોતાનાં પુનિત પગલાં પાડી આવ્યો હતો. એટલે જ લાલિયો દેશ-વિદેશમાં પોપ્યુલર થઈ રહ્યો છે. ફેસબુક પર લાલિયાનાં નામે એક પેજ પણ શરુ થયું છે જેને ઢગલાબંધ લાઈક્સ મળી રહ્યાં છે.

આમ તો લાલિયો એક રખડતું કુતરું હતું. આપણે જાણીએ જ છીએ કે સિંહ અને કુતરાઓમાં પણ બાંધકામ અને પોલિસ વિભાગની જેમ હદ હોય છે. પોતાની હદની બહાર નીકળે તો બીજી હદનાં કૂતરા એને પડકારે છે. પડકાર કેટલો મજબુત છે તેનું વિશ્લેષણ કરી એ હદમાં કેટલે સુધી અંદર ઘૂસવું એ નક્કી કરે છે. પણ અહીં ગાર્ડ ઓફ ઓનર જ્યાં રખાયું હતું તે રાષ્ટ્રપતિ ભવન તો સેનિટાઈઝ થયેલું હોવાથી લાલિયાને સામે કોઈ પડકાર મળ્યો નહીં હોય, એટલે એ આસાનીથી અંદર ઘૂસી ગયું. કતારબદ્ધ સૈનિકો તો પોતાની જગ્યાએથી હાલી શકે નહી એટલે કુતરું આમથી તેમ થોડીવાર દિશાહીન થઈ ભટકતું રહ્યું અને પછી પાલિકા કર્મીઓ તેને માનભેર લઈ ગયા હતા.

મહાનુભવોનાં પ્રસંગોમાં આમંત્રણ મળે તે માટે ઘણાં લોકો પ્રયાસ કરતાં હોય છે. આ માટે પોતે ભૂતકાળમાં કોઈ હોદ્દા પર ટૂંકાગાળા માટે પણ રહ્યા હોય તે આગળ ધરી ઘણાં આમંત્રણ વાંચ્છતા હોય છે. આમ છતાં પ્રવેશ ન મળે તેમ હોય ત્યારે કોઇપણ રીતે ઘૂસી જનારા પણ હોય જ છે. એમને ગેટ ક્રેશર્સ કહે છે. ૨૦૦૯માં વ્હાઈટ હાઉસમાં ડૉ. મનમોહન સિંઘનાં માનમાં રાખેલા સ્ટેટ ડીનરમાં ત્રણ જણા આવી રીતે વગર આમંત્રણ મળ્યે ઘૂસી ગયા હતા. અમેરિકામાં આ ઘણું હિંમતનું કામ ગણાય છે. એમનાં ઉપર ખોટી માહિતી આપવાનો (મિસ-રીપ્રેઝન્ટેશન) કેસ થયો હતો. ત્યાં જોકે ભારતીય સિક્યોરીટી નહીં હોય. પણ લાલિયાએ અહીં ભારત અને અમેરિકન બંને સિક્યોરીટીને ચેલેન્જ કરી ઘૂસી ગયો હતો. એ પણ કોઈપણ પ્રકારના મિસ-રીપ્રેઝન્ટેશન વગર. નરી હિમ્મતના જોરે. લાલિયાની આ હિંમતને ચારે તરફથી બિરદાવવામાં આવી રહી છે અને અમુક લોકો આને ૨૦૦૯માં ભારતના વડાપ્રધાનનાં ફંક્શનમાં ગેટ ક્રેશિંગનાં જવાબ તરીકે પણ જોઈ રહ્યાં છે.

જોકે ઓબામાના આગમન પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં આવી જ રીતે જો કોઈ આમ માણસ ઘૂસ્યો હોત તો ચોક્કસ એને ગોળી મારવામાં આવી હોત. પણ કૂતરાને ગોળી મારવામાં ન આવી, એ કૂતરાનું નસીબ બતાવે છે. આમેય કુતરો જે જગ્યાએ ઘૂસ્યો ત્યાં ઘૂસવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે. એટલે જ દિલ્હીનાં ચૂંટણી માહોલમાં આ કૂતરાને વિરોધ કરવા કોઈ અસંતૃષ્ટ રાજકીય પક્ષે મોકલ્યું હોય, એ એન્ગલ પર પણ પોલિસ કામ કરી રહી છે. કૂતરાને સ્થળ પરથી પાલિકાની સ્પેશિયલ ડોગ વાનમાં લઈ જવામાં આવ્યો હતો જે ઘટના પણ બ્રેકિંગ ન્યૂઝ તરીકે લાલિયાના ક્લોઝપ્સ સાથે વાન દ્રષ્ટિમર્યાદાથી ઓઝલ થાય ત્યાં સુધી લૂપમાં ચેનલો પર બતાવવામાં આવી હતી. બિન-સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષાના ઇન્ચાર્જ પોલિસ ઓફિસરે લાલિયાને પકડીને એન્ટ્રી કર્યા વગર પોતાની સમક્ષ હાજર કરવાનું ફરમાન કર્યું છે કારણ કે આ કૂતરાની હાજરીને પગલે પગલે એ ઓફિસર સહિત ઘણાની નોકરી જોખમમાં મુકાઈ છે. જોકે જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ લાલિયા ઉપર નજર રાખી રહી છે.

જોકે પોલિસ જ શું કામ? લાલિયાની સૂઝ અને હિંમત પર તો અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ વારી ગઈ છે. ઓબામા જ્યાં જવાના હોય ત્યાંની અમેરિકન સિક્રેટ એજન્સીઓ દ્વારા પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ સંજોગોમાં લાલિયાએ જે કામ કર્યું છે તે અમેરિકન સિક્રેટ સર્વિસના ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન છે. આવામાં અમેરિકન એજન્સીએ આ કુતરું પોતાને સોંપવા દિલ્હી મુનસીટાપલી પાસે માંગ કરી છે. એવું મનાય છે કે અમેરિકન સિક્રેટ સર્વિસ લાલિયાને પોતાની ડોગ સ્કવોડમાં મહત્વનું સ્થાન આપશે. શક્ય છે કે ઓસામા જેવા ઓપેરેશન પાર પાડવા લાલિયા જેવા બહાદુર અને ઘૂસણખોર કૂતરા કામ આવે તેવી આ એજન્સીની ગણતરી હોય. બીજી તરફ પાકિસ્તાનની સિક્રેટ સર્વિસ લાલિયાનું અપહરણ ન કરી જાય એ માટે લાલિયાને સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જે હોય તે પણ આ કૂતરાની બહાદુરી પર કૂતરા સમાજને પણ ગર્વ થયો છે. અગામી મહિનાની ચૌદમી તારીખે કૂતરા સમાજની લાલિયા વાડી ખાતે લાલિયાનો સન્માન સમારંભ યોજાશે. આ જગ્યાએ અગાઉ એરપોર્ટ અને સ્ટેડિયમમાં ચાલુ મેચે ઘુસેલા કુતરાઓનું સન્માન થઈ ચૂકેલું છે. આ સમારંભમાં લાલિયાને સન્માન પત્ર, ગ્લુકોઝ બિસ્કીટનો ડબ્બો અને હાડકું એનાયત કરવામાં આવશે. એક અગ્રણી ઉદ્યોગપતિનાં પેટ કૂતરા સ્ટફીએ લાલિયાનો દિલ્હી-અમદાવાદ-દિલ્હી જવા-આવવાનો ખર્ચો સ્પોન્સર કર્યો હોવાનું પણ જાણવા મળે છે. એરપોર્ટ પર સ્થાયી કૂતરાઓએ લાલિયાનાં આગમન સમયે ભસીને વિરોધ નહી કરે તેવી લેખિત બાંહેધરી આપી છે.

એવું પણ જાણવા મળે છે કે લાલિયાની આત્મકથા “લાલિયો ધ બ્રેવ ડૉગ’ નાં હકો માટે એક લીડિંગ પબ્લિશિંગ હાઉસે ઓફર કરી છે. પણ ઓફર કોને કરી છે તે હજુ જાણવા નથી મળતું. લાલિયાની બાયોગ્રાફી લખવા માટે ઘણાં જાણીતાં લેખકોએ રસ બતાવ્યો છે. લાલિયાની વાત બહાર આવશે તો એનાં જન્મથી લઈને સંઘર્ષ, રોજિંદી દિનચર્યા, કયા કયા ફંકશન્સમાં પગલા પાડ્યા, કેવા મહાનુભવોનાં વેહિકલની પાછળ દોડ્યો, કેટલી ટેરીટરી સર કરી, પોલીટીકલ આઈડીયોલોજી ઉપરાંત રોમાંસ અને લગ્ન વિષે અનેક અજાણી વાતો જાણવા મળશે. તમારી કોપી પ્રિ-ઓર્ડર કરવા આજે જ અમને લખો!

જોકે હકીકત એવી છે કે દુનિયાની કોઈપણ અભેદ્ય જગ્યાએ, આમંત્રણ હોય કે ન હોય, અમુક લોકો મોકો જોઈને ઘૂસી જાય છે. વખત જતાં આ ઘૂસણખોરી આવડત તરીકે ઓળખાય છે. પછી આવા લોકોનું સમાજ સન્માન કરે છે. એમની સાથે ફોટાં પડાવવામાં લોકો ગૌરવ અનુભવે છે. એમનાં નામે એવોર્ડ અને સ્કોલરશીપ અપાય છે. પણ જેમ કહ્યું છે કે નદીનું મૂળ અને ઋષિનું કુળ ન પુછાય, એમ આવા લોકોનું પૂર્વજીવન ખાનગી રહે તેમાં જ સાર છે!