Sunday, February 22, 2015

ઓફિસ મોડા પહોંચી વહેલા નીકળવાની કળા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |

કદાચ કામ પૂરતું નહી હોય. કીડીઓ ચટકા ભરતી હશે. ત્યાં અપૂરતું વિજાતીય આકર્ષણ હશે. માણસ કંઇક વધારે જ કાર્યદક્ષ હશે. બોસમાં કામ લેવાની આવડત નહી હોય. ક્યુબીકલ ક્લસ્ટ્રોફોબિક હશે. કે ખુરશી આરામદાયક નહી હોય. આમાંથી ગમે તે કારણ હોય, અથવા કોઈપણ કારણ ન હોય, પણ અમુક લોકોનાં ટાંટિયા ઓફિસમાં ટકતાં નથી. આપણે એવું નથી કહેતાં કે ઓફિસનાં સમય દરમિયાન બીજાં કામ પતાવવાની એમને ટેવ હશે. અમે એવું તો જરા પણ નથી કહેતાં કે માણસ કામચોર હશે. કારણ ગમે તે હોય, ભારતમાં વર્ષોથી ઓફિસમાં મોડા આવીને વહેલા નીકળી જવાની ફેશન છે. ઘરથી ત્રાસેલા લોકોના અપવાદ સિવાય આ ફેશન લોકપ્રિય છે.

મોડું આવવું એ કળા છે. મોડા આવનારે ઘણી વખત મોડા પડવાના બહાના પણ રજૂ કરવા પડે છે. વાઈફ કે મધર-ઇન-લો ને ડોક્ટરને ત્યાં લઈ જવાનું ઉભું કરવું પડે છે. એમાં માણસ હાજરજવાબી જોઈએ. ગાયનેકોલોજિસ્ટ કે ઓર્થોપેડિક સર્જનના નામ અને સરનામાં એને મોઢે હોવાં જોઈએ. પાછો અડધી રજા ન મૂકવી પડે એટલા સમયમાં હાજર થઈ જવું પડે. ઓફિસમાં સમયસર પહોંચવાના વિકલ્પે કરવાનાં કામ એક કે બે કલાકમાં પતી જાય તેવા હોવાં જોઈએ. પાછું ત્યાંથી ઓફિસ પહોંચવા વાહનની સગવડ પણ જોઈએ. આમ કરવા પ્લાનિંગ પણ સારું આવડતું હોવું જોઈએ. હવે વિચારો કે આવો કર્મચારી કોઈ કંપની પાસે હોય તો એ કંપની માટે ગર્વ લેવા જેવી બાબત ન કહેવાય? એની પાસે બાકીનાં છ કલાક કામ લો તો અન્ય કર્મચારીઓ સોળ કલાકમાં કરે તેટલું કામ કરી બતાવે!

કોલેજ કે ઓફિસમાં મોડા પહોંચનાર ભલે બહાનાં રજૂ કરે, પણ આ જ લોકો જયારે રેલવે કે હવાઈ મુસાફરી કરે ત્યારે કેમ મોડા પડતાં નથી? અને પડે છે તો એ બહાનાં બતાવી એજ ટીકીટમાં વગર રૂપિયા ખર્ચે જઈ શકે છે? આવા પ્રશ્નો ઘણાં વાંકદેખા પૂછતાં હોય છે. મોડા પહોંચો એ સૌથી વધું તો રોજ સમયસર આવનાર કર્મચારીઓને ખૂંચે છે. એટલે એ લોકો લેટલતીફનું જીવન દુષ્કર કરે છે. પાછું સમયસર આવનાર કંઈ વહેલા આવીને ધાડ મારતાં નથી હોતાં. એટલે જ આવા લોકોથી કંટાળીને ઘણાં મોડા આવવાને બદલે વચ્ચેના સમયમાં ગુલ્લી મારવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન ઓફિસમાં કોમ્પ્યુટર ચાલુ હોય, બેગ પડી હોય, અને આજુબાજુમાં બેસનાર જો વાટકી-વ્યવહારમાં સાક્ષી પૂરે એવો હોય કે ‘મહેતા, હમણાં તો અહીં જ હતો, કદાચ ચા પીવા ગયો હશે’ તો અનુકુળ રહે છે. મોકો જઈને નીકળી ગયા હોવ અને પાછાં આવો ત્યારે કોઈ શોધતું હોય તો ‘હમણાં જ ગયો હતો’ એવું આસાનીથી કહી શકાય છે. સવારે મોડા આવો તો ‘નવ વાગ્યાનો સમય હતો અને અગિયાર વાગે આવો છો’ એવી સરખામણી થઈ શકે છે પણ વચ્ચેના સમયમાં મારેલ ગુલ્લીનો ‘સ્ટાર્ટ ટાઈમ’ નક્કી કરવો અઘરો હોય છે.

સરકારમાં કે જ્યાં નિયમો કડક હોય છે, ત્યાં વહેલા નીકળનાર સીએલનું
ફોર્મ ભરીને જાય છે. સાહેબ કે ચેકિંગ આવે તો જ બતાવવાનું, એવી સ્પષ્ટ સૂચના અને સમજણ સાથે ફોર્મ સંબધિત કર્મચારીને આપવામાં આવે છે. કોઈ પૂછે નહી તો બીજે દિવસે એ ફાડી પણ નાખવામાં આવે છે. આ સરકારી કચેરીઓનું ઓપન સિક્રેટ છે. આવી કચેરીઓમાં હાજરી માટે પંચિંગ મશીન હોય તો પણ મેઇન્ટેનન્સનાં ધાંધીયાને લીધે ઝાઝો સમય મશીન આઉટ ઓફ ઓર્ડર અને કર્મચારી આઉટ ઓફ ઓફિસ રહેતા હોય છે.

ઓફિસમાંથી વહેલા નીકળતા લોકોને એક રીતે જોઈએ તો સમયથી આગળ કહી શકાય. એ લોકો નિયત સમય કરતાં વહેલા બિસ્તરા-પોટલાં, લેપટોપ-ચાર્જર વગેરે પેક કરી નાખે છે. જો કે આમ વહેલા ભાગી જનારાઓના બે પ્રકાર છે. એક બિલકુલ બિનધાસ્ત ને ખુલ્લેઆમ નીકળનારા, એ જાણે નિયત સમયે જ નીકળતાં હોય એમ મહાલતાં મહાલતાં નીકળે છે ને બીજાં પ્રકારના કર્મચારીઓ થોડાં ડરપોક હોય એટલે ટીફિન,લેપટોપ સાથે નીકળેને બધાં દૈણી જાય તો?? એવા ડરને કારણે લેપટોપ ખાનામાં ઘાલી ને ટીફિન પટાવાળા પાસે ધોવડાવીને બહાર ચાની લારી પર પહોંચતું કરી દે છે, જેથી જતી વખતે હાથ હલાવતાં, ખાલી લટાર મારવા જતાં હોય એવો દેખાવ કરી શકે. આમ છતાં આદતના જોરે અવારનવાર નાસી જતાં હોઈ આવા અર્લી બર્ડઝ સૌની નજરમાં હોય જ છે અને કોમ્પ્યુટર ચાલુ રાખીને, ખાનગીમાં પટાવાળાને બંધ કરવાનું સોંપીને, જતાં હોવાં છતાં એનાં કાળા કરતૂતો પટાવાળો જ, પૂરતાં ઇન્સેન્ટીવનાં અભાવે, જાહેર કરતો જોવા મળે છે. જોકે એકવાર પડેલી આદત આમ પકડાઈ જવા છતાં સહેલાઈથી જતી નથી.

ભૂતકાળમાં ઘણી જાણીતી અભિનેત્રીઓ વિદેશમાં શોપ-લીફટીંગ કરતાં પકડાયેલ છે. આવું કરનાર ઘણીવાર જરૂરિયાત કરતાં ચેલેન્જ અથવા માનસિક આનંદ માટે કરતાં હોય છે. મનોવૈજ્ઞાનિકો આને એક પ્રકારનો માનસિક રોગ માને છે. ઓફિસમાં ગાવલી મારવામાં પણ ભાગેડુ વૃત્તિ કે કંપની કે કામ પ્રત્યેનો આક્રોશ જવાબદાર ગણાય છે. ટેકનોલોજીને કારણે ફિઝીકલી ગુલ્લી મારવી શક્ય ન હોય ત્યારે માનવી મેન્ટલી ગુલ્લી મારે છે. માનસિક ગુલ્લી મારવામાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, શેરબજાર અને મોબાઈલનો સહારો લેવાય છે.

જોકે અમારા મત મુજબ (અમે પણ આખરે નોકરિયાત છીએ!), ઓફિસમાં ગાવલી મારવી એ નિર્દોષ પ્રવૃત્તિ છે જે પ્રેમાળ બોસની રહેમનજર હેઠળ પાંગરે છે. ઓફિસમાં મોડા પહોંચનાર અને ઓફિસમાંથી ગુલ્લી મારી વહેલા નીકળનારા ખાલી જોકમાં જ સામસામાં ભટકાય છે. ઓફિસમાં રહીને સ્કેમ કરનાર, મહિલાઓને છેડનાર, અને શેરબજાર કે સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર ટાઈમપાસ કરનાર કરતાં ગુલ્લી મારનાર સારા. બાકી ઓફિસમાં આઠ-નવ કલાક બેસીને લોકો કંઈ ધાડ નથી મારતાં. હા, એક રીતે તો ધાડ જ મારે છે, ઓફીસના ઈન્ટરનેટ પર. સોફ્ટવેર કે પિકચરો ગેરકાયદેસર ડાઉનલોડ કરીને !

હવે ટેકનોલોજીનાં ઉપયોગ, જેવો કે કાર્ડ પંચિંગ મશીન, ફિંગરપ્રિન્ટ સ્કેનર, જીપીએસ લોકેટર, સીસીટીવી કેમેરા, રીમોટ ડેસ્કટોપ વગેરે, ને કારણે ગુલ્લી મારવાનું કામ અઘરું થતું જાય છે. આવું જ ચાલતું રહ્યું તો ગુલ્લી મારવાની કળા લુપ્ત થઈ જશે તેવી આશંકા પણ અમુક ગુલ્લીબાજો સેવી રહ્યાં છે.

No comments:

Post a Comment