Monday, November 28, 2011

વરરાજાનો મંડપ પ્રવેશ


મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |

લગ્ન ગાળો આવી ગયો છે. લગ્નગાળો એટલે મહિલાઓ માટે બની-ઠનીને મહાલવાનો સમય. સ્વતંત્રતા છીનવાઈ જવાનો આગોતરો અણસાર આવી જતાં પરણનારા આ સમયે થોડા નર્વસ હશે. મામા, માસાઓ, કાકાઓ અને કઝિનોની દોડધામથી ઘરો હર્યાભર્યા હશે. મેનુમાં છેલ્લી ઘડીનાં ફેરફારો અને ગોર મહારાજે બે કલાકનાં ફાળવેલા ટાઈમ સ્લોટમાં લગ્ન કેવી રીતે આટોપવું એ નક્કી કરવાં ચા સાથે ભજિયાં-ગોટા મઢી રાત્રિ બેઠકો ગોઠવાતી હશે. આવી રાત્રિ બેઠકોમાં બે પ્રકારનાં લોકો ભાગ લે છે. એક કે જે લગ્નનાં આયોજન કરે છે, અને બીજાં પ્રકારનાં લોકો ગોટા, ચા, ગાંઠિયા (ને કવચિત છાંટો પાણી) જે મળે તે લઇ કાલે ઓફિસ વહેલા જવાનું છે એવું કહી ઘેર જઈ તબિયતથી સૂઈ જાય છે. અને એમ કરતાં એ મંગળ દિવસ આવી જાય છે, જ્યારે વરસ દાડાનાં કરેલાં આગોતરા આયોજનો પર લોકો ચાર કલાકમાં મિનરલ વોટર પી પ્લાસ્ટિકના ગ્લાસ અને પેપર નેપકિન ફેરવી દે છે.

લગ્નનાં દિવસે વરરાજા જાન લઈને નીકળે એટલે જુનાં નવા રિવાજો અમલમાં મૂકવા ભાભીઓ અને કાકીઓ મેદાનમાં આવી જાય છે. વરરાજા માંડવે પહોંચે એટલે નવા રીવાજ મુજબ ઉત્સાહી અપરણિત મિત્રો, અર્ધઉત્સાહિત પરણિત મિત્રો અને એમની સરસ તૈયાર થયેલી પણ સદા થાકેલી પત્નીઓ સામસામે હાથમાં હાથ પરોવી હાથોનો માંડવો ઊભો કરી દે. એમાં મેહુલ જેવા અપરણિત છોકરાની સ્થિતિ જોવા જેવી હોય છે. એને પાર્ટનર હોય નહિ, પણ કોકવાર નસીબ હોય તો સુંદર યુવતી સામે ગોઠવાઈ જાય. અને એ મનમાં ને મનમાં પેલો વરરાજો આવવામાં મોડું કરે તેવી પ્રાર્થનાઓ કરતો હોય. પણ વો દિન કહાં કે ... ના નાતે આવાં સદનસીબ કરતાં મોટે ભાગે તો લુઝ ઇલેક્ટ્રોન જેવો કોક ટપુડો સામે અંકલ આઈ જાવ આપણે બેઉ કહી પરાણે એનાં ચોકલેટવાળા હાથથી હસ્તમેળાપ કરી દે છે. આઈન્સ્ટાઈનનાં સાપેક્ષવાદને સાર્થક કરતો હોય તેમ આ વખતે એ મેહુલ વરરાજો જલ્દી આવે તો સારું એવું વિચારે છે, અને કવચિત એને આવતાં વાર થાય તો એ ટપુ સાથેનો હસ્તમેળાપ ઝટકા સાથે ટેમ્પરરી છુટો પણ કરી દે છે. 

અને વરરાજો નીચે પાથરેલ લીલા કપડામાં અટવાતા વાંકો વળીને શેરવાની, હાર અને વાળ સાચવતો ચાલ્યો આવે છે, એમાં બે ચાર વાર તો પાછી એની મોજડી નીકળી જાય. વચ્ચે હાથના માંડવામાં બે ટેણીયા હાથ નીચા કરી રોકી પાડે એટલે ઘડીક અટકી આજે ભલે ગમે તેટલાં વિઘ્નો નડે, પરણીને રહીશ એવાં મક્કમ નિર્ધાર સાથે મિત્રો અને સગાવહાલાના ટોળાં સહિત આગળ ધપી હોલનાં પ્રવેશદ્વાર પર પહોંચી જાય છે. ત્યાં એની સાસુ, થોડીવાર પહેલાં જેની મોટર સાઈકલ પર એન્ટ્રી પડી છે અને ખૂણો શોધી પેન્ટમાંથી જે તાજો ધોતિયાધારી થયો છે એવાં મોબાઈલ પર બપોરના કસ્ટમરને સુચનાઓ આપતાં ગોર મહારા સાથે, પોંખવા તૈયાર ઉભી હોય છે. એની પાછળ એની હરખઘેલી સાળીઓ, ઈર્ષાળુ મામીજીઓ અને સૌથી છેલ્લે ટેન્શનમાં પડીકી મોઢામાં ઓરતા સસરા સહિતનું કોરસ ઘોંઘાટ કરતું ઊભું હોય છે.

પણ મહારા તૃણ, ફૂલ અને પાણી સાસુનાં હાથે ચારે બાજુ ફેંકાવે અને લાલ પાક્કા રંગ મિશ્રિત કંકુ અને બાસમતી ચોખાના તિલક કરી છુટો દોર આપે એટલે સાસુ જમાઈનું નાક ખેંચવા ધસે છે. જેણે દસમું ધોરણ પણ પહેલાં પ્રયત્ને પાસ કર્યું નથી, અને આખી જિંદગી જેણે અભરાઈ ઉપરથી ડબા ઉતારવા પતિનો ઉપયોગ કર્યો છે એવાં જયાબેનના હાથમાં જમાઈનું નાક એમ કંઇ પહેલાં પ્રયત્ને આવે? પણ જમાઈને શરદીનો કોઠો છે એ બરોબર ખબર હોવાં છતાં યેનકેન પ્રકારેણ એ નાક ખેંચીને રહે છે! અને જમાઈનું નાક હાથમાં આવતાં સમગ્ર રાવણસેના જાણે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ હોય એમ જોરથી કિલકારીઓ કરવા લાગે છે.

અંતે કન્યાની એન્ટ્રી થાય છે. ફિલ્મોમાં આવે છે એમ ધીરે પગલે હાથમાં હાર લઇ એ ચાલી આવે છે. આમાં એનું ધીરેથી ચાલવું એ ફિલ્મોની નકલરૂપ નહિ પરંતુ સાડી વિગેરેનો આટલો ભાર ઉપાડીને એ કોઈ દિવસ ચાલી નથી એટલે હોય છે. અને જેને કાયમ જીન્સ ટીશર્ટમાં જોઈ છે એને કથકલી નૃત્યકાર જેવા રંગરોગાન કરી પાનેતર પહેરી આવતી જોઈ વરરાજા પણ ઘડીક વિમાસણમાં મુકાઈ જાય છે, કે કોઈ બીજી તો નથી ને?. પણ આ એ છે બકા, જેને તેં સત્તર જણીઓને રીજેક્ટ કર્યા પછી સિલેક્ટ કરી છે, અને જે હવે આખી જિંદગી તારી મેથી મારવાની છે! બે જણા સામ સામે થાય એટલે ફૂટબોલ મેચમાં મધ્યમાં બોલ મુકાય અને રેફરીનાં ઇશારાની રાહ જોવાતી હોય એવી ઉત્તેજના બેઉ પક્ષની છાવણી અને સરસેનાપતિ સમાન ઉચકવાવાળામાં છવાઈ જાય છે. છેવટે રેફરીની સિટીની રાહ જોયા વગર કન્યાનાં પહેલવાન મામા કન્યાને ઊંચકી લે છે. પેલી બાજુ જેની સાથે આગલી રાતે બેચલર્સ પાર્ટીમાં પ્લાનીંગ થયું હતું તે બોડી બિલ્ડર પકો તો ખૂણામાં જઈ એસએમએસ જોતો હોય એટલે એ આવે ત્યાં સુધીમાં વરપક્ષની આબરુ રાખવા સળી જેવો સત્તુ હિંમત કરી વરરાજાને ઊંચકવાની વ્યર્થ કોશિશ કરે છે, અને એવાં ડામાડોળ બેલેન્સ વચ્ચે કન્યા વાલમનાં ગાળામાં હારનો ગોલ કરી પહેલું રાઉન્ડ જીતી જાય છે. ફરી રાવણ સેના ચિચિયારીઓ પાડી ઉઠે છે.

આમ અનેક નવા જૂનાં રિવાજો વચ્ચે વરરાજાનો મંડપ પ્રવેશ થાય છે. ત્યાં ગોર મહારા ડીઝાઈનર થાળીઓમાં વસ્તુઓ આઘીપાછી કરતાં વરરાજાને જાતજાતનાં હુકમો છોડવાનું શરુ કરે છે, અને વરરાજો એક વાર કરવું છે ને એવાં ખોટા આશ્વાસન મનને આપી હુકમોને તાબે થાય છે. આમ ડેર ડેવિલ ડુડનાં  કહ્યાગરા કંથમાં પરિવર્તનની શરૂઆત થાય છે.

બેબી બચ્ચનની ગ્રહદશા

| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૧૧-૨૦૧૧ | અધીર અમદાવાદી | 


બચ્ચન બેબીનો જન્મ મિથુન રાશિમાં થયો છે. મિથુન રાશિમાં ક, છ અને ઘ અક્ષર પર નામ પડે પણ અભિષેકે એનું નામ ‘અ’ પરથી પાડવાનું નક્કી કર્યું છે અને નામ માટે સજેશન્સ પણ મગાવ્યાં છે. બાકી નામ જો રાશિ પ્રમાણે પાડવામાં આવ્યું હોત તો એ ચોક્કસ એક સ્પોટ ફિક્સિંગ હોત. ‘ક’ નામથી શરૂ થતી એકતા કપૂરની સિરીયલો અને રાકેશ રોશન ને કરણ જોહરની ફિલ્મો પણ હિટ જાય છે. અત્યારની ટોપ હિરોઇનોમાં કેટરિના અને કરિનાનાં નામ ‘ક’થી શરૂ થાય છે. વીતેલા જમાનામાં ‘ક’થી કાજોલ અને કરિશ્મા પણ સફળ હતી. અને ‘ક’થી બચ્ચન દાદાની ‘કૌન બનેગા કરોડપતિ’ તો ભુલાય જ કઈ રીતે?

બાલિકાનો જન્મ ધન લગ્ન અને મિથુનના ચંદ્ર સાથે થયો છે. અધીરાચાર્યની આગાહી મુજબ આ કન્યા ધનકુબેર અને ઐશ્વર્યમાં આળોટશે, એટલું જ નહી ઐશ્વર્યાના ખોળામાં પણ આળોટશે. આ બાળકીની કુંડળીમાં અમુક ગ્રહો માતૃગૃહી હોવાથી એની દાદી કરતાં રૂપાળી થશે. જો બેબી ખાઈ-પીને તગડી નહીં થાય તો એ મિસ વર્લ્ડ થાય તેવા યોગ પણ દેહભુવન પર ચંદ્રની નજરને કારણે ઊભા થાય છે. જોકે, આ ચંદ્રની નજર મંગળ સુધી પહોંચતી ન હોવાને કારણે ‘મિસ માર્સ’ બને તેવી શક્યતા નથી. ગુરુઓ ઉપર સામાન્યતઃ ફિલ્મસ્ટાર્સનાં સંતાનોની દૃષ્ટિ બરોબર પડતી નહીં હોવાને કારણે આ જાતકના ભણવાના યોગ હિન્દી અને અંગ્રેજી ભાષા સુધી સીમિત રહે તેવી વકી છે.

ઉપર આકાશમાં ત્રણ ગ્રહ શુક્ર, બુધ અને રાહુની અને ઘરમાં ચાર સ્ટાર્સની યુતિ થવાથી કન્યા ફિલ્મસ્ટાર બને તેવી શક્યતાઓ પ્રબળ છે. ઘરમાં લાઇટ ચાલુ હોવાથી બાળકી વિવિધ પોઝ આપે અને ટીવી પર એક્શન શબ્દ સાંભળે તો બોલવાનું શરૂ કરી દે તેવી સંભાવના પણ છે. કન્યા ચૌદ વર્ષની થાય એ પછી સૂર્ય અને ચંદ્ર સ્થાનભ્રષ્ટ ન થાય ત્યાં સુધી કન્યા મેકઅપ વગર ફરે તેવા યોગ નથી. હોસ્પિટલમાં કન્યાને નવડાવતી આયાના જણાવ્યા મુજબ બેબીના પગમાં મજબૂત વાહન યોગ પણ છે એટલે બેસ્ટ બસમાં કે સબર્બન ટ્રેઇનમાં શૂટિંગ સિવાય ફરે તેવા યોગ નથી. આ ઉપરાંત પગમાં રેખાઓ ત્રિશૂલ, તલવાર જેવા ગણ્યા ગણાય નહીં તેટલા વિવિધ આકારો રચતી હોવાથી કન્યા વિદેશ પ્રવાસ કરે તેવા યોગ પણ અચૂક જણાય છે.

કન્યાના જન્મ સમયે ત્રણ ગ્રહોની યુતિને કારણે જ તે વૈભવી જિંદગી પામશે એટલું જ નહીં તેની જિંદગીનો શરૂઆતનો સમય એ જલસામાં જ કાઢશે! મંગળ જે સ્થાને છે તે સ્થાને હોવાને લીધે અને બુધ જે સ્થાને નથી, એ સ્થાને એની ગેરહાજરી હોવાને કારણે તેમજ આયા અવારનવાર ખાડા પાડશે એ કારણે કન્યાનાં ડાયપર્સ મિસ વર્લ્ડ બદલશે એવા યોગ જણાય છે. જોકે આ કન્યાના જન્મ પછી ગ્રહો ઠરીને પોતાના સ્થાને સ્થિર બેસી ન રહેવાને કારણે એ દાદા માટે પરિવર્તનયોગ લાવશે. મૂડી કરતાં હંમેશાં વ્યાજ વહાલું હોવાથી બચ્ચન દાદા બેબીને વારેઘડીએ પપીઓ કરશે તેવું આ લખનાર ખાતરી સાથે કહે છે. પણ વક્રીના અમુક ગ્રહોને કારણે માતા એશ દાદા અમિતાભ માટે ‘જુઓને બેબીને બચીઓ ભરે ત્યારે કેવી દાઢી વગાડે છેએવી ફરિયાદ અભિષેકને કરશે તો દાદાને દાઢી મુંડાવી પડે તેવા યોગ પણ જણાય છે. પિતા અભિષેક માટે પણ બેબી હાફ શેવમાંથી ક્લીન શેવ થવાના યોગ લઈને આવી છે.

અભિષેક અને અમિતાભના દેખાવ આમ ફરી જતાં બેઉની અગાઉની જાહેરાતોને ફરી શુટ કરવી પડે તેવા યોગ સર્જાય છે. જન્મ સમયના ગ્રહોની દૃષ્ટિ બેબીનાં મોમ-ડેડ ઉપરાંત દાદા ઉપર પણ પડતી હોવાથી આ કન્યાના જન્મ પછી દાદાની જાહેરાતની કમાણીમાં એકંદરે સત્તાવીશ ટકાનો વધારો થાય તેમ જણાય છે. શરૂઆતના તબક્કમાં બેબી સોપ, બેબી શેમ્પૂ, બેબી ફૂડ, ડાયપર્સની જાહેરાતો વધુ લાભ કરાવે તેવા યોગ છે. આ પછી સાઇકલ, માથામાં નાખવાનું તેલ, કાંસકા વગેરે જેવી વિવિધ ઘરવપરાશની ચીજવસ્તુઓની જાહેરાત મળે તેવા યોગ અમુક ગ્રહો સ્વગૃહી હોવાથી થાય છે. બેબી જ્યારે ત્રીજા ધોરણમાં પાસ થશે ત્યારે ઘેલા દાદા ચોકલેટની જાહેરાતમાં ‘બેબી પાસ હો ગઈ’ કહી દોડતા જોવા મળે તેવી પણ વકી છે.

આમ, બચ્ચન બેબી દોમદોમ સાહ્યબીમાં તો ઉછરશે જ પણ મા-બાપ, દાદા-દાદી સહિત સમગ્ર દેશને ધંધે પણ લગાડી દેશે.

Thursday, November 24, 2011

લોહા લોહે કો કાટતા હૈ


મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |
એવું કહેવાય છે કે લાંચ લેતાં પકડાવ તો લાંચ આપીને છૂટી જાવ. દારૂડિયો દારૂને પીવે છે અને દારુ દારૂડિયાને પુરો કરી નાખે છે. આંદોલન સામે પ્રતિ આંદોલન થાય છે. નકલી એન્કાઉન્ટર કેસમાં જે જેલમાં હવા (અને સાબરમતી જેલમાં તો ટેસ્ટી ભજિયાં પણ!) ખાય છે પોલીસ અધિકારીઓને નકલી સીબીઆઈ બનેલા ઠગ લુંટે છે. એક પાર્ટી વાળો પૂતળાને હાર ચડાવે તો બીજી પાર્ટી પૂતળાને નવડાવે છે. નરેન્દ્ર મોદીનાં ઉપવાસ સામે કોંગ્રેસ ઉપવાસ કરે છે. અને છેલ્લે અડવાણીજીની ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ જનચેતના રથયાત્રાના કવરેજ માટે ભ્રષ્ટાચાર થાય છે. આ બધું આજકાલનો ટ્રેન્ડ છે. અને એમાં ખોટું શું છે? ભ્રષ્ટાચારનો સામનો તો ભ્રષ્ટાચારથી થાય ને? અરે, સંસ્કૃતમાં પણ शठं प्रति शाठ्यम् કહ્યું છે. અને તમે શોલે તો જોયું  હશે. એમાં સલીમ-જાવેદ લિખિત ઠાકુર બલદેવ સિંહના મોઢે મુકાયેલો પેલો પ્રખ્યાત ડાયલોગ લોહા લોહે કો કાટતા હૈ યાદ છે કે નહિ? ઠાકુર ગબ્બરને પકડવા જય-વીરુ જેવા અઠંગ બદમાશોનો સહારો લે છે ને? અરે, તો પછી? આ મનમોહન-યુગમાં જીવવું હોય તો દોસ્ત એક મંત્ર છે. શીખી લો. એ છે, લોહા લોહે કો કાટતા હૈ.

તમારી પત્ની એની મમ્મીને તમારી સામે હથિયાર તરીકે વાપરે છે? વારે તહેવારે તમારી ઉપર તમારી સાસુને એ છુટ્ટી મૂકી દે છે? એનાં વાગ્બાણ છૂટે એટલે તમારી બોલતી બંધ થઈ જાય છે? તો ગભરાશો નહિ, તમે સસરાને ઢાલ તરીકે ઉપયોગ કરો, ૩૦ વરસનો જુનો અનુભવી છે. એ તમારી સાસુને પોતાનાં અનુભવથી પહોંચી વળશે. સસરા સાથે ખાવા અને ખાસ કરીને પીવાનાં સબંધ કેળવો. એ તમને તમારી જાલિમ સાસુને પહોંચી વળવા કાનમાં રૂ નાખવાથી માંડીને બહાર ખરીદી કરવાના સોંપાયેલા કામમાં કઈ રીતે છબરડા કરવાં તે અંગે અવનવા નુસખા બતાવશે. અને સૌથી વધુ તો ફાયદો તમને એ થશે કે એનાં દુ: સાંભળીને તમારું પોતાનું દુ: હળવું લાગવા માંડશે.

અને તમારા ઘરમાં ચોરી થઈ ગઈ ? ભલા માણસ મૂંઝાવ છો શું કરવા? લોહા લોહે કો કાટતા હૈ, એ ભૂલી ગયા? ચોરીનો માલ પાછો મેળવવો છે તમારે? બસ તો પછી શોલેવાળી કરો. એટલે એ પાછો મેળવવા બીજાં ચોરને શોધવા નહિ જવાનું. એનાં બદલે પોલીસને રોકવાની! વાત તો એક થઈ ને! એમને બધી જાણકારી હોય . કોણ, ક્યાં અને ક્યારે ચોરી કરશે. આ તો શું છે કે જો પોલીસ બધાં કેસ સોલ્વ કરે તો પબ્લિક નિશ્ચિંત થઈને સુઈ જાય. એમ વિચારીને કે આજે ભલે લઇ જાય, કાલે પોલીસ પાછી લાવી આપશે. પણ તમે એમનાં માટે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરો તો ચોક્કસ ચોરીની મત્તા પાછી આવી જાય. સત્યમેવ જયતે.

શું તમારે ધંધો કરવાં કેપિટલની જરૂર છે? જમીન જોઈએ છે? બેન્ક લોન આપવામાં ગલ્લા તલ્લા કરે છે? સરકારના વિવિધ ખાતાઓ પ્રોજેક્ટ મંજુર કરવામાં ઠાગાઠૈયા કરે છે? ચાલો લોહા-લોહે વાળી કરીએ. તમે એક કામ કરો. એક સરસ સુટ-બુટ પહેરેલો, ડાઈ કરેલાં વાળવાળો અને ચૌદ હજાર રૂપિયાનાં  ચશ્માં પહેરતો કન્સલ્ટન્ટ રોકી લો. એની પાસે એક સરસ મઝાનો પ્રોજેક્ટ રીપોર્ટ બનાવો. આ રીપોર્ટ યોગ્ય સમયે રજૂ કરી સરકાર સાથે એમઓયુ કરી નાખો. પ્રોજેક્ટની સાઈઝ પ્રમાણે મુખ્યમંત્રીથી માંડીને મેયર સુધીની કોઈ વ્યક્તિ સાથે એમઓયુ કરતાં ફોટા પડાવો. જે પ્રોજેક્ટ એક વાર ઠેર ઠેર રિજેક્ટ થતો હતો, તે હવે વાઈબ્રન્ટ બની જશે. તમને સસ્તા ભાવે જમીન મળશે. લોન પણ મળશે. અને સૌથી મોટું કામ તો એ થશે કે તમારી દસ બાય દસની બફારો મારતી ઓફિસમાં લગાવવા માટે એક સરસ ફોટો પણ મળશે!

અને તમને ખુબ ગુસ્સો આવે છે કે સુશ્રી. માયાવતીજી પોતાના પુતળા માટે એક્સ્ક્લ્યુઝિવ પાર્ક બનાવે છે? અને આ પાર્કમાં ખડા કરાયેલા હાથીના પૂતળાં પંજાથી રોકાતા નથી કે કમળને કચડી નાખે છે? એનો પણ ઉપાય છે. તમે એ પાર્કમાં ૧૦૧ કૂતરાં છુટ્ટા મુકો. હા, પ્રાણી સામે પ્રાણી, હાથી સામે કૂતરાં. પછી છો એ લોકો એમ કહેતા કે કૂતરાં ભસે તેથી હાથીને શું ફેર પડે? બહુ ફેર પડશે. હાથીનાં પગ તો આમેય થાંભલા જેવા હોય છે. જુઓ પછી કૂતરાં એનો કેવો ઉપયોગ કરે છે. અરે, મુખ્યમંત્રીના પૂતળાને પણ એ નહિ છોડે. અને આ ઉપરાંત તમે આ પાર્કમાં શાંતિ અને ગંદકીના દૂત એવાં કબૂતરોને ઉછેરી શકો છો. રો પાર્કમાં જઈ દાણા નાખો. પછી જુઓ. કબૂતરોની વસ્તી પૂતળાંને કાળામાંથી કેવા સફેદ બનાવે છે!

પણ કોકવાર જુઠ્ઠું બોલીને છોકરાં છોકરીનો સંબંધ થાય ને લગ્ન સંપન્ન થયાં હોય એમાં છોકરાનો બાપ કહે કે જગ જીતે બેટે કાણીયે. ત્યાં છોકરીનો બાપ બીબી પાંવ સે ચાલે તબ દેખીયો કહી હિસાબ સરભર કરે એવું બને. ઘણી વખતે એવું પણ થાય કે માણસ પ્રકૃતિ પ્રમાણે ઇન્કમટેક્સની ચોરી કરે અને એની પત્ની છોકરાવ શોપિંગ કરી એ ધનને પાછુ બજારમાં ફરતું કરી દે, જેમાંથી અમુક ટેક્સ રૂપે સરકાર પાસે પાછું જાય. અને ફિલ્મ સ્ટાર્સ ફિલ્મની ખોટી સફળતાનાં આંકડા રૂપિયા ખર્ચી પ્રસિદ્ધ કરાવે તો અન્ડરવર્લ્ડના ભાઈ લોગ આંકડાનાં આધારે ખંડણી વસુલ કરે. આ લોહા લોહે કો કાટતા હૈ એ તો ઠીક પણ કુદરતનો ન્યાય થોડો ભૂલી જવાય છે?