Saturday, September 08, 2012

હવે સ્વેચ્છાએ કવિતા કરવાનો કોઈને અધિકાર નથી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૨-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

વસ્તી, મોંઘવારી અને ગુનાખોરીની જેમ કવિતાખોરી પણ દિવસે દિવસે વધતી જાય છે. ફેસબુક પર તો નવોદિત કવિઓ જુનાં કવિઓ જેટલો જ ત્રાસ ફેલાવી રહ્યાં છે. આ સઘળા કવિ, અકવિ, અને અર્ધકવિઓનાં ત્રાસથી જનતા ગળે આવી ચૂકી છે એ જોતાં એવું મનાય છે કે કોંગ્રેસ અગામી ચુંટણીમાં ઘર અને પ્લોટ મફત આપવાની યોજના પડતી મૂકી કવિઓનાં ત્રાસથી રક્ષણ આપવાની કાયદાકીય જોગવાઈ કરવાનું વચન અને એ અંગે યોજના ટૂંક સમયમાં જાહેર કરે તેવી સંભાવના છે. ગાંધીજીને વાતવાતમાં વચ્ચે લાવનારાં, આ લાઈસન્સ બાબતે ગાંધીજીએ જોડણી માટે જે કહ્યું હતું હવે સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી, એ રાહ પર ‘હવે સ્વેચ્છાએ કવિતા કરવાનો કોઈને અધિકાર નથી’ એ ટેગ-લાઈન સાથે આ લાઈસન્સપ્રથા પ્રસ્તાવિત કરી રહ્યા છે. થોડુંક સંશોધન કરતાં વિપક્ષનાં એક નેતાની કચરાપેટીમાંથી અમને એક કાચો મુસદ્દો મળ્યો, જે નીચે મુજબ છે.
--


આ કાયદા અંતર્ગત હવેથી દરેક કવિતા કરનાર કવિએ નીચેની શરતોને આધીન રહીને સરકાર પાસેથી માન્ય કવિ હોવાનું લાઈસન્સ મેળવવાનું રહેશે. આ લાઈસન્સધારી કવિ જ કવિતા લખી શકશે, અને એ સિવાય કવિતા કરનાર લોકો પર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨, ૩૦૭, ૧૨૦(બી), ૪૬૭, ૪૬૮, ૪૨૦ વગેરે અંતર્ગત કામ ચલાવવામાં આવશે.  

1.       આ લાઇસન્સનો મુખ્ય હેતુ ગુજરાતની છ કરોડ જનતાના માનસિક આરોગ્યની જાળવણી છે.
2.       કવિતા વાંચ્યા પછી કોઈ ભાવક માનસિક સંતુલન ખોઈ બેસશે તો સારવારનો તમામ ખર્ચ કવિએ ભોગવવાનો રહેશે.
3.       આ લાઈસન્સ મેળવનાર વ્યક્તિ માત્ર કવિતા લખી અને વાંચી શકશે, ગાઈને કવિતા સંભળાવવાની છૂટ કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહિ. એકની એક પંક્તિ બે વાર વાંચવાની છૂટ પણ આપવામાં નહિ આવે.
4.       લાઈસન્સધારી કવિ માત્ર ૧૪ લીટી લાંબી કવિતા જ લખી શકશે. લાંબી કવિતા બે કે વધુ ભાગમાં વહેંચી શકાશે નહિ, છતાં કવિ લખવાના આવેગને રોકી ન શકે તો બાકીનો ભાગ તાત્કાલિક કચરાપેટીમાં નાખવાનો રહેશે.
5.       લાઈસન્સ ઇચ્છુક કવિની પાસપોર્ટ મેળવવાની રાહે પોલીસ તપાસ કરવામાં આવશે. જે કવિની કવિતાથી પ્રેરાઈને કોઈએ આપઘાત ન કર્યો હોય કે જેમની કવિતા સાંભળી લોકોએ હિંસક પ્રતિભાવ ન આપ્યા હોય એવા કવિઓની અરજી પર જ વિચારણા કરવામાં આવશે.
6.       લાઈસન્સધારી કવિએ ચોવીસ કલાક લાઈસન્સ સાથે રાખવાનું રહેશે.  
7.       આ લાઈસન્સ ધારા હેઠળ ઉગતા કવિઓને મળતી સહાયની કોઇપણ પ્રકારની જોગવાઈઓ અને યોજનાઓ તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવે છે.
8.       જાહેરસ્થળો જેવા કે ટ્રેન અને સ્ટેશન, બસ અને બસ-સ્ટેન્ડ, જાહેર બગીચા, જાહેર મેદાનોમાં કવિતાપઠન નહિ કરી શકાય.
9.       આ લાઈસન્સની મુદત છ મહિના રહેશે, એ પછી શરતોને આધીન રહીને રીન્યુ કરાવવાનું રહેશે. .
10.   જેની પાસે બંદુકનું લાઈસન્સ હશે એને કવિતાનું લાઇસન્સ મળી શકશે નહિ. આ કાયદો ઓન-ડ્યુટી  પોલીસને પણ લાગુ પડશે. આ શરતનો મુખ્ય હેતુ હથિયારધારી લોકો બળજબરી પૂર્વક કવિતા-પઠન ન કરી શકે તે જ છે.
11.   પોલીસ કમિશ્નરની પરવાનગી વગર ઇન-ડોર કે આઉટ-ડોર કોઈ પણ પ્રકારના કવિ સંમેલન હવે કરી શકશે નહિ. પરવાનગી વગરના સંમેલનો યોજવા પર કલમ ૧૪૪ લાગુ પાડવામાં આવશે.
12.   ભાવકની ઈચ્છા વિરુદ્ધ કવિતા સંભળાવવા બદલ IPCકલમ ૩૭૬ હેઠળ કામ ચલાવવામાં આવશે.
13.   જેમાં ટહુકો, આંખ, પાનખર, વાંસળી, શમણાં અને મોરપિચ્છ શબ્દ આવતા હોય તેવી તમામ કવિતાઓ રદ કરવામાં આવશે. 
14.   પુસ્તક છપાવવા કાગળનો વપરાશ થાય છે. આથી આ કાયદાની જોગવાઈ અંતર્ગત કવિતાનું પુસ્તક છપાવવા માટે જંગલ ખાતાની એન.ઓ.સી. ફરજીયાત પણે મેળવવાની રહેશે.
15.   દિવસના કોઈપણ સમયે જાહેર કવિતા પઠન માટે જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી પરવાનો લેવાનો રહેશે, તથા કવિએ ધ્વની પ્રદુષણ માટે પીયુસી સાથે રાખવાનું રહેશે.
16.   મદીરા-શરાબના વિષય પર કવિતાઓ લખવા માટે ડોક્ટર, પોલીસ ઉપરાંત રાજ્યના નશાબંધી અને આબકારી ખાતા પાસેથી પરવાનો લેવાનો રહેશે.
17.   પ્રિયતમાની આંખનાં નશામા ચકચૂર કવિઓ સામે નશાબંધી ધારા હેઠળ કામ ચલાવવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારને આપવાનું ઠરાવવામાં આવે છે.
18.   ભાવક આર.ટી.આઈ. એક્ટ હેઠળ કવિતાના અર્થ વિષે પૂછપરછ કરે તેવા કિસ્સામાં કવિએ અરજકર્તાને કમિટી રૂબરૂ ખુલાસો કરવાનો રહેશે. ખુલાસાથી ભાવકને સંતોષ ન થાય તેવા કિસ્સામાં કવિતા રદ થવાને પાત્ર ઠરશે.    

ડ-બકા
ગુલાબના વરસતા હો ગુલાબી ફોરાં બકા,
ને તોયે આપણે બેઉ કેમ સાવ કોરાં બકા?

No comments:

Post a Comment