Sunday, February 08, 2015

વસંતપંચમીના લગ્નોનું આંકડાશાસ્ત્ર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અખાત્રીજ અને વસંતપંચમીને વણજોયું મુહુર્ત કહેવાય છે. આ દિવસો શુભ જ હોય છે. આ ભારત છે, અમેરિકા હોત તો આ દિવસે થયેલા લાખો લગ્નો પૈકી કેટલાં લગ્નો કેવા સફળ થયા એ વિષે આંકડાકીય માહિતી મળી રહેત. ખેર, જલન માતરી કહે છે એમ આ શ્રધ્ધાનો વિષય છે એટલે એમાં પુરાવા શોધવા ન જઈએ તો પણ ચાલે. પણ વણજોયેલું મુહુર્ત સીધું વાપરીને લગ્નો ગોઠવનાર ભલે ગોર મહારાજનો કન્સલ્ટીંગ ચાર્જ બચાવી લેતાં હોય, પણ બીજાં કેટલાં ગૂંચવાડા ઊભા કરે છે તે એમને ખુદને ખબર નથી હોતી.

દરે વર્ષે વસંતપંચમીના દિવસે અખબારનો એક ખૂણો ‘આજે શહેરમાં કેટલાં લગ્નો છે’ એ સમાચાર માટે અનામત રાખવાનો રિવાજ છે. આમ થવાનું કારણ આ વણજોયેલું મુહુર્ત છે. આ વર્ષે એક અંદાજ મુજબ વસંતપંચમીના રોજ રાજ્યભરમાં ૩૦,૦૦૦ લગ્નો થયા. એમ સમજોને કે દર વર્ષે ગુજરાતમાં થતાં હિંદુ લગ્નો પૈકી દસ ટકા લગ્નો વસંતપંચમીનાં દિવસે થાય છે. આ ત્રીસ હજાર લગ્નોમાં એક ગોર મહારાજ વત્તા એક આસીસ્ટન્ટ ગણીએ તો અંદાજે ૬૦,૦૦૦ ગોર મહારાજ પૈણાવવા લાગેલા હશે. દરેક લગ્નની મુખ્ય વિધીના બે કલાક અને બે કલાક આગળ-પાછળ ગણીએ તો આ લગ્નોમાં ૨,૪૦,૦૦૦ ગોર-અવર્સ માત્ર એક જ દિવસમાં ખર્ચાઈ ગયા હશે!

એક લગ્નમાં કન્યા, મા, સાસુ, નણંદો, ફોઈઓ, માસીઓ, કાકીઓ, મામીઓ વગેરે ભેગી થઈને ૭૦ સાડી તો ખરીદતી હશે. એવરેજ સાડીની કિંમત ૧૦૦૦ રૂપિયા ગણો રૂપિયા ૨,૧0,00,00,000 તો ૨૧,૦૦,૦૦૦ સાડીઓમાં જ ખર્ચાય. ધારો કે સાડી ખરીદવા ઘરની ત્રણ સ્ત્રીઓ સાથે જતી હોય તો આટલી સાડીઓ ખરીદવામાં સાડી દીઠ બે કલાક (એટલાં તો થાય જ ને!) લેખે સ્ત્રીઓના ૧,૨૬,૦૦,૦૦૦ કલાકો અને આ પૈકીની અડધી સાડીઓ ખરીદવામાં પુરુષો સાથ આપતાં હોય તો પુરુષોના ૨૧,૦૦,૦૦૦ લાખ કલાક વીતી જાય! આમાં સાડીને રોલ-પોલીશ થઈને તૈયાર થાય એ પછી લેવા જવાનો સમય અને એક્ચેન્જ કરવાનો સમય તો ગણ્યો જ નથી!

હવે વાત કરીએ લગ્નમાં પધારનાર સ્ત્રી ગણનો તૈયાર થવાનો હિસાબ. દરેક લગ્ન દીઠ કન્યા સહિત ઓછામાં ઓછી ૧૦ સ્ત્રીઓ બ્યુટીપાર્લરમાં તૈયાર થતી હોય છે. આ ૩૦૦,૦૦૦ સ્ત્રીઓ જો એવરેજ ચાર કલાક બ્યુટીપાર્લરમાં ગાળે તો, પાર્લરમાં અંદાજે ૬૦૦,૦૦૦ કિલોવોટ-અવર ઈલેક્ટ્રીસિટી બળી હશે! એ પણ શિયાળો છે એટલે એસીના તો ગણ્યા જ નથી. એવી જ રીતે સમયની વાત કરીએ તો દસ મુખ્ય સ્ત્રીઓના તૈયાર થવામાં એક સ્ત્રીને તૈયાર કરવામાં એક બ્યુટીશીયન હિસાબે ૨૪,૦૦,૦૦૦ માનવ-કલાકો તૈયાર થવામાં લાગી જાય! આ કલાકોમાં શું થઈ શકે એ કહી અમારે વધું વિવાદ નથી ઊભા કરવા!

હવે વિચારો કે આ લગ્નો પૈકી ૭૦% લગ્નોમાં બેન્ડવાજાવાળાને વર્ધી આપવામાં આવી હોય તો ૨૧,૦૦૦ તો બેન્ડ જોઈએ. દરેક બેન્ડમાં ૧૦ જણા હોય તો ૨૧૦,૦૦૦ જણા તો એમાં જ લાગેલા રહેશે. લગ્નનાં રસોડામાં એવરેજ ૨૦ જણા લાગેલા હોય છે એ જોતાં ૬૦૦,૦૦૦ લોકો કાપવાથી લઈને પકવવા સુધી લાગેલા રહેશે. લગ્ન દીઠ ડેકોરેશનમાં દસ જણા મંડપ, ઇલેક્ટ્રિક, ફૂલ, લાઈટનાં કામમાં લાગેલા ગણીએ તો અંદાજે ૩૦૦,૦૦૦ લોકો એમાં ધંધે લાગેલા હશે. દરેક લગ્નમાં રૂપિયા ઉઘરાવવા કિન્નરો આવી જ જતાં હોય છે. માની લો કે માત્ર ૮૦% લગ્નોમાં જ એ લોકો પહોંચે અને લગ્ન દીઠ ત્રણ જણા હોય તો ચોવીસ ગુણ્યા ત્રણ એટલે કે ૭૨,૦૦૦ કિન્નરોને રોજગાર મળી જાય. જો દરેક એવરેજ પાંચસો રૂપિયા ઉઘરાવતા હોય તો ૩,૬૦,૦૦,૦૦૦ રૂપિયા તો એમનું એક દિવસનું ટર્નોવર થયું !

હવે વિચારીએ લગનમાં આવનાર મહેમાનો વિષે. એકદમ સામાન્યમાં સામાન્ય માણસને ત્યાં લગ્ન હોય તો પણ બે પક્ષના ભેગાં થઈને ૪૦૦ માણસો તો જમતાં જ હોય છે. એટલે વસંતપંચમીના લગ્નોમાં એક દિવસમાં ૧,૨૦,૦૦,૦૦૦, ગુજરાતની હાલની વસ્તીના ૨૦%, લોકો આવે અને જમે. આ ચારસો પૈકી માત્ર બસો જણા પણ ૧૦૧નો ચાંદલો લખાવે તો બધાં લગ્નોમાં મળીને રૂપિયા ૬૦,૬૦,૦૦,૦૦૦ ચાંદલાના જમા થાય. લગ્નમાં આવનાર દરેક માણસ જો જમે તો એક દિવસમાં ૧,૨૦,૦૦,૦૦૦ ડીશો પીરસાય અને એક ડીશના જો ૨૫૦ રૂપિયા ભાવ ગણીએ તો જમવાનો ખર્ચો અથવા કેટરિંગનું ટર્નોવર આશરે ૩,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા થાય. આઇઆઇએમ પાસ આઉટ ધ્યાન આપે!

જમણવારની થોડી વિગતવાર વાત કરીએ. હવે પ્લાસ્ટીકના ગ્લાસમાં પાણી અપાય છે. લગનમાં આવનાર વ્યક્તિ દીઠ બે લેખે ૨,૪૦,૦૦,૦૦૦ તો પ્લાસ્ટીકના ગ્લાસ વપરાય. આમાંના વીસ ટકા ગ્લાસ કચરાપેટીમાં નથી જતાં એ જોતાં ૪૮,૦૦,૦૦૦ ગ્લાસ લગ્ન પતે ત્યાં સુધીમાં વિવિધ લગ્નસ્થળની શોભામાં અભિવૃદ્ધિ કરતાં જોવા મળે. જમણવારમાં તમે જોયું હશે કે સલાડ લેવા માટે સ્ટીલની ચમચી મૂકી હોય છે. આ ચમચી વડે એક એક કરીને ગાજર, કાકડી અને ટામેટા પકડીને જાતે થાળીમાં મુકવાનાં હોય છે. ગાજરનાં લાંબા લંબગોળ ટુકડા લેવામાં ટુકડાનું સેન્ટર ઓફ ગ્રેવિટી ચમચીનાં ખાડાવાળાં આકારનાં સેન્ટર ઓફ ગ્રેવિટી સાથે ન મળે ત્યારે, અને જ્યાં પેલું કાતર જેવું હથિયાર આપ્યું હોય છે તે વાપરવાની આવડતના અભાવે, સલાડનું ગાજર કે કાકડી વારેઘડીએ પડી જાય છે. લાઈનમાં પાછળ ઉભેલા ફરસાણ અને મીઠાઈ રસિયાઓને તો જાણે આવું હિચકારું કૃત્ય પોતાને તપાવવા માટે જ થતું હોય એવું લાગે છે. લગ્નનાં જમણવારમાં પીક-અવર્સ દરમિયાન સલાડ લેવામાં ખર્ચાતી ત્રણ-ચાર મીનીટ પાછળ લાઈનમાં ઉભેલા લોકોના અંદાજે ૫,૦૦,૦૦૦ કીમતી માનવ કલાકોનો વ્યય કરાવે છે. આટલા માનવ કલાકોમાં તો ટોયોટોનાં વર્કર્સ ૨૨૮૯૪ કારનું ઉત્પાદન કરી નાખે!

લગ્ન દરમિયાન ફોટોગ્રાફ્સ તો પડે જ છે. એક લગનમાં બેઉ પક્ષ તરફથી સરેરાશ ૫૦૦ ફોટાં પડતાં હોય તો ૧,૫૦,૦૦,૦૦૦ ફોટાં પડે. આ ફોટાં ૭૫,00,00,00,000 કેબી હાર્ડડિસ્કની જગ્યા રોકે. ઘણીવાર ફોટોગ્રાફર અવસર ચુકી જાય એ સંજોગોમાં રીટેક કરાવે છે. આમાં હાર પહેરાવતા, હસ્તમેળાપ, ફેરા, અને અગત્યના ઓછામાં ઓછા દસ ફોટાના રીટેક થાય છે. લગભગ ૩૦૦,૦૦૦ જેટલાં તો આ રીટેક ફોટાં જ લેવાય છે અને દરેક રીટેકમાં બે-ત્રણ મીનીટ જાય છે, આમ ફોટોગ્રાફરને કારણે જ વરકન્યા જમવામાં ૩૦ મીનીટ મોડા પડે છે. જોકે વર-કન્યાની સાથેસાથે બીજાં પચાસ જણા લટકે છે એ જોતાં આ રીટેકને કારણે એકંદરે ૪,૫૦,૦૦,૦૦૦ માનવ મીનીટ જેટલું મોડું થાય છે!

આટલું બધું વસંતપંચમીના એક દિવસનો હિસાબ છે. ભૂલચૂક લેવીદેવી. ઓર યે તો કુછ ભી નહી! હજુ વિદાય વખતે પડતાં આંસુઓનો હિસાબ માંડીએ તો કેટલીય ટાંકીઓ ભરાય. એમાંય જો છોકરીના પપ્પાના આંસુનું વજન કરવા જઈએ તો કદાચ કોઈ કાંટો કામમાં ન આવે! 

No comments:

Post a Comment