| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૮-૦૭-૨૦૧૩ | અધીર અમદાવાદી |
અમુક લોકો એવું માને છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીના કારણે થશે. અમે એવું
નથી માનતા જો કે. અમને લાગે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ પહેલાં બેની જેમ
મૂર્ખાઓને કારણે થશે. એ થશે ત્યારે જોયું જશે, પણ મુદ્દાની વાત પાણી છે. આ પાણી ન
હોય તો પણ સમસ્યા છે અને હોય તો પણ સમસ્યા છે. કેદારનાથમાં જોયું એમ પાણી વિનાશ
સર્જે છે. શહેરમાં પણ પાણી ટાંકીમાં ભરાય ત્યાં સુધી જ ગમે છે, જેવું એ રસ્તા ઉપર
ભરાય એટલે ભલભલા રઝળી પડે છે.
ગણિતમાં તર્ક ભણવામાં આવતું હતું. એમાં પ્રતીપ વિધાન આવતાં. જેમ કે વરસાદ પડે એટલે
રસ્તા ભીનાં થાય,
પણ રસ્તા ભીનાં હોય એટલે વરસાદ પડ્યો હોય એવું જરૂરી નથી. અહિં મૂળ વિધાનનું પ્રતીપ
વિધાન સત્ય નથી. કોઈ પણ શહેરમાં પાણીની ભંગાર પાઈપલાઈનોને કારણે બારેમાસ લીકેજ
થતાં હોય છે. એપાર્ટમેન્ટની ટાંકીઓ ઓવરફ્લો થાય એટલે રોડ સુધી પાણી પહોંચે. આમ, રોડ
ભીનાં હોય એ વરસાદ પડ્યો હોવાની સાબિતી નથી. પણ એટલું તો નક્કી જ છે કે વરસાદ પડે
એટલે રસ્તા ભીનાં થાય અને ચોમાસું જયારે પોતાની જાત બતાવે અને બે-ચાર કલાકમાં
પાંચ-દસ ઈંચ વરસાદ એકાદ શહેર પર ખાલી કરી દે એટલે આખું શહેર પાણી પાણી થઈ જાય. પછી
એ પાણી દોસ્તની જેમ નાઈટ સ્ટે પણ કરે. સંબંધીની જેમ બે ચાર દિવસ ભરાયેલું પણ રહે. અમુકવાર
સાસુની જેમ અઠવાડિયું પંદર દિવસ પણ કાઢી નાખે!
વરસાદમાં પાણી ભરાય એટલે રોડ કોન્ટ્રકટરોએ કેવું કામ કર્યું છે તેની કુદરતી
રીતે ચકાસણી થઈ જાય છે. સરકારી કે મ્યુનિસીપલ ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓ કે
એમણે રોકેલા કન્સલ્ટન્ટશ્રીઓને જે ન દેખાયું હોય એ બધું વરસાદ દેખાડે છે. નાના
નાના ખાડા, રખડતી કપચી, ટાયર ચાલવાની જગ્યાએ પેટા-નહેર, મોટા ખાડા, ખાબોચિયા, ગાબડાં,
ભૂવા જેવી અનેક વિવિધતા ધરાવતી ક્ષતિઓ વાહનચાલકને ભૂમિગત કરવા સક્રિય થાય છે.
લાવારસ, ભૂકંપ જેવી ઘટનાઓ કુદરતી રીતે થાય, પણ ચન્દ્ર પરથી જે દેખાય એવા ખાડાઓ
સર્જવાનો શ્રેય તો કોન્ટ્રક્ટરોને જ આપવો પડે. એમાં અમે કોઈનું સાંભળવાના નથી. જોકે
કોન્ટ્રાક્ટર વહેંચીને ખાવામાં માને એટલે એ આ શ્રેય પણ પાલિકા અધિકારીઓ સાથે
વહેંચી લે તો કહેવાય નહી.
બધાને ખબર છે કે મચ્છરો પાણી ભરાયા હોય એમાં બ્રીડ થાય છે. મચ્છરો થાય એટલે
મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યુ જેવા રોગ થાય જેનાથી ફાર્મા કંપનીઓ અને ડોક્ટરોને
રોજીરોટી મળે છે. ચોમાસું આવે એટલે ડોક્ટરોની સીઝન બેસે છે. અ ઉપરાંત મચ્છરોથી
બચવા જાતજાતની દવાઓ, મચ્છર કરતાં વધારે ત્રાસ આપતી ક્રીમ અને અગરબત્તીઓ, અને
ઇલેક્ટ્રિકથી ચાલતાં મોસ્કવીટો રીપેલન્ટ વેચાય. આ રીપેલન્ટ આખી રાત મચ્છરોને દૂર રાખે
કે નહી, નાઈટ લેમ્પનું કામ ચોક્કસ કરે છે. અમુક લોકોને આ રીપેલન્ટ ચાલુ હોય એટલે
મચ્છર નહી આવે એવી માનસિક ધરપત થવાથી સરસ ઊંઘ પણ આવે છે.
ચોમાસામાં પાણી ભરાય અને એમાંથી વાહનચાલકો રુમઝુમ કરતાં નીકળે એટલે જે ચાલતાં
જતાં હોય એમનાં કપડાં ઉપર કીચડ ઉડે છે. આમ છતાં ડામર કે કોન્ક્રીટના પાકા રોડ ઉપર
કીચડ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન અસ્થાને છે. કપડાં ઉપર કાદવ કીચડ ઉડે એટલે એ ધોવા પડે
છે. આમ, જે કપડા પરસેવાગ્રસ્ત થવા છતાં ધોવાતાં નથી એ કપડાં પાણી જોવા પામે છે. આમ
કપડાં ધોવાનો પાવડર વધારે વપરાય અને ડ્રાય ક્લીનીંગના ધંધામાં પણ તેજી આવે છે. જોકે
જાહેરાતો વાંચીને ખરીદેલા અમુક તમુક પાવડર વાપરવાથી કપડામાં એવી સફેદી આવે છે કે
તમે ચોંકી ઉઠો કે ‘લો, આ શર્ટ ધોયું છે કે નહી?’
વરસાદમાં ભરાયેલા પાણીમાંથી વાહન કાઢીને જવું એ અમુક માટે મજબૂરી હોય છે.
એકવાર ઘૂસ્યા પછી પાછું વળાય નહી. તો અમુક માટે એ બહાદુરીનું કામ હોય છે. બીજાં
દિવસે ઓફિસમાં કહી શકાય કે ‘કાલે તો મેં ઢીંચણ સમાન પાણીમાં બાઈક કાઢ્યું,
એક્સીલેટર રેઈઝનું રેઈઝ રાખીને ભમભમાવીને નીકળી ગ્યો’. લોકો પાછાં અહોભાવથી જોઈ
રહે. ‘એમ?’ કોઈ કાચાપોચા હ્રદયવાળો કહે કે ‘હું તો પાણી જોઈને પાછો વળી ગયો, તે પાંચ
કિલોમીટરનું વધારાનું ચક્કર કાપીને છેક નવ વાગે ઘેર પહોંચ્યો’ ત્યારે આપણી છાતી
કેવી ગજગજ ફૂલે? પણ જો બધી સ્ટોરીઝ સક્સેસ સ્ટોરીઝ હોય તો લોકો અનુભવ શેમાંથી લે?
એટલે અધવચ્ચે વાહન બંધ પડે. પછી ગંદા પાણીમાં બુટ પહેરીને વાહન ખેંચવું પડે. બહાર
નીકળી, કોકની મદદ લઈ, આગળના પૈડાથી પકડી ઊંચું કરવું પડે, સાઇલેન્સરમાંથી પાણી
નીતારવા. પછી બસો ત્રણસો કીક મારવી કે મરાવવી પડે. એમાં સ્કુટીને કીક મારનાર મળે
પણ બાઈકને કીક મારનાર ભાગ્યે જ મળે!
જેમણે 'ગ્રેટ ગેમ્બલર' ના 'દો લફઝો કી હૈ...' ગીતમાં અમિતાભ-ઝીન્નતને
તરતા ગોન્ડોલામાં (ઇટાલીયન શિકારો!) વેનિસની ગલિયોની સહેલ કરતા જોઈને જીવ બાળ્યો હશે,
એમને મુનસીટાપલીવાળા ચોમાસામાં વેનિસની સહેલ કરવાનો મોકો આપે છે. પણ બધી મઝા એમના
ગોન્ડોલા બોલે તો બાઈકના ભૂંગળામાં પાણી ન ભરાય ત્યાં સુધી જ. એકવાર ભૂંગળું
અન્ડરવોટર થયા પછી એમણે ધક્કા મારવાવાળા સાથે 'આમોરે મીયો...' ગાવાનું રહે છે. એટલું
સારું છે કે વરસાદમાં
વાહન બંધ પડે એટલે ધક્કા-માર ગેંગ ક્યાંકથી ઉતરી આવે. એમની ગેંગમાં સેમી-મિકેનિક
પણ હોય જે પ્લગ અને કાર્બ્યુરેટર સાફ કરી આપે. અફકોર્સ, રૂપિયા લઈને! અમારા
અમદાવાદમાં તો એવી વાયકા છે કે અખબારનગર અન્ડરપાસમાં ફસાયેલા વાહનોને ધક્કા
મારનારાઓએ આજબાજુમાં ફ્લેટ લઈ લીધાં છે. ફ્લેટમાં બેઠાં બેઠાં એ લોકો પાણી વધે
એનાં પર નજર રાખતા હોય છે. ખરેખર આપણા દેશમાં બેરોજગારી એ સમસ્યા જ નથી! ચોમાસામાં
તો નહીં જ.