Sunday, July 08, 2012

વરસાદ, વહુ અને વેઇટિંગ

 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
અત્યારે વેઇટિંગની સિઝન ચાલે છે. હોટલોમાં વેઇટિંગ હોય છે. ટુ-વ્હીલર ખરીદવા જાવ તો એમાં પણ વેઇટિંગ હોય છે. પ્રધાનમંત્રી પદ માટે પણ વેઇટિંગ છે. અને વરસાદ પણ વેઇટિંગ કરાવે છે. લોકોએ તો ક્યારનો કકળાટ કરવાનો ચાલુ કરી દીધો છે. આજે પણ ના પડ્યો’, ‘જૂન આખો લગભગ કોરો ગયો’,   અને અમુક તો પાછાં સવાલો કરે કે કેટલો બફારો છે?’ હવે આપણને શી ખબર કે બફારો કઈ રીતે મપાય, નહીંતર કહી દઈએ કે સાડી બોત્તેર ઇંચ બફારો છે જાવ!

કોઈએ કહ્યું છે કે જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ઓર ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત’. જ્ઞાની અને ગધેડાં સિવાયના લોકો માટે સમય પસાર કરવા માટે હવામાન એ શ્રેષ્ઠ વિષય છે. બે જણા મળે એટલે શું ચાલે છે?’, ‘કેવાં છે ધંધાપાણી?’, અને ઉમરલાયક હોય તો તબિયત કેવી?’ એવા સવાલો એકબીજાને પૂછી ધરાઈ જાય એ પછી તરત જ કેવો વરસાદ છે તમારી બાજુ?’ એ સવાલ અરસપરસ પુછાય છે. પછી પહેલો પોતાને ત્યાં વરસાદ ન હોવાથી કેવા કંટાળ્યા છે એની વાત કરે, તો બીજો વરસાદ પડવાથી પોતાને ત્યાં કેવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એની વાત કરશે. એકંદરે બંને દુઃખી થઈ છુટા પડશે. આ હવામાન જો એકધારું રહેતું હોત તો કદાચ ટાઈમપાસ કરવા માટે ટીવી અને ઈન્ટરનેટ સિવાય બીજાં ઘણાં સાધનોની શોધ થઈ હોત.

સમયસર જો ન આવે તો જેની ગેરહાજરી સાલે તેવાં વરસાદ અને વહુ એ બંનેમાં ઘણી સમાનતા છે. બંને વગર ચાલતું નથી. બંને ધૂમધડાકા સાથે આવે છે. પહેલી વાર આવે એટલે બધાં એનાં પર સૌ ઓળઘોળ થઈ જાય છે. એનાં વધામણા થાય છે. જોકે આ બંને આવે એટલે શરૂઆતમાં બધું અસ્તવ્યસ્ત પણ થઈ જાય છે, અને ટૂંક સમયમાં જ વહુ અને વરસાદની ખામીઓ દેખાવા લાગે છે. આખો દિવસ ઘોર્યા કરે છેકે એણે બનાવેલું શાક ખાધું તે પેટમાં દુખે છેઆવા આરોપો વહુ પર તરત જ મુકાય છે. વરસાદ પડે એટલે તરત હવાઈ ગયું’, ‘મચ્છર થયા’, ‘તણાઈ ગયાં’, ‘વાહનો ખાડામાં પડ્યા’, જેવી ઘટનાઓનો દોષ લોકો વરસાદને માથે ઓઢાડે છે. વરસાદ અને વહુ ટકીને રહે તો પાછું એ પણ લોકોને ન ગમે, અને હવે ઉઘાડ નીકળે/પિયર જાય તો સારુંએવું બોલવા લાગે છે.

વરસાદ આવે તે માટે ગુજરાતનાં રાજપીપળામાં તો લોકોએ દેડકા દેડકીના લગ્ન પણ કરાવી દીધાં. અરે, ઘોડા વગરનો વરઘોડો, એટલે કે દેડકા-ઘોડો પણ નીકળ્યો હતો. સમાચારમાં વધારે વિગત તો નથી કે જાનમાં કોઈ મંત્રીએ હાજરી આપી હતી કે કેમ? બેન્ડવાજા વાળાઓએ કેવાં ગીતો વગાડ્યા હતા? દેડકા-દેડકીના લગ્નમાં પબ્લિકે કુંડાળું કરીને ગરબા કર્યા હતાં કે કેમ? ભોજન સમારંભમાં શું પીરસાયું હતું? દેડકીને બ્યુટીપાર્લરથી મંડપ પહોંચતા કેટલું મોડું થયું હતું? દેડકીવાળાએ દેડકાવાળાઓને દહેજમાં શું આપ્યું હતું? તમને થશે કે આ શું બેવકૂફ જેવા સવાલો કરો છો તમે, પણ બોસ દેડકા દેડકીના જો લગ્ન થઈ શકે, તો આ બધું થવું જ જોઈએ. કાયદેસર રિસેપ્શન પણ થવું જોઈએ અને ચાંલ્લા પણ લખાવવા જોઈએ. આ બાબતે અમે ગહન વિચાર કર્યો કે આ લગ્ન થવાથી વરસાદ પડે એનું લોજિક શું હોઈ શકે? છેવટે અમે એવા નિષ્કર્ષ પર આવ્યાં છીએ કે દેડકા દેડકીના લગ્ન બાદ હનીમૂન માટે પાણીનું ખાબોચિયું જોઈએ એટલે જ કદાચ વરસાદ પડતો હશે!

પણ આ વરસે વરસાદ સમયસર ન આવવાથી ખીજાયેલા અમારા એક વકીલ મિત્રે તો વરસાદને નોટિસ આપશે એવું જાહેર કર્યું છે. હેર કટિંગ સલૂનમાં અમારા પશાભાઈ ગરમીથી કંટાળેલા લોકોને મફતમાં એક્સ્ટ્રા ફુવારા મારી મારીને થાક્યા છે. છત્રી અને રેઈનકોટના વેપારીઓ પોતે છત્રી સરઘસ કાઢવાનું વિચારી રહ્યા છે, પણ આવેદન પત્ર કોને આપવું એ હજી નક્કી નથી થઈ શકાયું. પણ વરસાદ ખેંચાયો એમાં અમારા બકુભા બાપુ એક દિવસ એટલાં ગુસ્સે ભરાણા કે એમણે રઘલાને બંદૂક કાઢવા આદેશ આપ્યો કે, ‘આજે તો આ વાદળાને કાણાં પાડી દેવા છે, પછી જોઈયે કેવાં નથ વરસતા...

કમળો, ટાઈફૉઈડ, કૉલેરા અને ઝાડા-ઊલટી જેવા રોગો તો હવે પાણીની લાઈન અને ગટરલાઇન અરસપરસ ભળી જતાં બારેમાસ થાય છે. આમ છતાં વરસાદ ખેંચાવાથી ડોક્ટરો દુઃખી છે. કારણ કે વરસાદ નથી પડતો તો ખાડા નથી પડતાં, ખાડા નથી પડતાં તો લોકો પડતાં નથી, લોકો નથી પડતાં તો હાડકા નથી ભાંગતા, અને હાડકા નથી ભાંગતા તો ઑર્થોપેડિક ડોક્ટર્સને જલસા નથી પડતાં. વરસાદ નથી આવતો એટલે ડેન્ગ્યું, મેલેરિયા, વાઈરલની સિઝન પણ નથી આવતી, એટલે જનરલ પ્રેકટીશનર્સ અને ફીઝીશીયન્સને પણ મંદી જેવું લાગે છે. વરસાદ ન પડે એટલે દાળવડા, ગોટા અને ભજિયા ઓછાં ખવાય છે જેથી લોકોના ગળા ખરાબ નથી થતાં, એટલે ઇએનટી. ડોક્ટર્સ પણ દુઃખી થાય છે.

વરસાદ ખેંચાયો છે એનાથી બધાં કંઈ દુઃખી નથી થતાં, કેટલાક લોકો ખુશ પણ થાય છે. જેમ કે પાલિકાકર્મીઓ. કદાચ એમની પોલ ખૂલવામાં મુદત પડી એટલે. બીજાં એમનાં સહોદર એવા કોન્ટ્રાક્ટર ભાઈઓ ખુશ છે, કારણ કે કામ ચાલુ છે ત્યાં સુધી કમાણી ચાલુ છે. હાસ્તો, ગુજરાત કંઈ બીજાં રાજ્યો જેવું થોડું છે કે કોન્ટ્રાક્ટરોને કામ કર્યા વગર જ રૂપિયા ચૂકવાય?

 

No comments:

Post a Comment