Wednesday, June 15, 2016

ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦૧૬-૦૬-૧૫

ટીટોડી ક્યાં ઈંડા મુકશે એ વિષય બાબતે સમાજમાં ભારે ઉત્સુકતા પ્રવર્તે છે. દર વર્ષે ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા તે અખબારોમાં જાહેરાતોના ભોગે છાપવામાં આવે છે, કારણ કે અખબારો પ્રજા માટે છે અને ‘નેશન વોન્ટસ ટુ કનો’, કે ટીટોડીએ આ વર્ષે ઈંડા ક્યાં મુક્યા? ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે. ટીટોડીમાં પણ અક્કલ હોય છે કે નીચાણવાળા કે પાણી ભરાય તેવા વિસ્તારમાં ઈંડા ન મુકાય. ક્યારેક આ જ ટીટોડી ક્યારેક મેદાનમાં કે જમીન પર પણ ઈંડા મુકે છે. આમ થાય તો દુકાળ પડે એવું કહેવાય છે. આટલું જ્ઞાન ગુજરાતના બચ્ચે-બચ્ચાને છે. આ વિજ્ઞાન છે કે નહીં તે વિષયે સોશિયલ મીડિયા પર વિદ્વાનો ચર્ચા કરે છે. બાકી ટીટોડીમાં છાંટો પણ અક્કલ હોય તો પહેલા વરસાદે જ શહેરના પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં જાય છે એ જાણતી ટીટોડીઓ ઈંડા મુકવા માટે ઊંચાઈવાળી જગ્યા જ પસંદ કરે.

રિસર્ચમાં મુખ્યત્વે કાર્ય અને કારણ વચ્ચેના તપાસ થતી હોય છે. જેમ કે તેલ ખાવાથી કોલેસ્ટોરોલ વધે. ગળ્યું ખાવાથી સુગર વધે. તેલવાળું અને ગળ્યું બંને ખાવાથી ફાંદ વધે વગેરે વગેરે. ટીટોડીનાં ઈંડા મુકવા અને વરસાદની માત્રા અંગે આવું કોઈ રીસર્ચ થયું હોય એવું અમારી જાણમાં નથી. જોકે એથી કંઈ એની વિશ્વસનીયતા ઘટી નથી જતી અને જે વિષયો પર રીસર્ચ થયા છે એ પ્રમાણભૂત હોય એવું પણ જરૂરી નથી. ધાબા પર ઈંડા મુક્યા પછી વરસાદ ન પડે તો કોઈ ટીટોડીને કોર્ટમાં ઢસડી નથી જતું. જમીન પર ઈંડા મુક્યા પછી ખુબ વરસાદ પડે તો ટીટોડીને કોઈ મહેણા મારતું નથી કે ‘ડૂબી મર’.

જોકે એક ટીટોડી ઈંડા ક્યાં મુકે છે એના ઉપર આખા ગુજરાતમાં ચોમાસાની આગાહી કરવી એન્જીનીયર તરીકે અમને યોગ્ય લાગતું નથી. સ્ટેટેસ્ટિકસમાં ઓછામાં ઓછી ૨૫ની સેમ્પલ સાઈઝની ભલામણ છે. પણ આપણે ત્યાં તો એક જ ટીટોડીએ ક્યાં ઈંડા મુક્યા એના ઉપર ચોમાસાનો મદાર બાંધવામાં આવે છે. હવે ધારો કે કોક ટીટોડી આળસુ હોય અને એને ધાબા સુધી ઉડાઉડ કરવાનો કંટાળો આવતો હોય એથી નીચે ઈંડા મુકતી હોય તો? કેમ લીફ્ટનો ભરોસો ના હોય ત્યાં ગ્રાઉન્ડ ફલોરનો ફ્લેટ લેવાનું લોકો પસંદ નથી કરતાં? એવી જ રીતે કોઈ ડરપોક ટીટોડી જમીન પર મૂકવામાં અસલામતી લાગતી હોય એટલે અગાસીમાં ઈંડા મુકતી હોય એવું ન બને? સ્ટેટીસ્ટીકસમાં આવા ‘Samples’ને ‘Outliers’ કહે છે અને એને વિશ્લેષણમાંથી બાકાત રાખવામાં આવે છે. એ હિસાબે આવી ટીટોડીઓને સેમ્પલમાંથી બાકાત કરવી પડે, જે થવું જોઈએ પણ થતું નથી. આપણે ત્યાં તો અખબારના ફોટોગ્રાફરની નજરે ચઢે એ ટીટોડીની મુન્સફીને આધારે ચોમાસું કેવું જશે તે નક્કી થાય છે.

એટલે જ ધાર્યું ચોમાસા લાવવા માટે હેલ્થ અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને કામે લગાડી ચોમાસા પહેલા તમામ પ્રેગ્નન્ટ ટીટોડીઓની નોંધણી કરીને ડેટાબેઝ બનાવવો જોઈએ. શિક્ષકોને આ કામથી દૂર રાખવા કારણ કે પહેલેથી જ તેઓને બિનશૈક્ષણિક કામો કરાવવા અંગે ફરિયાદ છે. એ પછી ટીટોડીઓને રસ પડે એવા મોકાના ઊંચા સ્થાન ઉપર હાઉસિંગ બોર્ડ પાસે ટકાઉ અને મજબૂત માળા બંધાવવા જોઈએ. આ હસવાની વાત નથી, ગંભીર સૂચન છે. આ કામ ચોમાસાની શરૂઆત અને ટીટોડીના પ્રસવકાળ પહેલા નિષ્પન્ન થવું જોઈએ નહિ તો ટીટોડીઓ મન ફાવે ત્યાં ડીલીવરી કરવા માંડે એવું બને. એમાં ટેન્ડરીંગ અને રી- ટેન્ડરીંગના ચક્કરમાં માળાઓ ચોમાસા પછી તૈયાર થાય અને નેક્સ્ટ ચોમાસા પહેલા બિસ્માર હાલતમાં આવી જાય એવું પણ બને! માળાઓની ફાળવણી પણ ટીટોડીઓ પર છોડવી જોઈએ નહીતર સોફ્ટવેરના ડખાને કારણે અમુક ટીટોડીઓને ત્રણ ત્રણ માળા ફાળવાય અને અમુક ટીટોડીઓ રખડી પડે એવું પણ બને. પછી રખડી પડેલી ટીટોડીઓ વિરોધ દર્શાવવા ખાડામાં ઈંડા મુકી આવે તો અમથું આપણું ચોમાસું રખડી પડે! ટીટોડીઓ તંત્રને ઉલ્લુ બનાવીને જમીન ઉપર માળા બાંધી ન જાય એ જોવાની કામગીરી તકેદારી વિભાગ અને દબાણ ખાતાને સંયુક્ત રીતે સોંપી શકાય.

બાકી માનવું પડે કે ટીટોડીનાં ઈંડાને વરસાદ સાથે જેણે પણ જોડ્યા છે તેણે ટીટોડીનાં ૩૩ લાખ અવતાર તારી નાખ્યા છે. કારણ કે બીજા હજારો પક્ષી છે જે આપણી આસપાસ ઉડાઉડ કરે છે તો પણ આપણે એમની નોંધ નથી લેતા. કે નથી એના ફોટા છાપતા. બાકી આમ જુઓ તો ટીટોડીમાં એવું ખાસ ધ્યાનાકર્ષક કશું નથી. એનો દેહ સાવ સાધારણ ભૂખરો અને સફેદ છે. શરીરના પ્રમાણમાં પગ તો સાવ દોરડી જેવડા. અને ટીટ્ટીટીટી ટીટ... ટીટ્ટીટીટી ટીટ... એવો અવાજ આમ તો કર્કશ જ ગણાય ને? સમાજે ટીટોડીને આટલું જ મહત્વ આપ્યું છે. દર ચોમાસે એકાદ ટીટોડીનાં ફોટા પણ છપાય છે છતાં આથી વિશેષ સમાજે ટીટોડી માટે કશું કર્યું નથી. ટીટોડી માટે કોઈ ખાસ દાણા નાખતું કે પાણી ભરતું પણ જોવા નથી મળતું. ખરેખર તો કોઈને પડી નથી અને કદાચ ખબર પણ નથી કે ટીટોડી શું ખાય છે. કાગડાને ગાંઠીયા અને કૂતરાને ગ્લુકોઝ બિસ્કીટ નાખનારા છે, પણ ટીટોડી ને?? વિચાર્યું છે કદી? વિદ્યા બાલન બહેન કહે છે એમ ‘કુછ સોચો!’ ●

મસ્કા ફન
કેટલાક સેલ્ફીમાં કેમેરા એટલો ઉંચો રાખ્યો હોય છે કે
નીચે ઉભેલી પબ્લિક ફૂડપેકેટ લેવા ઉભેલા પૂર પીડિતો જેવી લાગતી હોય છે!


No comments:

Post a Comment