Sunday, April 19, 2015

નવા તહેવારનો વહેવાર : ઇન્ડિયન પ્રીમિયર લીગ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૪-૨૦૧૫

આપણે ત્યાં જન્મ દિવસ, લગ્ન તિથી, વિજય, જીત, રીઝલ્ટ, કાર્યમાં મળેલી સફળતા, ધાર્મિક વ્રત, ધાર્મિક તહેવાર, રાષ્ટ્રીય તહેવાર વગેરે ધામધૂમથી ઉજવવાનો રીવાજ છે. બધું વર્ષોથી ચાલે છે અને લોકો યથા શક્તિ એની ઉજવણી કરતા આવ્યા છે. આ તહેવારો કોણે અને શા માટે શરુ કર્યા એમાં હવે ભાગ્યે જ કોઈને રસ હશે, પણ છેલ્લા કેટલાક સમયથી લોકો આ તહેવારો લોકો સલામત અને ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવે એ જોવાની જવાબદારી ઈલેક્ટ્રોનિક મીડિયાએ ઉપાડી લીધી છે. એટલું જ નહિ પણ એ લોકો આપણને તહેવારોની ઉજવણીની નવી રીતો તો શીખવાડી જ રહ્યા છે, ઉપરથી આપણને નવા તહેવારો પણ આપી રહ્યા છે!

યસ, તાજેતરમાં રેડિયો અને ટેલીવિઝન ઉપર જેનો ‘યે હૈ ઇન્ડિયા કા ત્યોહાર’ તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને વિકિપીડિયા ઉપર જેણે Aannual Indian festival તરીકે ઓળખાવવામાં આવ્યો છે એ ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ના સ્વરૂપે આપણને એક નવો તહેવાર મળ્યો છે! મતલબ વધુ એક બેગાની શાદી અને દીવાના થવાનો વધુ એક અવસર! ભાઈ વાહ. અમારી પાસે તો આનંદ વ્યક્ત કરવાના શબ્દો જ નથી. કાશ, અમારે પૂછડી હોત તો એને જોરજોરથી હલાવીને અમે આનંદ વ્યક્ત કરત!

એવું લાગે છે કે પાછળના વર્ષોમાં હોળીથી છેક ફ્રેન્ડશીપ ડે અને રક્ષાબંધન સુધી આપણે નવરા બેઠા નખ્ખોદ વાળતા આવ્યા છીએ એ એમના ધ્યાન ઉપર આવી ગયું હશે અને એટલે જ આપણને ધંધે લગાડવા એમણે નવો તહેવાર આપ્યો હશે. આ તહેવાર પણ પાછો સુડતાલીસ દિવસ ચાલવાનો છે એટલે ઉજવણીમાં પણ વૈવિધ્ય હશે જ એ નક્કી છે. જોકે, આ દિવસો દરમ્યાન ક્રિકેટની ટુર્નામેન્ટ જ રમાવાની હોઈ રમનારા સિવાયની પ્રજાએ ઉજવણીમાં કેવી રીતે જોડાવાનું છે એ બાબતે આયોજકો તરફથી નિર્દેશોની રાહ જોવાઈ રહી છે.

સામાન્ય રીતે આપણે ત્યાં તહેવારો સાથે ઉપવાસ, દેવદર્શન આદિ પણ સંકળાયેલું હોય છે એટલે કઈ મેચો વખતે ઉપવાસ રાખવો, કયા ગ્રાઉન્ડ પર નારીયેળ વધેરવા જવું, સારા કપડા પહેરીને એક બીજાના ઘરે મેચ જોવા જવું કે નહિ, કોઈ આપણે ત્યાં આવે તો એને મઠીયા-રસના ધરવા કે નહિ, કોઈ પગે લાગે તો શું આપવું એ જાણવું રસપ્રદ રહેશે. ગૃહિણીઓ પણ પાણીયારે બોલ-બેટની જોડી મુકીને એનું પૂજન કરવું, આસોપાલવના તોરણો બાંધવા, ઘર આગળ દીવા કરવા કે રંગોળી પૂરવી એ વિષે અવઢવમાં છે. વિમ્બલડન ટુર્નામેન્ટ વખતે ત્યાંના લોકો સ્ટ્રોબેરી અને ક્રીમની લહેજત માણતા હોય છે એમ આ ઉત્સવમાં મિષ્ટાન્ન શું બનાવવું અને ફરાળમાં શું ખવાય એ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે.

કર્મચારી સંગઠનો આ ટુર્નામેન્ટ દરમ્યાન સરકાર વેકેશન જાહેર કરે એવો આગ્રહ તો ન કરી શકે પણ ક્વોલીફાયર મેચોના દિવસે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ મરજિયાત રજા જાહેર કરવા માટે દબાણ લાવી શકે. રામલા પણ ફાઈનલની મેચો જોવા માટે દેશમાં જવું કે નહિ એ વિષે અંદરોઅંદર ચર્ચા કરતા હોય તો પણ નવાઈ નહિ. ભીખારીઓ ક્યાં પોઝીશન લેવી, કઈ ટીમના નામ પર ભીખ માગવાથી વધુ દાન મળશે વગેરેની વેતરણમા હશે. મેચો મોડી રાત સુધી ચાલવાની છે એટલે સવારના પહોરમાં સબરસ આપવા નીકળનાર ગાળો ખાશે એ નક્કી.

તહેવારો એ વેપારી વર્ગ માટે વર્ષભરની કમાણી કરી લેવા માટેનો અવસર હોય છે એટલે એ લોકોમાં વિશેષ ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે. આમાં દોરી પાવાનું કે પતંગો ખરીદવાનું તો હોય નહિ પણ ગોગલ્સ, કેપ અને પીપુડા વેચનારા લોકો ઘરાકીની આશા રાખી શકે. ઉત્તરાયણ અને દશેરા ઉપર ઊંધિયા-જલેબી-ફાફડાના માંડવા નાખતા સ્વીટ અને ફરસાણવાળાઓએ પણ સામે ચાલીને આવેલી વિકાસની આ તકને ઝડપી લેવી જોઈએ. જોકે એ લોકોને વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડે માટેની ગીફ્ટસ અને કાર્ડઝ બનાવનારી કંપનીઓની જેમ કશું ન હોય એમાંથી ધંધો ઉભો કરતા નહીં આવડે તો ફેંકાઈ જશે એ લખી રાખજો.

સ્કૂલના છોકરાઓમાં પણ નવા તહેવાર બાબતે ઉત્સાહ હોય એ દેખીતું છે કારણ કે આઇ.પી.એલ.ને સત્તાવાર તહેવાર તરીકે માન્યતા મળ્યા પછી ‘મારો પ્રિય તહેવાર’ વિષેના નિબંધમાં એના વિષે પાના ભરીને લખી શકાશે. એમાં પપ્પા-મમ્મીની નજર ચૂકવીને ટીવી ઉપર જોયેલી મેચો પણ કામમાં આવશે. અમુક ઉદાર મા-બાપ તો આઇ.પી.એલ.ને સીલેબસનો જ ભાગ ગણીને મેચો જોવાની છૂટ પણ આપી શકે છે. એ બહાને પણ ગુજરાતી ભાષામાં ઓછા છોકરાં નાપાસ થાય તો ઘણી સ્કૂલોની માન્યતા રદ થતી અટકી જશે. શિક્ષકોને આચાર્ય તરફથી અને આચાર્યને ટ્રસ્ટીઓ તથા શિક્ષણાધિકારી તરફથી ઠપકો નહિ મળે. છાપામાં શિક્ષણ વિભાગ ઉપર થતા વાક્પ્રહારોથી સરકારી બાબુઓ બચી જશે. સરવાળે ગુજરાતી ભાષાના અસ્તિત્વ પર તોળાઈ રહેલું જોખમ ટળી જશે. આટલું થાય તો પણ ઘણું છે.

મસ્કા ફન

આઈ.પી.એલ. જોઇને ખુશ રહેનારો માણસ લગ્નજીવનમાં પણ સુખ શોધી જ લેતો હોય છે.

No comments:

Post a Comment