Sunday, January 12, 2014

ઉત્તરાયણના માનદ સલાહકારો



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં જાન્યુઆરીનું બીજું અઠવાડિયું શરું થાય એટલે લોકો ઉત્તરાયણ નામના મહાસંગ્રામની તૈયારીમાં લાગી જાય. ક્યાં દોરી પીવડાવવી, ક્યાંથી, કેટલાં અને કેવા પતંગ લાવવા અને ક્યાં ઉત્તરાયણ કરવી એ પ્રશ્ન ઘેરઘેર ચર્ચાય છે. હમણાં જ છાપામાં એક જાહેરાત વાંચી કે ‘ઉત્તરાયણ કરવા ત્રણ દિવસ માટે ધાબુ ભાડે જોઈએ છે’. ધન્ય છે એ વ્યક્તિના પતંગ શોખને. પણ આવા ઉત્સાહી પતંગબાજોની વચ્ચે અમુક શિખામણ બાજ પણ એક પર એક ફ્રીની જેમ મળતાં હોય છે જે તમને ડગલે અને પગલે માર્ગદર્શન આપવા તૈયાર ઊભા હોય છે.

સૌથી પહેલાં પતંગ ખરીદવાની બાબતમાં સલાહ કે અભિપ્રાય મળે. ‘જો બકા એકલી ચીલ લાવજે, ગઈ વખત જેવી ભૂલ ના કરતો. ઘેશિયા બધ્ધા નક્કામાં નીકર્યા તા. અને સાંભર. પાતરા ઢઢ્ઢાના પતંગ લાવજે નહિતર હવા ઓછી હશે તો ચગસે જ નહી’. પછી પાતળાં ઢઢ્ઢાના પતંગ લાવો અને એ લબૂક નીકળે તો તમે વડીલને દોષ દેવાની કોશિશ કરી જોજો, તેલ ચોપડીને આવ્યાં હોય એમ એ હાથમાં નહીં આવે. આ વડીલ તમને પતંગ ખરીદવા ક્યાં જવાય અને ક્યાં કેમ ન જવાય તે વિષે પણ જ્ઞાન-સમૃદ્ધ કરશે. ‘જોજે હોં, પંજો ઊંચકીને લાઈટ સામે ધરવાનો, એટલે અંદર ફાટેલા પતંગ હોય તો દેખાઈ આવે’. ‘રાતે મોડા જાવ તો જુનાં અને ફાટેલા બઝાડી દે’. ‘પતંગ તો જમાલપુરથી જ લેવાય, અમે તો સીધાં સાદીક્ભાઈના ઘેર જ જતાં અમારા માટે એ અલગ પતંગ કાઢી રાખતા’. જોકે સાદીક્ભાઈ ને તો આવા કેટલાય ઘરોબો કરનારા મળી રહે એ અલગ વાત છે.

પતંગ પછી આપણા માનદ સલાહકાર તેમની સલાહની થેલી દોરી અંગે ઠાલવશે. મૂળ અમદાવાદના હોય એ ખેંચીને પેચ લેવામાં માને છે. આમાં દોરી ઓછી જાય છે. અને સામેવાળાનો પતંગ હાથમાંથી ખેંચવાની મઝા લેવા મળે છે. આમ ખેંચની દોરી અને ઢીલની દોરી બે જુદી હોય. ખેંચની દોરી હાથે ઘસેલી સારી બને એવી માન્યતા આવ ઉસ્તાદોએ ફેલાવેલી છે. ‘દોરી તો હાથથી જ ઘસાવવાની, પેલી ફેર પપ્પુ ઉસ્તાદ પાસે ઉતરાણના આગલા દિવસે ગ્યો તો તે ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું ત્યારે નંબર લાગ્યો તો. પણ પપ્પુની દોરી એટલે પપ્પુની દોરી’. પણ આપણે ‘પેલી ફેર’ તમે આ માનદ સલાહકારને એકેય પેચ કાપતા જોયા ન હોય એટલે એમની વાતમાં ઝટ વિશ્વાસ ન બેસે. એમાંય આજકાલ ગુજરાતીઓને પપ્પુ નામ થોડું ઓછું જચે છે.

પતંગ ચગાવો એટલે બેકગ્રાઉન્ડમાંથી તમને માર્ગદર્શન મળે. ‘જો પેલા આસમાનીને લઈ લે’. હવે આપણું ધ્યાન આગળ હોય અને એ તરફ એકેય આસમાની ન દેખાતો હોય. તો ઘણીવખત વડીલ જેને આસમાની કહેતા હોય એને આપણે લીલો સમજતાં હોઈએ!હવા પડી ગઈ હોય, દસ મીનીટથી ઠુંમકા મારી મારીને ખભો દુખવા આવ્યો હોય અને તોયે પતંગ ચગતો ન હોય તેવામાં વડીલ પતંગ કેવી રીતે ચગાવવો જોઈએ એ વિષય પર મીની-પ્રવચન આપશે. અને પેચ લઈએ તો તરત જ વડીલ ‘અલા એમ ના લેવાય, જો બિન હવામાં આપડો પતંગ લઈ જવાનો, પછી હવા હોય એ દિશામાં સળંગ ખેંચવાનું બકા તો પેલાનો કપાય’ એમ વદશે. એમાં જો આપણો પતંગ કપાય પછી આવી સલાહ મળે તો આપણને ફિરકી હાથમાંથી પછાડવાનું મન થાય.

સલાહ આપનારના કાર્યક્ષેત્રમાં ‘ફિરકી કઈ રીતે પકડવી?’ એ પણ આવી જાય છે.  એ પતંગ ચગાવતા હોય તો એની ફિરકી પકડનારની દશા કવિ સંમેલનમાં બેઠેલા સાયન્ટિસ્ટ જેવી હોય છે. ‘જો, ફિરકી ઢીલી પકડવાની એ વાત બરોબર, પણ જેવી હું ઢીલ છોડવાની બંધ કરું તેવી તારે બ્રેક મારી દેવાની’. આમાં ખરાબ દશા થાય બિચારા ફિરકી પકડનાર કે પકડનારીની. ફિરકી પકડનારને જો પોતાને એટલો રસ હોત તો એ પોતે જ ન પતંગ ચગાવતો હોત? એટલે સ્વાભાવિક છે કે ફિરકી પકડનાર જવલ્લે જ યુધ્ધમાં રથના સારથી જેટલાં સાબદાં હોય છે. એ તો આજબાજુના ધાબા પર ‘કોણે કેવા કપડાં પહેર્યા છે’ થી લઈને ‘આ ગોગલ્સવાળી કોણ છે?’, ‘આ કોણ ધાબામાં ઝંડુ લઈને ઉભું છે?’, જેવા અગત્યના નિરીક્ષણમાં મશગુલ થઈ જાય છે. આવામાં ફિરકી પકડનાર ‘અલા, દોરી બરોબર આવવા દે, ફિરકી પકડતા પણ નથી આવડતું’. એવું સાંભળવા પામે છે. એટલું જ નહી પતંગ કપાય અને દોરી વીંટવામાં માટે પણ એમની પાસે થિયરી હોય છે. પતંગ કપાય એટલે તરત હાથ ખંખેરીને, માવો ચાવતા ચાવતાએ કહેશે કે ‘જો બકા પે’લા દોરી ઉલ્ટાઈ નાખવાની પછી વીંટવાની. એટલે ગૂંચ ઓછી પડે’.

ઉત્તરાયણ માટે ઢગલા મોઢે સલાહો આપનારા એ ભૂલી જતા હોય છે કે આપણે ત્યાં ટીવી એન્ટેનાના ડંડા, ઝાડ, ચેનલના કેબલ, ઈલેકટ્રીકના તાર વગેરે પણ ઉત્તરાયણમાં ઉલટભેર ભાગ લેતાં હોય છે. આ એક એવો વિભાગ છે જેના માટે ખાસ સંશોધન થયું નથી એટલે છેવટે અણઘડ કન્સલ્ટંટોની સલાહો પર ચાલવાનો વારો આવે છે અને એના પરિણામો દિવાળી સુધી ઠેર ઠેર લટકતા દેખાય છે! ઘણી જગ્યાએ તો ‘ઘર જલાયા ઘર કે ચરાગને...’ ના ધોરણે આપણા ધાબાના ટીવીના ડંડાઓ આપણા જ પતંગનો ભોગ લેતાં હોય એ વખતે આ કન્સલ્ટન્ટો કર્ણના સારથી શલ્યની જેમ મહેણાં મારીને આપણા ઉત્સાહમાં પંચર પાડવાનું ચુકતા નથી.

આમ સલાહ આપનાર કોઈ પણ બાબતમાં પોતે અજ્ઞાન છે એવું ભૂલથી પણ કોઈ માની ન બેસે એની પૂરતી તકેદારી રાખે છે. કપાયેલો પતંગ ધાબામાં પડશે કે નહી, એ અંગે એ સચોટ આગાહીઓ કરતાં જોવા મળે છે. એમને ગૂંચ ઉકેલવાની થિયરી પણ ખબર હોય છે. પીલ્લુ કે લચ્છો કઈ રીતે વીંટવો એનાં ટ્યુટોરીઅલ આપવા એ હંમેશા તૈયાર હોય છે. કિનારી બાંધવા માટે એ ક્રેશ કોર્સ આપવા ઉત્સુક હોય છે. ફાટેલા પતંગ સાંધવા માટે પણ એ માર્ગદર્શન આપી શકે છે. પણ સાચો અમદાવાદી હોય એ આ સલાહ-સુચનો કોઈ ‘આપે છે ને? લઈ જતું નથી ને?’ એમ માની સદાય ખુશ રહે છે.

No comments:

Post a Comment