Wednesday, January 31, 2018

વિષ્ણુ ભગવાનને ખુલ્લો પત્ર



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૧-૨૦૧૮

પ્રિય વિષ્ણુ ભગવાન,

તમે સૃષ્ટિ ચલાવો છો એવું અમારી જાણકારીમાં છે. પરંતુ અમારી ફરિયાદ છે કે તમે એ બરોબર નથી ચલાવતા. ખાસ તો આજકાલ ઋતુઓમાં કોઈ ભલીવાર જણાતો નથી. આ વર્ષે અમેરિકામાં બરફના તોફાનો આવી ગયા, પરંતુ તમારા નિવાસી ભક્તો જ્યાં રહે છે તે ભારતમાં ઠંડી બરોબર પડી નથી. અમારા શહેરમાં ભર શિયાળે હજુ ઘણા લોકો ખીસાની બહાર હાથ રાખીને અને આન્ટીઓ સ્કાર્ફ વગર ફરે છે. અત્યારે તો ભોગેજોગે સ્વેટર પહેરીને નીકળનાર લોકો રણપ્રદેશમાં ફરતા એસ્કીમો જેવા લાગે છે. બીજી તરફ ઉનાળામાં કરા પડે છે બોલો! નવરાત્રીમાં વરસાદ માતાજીના પ્રોગ્રામમાં ભંગ પડાવે છે છતાં મહાદેવજી તમને કંઈ કહેતા નથી? બીજું કંઈ નહિ પણ અમારા ખેલૈયાઓ લપસી પડે છે અને આયોજકોને નવરાત્રીના ધંધામાં કરોડોનું નુકસાન પણ થાય છે એ તો જુઓ! ડીસેમ્બરના લગનગાળામાં માવઠા થાય છે એમાં ઇવેન્ટ મેનેજમેન્ટવાળા અને ફરાસખાનાવાળા પણ ધંધો ભાળી ગયા છે! મસ્ત ટૂંટિયુંવાળીને સુવાની ઋતુમાં પ્રજા જમરૂખ એટલેકે શાહરૂખની જેમ હાથ પહોળા કરીને સુઈ જાય છે એ જોઇને અમોને તો કડકડતું લાગી આવે છે. અને એટલે જ અમે આ પત્ર લખી તમોને અવગત કરવા માગીએ છીએ કે તમારાથી સૃષ્ટિનું સુપેરે સંચાલન ના થતું હોય તો સ્વર્ગના પીપીપી બેઝ પર ટેન્ડર કરીને જેની અટકમાં ‘અણી’ આવતું હોય એવા કોઈ ઉદ્યોગપતિને સોંપી દો. આ તો જસ્ટ સજેશન છે, બાકી અમારા રજની સરને કહીશું તો એક ફૂંકમાં બધું ઠંડુ કરી દેશે!  

આ ડિસેમ્બર પૂરો થવા આવ્યો. હજી સુધી તારીખ જોઇને સ્વેટર પહેરતી પ્રજાને બાદ કરતા કોઈએ સ્વેટર કાઢ્યા નથી. અમુકને ત્યાં તો સ્વેટર હજુ ધૂળ ખાય છે. સ્વેટરને જીવાત કાતરી ના ખાય એ માટે પેટીમાં રાખેલી ડામરની સફેદ ગોળીઓને એનાથી લખોટી રમવા માંગતા છોકરાંથી બચાવીને વોશબેસિનમાં નાખી દીધી હોય પછી એ સ્વેટર પહેરવાનો વારો જ ના આવે, ત્યારે કેટલી ખીજ ચઢે? ઠંડીથી ડરતા અમુક લોકો તો પાછા ગોદડા જેવા જેકેટ ખરીદતા હોય છે! અત્યારે શહેરોમાં રહેવાને જગ્યા નથી ત્યાં આવા જેકેટ આખું વરસ સંઘરી રાખ્યા હોય અને શિયાળામાં એની જરૂર જ ન પડે ત્યારે તો ગમે તેને લાગી આવે દીનાનાથ!

અમારી ઓફીસ પાસે જ્યુસ વેચતો રામખિલાવન અત્યારે શિયાળામાં શેરડીનો રસ કાઢતો જોવા મળે છે! ઉનાળામાં બરફ ગોળાની લારી કરતો શાકવાળો કાળુ આ વખતે ઉત્તરાયણ પર ગોળાની લારી લઈને આવ્યો હતો! શિયાળામાં ‘મને શરદી છે’ કહીને સોફ્ટડ્રીંક પીવાની ના પાડનારા મહેમાન સામે ચાલીને આઈસ્ક્રીમ માગીને ખાય છે! બપોરે પડતી ગરમીના કારણે લોકો આદુવાળી ચા છોડીને રસ-શરબત પીવા લાગશે તો અમદાવાદની કટિંગ ચા સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જશે એવું પણ અમારા જેવા ઘણા ચિંતકોને લાગે છે. ઉત્સાહમાં ‘શિયાળામાં સૂપ ભલો’ એવું કહેનાર મોડર્ન કવિ અને એ દુહાને શેર કે રીટ્વીટ કરનારાને આઘાત લાગે એવો માહોલ છે. ગરમીને કારણે સાંજે ઘરઘરમાં ભરપુર ખાંડ નાખેલા પ્યોર ગુજરાતી ટોમેટો સૂપ કોઈ પીતું નથી, અને એ કારણસર ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકી દેવા પડે તે કેમ ચાલે પ્રભુ?

શિયાળામાં મોર્નિંગ વોક કરવાનો મહિમા છે. અમદાવાદના લો ગાર્ડનમાં તો શિયાળામાં ચાલનારના ટ્રાફિકને કન્ટ્રોલ કરવા ટ્રાફિક માર્શલ રાખવાનું આ વર્ષે મુનસીટાપલીએ બજેટ ફાળવ્યું છે ત્યારે, જો ઠંડી જ ન પડે તો ચાલવાનો ઉત્સાહ ક્યાંથી આવે? વળી નવા વર્ષમાં રોજ સવારે ચાલવા જવાના નિર્ણયો ‘પુરતી ઠંડી નથી એટલે મઝા નથી આવતી’ જેવા કારણોસર તૂટી જાય તેમાં ગુજરાતની પ્રજાનો શો દોષ? અત્યારે તો શિયાળામાં જોગીંગ માટે ખાસ ખરીદેલા બુટ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ અમારા કામવાળા જ પહેરશે એવું લાગે છે ગિરધારી!

આ બાજુ ગૃહિણીઓએ પોતાના પતિ અને બાળકો આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટે દિવાળી પછી અડદિયા, મેથીપાક અને સાલમપાક બનાવી રાખ્યા છે એમની મહેનતની તમને કંઈ કિંમત જ નથી? સીઝન વગર ખાધેલા વસાણા ગરમ પડશે તો? કહેતા હોવ તો આબુમાં ઠંડી પડે છે તો ત્યાં જઈને અડદિયાના ડબ્બા ખોલીએ. જોકે આ સિઝનમાં ફેસબુક ઉપર આબુમાં ચેક-ઇન કરીએ તો લોકો ‘અમારા વતી પીતા આવજો’ કે પછી ‘અમને મુકીને એકલા એકલા?’ એવી કોમેન્ટો આવે એટલે અમે નથી જતા.

હવે આમારી અમદાવાદી સ્ટાઈલ મુજબ મૂળ વાત પર આવીએ. કોઈ વચલો રસ્તો કાઢો ને પ્રભુ! કહેતા હોવ તો જેમ તમારા સ્ટાફના વરુણદેવને રીઝવવા માટે પાણી ભરેલા તપેલામાં બેસીને યજ્ઞ કરવામાં આવે છે એમ ઠંડી માટે બરફની લાદી પર કોકને બેસાડીને યજ્ઞ કરાવીએ. એટલું ઓછું હોય તો વરસાદ માટે પાટલા પર કાદવનો મેહ બેસાડીને મેવલો ગાતા ગાતા નીકળીએ છીએ એમ બરફના છીણના સ્નોમેનને ઉચકીને ‘જિંગલ બેલ્સ ...’ ગાતા નીકળીએ. કહો તો વરસાદ માટે દેડકા-દેડકીના લગ્ન કરાવીએ છીએ એમ શિયાળામાં ગુજરાતમાં ઉતરી પડતા યા-યા બોલતા વિદેશી પક્ષીઓને પરણાવીએ. એને તમે ન ગણતા હોવ તો પાંખવાળા સાચા યાયાવર પક્ષીઓના લગન કરાવીએ. તમે કહો એ કરીએ માધવ, પણ અમારા ટ્રેકસુટ, બુટ, સ્વેટર, વસાણાનો ખર્ચો માથે ન પડે એ જોજો! અને છેલ્લે આજીજી ભરી વિનંતી કે શિયાળો ફેઈલ ગયો છે, તો હવે ઉનાળો પણ એકદમ માફકસર કરી નાખજો. અમદાવાદમાં રાત્રે ૨૨-૨૩ ડીગ્રી અને દિવસે ૩૨-૩૩ ડીગ્રી. ભૂલાય નહિ. અસ્તુ.

લિ. અમદાવાદીઓ

મસ્કા ફન


બધા જ ભાવનાને સમજી શકે છે, સિવાય કે ભાવનાનો હસબંડ.

Wednesday, January 24, 2018

અંદર અને બહારનો બાળક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૧-૨૦૧૮

સન ૧૯૪૦માં બનેલી અશોક કુમારની ફિલ્મ 'બંધન'માં શિક્ષકના રોલમાં ચરિત્ર અભિનેતા અને કોમેડિયન વી એચ દેસાઈ હતા. એ ફિલ્મમાં એમનો તકિયા કલામ હતો ‘બાલક બંદર એક સમાન’. સંતો પણ કહે છે કે મન મર્કટ છે. ટૂંકમાં બાળકો વાંદરા જેવા હોય છે અને મન પણ વાંદરા જેવું હોય છે આ બંનેને જોડીને એવું કહી શકાય કે દરેક વ્યક્તિની અંદર એક વાંદરા જેવું બાળક રહેલું હોય છે જે બહાર આવવા મથતું હોય છે.

એવું કહેવાય છે કે તમે ઘરડા થાવ એટલે જિંદગી માણી શકતા નથી એ સાચું નથી, તમે જિંદગી માણવાનું બંધ કરો એટલે તમે ઘરડા થાવ છો. પણ ઘણા જનમ ઘરડા હોય છે. જે એકદમ કડક નિયમો અનુસાર જીવતા હોય છે અને બીજાએ પણ એમ જ જીવવું જોઈએ એવું માનતા હોય છે. ‘જમતી વખતે ન બોલાય’, ‘ટીવી જોતી વખતે ન ખવાય’, ‘ફરવા રવિવારે અને વેકેશનમાં જ જવાય ઇત્યાદિ’. આવા લોકોમાં રહેલું બાળક સિઝેરિયન કરીને પણ બહાર લાવી શકાતું નથી. જયારે સામેની બાજુ એવી નોટો મળી આવે છે જેમાં રહેલું બાળક અધૂરા માસે નોર્મલ ડિલીવરીથી બહાર આવવા લાતો મારતું હોય. બાળક એ છે જે ગધેડાને લાત મારવાની, બિલાડીને મ્યાઉં અને વાંદરાની સામે દાંતીયા કરવાની ચેષ્ટા કરે. અમારા કહેવાનો મતલબ એ નથી કે તમારે ઉંમર કરતા નાના દેખાવવા આવું બધું જ કરવું, પરંતુ બિલાડી તમને મ્યાઉં કરે અને તમે એની સામે મ્યાઉં પણ ન કરો તો એમાં તમારામાં બિલાડી દાક્ષિણ્યનો અભાવ છે એવું તો જરૂર કહેવાય!

બાળકો ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ હાથમાં લાગે ત્યાં સુધી નિર્દોષ જ હોય છે. તમે કદરૂપા દેખાતા હોવ તો બની શકે કે તમારા મિત્રો તમને ખુશ રાખવા ખોટા વખાણ કરે કે તમારા ફોટા લાઈક કરે. પણ જો બાળક તમને કહે કે ‘આંટી, આ ડ્રેસમાં તમે ફની લાગો છો’, તો માની લેવાનું! બાળકો એટલા નિર્દોષ હોય છે કે એ ગમે તેના ખોળામાં જઈને બેસી જાય. ઘણીવાર તો આપણને ઈર્ષ્યા પણ થઈ આવે! સાચે. અમારા એક એન્જીનીયર મિત્રને તો કૂતરાની ઈર્ષા આવતી! એ કોઈ સુંદર કન્યાને કુતરાને ફેરવવા લઈ જતો જોવે તો નિસાસો નાખતો કે સાલું કૂતરાને પણ માથે પ્રેમથી હાથ ફેરવનારું કો’ક છે! અલ્યા તું ખાલી લાળ ટપકાવવાનું બંધ કરીને થોડી વફાદારી દેખાડ, તો આપોઆપ હાથ ફેરવનારી મળશે. પણ આપણે આપણી ઈચ્છા વગર મોટા થવું જ પડે છે.

અમે એક ટીવી એડ જોયેલી. એમાં રોડ પર ફૂટબોલ રમતા છોકરાંઓએ ઉછળેલો બોલ એક સુટેડ-બુટેડ બિઝનેસમેનના પગ આગળ પડે છે અને એ એક સેકંડ માટે બીજું બધું જ ભૂલીને એને કિક મારી દે છે. પણ આવું કરતા આપણે અચકાઈએ છીએ. આમાં તબિયત કે લોકલાજને કારણે ઉંમર વધવાની સાથે આ વૃત્તિ પર બળજબરીથી બ્રેક મારવામાં આવે છે. ગલી ક્રિકેટ રમતા દરેકને આવા લોકો મળ્યા હશે. તમે શોટ મારો અને બોલ જઈને દૂર પડે ત્યાં શોલેના ઠાકુર જેવા એક કાકા ઓટલા પર કે સ્કુટર પર બેઠા હોય, જે પગ પાસે પડેલા બોલ સામે જોયા કરશે પણ ઉઠાવીને આપશે નહીં. જેનામાં બાળક જીવતું હોય એ કમસેકમ હાથ તો લાંબો કરે જ. ઠાકુરની તો મજબૂરી હતી, પણ બકા તારી મજબૂરી એ છે કે તું અકારણ બુઢ્ઢો થઈ ગયો છે! મહાનાયક અમિતાભ સીટી મારે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોઈ બાળકનો કાન ખેંચે કે ક્યાંક ઢોલ વગાડવા લાગી જાય, એ વ્યક્તિની અંદર એક બાળક જીવંત હોવાનો પુરાવો છે, બાકીના લોકો હોદ્દાના ભારમાં વગર ઘડપણે ઝુકી જાય છે.

જોકે તમારી અંદરના બાળકને જગાડવા માટે તમારે અંગુઠો ચૂસવાની કે ટોય કાર લઈને લોકોના બે પગ વચ્ચેથી વોં વોં કરતા નીકળવાની જરૂર નથી. એ સ્વાભાવિક અને સહજ રીતે આચરણમાં આવવું જોઈએ. પણ મોટી ઉંમરે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તમને કોઈ ટાલિયાના માથામાં હાથ ફેરવવાનું કે ટપલી મારવાનું મન થાય કે ભર બપોરે કોઈના ઘરનો ડોરબેલ વગાડીને એમને જગાડવાનું મન થાય તો લાગ અને ભાગવાની તક જોઈને સાહસ કરવું. પત્ની બેચલર્સ પાર્ટી માટે ના પાડે તો ભેંકડો તાણી નહિ શકો. કેટલુંક કરતા તમને તમારું શરીર રોકશે. દાખલા તરીકે જેમના પગમાં વાની તકલીફ હોય એ લોકો લંગડી કે સાતતાલીમાં તરત આઉટ થઇ જશે અને માથે દાવ આવી જશે. આવા લોકો કો’કની ગાડી કે એકટીવામાંથી હવા કાઢવાની, કૂતરાને અમસ્તા દોડાવવાની કે લંગસીયા લડાવવાની પ્રવૃત્તિ કરી શકે. છેવટે મોબાઈલ પર લુડો અને સાપ-સીડીની ગેમ ડાઉનલોડ કરીને ચાર ડોહા ભેગા થઈને રમી શકે. માજીઓ ભેગી થઈને અંતકડી, પાંચીકા કે અડકો દડકો રમીને ભૂતકાળ તાજો કરી શકે. ઢીંચણ રિપ્લેસ કરાવ્યા પછી ડોક્ટરે છૂટ આપી હોય તો પગથિયાં અને નદી કે પહાડ પણ રમી શકે. નિર્દોષ તોફાન મસ્તી કરવા માટે કોઈ બહાનું શોધવાની જરૂર નથી. તમે તમારું બાળપણ ફરી જીવી શકો એ માટે જ તમને કંપની આપવા ઈશ્વર તમારા ઘરમાં પૌત્ર-પૌત્રીઓ મોકલે છે. તમારે માત્ર એમની સાથે એમના જેવા બની જવાનું રહે છે. લોકો ભલે કહેતા હોય કે મૃત્યુ પછી પણ જીવન હોય છે પણ ભૂત થયા પછી બાળક નહિ બની શકો, ભૂત બનવા કરતા બાળક બનવામાં મજા છે.

મસ્કા ફન

‘રાહુલ તારું રીપોર્ટ કાર્ડ ક્યાં છે?’

‘રીઆન લઇ ગયો’

‘કેમ?”

‘એના પપ્પાને બીવડાવવા’.

Wednesday, January 17, 2018

શોભાના ગાંઠિયા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૭-૦૧-૨૦૧૮

ડાયટીંગ કરનાર જાણે છે કે સલાડ (ઓકે, સેલડ) કેટલી વાહિયાત વસ્તુ છે. એમાં ઉપરથી ડ્રેસિંગ થાય એટલે એનાં ટેસ્ટમાં કોઈ ફેર ન પડે, માત્ર ઉપાડ વધી જાય. પણ પછી એ ડિઝાઈનર બીટ અને ગાજર ડીશમાં જ રહી જવા પામે છે. ઘણાં લોકો સલાડ પરના આ ડ્રેસિંગ જેવા હોય છે. નકામા, નિરુપયોગી, નિરુદ્દેશ, નિષ્કારણ અને નિરર્થક. આવા લોકોની તારીફમાં શોભાના ગાંઠિયા શબ્દ પ્રયોગ થાય છે. એકતા કપૂરની મમ્મી શોભાના બાબા તુસ્સારે પણ શોભાના ગાંઠિયા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ સંદર્ભમાં શોભાના ગાંઠીયા તુસ્સારની બહેન એકતાને શોભાની ચટણી પણ કહી શકાય. આવા સ્ટાર સંતાનને બાદ કરતાં શોભાના ગાંઠિયાઓ પતિ, કલીગ, બોસ, બનેવી, નોકર, જેવા અનેક સ્વરૂપે પણ મળી આવે છે. 

શોલેમાં સાંભા એ શોભાનો ગાંઠિયો હતો. ગબ્બર વારેઘડીએ ઊંચા ખડક પર બેઠલા એના ચમચા સાંભાને પૂછતો કે આજકાલ સરકારે મારા માથા પર કેટલું ઇનામ રાખ્યું છે? અને સાંભા જેતે દિવસનો હાજર ભાવ જણાવતો. આ સિવાય સાંભો આખી ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલે છે અને એક ગોળી છોડે છે, છતાં સરકારી કર્મચારીની જેમ પૂરો પગાર લે છે. અંદાઝ અપના અપના ફિલ્મમાં રાબર્ટ અને ભલ્લા બંને પણ શોભાના ગાંઠીયા હતા જ અને એટલે જ તેજા એક વાર બોલી જાય છે કે ‘સાલે દસ દસ હજાર કા સુટ પહનતે હૈ લેકિન અકલકી અઠન્ની પણ ઇસ્તમાલ નહિ કરતે.’ આ ઉદાહરણો તો ફિલ્મી થયા; સમાજમાં પણ આ પ્રકારના લોકો જોવા મળે છે.

‘કામ કા ન કાજ કા દુશ્મન અનાજ કા’ - આ હિન્દી કહેવત મુજબના લક્ષણો ધરાવતા દાગીનાઓ શોભાના ગાંઠિયાની જનરલ કેટેગરીમાં આવે. આપણે ત્યાં ગૌરી વ્રત વખતે કુમારિકાઓ ગાતી હોય છે કે ’ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો...’. પણ આજકાલ ચકો-ચકી બંને દાણા લેવા જતા હોઈ કહ્યાગરો ઉપરાંત કામગરો અને કામણગારો કંથ શોધવાનો ઉપક્રમ છે, જે ભાગ્યે જ કોઈને મળે છે. મોટેભાગે તો જે કામણગારા હોય એ કામગરા નથી હોતા અને તત્ત્વત: જે પુરુષ કામણગારો હોય, પણ કામગરો ન હોય એને શોભાનો ગાંઠીયો જ કહેવાય. આવા શોભાના ગાંઠીયા નથી ઘરકામમાં મદદ કરતા કે નથી એવી નક્કર કમાણી કરતા. એમના હોવા ન હોવાથી કોઈને ફરક પણ પડતો નથી. જડ વસ્તુની જેમ એ લોકો આ પૃથ્વી ઉપર માત્ર જગ્યા રોકતા હોય છે. ઇંગ્લીશમાં એક શબ્દ છે – glibness, જેનો એક અર્થ થાય છે સામાવાળાને ખુશ કે પ્રભાવિત કરવાની આતુરતા; શોભાના ગાંઠિયા પોતાનો કરતબ અજમવવા કાયમ તત્પર હોય છે. અને પારંગત એટલા કે પાર્ટીમાં આવેલી મહિલાઓને ખાતરી થઇ જાય કે નક્કી એમની સહેલીએ એમનાથી ખાનગીમાં મહાદેવજીને કોહીનુર બાસમતી ચોખાની આખી ગુણ ચઢાવી હશે. આ ગાંઠીયામાં કેટલો સોડા છે એ જાણતા આ મહિલાઓના પતિદેવોને પણ ફડક રહે કે કયાંક રાંધવા, સાંધવા અને સંજવાળવાના કામમાં આપણો નંબર ના લાગી જાય. એમનાં ગયા પછી ગાંઠિયો પાછો ટીવી પર ચોંટી જતો હોય છે. રીમોટ એનાં હાથમાંથી છૂટતું નથી. કવચિત છૂટે તો રિમોટનું સ્થાન મોબાઈલ લે છે. આવા પુરુષ ધ્રુવના તારા જેવા હોય છે, જે ઘરમાં જુદાજુદા સમયે અને જુદી જુદી જગ્યાએથી જોવા છતાં એક જ સ્થાને-સોફા ઉપર- બિરાજેલા જણાય છે. આવી જોડીઓમાં પતિ શોભાનો ગાંઠિયો હોય અને પત્નીનો સ્વભાવ તીખા મરચાં જેવો હોય પછી છોકરાં ચટણી-સંભારા જેવા જ હોય! તો પણ આવી ડેશિંગ ડીશો જ્યુબીલીઓ ખેંચી કાઢતી જોવા મળે છે.

અમુકને પરાણે શોભાના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. જેમ કે આપણે ત્યાં બનેવી કે જમાઈને માન આપીને ઉંચે બેસાડવાનો રીવાજ છે. વર્ષોથી એમની સેવા પણ કરવામાં આવે છે અને એમનો પડ્યો બોલ ઝીલવામાં આવે છે. પ્રસંગોએ એમણે ખિસામાં હાથ નાખીને ઊભા રહેવાનું હોય છે તોયે ચાર જણા આવીને એમને ખુરશીનું પૂછી જશે. પાર્ટી બરોબરનું દાબીને બેઠી છે એવી ખબર હોવાં છતાં ચાર જણા આઠ વખત ‘તમે જમ્યા કે નહી’ એવું પૂછી જશે. પણ બધા આ સરભરાને લાયક હોતા નથી. આમાંને આમાં ઘણા છછુંદરો માથામાં ચમેલીનું તેલ નાખતા થઇ જાય છે. જોકે આપણા સમાજમાં સાસુ નામની સંસ્થા આવા છછુંદરોને ઠેકાણે કરી જ દેતી હોય છે, પણ એની ય એક લીમીટ હોય છે. કુલ મિલાકે હાલ યે હૈ કી જમાઈ દીકરા જેવા અને દીકરા જમાઈ જેવા થતાં જાય છે. ટૂંકમાં બેઉ નકામાં થતાં જાય છે.

ધારોકે તમારા ભાગે શોભાનો ગાંઠિયો આવી જ ગયો હોય તો તમે શું કરો? શોભાના ગાંઠીયા કંઈ ચટણી જોડે ખાઈ શકાતા નથી કે નથી શોભાના ગાંઠીયાનું શાક બનાવી શકાતું. તો શું થઇ શકે? આ સવાલ જેટલો મોટો છે એટલો જ એનો જવાબ આસાન છે. પહેલાં તો એ ચેક કરો કે ગાંઠિયો રંગે રૂપે કેવો છે? જો એમાં મીનીમમ પાંચમાંથી અઢી કે ત્રણ મિર્ચી આપી શકાય એમ હોય તો એને મોડેલીંગમાં ગોઠવી દો. એમાં ચાલી જશે કારણ કે એ આખો ધંધો જ ‘બાંધી મુઠ્ઠી લાખની’ના સિદ્ધાંત પર ચાલે છે. એમાં બોલવાનું નથી હોતું પણ ફક્ત બની ઠનીને બેસવાનું હોય છે જેમાં આપણા ગાંઠીયાઓ એક્સપર્ટ હોય છે. દીપક પરાશર અને અર્જુન રામપાલ નભી ગયા તો તમારા ગાંઠિયાએ શા પાપ કર્યા છે તે રહી જશે?

મસ્કા ફન
લેંઘાની બે બાંયો એક જ માણસના બે પગને જુદા કરે છે.
જયારે લુંગી દેશની એકતાની ભાવનાની પોષક છે.

Wednesday, January 10, 2018

ઉત્તરાયણમાંથી બોધપાઠ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૦-૦૧-૨૦૧૮

અમે તો માનીએ જ છીએ કે જિંદગીમાં દરેક વ્યક્તિ પાસેથી અને દરેક પ્રસંગમાંથી કૈંક શીખવા મળે છે. ઉત્તરાયણ તહેવાર અને એની ઉજવણીની પદ્ધતિમાંથી પણ ઘણું શીખવા મળે છે. આ રહ્યા ઉત્તરાયણના બોધપાઠ.

વિદ્યાર્થીઓ: પરીક્ષામાં ટેક્સ્ટબુકના ત્રેવીસ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાવાના હોય, એમાંથી આઠ પ્રકરણ ઓપ્શનમાં કાઢ્યા હોય, સાત પ્રકરણ વાંચ્યા હોય અને આઠની કાપલીઓ બનાવીને પરીક્ષા આપવા ગયેલા નબીરાની હાલત ગાંઠોડીયા દોરીથી પતંગ ચગાવનાર જેવી હોય છે. આવી રીતે ચગાવેલા પતંગોની દોર ગાંઠમાંથી નહિ તો દાંતીમાંથી તૂટી જતા હોય છે. ક્યારેક પતંગ કપાઈ જાય પછી ખબર પડે કે પેલો દૂર ચાંદેદાર જે ખેંચતો હતો, એ આપણી ખેંચતો હતો. આવું પરીક્ષામાં ‘આ પ્રશ્ન આ સબ્જેક્ટનો છે?’ એવા વિચાર આવે. પ્રાઈવેટ સ્કૂલોની ઉંચી ફી ન ભરી શકનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પોળના પતંગબાજની જેમ ટુકડા દોરીમાં પતંગ ચગાવીને ભરપુર પેચ કાપીને સોપો પાડી દેતા હોય છે. એમના પતંગો બિન હવામાં પણ ચગતા હોય છે. 

ફેમીલી લાઈફ: માર્યાદિત સ્વતંત્રતાની રીતે સરખામણી કરવી હોય તો પરિણીત પુરુષને ઘાણીના બળદ કરતા આકાશમાં ચગતા પતંગ સાથે કરવી વધુ યોગ્ય છે. ઘાણીના બળદનો પ્રવાસ માર્ગ વર્તુળાકાર છે, જયારે પતંગ પાસે વિહરવા માટે મુક્ત આકાશ છે. આમ છતાં એ વિહાર કરવા માટે પંખી જેટલો મુક્ત નથી કારણ કે દોર પત્નીના હાથમાં હોય છે. એ જેટલી ઢીલ છોડે એટલું જ ધાબાથી દૂર જવાય છે. એ આકાશમાં ડોલી અને હવા સાથે મુક્ત રીતે વહી શકે છે. પણ પત્ની ઠુમકો મારે ત્યારે એણે ચીંધેલી દિશા તરફ પ્રયાણ કરવાનું હોય છે. સંયુક્ત કુટુંબ એવા ધાબા જેવું હોય છે જેમાં ઘણા બધા પતંગો એક સાથે ચગતા હોય. પતંગો પણ નાના, મોટા, લોટણીયા, લબૂક, કડક ઢઢ્ઢાવાળા, ફાટેલા, સાંધેલા કે પછી સ્થિર ચગે એવા અનેક પ્રકારના હોય. આવડત એવી જોઈએ કે અંદરો અંદર પેચ ન લાગે, દરેક પતંગને ઉંચાઈ એ જવા માટે જગ્યા મળે અને ચગાવનારને સહેલ ખાવા પણ મળે. ઘણી જગ્યાએ ઘેંશીયા પતંગ રૂપી દીકરા અને ઢાલ પતંગ રૂપી બાપ વચ્ચે પેચ લાગતા હોય છે. આવા કિસ્સામાં કોઈ એક જણ ઢીલ ન છોડે તો પછી દીકરો એની ફીરકી પકડનારને લઈને બીજા ધાબામાં જતો રહે એવી ઘટનાઓ બનતી હોય છે.

વેપારીઓ: ખરીદીને ચગાવેલા પતંગ, કાપેલા પતંગ અને દિવસ દરમ્યાન પકડેલા પતંગની સંખ્યા પરથી નફા-નુકસાનની ગણતરી મંડાતી હોય છે. ગઈસાલની વધેલી દોરીની ફિરકી અને પતંગમાં ભેજ લાગી જાય એ ઘાલખાધ અને પકડેલો પતંગ કપાય એ નફામાં નુકસાન ગણાય. ઝાડમાં ફસાયેલો પતંગ ઉઘરાણી જેવો હોય છે, નીકળે તો નીકળે, નહીંતર રાઈટ ઓફ કરી દેવો પડે છે. ફિરકીમાં દોરી વચ્ચેથી તળિયે દેખાતા પૂંઠું જોઈ કેટલી દોરી બાકી રહી છે એ ક્યાસ કાઢવાની ક્રિયા વેપારીઓ દ્વારા સ્ટોક કાઢવા બરોબર હોય છે.

નેતાઓ: એક પતંગબાજ ઉત્તરાયણ પહેલા ચોક્કસ નિર્ણયો લેતો હોય છે. દોરી ઘસાવવી કે ડોઘલું કરીને પીવડાવવી? દોરી ઢીલ માટેની કે ખેંચવા માટેની કરાવવી? કેવી હવા માટે કેવા પતંગો લેવા પડશે? વગેરે વગેરે એ ચૂંટણી વખતે મતવિસ્તાર દીઠ બળાબળની તુલના કરીને જીતે એવા ઉમેદવારનું ચયન કરવાની પ્રક્રિયા સમાન છે. તુક્કલવાળા પતંગને કોઈ કાપી ન જાય એ માટે આજુબાજુના ધાબામાંથી પતંગો ચગાવેલા રાખવામાં આવે છે એમ જ વિરોધી ઉમેદવારની લીડ કાપવા માટે ડમી ઉમેદવારો પણ ઉભા રાખવામાં આવતા હોય છે. સીનીયર નેતા રૂપી ઢાલ પતંગમાં પાછળના ધાબાવાળા એમનું યુવાનેતા રૂપી ફૂદાકડુ લબડાવીને કાપી ન જાય એ માટે ખાસ વ્યૂહ બનાવવા પડતા હોય છે. દુશ્મનને પાડવા આસપાસના ધાબાવાળા સાથે વ્યુહાત્મક સંધી પણ કરવી પડતી હોય છે. તમારા ચગેલા પતંગને કોઈ લંગસીયું નાખીને લપટાવી ન જાય એ જોવું પડતું હોય છે. ઉત્તરાયણના દિવસે બુથ મેનેજમેન્ટની જેમ ધાબા મેનેજમેન્ટ અગત્યનું છે. ફીરકી પકડનારા, લચ્છા વાળનારા, ‘કાયપો છે ...’ બુમો પાડનારા વગેરેને ભેગા કરવા ચીકી, બોર, જામફળ, ઊંધિયું અને જમવામાં શીખંડ-પૂરી જેવા મફત ભોજન પણ કરાવવા પડે છે.

બિઝનેસ: એકલા પતંગ ચગાવવાની મઝા ન આવે. તમે પતંગ ચગાવો, દોરી છોડો, અને અંધારું થાય એટલે સહેલ ખાઈને ફીરકી લપેટી નીચે ઉતરો એ પશ્ચિમી ઢબની પતંગબાજી છે. એવા ગાજ્યા વગરના ચોમાસાનો કવિઓને પણ રોમાંચ નથી હોતો. થ્રિલ પણ નહી અને અફસોસ પણ નહિ. મનોલગ્ન જેવું – મનમાં જ વિવાહ અને મનમાં જ વિચ્છેદ! પેચ લેવામાં સામે કોઈ હોય તો પડકાર ઉભો થાય અને પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય. બિઝનેસમાં જો તમારી મોનોપોલી હોય તો તમે ઉદ્ધત અને ઘમંડી બની જાવ છો. પણ જયારે કોઈ તમારો પતંગ કાપી જાય એટલે કે કોંટ્રાક્ટ કે ઓર્ડર તમારો કંપીટીટર લઈ જાય - તો તમે નમ્ર બનો છો. તમારી દોરી/પ્રોડક્ટ શ્રેષ્ઠ ન હોય છતાં બીજાની કાપવામાં આવડત જોઈએ છે. જોકે આ બધું કરો છતાં હવા ન હોય તો ઉત્તરાયણ બગડે છે. અહીં હવા એટલે ધંધામાં ટેક્સ અને પોલીસી જેવા બાહ્ય પરિબળો, જે આપણા હાથમાં નથી. ઉત્તરાયણમાં બીજાના ધાબે જઈ, બીજાના પતંગ-દોરી વાપરી, બીજાને ફીરકી પકડાવી, બીજાના ઊંધિયા જલેબી ઝાપટી ઉત્તરાયણની મઝા લેનારા હોય છે. બિઝનેસમાં આવી મફતની મઝાનું દેવું વધી જાય તો લંડન ભાગી જવાનો રીવાજ છે!

મસ્કા ફન
નિરાશાવાદી: ગ્લાસ અડધો ખાલી છે.
આશાવાદી: ગ્લાસ અડધો ભરેલો છે.
ગુજરાતી: ગ્લાસમાં શું છે?

Wednesday, January 03, 2018

બી પોઝીટીવ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૩-૦૧-૨૦૧૮

ખુશ રહેવું અઘરું નથી. મહાન દાર્શનિક સોક્રેટિસે ગ્રાહકો માટે વિવિધ ચીજવસ્તુઓથી સજાવેલી દુકાનને જોઇને કહેલું - 'આ દુકાનમાં એવી તો કેટલીય ચીજો છે, જેનો મારે તો કદી પણ ખપ પડવાનો નથી.' મુફલીસીમાં પણ અમીરીનો ભાવ જગાવે એવો આ વિચાર પોઝીટિવિટીના પાયામાં છે. કમનસીબે રોજ સવાર પડે એટલે પ્રેરણાદાયી સંદેશાઓ આપણા મોબાઈલમાં વરસે છે જે ભાગ્યે જ કોઈ વાંચતું હોય છે. નવું વરસ બેસે એટલે નવા વરસના પ્રેરણાદાયી સંદેશાઓ લોકો મોકલે છે. આવા સંદેશા વાંચ્યા વગર બીજાને ફોરવર્ડ પણ થતાં હોય છે. અહીનું ત્યાં ફોરવર્ડ કરવામાં વ્યવહાર સચવાઈ જાય છે એવું બધા માને છે. પરંતુ અમુક ચોખલિયા અને વાયડાઓને બાદ કરતા કોઈ આવા સંદેશાઓનો વાંધો નથી લેતા કારણ કે કમસેકમ એ પોઝીટીવ સંદેશ છે. જોકે જીવનમાં આપણે ઘણા નાના નાના ઘણા પોઝીટીવ સિગ્નલ્સ અવગણીએ છીએ. અહીં વોટ્સેપ-ફેસબુકના દાઝેલાઓએ આ લેખ ફૂંકીને પીવાની સોરી વાંચવાની જરૂર નથી. અમો ‘Blessings in disguise’ અને ‘ઘી ઢોળાયું તો ખીચડીમાં’ પ્રકારની પોઝીટિવિટીની હળવી વાતો જ કરવા માગીએ છીએ. 
 
એક જમાનામાં અમે સ્કુટર વાપરતા હતા. તમને યાદ હશે એ સ્કુટર ચાલુ કરતા નમાવવું પડતું. તોયે પાંચ-દસ કિક તો મારવી જ પડતી. તો ઘણીવાર સ્કૂટર ઓવરફલો થાય ત્યારે રેપિડફાયર કીક્સ પણ મારવી પડતી. એ દરમ્યાન વચ્ચે ક્યારેક એકાદવાર એન્જીન ‘ભૂરરરરર...’ એવો અવાજ કરીને ચાલુ થવાની આશા બંધાવતું અને આપણે આશાભર્યા બમણા જોશથી કીકો મારવા મંડી પડતા. વારેઘડીયે પડતી તકલીફોને કારણે અમારી જેમ ઘણા સ્કુટરના પ્લગ અને કાર્બ્યુરેટર સાફ કરતા શીખી ગયા હતા. ઘરમાં મમ્મી કહે એ કામ કરવામાં નાટક ભલે કરતાં, પણ સ્કુટર નચાવે એમ નાચતા. આવી જ રીતે ટીવી પર પિક્ચર ચોખ્ખું ન આવે તો ધાબે ચઢી એન્ટેના ફેરવવા જતાં. પરંતુ મમ્મી ધાબામાં ‘સારેવડા સુકાયા છે કે નહીં તે જોઈ આવ’ કહે તો ધાબે જવામાં કકળાટ કરતા સિવાય કે ધાબામાંથી સામેની બાલ્કનીમાં કંઈ જોવા જેવું હોય તો! પપ્પા-મમ્મી કહે તે નહીં, પરંતુ ઈલેક્ટ્રોનિક આઈટમ્સ નચાવે એમ નાચતા. જેણે આ બધું કરેલું હોય એને લગ્ન પછી અને નોકરીમાં ખડ્ડૂસ બૉસ મળે ત્યારે કામમાં આવે છે. કમસેકમ એ લોકો નચાવે ત્યારે આઘાત નથી લાગતો.

નોકરીયાતોની વાસ્તવિકતા દર્શાવતો અકબર ઈલાહાબાદીનો એક શે’ર છે - બી.એ. હુએ, નૌકર હુએ, પેન્શન મિલી, ફિર મર ગયે. આ પ્રમાણે ચાલતું હોય તો ગનીમત છે; બાકી આજકાલ તો મલ્ટીનેશનલ કંપનીઓમાં ગમે ત્યારે ગડગડિયું પકડાવી દેવાનું સામાન્ય થઇ પડ્યું છે. ધારોકે તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, તો એમ સમજવું કે કંપની તમારે લાયક નહોતી અને તમારા માટે આનાથી મોટી તકો સર્જાયેલી હશે. તમને બૉસ ઓવરટાઈમ બહુ કરાવતો હોય તો એમ સમજવું કે ‘ઘેર કરો કે અહીં કરો આપણે તો કામ જ કરવું છે ને? અને અહીં કરવાથી કદાચ ઇન્ક્રીમેન્ટ તગડું મળે પણ ખરું !’. ધારો કે તમને ઇન્ક્રીમેન્ટ ઓછું મળ્યું તો એ તમારું કંપની અને સીનીયર મેનેજરોનું સ્તર ઊંચું લાવવામાં યોગદાન ગણી ખુશ થઈ શકાય.

અમે કેટલાક લોકો એવા જોયા છે જે પોતાની ટાલને લઈને હતાશ હોય. એમાં એમનો પણ વાંક નથી. ટાલ પડવી એ કુદરતી પ્રક્રિયા છે; પણ એક જમાનામાં વાળ ઓળતા કાંસકાના દાંતા પહોળા થઈ જતા હોય એ જ માથામાં આંખની ભ્રમરો કરતાં પણ ઓછા વાળ રહે ત્યારે લાગી આવે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં મસ્તક પરના વાળની ઘટને સરભર કરવા માટે અમુક લોકો દાઢી વધારતા હોય છે. આમાં જોકે કુદરત સામે અન્યાયનો બદલો લેવાની ભાવના વધુ દેખાય છે. જરા વિચારો કે જેમના માથામાં બુટપોલીશના બ્રશ જેટલા ઘટાદાર વાળ હોય એમને માથું ધોવા માટે કેટલી માત્રામાં શેમ્પુની જરૂર પડતી હશે? હેર ઓઈલ/ જેલ પાછળ કેટલો ખર્ચો થતો હશે? વાળની ઘટાની આડમાં છુપાયેલી જીવસૃષ્ટિનો નાશ કરવો એ વીરપ્પનને જેર કરવા કરતા વધુ કપરી કામગીરી છે. અરે, એ લોકો તો વાળમાં ફરી રહેલી પત્નીની આંગળીઓની ઉષ્માનો અનુભવ પણ નહિ કરી શકતા હોય. જયારે ટાલમાં સીધો સંપર્ક છે. અહીં કવિ કુદરતની લીસી વાસ્તવિકતાને પ્રેમથી સ્વીકારવાનો મહિમા સમજાવે છે.

ફિલ્મ બાવર્ચીના એક સીનમાં રઘુ ઉર્ફે બાવર્ચી બનેલા રાજેશ ખન્નાના મુખે કવિ હરીન્દ્ર્રનાથ ચટ્ટોપાધ્યાયનું એક ક્વોટ કહેવાયું હતું જે બોલીવુડના ઇતિહાસમાં અમર થઇ ગયું. ક્વોટ હતું 'It is so simple to be happy but it is so difficult to be simple' અર્થાત ખુશ રહેવું ખુબ સરળ છે, પણ સરળ બનવું ખુબ મુશ્કેલ છે. રઘુ આગળ કહે છે કે જાતને ખુશી આપી શકે એવી કોઈ મોટી ઘટનાની રાહ જોવામાં આપણે ખુશીના નાના નાના મોકા ચુકી જઈએ છીએ. જીવનમાં પ્રસન્નતા આપે એવી ઘટનાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય છે, જયારે નાની નાની ખુશીઓ આપે એવી ક્ષણો રોજબરોજના જીવનમાં અગણિત આવે છે. વાહ, કેટલી સુંદર વાત! અમો તો આ જ કારણથી 'બાવર્ચી' ફિલ્મના ફેન છીએ. દિવસના ૨૪ કલાક તમે હસતા હસતા વિતાવો કે પછી રડતા રડતા, કેલેન્ડર તમને નવો દિવસ બતાવવાનું જ છે; પણ આપણે પળને માણી લેતા શીખીશું તો આપણી આજ સુધરી જશે. આવી સુધરેલી ૩૬૫ ‘આજ’નો સરવાળો એટલે જ વર્ષ! હેપ્પી ન્યુ યર ...

મસ્કા ફન

ન્યુ યર પાર્ટી અને સાર્વજનિક ગણેશોત્સવના ડી.જે. જુદા હોય છે એનો આયોજકોને ખ્યાલ હોવો જોઈએ.