Friday, May 31, 2013

ઉનાળો બારેમાસ હોવો જોઈએ
| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |


અમે મોરેશિયસ ફરવા ગયા હતાં. ત્યાં હોટલમાં અમે સોના, સ્ટીમ બાથ અને જાકુઝીનો ભરપૂર લાભ લીધો. હોટલના પેકેજમાં એ મફત હતું એ કહેવાની અમને જરૂર નથી જણાતી. સોનાબાથમાં હીટ અને સ્ટીમબાથમાં વરાળના લીધે આપણા શરીરમાંથી પરસેવો વહે છે અને એમ ચામડી પરના છિદ્રો ખુલે છે. એરકન્ડીશનમાં રહેનાર લોકોને આવું કરવું પડે. પણ અમદાવાદ પાછા આવ્યા પછી અમને ખબર પડી કે આ સોના અને સ્ટીમ બાથ અમારા ટોપ ફ્લોરના ફ્લેટમાં સાવ મફતના ભાવે મળે છે. ક્યાંય જવાની જરૂર નહિ. અને ત્યારે અમને ઉનાળાનો ખરો ફાયદો સમજાયો. પછી જેમ જેમ વિચાર કરતાં ગયા એમ એમ અમને ઉનાળાના એટલાં બધાં ફાયદા દેખાયા કે હવે લાગે છે કે ઉનાળો ખરેખર તો બારેમાસ હોવો જોઈએ!


ઉનાળાનો એક ફાયદો એ છે કે આ સિઝનમાં નહાવા માટે પાણી ગરમ નથી કરવું પડતું. ખરેખર તો મોડા ઉઠનાર લોકોને ધાબા પર મુકેલ કાળી ટાંકીમાં ગરમ થઈ ગયેલું પાણી ઠંડું કરવું પડે છે. હવે બધાંને એટલી તો ખબર હશે જ કે શિયાળામાં પાણી ગરમ કરવામાં ઈલેક્ટ્રીસિટી કે ગેસ વપરાય અને આપણે કંઈ અંબાણી ખાનદાનના તો છીએ નહિ કે એ પોસાય! જેના ઘરમાં ગેસર (ગીઝર) ન હોય એમણે શિયાળાની ઋતુમાં તપેલામાં પાણી ગરમ મૂકી, ડોલમાં કાઢી, ડોલ બાથરૂમ સુધી લઈ જવી પડે છે. આમ કરવાંમાં કેટલાય લોકો દાઝી જાય છે. તપેલા ઉચકવામાં ગાભા અથવા નેપકીન બગડે છે, અને કેટલીય કાકીઓની કમરના મણકા છટકી જાય છે એનો તો કોઈ હિસાબ જ નથી, કારણ કે કાકીઓનો કમર અંગેનો કકળાટ કોઈ સાંભળતું જ નથી. આમ ઉનાળો આ બધી કડાકૂટમાંથી મુક્તિ અપાવે છે.

આ ગરમ પાણીનો વ્યાપ રેસ્ટોરાં સુધી પહોંચે છે. લસણ ડુંગળીવાળું પંજાબી ભોજન આરોગ્યા પછી હાથમાં આવતી વાસ દુર કરવાં જેમાં લીંબુ સ્વીમીંગ કરતું હોય તેવા ફિંગર બાઉલમાં ગરમ પાણીનો ઉપયોગ પ્રચલિત છે. આ ગરમ પાણી ઉનાળામાં સીધું ટાંકીના નળમાંથી ભરી શકાય છે. હવે નેક્સ્ટ ટાઈમ ફિંગર બાઉલ ઉપયોગ કરો ત્યારે અમને યાદ કરજો. ખરેખર તો ઉનાળામાં આ મફત મળતા ગરમ પાણીને લીધે હોટલ બિઝનેસ વધું પ્રોફિટેબલ બનતો હશે અને એટલે જ પહેલા ક્વાર્ટરના હોટલ કંપનીઓના પ્રોફિટના આંકડા અન્ય ક્વાર્ટર કરતાં ઉપર રહે છે એવું અમે ચોંકાવનારું સંશોધન કર્યું છે. જોકે આ વાંચીને હોટલ કંપનીના શેર ખરીદવા નહિ, અન્યથા જો તમને કોઈ ખરાબ ક્ષણે નુકસાન જાય તો સંસ્થા એ અંગે જવાબદાર રહેશે નહિ!

અમદાવાદમાં તો ઉનાળામાં ૪૩-૪૪ ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચી જાય છે. નબળા મનના માનવીઓ તો સવારે છાપામાં આગળના દિવસના ગરમીના આંકડા વાંચીને જ આઉટ ડોર એક્ટીવીટી પર ચોકડી મરી દે છે. આમ થવાથી જે કામ વગર નીકળી પડતા હોય એવા લોકોની સંખ્યા રોડ પર ઘટી જાય છે. આમ થવાથી ટ્રાફિક અને પોલ્યુશનની સમસ્યા હળવી થાય છે. રોડ પર લોકો ઓછાં હોય એટલે અકસ્માતો પણ ઓછાં થાય છે. જોકે ટ્રાફિક પોલીસની એક્સ્ટ્રા ઇન્કમ પર આની શું અસર પડે છે તે અંગે અમે કોઈ ચોંકાવનારું સંશોધન હજુ સુધી કર્યું નથી, પણ ભવિષ્યમાં કરીશું તો આ જ સ્થળે તમને વાંચવા મળશે એની અમે ખાતરી આપીએ છીએ!

હવે તો બારેમાસ લગ્ન થાય છે, કમુરતામાં પણ. પહેલાના સમયમાં લગ્નગાળો ઉનાળા વેકશનમાં જ આવતો. હજુ પણ ઉનાળામાં લોકોને પરણવાના અભરખા ઓછાં નથી થયા. ઉનાળુ લગ્નો અમદાવાદીઓને વધુ અનુકુળ આવે છે. ઉનાળામાં કેટલાય વેકશન માણવા બહારગામ ગયા હોય, એ સંખ્યામાં કપાય. અમુક ગરમીથી ત્રસ્ત થઈને ‘જવા દો ને, આપણે નહિ જઈએ તોયે લગ્ન તો થવાનાં જ છે’ કહી લગ્નમાં હાજરી આપવાનું માંડી વાળે છે. જે પરસેવો પાડીને શોભામાં અભિવૃદ્ધિ કરવાં આવે છે એ પણ ગરમીથી કંટાળીને હાજરી દેખાડી, જમવાનું જમી, જલ્દી વિદાય થાય છે. ગરમીમાં પાણી વધારે પીવાય છે. આવામાં કેટરર હોંશિયાર હોય તો વેલકમ ડ્રીંક અને મોકટેઈલના રુપાળા નામે ચાસણીદાર શરબત ખપાવે છે. બરફનું ઠંડું પાણી તો હોય જ છે લોકોની ભૂખ ભાંગવા! આમ વાનગીઓની ખપત ઓછી થાય છે. એટલે જ ઉનાળામાં કેટરર શિયાળા કરતાં ઓછાં ભાવે સર્વિસ પૂરી પાડે છે. એકંદરે ઉનાળામાં માંડેલો પ્રસંગ સસ્તામાં પતે છે.

ઉનાળામાં લોકો વેકશન માણવા બહારગામ જાય છે, ખાસ કરીને ગુજરાતીઓ. આનાથી હિલ-સ્ટેશનની ઇકોનોમીમાં સુધારો થાય છે.  હિલ-સ્ટેશનમાં ઉનાળો ન હોવા છતાં ત્યાંના લોકોને લાભ થાય છે. જે દેશમાં બારેમાસ ઠંડી પડતી હશે ત્યાં હિલ-સ્ટેશનો ખાલી હિલ બનીને રહી જતાં હશે અને ત્યાં જે તે દેશના કાળા કાગડા ઉડતાં હોય તેવું બને. પણ લોકો ઉનાળું વેકશન માણવા બહારગામ જાય એનાંથી ટ્રેઈનમાં કુલીથી લઈને ફેરિયાથી સુધી સૌને બિઝનેસ મળે છે. આવા વેકેશન માણ્યા પછી સોશિયલ નેટવર્કિંગ સાઈટ જેવી કે ફેસબુક પર ફોટા મૂકી લોકો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને બિઝનેસ પુરો પાડે છે. અને ચિત્ર-વિચિત્ર ફોટા થકી લોકો જોનારને મનોરંજન પૂરું પાડે છે એ તો સાવ મફતમાં જ!

આ ઉપરાંત વેપારીઓને ઉનાળા સંબંધિત ફાયદા તો થાય છે જ. એસી, કેરી, પાણી, ઠંડા પીણાં, બરફ ગોળા, આઈસ્ક્રીમ અને ટોપીઓના વેપારીઓ આ ધૂમ કમાય છે ઉનાળામાં. આ નાના-મોટા વેપારીઓને  બાદ કરો તો  ફિલ્મી સ્ટાર્સ અને સુપર સ્ટાર્સ પણ શરમ મૂકીને માથાના તેલ અને અળાઈના પાઉડર વેચવાની જાહેરાત કરીને રોકડી કરી લે છે! આમ ઉનાળો સરકારની રોજગાર કચેરી કરતાં વધુ સારી તકો ઊભી કરે છે. તો કહો કે ઉનાળો સારો છે સારો છે કે નહિ? 

Wednesday, May 22, 2013

ગુજરાતી કાર્યક્રમ સંચાલકોનો ઘરસંસાર

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
કવિ એટલે
એ કે
જેના પરસેવામાં
કસ્તુરી મૃગોના
નિશ્વાસથી ફૂંકાતા
વાયરા વડે ચાલતાં
ઈચ્છાઓના
શઢવાળા વહાણ
આખાને આખા
ડૂબી જાય છે
--
ગુજરાતી સાહિત્યરસીકોનું સદભાગ્ય છે કે એમને શ્રેષ્ઠ કવિઓ અને ઉત્તમ સંચાલકો મળ્યા છે. ઘણીવાર મૂળ કાર્યક્રમ કરતાં સંચાલન વધારે રસપ્રદ થઈ જતું હોય છે એ આપણા સૌનો અનુભવ છે. આમ છતાં સતત ગળ્યું ખાવાથી જેમ મોં ભાંગી જાય એમ એમની મીઠાશને લીધે અને વધુમાં સરકારી ખજાનો હોય એમ અલંકાર અને ઉપમા લુંટાવતા આ સંચાલકો ને કારણે હવે ગુજરાતી કવિ સંમેલનો, સુગમ સંગીત અને પુસ્તક વિમોચનના કાર્યક્રમો બીબાઢાળ બનતા જાય છે. એમાં સંચાલકની હાજરજવાબી બાદ કરતાં બાકીની રજૂઆત પ્રેડીકટેબલ બનતી જાય છે. ઉપર વાંચી એવી કવિતાઓ કાર્યક્રમમાં વંચાય એટલે એનો અર્થ શું થાય એ શોધતાં શોધતાં અમુક તો હતપ્રભ થઈને તાળીઓ વગાડવા લાગે છે. એટલે જ ઘણાં લોકો હવે એવા સવાલો પૂછવા માંડ્યા છે કે શું આ સંચાલકો એમનાં વાસ્તવિક જીવનમાં પણ આવા મૃદુભાષી હશે? જો હોય તો કેવી પરિસ્થિતિ થાય એની અમે થોડી કલ્પના કરી છે.

પ્રસંગ-૧ : સંચાલકના પત્ની એમને ચા આપે છે. આ ઘટના સંચાલક શ્રી પોતાના મિત્રને આ રીતે વર્ણન કરે છે. આમાં સંચાલનનો મૂળ મુદ્દો એ છે કે દરેક શબ્દનો પ્રાસ મેળવી ગદ્ય-પદ્ય રચવું. જેમ કે..
સંચાલક શ્રી: ‘સ્વર્ણલતા જ્યારે ચા આપે ત્યાર ચા નથી આપતી ચાહ આપે છે. એનાં હાથે જ્યારે કપ ટેબલ પર મુકાય છે ત્યારે એ ટેબલ ટેબલ નહિ વૃંદાવન બની જાય છે અને રકાબી મૂકવાના ઠક અવાજમાં જાણે વૃંદાવનમાં હાઈ-હિલ્સ પહેરીને ગોપીઓ રાસ રમતી હોય, એવો કાનને જ નહિ સમગ્ર અસ્તિત્વને ભ્રમ થાય છે. સવાર સ્વરમાં સ્વર્ણ લતાના હાથમાં ચાનો કપ એ કાનજી બની જાય છે અને અંદર ચા એ રાધા બની જાય છે. ડાઈનીંગ ટેબલ આખું  વૃંદાવન બની જાય છે અને આજુબાજુની ખુરશીઓ જાણે ગોપીઓ. સ્વર્ણલતાના સગ્ગા હાથે ટેબલ પર પહોંચીને ઠંડી ચા પણ તાપણેમઢી હોય તેવી કોકરવરણી લાગે છે. આવી ચાહ વાળી ચા પીને આપણા મ્હોમાંથી વાહ સિવાય બીજું શું નીકળે ???
એમાં જાણકારને જ ખબર હોય કે વાતમાં મોણ નાખવા આણે પત્ની નામે લતાને  સ્વર્ણલતા બનાવી દીધી છે.

પ્રસંગ-૨ : સંચાલકના ઘેર લેન્ડલાઈન પર ફોન આવે છે. ફોન કરનાર સંચાલકની પત્નીની ખાસ સહેલી છે જેને સંચાલક શરૂઆતમાં ઓળખી નથી શકતાં.
સંચાલક શ્રી: ‘અરે, અરે, સુજાતા! સવારે ક્યારામાં ઊગેલ તાજા જાસૂદ પર ઝાકળ ચમકી રહ્યું હતું ત્યારે જાસૂદ જોઈ તારો ભીનો ચહેરો મને યાદ નહોતો આવ્યો હતો એવું કહું તો હું મારાં મન સાથે છેતરપીંડી કરું છું એવું મને જિંદગીભર સાલ્યા કરે. તને ખબર છે? તારો ફોન જયારે ફોન આવે ત્યારે ખાલી ફોન નથી આવતો, ફોનમાંથી ઘંટડીરૂપે સાક્ષાત લતાજી (મંગેશકર) વાગતાં હોય એવું લાગે છે, બે ક્ષણ તો નક્કી નથી થઈ શકતું કે આ કોઈ ગીત વાગે છે કે પછી ફોનની ઘંટડી! બસ એ એક-બે ક્ષણમાં હું તારી બાની હ્રદયસ્થ કરી રહ્યો હતો ત્યાં તેં સોંસરું પૂછી નાખ્યું ‘કેમ છો?’. ખરું કહું તો મારા ફોનમાં તારો અવાજ કાગડીના માળામાં કોયલ જેવો લાગે છે. લે, આ કાગડી સોરી, કોકિલા અવી ગઈ, એની સાથે વાત કર’.

પ્રસંગ-૩ : ઘરમાં કચરો લેવા માટે સવારે સફાઈ કર્મચારી આવે છે.
સફાઈ કર્મચારી: ‘બેન કચરો આપવાનો છે?’ દરવાજો ખોલતા સંચાલક ભાઈને એ કહે છે.
સંચાલક શ્રી (પત્નીને): ‘લતા, તું કહે તો ઘરના ઉતરેલા ઠાઠ જેવો કચરો આ બહેનના બારણે ટકોરા મારતા હાથમાં આપી દઉં. નહિતર એ બિચારી કચરાની રાહમાં અનિમેષ નયને બારણે લાગેલી મારી નામની તકતીને તાકી રહે તો પછી કહેતી નહિ કે તમને નજર બહુ લાગી જાય છે. ને હે સખી, નજરનું તો એવું છે કે મને તારી નજર લાગે છે અને તુંજ નજર ઉતારે છે એટલે સારું છે વાત ઘરની ઘરમાં જ રહે છે.’
આટલું બોલે ત્યાં સુધીમાં લતા ઘરના મુખ્ય દરવાજે પહોંચી જઈ ડસ્ટબીન પછાડે છે.

પ્રસંગ-૪ : સવાર સવારમાં બેસણામાં જવાનું છે. લતા સફેદ સાડી પહેરી તૈયાર થાય છે.
સંચાલક શ્રી: ‘આ સફેદ એ તારી સાડીનો રંગ નથી, એ તો જિંદગીના રંગની રંગહીનતા છે, જે કોઈના હ્રદયસ્થનાં સ્વર્ગસ્થ થવાથી ઉષાના કિરણોમાંથી રક્તકણ ખેંચીને વધેલું રક્ત અરવલ્લી પર બિછાવી દીધું હોય એવો ભાસ કરાવે છે. સફેદ અકવિની વિચારશૂન્યતા છે. સફેદ બરફની કચાશ છે. સફેદ દેશી ભોજન સાથેની છાશ છે. સફેદ એ માત્ર રંગ નથી, સફેદ એટલે સફેદ એટલે તારા અતૃપ્ત રક્તનો રંગ. ને લાલ એટલે મારાં બેચેન રક્તના સફેદ રંગમાં ભળવા માંગતો તારા પાનેતરનો રંગ.
લતા: ‘તમે ય શું પેલા આનંદભાઈ મરી ગયા છે ને પાનેતરની વાત કરો છો..’
સંચાલક શ્રી : ‘આનંદ મર્યો ન કહેવાય સુવર્ણલતા, આનંદ મરતા નથી, આનંદ તો આપણા હ્રદયસ્થ થયો છે એમ કહેવાય’
લતા(જીભડો બહાર કાઢતાં) : ‘પણ તમારા મોટાભાભી ‘ળ’ ને બદલે ‘ર’ બોલે છે, એ તો આવું ઘણીવાર બોલે છે, કે મને તો આમ કરવામાં આનંદ મરે છે.’  
સંચાલક શ્રી: ‘સાંભળ, ભાભીની વાત ન થાય લતા, હું એમનો ગુજરાતીનો શિક્ષક હોત તો ‘ઝળહળ ઝળહળ ખળખળ ખળખળ વહે સરિતા જળ, મન જગાવે આનંદ પણ માનવીનું મન અકળ, વિહ્વળ, અવિચળ’ એ કવિતા પચાસવાર મોઢે ન બોલે ત્યાં સુધી ગુજરાતીમાં પાસ ન કરત’
લતા : ‘તો તમને અભણ ભાભી મર્યા હોત, આઈ મીન મળ્યા હોત. ચાલો હવે નહીંતર બેસણું ઉભું થઈ જશે’.

પ્રસંગ-૫ : સંચાલકની આઠ વરસની દિકરી ડેડીને સુદામા વિષે જનરલ પૂછપરછ કરે છે.
સંચાલક શ્રી : ‘સુદામા કૃષ્ણના ખાલી સહાધ્યાયી નહોતાં, એતો કૃષ્ણના મનોધ્યાયી હતાં. સુદામા એ કૃષ્ણનો પર્યાય છે. સુદામા એ કૃષ્ણ જીવનનો ગીતાથી પણ જૂનો અધ્યાય છે. કૃષ્ણ-સુદામાની દોસ્તીને કોઈ નામ ન અપાય. એ દોસ્તીને નામ આપો તો નામનો મહિમા ઓછો થઈ જાય. આમ છતાં સુદામાની ગરીબી પર કૃષ્ણની નજર છે, ને કૃષ્ણની મહાનતામાં સુદામાની સાદગીભરી અસર છે. સુદામા અયાચક છે, તો કૃષ્ણ નાયક છે. સુદામાના આગમન પાછળનું પ્રયોજન એ સમજે છે ને છતાંય એમણે સુદામા માટે કરેલ પ્રાવધાન સુદામાને જણાવતા નથી. જે વિના કહે સમજે એ સખો છે. જે વિના વાદળ વરસે એ વાસુદેવ છે. જે વિના માંગે આપે એ માધવ છે. રેશનિંગની દુકાનથી લાવેલા સુદામાના તાંદુલ જે પ્રેમથી ખાઈ શકે એ કૃષ્ણ જ હોઈ શકે.’
છોકરી સુખેથી ઉંઘી ગઈ.  n

Friday, May 17, 2013

એરહોસ્ટેસની ડાયરી

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |હું રીતુ. નામ તો જિગીષા છે, પણ ફ્લાઈટમાં રીતુ લખેલી નેઈમ પ્લેટ લગાડું છું. આજે અમદાવાદની ફ્લાઈટમાં મારી ડ્યુટી છે. ફ્લાઈટમાં ગુજ્જેશો ભરપૂર હશે. જોકે એટલું સારું છે કે બેંગ્લોરની ફ્લાઈટમાં બિઝનેસ રિલેટેડ ટ્રાવેલર્સ વધારે અને ફેમિલી સાથે જનારા ઓછાં હોવાથી પ્લેનમાં તો કમસેકમ હજુ સુધી ગુજરાતના થેપલાં અને તીખી પૂરીની ખુશ્બુ નથી ફેલાઈ. મોટે ભાગે સોફ્ટવેર એન્જીનીયર છોકરડા જ વધારે હોય.


જેવી બોર્ડિંગની શરૂઆત થયા એટલે શરૂઆતમાં અમે ત્રણ ચાર જણીઓએ દરવાજાની સામે ગોઠવાઈ જવાનું હોય. પડદો ખૂલે અને જેમ કલાકારો સજ્જ થઈને ઊભા હોય એમ. બધાનું સ્વાગત કરવાનું. મોઢા પર સ્માઈલ હોવું જરૂરી. ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ પણ કહેવાનું. પણ આ આપડાવાળા સમજે નહિ. સામે મોટા સ્માઈલ આપે. અમુક તો તાકવાની શરૂઆત કરી દે. અમારે તો આ રોજનું થયું. દોઢસો બસો જણને એક ફ્લાઈટમાં આવકારવાનાં. એમાં પેલાની ઇચ્છા તો તારામૈત્રક રચવાની હોય. પણ  સારું છે આપણી અધીરી પ્રજા રેલવેમાંથી અપગ્રેડ થઈને પ્લેનમાં બેસતી થઈ છે એટલે ઘેલાની અખિયા મિલાવવાની મેલી મુરાદો પર પાછળથી ધક્કો મારી દે છે. પેલો પણ ના છૂટકે આગળ વધે છે.

બધાં બેસી જાય એટલે ઉપરના ખાનાને ધક્કા મારી બંધ કરી અમારે સ્વાગત અને સૂચના આપવાનું કામ હોય. સૌથી પહેલી સૂચના હોય મોબાઈલ ફોન સ્વિચ ઑફ કરવાની. પણ આપણી પ્રજા! હરામ છે જો કોઈ સ્વિચ ઑફ કરતું હોય તો. અડધાને તો ફોનમાં સ્વિચ ઑફ અને સાઇલન્ટનું બટન ક્યાં આવ્યું એ જ ખબર નથી હોતી. વિમાનમાં બેઠાં નથી કે પાછળ ફોન આવે. વોલ્યુમ પાછું લાઉડ રાખ્યું હોય. તોયે આખી આરતી વાગી જાય ત્યાં સુધી એને ફોન જડે નહિ. પાછું છેલ્લી સીટ સુધી સંભળાય એમ મોટા અવાજે વાત કરે. હા, બેસી ગયો. સામાન મૂકી દીધો ઉપર માળીયામાં. હા હા હવે. જોખમ બધુ ગજવામાં છે. મૂક હવે તું, આ પટ્ટો બાંધવાનું કહે છે.સસ્તી એરલાઈનમાં નોકરી હોય એટલે આ બધું સાંભળવું પડે. મારી ફ્રૅન્ડ મોંઘી ટીકીટવાળી એરલાઈનમાં નોકરી કરે છે ત્યાં લોકો મોબાઈલ પર વાત કરે તો પણ મ્હો આગળ હાથ ધરે.

બધા સેટલ થાય એટલે અમારા તરફથી સૂચનાઓ ચાલુ થાય. એક જણ બોલે અને બાકીની બધીઓએ ઍક્શન કરવાની. આપાતકાલીન નિકાસ માટે દો દ્વાર આગે અને દો દ્વાર પીછેઍક્શન કરી બતાવવાના હોય. દરવાજા સુધી જવા માટેનો રસ્તો ફર્શ પર લગી બત્તીઓથી મળે એવું પણ બતાવવું પડે. આ તો ઠીક છે આપત્તિ આવતી નથી નહિતર લોકો રસ્તો જાતે જ શોધી લે. કોઈને કહેવાની જરૂર થોડી પડે? પણ અમુક જણા તો અમે બત્તીઓ બતાવીએ એ વાંકા વળીને જુએ. મોટે ભાગે અંક્લ્સ. યંગસ્ટર્સનું ન્યુસન્સ ઓછું. એ લોકો તો એમનાં આઈ પેડ કે મોબાઈલ સાથે રમતાં હોય. અને એ બંધ કરાવીએ એ પછી ઊંઘી જાય. જાગતા હોય એ અમારા નાસ્તા પાણીના કસ્ટમર બને!

આ જોબમાં અંકલોનો બહુ ત્રાસ હોય છે. અડધાં તો એમાં ઈંગ્લીશ સમજતાં ન હોય પણ બેલ મારીને બોલાવે બોલાવે અને બોલાવે જ. પછી પાણી માંગે. છાપું માંગે. કાનમાં નાખવા રૂ માંગે.  અમારે ડ્યુટી તરીકે આપવું પડે, પણ અંકલ જરૂર વગર પાણી પીવે અને પછી પેસેજમાં આંટા મારવા નીકળી પડે. પણ એમનાં તેવર જાણે વોશરૂમ નહિ બોર્ડરૂમમાં પ્રવેશ કરતાં હોય એવા જણાય. સીટ પરથી ઊભા થઈ બહાર આવે એટલે એમનું પહેલું કામ કમરથી પકડી પેન્ટ ઉપર ખેંચવાનું હોય! લોલ! ફાંદ હોય એટલે પેન્ટ ઊતરી જ પડે ને! પછી પૉકેટમાંથી કાંસકો કાઢી વાળ ઓળે. એમાં માથે વાળ સહારાની ખેતી જેવા હોય. આપણને તો ઘણુંય મન થાય કે અંકલ વાળ આજુબાજુવાળા પર પડે આમ રસ્તામાં ન ઓળાય. પણ એવું પૅસેન્જરને થોડું કહેવાય? પછી બેઉ બાજુ સીટ પર કોણ કોણ બેઠું છે એનો સર્વે કરતાં વોશરૂમ તરફ જાય.

વિમાન ઊંચાઈ પર જઈ સ્ટેબલ થાય એટલે જલપાન સર્વિસ ચાલુ થાય. એકવાર એક ભાઈ આ જલપાન સાંભળીને મને કહે મૅડમ કલકત્તી પાન મિલેગા?’ હું ને પૂજા તો હસી હસીને બેવડ વળી ગયા. હિન્દી પણ આવડતું નથી આ લોકોને. જોકે સાચું કહું, હું ગુજરાતની ખરી, પણ મનેય તે શરૂઆતમાં તકલીફ પડતી હતી. હિન્દીમાં. ઈંગ્લીશ ફાવે. હવે તો પ્લેનમાં પાણી સિવાય કશું મફત નથી મળતું. શરૂઆતમાં કન્ફ્યુઝન થતું હતું. હવે લોકોને ખબર છે કે સો દોઢસો રૂપિયા ખર્ચ્યા વગર કશું મળશે નહિ, એટલે લોકો માનસિક રીતે તૈયાર હોય છે. પણ જે અંક્લ્સ અત્યાર સુધી કુતૂહલથી જોતાં હોય એ જેવા અમે લારી લઈને નીકળીએ ત્યારે આંખો બંધ કરીને ઊંઘવા લાગે, કદાચ એમને ડર હશે કે રખેને સ્માઈલ આપીને અમે એમને સેન્ડવીચ વેચી દઈશું. તમને થશે આ લારી કેમ કહે છે. પણ કાર્ટ કહો કે લારી બધું સરખું જ,  મૂળ તો કન્સેપ્ટ એજ ને. અમે થોડા સારા કપડાં પહેરીએ અને અંગ્રેજીમાં વાતો કરીએ. પણ ખાવાના ઑર્ડર મોટે ભાગે ફેમિલી અથવા પેલા સોફ્ટવેર એન્જીનીયર્સ પાસેથી મળે. એમનાં ગજવામાં રૂપિયા કૂદતા હોય છે!

અને અમુક તો પાછાં ક્યૂટ હોય છે. એમાં જો રૂપિયાની લેણદેણમાં જરાક વધારે વાત કરીએ તો બિચારાંને રાતે ઊંઘ પણ ન આવે, પણ વધારે હસવાની અમને મનાઈ છે. એકવાર વધારે હસી તી એમાં અમારી કેબીન કૅપ્ટન વનાઝે મને મેમો આપ્યો હતો. બસ, આમ બે કલાક લેવડદેવડમાં પુરા થઈ જાય અને અમદાવાદ આવી જાય. ઘેર પહોંચી બીજાં દિવસે પાછાં ડ્યુટી પર. ચાલો તો લેન્ડિંગની તૈયારી છે. પાછી કમર પટ્ટો ઉર્ફે પેટી બાંધવાની સૂચના આપવા જાઉં ત્યારે! 


લેંઘો અને નાડું: એક પારસ્પરિક સંબંધ

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
લેંઘો એ ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે કે નહીં એવી કોઈ ચર્ચાઓ થતી નથી એટલું સારું છે. એટલે લેંઘો દિવસે દિવસે આઉટડેટેડ થતો જાય છે. એટલીસ્ટ નાઈટડ્રેસમાંથી તો ખરો જ. એક તરફ સુતરાઉ કપડા મોંઘાં થતાં જાય છે અને બીજી તરફ લેંઘા જેવી તુચ્છ વસ્તુ સીવવા નાખવાનો દરજીઓ પાસે સમય નથી. પેલી તરફ સફેદ લેંઘો પહેરીને તમે ચા પીતાં હોવ તો ચાનું ટીપું રકાબી કે કપના ધારથી તમારા લેંઘા તરફ પ્રયાણ કરે તે સમગ્ર ઘટના પર પત્નીઓ ચાંપતી નજર રાખે છે, પણ ચાના ટીપાં પત્નીઓની બાજનજર ચૂકવીને લેંઘા પર ડાઘો પાડીને જ રહે છે. પછી અપેક્ષિત બુમાબુમ થાય છે. એટલે જ કદાચ પુરુષો હવે લેંઘા-વિપગ (વિમુખની જેમ!) થતાં જાય છે. આમ છતાં જ્યાં સુધી ગુજરાતી સુગમ સંગીત જીવે છે ત્યાં સુધી લેંઘાને ઉની આંચ નહિ આવે એવું પણ અમારું માનવું છે.

લેંઘા એનાં પુરોગામી ધોતિયાં કરતાં ઓછાં બદનામ છે. કારણ કે લેંઘા વધુ સભ્ય છે. પણ આ લેખનો મુદ્દો લેંઘા નહિ લેંઘાનું નાડું છે. લોકો ભલે લેંઘામાં ઇલાસ્ટીક કે બટન નખાવતા હોય, પણ લેંઘાની શાન અને જાન એનું નાડું છે. અનેકવિધ ઉપયોગો ધરાવતા નાડા જરૂર પડતાં મુસાફરીમાં લેંઘા-ચણિયામાંથી નીકળી બેગોની ફરતે વીંટાતા પણ જોવા મળે છે. ઘરમાં ફાટેલા લેંઘાના નાડા રીસાયકલ થઈ પસ્તી બાંધવા વપરાય છે. પણ નાડું મૂળભૂત રીતે નેફામાં થઈ કમર ફરતે ચકરાવો લઈ અંગ્રેજી આઠડાની માફક ગાંઠ રૂપે બંધાય ત્યારે બાંધનાર આ ક્રિયા પછી જાણે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયો હોય એટલો હળવો થઈ જાય છે.

લેંઘાનાં નાડાનો એક ગુણ ખોવાઈ જવાનો છે. મતલબ કે નાડું નહિ, એનો છેડો. સામાન્ય રીતે સાંજે ઓફીસના કપડામાંથી નીકળ્યા અને લેંઘામાં બે પગના પ્રવેશ બાદ એ જાણકારી મળે છે કે નાડાનાં બે છેડા પૈકી એક છેડો તો સંતાકૂકડી રમી રહ્યો છે. પછી લેંઘાને બે પગ વચ્ચે દબાવી છેડો બહાર કાઢવાના પ્રયત્ન થાય છે. એમાં ટચલી આંગળીથી પણ નિષ્ફળતા મળે એટલે અન્ય અસ્ત્ર-શસ્ત્રની તલાશ શરુ થાય. પણ અમારા જેવા આળસુ લોકો આવા સમયે લેંઘામાંથી બહાર નીકળી ટુવાલ કે પહેલાં પહેરેલ પૅન્ટમાં પાછાં જવાની મહેનત કરવાના બદલે અડધી કાઠીએ પહેરેલા (કે ઊતરેલા) લેંઘા સહિત નજીકના પડેલ ટેબલનાં ખાના સુધી યુ-પીન, હેરપીન જેવા પદાર્થ શોધવા પહોંચી જાય છે. એકંદરે ખાસી મહેનત, અકળામણ અને ગુસ્સા પછી નાડું બહાર આવે ત્યારે એને કસીને બાંધવામાં આવે છે. આમ તમે દાઝ ઉતારો એ નાડાને પસંદ ન આવે તો એ તૂટી પણ જાય છે.  

નાડું બાંધવું એ એક કળા છે. જેને છેડો ગુમ થવાનો કે નાડું તૂટવાનો અનુભવ હોય તેવા દુધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ અનેકગણી સાવચેતી વર્તે છે. નાડાનો છેડો ગુમ થતો રોકવા નાડાનાં બેઉ છેડાને પરસ્પર બાંધી દેવાની રીત પ્રચલિત છે. આમ કર્યાં પછી ગાંઠ મારવા માટે પુરતા પ્રમાણમાં વધારાનું નાડું હોવું જરૂરી છે. પણ અમારા જેવા કંજૂસ પ્રકૃતિના માણસોને નાડાનો વૈભવ પોસાતો નથી એટલે છેડા ટૂંકા રાખી ગાંઠ મારે છે. આ રીતે મરાયેલી ગાંઠ શાંતિના સમયમાં માફક આવે છે પણ યુદ્ધ જેવા ઉતાવળના સમયે ગાંઠ જલ્દી ખુલતી નથી. આવા ટાઈમે કાતર વડે નાડા કટિંગ કરી સમય સાચવી લેવામાં આવે છે. આવો અનુભવ હોય તેવા મનુષ્યો નાડાનાં છેડા લાંબા રાખવાનું પસંદ કરતાં થઈ જાય છે. આમ ગમે તેટલા લાંબા રાખો તો પણ છેડો ખોવાઈ શકે છે, એટલે જ લેંઘાના નાડાનું સેન્ટર બેલેન્સિંગ અવારનવાર કરતાં રહેવું પડે છે.

લેંઘો સામાન્ય રીતે ડૂંટીપ્રદેશથી ઉપર સુધી પહેરાતો હોય છે. ઉંમરલાયક લોકો માટે આ ફૅશન છે અને ફાંદેશો માટે એ જરૂરિયાત. નાડું જો ફાંદ નીચેનાં  ઢોળાવ તરફ બાંધ્યું હોય તો નીચે સરકી જવાની પ્રબળ શક્યતા રહેલી હોય છે. આવી મજબૂરી સિવાય પણ લેંઘા ઉપરની તરફથી પહેરવામાં આવે છે. ગંજીને લેંઘામાં ઇન-ગંજી (ઇન-શર્ટની જેમ!) કરવાની ફૅશન પણ હજુ પ્રચલિત છે. આમ થવાથી નાડાનું ફૂમતું અગ્રભાગમાં ઝૂલી ધ્યાનાકર્ષિત કરે છે. નાડા જો બ્રાન્ડેડ આવતા હોત તો આવા લોકો થકી નાડા કંપનીઓ મફત પબ્લીસીટી પણ થઈ શકે.

નાડાનાં વિકલ્પ તરીકે વપરાતું ઇલાસ્ટીક નાડા કરતાં વધારે જોખમી છે. એમાં ઇલાસ્ટીકનાં કોઈ ટેસ્ટ થતાં નથી. સાયન્સની રીતે કહીએ તો ઇલાસ્ટીક સમય જતાં પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. સાદી ભાષામાં એ ઢીલું પડી જાય છે. સ્થિતિસ્થાપક પદાર્થ પર આપેલ બાહ્યબળ જ્યારે પાછું ખેંચી લેવામાં આવે ત્યારે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. એટલે ૩૪ની કમર પર શરૂઆતમાં ફીટ આવતું ઇલાસ્ટીક સમય જતાં ૩૬ની કમરને માફકસર બંધ બેસે છે. કમરમાં વધારો ન થયો હોય તો આ વધારાના આ બે ઇંચ લેંઘાને ભૂમિગત કરવા માટે જવાબદાર બને છે, અને આવી ઘટના બાદ માણસ બેજવાબદાર ગણાતો થઈ જાય છે. એટલે જ જવાબદાર માણસે ઇલાસ્ટીકનાં નાડાવાળા લેંઘાના ખીસામાં વજનદાર મોબાઈલ કે વધારે પરચૂરણવાળું પાકીટ મૂકવું ના જોઈએ! 

લેંઘો જો દેશ હોય તો નાડું એની આંતરિક સુરક્ષા ખાતું છે. પણ એ આપણા દેશની આંતરિક સુરક્ષા જેવું જ છે, જેમાં દુર્ઘટનાઓ ઘટે પછી જ એનું મહત્વ લોકોને સમજાય છે. આમ છતાં નાડા બ્રાન્ડેડ નથી આવતા. નાડાની જાહેરાત ટીવી પર કે અખબારોમાં જોવા મળતી નથી. હેમા, રેખા, જયા અને સુષ્મા આ બધીઓ ઘર માટે મહદ અંશે રેલવે સ્ટેશન આસપાસની લારીઓ પરથી નાડું ખરીદે છે જેની કોઈ ગુણવત્તા ચકાસણી નથી થતી. નાડું કેટલું ખેંચાણ સહન કરી શકશે એ અંગે બ્યુરો ઑફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ દ્વારા માનક પણ બહાર નથી પાડવામાં આવ્યા. એટલે જ તો ઉપર જણાવી એવી દુર્ઘટનાઓ ઘટે છે !