Showing posts with label રીવાજ. Show all posts
Showing posts with label રીવાજ. Show all posts

Wednesday, November 08, 2017

ખીચડી ઓવરરેટેડ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૮-૧૧-૨૦૧૭

ખીચડીને નેશનલ ડીશ જાહેર કરવાની વાત ઉડી એમાં ગામ ગાંડું થયું છે. સૌ જાણે છે ખીચડી જેનું પેટ ખરાબ હોય, અને સતત બહારનું ખાઈને કંટાળ્યા હોય એવા લોકોનો ખોરાક છે. ખીચડી માંદા લોકો માટે બને છે અને એટલે જ તહેવારોમાં કદીય ખીચડી બનતી નથી. આદિકાવ્ય રામાયણમાં ભગવાન રામના લગ્નનો પ્રસંગ સૌથી ભવ્ય ગણાયો છે. એમાં બનેલા બત્રીસ પકવાન અને તેત્રીસ શાકનું વર્ણન રામાયણમાં આવે છે. પરંતુ મેનુમાં, અને પ્રાઈવેટમાં કૈકેયીએ પણ આ પ્રસંગે ખીચડી બનાવડાવીને ખાધી હતી એવો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. મોડર્ન લગ્ન પ્રસંગમાં પુલાવ, બિરીયાની, ભાત હોય છે પરંતુ ખીચડી નથી બનાવવામાં આવતી. આવી ખીચડીને માથે ચઢાવનારાને પકડીને જાહેરમાં ફટકારવા જોઈએ. ભલે અમારા કોઈ લેખક મિત્રને અમારી વાતમાં અસહિષ્ણુતા દેખાય. ખીચડી ઓવર રેટેડ છે, છે અને છે, તમારાથી થાય એ ભડાકા કરી લો.


ખીચડીની શોધ કરનાર કોઈ મહા આળસુ જ હશે. એમાં માત્ર દાળ-ચોખા-હળદર-મીઠું નાખી ચઢાવવા મૂકી દેવાનું હોય છે. કુકરની સીટી ગણવાનું કામ પણ મોટે ભાગે આઉટસોર્સ થતું હોય છે. આવી ખીચડી બની જાય પછી એમાં ઘી, દહીં, છાશ, અથાણું, રતલામી સેવ, ડુંગળી, લસણની ચટણી, અને કવચિત ફુરસદ હોય ને શાક બનાવ્યું હોય તો એનો રસો નાખી એમાં સ્વાદ લાવવાની મહેનત થાય છે, જેને અમે થાળીમાં વઘાર કરવાની ક્રિયા કહીએ છીએ. જેમને ભાવતી હોય એમને મુબારક, અમે માંદા પડીએ ત્યારે અમને ખીચડી બિલકુલ ભાવતી નથી, બલકે અમે જયારે ખીચડી ખાઈએ છીએ ત્યારે માંદા પડીએ છીએ.

આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણને ગુજરાતી વાનગીઓ નેશનલ ડીશનું માન પામે એ જ ગમે. એટલે અમારું સજેશન છે કે ખીચડીના બદલે ગાંઠીયાને નેશનલ ડીશ જાહેર કરવી જોઈએ. કાઠીયાવાડમાં તો સવારે બ્રશ કરવાને બદલે દસના ગાંઠીયા ખાવાનો રીવાજ છે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો સાથે સાથે મરચા, પપૈયા, અને તેલમાં તળવા માટે મગફળીની ખેતીમાં વૃદ્ધિ થાય અને ખેડૂતો બે-પાંદડે થાય. મરદની મુછોના મરોડ અને ગાંઠીયાના વાટામાં પડતા વળમાં ભલભલાને ઝૂકાવવાની ક્ષમતા છે. ગાંઠીયા ખીચડી જેટલા જ પેટ માટે ફાયદાકારક છે. એમાં ભરપુર સોડા આવતો હોઈ ગાંઠીયા ખાધા પછી સોડા ન પીવો તો પણ ચાલે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો દેશમાં સોડા ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થાય અને અમુક બ્રાન્ડના વોશિંગ પાઉડરના શેરો પણ ઉંચકાય. એક અફવા મુજબ ગુજરાતમાં ગાંઠીયાની લોકપ્રિયતા અને એક ચોક્કસ વોશિંગ પાઉડરના ઉદયની વચ્ચે ગુજરાત યુનીવર્સીટીના એક સંશોધક બહેનને સારું એવું કોરીલેશન જોવા મળ્યું હતું.

જો ગાંઠીયા હેલ્ધી ન લાગતા હોય તો કંઈ નહીં, ખાખરાને નેશનલ ડીશ જાહેર કરો. ભલે એમાં ગાંઠીયા જેવો તોફાની ટેસ્ટ કે લલચાવનારી સોડમ નથી છતાં ખીચડી કરતા હજાર દરજ્જે સારા. ખાખરા સુકા હોવાથી ખીચડીની જેમ સાંજ પડે નિકાલ નથી કરવો પડતો. ખાખરા મુસાફરીમાં સાથે પણ લઈ જઈ શકાય છે. રૂઢિચુસ્ત રસોઈ કરનારા ખીચડી મોટે ભાગે સાંજે બનાવે છે, જયારે ખાખરા ચોવીસ કલાક ખાઈ શકાય છે. એ ઠંડા જ હોઈ એ ઠંડા થઈ જવાની ભીતી નથી રહેતી. એનો તો આકાર પણ ડીશ જેવો જ હોય છે, અને એટલે જ મરચાં, ચટણી વગેરે ખાખરામાં ભરીને ખાઈ શકાય છે. ખાખરાને કારણે બહેનોને રોજગાર મળે છે. એના પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે જે ખાખરાને નેશનલ ડીશ બનાવવામાં આવે તો માફ પણ કરી શકાય.

અમારી જેમ ખાખરા તમને ન ભાવતા હોય તો પછી ખમણનો વારો કાઢો. કેમ ચરોતરનો શો વાંક? ખમણમાં નરમાશ છે. નજાકત છે. જો મોટા ચોસલેદાર ખમણને સિવિલ એન્જીનીયર સિવાયનું કોઈ ઊંચકે તો ડીફલેક્શનની ગણતરીમાં ગોથા ખાઈ જાય અને ખમણ જો એક તરફના ખૂણાથી ઊંચકે તો હાથમાં ટુકડો આવે અને વચ્ચેથી પકડે તો બેઉ તરફના છેડા ડીફલેક્શનને કારણે ડીશમાંથી ઉપર આવવા માટે તૈયાર નથી થતા. ખમણ સ્પોન્જી હોય છે એટલે છેલ્લા ખમણને તમે ડીશમાં ચારેતરફ ફેરવીને ચટણી, કોથમીર, કોપરું વગેર સાફ કરી શકો છો. આમ જાતે વાસણ સાફ કરવાના હોય તો એમાં સવલત રહે છે. જોકે ખમણને જો નેશનલ ડીશ જાહેર કરવામાં આવે તો સૌ પહેલા એના ફોટા સાથે દેશમાં એક ચોખવટ કરવી પડે કે આ વાનગી ‘ખમણ’ છે, થ્રી ઇડીયટસમાં કરીના જેની વાત કરે છે એ ‘ઢોકલા’ નહિ. જેમ આપણે ત્યાં જેમ બધા હિન્દી ભાષીઓને ‘ભૈયા’ કહેવાનો રીવાજ છે એમ ત્યાંની પબ્લિક આપણા ઢોકળા, ખમણ, ઇદડા વગેરેને ‘ઢોકલા’ જ કહે છે. અમારું ચાલે તો જેને ‘ઢોકળા’ શબ્દનો ઉચ્ચાર બરોબર આવડતો ન હોય એને એક ઢોકળું ખાવા પણ ન દઈએ.

હજી અમદાવાદી તરીકે આ યાદીમાં અમે ઊંધિયું, ફાફડા, જલેબી, ઘારી અને દાલવડાને પણ ઉમેરી શકીએ એમ છીએ કારણ કે એમાં પહેલા ચાર તહેવાર સાથે સંબંધિત છે જે પ્રજા દ્વારા ઉજવાય છે અને દાલવડા ચોમાસા સાથે સંકળાયેલા છે જે દેશની અગત્યની ઋતુ છે. જેમ વેલેન્ટાઈન ડેના નામે ગ્રીટિંગ કાર્ડ, ટેડી ડેના નામે ટેડીબેર અને ચોકલેટ ડેના નામે ચોકલેટનો વેપારને ઉત્તેજન અપાયું એ જ રીતે આ વાનગીઓનું તો વ્યવસ્થિત માર્કેટિંગ પણ થઇ શકે એમ છે. અને આ રીતે પણ ખુશ્બુ ગુજરાત કી આખા દેશમાં પ્રસરતી હોય તો અમને બ્રાંડ એમ્બેસેડર બનવામાં ચોક્કસ રસ છે. મળો યા લખો, અમને.

મસ્કા ફન


પકો: બોથડ પદાર્થની શોધ કોણે કરી હતી અને કયા હેતુથી કરવામાં આવી હતી ?

બકો: બોથડ પદાર્થની શોધ છાપાવાળાઓએ કરી હતી અને હત્યાનું રીપોર્ટીંગ કરવા માટે કરી હતી.

Wednesday, February 22, 2017

મેરેજ સીઝન

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૨-૨૦૧૭

અથાણાની સિઝનમાં અથાણા થાય છે. વસાણાની સિઝન આવે એટલે વસાણા થાય છે. એમ જ મેરેજ સિઝનમાં મેરેજ થાય છે. મેરેજ અંગ્રેજી શબ્દ છે. મેરેજ એ સ્ત્રી-પુરુષ વચ્ચેનું કાનૂની રીતે માન્ય જોડાણ છે. જોકે મેરેજ કરવા માટે કાનૂની પરમિશન લેવી નથી પડતી, નહીંતર ફેરા ફરવાનું બાજુ પર રહેત અને ઉમેદવારો ફાઈલ પાછળ ટેબલે ટેબલે ફરતા થઇ જાત. એમાંને એમાં ઘણાં કુંવારા જ ગુજરી જાત. 
 
ઉનાળામાં અને શિયાળામાં મોટા પાયે લગ્ન મુર્હ્તો નીકળે છે. પહેલાંનાં સમયમાં વેકેશનનો સમય જોવાતો હતો, ટ્યુશનપ્રથાનાં ઉદય પછી વેકેશન ફક્ત કોલેજમાં જ હોય છે, સ્કૂલોમાં નહિ. હવે લગ્નગાળો આવે છે, પણ એમાં કોઈને ફુરસદ નથી હોતી, પરણનારને પણ નહીં. લગ્નોમાં હવે ‘ઈવેન્ટ્સ’નું તૂત પણ ઘૂસ્યું છે. એમાં પૈણનારાના સની દેઓલ જેવાં સગાઓને પણ સંગીતસંધ્યા માટે માત્ર પંદર દાડામાં હ્રિતિક રોશન બનાવવા એમને અગાઉથી કોરિયોગ્રાફરના હવાલે કરી દેવામાં આવતા હોય છે. સમ ટોટલ એ હોય છે કે પૈણનારુ તો પૈણે પણ પછી પંદર જણા ફીઝીયોથેરાપીસ્ટને ત્યાં શેક લેતા થઇ જાય છે. અમારું તો નમ્ર સૂચન છે કે મજૂર પીપડા દેડવતા હોય એ રીતે કપલો પાસે સ્ટેજ ઉપર સાલસા ભલે કરાવો પણ પછી એ જ હોલમાં પંદર દા’ડા માલીશવાળા અને ફીઝીયોથેરાપીસ્ટની સેવાઓ પણ ઉપલબ્ધ કરો. ભલે એ લોકો પણ આ સિઝનમાં બે પૈસા કમાતા.

સિઝનમાં બધા કામકાજ જથ્થાબંધ થતાં હોય છે. પછી અથાણાં હોય કે ઘઉં. એમાં હવે તો મુહુર્ત જ એવા નીકળે છે કે એક જ દિવસમાં અનેક લગ્ન ગોઠવાય છે. આને પગલે હોલ, પાર્ટી-પ્લોટ, બ્યુટીશીયન્સથી લઈને ગોર મહારાજ સુધીના ઓવરબુકડ હોય છે. મહારાજ પણ એક લગ્નમાંથી બીજા લગ્નમાં જવાની ઉતાવળમાં હોય છે, એટલે હવે મહારાજને ઉતાવળ કરવાનું કહેવું નથી પડતું. ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે મેટ્રીમોનીયલ વેબસાઈટ ઉપર ઓનલાઈન ગોર મહારાજોનું બુકિંગ કરવું પડશે. એમાં પણ બબ્બે કલાકના ટાઈમ સ્લોટ જ મળશે. વરરાજા અને કન્યાએ પણ એમનાં ટાઈમ પ્રમાણે એડજસ્ટ કરવું પડશે નહીતર ગોર મહારાજ અડધા ફેરે રવાના થઇ જશે. જેમ અત્યારે પાન ખાવામાં ટ્રેઈન ચુકી જવાના દાખલા જોવા મળે છે તેમ ભવિષ્યમાં ‘નાચવામાં મશગુલ જાનૈયાઓ લગ્નનું મુહુર્ત ચુકી જતાં જાન લીલા તોરણે પાછી લઈ જવી પડી’ તેવા સમાચાર વાંચવા પડશે. કદાચ લોકો એન્જીનીયરીંગ છોડીને ગોરપદાની પદવી આપતી કોલેજોમાં ડોનેશન આપીને એડમીશન લેવાનું શરુ કરી દે તો પણ નવાઈ નહિ.

સિઝનમાં સીઝનલ દુકાનો ખુલે છે. રાયપુર દરવાજા પાસે દિવાળીમાં ફટાકડાં અને ઉત્તરાયણમાં પતંગની સિઝન પ્રમાણે દુકાનમાં માલ વેચાય છે. દશેરા ઉપર ફરસાણવાળા દુકાન આગળ માંડવા નાખીને ધંધો કરતા હોય છે. આમાં વર-કન્યાના બ્લડ રિલેશનમાં આવતા સગા માટે શેરવાની-સાફો ભાડે આપવાના ધંધામાં અમને અસ્થમા એટલે કે દમ લાગે છે. આનું કારણ છે. નજીકના સગાઓએ હોંશ બતાવવાની હોડમાં ચારથી લઈને આઠ-દસ હજારની શેરવાનીઓ ફરજીયાત સિવડાવવી પડતી હોય છે. ઉજમ હોય, પોસાતું હોય અને સિવડાવે એમાં કંઈ ખોટું પણ નથી. પણ પ્રસંગ પતે પછી એટલી મોંઘી અને ભપકાદાર શેરવાનીનું કરવાનું શું? એ પહેરીને શાક લેવા તો જવાય નહિ. ઘરના જ કોઈ પ્રસંગમાં પહેરશો તો સગાં કહેશે ‘આ તો તમારા જીમીના લગન વખતનીને?’ અને આવી રજવાડી શેરવાની પહેરીને મિત્ર કે દૂરના સગાના લગનમાં જશો તો તમે વરના ભા નહિ પણ બેગાની શાદીવાળા અબ્દુલ્લા લાગશો! એ હિસાબે IIMની કોઈ ફરેલી ખોપડી જરા કોર્પોરેટ સ્ટાઈલથી આ ભાડે આપવાના ધંધામાં પડે તો ઇન્વેસ્ટમેન્ટની સામે રીટર્ન્સ સારા છે. તમે પડો તો આ ટીપ બદલ અમને પ્રસંગે સાચવી લેજો.

આજકાલ તો વેડિંગ પ્લાનરો એમનાં સુટ-બુટ અને સાડી પહેરેલ કપલ્સને તમારા વતી આમંત્રણ આપવાની સેવાઓ પણ પૂરી પાડે છે. હા, એ અલગ વાત છે કે ઇન્સ્યોરન્સ વેચવામાં નિષ્ફળ ગયેલા આવા છોકરાં આમંત્રણ આપવામાં પણ એવું માર્કેટિંગ ઘુસાડે છે કે આમંત્રિતને એમ લાગે કે આ લોકો આપણું કરી નાખવા આવ્યા છે. એટલે જ આવા વેડિંગ પ્લાનરોએ આવા ભાડુતી નોતરીયાઓને ‘ડોન’માં જે રીતે ડી.એસ.પી. વિજયને ડોન બનવા તૈયાર કરે છે એમ તૈયાર કરવા રહ્યા. જેને નોતરું આપવા ગયા હોય એને ખાતરી થઇ જવી જોઈએ કે આ દુનિયામાં મારા કોઈ સગા હોય તો એ આ લોકો જ છે!

એક હિન્દી ગીત છે - એક ઋતુ આયે એક ઋતુ જાયે મૌસમ બદલે ના બદલે નસીબ ... મતલબ સીઝન તો આવશે અને જશે પણ નસીબ બદલાતું નથી. આ સિઝનમાં પરણનારા પાછળથી નસીબને ગાળો દેતા થઇ જાય છે. આથી જ મેરેજ સિઝનને ગુજરાતીમાં લગ્ન’ગાળો’ કહે છે. આમાં ફટાણાથી અસહિષ્ણુતા ઉપર ઉતરી આવેલા વરપક્ષના લોકો કન્યા પક્ષના જુવાનિયાઓની ગાળો ખાય છે. એક દિવસે ત્રણ ચાર લગ્ન રાખનારને ત્યાં વ્યવહાર બધે કરવો પડે અને જમાય એક જ જગ્યા એ, આ કારણે ઘણાં ગાળો દે છે. પાંચસો ચાંદલો કર્યા પછી ડીશમાં ભલીવાર ન હોય તો ખાનાર ગાળો દેતાં હોય છે. વરઘોડો ટ્રાફિકને રોકી રાખે ત્યારે ટ્રાફિકમાં અટવાયેલા પરણનારને ગાળો દે છે. હોલની આજુબાજુ ફ્લેટમાં રહેનારાં બેન્ડવાજાનાં અવાજથી ત્રાસી પોલીસ, પરણનાર, હોલનાં વહીવટદારો અને સરકારને ગાળો દે છે. આમ લગ્ન-ગાળો નામ સાર્થક થાય છે. ◙

મસ્કા ફન

ગુજરાતના ગધેડાની જાહેરાત થતી જોઇને યુપીના ગધેડા ઈર્ષ્યા કરે છે.

Wednesday, June 15, 2016

ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦૧૬-૦૬-૧૫

ટીટોડી ક્યાં ઈંડા મુકશે એ વિષય બાબતે સમાજમાં ભારે ઉત્સુકતા પ્રવર્તે છે. દર વર્ષે ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા તે અખબારોમાં જાહેરાતોના ભોગે છાપવામાં આવે છે, કારણ કે અખબારો પ્રજા માટે છે અને ‘નેશન વોન્ટસ ટુ કનો’, કે ટીટોડીએ આ વર્ષે ઈંડા ક્યાં મુક્યા? ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે. ટીટોડીમાં પણ અક્કલ હોય છે કે નીચાણવાળા કે પાણી ભરાય તેવા વિસ્તારમાં ઈંડા ન મુકાય. ક્યારેક આ જ ટીટોડી ક્યારેક મેદાનમાં કે જમીન પર પણ ઈંડા મુકે છે. આમ થાય તો દુકાળ પડે એવું કહેવાય છે. આટલું જ્ઞાન ગુજરાતના બચ્ચે-બચ્ચાને છે. આ વિજ્ઞાન છે કે નહીં તે વિષયે સોશિયલ મીડિયા પર વિદ્વાનો ચર્ચા કરે છે. બાકી ટીટોડીમાં છાંટો પણ અક્કલ હોય તો પહેલા વરસાદે જ શહેરના પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં જાય છે એ જાણતી ટીટોડીઓ ઈંડા મુકવા માટે ઊંચાઈવાળી જગ્યા જ પસંદ કરે.

રિસર્ચમાં મુખ્યત્વે કાર્ય અને કારણ વચ્ચેના તપાસ થતી હોય છે. જેમ કે તેલ ખાવાથી કોલેસ્ટોરોલ વધે. ગળ્યું ખાવાથી સુગર વધે. તેલવાળું અને ગળ્યું બંને ખાવાથી ફાંદ વધે વગેરે વગેરે. ટીટોડીનાં ઈંડા મુકવા અને વરસાદની માત્રા અંગે આવું કોઈ રીસર્ચ થયું હોય એવું અમારી જાણમાં નથી. જોકે એથી કંઈ એની વિશ્વસનીયતા ઘટી નથી જતી અને જે વિષયો પર રીસર્ચ થયા છે એ પ્રમાણભૂત હોય એવું પણ જરૂરી નથી. ધાબા પર ઈંડા મુક્યા પછી વરસાદ ન પડે તો કોઈ ટીટોડીને કોર્ટમાં ઢસડી નથી જતું. જમીન પર ઈંડા મુક્યા પછી ખુબ વરસાદ પડે તો ટીટોડીને કોઈ મહેણા મારતું નથી કે ‘ડૂબી મર’.

જોકે એક ટીટોડી ઈંડા ક્યાં મુકે છે એના ઉપર આખા ગુજરાતમાં ચોમાસાની આગાહી કરવી એન્જીનીયર તરીકે અમને યોગ્ય લાગતું નથી. સ્ટેટેસ્ટિકસમાં ઓછામાં ઓછી ૨૫ની સેમ્પલ સાઈઝની ભલામણ છે. પણ આપણે ત્યાં તો એક જ ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા એના ઉપર ચોમાસાનો મદાર બાંધવામાં આવે છે. હવે ધારો કે કોક ટીટોડી આળસુ હોય અને એને ધાબા સુધી ઉડાઉડ કરવાનો કંટાળો આવતો હોય એથી નીચે ઈંડા મુકતી હોય તો? કેમ લીફ્ટનો ભરોસો ના હોય ત્યાં ગ્રાઉન્ડ ફલોરનો ફ્લેટ લેવાનું લોકો પસંદ નથી કરતાં? એવી જ રીતે કોઈ ડરપોક ટીટોડી જમીન પર મૂકવામાં અસલામતી લાગતી હોય એટલે અગાસીમાં ઈંડા મુકતી હોય એવું ન બને? સ્ટેટીસ્ટીકસમાં આવા ‘Samples’ને ‘Outliers’ કહે છે અને એને વિશ્લેષણમાંથી બાકાત રાખવામાં આવે છે. એ હિસાબે આવી ટીટોડીઓને સેમ્પલમાંથી બાકાત કરવી પડે, જે થવું જોઈએ પણ થતું નથી. આપણે ત્યાં તો અખબારના ફોટોગ્રાફરની નજરે ચઢે એ ટીટોડીની મુન્સફીને આધારે ચોમાસું કેવું જશે તે નક્કી થાય છે.

એટલે જ ધાર્યું ચોમાસા લાવવા માટે હેલ્થ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને કામે લગાડી ચોમાસા પહેલા તમામ પ્રેગ્નન્ટ ટીટોડીઓની નોંધણી કરીને ડેટાબેઝ બનાવવો જોઈએ. શિક્ષકોને આ કામથી દૂર રાખવા કારણ કે પહેલેથી જ તેઓને બિનશૈક્ષણિક કામો કરાવવા અંગે ફરિયાદ છે. એ પછી ટીટોડીઓને રસ પડે એવા મોકાના ઊંચા સ્થાન ઉપર હાઉસિંગ બોર્ડ પાસે ટકાઉ અને મજબૂત માળા બંધાવવા જોઈએ. આ હસવાની વાત નથી, ગંભીર સૂચન છે. આ કામ ચોમાસાની શરૂઆત અને ટીટોડીના પ્રસવકાળ પહેલા નિષ્પન્ન થવું જોઈએ નહિ તો ટીટોડીઓ મન ફાવે ત્યાં ડીલીવરી કરવા માંડે એવું બને. એમાં ટેન્ડરીંગ અને રી- ટેન્ડરીંગના ચક્કરમાં માળાઓ ચોમાસા પછી તૈયાર થાય અને નેક્સ્ટ ચોમાસા પહેલા બિસ્માર હાલતમાં આવી જાય એવું પણ બને! માળાઓની ફાળવણી પણ ટીટોડીઓ પર છોડવી જોઈએ નહીતર સોફ્ટવેરના ડખાને કારણે અમુક ટીટોડીઓને ત્રણ ત્રણ માળા ફાળવાય અને અમુક ટીટોડીઓ રખડી પડે એવું પણ બને. પછી રખડી પડેલી ટીટોડીઓ વિરોધ દર્શાવવા ખાડામાં ઈંડા મુકી આવે તો અમથું આપણું ચોમાસું રખડી પડે! ટીટોડીઓ તંત્રને ઉલ્લુ બનાવીને જમીન ઉપર માળા બાંધી ન જાય એ જોવાની કામગીરી તકેદારી વિભાગ અને દબાણ ખાતાને સંયુક્ત રીતે સોંપી શકાય.

બાકી માનવું પડે કે ટીટોડીનાં ઈંડાને વરસાદ સાથે જેણે પણ જોડ્યા છે તેણે ટીટોડીનાં ૩૩ લાખ અવતાર તારી નાખ્યા છે. કારણ કે બીજા હજારો પક્ષી છે જે આપણી આસપાસ ઉડાઉડ કરે છે તો પણ આપણે એમની નોંધ નથી લેતા. કે નથી એના ફોટા છાપતા. બાકી આમ જુઓ તો ટીટોડીમાં એવું ખાસ ધ્યાનાકર્ષક કશું નથી. એનો દેહ સાવ સાધારણ ભૂખરો અને સફેદ છે. શરીરના પ્રમાણમાં પગ તો સાવ દોરડી જેવડા. અને ટીટ્ટીટીટી ટીટ... ટીટ્ટીટીટી ટીટ... એવો અવાજ આમ તો કર્કશ જ ગણાય ને? સમાજે ટીટોડીને આટલું જ મહત્વ આપ્યું છે. દર ચોમાસે એકાદ ટીટોડીનાં ફોટા પણ છપાય છે છતાં આથી વિશેષ સમાજે ટીટોડી માટે કશું કર્યું નથી. ટીટોડી માટે કોઈ ખાસ દાણા નાખતું કે પાણી ભરતું પણ જોવા નથી મળતું. ખરેખર તો કોઈને પડી નથી અને કદાચ ખબર પણ નથી કે ટીટોડી શું ખાય છે. કાગડાને ગાંઠીયા અને કૂતરાને ગ્લુકોઝ બિસ્કીટ નાખનારા છે, પણ ટીટોડી ને?? વિચાર્યું છે કદી? વિદ્યા બાલન બહેન કહે છે એમ ‘કુછ સોચો!’ ●

મસ્કા ફન
કેટલાક સેલ્ફીમાં કેમેરા એટલો ઉંચો રાખ્યો હોય છે કે
નીચે ઉભેલી પબ્લિક ફૂડપેકેટ લેવા ઉભેલા પૂર પીડિતો જેવી લાગતી હોય છે!


Sunday, September 07, 2014

શું લેશો, ચા કે કોફી?



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૭-૦૯-૨૦૧૪ | અધીર અમદાવાદી |

ભારતીયોની એક ખાસિયત છે. એમણે ચાલશે, ફાવશે અને ભાવશે સૂત્રને અપનાવી લીધું છે. એટલે જ ઘેર મહેમાન આવે તો જુનાં રિવાજ પ્રમાણે એમને ‘શું લેશો, ચા કે કોફી?’ પૂછીએ તો ‘કંઈ પણ ચાલશે’ એવો જવાબ મળશે. જુનો રિવાજ એટલાં માટે કહ્યું કે નવા રિવાજમાં કોલ્ડ્રીંક-કોલા-જ્યુસ અને આઈસ્ક્રીમ ઉમેરાયા છે. હવે દરેક ઘરમાં રેફ્રિજરેટર આવી ગયાં છે. પણ જુનાં રિવાજમાં માનનારાને આમ રેડીમેડ આઇટમ ફ્રીજમાંથી ઉઠાવીને આપી દેવામાં મહેમાનગતિ દેખાતી નથી.

ઘણાં લોકો હોય છે જ એવાં. જેમણે પોતાની કોઈ ચોઈસ ન હોય. પપ્પાએ કહ્યું એ કોર્સ કર્યો, ગામ આખું જેની પાછળ હતું એ છોકરીની પાછળ પડ્યા, મામાએ અપાવી એ નોકરી જોઈન કરી, બોસે કીધું એટલું કામ કર્યું, મમ્મીએ કહ્યું ત્યાં પરણી ગયાં, પત્નીએ કહ્યું ત્યાં ઘર લીધું, છોકરાઓએ બતાવ્યું એ ટીવી લીધું, વેવાઈએ કીધું એટલું દહેજ આપ્યું અને સંતોએ કીધાં એટલાં કર્મ કર્યા. પોતાનું કંઈ જ નહીં! એટલે જ જયારે એમને ચા કે કોફી વચ્ચે ચોઈસ પૂછો તો ‘કંઈ પણ ચાલશે’ એવો જવાબ આપશે. બિચારા!

પણ ચા એ ચા છે અને કોફી એ કોફી છે. કોઈ ચાનાં રસિયાને કોફીનું પુછજો. ‘ના ભાઈ, આપણને કોફી ન ફાવે’ તો સામે કોફીના ખરા રસિયાને ચાનું પૂછી જોજો, કહેશે, ‘ચા પીધી જ નથી મેં જિંદગીમાં, એકવાર ભૂલમાં પી લીધી હતી તેમાં ઉલટી જેવું થઈ ગ્યુ’તુ.’ આમાં ‘ઉલટી જેવું’ શું હોય એ અંગે આપણે ડોક્ટરને પૂછવું પડે. પણ અમે નોંધ્યું છે કે ચા પીનારા સેક્યુલર હોય છે અને બીજાં પીણાં તરફ સમાન આદર ધરાવે છે. ચા પીનારા ક્યારેક કોફી પી લેવામાં અચકાતા નથી, પરંતુ કોફી પીનાર મોટા ભાગના કટ્ટરપંથી હોય છે, કોફી એટલે કોફી બીજું કંઈ જ નહી. વરસે એકાદ વખત આપણા ઘેર એમનાં પાવન પગલાં પાડનાર આવા કટ્ટરપંથીઓ માટે જ આપણે કોફી રાખવી પડે છે, જે ઘણુંખરું સુકાઈને ગાંગડા થઈ જતી હોય છે.

કોફી પીનાર કદાચ એમ માનતાં હશે કે કોફી ક્લાસ માટે અને ચા માસ માટે છે. ગાવસ્કરે હિન્દી ફિલ્મોનાં સંદર્ભમાં આ ‘માસ’ શબ્દ વાપર્યો હતો. કોફી પાવડરનો ભાવ ચાની પત્તી કરતાં લગભગ પાંચથી સાત ગણો હોય છે, કદાચ એટલે જ ‘મોંઘું એટલું સારું’ એ દાવે ઘણાં કોફી પીતાં હશે. કંઇક ‘અલગ છે’ ટાઈપ કરણ જોહરે કોફી વિથ કરણ શો બનાવ્યો એ પણ કોફીના અલગ ક્લાસ થિયરીને આધાર આપે છે. મોટા માણસ ઘેર પધારે તો હજુ પણ એમને કોફી જ પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં તો કમસેકમ કોફી પીનારા લઘુમતીમાં છે જ. દેશમાં લઘુમતીઓને જેમ સાચવવામાં આવે છે એમ કોફી પીનારને સાચવવામાં આવે છે. કોફી પીનારાઓની ખાસ વોટબેંક ન હોવા છતાં!

રસોઈ માટેની ‘લોટ, પાણી ને લાકડા’ કહેવત ચા-કોફી બનાવનારાઓએ અપનાવી લીધી છે. એજ કોફી, એજ દૂધ, એજ ખાંડ, અને એજ ગેસ વપરાવા છતાં કોફીમાં સો જાતના સ્વાદ આવી શકે છે. જેનાં વિષે બનાવનાર અજ્ઞાન હોય છે. સૌરાષ્ટ્રનાં નાના સેન્ટરમાં કોફી પીવો તો કોફી ફ્લેવરનું દૂધ કે શરબત પીતાં હોવ એવું લાગે. એમાંય ઈલાયચી નાખી આપેલું પીણું કોફી છે કે ઉકાળો એ નક્કી કરવા ફોરેન્સિક સાયન્સ ડીપાર્ટમેન્ટની મદદ લેવી પડે.

જોકે શહેરની વાત જુદી છે. આજકાલની કોફીશોપ્સ મોટ્ટો કપ ભરીને રિચ કોફી આપે છે. અમદાવાદમાં તો એટલીસ્ટ એટલી બધી કોફી પીવાની કોઈને ટેવ નથી. કારણ કે માણસ કોફી પીવા જાય ત્યારે બેમાંથી એક પરિસ્થિતિ હોય જ છે; ક્યાં તો એ જમીને ગયો હોય છે અથવા એને જમવાનું બાકી હોય છે. આમ બંને પરિસ્થિતિમાં મોટો કપ અનુકુળ નથી આવતો. પાછું કોફીશોપ્સવાળા એકમાંથી બે નથી કરી આપતાં. જોકે ખર્ચની બાબતમાં અમદાવાદીઓ હવે પોતાની કંજુસની છાપ ભૂસી રહ્યાં છે. કોફી શોપ્સમાં જઈને વાતો કરવાના પણ હવે એ રૂપિયા ખર્ચતા થઈ ગયાં છે.

કોફીના મોટા કપની સામે અમદાવાદની કટિંગ ચા ફેમસ છે. એની સાઈઝ ઘટતા ઘટતાં દવાની ઢાંકણી જેટલી મીનીએચર થઈ ગઈ છે. એક ઘૂંટડે પી શકાય એટલી ચા હવે અપાય છે. ચાનાં કપ બોન ચાઈનાનાં બદલે કપનું બોન્સાઇ હોય એવું લાગે છે. પણ ખાસ કરીને દુકાનદારો દ્વારા ઘરાકોને ચા પીવડાવવાનો રિવાજ અસ્તિત્વમાં છે જ્યાં સુધી છે ત્યાં સુધી આ મીનીએચર કપ વધું મીનીએચર થશે, પણ લુપ્ત નહી થાય એવું લાગે છે.

આ તો ક્વોન્ટીટીની વાત થઈ. મુખ્ય વાત તો ક્વોલીટીની છે. ફાઈવસ્ટાર હોટલમાં રહીને કોઈ ચા પીવા રોડસાઈડ કાફેમાં જાય તો સમજવું કે એ અમારા જેવા દેશી ચાના શોખીન હશે. દુલ્હેરાજા ફિલ્મમાં કાદરખાનની ફાઈવ સ્ટાર હોટલનાં ઘરાકો જમવા ગોવિંદના ઢાબા ઉપર જાય છે એમ જ સરકારી કામે અમારે દિલ્હીની જનપથ હોટેલમાં ઉતરવાનું થાય ત્યારે અમે પણ ચા પીવા બાજુની ગલીમાં આવેલી ઢાબા ટાઈપ રેસ્ટોરાંમાં જતાં. અમને તો સૌરાષ્ટ્રના માંગરોળની સગડા ઉપર ધીમા તાપે ઉકળતી ઘટ્ટ રગડા જેવી ચા ખાસ ભાવે. એવું કહેવાય છે કે સર્વિસ ટી માટે ટેસ્ટ ડેવલપ કરવો પડે. વિમાનમાં કે શતાબ્દી ટ્રેઈનમાં ટીકીટભાડામાં ફ્રી અપાતી ચા પીને ટેસ્ટ ડેવલપ કરવા ઘણી કોશિશ અમે કરી જોઈ છે, પણ છેવટે વડોદરા ઉતરીને કીટલીની ચા ગાંઠના રૂપિયા ખર્ચીને પીધી છે. અમદાવાદી કહેવડાવવાને અમે લાયક નથી રહ્યાં.

ચા પીનારામાં પણ થોડાક લીબરલ કે ડેમોક્રેટ હોય છે. તો ઘણાં સરમુખત્યાર. અમારા જેવા. ચાની કીટલીવાળો સવારની પહેલી ચા બનાવી રોડ પર રેડી દે છે. એ ચાને જગડખાની ચા કહેવાય છે. સ્વાભાવિક રીતે આવી ચાની ગુણવત્તા ખાસ સારી નથી હોતી. લીબરલ હોય એમનાં ત્યાં આવી જગડખાની ચા બને છે. તેઓ પોતે પણ એવી ચા પીવે છે અને બીજાંને પણ એવી ચા પીવડાવે છે. અમારા ઘેર અમારી ચા અલગ બને છે. કડક. દૂધનું પ્રમાણ પાણી કરતાં અડધું. પહેલાં પાણીમાં ચા નાખી ઉકાળવાની. બધી ચા ઓગળી જાય એ પછી અડધો કપ દૂધ નાખવાનું. પછી ઉકાળીને છેલ્લે ખાંડ નાખવાની. ખાંડ પહેલાં નાખો તો ચા પાણીમાં સારી રીતે ઓગળી ન શકે તે સાયન્સ ભણ્યા ન હોય તે કઈ રીતે સમજી શકે? એટલે જ અમે ચાની રેસીપી છપાવવાનું વિચારીએ છીએ. પછી યજમાનને કહેવાનું કે તમે અમને ચા પીવડાવ્યા વગર રહી જતાં હોવ તો આ પ્રમાણેની ચા બનાવો. અથવા રોકડા રૂપિયા આપી દો તો જાન છૂટે!

Monday, March 17, 2014

ગબ્બર બેવકૂફ હતો

|

 | ઉત્સવ સપ્લીમેન્ટ | ૧૬-૦૩-૨૦૧૪ |


આમ તો દર વર્ષે કેટલીય એવી હિન્દી ફિલ્મો બને છે કે જેને હોળીમાં હોમી દેવાની આપણને અદમ્ય ઇચ્છા થાય. પણ હવે ક્યાં પહેલાની જેવા રિલ આવે છે કે તમે એને હોળીમાં ઝીંકી શકો? પણ આની સામે કેટલીય હિન્દી ફિલ્મો એવી પણ બની છે જેમાં હોળીના યાદગાર દ્ગશ્યો કે ગીતો આપણને મળ્યા છે. જોકે અમારો સ્વભાવ થોડો કૂતરાની પૂંછડી જેવો છે. એટલે અમને એ યાદગાર ફિલ્મોમાં પણ અવનવું દેખાય છે.

શોલેમાં આપણા દેશના મહા-માજી જયાજી ઉર્ફે રાધાના રોલમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરવા માટે હોળીના પ્રસંગનો સરસ ઉપયોગ થયો છે. અડધી રાત્રે જય અને વીરુ ઠાકુરની તિજોરીમાં ઝાડુ લગાવવાની કોશિશ કરતા હોય છે ત્યારે હિન્દી ફિલ્મના ટીપીકલ ભૂતની જેમ પ્રગટ થયેલ રાધાને જોઈને ખબર જ ન પડે કે એ પુર્વાવતારમાં હોળી માટે આટલી હરખપદુડી હશે. એ તો રામલાલે રાધાની વાર્તા ઘુસાડી એટલે આપણને ખબર પડી. જોકે એમાં બચારા સચિનનો રોલ કપાઈ ગયો એ આડ વાત. પણ સાથે સાથે ઠાકુર સ્ટાઇલની હોળીના નામે આપણા તહેવારમાં ‘ચુટકીવાલી હોલી’ની ઘો ઘૂસી ગઈ જે ‘તિલક હોળી’ના નામે આજે પણ આપણને કનડે છે!          

શોલેમાં ગબ્બર સાવ અભણ હતો. એક સીનમાં એને રઘવાયો થઈને ‘હોલી  કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ અહીં ‘બોસ, ફાગણ સુદ પૂનમ પછીનો દિવસ’ જેવો જવાબ નથી આપતા. ખરેખર તો આવા સવાલનો કોઈ જવાબ ન હોઈ શકે. એટલે જ ગબ્બરના પ્રશ્ન પછી સીન બદલાઈ જાય છે.

જોવાની વાત એ છે કે ગબ્બર રામગઢ પર ધુળેટીના દિવસે ધાડ પાડવાનું વિચારે છે પણ ડફોળ એને હોળી કહે છે. કદાચ ત્યાં ધુળેટી પણ હોળી તરીકે ઓળખાતી હશે. પણ જો ગબ્બરમાં જરા જેટલી અક્કલ હોત તો એણે જે દિવસે હોળી પ્રગટાવે એ દિવસે બપોરે ધાડ પાડી હોત. કારણ કે હોળીના દિવસે લોકો સામાન્ય રીતે હોળી-ભૂખ્યા રહેતા હોય છે. આવા સમયે ધાડ પાડો તો સામનો કરવા કોણ આવે? પણ હશે, ગબ્બરમાં એટલી અક્કલ નહિ હોય, એટલે જ તો એ ડાકુ બન્યો. નહીંતર નેતા ન બનત? પણ બીજા કોઈ દિવસે નહીંને ધુળેટીના દિવસે? ખરેખર તો એને ઠાકુરના બે ભાડૂતી માણસો આ દિવસે ઓળખાયા એ જ બહુ કહેવાય, નહિતર ધારોકે જય અને વીરુએ મોઢા પર મેશ ચોપડી દીધી હોત તો એમને ઓળખતા પહેલા કેટલા લોકોના મ્હોં ધોવડાવવા પડત? આમ એકંદરે ગબ્બર બેવકૂફ તો હતો જ.

પણ ચુટકીવાલી હોળીનો મહિમા ગાતા આ શોલેમાં આગળ જતા બસંતી ‘હોલી કે દિન ..’ ગીતમાં રંગોની ઢગલીઓને પગ વડે લાતો મારી ઉડાડી રંગનો જે બગાડ કરે છે એ કોઈ અમદાવાદી સહન ન કરી શકે. પાછું આખા ગીતમાં એકબીજાને રંગવાને બદલે રંગ હવામાં ઉડાડ્યા જ છે. આમ જુઓ તો હોળી આવે ત્યારે ડબલ સીઝન હોય. શરદી અને વાઈરલ રોગચાળો ફેલાયેલો હોય. એમાં પાછું રામગઢમાં પાકા રસ્તા પણ નહોતા એટલે ધૂળ તો ઊડતી જ હોય. એવામાં આમ રંગ ઉડાડે એ આંખ-કાન-ગળાના ડોક્ટરોને ફાયદો જ કરાવે ને? ને રામગઢમાં ડૉક્ટર ક્યાંથી હોય? એટલે ત્યાંના લોકો ધાણી-ચણા ખાઈ અને મીઠાના પાણીના કોગળા કરી હોળી પર થયેલ ખાંસી મટાડતા હશે.

શોલેના હોળી ગીતની બે-ત્રણ વાત જાણવા જેવી છે. એક તો એ કે આ ગીતમાં બસંતી ધર્મેન્દ્ર પાજીને ‘બેસરમ’ કહે છે. એ ‘મિલન’ ફિલ્મથી (સાવન કા મહિના પવન કરે ‘સોર’ ફેમ) પ્રભાવિત થઈને લખ્યું હોય એવું લાગે છે. લાગે છે શું, છે જ. બંને ગીતોના ગીતકાર આનંદ બક્ષી જ છે. બીજી વાત એ કે આખા ગીતમાં વીરુ બસંતીની આસપાસ ઘૂમરાયા કરે છે અને ગીત ગાય છે ત્યારે રામગઢના અન્ય યુવાનો બૅકગ્રાઉન્ડમાં ડાન્સ કર્યા કરે છે. આમ ગામ બહારનો છોરો, એ પણ પીધ્ધડ, ગામની આવી છેલબટાઉ અને બટકબોલી બસંતીને વટલાવી જાય એ જોયા કરે એ જોતાં રામગઢના યુવાનો ઘણાં સહિષ્ણુ અને સાલસ સ્વભાવના હશે એવું ફલિત થાય છે. ત્રીજી વાત એ કે આ ગીતમાં વીરુ ‘ગીલે શિકવે ભૂલ કર દોસ્તો, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ’ એવું સાંભળવામાં સારું લાગે એવું ગાય છે, પણ વીરુ અહીં ખરેખર ભ્રમમાં છે. આ ગીત પૂરું થતા સુધીમાં તો ગબ્બર જેવો જાની દુશ્મન ગલે મિલવા નહિ, પણ ગોળીએ દેવા ગામને પાદર સુધી પહોંચી ગયો હોય છે!

અમને હિન્દી ફિલ્મોના હોળી ગીતો વિષે અણગમો હોવાનું એક કારણ સિલસિલા છે. આપણા પોતાના ગુજ્જુ સંજીવ કુમાર ‘રંગ બરસે..’ ગીતમાં પહેલેથી છેલ્લે સુધી ઢોલકું ટીચે રાખે છે. આખા ગીતમાં બચારાના ભાગે ‘લોન્ગાં ઈલાચી કા ભાઈ’ એટલું જ, અને એ પણ સાવ ખખડી ગયેલ ડોસાના પ્લેબેકમાં બોલવાનું આવે તે આપણને ગુજરાતી તરીકે ચચરે તો ખરું જ ને? પછી ભલે એ ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત મુજબ એવું હોય! પણ બીજી તરફ બચ્ચનભાઈ તો ભાંગ જમાવીને ખુલ્લંખુલ્લા સંજીવ કુમારની પત્ની એવી રેખાની પાછળ પડી જાય છે. આમ હોળીના દિવસે ભાંગ ન પીવી, અને ખાસ કરીને પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના ઘેર હોળી રમવા જાવ ત્યારે તો નહીં જ, એવો સંદેશો પણ યશ ચોપરાએ સિલસિલામાં આપ્યો છે, એ હિન્દી ફિલ્મોની ઊજળી બાજુ ગણવી.

નવી ફિલ્મોમાં ‘યે જવાની હે દીવાની’ ફિલ્મમાં ‘બલમ પિચકારી જો તુને મુઝે મારી’ એવું ગીત છે. આ ગીતમાં પણ પિચકારી પ્રતીકાત્મક હોય એવું પ્રતીત થાય છે. કારણ કે આખા ગીતમાં બલમના હાથમાં પિચકારી આવતી જ નથી. કારણ કે બલમને હોળી રમવા કરતાં ઠૂમકા મારવામાં વધુ રસ હોય છે. બલમ રણબીર અને એની બાલિકા દીપિકા આખા ગીતમાં હાથ ઉલાળી ઉલાળીને દોડાદોડી કરવાનું કામ કરે છે. હોળીના દિવસે અહીં અમદાવાદમાં કોઈ આટલું દોડાદોડી કરતું નથી. અહીં તો ટુ-વ્હીલર પર કે કારમાં રંગવા જવાનો રિવાજ છે. પણ આ તો હિન્દી ફિલ્મ છે. એમાં હોય એ બધું સાચું થોડું હોય! અને હોય તો હોય, આપણે શું એ બધી વાતની પંચાત!  

 
 

Sunday, March 16, 2014

આદુ-તુલસીના ગુણોવાળા, ત્વચામાં નિખાર લાવે એવા રંગો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૬-૦૩-૨૦૧૪ રવિવાર




પર્યાવરણ વિષે આપણને લોકો રીતસરના બીવડાવી રહ્યા છે. અમુક વર્ષોમાં અમુક શહેર સમુદ્રમાં ડૂબી જશે. કચ્છના રણમાં બરફ વર્ષા થશે. ચેરાપુંજીમાં દુકાળ પડશે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ચોથું વિશ્વયુદ્ધ પથ્થરથી લડાશે. પાંચમું વિશ્વયુદ્ધ પ્લાસ્ટિકનો કચરો હટાવવા માટે થશે. આવી આગાહીઓ કરવામાં આવે છે. પાછું જે લોકો પર્યાવરણની સૌથી વધુ પત્તર રગડે છે એજ લોકો પર્યાવરણ બચાવ ઝુંબેશો ચલાવે છે! આવી જ એક ઝુંબેશ છે ઇકો-ફ્રેન્ડલી હોળીની.
આ પ્રકારની હોળીમાં પાણી બચાવવાની વાત પણ આવે છે. કમાલ એ વાતની છે કે મુનસીટાપલી એની પાઈપલાઈનોમાં લીકેજ રીપેર કરાવે તો આખું અમદાવાદ શહેર હોળી રમી શકે એટલું પાણી બચી શકે એ તો કોઈ વિચારતું જ નથી! જે લોકો અમેરિકા કે યુરોપ ગયા હશે એમને ખબર હશે કે પાણી વગર અમુક કાર્ય કરવામાં કેટલી તકલીફ પડે! નોન-એસી સલુનમાં વાળ કપાવ્યા પછી કારીગર ફુવારો ન મારે એની વેદના જેણે અનુભવી હશે એ આ પાણી વગર  હોળી રમનારની વ્યથા સમજી શકે. પણ ઘણાં પાણીના મુદ્દે એટલા ઝનુની હોય છે એમનું ચાલે તો ટેક્સ્ટબુકમાંથી ‘પાણી ફેરવવું’, ‘પાણી ઉતારવું’, ‘પગ નીચે રેલો આવવો’, ‘અંજળ પાણી ખૂટવા’ વગેરે રુઢિપ્રયોગો પણ રદ કરાવે!

એન્ગ્રી ક્યા? કૂલ ડાઉન, વી આર જસ્ટ જોકિંગ. પાણીનું મહત્વ અમે સમજીએ જ છીએ, પણ અમને લાગે છે કે હોળી પૂરતી આ બાબત પ્રજાના સ્વવિવેક પર છોડી દેવી જોઈએ.

આમ તો આપણે ત્યાં ધૂળેટી ઉજવવાનો રીવાજ છે, પણ હોળીના દિવસે સ્કૂલ-કોલેજમાંથી છૂટ્યા પછી કમ્પાઉન્ડની બહાર જ એની ઉજવણી શરુ થઇ જાય છે. એમાં પણ ‘મહોબ્બતેં’ના નારાયણ શંકર જેવા ખડૂસ પ્રકારના ટીચરો રંગના પડીકા જપ્ત કરતા હોવાથી મોટે ભાગે વોટરબેગનું પાણી છાંટીને, પેનથી લીટા કરીને કે ઇન્કથી સ્કુલ ડ્રેસ ખરડીને કામ ચલાવાય છે.

Source : web
એક જમાનામાં ધુળેટીના દિવસે કેસૂડો, ગુલાલ અને પાણી ઉપરાંત છાણ, માટી, ગાડાની મળીનો ઉપયોગ થતો, પછી કાળક્રમે ગળી, ઓઈલ પેઇન્ટ, બળેલું એન્જીન ઓઈલ, ગ્રીઝ, ડાઈ અને હીરાકણી વગેરે વાપરાતુ થયું. આ બધું વપરાય એટલે નહાવા માટે પાણી પણ પુષ્કળ જોઈએ. આ ઉપરાંત અમુક લોકોના ઘેર જાવ તો એમને તમે આખું વર્ષ નહાતા હશો કે કેમ એ અંગે શંકા હોય કે ગમે તેમ પણ એ તમારું સ્વાગત ડોલ ભરીને પાણીથી કરે છે. યજમાને તમને આગળથી ભીના કર્યા હોય તો ઉંધા ફરીને ઊભા રહેવાની ગાંધીજીની શીખને ભૂલીને બદલો લેવા, યજમાનના ચોકડીના નળમાંથી યજમાનની ડોલમાં પાણી ભરી યજમાન અને ખાસ કરીને ત્યાં હાજર મહિલા વર્ગને પલાળવાનો મહિમા છે.    

બીજું, તમે માર્ક કર્યું હશે કે જયારે આપણે સફેદ કે આછા રંગના કપડા પહેરીએ ત્યારે ચા, પાન અને દાળના ડાઘ વધુ પડતા હોય છે. આમાં બુફે ડીનરની લાઈનમાં પાછળવાળો એની થાળીથી આપણા બરડામાં ડાઘ પાડે એ જુદા. આ મર્ફીઝ લો છે, જે કોઈને છોડતો નથી. કુલ મિલાકે આ રીતે જે ચિતરામણ થાય એટલું ચિતરામણ પણ ઇકો-ફ્રેન્ડલી હોળીમાં અધધધ ગણાય છે. એમાં પાછી શોલેના ઠાકુરોની ‘દો ચુટકી રંગ’ વાળી હોળીની ઘો ઘાલી હતી એ નડે. આમ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માન્ય રંગવાળી આંગળી કરીને ગ્રેગ ચેપલની અદાથી સામેવાળાના લમણે અડાડો એટલે હોળી પુરી! હાળું, સામેવાળા સાથે બાથંબાથી કરી, એને લટ્ટી ભીડાવીને પાડી અને એના મોઢા-માથામાં રંગ નાખીને એના દાંત આસમાની ના કરો તો મજા શું આવે, તંબુરો?

આમાં એક વાત સમજો કે તમને પીઝા ભાવતા હોય એ સારું કહેવાય, પણ પીઝાના પટારા ન ભરાય. એમ ઇકો-ફ્રેન્ડલી હોળી રમો, પણ માપમાં રમો. એને માથા પર ચઢાવશો તો વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડેના ધોરણે આમાં પણ કાર્ડ-ગીફ્ટ-સ્વીટ્સ અને આદુ-તુલસીના ગુણોવાળા, ત્વચામાં નિખાર લાવે એવા, હળદર-ચંદનથી યુક્ત, એક્ઝોટિક ખુશ્બુ સભર ઇકો ફ્રેન્ડલી રંગોની વિશાળ શ્રેણી આપણા માથે મારવામાં આવશે. શરૂઆત તો થઇ જ ગઈ છે. જરા ગૂગલ કરી જોજો, કૂકડાના બધા કલર જોવા મળશે!

પણ જો તમને આ બધું ન જ ફાવતું હોય તો નજીકની મોબાઈલની દુકાને જઇને શરીરને લેમિનેટ કરાવી દેવું અને એ પણ ન ફાવે તો પછી ઇસરો ફરી મંગળ પર યાન મોકલે ત્યારે એના ભંડકિયામાં સંતાઈને મંગળ પર જતાં રહેવું. અમે તો આમ જ હોળી રમવાના, થાય એ ભડાકા કરી લો.
બુરા ન માનો હોલી હૈ ...