Sunday, April 26, 2015

સુટ-બુટ કલ્ચરનો સખ્ખત વિરોધ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૦૪-૨૦૧૫
 
સૂટ-બુટ-ટાઈનો પોશાક છેતરામણો છે એવું અમે અનેક વાર કહી ચુક્યા છીએ. લગ્ન પ્રસંગે સૂટ-બુટ પહેરીને આવેલા લોકો કોઈ કામમાં આવતા નથી, જયારે અમુક લોકો ટાંપાટૈયા ન કરવા પડે એ માટે જ પ્રસંગે સૂટ પહેરીને આવતા હોય છે. એક જમાનામાં આપણે ત્યાં કપડાંની રીતે બે વર્ગ અલગ તરી આવતા હતા. એક સૂટેડ બુટેડ લુચ્ચા અંગ્રેજોનો વર્ગ અને બીજા લેંઘા-ઝભ્ભા-ખમીસ-ધોતિયાધારી ભોળા ભારતીયો. ખેર, અંગ્રેજો તો જતા રહ્યા પણ સાપના લીસોટા જેવી સૂટ-બુટ પ્રથા મુક્તા ગયા છે જેના દુષણોથી અત્યાર સુધી આપણે અજાણ જ હતા. ભલું થજો બાબાભાઈનું કે એમણે સિંહ ગર્જના કરી એટલે બધા એ નોંધ લેવી પડી છે. અમારો બાબા ભાઈને પુરેપુરો ટેકો છે. 

સુટ-બુટ કલ્ચરનો તો અમે પહેલેથી જ સખ્ખત વિરોધ કરીએ છીએ. એ વિદેશી કલ્ચર છે. અમે વિદેશીઓનો પણ વિરોધ કરીએ છીએ. વિદેશીઓને આપણા દેશના કલ્ચર વિષે શું ખબર હોય? સુટ-બુટ કલ્ચર આપણને અંગ્રેજોએ આપ્યું છે. અમે અંગ્રેજોનો વિરોધ કરીએ છીએ. અમે અમેરિકનોનો વિરોધ કરીએ છીએ. અમે જર્મન, ફ્રેંચ, સ્વીસ અને ઇટાલિયન પ્રજાનો વિરોધ કરીએ છીએ. આ બધી પ્રજા સુટ-બુટ પહેરનારી છે. અમે પાકિસ્તાની, અફઘાની, ઈરાકીનો વિરોધ નથી કરતા. કારણ એટલું જ કે એ લોકો લેંઘા પહેરે છે. અરે, અડધો ટન હેરોઈન સાથે પકડાયેલ લેંઘા પહેરેલા પાકિસ્તાનીઓમાં જે આત્મીયતા છલકે છે, તે અમને વાઇબ્રન્ટ સમીટમાં આવેલા સુટ-બુટ અને ક્લીન્ડ શેવ ચહેરાઓમાં જરાય જોવા મળી નહોતી.

ગાંધીજી સન ૧૯૪૮ સુધી ધોતિયું પહેરતા હતા. જોકે શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં હતા ત્યારે એ ૧૦ પાઉન્ડનો (અત્યારના સાડા ત્રણ લાખ રૂપિયા) સુટ પહેરતા હતા. ભારતમાં પાછા આવીને એમને સુટની વ્યર્થતા સમજાઈ ગઈ હતી. એટલે એ સુટ ત્યાગીને ધોતિયું અને છેવટે માત્ર પોતડી પર આવી ગયા હતા. લગાન અને મંગલ પાંડે ફિલ્મ યાદ કરો. એમાં આમીર ખાન ધોતિયું પહેરીને અંગ્રેજોના છક્કા છોડાવી દે છે. ખરેખર તો આમિર ખાને સત્યમેવ જયતે જેવા શો દ્વારા યુવાનોને સૂટ-બુટ કલ્ચરના ભયસ્થાનોથી અવગત કરીને યુવાનોને લેંઘા-ધોતિયા કલ્ચર તરફ વળવા હાકલ કરવી જોઈએ.

ખરેખર તો તમે, અમે, અને આપણે બધા કુ. દીપિકા બહેન પાદુકોણના પણ આભારી છીએ કે એમના ‘માય ચોઈસ’ વિડીયોમાં એમણે ધોતિયું પહેરનાર વિષે કંઈ કહ્યું નથી, નહીં તો બાબા ભાઈનું કામ ઓર મુશ્કેલ થઇ જાત. થોડા વર્ષો પહેલાં એક ગુજરાતી મ્યુઝીક વિડીયો લોન્ચ થયો હતો જેમાં એક ગીત હતું કે ‘મારે પેન્ટવાળાને પૈણવું ‘તુ ધોતિયાવાળો ગમતો નથી’. અને ખરેખર આ જ તકલીફ છે આપણી આજની યુવા પેઢીની. આપણી સાંસ્કૃતિક ધરોહરની કંઈ પડી જ નથી. ધોતિયું એ નરી ભારતીયતા છે અને નારી એ ભારતીયતાની વાહક છે. જો નારી સશક્તિકારણ એટલે ધોતિયા કલ્ચરનો વિરોધ જ હોય તો નથી જોઈતું એવું સશક્તિકરણ. ધોતિયું ભલે પેન્ટ કરતાં ઢીલુ, પારદર્શક અને પહેરવામાં અઘરું હોય, પણ એના જેવી મોકળાશ, વ્યાપ, વાતાનુકુલન અને લવચીકતા બીજા કોઈ અધોવસ્ત્રમાં નથી અને આવનાર સદીમાં પણ ધોતિયાનું સ્થાન લઇ શકે તેવું કશું શોધાય તેવી શક્યતા જણાતી નથી.

જો આપણે સૂટ-બૂટ કલ્ચરથી મુક્તિ મેળવવી હશે તો મોટી મોટી વિદેશી બ્રાન્ડના ટ્રાઉઝર અને પેન્ટ વેચતી દુકાનો ઉપર ધોતિયું, પીતાંબર, અબોટિયું, થેપાડું વગેરે પહેરેલા હજારો યુવાનોની ફોજ ઉતારીને સૂટ-પેન્ટનું વેચાણ બંધ કરાવવું પડશે. આમ કરવાથી વિદેશી કંપનીઓ એનું ઉત્પાદન બંધ કરશે, ઉત્પાદન બંધ થશે એટલે આપણે ત્યાંથી કાપડની નિકાસ બંધ થશે, નિકાસ બંધ થશે એટલે કાપડ બનાવતી મિલોના કામદારો બેકાર થશે અને એમને પૈસાની ખેંચ પડશે એટલે એ લોકો પેન્ટના સસ્તા વિકલ્પ એવા ધોતિયા ઉપર આપોઆપ આવી જશે.

જો સાચેસાચ આપણે સૂટ-બૂટ કલ્ચરથી છુટકારો મેળવી શકીશું તો આપણને ધોતિયું, ઝભ્ભો અને બંડી પહેરેલા મેનેજરો લેપટોપ પર પ્રેઝન્ટેશન કરતા જોવા મળશે. ધોતિયાધારી તિવારી દાદા તો ક્મસીન કન્યાઓ સાથે પોઝ આપી જ ચુક્યા છે, પણ ધોતિયું-ઝભ્ભો પહેરેલા વિજય માલ્યાને બિકીનીધારી કેલેન્ડર ગર્લ્સ સાથે પોઝ આપતાં જોવાની પણ મઝા આવશે. પોલીસ અને લશ્કરી જવાનો પણ ધોતિયામા શોભી ઉઠશે. અમે તો કહીએ છીએ રમત-ગમતમાં પણ ધોતિયું ફરજીયાત કરી દો. કબડ્ડી જેવી રમતમાં ધોતિયું બચાવીને સામેવાળાને આઉટ કરતાં ફાવતું હોય એવા ખેલાડીઓને આગળ ઉપર રાજકારણમાં તક મળી શકે. હોકી જેવી રમતમાં ધોતિયું હશે તો બે પગ વચ્ચે હોકી ઘુસાડીને બોલ સેરવી લેવાની ઘટનાઓ અટકશે. ક્રિકેટમાં ફિલ્ડીંગમાં ગરનાળા બનતા અટકશે ઉપરાંત બેટ અને પેડ વચ્ચેથી નીકળેલો બોલ ધોતિયામાં ભરાઈ જશે એટલે આપણી વિકેટો ઓછી પડશે. તમે કહેશો કે સામેની ટીમના બેટ્સમેન ધોતિયા પહેરીને આવશે તો? પણ એવું નહિ બને કારણ કે બધે કંઈ સૂટ-પેન્ટનો વિરોધ કરનારા બાબા ભાઈ ના હોય ને!

મસ્કા ફ્ન

પત્નીના દિલ સુધી પહોંચવાનો રસ્તો શોપિંગ મોલમાં થઈને જાય છે.
હું ક્યાં લખું છું ? લખાઈ જાય છે...

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી|

અમારામાં જયારે ફિલસૂફ પ્રવેશે છે ત્યારે અમને ઘણીવાર વિચાર આવે છે કે ‘હું ક્યાં કંઈ લખું છું, આ તો લખાઈ જાય છે’. જેમ શરીર પર વાયરસનો હુમલો થાય ને શરીરની ઓટો ઈમ્યુન સીસ્ટમ જાગ્રત થઇ એનો જવાબ આપે, એવી જ કોઈ ઘટના બનતી હશે. ઘણા ગુજરાતી કવિ-લેખકોને આવું થતું હશે. આવું ન થતું હોય તો ખરાબ લખાઈ જાય એનો દોષ કોના પર ઢોળવો? જોકે ઘણાં કવિ-લેખકો ખરાબ લખતાં જ નથી એ અલગ વાત છે. એ પાછી અલગ વાત છે કે પોતે ખરાબ લખી જ ન શકે તે તેઓનો અંગત અભિપ્રાય હોય છે. આવા અંગત અભિપ્રાયો બદલી શકાતા નથી, કારણ કે આવા અભિપ્રાયો સાથે કેટલાય ઓલરેડી ગુજરી ગયા છે.

આસ્તિકો કહે છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. ગીતાના ભગવાન કહે છે કે अहं कृत्सन्स्य जगत: प्रभव: प्रलयस्तथा, અર્થાત જગતમાં જે ભૌતિક અને અધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ અને વિનાશનું કારણ હું છું. પાંદડાને હલાવવા ડાળી પર પક્ષી બેસે છે અથવા પવન આવે છે. પવન માટે બે જગ્યા વચ્ચે દબાણનો તફાવત જવાબદાર છે. આ તફાવત માટે તાપમાનનો તફાવત જવાબદાર છે. તાપમાન માટે સૂર્ય અને પૃથ્વીની સાપેક્ષ સ્થિતિ જવાબદાર છે. જે કોઈ સમયે અચલ હોય છે. ટૂંકમાં પાંદડું પોતાની મરજીથી હાલતું નથી. પક્ષી પણ ડાળી પર બેસે કે ઉડે તે માટે અન્ય પરિબળો જવાબદાર છે. જેમ કે કીડી ચટકો ભરે એટલે કબુતર ઉડે છે, એવું આપણે વાર્તામાં જોયું હતું. ટૂંકમાં આપણે કંઈ કરતા નથી, બધું આપમેળે થાય છે.

મુંબઈથી ટ્રેઈનમાં આવી તમે અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરશો એટલે સાબિતી મળશે. તમારે રિક્ષાવાળાને બોલાવવા નથી પડતાં, આપમેળે આવી જાય છે. એ પણ એક કરતાં વધારે. તમારી પાસે અમુકથી વધારે સંપત્તિ થાય એટલે એક્સટોર્શનના ફોન આપોઆપ આવે છે. ધનસમ્પત્તિ વધે એની સાથે વજન પણ આપોઆપ વધે છે. એમાં ખોરાક ચાવીને ન ખાવામાં આવે તો ગેસ આપોઆપ બને છે. માણસ સફળ થાય એટલે એના ચમચા આપોઆપ ફૂટી નીકળે છે. રાતના ટુ-વ્હીલર લઈને નીકળો એટલે કૂતરા આપોઆપ તમારી પાછળ લાગુ પડી જાય છે. મેચ હોય એટલે સટ્ટો આપોઆપ થાય છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પણ આપોઆપ થાય છે, એના માટે નોંતરું આપવું નથી પડતું કે નથી ટેન્ડર મંગાવવા પડતાં.

અંગ્રેજીમાં જે વસ્તુ આપોઆપ થાય એના માટે ઓટોમેટીક અને ગુજરાતીમાં સ્વયંચાલિત શબ્દ વપરાય છે. હવે તો ડ્રાઈવર વગરની ઓટોમેટીક કાર આવવાની છે. આધુનિક વોશબેસિન સામે હાથ ધરો એટલે પાણી આપોઆપ ચાલુ થાય છે. રામનામ લખેલા પથ્થરો આપોઆપ પાણી પર તરવા લાગ્યા હતા. અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તામાં અલીબાબા ‘સીમ સીમ ખુલ જા’ બોલે એટલે ગુફાના દરવાજા ખુલી જતા હતા. એ ટેકનોલોજી હવે વધુ આધુનિક બની છે અને બાયોમેટ્રિક સ્કેનર્સ આવી ગયા છે. કશું પણ બોલ્યા વગર દરવાજાની હદમાં તમે આવો એટલે આપોઆપ ખુલે એવા દરવાજા પણ હોય છે. લીફ્ટમાં બેઠા એટલે કે ઉભા રહો પછી દરવાજો ઓટોમેટીક બંધ થાય છે. અમને ઓટોમેટીક દરવાજા બહુ ગમે છે. એ અમારી હાજરીની નોંધ લે છે. એનાથી અમને સન્માન મળતું હોય એવું લાગે છે. કારણ કે બંધ ટીકીટ બારી અને દરવાજાની બહાર અમે લાઈનમાં ઘણીવાર ઉભા રહ્યા છીએ.

મશીન્સથી ઘણાં કામ આપોઆપ થાય છે. અમેરિકામાં કપડા ધોવા માટે કોમ્યુનીટી વોશિંગ મશીનમાં ક્વાર્ટરના બે સિક્કા નાખવા પડે છે. એમાં આપણા આઠ આનાનાં સિક્કા ચાલે છે તેવું કોક ગુજરાતીએ શોધી કાઢ્યું છે. આમ ભારતીયો સંશોધનમાં પછાત છે તેવું ન કહી શકાય, પણ તેઓ વિદેશ જાય ત્યારે વધુ સંશોધન કરે છે તેવું કહી શકાય. આ ઉપરાંત ભારતમાં આઠ આનાની તંગી પાછળ આ કારણ પણ હોઈ શકે, આની પુષ્ટિ માટે ભારત પધારી પાછા અમેરિકા જતા એનઆરજીઓની બેગો તપાસી શકાય. બેંકમાં રૂપિયા ઉપાડવા ન જવું પડે તે માટે પચીસ હજાર જેટલા રૂપિયા મશીનમાંથી ઉપાડી શકાય તે હેતુથી ઠેરઠેર એટીએમ મશીન મુકેલા હોય છે. જોકે ઘણા કીમિયાગરોને આ ૨૫,૦૦૦ની મર્યાદા પસંદ ન હોવાથી મશીનમાંથી કાર્ડ દ્વારા રૂપિયા કાઢવાની અવેજીમાં આખું મશીન કાઢી જવાની પેરવી કરે છે.

જોકે નાસ્તિકો, વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકો જેવા ‘કો’કારાંત લોકો આપમેળે થાય એ વાત માનશે નહિ. ન્યુટન કે જેણે આપણને સૌને અભ્યાસમાં બહુ કનડ્યા છે, એણે ગતિના નિયમમાં કહ્યું છે કે કોઈ પણ પદાર્થ બાહ્ય બળ લગાડ્યા સિવાય પોતાની પરિસ્થિતિ બદલતો નથી. આ વાતની તરફેણમાં એમ કહી શકાય કે સરકારી કચેરીઓમાં ફાઈલ ક્યાં આપમેળે ચાલે છે? રસ્તા ઉપર ખાડાં આપમેળે નહિ, કોન્ટ્રકટરોની બેદરકારીને કારણે પડે છે. છોકરાં ફેઈલ કેમ થાય છે? ક્યાં તો આપણી પરીક્ષા પદ્ધતિનો વાંક છે અથવા છોકરાની પોતાની બેદરકારી. ટીવી જોવાને કારણે પણ છોકરાં બગડે છે. સારી કે ખરાબ રસોઈ પાછળ રસોઈ બનાવનારનો મુડ જવાબદાર હોય છે. આ બધું સકારણ છે.

એટલે જ અમારું માનવું છે કે કશું આપમેળે થતું નથી, દરેક ઘટનાની પાછળ કોઈ પ્રેરકબળ હોય છે. અચાનક ફૂટી નીકળેલા દૂરના સગા સબંધીઓ પાછળ એક કરોડની લોટરી જવાબદાર હોય છે. નવરાત્રીમાં થતા ઈન્સ્ટન્ટ પ્રેમ પાછળ બેકલેસ ચોળી અને ભપકાદાર મેકઅપ કારણભૂત હોય છે. પત્નીમાં એકાએક આવેલા પ્રેમના ઉભરા માટે અક્ષય તૃતીયા નિમિત્તે આવેલ જ્વેલરીનાં સેલ જવાબદાર છે. જમરૂખના બકવાસ મુવીઝ 300 કરોડ રેવન્યુ કરી જાય તે માટે દિવાળી જેવા તહેવારોની ઘટતી જતી વેલ્યુ જવાબદાર છે. એટલે જ કોઈ કવિની કવિતાથી તમે ત્રાસ્યા હોવ તો એ માટે કવિને નહિ, કવિની પ્રેરણાને દોષ દેજો.

જોકે ઓટોમેશનના આ યુગમાં હવે મોબાઈલમાં ફોન નંબર સચવાય છે એટલે કોઈને પોતાનો મોબાઈલ નંબર પણ યાદ નથી હોતો. હવે કોઈને ૧૭ ગુણ્યા ૫ કરવા કેલ્કયુલેટર વાપરવું પડે છે, પહેલાના સમયમાં શાહુકારો આંગળાના વેઢે ગણીને પંચાણું જવાબ આપી દેતાં હતા. પત્નીની જન્મ તારીખ અને મેરેજ એનીવર્સરી યાદ રાખવા હવે મોબાઈલનો સહારો લેવો પડે છે. એમાં જો બેટરી ઉતરી જાય તો બીજા દિવસે સવારે તાયફો ચાલુ થાય છે. આમ જેમ જેમ બધું ઓટોમેટીક થતું જશે તેમ તેમ માણસ ડોબો થતો જશે. હેં? ઓલરેડી થઇ ગયો છે? n

Sunday, April 19, 2015

નવા તહેવારનો વહેવાર : ઇન્ડિયન પ્રીમિયર લીગ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૪-૨૦૧૫

આપણે ત્યાં જન્મ દિવસ, લગ્ન તિથી, વિજય, જીત, રીઝલ્ટ, કાર્યમાં મળેલી સફળતા, ધાર્મિક વ્રત, ધાર્મિક તહેવાર, રાષ્ટ્રીય તહેવાર વગેરે ધામધૂમથી ઉજવવાનો રીવાજ છે. બધું વર્ષોથી ચાલે છે અને લોકો યથા શક્તિ એની ઉજવણી કરતા આવ્યા છે. આ તહેવારો કોણે અને શા માટે શરુ કર્યા એમાં હવે ભાગ્યે જ કોઈને રસ હશે, પણ છેલ્લા કેટલાક સમયથી લોકો આ તહેવારો લોકો સલામત અને ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવે એ જોવાની જવાબદારી ઈલેક્ટ્રોનિક મીડિયાએ ઉપાડી લીધી છે. એટલું જ નહિ પણ એ લોકો આપણને તહેવારોની ઉજવણીની નવી રીતો તો શીખવાડી જ રહ્યા છે, ઉપરથી આપણને નવા તહેવારો પણ આપી રહ્યા છે!

યસ, તાજેતરમાં રેડિયો અને ટેલીવિઝન ઉપર જેનો ‘યે હૈ ઇન્ડિયા કા ત્યોહાર’ તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને વિકિપીડિયા ઉપર જેણે Aannual Indian festival તરીકે ઓળખાવવામાં આવ્યો છે એ ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ના સ્વરૂપે આપણને એક નવો તહેવાર મળ્યો છે! મતલબ વધુ એક બેગાની શાદી અને દીવાના થવાનો વધુ એક અવસર! ભાઈ વાહ. અમારી પાસે તો આનંદ વ્યક્ત કરવાના શબ્દો જ નથી. કાશ, અમારે પૂછડી હોત તો એને જોરજોરથી હલાવીને અમે આનંદ વ્યક્ત કરત!

એવું લાગે છે કે પાછળના વર્ષોમાં હોળીથી છેક ફ્રેન્ડશીપ ડે અને રક્ષાબંધન સુધી આપણે નવરા બેઠા નખ્ખોદ વાળતા આવ્યા છીએ એ એમના ધ્યાન ઉપર આવી ગયું હશે અને એટલે જ આપણને ધંધે લગાડવા એમણે નવો તહેવાર આપ્યો હશે. આ તહેવાર પણ પાછો સુડતાલીસ દિવસ ચાલવાનો છે એટલે ઉજવણીમાં પણ વૈવિધ્ય હશે જ એ નક્કી છે. જોકે, આ દિવસો દરમ્યાન ક્રિકેટની ટુર્નામેન્ટ જ રમાવાની હોઈ રમનારા સિવાયની પ્રજાએ ઉજવણીમાં કેવી રીતે જોડાવાનું છે એ બાબતે આયોજકો તરફથી નિર્દેશોની રાહ જોવાઈ રહી છે.

સામાન્ય રીતે આપણે ત્યાં તહેવારો સાથે ઉપવાસ, દેવદર્શન આદિ પણ સંકળાયેલું હોય છે એટલે કઈ મેચો વખતે ઉપવાસ રાખવો, કયા ગ્રાઉન્ડ પર નારીયેળ વધેરવા જવું, સારા કપડા પહેરીને એક બીજાના ઘરે મેચ જોવા જવું કે નહિ, કોઈ આપણે ત્યાં આવે તો એને મઠીયા-રસના ધરવા કે નહિ, કોઈ પગે લાગે તો શું આપવું એ જાણવું રસપ્રદ રહેશે. ગૃહિણીઓ પણ પાણીયારે બોલ-બેટની જોડી મુકીને એનું પૂજન કરવું, આસોપાલવના તોરણો બાંધવા, ઘર આગળ દીવા કરવા કે રંગોળી પૂરવી એ વિષે અવઢવમાં છે. વિમ્બલડન ટુર્નામેન્ટ વખતે ત્યાંના લોકો સ્ટ્રોબેરી અને ક્રીમની લહેજત માણતા હોય છે એમ આ ઉત્સવમાં મિષ્ટાન્ન શું બનાવવું અને ફરાળમાં શું ખવાય એ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે.

કર્મચારી સંગઠનો આ ટુર્નામેન્ટ દરમ્યાન સરકાર વેકેશન જાહેર કરે એવો આગ્રહ તો ન કરી શકે પણ ક્વોલીફાયર મેચોના દિવસે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ મરજિયાત રજા જાહેર કરવા માટે દબાણ લાવી શકે. રામલા પણ ફાઈનલની મેચો જોવા માટે દેશમાં જવું કે નહિ એ વિષે અંદરોઅંદર ચર્ચા કરતા હોય તો પણ નવાઈ નહિ. ભીખારીઓ ક્યાં પોઝીશન લેવી, કઈ ટીમના નામ પર ભીખ માગવાથી વધુ દાન મળશે વગેરેની વેતરણમા હશે. મેચો મોડી રાત સુધી ચાલવાની છે એટલે સવારના પહોરમાં સબરસ આપવા નીકળનાર ગાળો ખાશે એ નક્કી.

તહેવારો એ વેપારી વર્ગ માટે વર્ષભરની કમાણી કરી લેવા માટેનો અવસર હોય છે એટલે એ લોકોમાં વિશેષ ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે. આમાં દોરી પાવાનું કે પતંગો ખરીદવાનું તો હોય નહિ પણ ગોગલ્સ, કેપ અને પીપુડા વેચનારા લોકો ઘરાકીની આશા રાખી શકે. ઉત્તરાયણ અને દશેરા ઉપર ઊંધિયા-જલેબી-ફાફડાના માંડવા નાખતા સ્વીટ અને ફરસાણવાળાઓએ પણ સામે ચાલીને આવેલી વિકાસની આ તકને ઝડપી લેવી જોઈએ. જોકે એ લોકોને વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડે માટેની ગીફ્ટસ અને કાર્ડઝ બનાવનારી કંપનીઓની જેમ કશું ન હોય એમાંથી ધંધો ઉભો કરતા નહીં આવડે તો ફેંકાઈ જશે એ લખી રાખજો.

સ્કૂલના છોકરાઓમાં પણ નવા તહેવાર બાબતે ઉત્સાહ હોય એ દેખીતું છે કારણ કે આઇ.પી.એલ.ને સત્તાવાર તહેવાર તરીકે માન્યતા મળ્યા પછી ‘મારો પ્રિય તહેવાર’ વિષેના નિબંધમાં એના વિષે પાના ભરીને લખી શકાશે. એમાં પપ્પા-મમ્મીની નજર ચૂકવીને ટીવી ઉપર જોયેલી મેચો પણ કામમાં આવશે. અમુક ઉદાર મા-બાપ તો આઇ.પી.એલ.ને સીલેબસનો જ ભાગ ગણીને મેચો જોવાની છૂટ પણ આપી શકે છે. એ બહાને પણ ગુજરાતી ભાષામાં ઓછા છોકરાં નાપાસ થાય તો ઘણી સ્કૂલોની માન્યતા રદ થતી અટકી જશે. શિક્ષકોને આચાર્ય તરફથી અને આચાર્યને ટ્રસ્ટીઓ તથા શિક્ષણાધિકારી તરફથી ઠપકો નહિ મળે. છાપામાં શિક્ષણ વિભાગ ઉપર થતા વાક્પ્રહારોથી સરકારી બાબુઓ બચી જશે. સરવાળે ગુજરાતી ભાષાના અસ્તિત્વ પર તોળાઈ રહેલું જોખમ ટળી જશે. આટલું થાય તો પણ ઘણું છે.

મસ્કા ફન

આઈ.પી.એલ. જોઇને ખુશ રહેનારો માણસ લગ્નજીવનમાં પણ સુખ શોધી જ લેતો હોય છે.

ગુજરાતી જોડકણાનું ભાવ વિશ્વ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

ગભરાશો નહી. જેટલું અઘરું ટાઈટલ છે એટલું અઘરું અમે લખવાના નથી. અમે એટલાં અઘરાં નથી. એમ કહોને કે એટલું અઘરું લખવાનું અમારું ગજું જ નથી. વાત જોડકણાની છે. પહેલાના વખતમાં મા-બાપ કોલેજ ગયેલા હોય તો ઘણું કહેવાતું. એમાં ગયેલા તો હોય, પણ ડીગ્રી સાથે બહાર નીકળ્યા ન હોય એવા કિસ્સા વધારે રહેતા. એ વખતે નર્સરીમાં છોડવા મળતાં અને કેજી વજનનું એક માપ હતું. જુનિયર અને સીનીયર શબ્દ જાદુગરના શોની જાહેરાતમાં જોવા મળતા. એ સમયે છોકરાં ઘરમાં તોફાન કરવાની ઉંમરે તોફાન કરતાં, ભણવા ન જતાં. એટલે નર્સરી રહાઈમ્સને એવું બધું નહોતું. મમ્મી, દાદી, નાની તો ક્યારેક નાના કે દાદા પાસેથી છોકરાંને શુદ્ધ ગુજરાતી જોડકણાં સાંભળવા મળતાં.

અમને પણ આવો લાભ મળેલો છે. તો આવા કેટલાંક જોડકણાનો રસસ્વાદ કરીએ. જોડકણા એટલે પ્રાસનો ત્રાસ. જિંદગીમાં તમને ઘણાં લોકો એવા મળશે કે જેમને ફરિયાદ હોય કે અમારામાં ઘણી ટેલેન્ટ છે, જેની કદર નથી થતી. આવા લોકો આજકાલ ફેસબુક પર ‘બેફામ’ લખે છે અને બીજાને ‘ઘાયલ’ કરે છે. આ કવિતા અને ગઝલો પ્રાસના ત્રાસના ઉદાહરણ છે. ફેસબુક પર વાટકી વ્યવહારમાં લાઈક કરનાર મળી આવે છે. પણ મૂળ વાત જોડકણાની હતી અને સાર એ છે કે હજુ પણ જોડકણાં બને છે, ફેસબુક પર પોસ્ટ થાય છે પણ પહેલાના વખત જેટલાં પોપ્યુલર નથી થતાં.

“ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો, પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી” એ સૌથી જુનું જોડકણું છે. નહાતી વખતે ભાઈલાનું ધ્યાન ડાયવર્ટ કરવા એ ગાવામાં આવતું. એ સમયે પપ્પાઓ છોકરાને નવડાવતા નહોતા. મોટી બહેન, કાકી, કે મમ્મી, ઘરના અઢળક કામ વચ્ચે, વન ડે મેચની છેલ્લી ઓવરમાં બેટિંગ કરતી હોય એમ, ઉડઝૂડ નવડાવતી. એમાં ભઈલો રડે નહી તે માટે કર્કશ અવાજમાં આવું બધું ગાય. આમ ભઇલાને નાનપણથી બેવકૂફ બનાવવામાં આવે છે. બાથરૂમમાં પાટલો ખસી જાય તો શું થાય એ બધાને ખબર છે. નવડાવનારને ભાગ્યે જ ખ્યાલ હશે કે આ સાંભળીને ભઈલો પાટલો ખસી ન જાય એ માટે એટલા જોરથી પકડીને બેસતો કે એના હાથની આંગળીઓ સુઝી જતી. આવા કિસ્સામાં ભઈલાઓ પરાણે નવડાવવાને કારણે નહિ પરંતુ આંગળીઓના દુખાવાને કારણે રડતા. પછી ભઈલો મોટો થઈને મા-બાપને બેવકૂફ બનાવી બદલો લે જ ને ?

બીજું પણ એક જોડકણું મઝાનું છે.

પાવલો પા, મામા ને ઘેર જા
મામે આપ્યો બઉ, ખૂણે બેસી ખઉં
ખૂણે આવ્યો સાપ, તારી મામીનો બાપ
મામી ગઈ કુવે, દેડકું રુએ,
પાડે મેલી લાત, જય પડી ગુજરાત.

આ જોડકણામાં સાંપ્રત સમાજ વ્યવસ્થાનો ટૂંકમાં ચિતાર આપ્યો છે. વેકેશનમાં બાળકે મામાને ઘેર જ જવાનો બોધ છે. છોકરાંને કાકા કે ફોઈના ઘેર કેમ નથી મોકલતાં? દહેજ પ્રથાની જેમ છોકરાઓને મામાને ઘેર મોકલવાનો રિવાજ મામા-મામી અને પરિવાર માટે ઘણો ક્રૂર છે. આમાં છોકરાને મામાને ઘેર મોકલવામાં નથી આવતાં, મામા-મામી ઉપર છોડી મુકવામાં આવે છે. પંદર-વીસ દહાડા મામાને ઘેર રહી આવે એટલામાં મામાનો ઈન્ટરનેટ પ્લાનનું વરસ જેટલું બિલ આવી જાય. ઘરમાં ડીવીડી પડી હોય એવા પિક્ચર ઈંટરનેટ પરથી ડાઉનલોડ કરી નાખ્યા હોય. મામાના દીકરાનાં સ્કુટીનો એક્સલરેટરનો વાયર તોડી નાખ્યો હોય, મામીની ફેવરીટ સિરીયલનાં શિડ્યુલ ખોરવી નાખ્યા હોય. જોકે જોડકણાંમાં આવું બધું આવતું નથી. વર્ષોથી ‘મામાનું ઘર કેટલે? દિવો બળે એટલે’ એવું ગાઈને મામાનાં ઘેર ગમે ત્યારે અવરજવર થઈ શકે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે કાકા અને ફોઈઓને કેમ ટાર્ગેટ નથી કરવામાં આવતાં? એ કોઈ મહિલા સંગઠને પૂછ્યું ન હોવાથી અમે પૂછીએ છીએ. કેમ વહુના કુટુંબને જ ટાર્ગેટ કરવામાં આવે છે?

જોડકણું આગળ વધે છે જેમાં મામા બઉ આપે છે. હવે તો પ્રજા પીઝા, પાસ્તા અને પુડિંગની શોખીન થઈ ગઈ છે. પણ એક જમાનામાં લાડુ, મોહન થાળ, બુંદી વગેરેનો સુકાયેલો કટકો પણ બઉ તરીકે નોટ- સો-ભોળા બાળકના હાથમાં પધરાવી દેવામાં આવતો હતો. જે સુકાયેલી પૂરી, સક્કરપારા જેવા સુકા અને વાસી નાસ્તાની સરખામણીમાં વધું ઉપડતા હતાં. આમ મામા જે બઉ આપતાં એ સોફામાં બેસીને ભાણિયો ખાય અને એ બઉવાળાં હાથથી રીમોટ વાપરી મામીનું કામ વધારતો. બઉ ખાધા પછી ભાણિયો હાથ સોફા પર જ સાફ કરે છે, કારણ કે પડદા સુધી હાથ લુછવા માટે સોફામાંથી ઉભું થવું પડે. હવે સોફામાં બેસી આમ બઉ ખાતાં-ખાતાં બાળક ડિસ્કવરી ચેનલ પર પ્રોગ્રામ જુવે છે, જેમાં સાપ, અને અજગર વગેરે હોય છે. પણ આ પ્રોગ્રામ જોતાં જોતાં વચ્ચે મામી આવીને નહાવા જવાની તેમજ બઉવાળાં હાથે રીમોટ ન પકડવાની સૂચના આપી જાય છે જે સાંભળી ભાણિયો મામીના બાપને મનોમન ગાળો આપે છે.

ખરો પ્રોબ્લેમ હવે આવે છે. આગળની પંક્તિમાં મામી કુવે પાણી ભરવા જાય છે. આ જોડકણું પાઠ્યપુસ્તકમાં કેમ નથી તેનો રાઝ આ પંક્તિમાં છે. મામી કુવે પાણી ભરવા જતી હોય તો પાણીની સમસ્યાના મુદ્દે હોબાળો મચી જાય. વિપક્ષ આવી તક છોડે? મામીના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થાય. બે-પાંચ વરસ પહેલા અમેરિકા ગયેલા એનઆરઆઈ પણ બેડું લઇ પાણી ભરવા જતી મામીના ફોટા જોઈ આઘાતમાં સરી પડે. પણ મોડર્ન મામી તો સ્વીચ પાડીને વોટર પ્યોરીફાયર ઓન કરી હેમા માલિનીની અદામાં મલકાય છે. મામીને બેડા ઉચકવા નથી પડતાં એટલે મામીને કમરની તકલીફ નથી.

જોકે આ આખી વાતમાં દેડકું કેમ રુવે છે તે પ્રશ્ન ઊભો જ રહે છે. મામી કુવે જાય, અને કુવામાં દેડકું હોય એ બની શકે. આ દેડકું મામીના બેડાની સાથે બહાર આવે એ પણ બની શકે. અને કુવામાંના દેડકાને બહાર આટલી મોટી દુનિયા માન્યામાં ન આવે એટલે એ અકળાય એવું પણ બને. અથવા તો એવું બન્યું હશે બેડું ભરી મામી કુવાકાંઠે અન્ય પનિહારીઓ સાથે ગપ્પા મારતી હશે ત્યાં દેડકે બેડામાંથી ડોકિયું કર્યું હશે. એમાં મામીએ ચીસાચીસ કરી હોય અને એ સાંભળી દેડકું, કે જે પહેલેથી જ બહાર નીકળવાથી મૂંઝાયેલું હતું તે રોવા બેઠું હોય. આ બધો કલ્પનાનો વિષય છે અને અમને આ જોડકણું સમજાવનારે પુરતો ખુલાસો ન કર્યો હોઈ અમે અમારા કલ્પનાનાં ઘોડા દોડાવી એનું મનઘડંત અર્થઘટન કર્યું છે. તો ભૂલચૂક લેવીદેવી.

Sunday, April 12, 2015

શ્યામ રંગ સમીપે ન જાવું

કટિંગ વિથઅધીર-બધિર અમદાવાદી

 
આવું વાંચીને તમને કેવો ઝટકો લાગે? આવી તે કોઈ જાહેરાત છપાવતું હશે? કોઈપણ જાહેરાતમાં પોતાની પ્રોડક્ટના અવગુણ કોઈ લખે? એમાય લગ્નવિષયકમાં તો નહીં જ. એમાં તો વધારીને વાત કરવાનો રીવાજ છે. મુરતિયા માટે જો એમ કહેવામાં આવે કે એ ધાણીફૂટ ઈંગ્લીશ બોલે છે તો એ પૂછી લેવું સારું કે ‘સોબર હોય ત્યારે પણ?’ અહીં કાળાને ઘઉંવર્ણનું અને ઘઉંવર્ણાને ગોરા તરીકે ખપાવવાનો રીવાજ છે. કોઈનું ઘર વસતું હોય તો જુઠ્ઠું બોલવામાં પાપ નથી તે માન્યતાને લઈને લોકો મન ફાવે તેટલી છૂટ લેતા હોય છે. બાકી જો ‘શરતો લાગુ’ લખવાનું ફરજીયાત હોય તો જાહેરાતની નીચે ઝીણા અક્ષરે ‘*Skin color may vary from the description’ લખેલું પણ વાંચવા મળતું થઇ જાય.

આપણે ત્યાં ભાષામાં ગોરા હોવું એ માણસો માટે જ પ્રયોજાય છે. એટલે ગોરું, ધોળું અને સફેદ એક નથી. યુરોપિયન અને અમેરિકન મૂળના લોકોની ચામડી ગુલાબી હોય છે તો પણ એ ગોરા કહેવાય છે. આવા વિદેશીઓને આપણે ત્યાં ધોળિયા કહેવાનો રીવાજ છે. એનાથી ઉલટું ગધેડા ધોળા હોય છે તોયે એ ગોરા નથી કહેવાતાં. કદાચ ગોરા અંગ્રેજો સામેની દાઝ કાઢવા માટે જ આ ‘ધોળા તો ગધાડા પણ હોય છે’ ઉક્તિ લોક ભાષામાં સ્થાન પામી હોઈ શકે. શાંતિના પ્રતિક એવા સફેદ કબુતર પણ ગોરા કબુતર નથી કહેવાતાં. જોકે ભારતમાં પુરુષો ગોરા હોય તો પણ એમના ગોરા હોવાની કંઈ મહત્તા નથી. હા, સ્ત્રી ગોરી હોય તો એ નોંધપાત્ર બને છે. લગ્ન વિષયક જાહેરાતોમાં પુરુષોનો વર્ણ નથી દર્શાવતો જયારે સ્ત્રીનો ગૌરથી લઈને ઘઉં સુધીનો વર્ણ જાહેર કરવા યોગ્ય ગણાય છે. સુંદર દેખાવડી શ્યામ વર્ણની સ્ત્રી વિષે લગ્ન વિષયક જાહેરાતોમાં વાંચવા નહીં મળે. પછી ફેરનેસ ક્રીમનું માર્કેટ ત્રણ હજાર કરોડે પહોંચે જ ને?

આપણે ત્યાં ગોરા રંગ એટલે કે શ્વેત વર્ણ માટેનું આકર્ષણ ઘેલછાની કક્ષાનું છે અને એ જુદીજુદી જગ્યાએ જુદીજુદી રીતે પ્રગટ થતું રહે છે. જેમ કે ‘એ ઓ હો હો હો હો ... શું વાત કરો છો ગોરી?’ આ ડાયલોગ ગુજરાતી ફિલ્મોમાં અનેક વાર વપરાયો હશે. ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા...’, ‘ગોરી હૈ કલાઈયાં ...’, ‘ગોરી તેરે અંગ અંગ મેં ...’ જેવા હિન્દી ફિલ્મી ગીતોમાં અને ‘તાળીઓના તાલે ગોરી ...’ તથા ‘તમે કિયા તે ગામના ગોરી ...’ જેવા ગુજરાતી ગીતોમાં ગૌર વર્ણનાં ગોરીના ગુણ ગવાયા છે. તમારી ઘણી ઈચ્છા હોય તો પણ ‘શું વાત કરો છો શામળી?’ કે ‘શું વાત કરો છો ઘઉંવર્ણી?’ એવું કહી કે બોલી શકતા નથી.

છતાં પણ શું જેટલું ગોરું હોય કે શ્વેત હોય એ બધું જ સારું એવું કહી શકાય? સમાજમાં આ બાબતે બેવડા માપદંડો છે. કન્યાની ચામડી ધોળી જ જોઇશે પણ એના વાળ ધોળા હશે તો નહિ ચાલે. લોકોને 'વ્હાઈટ' કરતાં 'બ્લેક'ની આવક વધુ વહાલી હોય છે એટલે વ્યાજની ખોટ ખાઈને પણ એને સ્વિસ બેન્કોમાં મૂકી આવે છે. બાકી કોયલ, કાજળ, ઘનઘોર ઘટા જેવા કાળા વાળ અને કાળા કાનુડા ઉપર સદીઓથી કવિતાઓ લખાતી આવી છે. કાગડાને પણ જોડકણા અને બાળવાર્તાઓથી લઈને પુરાણોમાં સ્થાન મળ્યું છે. પણ અમે બગલા વિષે શોધખોળ કરી તો ‘ચણ ચણ બગલી ચણાની દાળ ...’ સિવાય કંઈ જડ્યું નહિ. હદ છે ને બોલો!

જેમ અંધારું છે તો અજવાળાનું મહત્વ છે, એમ કાળા વગર સફેદ રંગની કોઈ કિંમત નથી. ફિલ્મ ગુમનામમાં મહેમુદ હેલનને કહે છે કે ‘જેય હંગામા, ગર તુમારે ગોરે રંગ પે હમારા કાલા રંગ લગ જાયે તો ઉસે બ્યુટી સ્પોટ બોલતઈ ઔર હમારે કાલે બદન પે તુમ્હારા ગોરા રંગ લગ જાયે તો ઉસે કોઢ બોલતેઈ..’. ખરેખર, કન્યા ગોરી હોય પણ એના અંગ પર કાળો તલ હોય તો એનું રૂપ નીખરી ઉઠે છે. ધોળા વાળ ઉપર કાળી હેરડાઈ લાગે પછી જ ‘દાદા’ એ ‘કાકા’ અને ‘કાકા’ એ ‘ભાઈ’ બને છે. પરીક્ષામાં પણ સફેદ કાગળ ઉપર કાળા અક્ષર પાડો તો જ માર્ક મળે છે. અમારા ખોળિયામાં બે ઘડી કોઈ ગુજરાતી લેખક ઘુસાડીને લખીએ તો એમ કહી શકાય કે ‘ગોરી રાધાને કાળા કૃષ્ણ વિના કોણ ઓળખે?’ છે કોઈ જવાબ ?

મસ્કા ફન

દામન મેં તેરે ફૂલ હૈ કમ ઔર કાંટે હૈ જીયાદા ....

આ ગીતમાં કવિ કંકોડાની વાત કરતા લાગે છે!


કોઈ કામ સહેલું નથી હોતું

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી |

રોજ સવારે મોબાઈલ થકી આપણા ઉપર પ્રેરણાદાયક મેસેજનો વરસાદ વરસે છે. એમાં તમે જરૂર વાંચ્યું હશે કે ‘કોઈ કામ છોટા નહિ હોતા’. સાચે જ, કોઈ કામ એટલું નાનું કે સહેલું નથી હોતું કે એ ખોટી રીતે ન કરી શકાય! ૨૦૦૬-૦૭માં અમેરિકા ભણવા ગયા ત્યારે પહેલું અઠવાડિયું અમારે અન્ય ગુજરાતી/હિન્દી છોકરાઓ સાથે એપાર્ટમેન્ટ શેર કરવાનો આવ્યો હતો. એમાં ખાવાનું બનાવવા બાબતે બધા અમારા જેવા શીખાઉ હતા. એમાં અમારો ગુજરાતી પાર્ટનર તો એટલો ડોબો હતો કે એને મેગી બનાવતા પણ નહોતી આવડતી. કોઈ વાર પાણી વધુ પડી જાય તો નુડલ સૂપ અને ઓછું પડે તો ખીચડી જેવી બની જતી. અમે કંટાળીને એને અન્ય કામ કરવાનું કહી કિચનથી દુર રહેવા મનાવી લીધો હતો.

બુટની દોરી બાંધવાની જ વાત લઇ લો. અમે પાંત્રીસ વરસના થયા ત્યાં સુધી ઠેબા ખાધા છે. ઘરેથી બુટની દોરી બાંધીને નીકળીએ પણ દિવસમાં ચાર-પાંચ વાર તો ફરી બાંધવી જ પડે. રોજ રોજ ફરી દોરી બાંધવાની આવે એટલે સ્વાભાવિક છે કે કંટાળો પણ આવે. એટલે જે દિવસે કસ્સીને બાંધીએ તે દિવસે ઘેર ગયા પછી ખોલતા અડધો કલાક થાય ! એમાં આપણે ત્યાં કેટલીય ઓફિસોમાં બુટ ઉતારીને જવું પડે છે, એટલે અમે અન્ય લાખો પુરુષોની જેમ દોરીવાળા બુટનાં મ્હોનો ત્યાગ કર્યો છે. આમ તો આમાં દોરીનો પણ વાંક કાઢી શકાય કે આવી તે કેવી દોરી બનાવતા હશે?

આવી જ આવડત ટાઈ બાંધવામાં જોઈએ. ટાઈ આપણને ઠંડા પ્રદેશમાં રહેતા અંગ્રેજોએ આપી છે. અમદાવાદના ગરમ અને મુંબઈના ભેજવાળા વાતાવરણમાં પણ એ પહેરવી પડે છે. મોટા-નાના સૌ ટાઈ પહેરે છે. સ્કુલમાં જતા બચ્ચાઓ પણ ટાઈ પહેરે છે. પણ બચ્ચાઓની ટાઈમાં ઈલાસ્ટીક હોઈ એમાં ગાંઠ બાંધવી નથી પડતી. અમીર ગરીબ સૌ ટાઈ પહેરે છે. રેસ્ટોરાંમાં દોઢસો રૂપિયા રોજ પર કામ કરતો વેઈટર અને ઘેર ઘેર જઈ કમિશનથી વસ્તુ વેચતો ફેરિયો પણ ટાઈ પહેરે છે. જોકે કોઈ કવિ કે ગુજરાતી કાર્યક્રમ સંચાલકને ટાઈની ગાંઠ બાંધતા આવડતું હોય તો એને ચન્દ્રક આપવો જોઈએ.

ટાઈની ગાંઠ બાંધવાનું સૈધાંતિક રીતે સાવ સહેલું છે. ટાઈનો પહોળો ભાગ ડાબી તરફ અને સાંકડો ભાગ ડુંટીથી થોડો ઉપરની તરફ રાખી શરુ કરવું. પહોળા છેડાને હવે સાંકડા છેડાની ઉપર જમણી તરફ લઇ જાવ. એ પછી એને પકડીને ગળામાં ગાળિયામાં નીચેની તરફથી સરકાવો અને જમણી તરફ ફેંકો. આ પછી પહોળા પટ્ટાને સાંકડા પટ્ટાની પાછળથી ડાબી તરફ લઇ જાવ. એ પછી એ પટ્ટાને ઉપર ઉઠાવી ગાળિયાના વચ્ચેના ભાગમાં મધ્યમાં ઝીંકો. હવે એ પટ્ટાને નીચેની તરફથી ડાબી બાજુ લઇ જાવ. હવે આગળની તરફથી આ પહોળા પટ્ટાને જમણી બાજુ સરકાવો. હવે એ છેડાને ગાળિયાની નીચેથી કાઢી ઉપરની તરફ લઇ જાવ અને અગાઉ બનાવેલ અધડુકી ગાંઠના વચ્ચેના ભાગમાંથી નીચેની તરફ સરકાવો. હવે ગાંઠને બરોબર કસી ઉપર તરફ સરકાવો. તમારી ટાઈ બંધાઈ ગઈ છે. છે ને સાવ સહેલું?

જો મેન્યુઅલમાં લખ્યા મુજબ કરવાથી તમને બધું આવડી જતું હોત તો જોઈતું તું જ શું? ઉપર ટાઈ બાંધવામાં સુચના પ્રમાણે કરવા જતા બે ત્રણ સ્ટેપ કર્યા પછી પ્રશ્ન થાય કે આમાં ડાબી તરફ એટલે આપણી ડાબી તરફ કે જોનારની ડાબી તરફ?

આટલું જ સહેલું રેસિપી પ્રમાણે ભોજન બનાવવાનું અને ચોપડીમાં સુચના વાંચીને યોગાસન કરવાનું છે. રેસિપી પ્રમાણે વ્યંજન બનાવવામાં સૌથી પહેલી તકલીફ રસોઈમાં નાખવાની ચીજ-વસ્તુને ગુજરાતીમાં શું કહે છે તે શોધવાનું છે. એ પછી બેવકૂફ રેસિપી લખનારે પાઉન્ડ અને ઔંસમાં વજન આપ્યા હોય એને સમજવાનું કામ આવે. એમાં હસબન્ડો ગુગલ કરવા ધંધે લાગે. "કરવા ગઈ કંસાર ને થઈ ગઈ થુલી" કહેવતમાંની બાઈ ચોક્કસ પાકશાસ્ત્ર વાંચીને જ રસોઈ કરવા બેઠી હશે. સમાજમાં વ્યાપક રીતે ચાલતાં રસોઈના પ્રયોગોના ભોગ બનેલ વ્યક્તિ તરીકે અમે એટલું ચોક્કસ કહીએ કે રેસિપીની મદદ વગર બનતી રસોઈ ઓછી કષ્ટદાયક હોય છે. પણ મહિલાઓનો શીખવાનો ઉત્સાહ !

યોગાસનમાં પણ આવા જ અનુભવ થાય છે. છાપામાં કે ચોપડી વાંચીને યોગાસન કરવામાં ફોટો કોક આસનનો જોતા હોઈએ અને આસન કરવાની રીત કોઈ અન્ય આસનની વાંચવામાં આવે એવું બને છે. એટલે જ ચોપડી વાંચીને યોગાસન કરતા હોવ તો મોબાઈલ હાથવગો રાખવો, કારણ કે ક્યાંક અવળી-સવળી આંટી ભરાઈ જાય તો કોઈને છોડાવવા માટે બોલાવી શકાય. ગુરુનું મહત્વ પણ એટલે જ ઓછું આંકવું ન જોઈએ. કારણ કે જાતે કરવામાં કોક વખત પોતાનાં ટાંટિયા પોતાના જ ગળામાં ફસાઈ જાય. પોલીટીક્સમાં તો આવું બહુ થતું હોય છે.

--

આપણે ત્યાં તો સ્વીમીંગ પુલ લક્ઝરી છે. સામાન્ય લોકોને ડોલ ભરીને પાણી નહાવા મળે તો રાજી રહે છે. એટલે જ ઉનાળામાં વોટરપાર્ક જાવ તો હૈયેહૈયું દળાય એટલી ભીડ જોવા મળે. એવામાં જે ત્રણ-ચાર કલાક મળે, એમાં આપણા ગુજ્જેશો સ્વીમીંગ શીખવા મથતા જોવા મળે. અમદાવાદ-મહેસાણા વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં આવા સંવાદ સાંભળવા મળે.


‘સુ મુકેસભઈ તમને તો સ્વીમીન આવડી જ્યુ...’

‘હોવઅ ઓમ તો ફાવ છ, શેલો મોં. ડીપમો હજુ હિંમત નઈ ચાલતી.’

‘તે શેલોમોં તઈણ ફૂટમોં ફાવ જ ક’

‘એ તો હવારનો મથું છું તારઅ આટલું સીખ્યો’

‘હારું કેવાય, માર તો બરયું મોથું પોણીમાં જાય એટલ ગુંગરામણ થાય છ’

‘એ તો હઉને થાય ... પણ મુતો હાથપગ ઝીન્ક્યે રાખું સુ’

‘હા એ તો બાજુવારા ભઈ તમને જોઈ ન કે’તા તા કે સ્વીમીન કર છ કે પોણી ઉલેચે છ એ ખબર નઈ પડતી મારી બેટી’

‘હા હા હા તમો બી સુ મજાક કરો છ’

--

કરવા બેસો ત્યારે કોઈ કામ અઘરું નથી હોતું, આવું ભલે બધાં કહેતા હોય પણ હકીકતમાં જેણે પચ્ચીસ વરસ રસોડામાં કાઢી નાખ્યા હોય એને કોફી કે છાશ બનાવતા નથી આવડતી હોતી. કવરને ગુંદર લગાડવાની આવડત ન હોય એવા લોકોને લીધે જ ગુંદરથી દસ ગણા ભાવની ગમ-સ્ટીક વેચાય છે. ઓફિસમાં દસ વર્ષનો અનુભવીને કાગળ ફાઈલ કરે એમાં સેન્ટરમાં હોલ પંચ કરવા શીખવાડવું પડે છે. કમનસીબે તમને વાયોલિન કે ભરત નાટ્યમ શીખવાડે એવા ક્લાસ ચાલતાં હોય છે, પણ બુટની દોરી બાંધતા શીખવાડે એવા ક્લાસ નથી હોતાં. આવું બધું આપણે આજુબાજુ જોઇને શીખીએ છીએ. પણ આપણી આસપાસ અનાડી લોકો જ હોય તો શીખીએ પણ શું? વાંક આપણો નથી! n

Sunday, April 05, 2015

ઋતુઓનું ઘોડા-ચતુર

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૫-૦૪-૨૦૧૫

આમ તો આપણે ત્યાં ઉનાળો બેસી જાય પછી તો કેરીઓની જ વાત કરવાનો રીવાજ છે. પણ અત્યારે શિવરાત્રીનો તહેવાર એટલા માટે યાદ કરવો પડે છે કારણ કે આ વખતે શિયાળાનું માવઠું થયું છે! મતલબ કે શિવરાત્રી પછી કાયદેસર રીતે ઠંડીએ કુવામાં ઝંપલાવવાનું હોય છે એના બદલે આ વખતે ઠંડી ફરીથી ગામમાં ફરવા નીકળી અને એને લીધે પબ્લીકે ડામચીયે ચડાવેલી ગોદડી-રજાઈઓ પાછી કાઢવી પડી. અમુક ઉત્સાહીઓ જે ગંજી પહેરીને ફરવા માંડ્યા હતા એમણે સ્વેટરો ચડાવવા પડ્યા! બાકી હોય એમ બે-ત્રણ વાર ધુમ્મસ છવાયું અને બરફના કરા સાથે વરસાદ પણ આવ્યો એમાં લોકોએ મળીયે ચડાવતા પહેલા તડકે તપાવવા મુકેલા ગોદડા આઈસીંગ કરેલા માલપુઆ જેવા થઇ ગયા એ જુદું!

આ બધું જ નખરેબાજ સીઝનના કારણે થયું છે. આગલા દિવસે ગરમી ૪૨ ડીગ્રી હોય અને બીજા દિવસે વાદળા સાથે ઠંડક! સાલું સ્વેટર-ટોપી ચડાવવા કે છત્રી-રેઈનકોટ લઈને નીકળવું એ સમજ જ પડતી નથી. ઋતુ જેવી ઋતુ થઈને ‘પડોસન’ના ગીતની જેમ ‘ઘોડા-ચતુર ... ઘોડા-ચતુર’ કર્યા કરે એ કેમ ચાલે? યેક પે રહેને કા - કાં શિયાળો કાં ઉનાળો કાં ચોમાસું. પણ આપણું સાંભળે છે કોણ?

પોષ-મહા મહિનામાં માવઠું થાય ત્યારે અમદાવાદની પ્રજાને શું ખાવું-પીવું એ મૂંઝવણ થતી હોય છે. આમ તો આપણે ત્યાં શિયાળો એ ઊંધિયુ ખાવાની સીઝન છે અને ચોમાસામાં દાળવડા ખાવાનો રીવાજ છે. પણ શિયાળામાં વરસાદ આવે તો શું કરવું એ બાબતે કોઈ ચોખવટ નથી, એટલે લોકો પોતાની મુનસફી પ્રમાણે ચાલતા હોય છે. અમુક તો ટીવી પર આવતા રસોઈના ખતરનાક પ્રોગ્રામોને ચાળે ચઢીને ફ્યુઝનના નામે ઊંધિયામાં મુઠીયાના બદલે દાળવડા નાખવાના પ્રયોગો પણ કરતા હોય છે. હવે ઠંડીએ ઉનાળામાં એન્ટ્રી મારી છે ત્યારે પ્રજા માટે કેરીના રસ સાથે પાત્રા કે ઢોકળાને બદલે ઊંધિયુ ખાવાનો ઓપ્શન પણ ઉભો કર્યો છે. આવું જ ચાલ્યું તો આપણે ઉનાળામાં ચ્યવનપ્રાશ અને અડદિયા પાક ખાતાં થઇ જઈશું!

હમણાંથી નવરાત્રીમાં પણ સીઝન ખેલ કરે જ છે. જેમ ગુડ ફ્રાઇડેની રજા સોમવારે ન આવે, સોમવતી અમાસ બુધવારે ન આવે એમ પોષી પૂનમ શરદ પૂર્ણિમાના દિવસે ના આવે, પણ આપણે ત્યાં આસો મહિનામાં પોષ-મહા મહિનાની સ્પેશીયાલીટી ગણાતું માવઠું થાય એવી ઘટનાઓ અનેક વાર બની ચુકી છે. હમણાં હમણાં તો ખેલૈયાઓને ગરબાના ગ્રાઉન્ડ ઉપર પાંચમ સુધી ‘રેઇન દાંડિયા’ રમવાની નવાઈ નથી રહી. સીઝનનો આ હાલ રહ્યો તો અગામી વર્ષોમાં ગરબા શીખવતા ક્લાસ પાણીમાં થઇ શકે તેવા સ્ટેપ્સ શીખવાડતા થઇ જશે. હાસ્તો, ઢીંચણ સમા પાણીમાં બાઈક ચલાવી હોય, ગરબા થોડા કર્યા હોય?

આ સમગ્ર ઘટનાક્રમમાં અમને તો ટીટોડીની દયા આવે છે. સામાન્ય રીતે આવનાર ચોમાસામાં વરસાદ કેવો થશે એ જાણવા ટીટોડીએ જમીન ઉપર ઈંડા મુક્યા કે ઉંચાઈ ઉપર એ જાણવાની કવાયત થતી હોય છે. અખબારો પણ એમાં જોડાતા હોય છે. જોકે ટીટોડીઓને એ વાતની ખબર નહિ હોય કે માણસની જાત એની ડીલીવરીના લોકેશન ઉપર સટ્ટો રમે છે. પણ આ વખતે માર્ચ મહિનામાં સતત વાદળ છાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પણ પડ્યો એના લીધે કન્ફયુઝ થયેલા ટીટોડા-ટીટોડીઓ હવે શું કરવું એ બાબતે જાહેરમાં ટીટીયારો કરતા જોવા મળે છે. કદાચ લગનપદૂડો ટીટોડો ઉતાવળ કરતો હોય અને ટીટોડી ભાવ ખાતી હોય એવું પણ હોઇ શકે. તમને જો ટીટોડોગ્રાફીમાં રસ હોય તો કેમેરા લઈને અત્યારે નીકળી પડો, કેમ કે જ્યાં ઋતુનું જ ઠેકાણું ન હોય ત્યાં ટીટોડીનો ભરોસો રાખવો નક્કામો છે. મોડું કરશો તો ઈંડાના બદલે બચ્ચાનાં ફોટા લેવાનાં આવશે.

આ વખતે તો મોરને પણ ઓફ સીઝનમાં ઘરાકી નીકળી છે. આમ તો વરસાદનું ટાણું થાય અને વાંદરાના મોઢા જેવા કાળા વાદળા ઘેરાયા હોય, ત્યારે મોર કળા કરવા મચી પડતા હોય છે એવું લોક સાહિત્યકારો કહે છે. પણ એ બધું જુન કે જુલાઈ મહિનામાં. આ વખતે માર્ચ મહિનામાં ચોમાસા જેવી ઠંડક સાથે વરસાદ થયો એમાં મોર પણ ઊંઘતા ઝડપાયા છે. અમુક મોરને તો પુરતી લંબાઈના પીંછા પણ ઉગ્યા નહોતા ત્યાં કળા કરવાની કપરી જવાબદારી આવી પડી હતી. આવો જ એક મોર અમારે ત્યાં પણ ફરે છે. એની સ્ટાઈલો ઉપર ફિદા થઈને સ્થાનિક લોકોએ એનું નામ શાહરૂખ પાડ્યું છે. કારણ એટલું જ કે વરસાદ કમોસમી હતો, એ ભાઈ પાસે માપીને માંડ દોઢ વહેંતનું પૂછડું હતું, તો પણ એવું તો એવું ઠુંઠુંય તીન પત્તીની બાજીની જેમ ખોલીને ભાઈ ઢેલના ટોળા પાસે નાચવા માટે પહોચી જતા હતા! પાછું એવા ઠુંઠાનાં મોબાઈલથી ફોટા પાડનાર આશિકો પણ હતાં! ઋતુઓ જો આમ જ ખેલ કરતી રહેશે તો આવું તો કેટલુય આપણે જોવું પડશે.

મસ્કા ફન
ગોર મહારાજ: યજમાન, મેં કંકુ-ચોખા મંગાવ્યા અને તમે તો ડિક્સનરી લઇ આવ્યા!
કવિ : અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા. તમતમારે પૂજા ચાલુ કરો.

પ્લેટફોર્મ ટીકીટના ભાવવધારાથી મહેમાનો ભયભીત

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી |

લોકો બાબા-બેબીને સ્કૂલ, દર્દીને ઓપરેશન થીયેટર, વરરાજાને લગ્નમંડપ, નવોઢાને શયનકક્ષ, અને મૃતકને અવ્વલ મંઝીલે પહોંચાડવા સ્મશાન સુધી સાથે જતાં હોય છે. એવો જ એક રીવાજ મહેમાનને સ્ટેશન મુકવા જવાનો છે. શિષ્ટાચારના ભાગ રૂપે અને જનાર વ્યક્તિના મહત્વ પ્રમાણે એને દરવાજા સુધી, ઓટલા સુધી, ઝાંપા સુધી, સ્ટેશન સુધી કે પછી એરપોર્ટ સુધી કંપની આપવાની હોય છે. મહેમાને યજમાનનું નિમંત્રણ સ્વીકારીને એની ઉપર કૃપા કરી હોય તેવા કિસ્સાઓમાં મહેમાનને છેક ઘર સુધી મુકવા જવાનો ઉપક્રમ છે.

રેલ્વે સ્ટેશન પર દાખલ થવા, અને ખાસ તો બહાર નીકળવા, પ્લેટફોર્મ ટીકીટ લેવી પડે છે. મુકવા જનાર બે મિનીટમાં જ પાછા વળવાનું છે એમ માની પ્લેટફોર્મ ટીકીટ વગર અભિમન્યુની જેમ અંદર ઘુસી તો જાય છે, પણ બહાર નીકળતી વખતે ટીકીટ ચેકર્સના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે. ચેકર પછી એને દુરથી આવતી કોઈ ટ્રેઈનમાં આવેલ મુસાફર ઠરાવી લાંબા અંતરની ટીકીટ અને દંડની પાવતી ફાડવાની ધમકી આપે છે. આ કારણસર જ પ્લેટફોર્મ ટીકીટ લેવાનો શિરસ્તો પડ્યો છે. भय बिना टिकिट नाही !


પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં હવે ૧૦૦ ટકા વધારો થઈને દસ રૂપિયા થઈ ગયો છે, જે અસહ્ય છે. વળી પહેલાં એ ટિકિટ ચાર કલાક માટે માન્ય હતી, એને બદલે હવે માત્ર બે કલાક માટે જ માન્ય ગણાશે, એટલે હવે સ્ટેશન પર ટાઈમપાસ પણ નહીં કરાય. સગાવહાલા અને મહેમાનને સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ કે એરપોર્ટ મુકવા જવું એ યજમાનની ફરજ છે અને મહેમાનનો હક છે. આવું મહેમાનો માને છે. એટલે જ ભાવવધારાથી મહેમાનો ભયભીત થઇ ગયા છે, અને પ્લેટફોર્મ ટીકીટ હોવી જ ન જોઈએ એવી માંગણી પણ કરવા લાગ્યા છે.

પ્લેટફોર્મ ટીકીટના આટલા ઊંચા દર રહેશે તો મુકવા જવાની પ્રથા લુપ્ત થશે તેવી ચિંતા પણ અમુક લોકો સેવી રહ્યા છે. મુકવા જવાની પ્રથા બંધ થશે તો કુલીઓને ધંધો મળશે, અને બે પાંદડે થશે. કારણ કે સામાન ઉંચકવો એ મુકવા જનારની મુખ્ય ફરજમાં આવે છે. ‘જમાઈ હોય ત્યાં સુધી કુલી શું કામ કરવો?’ જેવા કારણો આમ થવા માટે જવાબદાર છે. પાછું આપણા પ્લેટફોર્મ્સ પર હજુ લીફ્ટ અને એસ્કેલેટર સેવા ઉપલબ્ધ નથી. આવામાં સામાન ઊંચકીને મુકવા જનારની ટાંય ટાંય ફીશ થઇ જાય છે. ટીકીટના વધેલા દરને કારણે મુકવા જનારાં ઘટશે, અને એમ થશે તો ડબ્બામાં ચઢવા ધક્કામુક્કી પણ ઓછી થશે તેવો અંદાજ છે. અમુક તો બાઉન્સર જેવા સગાઓને જગ્યા મેળવવા માટે ખાસ સાથે લાવતા હોય છે. જોકે આ કારણસર દૂબળા-પાતળાં અને દેખીતી રીતે નિર્બળ લોકો મુકવા જવાની ફરજમાંથી આપોઆપ મુક્તિ પામે છે.

મુકવા જનાર માટે કોઈ ખાસ ડ્રેસકોડ હોતો નથી. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર મુકવા આવનારા અપ- ટુ-ડેટ કપડા પહેરીને આવતા હોય અને એરપોર્ટ મુકવા જનારા લેંઘા-ઝભ્ભા પહેરીને નીકળી પડતા હોય એવું પણ બને. જનારા પણ ચડ્ડો પહેરીને ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં ચઢી જતા હોય છે. હા, કોઈ માતબર ક્લાયન્ટ, સીઈઓ કે વિદેશી કોલેબોરેટરને મુકવા જવાનું હોય તો પટાવાળા પણ સુટ નહિ તો સફારી પહેરીને જતા હોય છે.

ઉપરી અધિકારી કે ઇન્સ્પેકશન માટે આવેલ અધિકારીઓને મુકવા જતી વખતે એમનો સામાન ઊંચકવાનો અને છેલ્લે ગીફ્ટ આપવાનો રીવાજ છે. અહીં બેગ ઊંચકવાનું માહત્મ્ય છે. ઉપરી અધિકારીની બેગ એ બેગ નહિ, અધિકારીની મહત્તા, મોભો, અને મરતબો હોય છે. જે ઊંચકીને ચાલવાથી ઊંચકનાર ધન્ય બને છે, અને બદલામાં આજે નહીં ને કાલે કોઈક લાભ વાંચ્છે છે. પણ જેણે જિંદગીમાં ખાસ કશું ઉકાળ્યું નથી તેવો મનુષ્ય મહેમાન બને ત્યારે યજમાનને કઈ બસમાં, ક્યાંથી, કેવી રીતે બેસવું? વગેરે પૂછી સામાન સહિત પોતાની રીતે પોતાનો રસ્તો કરી લે છે.

એક જણ જતું હોય અને દસ જણા મુકવા જાય, એ દ્રશ્ય ભારતમાં નવાઈ ભર્યું નથી. એરપોર્ટ પર તો ખાસ. જોકે એરપોર્ટ પર હવે સુરક્ષાના કારણોસર અંદર જવા દેતાં નથી. પરંતુ એમ છતાં આખું સરઘસ એરપોર્ટ પર પહોંચે તો છે જ, અને જનાર પાંચ મીનીટમાં આવજો-જયશ્રી કૃષ્ણ કરી ટર્મિનલમાં ઘુસી લાઈનમાં લાગી જાય છે. મુકવા આવનાર પૈકી મુખ્ય બે જણા જનાર દેખાય ત્યાં સુધી એને તાકી રહે છે, જયારે મુકવા આવનાર બાકીનો સ્ટાફ ગરમી, ઠંડી, વરસાદ, રસ્તા, રાજકારણ, શેરબજાર, કે ક્રિકેટની યથાયોગ્ય ચર્ચા કરી ચીફ મુકવા આવનાર રજા આપે તેની રાહ જોતાં સમય પસાર કરે છે. સ્મશાનમાં પણ લગભગ આવું જ થાય છે.

અમુક એવું માને છે કે મુકવા જવાનું મૂળ કારણ એ છે કે યજમાન ખાતરી કરવા માંગે છે કે જનાર પાર્ટી ‘ટ્રેઈન ચુકી ગઈ’, ‘ફ્લાઈટ કેન્સલ થઇ’ જેવા બહાના હેઠળ કલાક રહીને ઘેર પાછી ન ફરે. જનાર પત્ની હોય, અને મુકવા જનાર જો પતિ હોય તો એની પરિસ્થિતિ કપરી બને છે તેવા જોક પણ વર્ષોથી માર્કેટમાં ફરે છે. પતિએ પોતાની ખુશાલી છુપાવી દુ:ખી હોવાની એક્ટિંગ કરવી પડે છે. આમાં ધારણા એ છે કે, જનાર હંમેશા ખરાબ જ હોય. મહેમાન હંમેશા ખરાબ જ હોય. સારા માણસો મહેમાન બનતા નથી. મહેમાન બને એ સારા નથી હોતાં. સારા માણસો મહેમાન બને એટલે એમના માથે શીંગડા ઉગે છે. પત્ની પણ હંમેશા ખરાબ જ હોય છે. પત્નીઓની ઈમેજ સારી હોત તો હાસ્ય કલાકારો રખડી પડત.

પત્નીથી યાદ આવ્યું કે વિદાયની સાથે સલાહ સૂચનો આપવાનો રીવાજ પણ પ્રચલિત છે. એસટી બસમાં ‘જોજે ડોકું બહાર કાઢતો નહિ’. પણ જેણે બારીમાંથી જ ચડઉતર કરેલી હોય, એ એમ ડોકાં ન કાઢવાની સલાહ માને? ‘સામાન સાચવજે’, અને ‘પહોંચીને ફોન કરજે’ એ ડાયલોગ રેલ્વે સ્ટેશન પર સૌથી વધુ વખત બોલાયો હશે. સ્વજનની વિદાય સમયે રડવાનો પણ રીવાજ છે. રડવામાં વિરહ છે, આત્મીયતા છે. પણ હવે ફોન પર આસાનીથી વાત થતી હોવાથી રડવાનું ભુલાતું જાય છે.

એક જમાનામાં જયારે ટીવી અને ઈન્ટરનેટ નહોતા ત્યારે આ મુકવા જવાની પ્રથા એક મનોરંજક કાર્યક્રમ ગણાતો હતો. પત્ની-છોકરાં ‘ક્યારેય બહાર નથી લઇ જતાં’ એવો કકળાટ કરે ત્યારે ‘ચ્યમ? કાંતિકાકાને મેક્વા ટેશન ન’તો લઇ જ્યો?’ એમ કહી બળવો દબાવી દેવામાં આવતો હતો. એક સમય એવો પણ હતો કે વાહન અને ખર્ચની સગવડ ન હોય તો પણ મહેમાનને સામાન સહીત સ્ટેશન મુકવા સીટી બસમાં લોકો જતા. એટલી ફુરસદ પણ હતી. હવે ઈન્ટરનેટ આવ્યા પછી લોકોને એટલી ફુરસદ નથી. હવે મહેમાનો જતાં રહે પછી વોટ્સેપ પર બાય-બાય કહેવાનો રીવાજ આવી ગયો છે. આમ છતાં મુકવા જવાનો રીવાજ સાવ લુપ્ત થયો નથી, અને થવાનો પણ નથી.