Tuesday, April 30, 2013

દારૂબંધી ઉઠાવી જ લેવી જોઈએ !



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૮-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |


ચેતન ભગત નામ ઘણું પ્રચલિત છે. એ અમદાવાદની પ્રસિદ્ધ આઇઆઇએમ સંસ્થામાં ભણ્યા છે એટલે એ ઇન્ટેલીજન્ટ હશે એવી ધારણા લોકો કરે છે. આ ચેતન ભગત લેક્ચર્સ, ઉદ્ઘાટનો અને ટ્વીટરના માધ્યમથી પોતાના વિચારો છૂટથી રજૂ કરતાં ફરે છે. આપણા દેશમાં વાણી સ્વતંત્રતા છે એ વાતનો લાભ લઈ નેતાઓ, અભિનેતાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. અમે પણ.

આ ચેતન ભગતે હમણાં ગુજરાતમાં આવી એવું કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. ભગત સાહેબે દલીલ એવી કરી કે આમેય દારૂબંધી હોવા છતાં દારુ છૂટથી મળે છે. કદાચ ભણતી વખતે એમણે એનો લાભ પણ લીધો હશે. આમ દારુ છૂટથી મળતો જ હોય અને લોકો પીતાં જ હોય તો પછી દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. ચેતનભાઈએ એવું પણ કહ્યું કે દારૂબંધીને કારણે ગુજરાતને હજારો કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે. ગુજરાતના ડેવલોપમેન્ટ મોડલમાં દારૂબંધી ફીટ નથી થતી એવું એમનું માનવું છે. એ કહે છે કે આખા દેશમાં, અને આખી દુનિયામાં દારુની છૂટ છે અને ત્યાં બધું બરોબર ચાલે છે. આ ભગત એવું પણ કહે છે કે દારૂબંધી ન હોય તો યુવાનોને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહે.

પણ ભગતના આ સ્ટેટમેન્ટથી તાનમાં આવી ગયેલા બુટલેગરોએ દેશી દારૂની પ્રીમિયમ પોટલીઓ ભગત પાઉચના નામ હેઠળ પાનની દુકાનોમાં  ઠાલવવાનું ચાલુ કર્યું છે એવું સાંભળવા મળે છે. અમુક તો આ ધંધામાં હાલ કેટલી નોકરીઓ છે અને વધુ કેટલા માણસને રોજીરોટી મળી શકે એમ છે એના સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં પડ્યા છે. આ સક્સેસ સ્ટોરીઝમાં સ્કુટરની ટ્યુબમાં દારૂ ભરીને ફેરી કરતાં કરતાં હપ્તાબળે આગળ વધીને  હોન્ડા સીટીમાં ફરતી થઈ ગયેલી સફળવ્યક્તિઓના મૅનેજમેન્ટ કેસ સ્ટડીઝ પણ છે.

સર ચેતન કહે છે કે એ પોતે ખાસદારુ નથી પીતાં, ન એ પીવાની હિમાયત કરે છે. પણ કદાચ ગુજરાતના વિકાસ માટે એમનાં દિલમાં ઊંડી લાગણી છે એટલે જ એ વગર માંગ્યે દારૂબંધી ઉઠાવવાની હિમાયત કરે છે. ભગતજી તો બસ ફ્રીડમ (રસ્તા ઉપર ટુન્ન થઈને પડવાની!), ચેન્જ (પોલીસના ડર વગર પીવાનો!) અને મોડર્નીટી (મા-દીકરો સાથે બેસીને દારુ પીવે) માં માને છે.

અમને તો ભગત ચેતનની વાત ખૂબ ગમી ગઈ છે. એટલે જ આ ભચેવતી અમે બીજાં ક્ષેત્રોમાં પણ સરકારને લિબરલ બનવા અપીલ કરીએ છીએ. બીજાં ઘણાં એવા ક્ષેત્રો છે જ્યાં થોડા પ્રૅક્ટિકલ થઈએ તો આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝની હરીફાઈમાં ઊભા રહી શકીએ એમ છીએ.

અમારા અમદાવાદમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. લોકો રોંગ સાઇડમાં પણ વાહન ચલાવે છે. પોલીસ દાદાનું ધ્યાન હપ્તો આપ્યા વગર જતાં ટેમ્પો તરફ હોય તેવામાં સિગ્નલ રેડ હોય તો પણ લોકો ઘૂસી જાય છે. નો પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરે છે. સિગ્નલ બતાવ્યા વગર ડાબી જમણી બાજુ કટ મારવી રસ્તા પર પાનની પિચકારી મારવા જેટલું સહજ છે. એકાએક વળવાનું અથવા તો કામ યાદ આવે તો રસ્તા વચ્ચે ઊભા રહી જવામાં કોઈને કાયદાનો ભંગ થતો હોય એવું લાગતું નથી. હેલ્મેટ તો ખુદ પોલીસ દાદાઓ જ નથી પહેરતા! તો ગુજરાત સરકારને સર ચેતન ભગત તરફથી અમારી વિનંતી કે અમદાવાદને ફ્રી-ટ્રાફિક ઝોન ડીકલેર કરવામાં આવે. આ ફ્રી-ટ્રાફિક ઝોનમાં રસ્તાની બન્ને બાજુ વાહનો ચલાવી શકાય. મને ફાવે ત્યાં પાર્ક કરી શકાય. બદલામાં બસ ઇમ્પેક્ટ ફીની રાહે વન ટાઈમ પોલીસ ટૅક્સ ભરી દેવાનો. સરકારને આવક જ આવક!

અને હમણાં પોર્ન ફિલ્મો વિષે ચર્ચા ચાલુ થઈ છે. ઈન્ટરનેટના માધ્યમથી આવી ફિલ્મો આખા દેશમાં જોવાય જ છે. તો પછી ભચેથિયરી અનુસાર આ પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ લાવવાને બદલે સરકારે એનાં પણ હેવી ટૅક્સ નાખી કાયદેસર કરી નાખવી જોઈએ. સરકારમાન્ય વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ ઘસી લોકો ફિલ્મોનો આનંદ મેળવી શકશે અને સરકાર આ સેવા ઉપર સર્વિસ ટૅક્સ નાખી કરોડો કમાઈ શકશે. મોબાઈલ કંપનીઓ પણ ચાર્જ વસૂલી કાયદેસર રીતે એમએમએસ જે તે જગ્યાએ પહોંચાડી આપશે.  આવી કંપનીઓને મંજૂરી આપવામાં સરકાર અને નેતાઓને વ્હાઈટ અને બ્લેક બે પ્રકારની કમાણી થયા એ નફામાં. હવે કોઈ ચોખલિયો એમ પૂછે કે પછી આપણા સંસ્કારોનું શું ?’ ‘આપણી સંસ્કૃતિનું શું?’, તો એને ભગતના ભાષણ સાંભળવા મોકલી દેવાનો!

અને અમે તો વર્ષોથી લાંચને કાયદેસર કરવાની હિમાયત કરીએ છીએ. આમેય સરકાર ગમે તેટલા કાયદા કરે પચીસ રૂપિયાથી લઈને અમુક લાખ કરોડ સુધીની લાંચ લેવાય છે એ દેશમાં લાંચ કાયદેસર કરી નાખીએ તો કોઈએ પછી અન્ડર ધ ટેબલવ્યવહાર કરવા ન પડે, કોઈનું સમાજમાં ખરાબ ન દેખાય. દરેક પ્રકારની લાંચના બાંધ્યા ભાવ કરી નાખવાના. સરકારી કર્મચારીઓને પછી પગાર નહિ આપવાનો. આવા કર્મચારીઓના સિલેક્શનમાં પણ જે વ્યક્તિ પોસ્ટની હરાજીમાં સૌથી વધારે બોલી બોલે તેને આ પોસ્ટનો ઠેકો આપવાની રીત અપનાવી શકાય. 

ભગત સાહેબ મૅનેજમેન્ટ ભણ્યા છે એટલે ઇકોનૉમીની વાત કરે છે. એમનું કહેવું છે કે દારૂબંધી ઉઠાવી લેવાય તો વધુ નોકરીઓની તક ઊભી થશે. વાત તો ૧૦૦% સાચી છે. બાર ટેન્ડર, કૅશિયર, બાઉન્સર, સ્ટોર્સ અને લોજીસ્ટીક્સ બધામાં નોકરી જ નોકરી. હા એ અલગ વાત છે કે અત્યારે પણ કોઈ આ કામ જીવના જોખમે કોઈ કરે જ છે.

પછી તો દારુ કાયદેસર થતાં ગુજરાતની વેપારી પ્રજા પછી દારૂના ધંધામાં ઝંપલાવશે. પછી વિજયભાઈ માલિયાને ચોક્કસ ટફ કમ્પીટીશન મળે. અથવા તો એવું પણ બને કે વિજયભાઈ ગુજરાતમાં ઇન્વેસ્ટર બની ને આવે. એનાથી બીજું કશું થાય કે ન થાય, ગુજરાતની છોકરીઓ કિંગફિશરના કેલેન્ડર પર ચમકતી જરૂર થઈ જશે! ચેતનભાઈનો ગુજરાત પ્રેમ કહેવું પડે !

Sunday, April 21, 2013

ગુજ્જેશ, વોટર પાર્ક અને સ્વીમીંગ

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આદેશ પાલ બહુ લકી છે. લોકો રૂપિયા ખર્ચીને છાપામાં જાહેરાતો આપી ચમકે છે ત્યારે આદેશ માત્ર છીંક ખાય તો પણ એ ન્યૂઝ બની જાય છે. જોકે પછી સમાચાર કંઈક એવા આવે છે કે એક વાઈસ ચાન્સેલર થઈને છીંક ખાતી વખતે રૂમાલ કેમ ન ધર્યો? શું વાઈસ ચાન્સેલર વિધાર્થીઓમાં ફ્લૂ ફેલાવા માંગે છે? આવા આદેશ પાલ પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાં સ્વીમીંગ પુલ બાંધે, અને એ પણ મંજૂરી વગર, તો પછી કોઈ છોડે એમને? એટલે સ્વીમીંગમાં હજારો લીટર પાણી બરબાદ થશે, રૂપિયા વેડફાશે એવી ટીકાઓ થઈ રહી છે. પહેલાં જ બાઉન્સર્સ રાખી શારીરિક શક્તિનો મહિમા ગાનાર વીસી સ્વીમીંગ કરી જાતે ફીટ રહે તે લોકોને પોસાતાં નથી લાગતું!

ખરેખર તો સ્વીમીંગ જેવી શારીરિક મહેનત માંગી લે તેવી પ્રવૃત્તિમાં આપણી પ્રજા બિલકુલ માનતી જ નથી. અને આમ જોવા જાવ તો પબ્લિક સ્વીમીંગ પુલ પણ આપણે ત્યાં એટલાં સુલભ નથી. કદાચ સુલભ શૌચાલય જેટલા પણ જો જાહેર સ્વીમીંગ પુલ હોય તો ડાયાબીટીસ અને હાર્ટના પેશન્ટ અડધા થઈ જાય. પણ આપણે ત્યાં તો જાહેર સ્નાનાગારમાં ઍડ્મિશન જોઈતું હોય તો સાત ચોપડી પાસ ન હોય એવા કોર્પોરેટર સાહેબોની ઓળખાણ લગાડવી પડે છે. ક્લબમાં સ્વીમીંગ પુલ હોય છે પણ ક્લબોની મેમ્બરશિપ પણ એટલી તગડી હોય છે કે સામાન્ય માણસને એ પોસાતી નથી. હવે તો ક્લબના સ્વીમીંગ પુલમાં પણ હવે વોટર પાર્કની જેમ  જ કડિયારું ઊભરાતું હોય છે, વેકેશનમાં તો ખાસ.

આપણે ત્યાં જેમ ઉનાળો બેસતો જાય એમ વોટર પાર્કમાં ભીડ થવા લાગે. રેલવે સ્ટેશન અને વોટર પાર્કની ભીડ લગભગ સરખી જ હોય છે, ખાલી પરસેવાનો ફેર હોય છે! રેલવે સ્ટેશન પર પરસેવો દેખાય છે, જ્યારે વોટર પાર્કમાં તો જાણે દુધમાં સાકર ભળે તેમ પરસેવો પાણીમાં ભળી જાય છે. વોટર પાર્કમાં તો ઉનાળામાં એટલી ભીડ હોય છે કે ખાલી ઊભા રહેવા માટે પણ રેલવેની જેમ રૂમાલ નાખવો પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. પ્લાસ્ટિકના પાણીમાં તરે એવા ચાઈનીઝ રૂમાલો શોધાવા જોઈએ, એવું આ ભીડમાં ઊભા રહેવા માટે જગ્યા શોધતાં અમને લાગે છે.

વોટર પાર્કમાં તો આજકાલ કોશ્ચ્યુમ ભાડે પણ આપે છે. તો પણ આપણી ગુજીષાઓ પંજાબી પહેરીને પાણીમાં ઊતરી જતી હોય છે. પાછી પાણીમાં ઊભા ઊભા ઘાંટા પાડી ધણીને તતડાવતી હોય! પેલા રાજનું ધ્યાન રાખો જુઓ ક્યાં ગયો તે’. ગુજ્જેશ ત્યાં ઊભા ઊભા, બીજે ફાંફાં મારવાનું છોડીને, શોધી કાઢે કે રાજ તો ગુજીષાની જ બગલમાં જ ઊભો છે. એટલી ભીડ હોય. બાકી હોટેલના સ્વીમીંગ પુલમાં તો ઘણીવાર કોટન ચડ્ડીઓ પણ પાણીમાં ધુબાકા મારતી જણાય છે. પણ આવી ચડ્ડીઓએ ધ્યાન એ રાખવું પડે કે નાડું ઢીલું હોય તો માણસ સાંમાં છેડે પહોંચી જાય, પણ ચડ્ડી વજનના કારણે આ છેડે રહી જાય!

પાછું સ્વીમીંગ પુલમાં શેરવાની, સુટ-બૂટ કે ટીશર્ટ પહેરીને ઊતરવા દેતા નથી. આથી ગુજ્જેશોને એક મોટો ગેરફાયદો થાય છે, અને તે છે ફાંદ સંતાડવાનો. સ્વીમીંગ પુલ એવી જગ્યા છે જ્યાં ગુજ્જેશકુમારની ફાંદને સુર્યપ્રકાશ જોવા મળે છે. આવા ફાંદેશોને વોટરપાર્કના ફાંદડૂબકરતાં સ્વીમીંગ પુલનું ગળાડૂબપાણી વધારે અનુકૂળ આવે છે. પણ એ ડાઈવિંગ બોર્ડ પરથી ભૂસકો મારે તો પુલમાં ખાસ પાણી બચતું નથી, અને બહાર બેઠેલાંને વગર મરણે નહાવાનું થાય છે.

સ્વીમીંગ પુલ હોય કે વોટર પાર્ક, અમુક તો તરવા પડ્યા કે છે કે ઉલેચવા એ જ નક્કી ન થાય. અમુક વોટર પાર્કના અઢી ફૂટ પાણીમાં ઊભા ઊભા ડાઈવ મારે. પાછાં મિત્રો સગાવહાલાઓ ગૌરવ લેતા હોય એમ હસે. પેલો હિપ્પોપોટેમસ પણ જાણે ઓલમ્પિકમાં ડાઈવિંગ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય એમ વિજયી સ્મિત કરે. અમુક મગર જેવા હોય. કલાકો સુધી કશું પણ કર્યાં વગર પગથિયું શોધીને બેસી જાય. અમુક ભેંસ જેવા હોય, એકવાર અંદર પેસે પછી બહાર નીકળવાનું નામ જ ન લે.

કેટલાક વોટર પાર્કમાં આવ્યા છીએ તો સ્વીમીંગ શીખીને જ જઈએએવા નિર્ધાર સાથે આવ્યા હોય. પાછું પોતાને આવડતું ના હોય તોયે બીજાં ને શિખવાડતા જાય. એ લાલા એમ નઈ, પગ હલાવવા પડઅ, જો ઓમ.પણ લાલો પગ હલાવવા જાય તો હાથ હાલતા બંધ થઈ જાય. એકંદરે પાણીમાં સાડા છ ફૂટ અંતર કાપે એમાંનું સાડા પાંચ ફૂટ અંતર તો પગથી પાળી ઉપર ધક્કો માર્યો હોય એમાં કપાયું હોય! આવા કોઈ ગુજ્જેશને પૂછો કે સ્વીમીંગ આવડે છે?’ તો જવાબ મળે કે ઓમ તો ફાવ છ, પણ ખાલી શેલોમાં. ડીપમાં થોડું ઓછું ફાવઅ’.

હવે આ આખો આર્ટિકલ વાંચીને કોઈને એમ થાય પણ ખરું કે હેં  અધીર ભાઈ તમે આ સ્વીમીંગ વિષે આટલું ભરડ્યું તે તમને સ્વીમીંગ આવડે છે કે પછી તમે પણ પેલા શેલોવાળા જ?’ તો અમારો જવાબ છે ના, અમને નથી આવડતું’. તોયે અમે લખીએ છીએ. અને અમે લખીશું. એમ તો હમણાં જ એક કાર્યક્રમમાં કુંવારા એવા મિત્ર જય વસાવડાએ લગ્ન ઉપર ભાષણ આપ્યું હતું! એટલે એમણે જે વાત બચાવમાં કહી હતી એ અમે પણ કહીએ છીએ કે, ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓ મૃત્યુ વિષે વાત કરે છે તે એમણે ક્યાં મરવાનો અનુભવ કર્યો હોય છે? છે કોઈ જવાબ?

Thursday, April 18, 2013

ખાંડ કદી કડવી નથી થતી

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |

બે કીડી ખાંડના ઢગલા પર બેઠી હતી. બીજી કીડી ખાંડ ખાતી હતી અને પહેલી સુનમુન બેઠી હતી. બીજી કીડીએ પહેલી કીડીને પૂછ્યું: ‘કેમ બેન તું ખાંડ નથી ખાતી, શું તને ડાયાબીટીસ છે?’, પહેલી કીડીએ જવાબ આપ્યો: ‘ના બેન, હું તો રોજ બ્રિસ્ક વોકિંગ કરું છું, પણ આ તો છાપામાં વાંચ્યું કે ખાંડ કડવી થઈ ગઈ છે, એટલે ચાખતાં ડરું છું’.  
--
ખાંડના જરાક ભાવ વધે એટલે છાપાંઓ ‘ખાંડ કડવી થઈ’ એવું છાપી મારે છે. પણ ખાંડ કદી કડવી થતી નથી. સત્ય કડવું હોય છે. રોગ કરતાં જેનો સ્વાદ વધુ કનડે છે એવી આયુર્વેદિક દવાઓ કડવી હોય છે. કારેલા અને કંકોડા જેવા સજા-એ-શાક કડવા હોય છે. પણ ખાંડ કડવી નથી હોતી. ગુજરાતી કાર્યક્રમના સંચાલકની ભાષામાં કહું તો ખાંડને કડવી કહેવી એ ખાંડના મધુરત્વનું કડવું અપમાન છે. ખરેખર તો ભાવ વધવાથી લોકોમાં પણ ખાંડ તરફ જરા પણ કડવાશ નથી આવતી. કોઈ ચા પીવાનું નથી છોડતું. જગતમાં જેટલા નશીલા પદાર્થોના બંધાણી છે એનાંથી વધારે ચાના બંધાણી હશે. અને ચા ખાંડ વગર નથી બનતી. ખરેખર તો ડાયાબીટીસ હોય એવા લોકોને ગળી આઇટમ્સ ખાવાનું વધારે મન થાય છે. જેની મનાઈ હોય એ કરવાની સામાન્ય રીતે વધારે ઈચ્છા થતી હોય છે.

અમને પોતાને શીખંડ, રસગુલ્લા, બાસુંદી, હલવા જેવી આઇટમ્સ, કે જે ખાંડ વગર બનતી જ નથી એવી આઇટમ્સ વિશેષ ભાવે છે. અમારું તો સુત્ર જ છે કે ગળ્યું એ ગળ્યું બીજું બધું બળ્યું. અમે ગળ્યું ખાવા માટે જીવીએ છીએ, જીવવા માટે નથી ગળ્યું ખાતા. એટલે જ અમને કોઈ ભાજીપાઉં (અથવા પાઉંભાજી બસ!) કે ઈડલી-સંભારની મીની-પાર્ટીમાં બોલાવે તો એ અપમાન જેવું લાગે છે. અરે, બ્રેડ કે ઇડલીના ડૂચાની તો કંઈ પાર્ટી હોતી હશે? પણ શું થાય, ખાંડ આટલી મોંઘી હોય પછી આવી ચીંથરા જેવી આઇટમ્સની જ પાર્ટી થાય ને?

અમે વર્ષો ખાંડના ભાવને લીધે રેશનીંગની ખાંડ ખાધી છે. લાઈનમાં ઊભા પણ રહ્યાં છીએ. અમારો ‘ખાંડ ખાવાનો’ વર્ષોનો અનુભવ છે. એટલે જ અમે ખાંડ વિષે લખવા માટે ક્વોલીફાય થઈએ છીએ એવું પણ કહી શકાય. ખાંડ એ ગળપણ છે, પણ ગુજરાતી સાહિત્યકારો દ્વારા ઉપેક્ષિત રહી છે. તમે જુઓ ‘મીઠું મધ જેવું’ એવી કહેવત સાંભળવા મળશે, ગળ્યું સાકર જેવું પણ સાંભળ્યું હશે, પણ જે સાકરના નાના નાના સુંદર ચોરસ દાણા બને છે એ ખાંડ જેવું ગળ્યું એવું કોઈ નહિ કહે. સગાઈમાં ગોળ-ધાણા વહેંચશે, પણ ખાંડ-ધાણા કોઈ વહેંચતું નથી. અરે, ડોક્ટરો અને નેચરોપેથ ખાંડ તમારી દુશ્મન છે એવો પ્રચાર કરે છે. નમક હરામ અને નમક હલાલ જેવા નામવાળી ફિલ્મોમાં નમક ઉર્ફે મીઠાના ગુણ ગવાય છે. જો ખાંડ ડાયાબિટીસ માટે ઝેર છે તો મીઠું બ્લડ પ્રેશર. અને તોયે શોલેમાં કાલિયા ગબ્બરનું નમક ખાધું હોવાની વાત કરે છે, એ ગબ્બરની વધારે ખાંડવાળી ચા પીધી છે એવું પણ કહી શક્યો હોત, પણ સલીમ-જાવેદે એવું થવા દીધું નહિ. કદાચ એ જોડીમાંથી કોઈને ડાયાબિટીસ હોય એવું બને!

ખાંડનો ભાવ વધે એટલે રોડસાઈડ કીટલી પર ચાના ભાવ વધે છે. એક વાયકા મુજબ વર્ષો પહેલાં અમદાવાદમાં રતનપોળમાં કપડાં ખરીદવા જાવ તો વેપારી દુરથી બે આંગળી ઉંચી કરી ચાવાળાને બે અડધી ચા ઓર્ડર કરે. ઘરાક ખરીદી કરીને ચા આવવાની રાહમાં કંટાળીને જતો રહે ત્યાં સુધી ચા ન આવે કારણ કે વેપારીએ હાથ ડાબે જમણે હલાવી ચા ન લાવવાનો સંકેત કર્યો હોય. આજ અમદાવાદ અત્યારે એની કટિંગ ચા માટે વિશ્વમાં ખ્યાતિ મેળવી ચૂક્યું છે. પણ ચા-ખાંડ-દુધના ભાવવધારા પછી એ કટિંગ ચા માઈક્રો કટિંગ બની ગઈ છે. અત્યારે મ્યુનીસીપાલીટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપમાં જેટલી ચા મળે છે એ જોઈ કહેવાનું મન થાય કે ‘આજ ઇતની ચાય નહિ ચાય કે પ્લાસ્ટિક કપમેં, જીતની હમ છોડ દિયા કરતે થે કાચ કે પ્યાલેમેં’.

છઠ્ઠા પગાર પંચ અને ફુગાવાને લીધે સરકારને કદાચ એમ લાગે છે કે મધ્યમ વર્ગ ખુબ સમ્પન્ન થયો છે, એટલે એમને મોંઘવારી અને ટેક્સ થકી લૂંટો. એટલે જ શેરડી અને ખાંડની વાત આવે એટલે કલાપીની ગ્રામ્યમાતા યાદ આવે, જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે;

પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું  હતું
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે  અહીં
છે  તો  યે મુજ ભાગ  કૈં નહીંસમો, તે હું વધારું  હવે
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની,પાસેથી લેવું નહીં ?

ગ્રામ્યમાતામાં શેરડીમાંથી રસ નથી નીકળતો એ ઘટના પછી માતા કહે છે કે,
'રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ’
નહિ તો ના બને આવું' બોલી માતા ફરી રડી

ખાંડ શેરડીમાંથી બને છે અને આ ખાંડના ભાવ સરકાર નક્કી કરે છે. એટલે લોકોની ચામાંથી ખાંડ અને ખાંડમાં રસ ઓછો થવા માટે સરકાર જવાબદાર છે. હા, ભાવવધારાથી લોકોને ખાંડમાંથી રસ ઉડી ગયો છે. આજના દોરમાં દ્રોણ હોત તો એમની પત્ની બાળકને લોટનું દૂધ જ આપતી હોત, એ પણ ખાંડ વગરનું, અને સમજાવતી હોત કે ‘ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય, પછી ડોક્ટર પાસે જવું પડે અને ડોક્ટર ઇન્જીક્સન આપે, માટે આ મોળું દૂધ પી લે!’

Thursday, April 11, 2013

ટાઈમપાસ ક્યાં નથી થતો ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારે ઉદ્યમ કરે છે. કોઈ પ્રમાણિકપણે મહેનત કરે છે. કોઈ રાતદિવસ વાંચે છે, ટ્યુશનમાં જાય છે, ગોખે છે અને પરીક્ષામાં છેલ્લે ઓકે છે. તો અમુક પેપર ફોડવા, ચોરી અને એકઝામીનર શોધવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બધાની વચ્ચે પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓની બોડી લેન્ગ્વેજ અભ્યાસ કરવા જેવી હોય છે. ટચાકા ફોડવાથી લઈને પેન્સિલ ચાવવા સુધીની વિવિધ શારીરિક ક્રિયાઓ દ્વારા ગોખેલું યાદ કરવા, યાદ કરેલું દિમાગમાંથી બહાર કાઢવા, બહાર કાઢેલું શબ્દોમાં ગોઠવવા અને આ બધું મેળ ન પડે તો કોઈ પણ રીતે ત્રણ કલાક પસાર કરવા યત્નો આદરે છે.

પરીક્ષાખંડમાં અમુક નોટો બેંચ પર પેન્સિલની ધાર કાઢતી હોય એમ આડા લીટા કરતી જોવા મળે છે. વધારે ફુરસદ હોય તો પાછી ઇરેઝરથી ભૂસે. અમુક એટલાં કન્ફયુઝડ હોય કે ગોળ કુંડાળા કરતાં હોય! એમ કરતાં કરતાં અણી બટકાઈ જાય એટલે સંચાથી ફરી અણી કાઢે. એમાં કંપાસ બોક્સમાં પહેલેથી ચાર પેન્સિલ પડી જ હોય, મમ્મીએ ધાર કાઢી હોય એવી ! કોક ખણવાનું કાર્ય કરતું જોવા મળે છે. વાંકા વળીને બેન્ચની સાંકડી ગલીમાં ઘૂસી, પગ કે પછી પીઠના દુર્ગમ પ્રદેશ સુધી એ ખણી આવે છે. આ સિવાય માથામાં ખણવાથી મગજમાં ઘૂસેલું જલ્દી નીકળે એ આશયથી વાળમાં આંગળીઓ ફેરવતા ઘણાં જોવાં મળે છે. છોકરીઓને રખડતી લટમાં વળ ચઢાવવાથી નક્કી ફાયદો થતો હોવો જોઈએ. પણ એને વળ ચઢાવતી જોવામાં કેટલાય છોકરાં બિચારા એન્જિનીયરીંગને બદલે બી.એસ.સી.માં પહોંચી જતાં હશે એ છોકરીઓને ખબર નથી હોતી.

અમુક તો જાણે મેડીકલમાં નહીં તો ડેન્ટલમાં જઈશું એવું પહેલેથી જ નક્કી કરીને આવ્યા હોય એમ દાંત પર ટુથપેસ્ટની જાહેરાતમાં આવે એમ આંગળી વડે ટકોરા મારતા જોવા મળે. આમ કરવાથી કદાચ મગજના ખૂણા-ખાંચરામાંથી જવાબો નીકળતાં હશે! અમુક જણ કાનમાં પેન કે પેન્સિલ નાખે તો એમના મગજમાંથી જવાબ બહાર નીકળતાં હશે. અમુક આંખો બંધ કરીને વિચારતા હોય. એકઝામીનરને પણ એ વિચારે છે, ધ્યાન કરે છે, કે ઊંઘે છે એ વિષયે કૂતુહલ થતું હોય છે. અમુક તો બેંચ પર હાથ મૂકી, પછી એનાં પર માથું મૂકી દે છે. અમારી માંગણી છે કે આપણી પરીક્ષા પદ્ધતિને લીધે  કેટલા વિદ્યાર્થીઓ માઈગ્રેન કે માથાના દુખાવાથી પીડાય છે એનાં સત્તાવાર આંકડાઓ સરકારે બહાર પાડવા જોઈએ. 

હાથની આંગળીઓથી હવામાં ગણતરી કરનાર ઉસ્તાદો પણ પરીક્ષાખંડમાં મોજુદ હોય છે. કાચા કામ માટે આપેલી જગ્યા અને કાગળ બચાવી એ દેશનો ફાયદો કરાવવા માંગતા હોય કે ગમે તેમ, એ હવામાં જ કેલ્ક્યુલેશન કરે છે. આવા હવાઈ કિલ્લા બાંધનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્લાનિંગ કમિશનમાં નોકરીની ઉજ્જવળ તકો રહેલી છે. અમુક નંગ ટ્યુબલાઈટની પાછળ ફરતી ગરોળીને તાકી રહે છે. બાયોલોજીમાં આમ કરવાથી કદાચ જવાબ મળતા હોય એ શક્યતા નકારી ન કઢાય.

કેટલાંક વિદ્યાર્થીઓ ઉદ્યમી હોય છે. એમને બેંચ ડગમગ થતી હોય કે બેન્ચનું ઉપરનું પાટિયું ડગતું હોય તે ખટકે છે, એટલે ઇરેઝરની આજુબાજુ વીંટાળેલો પૂંઠાનો ટુકડો કાઢી આ ડગમગને સ્થિર કરવા પોતાની શક્તિ અને વધારાના સમયનો સદુપયોગ કરે છે. આ એજ વિધાર્થી છે જેને પરીક્ષાના અંતે ‘પરીક્ષાખંડની વર્તમાન પરિસ્થતિ’ પર નિબંધ પૂછો તો કયો પંખો અવાજ કરે છે, કઈ દિવાલમાં તિરાડો છે, કઈ બારીની સ્ટોપર તૂટેલી છે જેવી વિગતો સહિત એવો માહિતીસભર નિબંધ લખે કે ચકાસનારને દસમાંથી દસ આપવા જ પડે!

બીજા યથાશક્તિ આજુબાજુ ડાફોળિયાં મારતાં હોય છે. સુપરવાઈઝર્સમાં પણ એવી ગેરમાન્યતા પ્રવર્તતી હોય છે કે ડાફોળિયાં મારનાર હંમેશા ચોરી કરવાનો પ્રયાસ કરે છે. એમાં સુપરવાઈઝર ટેબલ ફેન થિયરી પર કામ કરે છે. ટેબલ ફેનની એક રેન્જ હોય છે. એકંદરે એવા વિદ્યાર્થી કે જેની ડોક પેપરને સામે રાખો તો જમણી કે ડાબી તરફ ૩૦ ડીગ્રી કરતાં વધારે એન્ગલથી ફરે છે તે સુપરવાઈઝરની કિન્નાશાહીનો ભોગ બને છે. એટલે જ ચોરી કરનાર સુપરવાઈઝરની પોઝીશન પર ચાંપતી નજર રાખે છે. આવા વિદ્યાર્થીના રીફ્લેક્સીસ કમાલના હોય છે, સુપરવાઈઝરની પીઠ ફરતાં જ એનામાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. એ ચોરીની ક્રિયા હપ્તે હપ્તે કરે છે. જોકે એને ભાગ્યે જ કોઈ લાફિંગ બુદ્ધા જેવા બેઠાડું સુપરવાઈઝર મળે છે.

જે ઉદ્યમી અને વધુ સાહસિક હોય છે તે કપડાં, અંત:વસ્ત્રો, કોલર, બાંય જેવી જગ્યાઓ કે જ્યાં ગુગલ સર્ચ નથી કરી શકતું એવી જગ્યાઓ પર માહિતી સંગ્રહ કરે છે, પછી મોકો જોઈ બહાર કાઢે છે. જયારે અન્ય આળસુ પ્રકૃતિના વિદ્યાર્થીઓ બીજાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ડોકાચિયા કરે છે. પણ વિજ્ઞાન જે ભણ્યો છે, પણ ગણ્યો નથી એવો એ મૂર્ખ છાત્ર મલ્ટી-ટાસ્કિંગ કરી નથી શકતો. એને કોપી કરવા ઉપરાંત સુપરવાઈઝર પર નજર રાખવાની હોય છે, જયારે સુપરવાઈઝરે એને એકવાર ડાફોળિયાં મારતાં જોઈ લીધો હોઈ એનું સમગ્ર ધ્યાન એનાં પર કેન્દ્રિત હોઈ આવા નમૂનાઓ જલ્દી પકડાઈ જાય છે.

એક જમાનામાં બોર્ડની પરીક્ષાનો હાઉ હતો. હવે તો બાળકને કિન્ડર ગાર્ટનમાંથી પરીક્ષાઓ આપતો કરી દઈ શિક્ષણ કંપનીઓએ છોકરાઓને પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર કરી દીધાં છે. એટલે ઘેર મમ્મી પપ્પાની અપેક્ષાઓનું પ્રેશર એને પરીક્ષા ખંડ સુધી તો લાવે છે પણ પેલા પ્રોવર્બીયલ ઘોડાની જેમ નદી સુધી ગયા પછી પાણી પીવાનું કામ તો ઘોડાએ જ કરવું પડે છે. પણ આપણો આ ઘોડો તો અહિં ત્રણ કલાક ટાઈમ પાસ કરે છે. હાસ્તો, વહેલો બહાર નીકળે તો ખુલાસા આપવા પડે, એનાં કરતાં રીઝલ્ટ વખતે ખુલાસા કરવા સારા!