Sunday, July 29, 2012

કનુ અને મનુ : એક જોક્સ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૯-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |   


ઘણાં લોકોને જોક સંભળાવવાનો ખૂબ શોખ હોય છે. આવા લોકો એક જોક્સ કહુકરી શરુ કરે અને જોક પૂરો થાય એ પહેલા તો પોતે હસવા લાગે. આ દુનિયામાં એવી પણ નોટો છે કે જેમને ચોક અને ડસ્ટર લઈને  જોક સમજાવવો પડે. તો એક અમારા અમેરિકાવાસી ફેસબુક દોસ્ત કેતનભાઈ છે જે ફેસબુક પર જોક વાંચીને હાહાહાહાકરીને એટલું જોરથી હસે છે કે એમની ઑફિસમાં ભુરિયાઓ ઉભા થઈને જોવા લાગે કે વોસ્સ પ્રૉબ્લેમ વિથ કેટન?’ હમણાં જ અમે આવો એક જોક સાંભળ્યો.



કનુઃ કેમ રે...છેલ્લા ૬ મહિનાથી તેં જગ્યાનું ભાડું આપ્યું નથી. ગમે તેમ કરીને ભાડાનાં પૈસા આપ. હું તને ફક્ત ત્રણ દિવસની મુદત આપું છું.

મનુઃ ઠીક છે, હું દશેરા, દિવાળી અને ક્રિસમસ આ ત્રણ દિવસ પસંદ કરું છું.



 ઉપરોક્ત જોક મરકી જવાય એવો અને બહુ સરળતાથી પચી જાય એવો સુપાચ્ય છે. પરંતુ નવરાં નખ્ખોદ વાળે એ ન્યાયે અમે આ જોકમાં થોડા ઊંડા ઉતરી જોકની થોડી એનાલિસીસ કરી નાખી. વાંચનારને ચેતવણી આપવામાં આવે છે કે આ એનાલિસીસની વધારે એનાલિસીસ કરવી નહિ.

૧) પહેલું તો મકાન માલિક અને ભાડુઆત કનુ અને મનુનાં નામમાં કાફિયા મળે છે એ ઘણો મોટો જોગાનુજોગ છે. જાણવા જેવું એ પણ છે કે જો બંનેની પોતપોતાની ફોઈઓએ એમના નામ રાશિ પ્રમાણે પાડ્યા હોય તો કનુ મિથુન રાશિનો અને મનુ સિંહ રાશિનો થયો. એટલે જ્યોતિષશાસ્ત્રની રીતે જોઈએ તો કનુએ મનુને ઘર ભાડે આપીને મોટી ભૂલ કરી છે.

૨) મનુએ છ મહિનાથી ભાડું નથી આપ્યું એના કારણો શું હોઈ શકે તે વિચાર માગી લે છે. શું મનુની આર્થિક પરિસ્થિત એટલી ખરાબ છે? શું મનુની નોકરી છૂટી ગઈ છે? શું મનુની બૈરી (પત્ની વાંચવું) (બહુ) ખર્ચો (કરે) છે? શું આ માટે રાજ્ય સરકાર કે ભારત સરકારને જવાબદાર ઠેરવી શકાય? કે પછી આ વૈશ્વિક મંદીની અસર છે?

૩) કનુ મનુ ને ગમે તેમ કરીનેભાડાના પૈસા આપી દેવા જણાવે છે તે ખૂબ જ વાંધાજનક છે. ગમે તેમ કરી ને એટલે? શું મનુ બેંક લૂંટીને પણ ભાડું ભરે તેવું કનુ ઇચ્છે છે? શું મનુ પોતાના છોકરાંનું (જો હોય તો) ભણતર રખડાવી ભાડું ભરે? અને આવું જ જો થાય તો આખી સમાજ વ્યવસ્થા તૂટી પડે એનો કોઈએ વિચાર કર્યો છે ખરો?

૪) કનુ મનુને ત્રણ દિવસની મુદત આપે છે તે વાજબી નથી. છ મહિનાનું ભાડું ચઢી ગયું ત્યાં સુધી શું કનુ ઊંઘતો હતો? એકદમ ત્રણ દિવસની મુદત આપે તો બચારો મનુ ક્યાંથી રૂપિયા લાવે? અને મુદત શબ્દનાં ઉપયોગથી કનુ વકીલ હોય તેવી અમને ગંધ આવે છે. આમ, આ જોક વકીલોની સમાજમાં વધી ગયેલી ધાકનો પણ આડકતરો ઉલ્લેખ કરે છે.

૫) મનુ ત્રણ દિવસની મુદતના જવાબમાં સૌથી પહેલાં ઠીક છેએવું કહે છે. આ મનુનો કુલસ્વભાવ દર્શાવે છે. આથી જ આપણે મનુનું શું થશે એવી ચિંતા આગળ કરી હતી તે અસ્થાને છે તેવું પ્રતીત થાય છે. કદાચ મનુના આવા કૈંક ચક્કર હોઈ શકે અને એને રોજ નોટિસો મળતી હશે એટલે એને આમાં કશી નવાઈ નથી લાગતી.

૬) મનુ દશેરા, દિવાળી અને ક્રિસમસ એ ત્રણ દિવસની પસંદગી કરે છે. આમાં મનુ પોતે ડફોળ છે અથવા તો એ કનુને ડફોળ બનાવવા માંગે છે એવું જોકમાં કહેવાયું છે. એ જે હોય તે, મનુ શોખીન ચોક્કસ લાગે છે. દશેરા અને દિવાળીની પસંદગી મનુ ફાફડા જલેબી અને દિવાળી નાસ્તાનો શોખીન હોય તેવું દર્શાવે છે. જોકે મનુની પત્ની ડાયેટીશિયન નહિ હોય નહીંતર એ મનુને ફાફડા જલેબી ન ખાવા દે. આ ઉપરાંત ક્રિસમસની પસંદગી મનુ વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત હોય તેવું દર્શાવે છે.

૭) પણ દશેરા અને ક્રિસમસ ભેગાં કરનાર મનુ સેક્યુલર હશે તેવું માની શકાય. જો કે એ સંજોગોમાં જોક બનાવનારે ચાર દિવસની મુદત આપી હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એ ચારેય ધર્મોનાં તહેવારોને  જોકમાં સ્થાન આપ્યું હોત તો દેશના બિનસાંપ્રદાયિક અને બુદ્ધિજીવી લોકો પણ આ જોકને માણી શકત. ખેર, જોક બનાવનારને જે ગમ્યું તે ખરું! થોડું લખ્યું છે, ઝાઝું કરીને વાંચજો!

ડ-કાકા
આઈ હેઈટ ટીયર્સ બકા, સોરી, કાકા ! !

Monday, July 23, 2012

એકડાની મોનોપોલી

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
મનુષ્યના જીવનમાં એક નંબરનું બહુ મહત્વ છે. આમ તો ગણિતજ્ઞોએ શૂન્યની બીજી બાજુ માઈનસમાં આખી સંખ્યા સૃષ્ટિ શોધી છે, પણ ગણતરીની શરૂઆત તો એકથી જ થાય છે. માતાની કુખે પહેલું બાળક જન્મે એટલે એ આપોઆપ એક નંબરનું બાળક ગણાય છે. એનાં ભણવાની શરૂઆત પહેલાં ધોરણથી થાય છે. આ બાળક કૉલેજમાં જાય તો પણ એને ફર્સ્ટ ઇયરમાં જ પ્રવેશ મળે છે. પછી એ પ્રેમમાં પડે, એક વાર, બે વાર, ત્રણ વાર, અનેક વાર. પણ મહિમા તો પહેલાં પ્રેમનો જ ગવાય છે. અરે, પહેલું ચુંબન ક્યાં કોઈ ભૂલી શકે છે? માણસ લગ્ન કરે તો તે સૌથી પ્રથમ પહેલાં લગ્ન જ કરે છે, એની ગમે તેટલી શાખ હોય, એ ગમે તેટલો પૈસાપાત્ર હોય, એ સીધાં બીજાં લગ્નથી શરૂઆત નથી કરી શકતો. અને લગ્ન કરે એટલે પાછી પ્રથમ રાતનું મહત્વ ક્યાં ઓછું છે? બીજાં લગ્નની ત્રીજી રાતે શયનખંડ સજાવે એવું જોયું છે કદી કોઈએ? જબરી જોહુકમી છે આ નંબર વનની!

જેણે પણ આ એકડાની શોધ કરી છે, એણે એકડાની મોનોપૉલી કરી બીજા આંકડાઓને હળાહળ અન્યાય કર્યો છે, અને એટલું જ નહિ આ કાવતરાનું મૂળ સદીઓ જુનું છે. હા, કાલિદાસે પણ અષાઢસ્ય પ્રથમ દિવસે કહ્યું હતું, દ્વિતીય, તૃતિય કે ચતુર્થ દિવસે નહિ. રામાયણમાં દશરથની રાણી નંબર વન કૌશલ્યાનાં પુત્ર નંબર વન રામને વનમાં જવું પડે અને પોતાના પુત્ર ભરતને ગાદી મળે એ માટે રાણી નંબર બે કૈકયીએ કેટલાં પ્રયત્ન કરવા પડ્યા હતાં. વિચારો કે આ નંબર વનનું આટલું વર્ચસ્વ ન હોત તો રામાયણ રચાત? 

શૂન્ય ગમે તેટલાં હોય પણ એકડા વગર એનું મૂલ્ય શૂન્ય જ હોય છે, પણ આગળ એકડો લાગે એટલે એ દસ, એક સો, એક હજાર, એક લાખ, એક કરોડ, એક અબજ બની જાય છે. એક શૂન્ય પાલનપુરીના અપવાદને બાદ કરતાં શૂન્યની કિંમત એકડા વગર કંઈ નથી. એવું કહેવાય છે કે સ્ત્રી પુરુષ એકબીજા વગર એકડા વગરના મીંડા જેવા છે. પણ વાસ્તવિક જીવનમાં કોણ એકડો અને કોણ મીંડું છે એ નક્કી કરવા માટે (શારીરિક રીતે એક જણ એકડા જેવું અને બીજું મીંડા જેવું દેખાતું હોય તો પણ!) આ બંને અંદર અંદર કાયમ ઝઘડતા રહે છે, અને એમ જ જીંદગી પૂરી થઈ જાય છે.

રૂપિયામાં પણ એક નંબરના રૂપિયા અને બે નંબરના રૂપિયા હોય છે. ઘણાને બે નંબરના રૂપિયા બહુ ગમે છે, જોકે એક નંબરના તો એમને ગમે જ છે. એક નંબરના રૂપિયા બેંક ખાતાઓમાં રહે છે અને એ સફેદ કહેવાય છે. તો બે નંબરના તિજોરી અને લોકરોનાં અંધારાંમાં રહે છે અને બ્લેક મની કહેવાય છે. રૂપિયામાં પણ આમ રંગભેદ છે, અને એ પણ નંબરને આધારે છે એ વાત ઘણી દુ:ખદ છે.

સંઘર્ષ કરી આગળ આવેલ ગોવિંદા નામનાં ફિલ્મ અભિનેતા કમ કોમેડિયનની ઘણી હીટ ફિલ્મોનાં ટાઇટલમાં નંબર વન હતું. પણ કુલી નંબર ૧, જોડી નંબર ૧, હીરો નંબર ૧ જેવી ઘણી ફિલ્મમાં કામ કરવા છતાં એ અભિનેતા નંબર ૧ ન બની શક્યો. આ દરમિયાન એને લેટ લતિફ નંબર ૧ નું માનદ ઉપનામ પણ મળ્યું. પછી એણે નેતા નંબર ૧ બનવા કોશિશ કરી. પણ રાજકારણમાં એ ફિલ્મો જેટલો સફળ ન થઈ શક્યો. છેલ્લે એની દશા વોશરમેનનાં ડોબરમેન જેવી થઈ ગઈ. (આ બોલ બચ્ચનફિલ્મ જોઈ ત્યારથી થોડો અંગ્રેજીનો પ્રૉબ્લેમ થઈ ગયો છે!) જોકે આ રાજકારણના મામલે તો આ છોટેમિંયા પહેલાં બડે મિંયા અમિતાભે પણ ક્યાં આંગળાં નહોતા દઝાડ્યા? એ પણ એ પ્રાઈમ મિનિસ્ટર કમ ફ્રેન્ડ નંબર ૧ માટે! 

રાજકારણમાં આમેય નંબર વનનું મહત્વ ખૂબ છે. અહિં કોઈ સંપત્તિમાં તો કોઈ પૂતળા બનાવવામાં, કોઈ ઉત્સવો કરવામાં તો કોઈ કૌભાંડો કરવામાં, કોઈ ઉદ્ઘાટન કરવામાં ને કોઈ કંઈ નહિ કરવામાં નંબર વન હોય છે. પાછાં આ નંબર વન નક્કી કરવા જાત જાતના સર્વે થતાં હોય છે. એમાં ચીફ મિનિસ્ટર નંબર વનનો સર્વે ગરમાગરમ ચર્ચા જગાવે છે. જેની તરફેણમાં સર્વેના પરિણામો  હોય તે રાતોરાત હોર્ડીંગો પર ચઢી જાય અને જેનું નામ સર્વેમાં પાછળ હોય એ સર્વેની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરે. રાજકારણીઓને આમેય આવું વિરોધનું રાજકારણ બહુ ફાવે. રાજકારણમાં નંબર વન હોવું પૂરતું નથી, નંબર વન દેખાવું પણ એટલું જ જરૂરી હોય છે.

વિશ્વમાં દરેક કંપનીઓ પોતાને નંબર વન કંપની સાબિત કરવા પ્રયત્ન કરે છે. અમુક તો પોતે નંબર વન છે એવું જાતે જાહેર પણ કરી દે છે. એક મોબાઈલ કંપની પણ પોતે નંબર વન છે એવું જાહેર કરે છે, પણ અમારા અનુભવ પ્રમાણે એ કંપની કોલડ્રોપ રેટમાં નંબર વન છે. કોઈ કંપની એમની ફૅક્ટરીમાં સૌથી વધારે ઘાસ છે એ બાબતે પણ નંબર વન હોઈ શકે. તમે ઝીણા અક્ષરોથી લખેલું લખાણ વાંચો ત્યારે સાચું ખબર પડે. આવી કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરો, અને પ્રથમ પ્રયત્ને તમારું કામ થઈ જાય તો તમે પોતાને લકી નંબર વન ગણજો, બીજું શું!
 

કોલેજસ્ય પ્રથમ દિવસે


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |  


ઘણી બધી વસ્તુ માણસ કોઈને કોઈ વખત તો જિંદગીમાં પહેલી વાર કરતો જ હોય છે. આ દરેક પહેલી વખતે એને થોડો ડર હોય છે, તોડો રોમાંચ હોય છે. બાળક જન્મે પછી પહેલી વાર જાતે ચાલે, પહેલી વાર સાઈકલ ચલાવે અને પડે, પહેલી વાર સ્કૂલ જાય, પહેલી વાર બોર્ડની પરીક્ષા આપે. પહેલી વાર જુઠ્ઠું બોલી પિક્ચર જોવા જાય. પણ પહેલી વાર કૉલેજ જાય ત્યારે. કૉલેજ પહેલી વાર જવાનું હોય એટલે ઘેરથી દાદી દહીં ખવડાવીને મોકલે. ક્યાંક ચાંલ્લા અને આરતી પણ થાય. ક્યાં ખાઈશ અને શું ખાઈશ એ અંગે મમ્મી સલાહ સૂચન આપે. કાકાનો દીકરો અભિ અને મામાની દીકરી હેલિએ એજ કૉલેજ કરી હોઈ કયા પ્રોફેસરથી સાચવવું અને કયાનાં ક્લાસમાં મોબાઈલ પર એસએમએસ એસએમએસ રમાય એ ટીપ્સ પણ આપે. એટલું જ નહિ, એ લોકો પ્રોફેસરોને કેવાં હેરાન કરતાં હતાં એની વાતો ચાટ મસાલો ભભરાવીને કરે!

કૉલેજના પ્રથમ દિવસે નવા જિન્સ અને નવા ટી-શર્ટ પહેરવાનો રિવાજ છે. પીઠથેલો બોલે તો રક્સેક પણ નવો હોય, થેલાનાં સત્તર ખાના પૈકીના એકમાં પાણીની બોટલ પણ ખોસી હોય. હાસ્તો, આપણાં હિસાબે, જોખમે અને રૂપિયે ચાલતી સરકાર પર જો પાણીની ક્વૉલિટી માટે ભરોસો ન કરાય તો સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ પર થોડો કરાય? એમાં પાછી આપણાં આ ધાડપાડુએ જો રિઝલ્ટમાં ધાડ મારી હોય તો બાઈક કે સ્કૂટર પણ નવું મળ્યું હોય. એટલે એકંદરે જીગો કોરો કડકડતો કે જીગી કોરી કડકડતી કૉલેજમાં આવે, એ પણ રુઆબથી, એટલે એ અલગ તરી આવે. ધ્યાનથી જુઓ તો બે પાંચ નોટો તો લેબલ ઉખાડ્યા વગર જ કપડાં ચઢાવીને આવી હોય!

સરકાર ગમે તેટલાં પ્રયત્ન કરે, અપર અને મિડલ ક્લાસની જ્યાં બહુમતી હોય એવી કૉલેજ અલગ તરી જ આવે છે. અપર ક્લાસ કૉલેજમાં રણબીર, ઈમરાન, કેટ અને પીગી ચોપરાની સ્ટાઈલ્સ દેખાતી હોય તો મિડલ ક્લાસમાં હિમેશ અને સોનાક્ષી જેવું ડ્રેસિંગ દેખાય. એકમાં કાર અને બાઈકનો ઝમેલો હોય તો બીજી કૉલેજમાં નજીકના બસ સ્ટેન્ડ સુધી ચાલતા જતા-આવતાં નવા કોલેજીયા (નવા નિશાળિયાની જેમ નવા કોલેજીયા) જોવા મળે. અને માત્ર ડ્રેસિંગ જ નહીં, એમનાં વજનમાં પણ દેખીતો ફેર જોવા મળે.

આ નવું ટોળું કૉલેજમાં દાખલ થાય એટલે આખી કૉલેજના બધાં નોટિસબોર્ડ અને જુનાં ટાઈમટેબલ જોઈ વળે. નોટિસબોર્ડ પાસે નીચે પડેલું હેન્ડબિલ પણ એ ઊંચકીને વાંચી નાખે. પણ નવું ટાઈમ ટેબલ તો કોક સિનિયર (કૉલેજ જોઈન કર્યા તારીખ પ્રમાણે) લાગતાવેત જ ઉખાડી ગયો હોય. નવાં નમૂનાઓમાં પાછો ઉત્સાહ બહુ હોય. એવામાં કોઈ જુનો સહપાઠી મળી જાય તો એનો ઉત્સાહ બમણો થઈ જાય. પછી ભલે સ્કૂલમાં એ બે જણે કદી વાત પણ ન કરી હોય. નાખી દેવા જેવી બાબતમાં એ હસતા હોય. મોબાઈલ નવો છે એ દેખાડવા જરૂર વગર વારેઘડીએ મોબાઈલમાં મૅસેજ ચેક કરતાં હોય. જોકે જુનાં મોબાઈલધારકો પણ બેટરીનો ટેસ્ટ કરવા અને કવચિત કોઈ ફોન એવોઈડ કરવા ભવિષ્યમાં બેટરી લો છે, મુકુંએવું બહાનું કાઢી શકાય એટલે પણ એ મોબાઈલ દર બે મીનીટે જોતાં હોય છે. આ બધામાં છોકરી જો કોઈ પરિચિત ન મળે તો શાંત ઊભેલી જોવા મળે. અલબત્ત મોબાઈલનું ટેસ્ટીંગ ચાલુ જ હોય!

કૉલેજના પ્રથમ દિવસે જુનાં જોગીઓ જરૂર કૉલેજ આવે. ક્લાસ શરુ થયા હોય કે ન હોય. એમાં છોકરાઓ તો નવો પાકકેવો છે એનો જાણે ક્યાસ કાઢવા આવતાં હોય એમ આવે. તો છોકરીઓ પણ વ્હાય બોયઝ શુડ હેવ ઓલ ફન?’ એ દાવે હાજર હોય. કૉલેજના પ્રથમ દિવસે જુનાં અને નવા છોકરાં જુદાં તારવવા હોય તો જે સ્કૂટર, ઓટલા, પાળી પર ખાલી હાથ બેઠાં હોય એ જુનાં. એમાં પણ બાઈક પર ડબલ સવારી બેસવું એ એમનું ફેવરીટ. પાર્કિંગ, અને એમાંય બાઈકની સીટ સિવાય એમને કોઈ જગ્યા આખી દસ એકરની કૉલેજમાં ન જડે! ભાર વગરનું ભણતરવિચાર જુનાં જોગીઓએ બરોબર જીવનમાં ઉતાર્યો હોય છે, એટલે સુધી કે ઘણીવાર તો પરીક્ષામાં પણ એ પેન-પેન્સિલ લીધા વગર જતાં હોય છે. નવા કોલેજીયાનું આવા જુનાં જોગીમાં પરિવર્તન ઝડપથી અને અભૂતપૂર્વ થતું જોવા મળે છે.

ડ-બકા
તારો હાથ, તારી બોલી અને તારો જ વિજય,
લે ઉછાળ શોલેનો આ ઐતિહાસિક સિક્કો બકા.

Saturday, July 21, 2012

પકો અમેરિકા પહોંચી ગયો

 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
‘કેવી રીતે જઈશ’ નામની એક અલગ ગુજરાતી ફિલ્મ આવી છે. એમાં છોકરો અમેરિકા જાય એવી ઘેલછા ધરાવતાં પરિવારની વાત સરસ રજૂ થઈ છે. આ અમેરિકા મંદીગ્રસ્ત હોવા છતાં અમેરિકા જનાર હજુ પણ એટલાં જ ઉત્સાહથી ત્યાં જાય છે એ હકીકત છે. કોક નોકરી ન મળતાં પાછાં પણ આવે, પણ મોટાભાગના દુધમાં સાકરની જેમ અમેરિકામાં ભળી જાય છે. ઓગસ્ટ મહિનામાં ત્યાં નવી ટર્મ ચાલુ થાય એટલે એફ-૧ વિઝા પર અમેરિકા જવાની સિઝન ભારતમાં જુન-જુલાઈમાં આવે.  

પકો (ઉર્ફે પકેશ પ્રવિણચંદ્ર) એન્જીનિયર થયો હોય, જીઆરઇ અને ટોફેલ જેવી પરીક્ષાઓ આપી હોય, અને એડમિશન ફોર્મ ભર્યા પછી જેવી અમેરિકન યુનિવર્સીટી એડમિશન ઓફર સાથે આઈ-૨૦ મોકલે એટલે જેમ પગ પર કીડીઓ ચઢી હોય એમ આખો પરિવાર ઉપરનીચે થઈ જાય. પપ્પા બેન્ક બેલેન્સના આંકડા વિઝા કન્સલ્ટન્ટને ગમે તેવાં કરવાં ચારેબાજુ છેડા અડાડવા લાગે. એમાં જેના ક્રેડીટ કાર્ડના બિલ ભરાતાં ન હોય કે ચૌદ હજારના ચેક પણ બાઉન્સ થતાં હોય એવાં લોકોના ખાતામાં પણ પચીસ ત્રીસ લાખ રૂપિયા રાતોરાત બોલતાં થઈ જાય. તો બીજી તરફ મમ્મી સ્વેટર અને લઈ જવા માટેના વાસણો અલગ કરવાં લાગે. અમેરિકામાં કોઈ ઓળખીતા-પાળખીતા કે દૂરના મામા રહેતાં હોય તો એમને ફોન લગાડી સમાચાર આપવામાં આવે કે ‘ભાણો આવે છે’. પણ મામા રહેતા હોય ત્યાંથી પકાની યુનિવર્સીટી વિમાનમાં જાવ તો  પણ પાંચ કલાક અને છસો ડોલર (ગુણ્યા સત્તાવન!) થાય એ મામા સમજાવે તો પણ આપણા આ પ્રવિણભાઈને ‘કોક છે આપણું ત્યાં’ એ વાત પર રાજી થતાં ન રોકી શકે!

પછી તો વિઝા માટે દોડધામ શરું થાય. ગુજરાતમાંથી આવનાર મુંબઈ રહેતાં સગાને આગોતરા ફોન કરી જાણ કરે કે ફલાણી ઢીંકણી તારીખે કોલ છે, અમે આવીએ છીએ. એમ્બેસીમાં જઈ ઇન્ટરવ્યૂમાં શું કહેવું, કેવી રીતે કહેવું, અને ખાસ તો શું ના કહેવું એ ખાસ શીખવવામાં આવે. અંગ્રેજીમાં જે સાડત્રીસ માર્ક્સ સાથે પાસ થતો હોય એ પાછો શિખામણ આપે કે જવાબ કઈ રીતે આપવા. ‘ગભરાયા વગર જવાબ આપજે’, ‘જોજે મામાની ત્યાં મોટેલ છે એ ભૂલમાં પણ બકતો, નહીંતર ખલ્લાસ’ જેવી સલાહો અપાય. એમાં સાથી મિત્રો કે જે અગાઉ વિઝા માટે જઈ આવ્યા હોય, કે અન્યો કે જેમણે બીજાં પાસે ખાલી સાંભળ્યું હોય એ પણ પોતાનું વિઝા જ્ઞાન પ્રગટ કરે. ‘પાંચ નંબરની વિન્ડો ન આવે તો સારું, ત્યાં બધાની ફાઈલ રીજેક્ટ થાય છે’. અમુક એમ્બેસીમાં ઘુસ્યા પછી કેવી રીતે વર્તવું એની પકાને શિખામણ આપે. ‘જોજે પાછો ત્યાં નખ ન ચાવતો’. ‘ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારવા ન માંડતો’, ‘આપણે એમ જ કહેવું કે ભણીને પાછાં જ આવવાનું છે, ફાધરનો બિઝનેસ છે ને એટલે’, ‘તારું નામ બોલાય એ ધ્યાનથી સાંભળજે નહીંતર આઇશ પાછો ધોયેલા મૂળાના પિત્તા જેવો!’.

વિઝા મળે એટલે તો ઘર જાણે યુદ્ધ છાવણીમાં પલટાઈ જાય. આખા ઘરમાં ઇન્કમ ટેક્સની રેડ પડી હોય એમ બેગો ખુલ્લી પથરાયેલી હોય. બે મોટી અને એક નાની એમ ત્રણ બેગ ખરીદી હોય, પણ ત્રણેય જુદાં રંગ અને ડીઝાઈનની હોય. એમાં મમ્મી જો શિક્ષક હોય તો બેગમાં ભરવાની ચીજવસ્તુઓનું કાયદેસર લીસ્ટ બને. એમાં પાછાં વિભાગો પાડ્યા હોય. કપડાં, વાસણો, નાસ્તો, અનાજ-મસાલા, કોસ્મેટીક્સ, દવાઓ વગેરે વગેરે. એટલે પકો ત્યાં જઈ ત્રણ વખત લોન્ડ્રી કરે ત્યાં સુધી તો એનાં કપડામાંથી દવાઓ, હિંગ, ઢેબરાં જેવી વસ્તુઓની મિક્સ વાસ આવતી હોય. પકેશ હોંશિયાર હોય તો એનાં કપડાંની ખરીદીનો વહીવટ જાતે કરે, નહીંતર મમ્મી કોકને ભળાવે. પાછું આપણે ત્યાં એ સુખ છે કે આબુથી લઈને અમેરિકા સુધી જવું હોય તો સાથે શું લઈ જવું, કેવા કપડાં લઈ જવા અને ક્યાંથી શોપિંગ કરવું સસ્તું પડશે, કેટલું વજન લઈ જવાય, જેવી સલાહ વગર મફતમાં મળી જાય છે. એટલું જ નહીં, તમને સો બસોનું ડિસ્કાઉન્ટ કરાવી આપવા આવા શુભેચ્ચકો ઓફિસમાં અડધા દિવસની ગાવલી પણ મારી દેતાં ખચકાતા નથી!

હજુ પણ ઘણાં છોકરાં અમેરિકા જાય ત્યારે જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેસતા હોય છે. એટલે એ એરપોર્ટમાં ઘુસે એટલે પાછળ ગપ્પા મારતું ટોળું સાબદું થઈ ‘આવજો આવજો’ કરવાં લાગે. પેલો પાસપોર્ટ, ટીકીટ અને સામાન સાથે બેગેજ સ્ક્રીનીંગ, ટીકીટ, ઈમિગ્રેશન અને સિક્યોરીટી એમ એક પછી એક કાઉન્ટર પર થતો, કદીક ખોટી લાઈનમાં સમય બરબાદ કરી, છેવટે વેઇટિંગ લોન્જમાં બોર્ડીંગની રાહ જુએ છે. પણ વિમાનમાં બેસે એટલે કઠણાઈ શરું થાય છે. એક તો સાંકડી સીટ, અડધી રાતની ફ્લાઈટ હોય, થાક્યો હોય  અને પેલા આદીલ મન્સૂરીએ કહેલા એ વળાવવા આવેલા ચહેરાઓ આંખોમાં ફરતાં હોય એટલે ન એ ઉંધી શકે ન એ જાગી શકે. એમાં એર હોસ્ટેસ સુચના અને પછી વેલકમ ડ્રીન્કસ વગેરેનો મારો ચલાવે. ‘એને ના પાડીએ તો ખોટું લાગી જાય તો?’ એ હિસાબે એરહોસ્ટેસ જિંદગીમાં ભાવી નથી એવી કડવી કોફી ઓફર કરે તો પકો એ પણ ગટગટાવી જાય છે. ને પછી આવું અનેક ગમતું ન ગમતું કરતો કરતો પકો આખરે અમેરિકા પહોંચી જાય છે. ત્યાં એરપોર્ટ પરથી જ ભારત પહોંચી ગયાનો ફોન કરે એટલે જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય એમ અડધાં ગામને ફોન કરી જાણ કરવામાં આવે કે ‘પકો અમેરિકા પહોંચી ગયો.’
 

કમરા ભાભીનો બરાપો

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૫-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |   


તમારા ભાઈના વાર ધોરા થવા આયા પણ હજુ એવા ને એવા ભોરા રહ્યા. એકવાર હું ઘંટીએ લોટ દરાવવા ઉભી’તી. મેં એમને કીધું કે જાવ સામે લારીમાંથી ટીંડોરા લઇ આવો તો એ પરવર લઇ આયા બોલો. એમને ગુવાર લાવવાનું કો તો ચોરી લઇ આવે. આવા તો કેટલાય ગોટારા કર છ. અને ગુસ્સો પણ બહુ કરે. આપડે કસુ બોલીએ તો ઉપરથી ડોરા કાઢે. પણ મેં તો બરયુ એજ સાક બનાઈ આલ્યું પણ એક કોરિયો ખાધોને કે કે ‘આ તો મોરું છ’. તે ઉપરથી મીઠું ભભરાયું. હવે એમને પ્રેસર છ. તે રોજ ગોરી લેવી પડ છ. તો તમે જ કો કે ઉપરથી મીઠુ લેવાય? 

પણ એ ખાવાના તો એવાં સોખીન કે વાત ના પૂછો. સનિવાર કર્યો હોય અને ફરારી ખાવામાં બટેટાની કાતરી જોઈએ, નકરું તેલ તેલ. પાછો ડાયાબિટીસ છ પણ રોજ ગર્યું જોઈએ જમવામાં. કંઇ ન મરે તો મારે એમને ગોરનો ટુકડો આપવો પડે. ચામાંય એમને બે ચમચી ખાંડ જોઈએ. દારમાંય એ ખાંડ નાખે. પછી બુમો પાડઅ કે મોઢું ગર્યું ગર્યું થઈ ગયું છ, કંઇક તીખું આલ. ને મીઠાઈ તો એટલી ભાવઅ કે ના પૂછોને વાત. બે દાડા ગર્યું ન મરે તો અકરાઈ જાય. એમાં મોહનઠાર એમને બહુ ગમે. મહિનો થયો નથી કે કીધું નથી ‘કમરા, મોહનઠાર બનાયે બહુ દાડા થઈ ગ્યા નઈ?’ કમરા મારું નામ. પણ કોક દાડો લાડમાં કમુ પણ કે !

રજાનો દાડો હોય તો એ નવરા બેઠા હોય, તે બીજું શું કરે? નખ્ખોદ વારે. આપડ ને જપીને બે ઘડી બેસવા પણ ના દે. વારેઘડીએ કે કે ચા બનાવ, ફલાણું લાવ ઢીકણું આપ. ચા પાછી ઠંડી ના ચાલે, વરાર નીકરતી જોઈએ. એક દાડો તો મેં તો કંટારીને કહી દીધું કે બીજી કામવારી લઈ આવો, મારાથી આ બધો કુથો નથી થતો. તો કે આ ઉંમરે બીજી સોધવા ક્યાં જઉ? એ દાડાનાં થોડા હખણા ચાલ છ. હા, આપડને આડીઅવરી વાત કરતા નથી આવડતુ. જે હોય એ સીધેસીધું કહી દેવાનું. હા પેલી જાહેરાતમાં આવે છે એવું, ‘સીધી બાત નો બકવાસ’. તમને થસે કે કમરા બુન તમને તો ઈંગ્લીસ હારું પણ આવડ છ, તે આવડ જ ને, ઈંગ્લીસ અમને ભોરાભાઈ સાહેબે ભણાવેલું કોઈ જેવાતેવાએ નહિ.

તે એક વાર અમઅ કાંકરિયા ફરવા ગ્યા’તા. મેં કીધું આપડે ભેર ખાઈસુ? પણ એ મગનું નામ મરી પાડે તો ને? હાવ મુંજીની જેમ ચાલ્યા કરે. એમાં એમનો દોસ્ત જીગ્નેસ મરી ગ્યો. તો એ બેઉ કાંકરિયાની પારી પર બેઠા અને ક્યાંય સુધી વાતો કરી. બંને બારપણનાં દોસ્ત. નાનપણમાં બંનેના ઘર બાજુબાજુમાં, એટલે એમના ફેમિલી હરીમરીને રહે. બારકોને તો આમેય વસ્તી જોઈએ. તે કોલેજ સુધી બેઉ સાથે ભણ્યા. પણ તમારા ભાઇને તો આગર વધવાની કોઈ ધગસ નઈ. ને એમનો દોસ્ત આગર ભણવા અમેરિકા ગયો. ને ત્યાં જ એક ગોરી છોકરીને પરણી ગયો. એ છોકરીનું નામ પણ સારું જ છ, હા યાદ આવ્યું, મારિયા.

મારિયાથી યાદ આવ્યું. એક વાર તમારા ભઈ એમની જૂની ડાયરી સોધવા મારિયામાં ચડ્યા’તા. પણ એમાં એટલી ધુર હતી કે છીંકાછીંક સરુ થઈ ગઈ. એમાં પાછી ત્યાં એક ગરોરી દોડાદોડ કરે. ને તમારા ભઈના સરીર પર જારા બાવા બાઝી ગ્યા. વારમાં પણ ચુનાથી ધોરા ધોરા થઈ ગ્યા. મને તો બર્યું એટલું હસવું આવે કે રોકાય જ નહિ. પણ મેં તો એમને સાવરણી પકડાવી દીધી કે હવે ઉપર ચઢ્યા છો તો ભેગા ભેગા મારિયું વારી નાખો. હાસ્તો, આજકાલ કામવારા કેટલા હેરાન કર છ. અને એ તો આમેય નવરા જ હોય છ. હાસ્તો, સરકારી નોકરી છ ન. મારા પપ્પાએ એમની નોકરી જોઈને જ નક્કી કર્યું’તુ. પપ્પા એમને મરીને આયા તો કેતા’તા કે ‘સોકરો થોડો ઢીલો છ, પણ છ કાંકરા જેવો અને પાછી સરકારી નોકરી છ’. મને લગન પછી ઠેક ખબર પડી કે કાંકરા જેવો નહિ પણ ધુર જેવો છ ! પણ સુ થાય બુન, પડ્યું પાનું નિભાવવું પડ છ.

ડ-બકા
તું તડકા, તું શ્રાવણ, અને તું જ કુમળો શિયાળો બકા,
તું ઉપમા, તું ઉદાહરણ ને તું જ અઘરો દાખલો બકા.