Monday, January 27, 2014

લગ્નની પૂર્વતૈયારીઓ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

થનાર મિંયા-બીબી રાજી થઈ જાય એટલે એ બે જણા તો ભવિષ્યના મલ્ટીકલર સપના જોવા માટે વોટ્સેપ, ફેસબુક, ફોન અને જ્યાં રૂબરૂ શક્ય હોય ત્યાં રૂબરૂ લાગી પડે છે. પણ પાછળ આખું ફેમીલી પ્રસંગના આયોજનમાં ધંધે લાગી જાય છે.

સૌથી પહેલાં તો તારીખ નક્કી કરવા ગોર મહારાજ સાથે રૂબરૂ મુલાકાત ગોઠવાય છે. એટલું સારું છે કે ગોર શોધવા જવા નથી પડતાં. આપણા દેશમાં કોઈને ફેમીલી ડોક્ટર ન હોય એવું બની શકે, પણ દરેકને એક ફેમીલી ગોર તો હોય જ છે. આ ગોરને એ ફેમીલી શ્રેષ્ઠ ગોરનો ખિતાબ નથી આપતાં એટલી ગનીમત છે, બાકી પોતાના ફેમીલી ગોરના વખાણમાં કોઈ કચાશ નથી રાખતું. આવા ફેમીલી ગોર પોતાની અગાઉ અપાઈ ચુકેલ અપોઈન્ટમેન્ટની તારીખ જોઈ, બાકી રહેલ મુહૂર્તોમાંથી શ્રેષ્ઠ મુહુર્ત યજમાનને કાઢી આપે છે. દરેક લગ્નગાળામાં આવી ચાર-પાંચ તારીખો જ હોવાથી લગ્નના હોલ કે પાર્ટી-પ્લોટના બુકિંગથી લઈને બેન્ડવાજા સુધી દરેક બાબતમાં લગ્નાર્થીઓને કમ્પીટીશનનો સામનો કરવો પડે છે.

લગ્ન સ્થળમાં વાડીઓનો યુગ હવે પુરો થઈ ગયો છે. હવે બેન્કવેટ હોલ અથવા પાર્ટી પ્લોટ બુક થાય છે. બુકિંગ કરાવવા જાવ એટલે દરેક વસ્તુના તૈયાર પેકેજ મળે. ભાડું આટલું અને ડેકોરેશનના આટલા. ઉપરથી કોઈ સિત્તેરના દાયકાના સફળ ફિલ્મસ્ટારના નિષ્ફળ બેટા જેવો એક્સપ્રેશન-રહિત ચહેરો રાખી મેનેજરભાઈ અચૂક કહેશે કે ‘પછી તો ગોળ નાખો એટલું ગળ્યું થાય’. કહેવાનો મતલબ એવો કે ડેકોરેશન લાખ રૂપિયાનું પણ થાય અને ખર્ચનારમાં જોર હોય તો કરોડનું પણ થઈ શકે. પણ અંતમાં તમે ‘એકનો એક છોકરો છે, આપણે ક્યાં વારંવાર ખર્ચવા છે’ એમ વિચારી ગોળ નાખે જાવ તોયે તમને ધાર્યું ગળપણ ન લાગે એવું પણ બને.

લગ્ન-સ્થળ નક્કી થાય એટલે કંકોત્રીનો વારો નીકળે. અહિં અમદાવાદમાં કંકોત્રીની જ્યાં ઝાઝી દુકાનો છે તે ખાડિયા-રાયપુર વિસ્તારમાં તો બારેમાસ કંકોત્રીમાં ૫૦% ડિસ્કાઉન્ટના પાટિયા ઝૂલતા જ નહીં પરંતુ ખીલ્લી મારીને પાક્કા પાયે ફિક્સ કરેલાં પણ નજર આવે. બારેમાસ આટલું ડિસ્કાઉન્ટ હોય તો પ્રોફિટ ન થાય એ ઇકોનોમિકસની સાદી થિયરી જાણનાર કોઈ પણ આ કંકોત્રીના ધંધાર્થી ભાઈઓની ધર્માદા ભાવનાને બિરદાવ્યા વગર ન રહી શકે. આ રીતે ધર્માદામાં ખરીદેલી કંકોત્રીની ડિઝાઈન અને ખાસ કરીને એની અંદાજીત કિંમત ‘ત્યાં જમવાનું કેવું હશે?’ તેની આગાહી કરવામાં ગણતરીબાજ અમદાવાદી પ્રજાને મદદરૂપ થાય છે. ખાસ કરીને એક જ દિવસે અને સમયે એક કરતાં વધું આમંત્રણ હોય ત્યારે ‘ક્યાં જવું?’ ફાયદામંદ છે એ નક્કી કરવામાં કંકોતરીની કિંમત નિર્ણાયક ભૂમિકા નક્કી કરે છે.

 
કંકોત્રીની ડિઝાઈન સિલેક્ટ કર્યાં પછીનો તબક્કો કંકોતરીનું અંદરનું લખાણ નક્કી કરવાનો હોય છે. આમાં ઘણી વરાયટી જોવા મળે છે. કંકોત્રીનો ડ્રાફ્ટ બનાવવાનું કામ ઘરના ટીચર-પ્રોફેસર કે વકીલને આપોઆપ કામ મળી જાય છે. જોકે વર્ષોથી કંકોત્રીઓ છપાતી હોવા છતાં કંકોત્રીમાં હજુયે રમૂજ થતી જોવા મળે છે. જેમ કે દર્શનાભિલાષીમાં છેલ્લે બે-ચાર સ્વર્ગસ્થના નામ મૂકી દેવામાં આવે છે. હવે આમને દર્શન આપવા આપણે ક્યાં જવું એ વિચારીને જ ઘણા લગ્નમાં હાજરી આપવાનું મોકૂફ રાખી દે છે. બીજું કે હજુ પણ ઘણી કંકોત્રીઓમાં ભાણિયા-ભાણીઓ ‘મામાના લગ્નમાં જલુલ જલુલ આવજો’ એવો ટહુકો કરે છે. ગુજરાતી ભાષાનું શું થશે એ વિચારે વ્યથિત વડીલોને આ વાતથી આશ્વાસન મળવું જોઈએ કે આજકાલ વધુને વધુ બાળકો અંગ્રેજી માધ્યમમા અભ્યાસ કરતાં હોવા છતાં આ ટહુકામાં ‘સ્યોલલી સ્યોલલી કમ ટુ એટેન્ડ અવલ મામુઝ મેલેજ’ જેવું વાંચવા નથી મળતું.

આ તરફ ખરીદી ચાલુ થઈ ગઈ હોય. સ્ત્રીઓની ખરીદીમાં પુરુષોનો રોલ સામાન્ય રીતે શોફર, કેશિયર કે કુલીનો હોય છે. ક્યારેક એમનો જાણવાજોગ ઓપીનીયન પણ લેવાય છે. પણ પુરુષોની ખરીદીમાં સ્ત્રીનો રોલ એટલો પેસીવ નથી હોતો. એક જમાનામાં સુટ પછી સફારી અને હવે શેરવાની પુરુષોના ડ્રેસિંગમાં ચાલે છે. આમ તો બાબુજીઓ માટે વરસો સુધી ઝભ્ભા રીઝર્વડ હતાં. પણ ગુજરાતી સુગમ સંગીતના કલાકારોએ ઝભ્ભાને ટ્રેડમાર્ક કરાવ્યા પછી લગ્નોમાં એનું ચલણ ઘટી ગયું છે. આમ કાકાઓ અને બાબુજીઓ માટે શેરવાનીની શોધખોળ ચાલુ થાય. એમાં રંગ પાકો હોય. ફાંદ પૂર્ણ કળાએ ખીલી હોય. વાળ ગણતરી કરી શકાય એટલાં વધ્યા હોય. એવામાં ગ્રેસફુલ લાગે એવી શેરવાની શોધવી એ ચન્દ્ર ઉપર ચાની દુકાન શોધવા જેવું અઘરું કામ છે. પણ થવાકાળ થઈને રહે છે એ નાતે શેરવાની સિલેક્ટ થાય છે, ટ્રાયલ લેવાય છે અને પ્રસંગે પહેરાય પણ છે. આવા સમયે પ્રસંગમાં એકલી શેરવાની ફરતી હોય એવું લાગે છે. એટલી ઝગારા મારતી હોય છે આ શેરવાનીઓ.

લગ્નની પૂર્વ તૈયારીઓમાં ભોજન સમારંભનું આયોજન અગત્યનું કામ છે. જોકે લગ્નમાં મેન્યુ નક્કી કરવું હવે આસાન થઈ ગયું છે. ૫૦૦વાળી ડીશ, ૭૫૦વાળી ડીશ એમ ઓપ્શનના પ્રિન્ટેડ લીસ્ટ તૈયાર હોય. બે સૂપ, એક સ્ટાર્ટર, એક જ્યુસ, બે ફરસાણ, બે સ્વીટ, મેઈન કોર્સમાં બે સબ્જી અને ત્રણ જાતની રોટી, બે લાઈવ કાઉન્ટર, અચાર પાપડ વગેરે વગેરે. અહિં પાછું ફરી ગોળ નાખો એટલું ગળ્યું થાય. એમાંય તીખી આઇટમ્સ જેવી કે મેક્સિકન અને ઇટાલીયનમાં ગોળ નાખવાનો ટ્રેન્ડ આજકાલ છે. એકંદરે બ્રેડ પર ચીઝ, ટોમેટો, લીલું મરચું ને ડુંગળી એવું બધું ભભરાવી અપાતી વસ્તુને બ્રુશેતો એવું ફેન્સી નામ આપ્યું હોય એટલે મેન્યુ વજનદાર બને જે ખિસ્સું હલકું કરે.

લગ્ન પૂર્વે આવી રીતે થતી તૈયારીઓ ઘણા માટે આનંદદાયક તો કેટલાક માટે એ ટેન્શનનું કામ બને છે. એક તરફ ખિસ્સા ખાલી થતાં જાય ને તોયે સમયે અમુક કામ ન થાય તો ખર્ચ માથે પડે. આમ ઉતાવળે સીવાતી શેરવાનીઓ અને ભોજન મેન્યુ ટીકાને પાત્ર બને છે. પણ લગ્ન અને પોલીટીક્સમાં આવું તો બધું ચાલ્યા કરે. 

Tuesday, January 21, 2014

બગાસું ખાતાં પતાસું પડે એ પ્રોબ્લેમ છે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

હમણાં જ વડોદરા પાસે પાવીજેતપુરમાં એક બેન બગાસું ખાવા ગયા એમાં જડબું લોક થઈ જવાથી એમનું મ્હોં ખુલ્લું રહી ગયું એવા સમાચાર અમે વાંચ્યા. બેનને બગાસું ટીવીની કઈ ચેનલ જોતાં આવ્યું હતું એ સમાચાર છાપામાં ન વાંચવા મળ્યા, એ ટીવી ચેનલની કાર્યદક્ષતા દર્શાવે છે. સમાચારમાં આ બેનનું મ્હોં બંધ કરવા ઓપેરેશન કરવું પડશે એવું પણ લખ્યું હતું. આગળ શ્લેષ જાણીને કરેલ છે. અમારા જેવા ઘણા આ સમાચાર વાંચીને ચોંકી ઉઠ્યા છે. આમ ઓપેરેશન કરાવવાથી મ્હોં બંધ થતું હોય તો કેવું સારું નહીં?

પણ આ તો આડવાત થઈ. મૂળ વાત બગાસાની છે. જીવતો માણસ બગાસું ખાય છે. માણસનો આ એક અગત્યનો જૈવિક ગુણધર્મ છે. અમીર ગરીબ બંને બગાસું ખાય છે. ભૂખમરો વેઠતો માણસ પણ બગાસું ખાતો હોય છે. આ બગાસાની સોશિયલ સાઈડ છે. વર્કોહોલિક પણ ખાય છે અને આળસુ માણસ પણ ખાય છે. આ બગાસાની કોર્પોરેટ સાઈડ છે. પણ આ બગાસું સાયન્ટીફીક કારણોસર આવે છે. એવું જાણવા મળે છે કે જયારે મગજમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે બગાસું આવે છે. એવરેજ બગાસું છ સેકન્ડ ચાલે છે. માણસ બેઠો હોય કે આડો પડ્યો હોય ત્યારે વધારે બગાસાં આવે છે. ચાલતો કે દોડતો માણસ બગાસું ખાતો જોવા મળતો નથી.
 
બગાસું સાયન્ટીફીક કારણસર આવતું હોવા છતાં વિદ્યાર્થીઓ બગાસાં ખાય એ માટે પ્રોફેસરોને જવાબદાર ઠેરવવામાં આવે છે. અમે પણ પ્રોફેસર છીએ એટલે આ વાતથી અમે સખ્ખત નારાજ છીએ. (પ્રૂફરીડર શ્રીને વિનંતી કે આગળ ‘ખ’ ઉપર જે વજન મુક્યું છે તે સુધારે નહિ!) પ્રોફેસરોને બદનામ કરવામાં આવે છે પણ વિદ્યાર્થીઓ ‘પુરતી ઊંઘ લઈને ક્લાસ ભરવા આવે છે કે કેમ?’, ‘રાત્રે પાર્ટી કરી હતી કે કેમ?’, ‘ક્લાસ સિવાય પણ એ ઊંઘે છે કે કેમ?’ જેવા પ્રશ્નો પર કોઈ વિચાર જ કરતું નથી. ટૂંકમાં અમે એમ કહેવા માંગીએ છીએ કે પ્રોફેસરો કાયમ વિદ્યાર્થીને બોર કરવા માટે જવાબદાર નથી હોતા. અથવા બધા પ્રોફેસરો એવા નથી હોતા. પ્રાણીઓ પણ બગાસાં ખાય છે. સિંહને પણ અમે બગાસું ખાતાં જોયો છે. હવે પ્રાણીઓમાં તો પ્રોફેસર હોતા નથી ને? અરે, બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે પણ એ બગાસું ખાય છે. આમ, પ્રોફેસરો બગાસાના કારક છે તે માન્યતા ખોટી સાબિત થાય છે.

જોકે બગાસું એ કંટાળાની નિશાની છે એ વાત સાચી છે. મઝાની વાત એ છે કે જે માણસ પોતે બોરિંગ હોય છે એ પણ બગાસું ખાય છે. એ પણ બીજાની વાત પર. ઘણાં સામેવાળાની વાતમાં પોતાને ઈન્ટરેસ્ટ નથી એવું દર્શાવવા નકલી બગાસા પણ ખાતાં જોવા મળે છે. વક્તા હદબહાર જુલમ કરે ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે. કવિ સંમેલનોમાં બગાસા વ્યાપકપણે ખવાય છે. આમ છતાં કોઈ કવિએ નારાજ થઈને કવિતા ટૂંકાવી હોય કે સભાત્યાગ કર્યો હોય તેવું નથી જાણવા મળતું. બગાસા ખાવાની મેનર્સ મુજબ બગાસું આવે તો મ્હો આડે હાથ ધરી અન્ય લોકોને પોતાના ટોન્સિલનાં દર્શન ન થાય તેની તકેદારી રાખવાની હોય છે. જોકે અમુક લોકો બગાસું આવે તો પોતાના મ્હોં આગળ ચપટી વગાડી અન્યોને પોતે કંટાળ્યા છે તેની જાણ દ્રશ્ય-શ્રાવ્ય એમ બંને માધ્યમો થકી કરે છે. 

વાત સાંભળતા સાંભળતા બગાસું ખાનારની જમાતને ટક્કર આપે એવી જમાત વાત કરતાં કરતાં બગાસું ખાનારાની હોય છે. આ ક્રિયામાં કર્તા જયારે બગાસું ખાતાં ખાતાં વાત કરે ત્યારે ઘણીવાર વાક્ય અડધું છૂટી જતું જોવા મળે છે. આમ થવાથી સાંભળનારને આગળની વાત શું હશે તે ધારી લેવાની છૂટ હોય છે. આવી રીતે વાત કરતાં કરતાં બોલનાર જવલ્લે જ બગાસાગ્રસ્ત થઇ ગયેલા વાક્યને ફરી બોલવાની તસ્દી લે છે. સામે પક્ષે સાંભળનાર પણ બગાસું ખાતાં ખાતાં વાત કરનારની નિષ્ઠાથી વાકેફ હોઈ બગાસું ખાનારને ભાગ્યે જ વાત દોહરાવવા માટે વિનંતી કરે છે. એકંદરે વાત કરનાર અને સાંભળનાર બેઉને વાતમાં રસ ન હોઈ મીટર વગર આવતા પાણીની જેમ શબ્દો અનંતમાં વહી જાય છે.

બગાસાનો પ્રાસ પતાસા સાથે મળે છે એ યોગને કારણે બગાસું ખાતાં પતાસું પડ્યું જેવી ગુજરાતી કહેવત આપણને મળી છે. આ કહેવતનો મતલબ તો કોઈ પણ ઉદ્યમ વગર કશુંક પ્રાપ્ત થાય એવો કૈંક થાય છે. બાકી અમને તો બગાસું ખાતાં પતાસું પડે એમાં કશું હરખાવા જેવું નથી લાગતું. તમે વિચારો કે તમે કંટાળ્યા હોવ, ઊંઘ આવતી હોય, સામે કોઈ તમને બોર કરતુ હોય એવામાં તમે જો બગાસું ખાવ, એ પણ અર્ધજાગ્રત અવસ્થામાં, તેવામાં આ પતાસું પડવાથી શું આનંદ થાય? ખરેખર તો મોઢું ખુલ્લું હોય અને પતાસા જેવો સુકો અને પથ્થર જેવો કઠણ પદાર્થ મ્હોમાં પડે તો ચોંકી ઉઠાય. આ ઉપરાંત જો આમ પડેલું બગાસું ખાસી ઊંચાઈ પરથી પડ્યું હોય તો દાંત પર વાગે એવું પણ બને. મોઢામાં પડ્યું છે એ પતાસું જ છે એવી જાણકારી કંઈ આપોઆપ તો આવે નહિ એટલે મ્હોમાં પડેલ પદાર્થ ચાખો નહિ ત્યાં સુધી કોઈ નિર્ણય ન લઇ શકાય. પણ આવી ફોરેન મેટર મોઢામાં આવી પડે તે સંજોગોમાં ભાગ્યે જ કોઈ મૂરખનો સરદાર જોયા વિચાર્યા વગર ચાવવાનું ચાલુ કરી દે. આવામાં કોઈનું પણ પહેલું રીએક્શન થૂંકી નાખવાનું અને બીજું રીએક્શન જેણે આવી કુચેષ્ટા કરી હોય તેને ટીચી નાખવાની ઈચ્છા થાય.

બગાસું ચેપી હોય છે. કોઈને બગાસું ખાતાં જોઇને એકથી પાંચ મીનીટમાં અન્ય વ્યક્તિને બગાસું આવે છે. જોકે આવું આવું છીંક કે ઉધરસમાં નથી થતું. હવે છેલ્લે તમને એક જાદુઈ વાત કહું, આ વાંચતા વાંચતા તમને એકાદું બગાસું તો ચોક્કસ આવ્યું હશે. આથી અમારો લેખ બોરિંગ છે એવું સાબિત નથી થતું. આમ થવાનું સાયકોલોજીકલ કારણ છે. આ લેખ વાંચવાથી બગાસું યાદ આવે છે અને સબકોન્શિયસ માઈન્ડ માણસને બગાસું ખાવા પ્રેરે છે. ટૂંકમાં આ લેખને કારણે નહિ, ‘બગાસું’ શબ્દ આટલી બધી વખત વાંચીને તમને બગાસું આવ્યું છે એમ જાણજો. અને જો તમે આ લેખ વાંચીને ખડખડાટ હસ્યા હશો તો ચોક્કસ બગાસું નહિ આવે, કારણ કે હસવાથી ફેફસાને ઓક્સિજન મળે છે. હસતા રહેજો! •

આ ઉત્તરાયણમાં શીખવા મળેલ ૨૧ સત્યો

by Adhir Amdavadi 
January 16, 2014
અમદાવાદ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ વખતે પવન સારો રહેતા સૌ કોઇએ પતંગોત્સવની મોજ માણી. પણ હંમેશા કાંઇક નવુ કરવા તત્પર રહેતા આપણા અધીર અમદાવાદી આ ઉત્તરાયણમાંથી કેટલીક મહત્વની બાબતો શિખ્યા છે, તો તમે પણ જાણો શું શિખ્યા અધીર અમદાવાદી....

  1. જે પતંગ પાછળ તમે દોડો છો એ તમારા હાથમાં જ આવશે એની કોઈ ખાતરી નથી.
  2. ઝાડુથી પતંગ પકડવામાં તમે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરો તેવી છાપ ઊભી થઈ શકે છે.
  3. જે પત્તંગ છાશ/છાપ ખાય તેવો હોય, તેનો ઢઢ્ઢો કિન્ના બાંધતા પહેલાં વાળી લેવો નહીંતર કિન્ના  બાંધવાની મહેનત માથે પડે છે.
  4. એડવાન્સમાં જથ્થાબંધ કિન્ના બાંધનાર દિવસના અંતે ‘તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર’ કહેવત યાદ કરે છે. 
  5. જુનાં પતંગ સાચવી રાખનાર આવતી સાલ આ સાલના નવા પતંગ જુનાં કરી ચગાવવા પામે છે. 
  6. કિન્ન બાંધવાના કામ કોઈ તમારા માથે પરાણે થોપે તો તેમાંથી બચવા ખરાબ કિન્ના બાંધવાથી અકસીર ઉપાય કોઈ નથી.
  7. પતંગ કપાયા પછી ચીકી ખાવાથી ડીપ્રેશનમાં રાહત મળે છે.
  8. મોટાભાગના લોકો માટે ‘કેટલાં પતંગ કપાયા’ કરતાં મહત્વનો પ્રશ્ન ‘કોણે કાપ્યા’ એ હોય છે.
  9. નવા હિન્દી ગીતોમાં દમ ન હોવાથી આ વખતે ધ્વનિ-પ્રદુષણમાં રાહત જોવા મળી હતી.
  10. ગુંદરપટ્ટીનું વજન જેમાં પતંગના વજન કરતાં વધું હોય તેવો પતંગ ચગતો નથી.
  11. પવન ન હોય તેવા સમયમાં અધીર અમદાવાદી જેવા ડાહ્યા માણસો આરામ કરે છે અને બાકીના રાત્રે બાવડા ઉપર માલીશ.
  12. દર વર્ષે ‘ગઈસાલની દોરી આનાં કરતાં સારી હતી’ એવો વિચાર આવે છે.
  13. પતંગ ચગાવવો એ કળા છે. મધ્યમથી સારા પવનમાં આ નિયમ લાગુ નથી પડતો.
  14. ‘હવેલી લેતા ગુજરાત ખોયું’ કહેવત ચાલુ પતંગે કપાયેલ પતંગ પકડવા જનારને યાદ નથી હોતી.
  15. છૂટ અપાવવા માટે કહેનાર શીખાઉમાં ખપે છે.
  16. ‘ગઈ સાલ બહુ કાપ્યા હતાં’ એવું કહેનારની વાત માનવી નહી.
  17. પવનની દિશા કાયમ અવળી જ હોય છે.
  18. ફિરકી પકડાનારનું ધ્યાન વોટ્સેપ અને ફેસબુકમાં હોય તો પતંગ કપાઈ જાય છે.
  19. પતંગ ચગાવનારનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુકમાં હોય તો પણ પતંગ કપાઈ જાય છે. અન્યથા ભરાઈ તો અવશ્ય જાય છે.
  20. પતંગ ચગાવનાર અને ફિરકી પકડનાર બંનેનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુક પર હોય તો બેઉ એક જ જાતિના (બેઉ પુરુષ અથવા બેઉ સ્ત્રી) હશે.
  21. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવી પતંગ ચગાવે એનાંથી અમદાવાદમાં ઉત્તરાયણના ઉત્સાહમાં કોઈ ફેર નથી પડતો. એ તો કાયમ ફુલ્લ ટુ ટોપ પર જ હોય છે !

Sunday, January 12, 2014

ઉત્તરાયણના માનદ સલાહકારો



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં જાન્યુઆરીનું બીજું અઠવાડિયું શરું થાય એટલે લોકો ઉત્તરાયણ નામના મહાસંગ્રામની તૈયારીમાં લાગી જાય. ક્યાં દોરી પીવડાવવી, ક્યાંથી, કેટલાં અને કેવા પતંગ લાવવા અને ક્યાં ઉત્તરાયણ કરવી એ પ્રશ્ન ઘેરઘેર ચર્ચાય છે. હમણાં જ છાપામાં એક જાહેરાત વાંચી કે ‘ઉત્તરાયણ કરવા ત્રણ દિવસ માટે ધાબુ ભાડે જોઈએ છે’. ધન્ય છે એ વ્યક્તિના પતંગ શોખને. પણ આવા ઉત્સાહી પતંગબાજોની વચ્ચે અમુક શિખામણ બાજ પણ એક પર એક ફ્રીની જેમ મળતાં હોય છે જે તમને ડગલે અને પગલે માર્ગદર્શન આપવા તૈયાર ઊભા હોય છે.

સૌથી પહેલાં પતંગ ખરીદવાની બાબતમાં સલાહ કે અભિપ્રાય મળે. ‘જો બકા એકલી ચીલ લાવજે, ગઈ વખત જેવી ભૂલ ના કરતો. ઘેશિયા બધ્ધા નક્કામાં નીકર્યા તા. અને સાંભર. પાતરા ઢઢ્ઢાના પતંગ લાવજે નહિતર હવા ઓછી હશે તો ચગસે જ નહી’. પછી પાતળાં ઢઢ્ઢાના પતંગ લાવો અને એ લબૂક નીકળે તો તમે વડીલને દોષ દેવાની કોશિશ કરી જોજો, તેલ ચોપડીને આવ્યાં હોય એમ એ હાથમાં નહીં આવે. આ વડીલ તમને પતંગ ખરીદવા ક્યાં જવાય અને ક્યાં કેમ ન જવાય તે વિષે પણ જ્ઞાન-સમૃદ્ધ કરશે. ‘જોજે હોં, પંજો ઊંચકીને લાઈટ સામે ધરવાનો, એટલે અંદર ફાટેલા પતંગ હોય તો દેખાઈ આવે’. ‘રાતે મોડા જાવ તો જુનાં અને ફાટેલા બઝાડી દે’. ‘પતંગ તો જમાલપુરથી જ લેવાય, અમે તો સીધાં સાદીક્ભાઈના ઘેર જ જતાં અમારા માટે એ અલગ પતંગ કાઢી રાખતા’. જોકે સાદીક્ભાઈ ને તો આવા કેટલાય ઘરોબો કરનારા મળી રહે એ અલગ વાત છે.

પતંગ પછી આપણા માનદ સલાહકાર તેમની સલાહની થેલી દોરી અંગે ઠાલવશે. મૂળ અમદાવાદના હોય એ ખેંચીને પેચ લેવામાં માને છે. આમાં દોરી ઓછી જાય છે. અને સામેવાળાનો પતંગ હાથમાંથી ખેંચવાની મઝા લેવા મળે છે. આમ ખેંચની દોરી અને ઢીલની દોરી બે જુદી હોય. ખેંચની દોરી હાથે ઘસેલી સારી બને એવી માન્યતા આવ ઉસ્તાદોએ ફેલાવેલી છે. ‘દોરી તો હાથથી જ ઘસાવવાની, પેલી ફેર પપ્પુ ઉસ્તાદ પાસે ઉતરાણના આગલા દિવસે ગ્યો તો તે ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું ત્યારે નંબર લાગ્યો તો. પણ પપ્પુની દોરી એટલે પપ્પુની દોરી’. પણ આપણે ‘પેલી ફેર’ તમે આ માનદ સલાહકારને એકેય પેચ કાપતા જોયા ન હોય એટલે એમની વાતમાં ઝટ વિશ્વાસ ન બેસે. એમાંય આજકાલ ગુજરાતીઓને પપ્પુ નામ થોડું ઓછું જચે છે.

પતંગ ચગાવો એટલે બેકગ્રાઉન્ડમાંથી તમને માર્ગદર્શન મળે. ‘જો પેલા આસમાનીને લઈ લે’. હવે આપણું ધ્યાન આગળ હોય અને એ તરફ એકેય આસમાની ન દેખાતો હોય. તો ઘણીવખત વડીલ જેને આસમાની કહેતા હોય એને આપણે લીલો સમજતાં હોઈએ!હવા પડી ગઈ હોય, દસ મીનીટથી ઠુંમકા મારી મારીને ખભો દુખવા આવ્યો હોય અને તોયે પતંગ ચગતો ન હોય તેવામાં વડીલ પતંગ કેવી રીતે ચગાવવો જોઈએ એ વિષય પર મીની-પ્રવચન આપશે. અને પેચ લઈએ તો તરત જ વડીલ ‘અલા એમ ના લેવાય, જો બિન હવામાં આપડો પતંગ લઈ જવાનો, પછી હવા હોય એ દિશામાં સળંગ ખેંચવાનું બકા તો પેલાનો કપાય’ એમ વદશે. એમાં જો આપણો પતંગ કપાય પછી આવી સલાહ મળે તો આપણને ફિરકી હાથમાંથી પછાડવાનું મન થાય.

સલાહ આપનારના કાર્યક્ષેત્રમાં ‘ફિરકી કઈ રીતે પકડવી?’ એ પણ આવી જાય છે.  એ પતંગ ચગાવતા હોય તો એની ફિરકી પકડનારની દશા કવિ સંમેલનમાં બેઠેલા સાયન્ટિસ્ટ જેવી હોય છે. ‘જો, ફિરકી ઢીલી પકડવાની એ વાત બરોબર, પણ જેવી હું ઢીલ છોડવાની બંધ કરું તેવી તારે બ્રેક મારી દેવાની’. આમાં ખરાબ દશા થાય બિચારા ફિરકી પકડનાર કે પકડનારીની. ફિરકી પકડનારને જો પોતાને એટલો રસ હોત તો એ પોતે જ ન પતંગ ચગાવતો હોત? એટલે સ્વાભાવિક છે કે ફિરકી પકડનાર જવલ્લે જ યુધ્ધમાં રથના સારથી જેટલાં સાબદાં હોય છે. એ તો આજબાજુના ધાબા પર ‘કોણે કેવા કપડાં પહેર્યા છે’ થી લઈને ‘આ ગોગલ્સવાળી કોણ છે?’, ‘આ કોણ ધાબામાં ઝંડુ લઈને ઉભું છે?’, જેવા અગત્યના નિરીક્ષણમાં મશગુલ થઈ જાય છે. આવામાં ફિરકી પકડનાર ‘અલા, દોરી બરોબર આવવા દે, ફિરકી પકડતા પણ નથી આવડતું’. એવું સાંભળવા પામે છે. એટલું જ નહી પતંગ કપાય અને દોરી વીંટવામાં માટે પણ એમની પાસે થિયરી હોય છે. પતંગ કપાય એટલે તરત હાથ ખંખેરીને, માવો ચાવતા ચાવતાએ કહેશે કે ‘જો બકા પે’લા દોરી ઉલ્ટાઈ નાખવાની પછી વીંટવાની. એટલે ગૂંચ ઓછી પડે’.

ઉત્તરાયણ માટે ઢગલા મોઢે સલાહો આપનારા એ ભૂલી જતા હોય છે કે આપણે ત્યાં ટીવી એન્ટેનાના ડંડા, ઝાડ, ચેનલના કેબલ, ઈલેકટ્રીકના તાર વગેરે પણ ઉત્તરાયણમાં ઉલટભેર ભાગ લેતાં હોય છે. આ એક એવો વિભાગ છે જેના માટે ખાસ સંશોધન થયું નથી એટલે છેવટે અણઘડ કન્સલ્ટંટોની સલાહો પર ચાલવાનો વારો આવે છે અને એના પરિણામો દિવાળી સુધી ઠેર ઠેર લટકતા દેખાય છે! ઘણી જગ્યાએ તો ‘ઘર જલાયા ઘર કે ચરાગને...’ ના ધોરણે આપણા ધાબાના ટીવીના ડંડાઓ આપણા જ પતંગનો ભોગ લેતાં હોય એ વખતે આ કન્સલ્ટન્ટો કર્ણના સારથી શલ્યની જેમ મહેણાં મારીને આપણા ઉત્સાહમાં પંચર પાડવાનું ચુકતા નથી.

આમ સલાહ આપનાર કોઈ પણ બાબતમાં પોતે અજ્ઞાન છે એવું ભૂલથી પણ કોઈ માની ન બેસે એની પૂરતી તકેદારી રાખે છે. કપાયેલો પતંગ ધાબામાં પડશે કે નહી, એ અંગે એ સચોટ આગાહીઓ કરતાં જોવા મળે છે. એમને ગૂંચ ઉકેલવાની થિયરી પણ ખબર હોય છે. પીલ્લુ કે લચ્છો કઈ રીતે વીંટવો એનાં ટ્યુટોરીઅલ આપવા એ હંમેશા તૈયાર હોય છે. કિનારી બાંધવા માટે એ ક્રેશ કોર્સ આપવા ઉત્સુક હોય છે. ફાટેલા પતંગ સાંધવા માટે પણ એ માર્ગદર્શન આપી શકે છે. પણ સાચો અમદાવાદી હોય એ આ સલાહ-સુચનો કોઈ ‘આપે છે ને? લઈ જતું નથી ને?’ એમ માની સદાય ખુશ રહે છે.

Friday, January 10, 2014

શોલેના ડાયલોગ ઉપર કેટલુંક ચિંતન



by adhir amdavadi 


અસરાની: હમ અંગ્રેજ કે જમાને કે જેલર હે  ....
કેમ હજુ રીટાયર નથી થયા ?

--

વીરુ : બસંતી ઇન પાગલ કુત્તો કે સામને મત નાચના

સાલું, ગબ્બરના અડ્ડામાં પણ અમદાવાદની જેમ કૂતરાની સમસ્યા હતી.

--

બસંતી : મુઝે જ્યાદા બાત કરને કિ આદત તો હૈ નહી

હા બકા, આખા રસ્તે ધન્નો બોલતી હતી.

--

જય : મેરા તો દિલ હિ કુછ ઐસા હે મોસી ....

કે પછી તું પણ બસંતીની લાઈનમાં છે ભાઈ એટલે બચારા વિરુની ફિલમ ઉતારી મોસી આગળ?

--

ગબ્બર:  યે હાથ મુઝે દેદે ઠાકુર

જો ગબ્બર, જો હાથની મસ્તી નહી કરવાની.

--

ગબ્બર : કિતને આદમી થે ?

બોસ દેખાતાં તો બે જણા, પણ આદમી હતાં કે ઓરત એ આજકાલ ચેક કર્યા વગર કહેવાય નહી!

--

ચાચા : અરે ભાઇ યહાં ઇતના સન્નાટા કયું હૈ ?

ચાચા તમારા ડાયલોગથી બોર થઈને બધાં નાહી જ્યા!

--

ગબ્બર : વો દો થે, ઓર તુમ તીન, ફિર ભી વાપસ આ ગયે? ખાલી હાથ

એલ્ચ્યુઅલી બોસ અમે નક્કી ન કરી શક્યા કે જય સાથે બે જણ લડે કે વીરુ સાથે. ચાર ગયા હોત તો એક પર બબ્બે જણ થઈ ને દબોચી લાવત.

--

જય-વીરુ (સુરમાં ભોપાલીને) : હમ જેલ જાના ચાહતે હૈ ..

સાલું તમે પેલ્લા જોયા, અહિં તો જેલનું નામ પડે ને બધાં બીમાર પડી જઈ હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે!

--

ગબ્બર : જો ડર ગયા, સમજો મર ગયા

સરદાર શરૂઆતમાં ઠાકુર બલદેવ સિંહ પાછળ પડ્યા ત્યારે તમે ઊભી પૂંછડીએ ભાગ્યા’તા એ ભૂલી ગયા સરદાર?


Wednesday, January 08, 2014

ઉંમર ઉંમરનું કામ કરે છે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૫-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |

પુરુષને તેનો પગાર અને સ્ત્રીને તેની ઉંમર પૂછવી એ ઉચિત ગણાતું નથી. જો કે આ વાત ગઈ સદીની છે. આ સદીમાં બેઉને બંને વસ્તુ પુછાતી નથી.ભગવાને પણ માજી કે ડોશીઓનો ફાલ ઉતારવાનો બંધ કરી દીધો છે એટલે હવે ૫૦ અને ૬૦ વર્ષની ‘ગર્લ્સ’ જ જોવા મળે છે. આગામી વર્ષોમાં કોઈ મહિલા વડાપ્રધાન થશે તો ડોશી કે માજી શબ્દનો પ્રયોગ કરનારની ધરપકડ કરવાનો કાયદો લાવે એવું પણ બને. જયારે આજકાલ પુરુષોને ઉંમર પૂછો તો લાગી આવે છે. શાક માર્કેટ કે લારી ઉપર ખરીદી કરનાર કેટલાય કાકાઓને કોઈ કાકા કહે તો હાડોહાડ લાગી આવે છે. એટલું લાગી આવે છે કે જે લારીવાળાએ કાકા કીધું હોય એની લારી પરથી આજીવન શાક નહી લેવાની કઠોર પ્રતિજ્ઞાઓ પણ આવા કાકાઓ લઈ લેતાં હોય છે. જોકે પોતાને લોકો કેમ કાકા કહે છે? એ સમજવા માટે જો ખાલી અરીસામાં ધ્યાનથી જુવે તો ઘણી સમાજસેવા થઈ શકે.

આ અરીસાની વાતથી ગાલિબ યાદ આવે. ગાલિબ કહે કે ‘उम्र भर ग़ालिबयही भूल करता रहा, धुल चेहरे पे थी और आईना साफ़ करता रहा’! તોયે ઉંમર થાય ને ચહેરા પર કલરકામ, વાળમાં ડાઈ, અને કપડાથી ઉંમર છુપાવવાની કોશિશો કાટ ખાધેલા લોખંડ પર કલર કર્યો હોય તેવો દેખાવ સર્જે. માથે ટાલ હોય, એમાં ડાઈ કરે અને એ પણ સ્વહસ્તે, ત્યારે ટાલમાં જે કાળો મેશ રંગ ચોંટે, એ પછી તમને કોઈ કાકા ન કહે તો કહેનાર ખુદ કાકો કે કાકી હશે એમ સમજવું! સ્ત્રીઓમાં ઉંમર વધે એમ બ્યુટી પાર્લરના ખર્ચા વધે. અમુક તોદૂધવાળાની જેમ બ્યુટીશીયન જ બંધાવી દેતા હશે જે રોજ સવારે આવીને રંગ-રોગાન કરી જાય!

પુરાણકાળમાં ઋષિ મુનિઓ હજારો વરસ ખેંચી કાઢતાં હતાં. જો કે એ લોકો હજારો વરસ જીવીને શું કરતાં હશે, તે સંશોધનનો વિષય છે. હા, એ વખતે વાહન વ્યવહાર અને હવાઈ યાત્રા ન હોવાથી મોટા ભાગનો સમય એક ગામથી બીજા ગામ જવામાં જ વીતી જતો હશે. એમાં પાછાં બીજે ગામ એ પહોંચે ત્યારે જેને મળવા ગયાં હોય તે ત્રીજે ગામ ગયો હોય એટલે એની રાહ જોવામાં કદાચ બીજાં મહિનાઓ નીકળી જતાં હશે. પાછું ટેલિફોન પણ ન હોય એટલે આવશે કે નહી, એ નક્કી ન કહેવાય. પાંડવો તો જુગારમાં હારી ગયાં એટલે તેર વરસ વનવાસ ગયાં હતાં. એમાં અર્જુનથી બીજી એક ભૂલ થઇ એમાં એ બીજાં તેર વરસ માટે વનવાસ ચાલ્યો ગયો હતો. એટલે ૨૬ વરસ તો જંગલમાં જ ગયા. એટલે ટીવી, ફેસબુક જેવા મનોરંજન અને ટાઈમ પાસના સાધનો ન હોવા છતાં જિંદગી કંટાળા વગર પૂરી થઈ જતી હતી.

Source : web
ઉંમર થાય એટલે માણસ ફિલસૂફ બનતો જાય છે. ઘણા ઘરમાં ન બોલી શકે એટલે જાહેરમાં ફિલસુફીઓ ઠોકે. વાતવાતમાં બોલે કે ‘ઉંમર તો ઉંમરનું કામ કરે જ’. હવે આમાં નવું શું કીધું વડીલે? દરેક પોતપોતાનું કામ કરે. વિદ્યાર્થી વિદ્યાર્થીનું કામ કરે. કડિયો કડિયાનું કામ કરે. નેતા નેતાનું કામ કરે. ડોક્ટર ડોક્ટરનું કામ કરે. કેમ કોઈ આવી ફિલસુફી નથી ઠોકતું? બસ ઉંમર જ હાથમાં આવે છે? આ ઉંમર ઉંમરનું કામ કરે એવું કહી વડીલે શું તોપ ફોડી? ઉંમર ઉંમરનું કામ ન કરે તો કોનું ઝુમ્મરનું કામ કરે? સોરી. આજકાલ કવિતાનાં રવાડે ચઢ્યો છું એમાં આ ઉંમરની સાથે ઝુમ્મર પ્રાસમાં આવી ગયું.

અંગ્રેજીમાં એવું કહેવાય છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી. અર્થાત ચાલીસ વર્ષે જિંદગીની ખરી શરૂઆત થાય છે. ખાસ કરીને પશ્ચિમના દેશો આ ચાલીસીનું માર્કેટિંગ કરે છે. બાકી તો આ એજ સમય છે જયારે ફાંદ, સફેદ વાળ, ચામડી પર કરચલીઓ, ટાલ જેવી અનેક ઉંમરની નિશાનીઓ દેખાવાની શરૂઆત થાય છે. આપણે ત્યાં તો ચાલીસમાં પહોંચે એટલે ચારધામ ચાલુ થાય. છોકરાં પરણાવવાની પળોજણ ચાલુ થાય. મકાન ખરીદવાની માથાકૂટ શરું થાય. ડ્રેસિંગ સેન્સ ઝાંખી થતી જાય. કામ કરવાની સ્પીડ ઘટતી જાય. વાહન ચલાવતા બીક લાગવા માંડે.

ઉંમર થાય એટલે યાદશક્તિ ક્ષીણ થાય. આ કુદરતી ક્રમ છે. કોઈ વસ્તુ યાદ રાખવા રૂમાલમાં ગાંઠ મારી હોય પણ ગાંઠ કેમ મારી હોય એ યાદ ન આવે. માણસોના ચહેરા અને નામ યાદ ન આવે. જોકે ઉછીના લેનારની યાદશક્તિ કોઈ પણ ઉંમરે દગો દે છે એવો સૌને અનુભવ છે. માણસની ઉંમર થાય એટલે એકની એક વાત ચાર વાર કહેવાની આદત પડે. પહેલાં ત્રણ વાર કીધું છે એ યાદ હોય તો પણ. અને કહેનાર સસરા હોય તો વિવેક ખાતર પણ ચારેય વખત રસપૂર્વક સાંભળવાનો દેખાવ પણ કરવો પડે. છતાં ઘડપણમાં ભૂલકણા સ્વભાવએ લીધે ક્યાંક મુકાઈ ગયેલી વસ્તુ શોધવામાં અને હૈયે હોયને હોઠે ન આવતી હોય તેવી વાત યાદ કરવામા ટાઈમ પાસ થઈ જાય છે, એ ફાયદો! આવામાં અમારી વણમાગી સલાહ છે કે તમારી પાસે પુરતો ટાઈમ ન હોય તો કાનમાં રૂ નાખ્યું હોય કે માથે સ્કાર્ફ બાંધ્યો હોય એવા કાકા કે માસીને તબિયતની ખબર પૂછશો નહિ.
 
“બી.એ. હુએ, નોકર ભયે, પેન્શન મિલી ઓર મર ગયે”. ઘણાની જિંદગી આ ક્યાંક સાંભળેલી કવિતાની ચાર લાઈનમાં સમેટાઈ જાય એટલી બિન-ઘટનાસ્પદ હોય છે. જ્યોર્જ બર્નાડ શોએ વૃધ્ધાવસ્થા વિષે કહ્યું છે કે તમે ઘરડા થાવ એટલે હસવાનું બંધ નથી કરી દેતાં, તમે હસવાનું બંધ કરી દો એટલે ઘરડા થાવ છો. જો તમને કોઈ વાતે હસવું આવે અને તમારે વિચારવું પડે કે અત્યારે અને અહિં હસાય કે નહી? તો ચોક્કસ સમજ્જો કે તમે ઘરડા થઈ ગયા છો. બાકી એકલા કે ટોળામાં, ઘરમાં કે ઓફિસમાં જ્યાં અને જયારે હસવું આવે ત્યારે રોકી રાખવું નહી. જોકે આ વાતમાં બેસણું અપવાદ છે.