Wednesday, June 29, 2016

દાઢી બઢાને સે કોઈ ડાકૂ નહિ બન જાતા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
‘દાઢી-મૂછ વધારો અને મેચ જીતો’ એ સફળતાની ફોર્મ્યુલા નથી!

આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસી એના શાનદાર પ્રદર્શનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ કોપા અમેરિકા ૨૦૧૬ ટુર્નામેન્ટ દરમ્યાન એ એની દાઢીને લઇને ચર્ચામાં રહ્યો! આ વખતે ટુર્નામેન્ટ શરુ થઇ ત્યારથી એણે દાઢી વધારવાનું શરુ કર્યું હતું. યોગાનુયોગ એવો થયો કે એની દાઢી વધતી ગઈ એની સાથે સાથે આર્જેન્ટીનાની ટીમ પણ આગળ વધતી ગઈ, અને છેક ફાઈનલમાં પહોંચી ગઈ! અહીં કહાનીમાં ટ્વિસ્ટ એ આવે છે કે મેસીના સાથીઓ ફાઈનલ સુધીની જીતનું શ્રેય પાંચ ગોલ કરનાર એના ચરણ કમળ ઉર્ફે ટાંટિયાને નહીં પણ એની દાઢીને આપે છે! મેસીની મેસી-બરછટ દાઢી ટીમ માટે ‘લકી ચાર્મ’ ગણાતી હતી! ફાઈનલમાં તો વખાણી ખીચડી દાંતે વળગી એ કહેવતની જેમ મેસીની વખાણી દાઢી ગૂંચવાણી અને પેનલ્ટી શુટઆઉટની એની બોણીની એટલે કે શકનની કીક ગોલપોસ્ટની ઉપરથી ગઈ! છેલ્લા વાવડ એ છે કે ‘બા’ની જેમ મેસી પણ રીટાયર થાય છે. હવે દાઢીનું શું થાય છે એના સમાચારની રાહ જોવાય છે.

આવી અંધશ્રદ્ધા સામાન્ય લોકોનેય હોય છે, પણ સ્પોર્ટ્સમેન, ફિલ્મસ્ટાર્સ અને પોલીટીશિયન્સ અંધશ્રદ્ધા ધરાવે તો એ તરત લોકોનું ધ્યાન ખેંચે છે. એકતા કપૂરની સિરીયલો અને રાકેશ રોશનના પિક્ચર્સના નામમાં “કે” હોય, શાહરૂખનાં કાફલાની અનેક કારની નંબર પ્લેટમાં ૫૫૫ નમ્બર હોય, કે ઇશાંત શર્માનાં માદળિયાં, આ તેમની માન્યતાઓ દર્શાવે છે. આ નવી વાત નથી. આ અગાઉ ૧૯૮૩ના ક્રિકેટના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ખૂંખાર ટીમને ધૂળ ચટાડનાર ભારતીય ટીમમાં બધા મૂછોવાળા હતા! એમાં કાયમ ક્લીનશેવ રાખનારા મોહિન્દર અને ગાવસ્કર પણ સામેલ છે જેમણે કપ જીતવાની નેમ સાથે મૂછો વધારી હતી! ૯/૧૧ના હુમલા પછી ગ્રે વેડલ નામના અમેરિકન શિક્ષકે લાદેન પકડાય કે મૃત જાહેર થાય ત્યાં સુધી દાઢી નહિ કરવાનું પ્રણ લીધું હતું. ખેર, એને તો દાઢી કરવાનો મોકો મળ્યો, પણ આપણા કોઈ માસ્તરે ૧૯૯૩ના મુંબઈમાં બોમ્બ ધડાકાના માસ્ટર માઈન્ડ દાઉદ માટે આવી બાધા રાખી હોત તો આજે એણે દાઢી ઊંચકવા માટે અલગથી એક લારી લઈને ફરવું પડતું હોત. આ તો એક વાત છે.
1983 Champion Indian Team
વર્લ્ડ કપ અને મુછ

ફિલ્મ ‘વિશ્વનાથ’માં અન્યાયનો બદલો લેવા માટે પ્રમાણિક અને બાહોશ વકીલમાંથી ગુનાની દુનિયામાં પગ મુકનાર શોટગન સિન્હાની દાઢી જોઈને ક્લીન શેવ્ડ વિલન મદનપુરી કહે છે ‘દાઢી બઢાને સે કોઈ ડાકૂ નહિ બન જાતા. મૈ બીના દાઢી બઢાએ બરસોં સે લોગોં કો લૂટતા આ રહા હૂં!’ આમ દાઢી એ નિમિત્ત હોઈ શકે, પણ સફળતા માટેનું આવશ્યક સાધન નહિ. કૌભાંડોનો ઈતિહાસ જુઓ તો આપણને દાઢીધારીઓ કરતાં ખાદીધારીઓએ વધારે લૂંટ્યા છે. એક જમાનામાં શૂરવીરની મૂછનો એક વાળ કરોડ રૂપિયા બરોબર હતો, પણ અત્યારે માલ્યાને ૭૦૦૦ કરોડની લોન કંઈ એની દાઢીનાં કોલેટરલ પર નહિ મળી હોય. બાકી ફક્ત દાઢી વધારવાથી કોઈ નબળો ફૂટબોલર ગોલ કરવા માંડે કે વાળ વધારવાથી કોઈ ઝૂડાઉ બોલરને વિકેટ મળવા માંડે તો આપણી ચારે તરફ દાઢી-મુછ જમીન પર અડતી હોય એવા અઘોરીઓ જ ફરતાં દેખાય.

રીઅલ લાઈફમાં અમિતાભ બચ્ચનની બીજી ઇનિંગ્ઝની સફળતાને પણ એમની દાઢી સાથે સાંકળી શકાય એમ છે. બીજી ઇનિંગ્ઝમાં એમણે દાઢીને જતનથી સાચવી છે. એનો આકાર કે પ્રકાર બદલ્યો હશે પણ એમણે દાઢી હટાવી નથી! આ જોતાંએ પોતે પણ એને લકી ચાર્મ માનતા હોય તો નવાઈ નહિ. અને જે રીતે એ મોત સામે લડીને પાછા આવ્યા છે એ જોતાં કોઈ પણ વ્યક્તિ ચમત્કારમાં માનતો થઇ જાય. બાકી એમણે કોઈ પણ અંધશ્રધ્ધા વગર નિષ્ફળતામાંથી ફરી સફળ થઈ દેખાડ્યું છે. રીલ લાઈફમાં ફિલ્મ ‘ગોલમાલ’માં ઉત્પલ દત્ત મૂછોવાળા ઉમેદવારને જ નોકરી આપે છે. ‘શરાબી’માં નથ્થુલાલજી એમની સ્પેશિયલ મૂછોને કારણે જ વિકીબાબુના પ્રીતિપાત્ર બને છે અને એની દીકરીના લગ્નની જવાબદારી ઉઠાવી લે છે. આવા લોકોએ એમની મૂછોને રોજ ધૂપ આપવો જોઈએ.

અબ્રાહમ લિંકનને ૧૮૬૦ની ચૂંટણી પહેલા એક નાનકડી છોકરી એ પત્ર લખીને એવી સલાહ આપેલી કે તમે દાઢી વધારશો તો તમને વધુ વોટ મળશે અને તમે અમેરિકાના પ્રમુખ બનશો. જવાબમાં લિંકને કોઈ વાયદો તો નહોતો કર્યો પણ ચૂંટણી સુધીમાં દાઢી વધારી દીધી હતી અને જીતીને અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા. આમ દાઢી એ એમના માટે ગાદી સુધી જવાનો રસ્તો બની ગઈ કહેવાય.

આમ છતાં દાઢી કે મૂછ કે બંને રાખવાથી અચ્છે દિન આવશે જ એમ માનવું ભૂલ ભરેલું છે. દાઢી-મૂછ સાથે ઘણી સમસ્યાઓ ઉગી નીકળતી હોય છે. જેમ કે ઘેઘૂર મૂછો ધરાવનારા મુચ્છડો ચા પીવે ત્યારે અડધી ચા તો એમની મૂછો પી જતી હોય છે. નાકમાં ગલીપચી થાય એ જુદું. બીજું દાઢી-મૂછ મેન્ટેનન્સ માગી લેતી વસ્તુ છે. એને વગડાના વેલાની જેમ નહીં પણ બગીચાના છોડની જેમ ઉછેરવી પડતી હોય છે. સલૂનવાળા હેરકટિંગ જેટલો જ ચાર્જ દાઢી-મૂછ ટ્રીમ કરવાનો લેતાં હોય છે. તમે આગથા ક્રિસ્ટીની નવલકથાના ડિટેકટીવ ‘હરક્યુલ પોઈરો’ (Hercule Poirot)ને ફિલ્મમાં રાત્રે સુતી વખતે એની હેન્ડલબાર સ્ટાઈલની મૂછો ઉપર ‘મુસ્ટાચ વેક્સ’ લગાડતો જોયો હશે. એટલે જેને મૂછોના આંકડા ચઢાવવાનો શોખ હોય એણે નિયમિત રીતે મૂછોને ખાસ રીતે મરડવી ફરજીયાત છે અને એને ઉંચી રાખવા માટે ખાસ પ્રકારના ‘મુસ્ટાચ વેક્સ’નો ખર્ચો પણ પાડવો પડે છે. આ જોતાં એક અમદાવાદી તરીકે અમને એટલો જ વિચાર આવે છે કે આટલો જ ખર્ચો અને મહેનત ધંધા પાછળ કરીએ તો નસીબ આપોઆપ દોડતું આવે. શું કહેવું છે?

મસ્કા ફન
કુતરું અને નસીબ ન માંગ્યા દોડતાં આવે છે.

Wednesday, June 22, 2016

વક્તા પર ટામેટા ફેંકાય એને એ બહુમાન સમજી બેસે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૬-૨૦૧૬  
 
ચીન અને અમેરિકા પછી ભારત ટામેટાના ઉત્પાદનમાં નંબર-૩ ઉપર છે તોયે ટામેટાના ભાવ પેટ્રોલના ભાવને પાર કરી ગયાં છે. આજકાલ પેટ્રોલ સસ્તું અને ટામેટા મોંઘા થતાં જાય છે. જોકે વાહનમાં કોઈ પેટ્રોલને બદલે ટોમેટો પ્યુરી પુરાવતું નથી. અથવા બોરિંગ વક્તા ઉપર ટામેટાને બદલે કોઈ પેટ્રોલ બોમ્બ ફેંકતું નથી. આ તો સરખામણી કરવાનો રિવાજ છે એટલે કરી છે. બાકી આવી સરખામણીઓ અર્થહીન હોય છે એ લખનાર સિવાય સૌ કોઈ જાણતું હોય છે. 
ચાલો પેટ્રોલ સસ્તું તો થયું ....

પરચુરણની તંગી માટે એવું કહેવાય છે કે સિક્કાની ધાતુની કિંમતને કારણે લોકો સિક્કા ગાળી એની ધાતુ વેચી મારતાં હતા. તો ટામેટાનાં ભાવ માટે વરસાદ અને સંગ્રહાખોરી સિવાય શું જવાબદાર હશે? કદાચ આખો દેશ પાણીને બદલે ટામેટા સૂપ પીતો અને જમવામાં ભાખરી અને સેવ-ટામેટાનું શાક જ ખાતો હશે. બાકી ટામેટાના ભાવ વધારા માટે કોઈ મલ્ટીનેશનલ કંપનીને પણ દોષ દેવાય એવો નથી. ટામેટા અમારી જાણકારી મુજબ પાકિસ્તાનથી આયાત નથી થતાં એટલે આ અંગે પાકિસ્તાન ઉપર પણ દોષનો ટોપલો ઢોળી શકાય એમ નથી. આજકાલ જે રીતે બધી ચીજવસ્તુના ભાવ વધ્યા છે તે જોતાં આમેય ટોપલામાં કશું પણ ભર્યું હોય એ ઢોળવામાં શાણપણ ચોક્કસ નથી.

ટામેટા સૂપ, સલાડ અને સોસમાં (મેનેજમેન્ટની ભાષામાં ૩-S of Tomatoes !) વધુ વપરાય છે. આમ તો વર્ષોથી અમે લગ્નપ્રસંગો અને શતાબ્દી જેવી ટ્રેનોમાં ટામેટાનો પાણી જેવો લોટ મિશ્રિત સૂપ પીધો છે. ભાવ તો હવે વધ્યા. હવે લગ્નો અને શતાબ્દીમાં શું થશે એ માટે કલ્પના કરવાની ખાસ જરૂર નથી. આપણે ત્યાં લોકશાહી છે એટલે લોકો પોતાની ઈચ્છા મુજબના સૂપ બનાવી શકે છે. લગ્નના મેન્યુમાં જયારે કેટલી આઇટમ છે એનો આંકડો વધારે મહત્વનો હોય ત્યારે ટોમેટો સુપમાં ટોમેટો છે કે કેમ એ પૂછવું મુર્ખામી છે. હવે ટામેટાના ભાવ જોતાં મેન્યુમાં ટોમેટો સૂપ રાખનાર બ્રોકોલી આલમંડ સૂપ રાખનાર જેટલી જ હોંશિયારી મારી શકશે.

એક જાણીતી ટોમેટો સોસની બોટલમાંથી સોસ ૦.૦૨૮ માઈલ પ્રતિ કલાકથી વધુ ઝડપે નીકળે તો એ કેચપ રીજેક્ટ કરી દેવામાં આવે છે. એ અલગ વાત છે કે કેચપની બોટલ અડધા ઉપર થાય એટલે આસાનીથી કેચપ નીકળે એ માટે કેચપની બોટલમાં પાણી નાખવાનો રીવાજ છે. જોકે બોટલમાં પાણી નાખ્યું છે, એવું નાખનાર સિવાયના લોકોને કમનસીબે બોટલ ઉંધી વાળ્યા પછી જ ખબર પડે છે. સોસનો ધોધ વહે ત્યારે. શેમ્પુની બોટલમાં પણ આવું જ નથી થતું? જો તમારે આવું ન થતું હોય તો તમે મિડલ ક્લાસમાં નહિ આવતાં હોવ!

આમ તો ટામેટા ફ્રુટ છે. પણ અમેરિકામાં ૧૮૯૩માં કોર્ટે ટામેટા ફ્રુટ નહિ બલ્કે શાકભાજી છે એવું ઠરાવ્યું હતું. આ માહિતી ઉપવાસ કરનારા માટે અગત્યની છે. કારણ કે ઉપવાસમાં શું ખવાય અને શું ન ખવાય એ અંગે કોઈ સરકારી સરક્યુલર નથી બહાર પાડવામાં આવ્યો એટલે લોકો એનું મનઘડત અર્થઘટન કરે છે. એમાંય જેનાથી ભૂખ્યા ન રહેવાતું હોય એને ફ્રેંચ ફ્રાઇઝ સાથે કેચપ ખાવાની કોઈ ના પાડે તો શું થાય?

સ્પેનમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે લા ટોમેતીનો ફેસ્ટીવલ ઉજવાય છે. ત્યારે શેરીઓમાં ટોમેટો યુદ્ધ થાય છે. એક અંદાજ મુજબ ત્રીસ હજારથી વધારે લોકો આ ફેસ્ટિવલમાં સો ટનથી વધારે ટામેટા એકબીજા ઉપર ઝીંકે છે ‘ઝીન્દગી ના મિલેગી દોબારા’ નામની ફિલ્મમાં સ્પેનના આ ઉત્સવમાં હ્રીતિક રોશન અને કેટરીનાને ટામેટામાં આળોટતા બતાવ્યા હતાં. વિદેશમાં જઈને ટામેટામાં આળોટવું એ કોઈ નબીરાને જ પોસાય. અને એ જેને પોસાય એને પોતાની પત્નીને ભરણપોષણનાં ૪૦૦ કરોડ આપવા પણ પોસાય.

આપણે ત્યાં તો સડેલા ઈંડા-ટામેટાનો ઉપયોગ સભા સરઘસમાં વક્તાને વધારે ત્રાસ આપતાં રોકવા માટે થાય છે, સ્પેનની જેમ ઉત્સવ માટે નહિ. એમાં ઈંડા કરતાં ટામેટા ફેંકવામાં વધારે સહેલા પડે છે, એવો અમારો સ્વઅનુભવ છે. ભાવ વધારા પછી જો સડેલા ટામેટા પણ કોઈ કવિ પર ફેંકવામાં આવે તો કવિ એને બહુમાન સમજી બેસે એવું બને. આમેય કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ કીધું છે કે ‘અમથીય દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ, તરત જ થાઉં પ્રસન્ન એવો આસુતોષ છું’ આપણા નવા કવિઓ પણ આવા હરખપદુડા છે. એમાંય કવિઓ આસાન ટાર્ગેટ છે. નેતાઓ તો હવે પબ્લિકની પહોંચની (ટામેટાનાં ઘાની) બહાર ઊભા રહી પ્રવચન આપે છે. તો બાકીના સોશિયલ મીડિયા, હેંગઆઉટ અને થ્રીડી સભાઓ કરે છે. હવે ટામેટા ફેંકવા હોય તો પોતાનાં જ ટીવી પર ફેંકવા પડે.

નાના હતાં ત્યારે એક રમતમાં આવું આવતું હતું. નદી કિનારે ટામેટું, ટામેટું, ઘી-ગોળ ખાતું’તું, ખાતું’તું, નદીએ નાવા જાતું’તું, જાતું’તું, આજ સુધી ટામેટું નદીએ કેમ નહાવા જાતું હતું એ અમને સમજ નથી પડી. ટામેટાના ઘરમાં બાથરૂમ નહીં હોય તેવો હાથવગો જવાબ કોઈપણ આપી શકે, પણ એમાં દેશની સેનિટેશન સામે ઘણાં પ્રશ્નો ઊભા થાય. એમાં પાછું ઘી ગોળ ખાઈને નહાવા જવું યોગ્ય જણાતું નથી, કારણ કે આપણી સંસ્કૃતિમાં નાહીને ખાવાનું કહ્યું છે. જોકે સંસ્કૃતિની વાત અમે કરવા માંગતા નથી, કારણ કે આજકાલ સંસ્કૃતિની વાત કરનાર હિંદુ, જુનવાણી, અને ભક્ત પ્રકારના ગણાય છે.

મસ્કા ફન

ઓર્ડર આપતી વખતે 'ભૂખ નથી' એવું કહી ના પાડનાર
ફૂડ સર્વ થયા પછી જયારે ઝાપટવા લાગે ...
ત્યારે સાલું લાગી આવે !

Wednesday, June 15, 2016

ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦૧૬-૦૬-૧૫

ટીટોડી ક્યાં ઈંડા મુકશે એ વિષય બાબતે સમાજમાં ભારે ઉત્સુકતા પ્રવર્તે છે. દર વર્ષે ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા તે અખબારોમાં જાહેરાતોના ભોગે છાપવામાં આવે છે, કારણ કે અખબારો પ્રજા માટે છે અને ‘નેશન વોન્ટસ ટુ કનો’, કે ટીટોડીએ આ વર્ષે ઈંડા ક્યાં મુક્યા? ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે. ટીટોડીમાં પણ અક્કલ હોય છે કે નીચાણવાળા કે પાણી ભરાય તેવા વિસ્તારમાં ઈંડા ન મુકાય. ક્યારેક આ જ ટીટોડી ક્યારેક મેદાનમાં કે જમીન પર પણ ઈંડા મુકે છે. આમ થાય તો દુકાળ પડે એવું કહેવાય છે. આટલું જ્ઞાન ગુજરાતના બચ્ચે-બચ્ચાને છે. આ વિજ્ઞાન છે કે નહીં તે વિષયે સોશિયલ મીડિયા પર વિદ્વાનો ચર્ચા કરે છે. બાકી ટીટોડીમાં છાંટો પણ અક્કલ હોય તો પહેલા વરસાદે જ શહેરના પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં જાય છે એ જાણતી ટીટોડીઓ ઈંડા મુકવા માટે ઊંચાઈવાળી જગ્યા જ પસંદ કરે.

રિસર્ચમાં મુખ્યત્વે કાર્ય અને કારણ વચ્ચેના તપાસ થતી હોય છે. જેમ કે તેલ ખાવાથી કોલેસ્ટોરોલ વધે. ગળ્યું ખાવાથી સુગર વધે. તેલવાળું અને ગળ્યું બંને ખાવાથી ફાંદ વધે વગેરે વગેરે. ટીટોડીનાં ઈંડા મુકવા અને વરસાદની માત્રા અંગે આવું કોઈ રીસર્ચ થયું હોય એવું અમારી જાણમાં નથી. જોકે એથી કંઈ એની વિશ્વસનીયતા ઘટી નથી જતી અને જે વિષયો પર રીસર્ચ થયા છે એ પ્રમાણભૂત હોય એવું પણ જરૂરી નથી. ધાબા પર ઈંડા મુક્યા પછી વરસાદ ન પડે તો કોઈ ટીટોડીને કોર્ટમાં ઢસડી નથી જતું. જમીન પર ઈંડા મુક્યા પછી ખુબ વરસાદ પડે તો ટીટોડીને કોઈ મહેણા મારતું નથી કે ‘ડૂબી મર’.

જોકે એક ટીટોડી ઈંડા ક્યાં મુકે છે એના ઉપર આખા ગુજરાતમાં ચોમાસાની આગાહી કરવી એન્જીનીયર તરીકે અમને યોગ્ય લાગતું નથી. સ્ટેટેસ્ટિકસમાં ઓછામાં ઓછી ૨૫ની સેમ્પલ સાઈઝની ભલામણ છે. પણ આપણે ત્યાં તો એક જ ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા એના ઉપર ચોમાસાનો મદાર બાંધવામાં આવે છે. હવે ધારો કે કોક ટીટોડી આળસુ હોય અને એને ધાબા સુધી ઉડાઉડ કરવાનો કંટાળો આવતો હોય એથી નીચે ઈંડા મુકતી હોય તો? કેમ લીફ્ટનો ભરોસો ના હોય ત્યાં ગ્રાઉન્ડ ફલોરનો ફ્લેટ લેવાનું લોકો પસંદ નથી કરતાં? એવી જ રીતે કોઈ ડરપોક ટીટોડી જમીન પર મૂકવામાં અસલામતી લાગતી હોય એટલે અગાસીમાં ઈંડા મુકતી હોય એવું ન બને? સ્ટેટીસ્ટીકસમાં આવા ‘Samples’ને ‘Outliers’ કહે છે અને એને વિશ્લેષણમાંથી બાકાત રાખવામાં આવે છે. એ હિસાબે આવી ટીટોડીઓને સેમ્પલમાંથી બાકાત કરવી પડે, જે થવું જોઈએ પણ થતું નથી. આપણે ત્યાં તો અખબારના ફોટોગ્રાફરની નજરે ચઢે એ ટીટોડીની મુન્સફીને આધારે ચોમાસું કેવું જશે તે નક્કી થાય છે.

એટલે જ ધાર્યું ચોમાસા લાવવા માટે હેલ્થ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને કામે લગાડી ચોમાસા પહેલા તમામ પ્રેગ્નન્ટ ટીટોડીઓની નોંધણી કરીને ડેટાબેઝ બનાવવો જોઈએ. શિક્ષકોને આ કામથી દૂર રાખવા કારણ કે પહેલેથી જ તેઓને બિનશૈક્ષણિક કામો કરાવવા અંગે ફરિયાદ છે. એ પછી ટીટોડીઓને રસ પડે એવા મોકાના ઊંચા સ્થાન ઉપર હાઉસિંગ બોર્ડ પાસે ટકાઉ અને મજબૂત માળા બંધાવવા જોઈએ. આ હસવાની વાત નથી, ગંભીર સૂચન છે. આ કામ ચોમાસાની શરૂઆત અને ટીટોડીના પ્રસવકાળ પહેલા નિષ્પન્ન થવું જોઈએ નહિ તો ટીટોડીઓ મન ફાવે ત્યાં ડીલીવરી કરવા માંડે એવું બને. એમાં ટેન્ડરીંગ અને રી- ટેન્ડરીંગના ચક્કરમાં માળાઓ ચોમાસા પછી તૈયાર થાય અને નેક્સ્ટ ચોમાસા પહેલા બિસ્માર હાલતમાં આવી જાય એવું પણ બને! માળાઓની ફાળવણી પણ ટીટોડીઓ પર છોડવી જોઈએ નહીતર સોફ્ટવેરના ડખાને કારણે અમુક ટીટોડીઓને ત્રણ ત્રણ માળા ફાળવાય અને અમુક ટીટોડીઓ રખડી પડે એવું પણ બને. પછી રખડી પડેલી ટીટોડીઓ વિરોધ દર્શાવવા ખાડામાં ઈંડા મુકી આવે તો અમથું આપણું ચોમાસું રખડી પડે! ટીટોડીઓ તંત્રને ઉલ્લુ બનાવીને જમીન ઉપર માળા બાંધી ન જાય એ જોવાની કામગીરી તકેદારી વિભાગ અને દબાણ ખાતાને સંયુક્ત રીતે સોંપી શકાય.

બાકી માનવું પડે કે ટીટોડીનાં ઈંડાને વરસાદ સાથે જેણે પણ જોડ્યા છે તેણે ટીટોડીનાં ૩૩ લાખ અવતાર તારી નાખ્યા છે. કારણ કે બીજા હજારો પક્ષી છે જે આપણી આસપાસ ઉડાઉડ કરે છે તો પણ આપણે એમની નોંધ નથી લેતા. કે નથી એના ફોટા છાપતા. બાકી આમ જુઓ તો ટીટોડીમાં એવું ખાસ ધ્યાનાકર્ષક કશું નથી. એનો દેહ સાવ સાધારણ ભૂખરો અને સફેદ છે. શરીરના પ્રમાણમાં પગ તો સાવ દોરડી જેવડા. અને ટીટ્ટીટીટી ટીટ... ટીટ્ટીટીટી ટીટ... એવો અવાજ આમ તો કર્કશ જ ગણાય ને? સમાજે ટીટોડીને આટલું જ મહત્વ આપ્યું છે. દર ચોમાસે એકાદ ટીટોડીનાં ફોટા પણ છપાય છે છતાં આથી વિશેષ સમાજે ટીટોડી માટે કશું કર્યું નથી. ટીટોડી માટે કોઈ ખાસ દાણા નાખતું કે પાણી ભરતું પણ જોવા નથી મળતું. ખરેખર તો કોઈને પડી નથી અને કદાચ ખબર પણ નથી કે ટીટોડી શું ખાય છે. કાગડાને ગાંઠીયા અને કૂતરાને ગ્લુકોઝ બિસ્કીટ નાખનારા છે, પણ ટીટોડી ને?? વિચાર્યું છે કદી? વિદ્યા બાલન બહેન કહે છે એમ ‘કુછ સોચો!’ ●

મસ્કા ફન
કેટલાક સેલ્ફીમાં કેમેરા એટલો ઉંચો રાખ્યો હોય છે કે
નીચે ઉભેલી પબ્લિક ફૂડપેકેટ લેવા ઉભેલા પૂર પીડિતો જેવી લાગતી હોય છે!


Tuesday, June 07, 2016

હાઉસ ફૂલ-૩રીવ્યુ



હાઉસ ફૂલ-૩: ફિલ્મમાં અક્ષય કુમારની ફી પછી સૌથી મોટો ખર્ચો નરગીસ ફખરીના અમેરિકન ફૂટબોલ જેવા હોઠ પર લીપ્સ્ટીક લગાડવાનો છે.

સ્કુલમાં એકનું એક કામ દસ વાર આપતા ત્યારે ટીચરનો આશય એવો રહેતો કે દસ વાર કરવાથી છોકરાને પાકું આવડી જશે. હાઉસ ફૂલ ૩ એ સીરીઝનું ત્રીજું છે, અને એ દસ સુધી પહોંચતા મિલાવટ વગરની સારી મગજ વાપરવું પડે એવી ઈન્ટેલીજન્ટ કોમેડી આપણને મળશે એવી આશા કોઈ રાખે તો, એ ખોટી છે. સાજીદનું પિક્ચર છે એટલે મગજ વાપરવું નહિ એ શરૂઆતમાં જ સ્પ્લીટ પર્સનાલીટી ધરાવતા અક્ષયની ટ્રીટમેન્ટ કરતી ડોક્ટર જેકલીન સામે અક્ષયનાં હાથમાં રહેલા મગજનાં બે ટુકડા થાય ત્યારે જ સમજદાર પ્રેક્ષકને અણસાર આવી જાય છે કે ફિલ્મ જોવાથી મગજનું શું થવાનું છે. અમે તો મગજ કારમાં મુકીને જ અંદર ગયા હતા, એટલે અમને તો મઝા પડી એ અલગ વાત છે.

ગુજરાતી બટુક મુંબઈમાં નોકરી-ધંધો કરવાને બદલે ડોનનો હાથ હોય છે અને એમાંથી કરોડપતિ બની લંડન ભેગો થાય છે. બટુક પટેલની ત્રણ છોકરીઓની વાત છે જે અંગ્રેજી કહેવત અને રુઢિપ્રયોગોનું બેઠું હિન્દી કરે છે. સિનેમાગૃહમાં જે પંદર-વીસ પ્રેક્ષકો હતા એમાં અડધા તો કદાચ લંડનમાં રહેતી બટુકની છોકરીઓ અંગ્રેજી ધાણીફૂટ બોલે છે એ કારણે અંગ્રેજી ફિલ્મ સમજીને ‘કૈંક જોવા મળશે’ કરીને આવ્યા હોય એવું લાગ્યું. ફિલ્મમાં બટુક બનતા બમન ઈરાનીનું ગુજરાતી હજી ચાલી જાય એવું છે પણ બટુક છોકરીઓને જેમની સાથે પરણાવવા માંગતો હોય છે તે ત્રણ છોકરાઓ ગુજરાતી થઈ ગુજરાતી બરાબર નથી બોલતા તે ભાષાવિદ અને ગુજરાતી ભાષાની ચિંતા કરનારાઓને ચિંતા કરવા માટે મસાલો પૂરો પાડે છે. 


ફિલ્મની મૂળ વાર્તામાં અક્ષય, અભિષેક અને રીતેશ માલદાર બટુક પટેલની ત્રણ વારસદાર છોકરીઓને પરણવા માંગે છે. જયારે છોકરીઓ આ છોકરાઓના પ્રેમમાં હોય છે. ફિલ્મમાં અક્ષય કુમારની ફી પછી સૌથી મોટો ખર્ચો નરગીસ ફખરીના અમેરિકન ફૂટબોલ જેવા હોઠ પર લીપ્સ્ટીક લગાડવાનો છે. એના હોઠ ઊંટડી જેવા છે કદાચ એટલે જ ફિલ્મમાં કોઈ કિસ સીન નથી. રીતેશ ભળતા-સળતા શબ્દો છોલે છે, મતલબ કે બોલે છે. અભિષેક રેપર છે, અને પંજાબી રેપ સોંગથી દિમાગ અને કાન પર રેપ કરે છે.


લંડનમાં પંજાબીઓની વસ્તી વધારે છે એ કારણે હોય કે ગમેતેમ પણ ફિલ્મના ગીતો મુખ્યત્વે પંજાબી ફ્લેવરવાળા છે અને ભલીવાર વગરના આ ગીતો લખવા એક ગીતકાર પહોંચી વળે એમ નહીં હોય એટલે ચાર-પાંચ ગીતકાર રાખ્યા છે. જોકે ‘ટાંગ ઉઠાકર’ જેવા મરાઠી લાગતા પંજાબી ગીત જેમાં હોય એના ગીતકારને કોઈ ઓળખી ન જાય એટલે ફિલ્મનાં ટાઈટલમાં નામ જલ્દી-જલ્દી ફેરવવામાં આવે છે.

ફિલ્મમાં સાજીદનો ફેવરીટ ચંકી પાંડે પણ છે જે આખરી પાસ્તાનો રોલ કરે છે અને એમાં એ સારી એક્ટિંગ કરે છે. આઈ એમ જસ્ટ જોકિંગ ! એકંદરે મગજ વગરની કોમેડી છે, એવું જોયા પહેલા જ ખબર હોય તો તમે ફિલ્મ માણી શકો એમ છો, અને જો તમે સેન્સીબલ અને ઈન્ટેલીજન્ટ જ હોવ તો આ રીવ્યુ વાંચો છો શું કામ ? જબરું કુતુહલ છે તમને !

બોલીવુડનાં ગીતોનો આતંકવાદ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૦૬-૨૦૧૬


અમુક ગીતો કર્ણપ્રિય હોય છે. બાકીના એફ.એમ. સ્ટેશનો વગાડે છે એ. અમને એવું કહેવામાં આવ્યું છે કે એફ.એમ. સ્ટેશનો પર ક્યા ગીતો વગાડવા તથા એનો ક્રમ ‘ઉપર’થી નક્કી થાય છે અને નક્કી એ ‘મને બધું આવડે’ ટાઈપ મેનેજરો જ કરતાં હશે. અત્યારે તો ખરાબ ગીત વાગતું હોય અને સ્ટેશન ચેન્જ કરીએ તો બીજા પર અચૂક વિદ્યા બાલનબેનની માખીવાળી જાહેરાત વાગતી હોય છે. પછી પેલા ટાંગ ઉઠાવ ગીતની ફાલતુતા(!)ને લીધે વિદ્યાની જાહેરાત પણ આપણે સહન કરી લઈએ છીએ. ‘પપેટ ઓન અ ચેઈન’ નામની એલીસ્ટર મેકલીનની થ્રીલરમાં હીરોને હેડફોન પહેરાવીને એમ્પ્લીફાય કરેલી ઘડિયાળની ટક ટક સંભળાવી ત્રાસ અપાય છે. આપણે પણ ગયા જન્મમાં કરેલ કર્મને પરિણામે કારમાં રેડિયો ઉપર વિદ્યાની કચકચ, આર.જે.ની બકબક અને બોલીવુડના ગીતોની ધકધક સાંભળવી પડે છે. આ કારણથી જ શહેરના કારચાલકો પિત્તો ગુમાવતા જોવા મળે છે. 


એવા સમાચાર છે કે એક મૂળ પાકિસ્તાની એવા ઇન્ટેલીજન્સ અધિકારીના સૂચન ઉપર હવે બ્રિટીશ સેના બોલીવુડના સંગીતનો ઉપયોગ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ વિરુદ્ધ હથિયાર તરીકે કરી રહી છે. અહીં જરા વિચારો કે પ્રીતમ અને અનુ મલિક જેવાના ઉઠાંતરી કરેલા ગીતોથી આટલું પરિણામ આવતું હોય તો એમનું ઓરીજીનલ સંગીત સંભળાવે તો તો આતંકવાદીઓ જાતે જ લમણામાં ગોળી મારી દે કે નહિ?

વાતમાં દમ છે. સંગીતમાં વિવિધ લાગણીઓ જગાવવાની શક્તિ છે એ નિર્વિવાદ સત્ય છે. સારું સંગીત સાંભળવાથી ગાયો વધુ દૂધ આપે છે એ વૈજ્ઞાનિક તથ્ય છે. બૈજુ બાવરાએ પથ્થરને પણ પીગળાવી દીધો હતો એવી દંતકથા છે. હિન્દી ફિલ્મમાં તો સંગીતની અસરના અનેક પૂરાવા મળી આવે છે જેમ કે, ‘બીસ સાલ બાદ’ ફિલ્મમાં ‘કહીં દીપ જલે કહીં દિલ ...’ ગીત વાગે ત્યારે ગામના લોકો ભયભીત થઇ જતા બતાવ્યા છે. એવી જ રીતે ‘ગુમનામ’નું ‘ગુમનામ હૈ કોઈ ....’ અને ‘વોહ કૌનથી’નું ‘નૈના બરસે રીમઝીમ રીમઝીમ ...’ સાંભળીને લોકોના હાંજા ગગડી જતા, અલબત્ત ફિલ્મમાં જ. ૧૯૮૦ની ફીલ્મ ‘કર્ઝ’માં હિમેશ રેશમિયાનું મ્યુઝીક નહોતું તો પણ ગીટાર પર અમુક ધૂન વગાડતાં જ રિશી કપૂરને આંચકીઓ આવતી બતાવી છે. જ્વેલથીફ, શોલે, શાન, અમર અકબર એન્થની, વિધાતા, ત્રિદેવ વગેરે મુવીઝમાં ક્લાઈમેક્સમાં આવતા ગીત પછી જ હીરો લોગમાં વિલનની ધૂલાઈ કરવાનું જોમ આવતું એવું ચોક્કસ પણે જોઈ શકાય છે. આ પરથી અમને તો લાગે છે કે બોલીવુડના સંગીતથી આતંકવાદીઓને જેર કરી શકાય એ વાતમાં દમ છે.

ઓસામા ઠાર મરાયો એ અરસામાં જ હની સિંઘ લાઈમ લાઈટમાં આવ્યો બાકી લાદેનને પકડવા માટે જે ઓપરેશન કરવું પડ્યું એનાં બદલે એનાં ઘર આગળ ‘ઇન્ડિયન રેપર’ તરીકે ઓળખાતા (અને ખરેખર ભારતીય સંગીત પર બળાત્કાર કરી રહેલા) યો યો હનીસિંઘના ગાળયુક્ત ગીતો વગાડ્યા હોત તો ત્રાસીને એ જાતે શરણે આવી ગયો હોત. અગાઉની હિન્દી ફિલ્મોમાં સારું સંગીત પીરસાતું હતું, એટલેએ સમયે ડાકુઓને શરણે લાવવા માટે સામાજિક કાર્યકરોએ મહેનત કરવી પડતી હતી. પણ એ વખતે અત્યારના જેવું ટાંગ ઉઠાવ ગીત-સંગીત હોત તો ડાકુઓ ઓછી મહેનતે શરણે આવી જાત. અમે તો માનીએ છીએ કે હજી પણ દાઉદને ઝબ્બે કરવો હોય તો એના ઘરની આસપાસ ૨૪ કલાક નવા હિન્દી ગીતો વગાડવા જોઈએ– એ શરણે નહિ આવે તો પણ અધમુઓ તો જરૂર થઇ જશે.

સંજય દત્ત હમણાં જ જેલની સજા કાપી બહાર આવ્યો છે. સંજયને જેલની સુવિધાઓ અને પરિસ્થિતિ અંગે ઘણી કડવાશ છે. સંજયે જેલમાં કાપેલ આશરે સાડા ત્રણ વર્ષ દરમિયાન ઘણી શાયરીઓ પણ લખી છે અને, કદાચ જેલવાસ દરમિયાન પડેલી મુશ્કેલીઓનો વિરોધ કરવા, એ પ્રસિદ્ધ કરવાની ધમકી પણ આપી છે. અમને પાકી માહિતી નથી કે સંજય દત્તે સ્વરચિત કવિતાઓ જેલરને સંભળાવી હતી કે નહીં, પણ એને ૧૦૨ દિવસ વહેલો છોડવામાં આવ્યો એની પાછળનો ભેદ આ પણ હોઈ શકે છે. હવે તો સંજય દત્તની કવિતાઓ પરથી કોઈ આલ્બમ બનાવે તો એ સાંભળીને જેલો તો ઠીક પણ પોલીસો ય સુધરી જાય એવું બને.

ભારત સામે પ્રોક્સી વોર ચલાવવાનો પાકિસ્તાન પર આરોપ છે. ભૂતકાળમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અને હાલમાં કાશ્મીરી આતંકવાદીઓ આશ્રય આપવાની ગુસ્તાખી કરી રહેલું પાકિસ્તાન સંગીત જેવા નિર્દોષ માધ્યમ દ્વારા ભારતમાં આવા તો અનેક હુમલા કરી ચૂક્યું છે! ભૂતકાળમાં ‘તુમ તો ઠહરે પરદેસી ...’ ગીતવાળા બેસુરા અલ્તાફ રાજા અને ‘હવા હવા એ હવા ખુશ્બુ લુટા દે ...’ ગીતવાળા હસન જહાંગીર જેવાઓનો ભારત સામે ઉપયોગ કરી જ ચૂક્યું છે. હાલમાં આતિફ અસલમ દાવ લઇ રહ્યો છે જેની ગાયકીને આદેશ શ્રીવાસ્તવ, આશા ભોંસલે અને અભિજિત જેવા સિંગર/ કમ્પોઝરો વખોડી ચૂક્યા છે. અને અમને તો પાક્કી ખાતરી છે કે પાકિસ્તાન જે અણુ બોમ્બની આપણને ધમકી આપે છે એ એમનો મહાકાય સિંગર તાહેર શાહ જ છે. ટ્વિન્કલ ખન્નાએ પણ એને ‘પર્પલ બોમ્બ’ ગણાવ્યો છે! માન્યામાં ન આવતું હોય તો યુ-ટ્યુબ ઉપર એનો ‘એન્જલ’ નામનો વિડીયો જોઈ લેજો. આપણે ત્યાં જો ઇન્કમટેક્સ ન ભરનારાને ‘એન્જલ’ વિડીયો બતાવવાની સજા નક્કી કરવામાં આવે તો બી.પી.એલ. કાર્ડ ધરાવનારા પણ ટેક્સ ભરી જાય એવો ખોફનાક વિડીયો છે! આ જોતાં અમને લાગે છે કે બ્રિટીશ લશ્કરે ભારતીય મ્યુઝીકને બદનામ કરવાને બદલે ‘મેક ઇન પાકિસ્તાન’ની ઝુંબેશ નીચે પાકિસ્તાની કલાકારોને આતંકવાદીઓ સામે સંગીતમય લડત આપવા માટે સંગઠિત કરવા જોઈએ અને તો જ એના સૈનિકો ઘરનો રોટલો ખાઈ શકશે.●

મસ્કા ફન
બોર્ડમાં સેમિસ્ટર પ્રથા બંધ થઈ.
કેટલાય શિક્ષકોએ દિવાળીના સ્વિત્ઝરલેન્ડ પ્રવાસો રદ કર્યા.

Wednesday, June 01, 2016

એન્જીનીયરીંગ એડ્મિશનની માર્કેટિંગ સ્ટ્રેટેજી


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

‘હેલ્લો... સર આપ જીજ્ઞેશના વાલી બોલો છો?’

‘હા. આપ કોણ બોલો છો?’

‘હું N.I.T.માંથી પૂજા બોલું છું. તમારા દીકરાનું થઇ ગયું?’

‘તમે શું બોલો છો તમે બેન એનું ભાન છે? હજી મારો દિકરો આજે સવારે જ બાર સાયન્સમાં ૯૨.૪ પરસેન્ટાઈલ સાથે પાસ થયો છે.’

‘બસ મેં એના માટે જ ફોન કર્યો છે. અમારી એન.આઈ.ટી. એકદમ આધુનિક સગવડો સાથેની છે અને ભણવા તથા પ્લેસમેન્ટ માટેની બેસ્ટ તકો રહેલી છે. સવારે રીઝલ્ટ આવ્યું ત્યારથી ધસારો એટલો છે કે અત્યારે બધી બ્રાન્ચોમાં બહુ જૂજ સીટો જ બાકી છે. આપના દીકરાને અમારી કોલેજમાં મુકશો તો કેરિયર બની જશે.’

‘તમારી કોલેજ NIT એટલે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી?’

‘ના. નટુભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી’

‘હેં ? એ ક્યાં આવી?’

‘સાબરકાંઠા જીલ્લાના બાયડ તાલુકાના બાપાના તગારા ગામ પાસે. પણ તમે જ્યાં રહેતા હશો ત્યાંથી તમારો દીકરો અપડાઉન કરી શકે એ માટે કોલેજ બસની વ્યવસ્થા છે.’

‘પણ હું તો બેન વાપી રહું છું!’


‘કોઈ વાંધો નહિ. એની પણ વ્યવસ્થા થઇ જશે. બીજી કોઈ પણ તકલીફ હશે તો એનું પણ અમે સોલ્યુશન આપીશું. બસ અવાજ કરો સર.’

‘કોઈ પણ તકલીફનું સોલ્યુશન આપશો?’

‘હા. કોઈ પણ તકલીફનું.’

‘મારે રોજ સવારે નહાઈ-ધોઈને આઠ વાગે નોકરીએ નીકળી જવાનું હોય છે અને એમાં મને દાઢી કરવાનો બહુ કંટાળો આવે છે. એનું કંઈ કરી આપો?’

‘અરે સર એ બધાનો ફીમાં ઇન્ક્લુડ જ છે. તમે ફી ભરો એ દિવસથી અમારો માણસ રોજ સવારે આવીને તમારી દાઢી કરી જશે એટલું જ નહિ પણ અઠવાડિયે એકવાર ફેશિયલ પણ કરી આપશે. મહિને એકવાર બે જણના વાળ કાપી આપવાનું પણ એક સેમેસ્ટરની ફીમાં સામેલ છે. લેડીઝ માટે કોલેજમાં બ્યુટીપાર્લર પણ છે. મહિનામાં એકવાર પેડીક્યોર, મેનીક્યોર અને આઇબ્રો ઇન્ક્લુડેડ છે.’

‘તો એક સેમેસ્ટરની ફી કેટલી છે?’

‘ફક્ત બે લાખ નવ્વાણું હજાર રૂપિયા... એમાં પણ EMIની સગવડ છે’

‘તમારી કોલેજના ફોટા આ નંબર ઉપર વોટ્સેપ કરી શકશો?’

‘સર અત્યારે તો કોલેજ અમારા ટ્રસ્ટની ધર્મશાળામાં ચાલે છે પણ વર્ષના એન્ડમાં પોતાના મકાનમાં આવી જશે. એક્ચ્યુઅલી જમીન એન.એ. પણ થઇ એના ગુડ ન્યુઝ અમારા સરે આજે જ આપ્યા !’

--

આ કાલ્પનિક સંવાદ છે. કોલેજ અને યુનીવર્સીટી ખોલવામાં આકડે મધ જોઈ ગયેલા આગેવાનો (શિક્ષણવિદો નહિ) એન્જીનીયરીંગ કોલેજોની મજુરી તો લઇ આવે છે, પણ રોજગારલક્ષી અભ્યાસક્રમ અને ક્વોલીટી એજ્યુકેશનનાં અભાવે અંતે સીટો ખાલી રહે છે. એટલે હવે તો રીઝલ્ટ આવતાની સાથે જ વાલીઓ ઉપર ફોન, મેસેજ, અને જાહેરાતોનો મારો શરુ થઈ ગયો છે. રેડિયો/ ટી.વી. ઉપર એન્જીનીયરીંગ કોલેજો દ્વારા પોતાના માર્કેટિંગમાં સાબુ-શેમ્પૂ વેચવા પ્રકારની આક્રમકતા જોવા મળે છે. સૌનો ઉદ્દેશ એક છે કે ઘરાક પાછો કે બીજે ન જવો જોઈએ, ભલે પછી પ્રોફિટ ઓછો થાય. તો હવે કેવા પ્રકારની જાહેરાતો અને માર્કેટિંગ ગીમિક જોવા મળશે તેની અમે કલ્પના કરી છે.

કેન્ટીનમાં બેઠા બેઠા પ્રેક્ટીકલ કરવાની સગવડ, કેમ્પસ સર્ટીફાઇડ એજન્સીઓ દ્વારા જર્નલ અને ટર્મવર્ક કરવા માટે આઉટસોર્સિંગની સુવિધા, વોટ્સેપ/મિસકોલથી હાજરી, યુનીવર્સીટી પરીક્ષા પહેલાં વોટ્સેપ પર IMP. યુનિવર્સીટી મેનેજમેન્ટ ગ્રુપનાં મલ્ટીપ્લેક્સમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટીકીટો 50% ડિસ્કાઉન્ટ તથા મેનેજમેન્ટ દ્વારા ફાઈનાન્સ થયેલી ગુજરાતી અર્બન ફિલ્મમાં ચમકવાની તક.

આપણી ઇન્સ્ટીટયુટનું કેમ્પસ બધી જ મોડર્ન એમીનીટીઝ ધરાવે છે જેવી કે સારી બ્રાન્ડ્સનાં ફૂડ આઉટલેટ્સ. બધી જ જાણીતાં પીઝા, વડાપાઉં, સેન્ડવીચ, દાબેલીનાં આઉટલેટ તેમજ કોફી શોપ્સ કોલેજ કેમ્પસ પર, જેમાં આપણી ઇન્સ્ટીટયુટનાં વિદ્યાર્થીઓને માટે ખાસ ડિસ્કાઉન્ટ. આ ઉપરાંત જીમ, મીની થિયેટર, ગેમિંગ ઝોન, સેલ્ફી ઝોન, ફ્રી વાઈફાઈ-પાસવર્ડ સહિત,

ગ્રુપ ડિસ્કાઉન્ટ. એક સાથે પાંચ વિદ્યાર્થીનાં ગ્રુપ એડમિશન પર ફીમાં ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો પ્રોસેસિંગ ફી અને સરળ હપ્તાની સગવડ એ પણ ગેરંટર વગર. પાસ થયા પછી બે વર્ષ સુધી નોકરી ન મળે તો ફીમાં સમાવેશ ઇન્સ્યોરન્સ કવરેજ અંતર્ગત અનએમ્પ્લોયમેન્ટ એલાવન્સ આપવામાં આવશે. શહેરની જ બીજી જાણીતી સારી કોલેજના પ્રોફેસરો દ્વારા ચાલતા કલાસીસની ફીમાં ૧૦ થી ૨૫% જેટલું ડિસ્કાઉન્ટ આપણી કોલેજનું આઈ કાર્ડ બતાવવાથી મળશે.

તો આપના સંતાનના ગમે તેટલા ટકા હોય એની ડીગ્રીની ચિંતા અમારા ઉપર છોડી દો. નીચે જણાવેલા નંબર પર મિસ કોલ કરવાથી અમારા પ્રતિનિધિ તમારા ઘેર આવી એડ્મિશનની કાર્યવાહી કરી જશે.

મસ્કા ફન
ભારતમાં પારસીઓ જેમ દુધમાં સાકરની જેમ ભળી ગયા હતાં એમ અમદાવાદમાં વાહનચાલકો ટ્રાફિકમાં જગ્યા ન હોય તો પણ ભળી શકે છે.