| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૩-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' નામે
આત્મકથા લખી હતી. ગાંધીજીના સત્યના પ્રયોગોથી દેશને આઝાદી મળી હતી. આ
અપવાદને બાદ કરો તો મોટા ભાગના પ્રયોગો ખાસ લખવા જેવા નથી હોતા. કૃત્રિમ
વરસાદના પ્રયોગોમાં રૂપિયાનું પાણી થાય છે, પણ કૂવામાં હોતું નથી એટલે હવાડામાં આવતું નથી. કવિતા અને સુગમ સંગીતમાં પણ બહુ પ્રયોગો થયા છે, પણ
નવી દવાના ટ્રાયલમાં જેમ પહેલાં પ્રાણીઓ ઉપર પ્રયોગો થાય છે એવું કમનસીબે
સુગમ સંગીતમાં નથી થતું. કોલેજિયન્સ લેબોરેટરીમાં પ્રયોગો કરવાને બદલે
પટાવાળાને ફોડી જૂનાં રીડિંગ લખી જર્નલ સબમિટ કરવામાં વધુ માને છે. શિક્ષણ
વિભાગ પણ પરીક્ષાપદ્ધતિમાં સારા એવા પ્રયોગો કરે છે, પણ
શિક્ષકોની ગુણવત્તા સુધારવા કશું કરતી નથી એટલે સરવાળે ગુણવત્તા કથળે છે.
વ્યક્તિગત રીતે સૌથી વધારે પ્રયોગ વ્યસનમુક્તિના થાય છે. આમાં કેટલાક
માવાવાદી સફળ થાય છે અને બાકીના કેન્સર સામે ફેઇલ થઈ જાય છે!
તમાકુ, ગુટકા કે સિગારેટનું વ્યસન હોય એમાંના ઘણા એમ માનતા હોય છે કે, 'હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં વ્યસન છોડી શકું' પણ
આ ધારવાનું કામ સૌથી અઘરું છે. કેટલાકની જિંદગી આ ધારવામાં જ પસાર થઈ જાય
છે. અમુક તો ધારવાથી ડરતા હોય છે. માવાવાદીઓની હાલત સલમાન જેવી હોય છે કે
જો એક વાર કમિટમેન્ટ કરી દે તો એ પોતાની જાતને પણ સાંભળતા નથી. એટલે જ
ભૂલથી પણ કમિટમેન્ટ કરતા નથી. હા, રાજકારણીઓ આમાં અપવાદરૂપ હોય છે.
પાનમસાલા, ગુટખા કે તમાકુ ખાનારા આમ તો સમાજસેવક/સાત્ત્વિક પ્રકારના જીવ ગણી શકાય, કારણ કે દિવસના ૨૪માંથી ૧૮ કલાક તેઓનું મુખ આ આઇટમોથી ભરેલું રહે છે, તેથી નાહક બોલવા માટે મોં ખોલતા નથી. આમ થવાથી વાતાવરણમાં ધ્વનિપ્રદૂષણ ઓછું થાય છે; તો
ઘરમાં પણ દલીલબાજીના અભાવે શાંતિ બની રહે છે. તેઓ નિંદા-કૂથલીમાં પણ
પોતાનો ફાળો ઝટ નોંધાવતા નથી. એમને કશું બોલવું હોય તો મોઢું ઊંચું કરી
બોલવાની કોશિશ કરે, પણ મોઢામાં ભરેલ માવા વચ્ચે શબ્દો અટવાય એટલે ક્યાંક થૂંકવા દોડે છે. પછી એ માવાવાદી બોલવા જેટલી જગ્યા થાય એટલો અડધો જ માવો થૂંકી, તોતડું તોતડું બોલી આપણને સમજાવવાની કોશિશ કરે ત્યારે એવી ખીજ ચઢે કે ખેંચીને લાફો મારી દઈએ, પણ જાનનું જોખમ ખેડીને માવો ખાતા આ ભડવીરો, વ્યસન પર નભતા લોકોને (જેવા કે ડેન્ટિસ્ટ, બુટલેગર અને ગુટલેગર) બે ટંકનો રોટલો પૂરો પાડે છે.
તમાકુ ખાનાર એનો રસ પેટમાં ઉતારતા નથી. કદાચ નશો મોંમાં રગડવાનો આવતો હશે, પણ મ્યુનિસિપાલિટીના કચરા-સંચયના નિયમ મુજબ કચરો કદી નાશ પામતો નથી, માત્ર
એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે. આમ મોંમાં ગયેલ ઘન ગુટકાના
દાણા રસો બને છે અને એ રસો જ્યારે મોંની ચાર દીવાલ વચ્ચે અકળામણ અનુભવે
ત્યારે એ પિચકારીમાં પરિવર્તન પામે છે. ન્યુટનના બીજા નિયમ મુજબ આ રસ ઉપર
ગાલ, જીભ અને શ્વાસ વડે બાહ્યબળ લાગે એટલે એ રસાના જથ્થાને
અનુરૂપ એવી રીતે બહાર ફેંકાય છે. આ પિચકારી કેટલે દૂર સુધી જશે એનો આધાર
ગતિમાન પ્રવાહીના (ફ્લુઇડ મેકેનિક્સના) સાતત્યના (કન્ટિન્યુટી) સિદ્ધાંત
અનુસાર હોઠના સર્કલનો વ્યાસ, ફુલાયેલા ગાલનો પરીઘ અને રસના
જથ્થાના માપ પર રહેલ છે. આ અંગે બિન-પ્રમાણભૂત પરિણામોના આધારે આ લખનાર
એસટી અને સિટી બસથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ કરતાં વધારે અંતરે રહેવાનું સૂચવે
છે, ખાસ કરીને સફેદ શર્ટ કે ડ્રેસ પહેર્યો હોય ત્યારે.
ગુજરાત સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂકી આવતી પેઢીને પણ જેનો લાભ
થશે એવું પ્રશંસનીય કામ કર્યું છે. હવે સડકો પર ઉર્ધ્વ દિશામાં ડોકું કરી
મોંમાં પડીકી ઓરી જ્યાં ત્યાં કચરો ફેંકતા માવાવાદીઓ નહીં દેખાય. પત્નીએ
જપ્ત કરેલી ગુટકાની પડીકીઓ છોડાવવા માટે થતી કોર્ટરૂમને ટક્કર મારે તેવી
ઉગ્ર દલીલો સાંભળવા નહીં મળે. હવે નિસરણીની દીવાલો અને ખૂણામાં લાલ ડાઘ
નહીં જોવા મળે. હવે પડીકી ખાવાથી થઈ ગયેલા લાલ દાંત નહીં જોવા મળે. હવે
મોઢામાં ઓરતી વખતે ખિસ્સામાં પડી જતા ગુટકાના દાણા વડે શર્ટના ખિસ્સામાં
ડાઘા નહીં પડે. હવે કેન્સર હોસ્પિટલમાં દાઢ અને જડબાં કાપવાના નવા કેસ નહીં
આવે. શું સાચે જ આવું થશે? થોભો અને રાહ જુઓ.
ડ-બકા
કોમનવેલ્થ, સડકો, ભૂવામાં ગયેલો બકા,
હું દેશનો પૈસો છું અને ખવાઈ ગયો છું!