Monday, September 10, 2012

કોલેજીયન્સને કાયમ દુકાળમાં અધિક માસ| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૯-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

અત્યારે અધિક મહિનો ચાલે છે. ગુજરાતમાં માત્ર ૬૦% વરસાદ સાથે દુકાળ પણ બારણું ખખડાવી રહ્યો છે. એટલે અત્યારે ગુજરાત માટે દુકાળમાં અધિક માસ છે એવું કહી શકાય. પણ જો મોટાં ભાગના કોલેજીયન્સની દશાનું જો ટૂંકમાં વર્ણન કરવું હોય તો આ દુકાળમાં અધિક માસ કહેવત બરોબર બંધબેસતી આવે. જોકે એમની જિંદગીમાં અધિક માસ વાળો ઘાટ અવારનવાર થતો હોય છે.

ગર્લફ્રેન્ડ સાથે કોફીશોપ ગયાં હોઈએ અને ફ્રેન્ડની બે ફ્રેન્ડઝ આવી જાય. પાછી બેઉ દેખાવમાં ઠીકઠાક હોય. વાતચીતમાંય ખાસ દમ ન હોય. ટૂંકમાં એમનાં આવવાથી આપણાં ચિત્તતંત્રમાં હરખનાં કોઈ સ્પંદનો પેદા ન થાય. આ તરફ પોકેટમનીમાં કરકસર કરી કોફીશોપ જવા રૂપિયા બચાવ્યા હોય, એમાં આ બે અધિક સહેલીઓ જોડાય. બેમાંથી એક તો જાણે નક્કી કરીને આવી હોય કે આને ખંખેરી નાખવો છે.’ એટલે એ મોંઘામાં મોંઘી સેન્ડવીચ ઓર્ડર કરે. કોફી તો ખરી જ. પાછી એને કોફી ખાસ ભાવતી ન હોય. એક તો ગર્લફ્રેન્ડ સાથે અંગત (મોટે ભાગે સીલી) વાતો કરવાની હોય તે થાય નહિ, અને આખા મહિનાનું પોકેટ એલાવન્સ આ અધિક સહેલીઓ પાછળ ખર્ચાઈ જાય. આમ છતાં એ કૃતઘ્ન સહેલીઓ, કે જે પોતે કોફીશોપમાંથી નીકળતી વખતે ચાર કેચઅપનાં પાઉચ દબાવીને નીકળી હોય, એ બહાર તો એમ જ વાત કરે કે અલીનાં બીએફનાં કાન પરનાં વાળ તો લાલુપ્રસાદ જેવા છે!’

ઘણીવાર એમ બને કે કોકનું ઉછીનું બાઈક લઈને નીકળ્યા હોઈએ અને રસ્તે જતાં મોબાઈલ રીચાર્જ કરાવવા કોક દુકાનનાં ઓટલે ચઢીએ. પણ બે જ મીનીટમાં બહાર રસ્તા પર મૂકેલું બાઈક ટોઈંગવાલા ઉઠાવી જાય (ટૂંકમાં આપણું ટોઈંગ થઇ જાય!). પહેલાં તો ધ્રાસકો પડે કે આ ઉછીનું બાઈક ક્યાંક ચોરાઈ તો ગયું નથી ને? પછી સચ્ચાઈ ખબર પડે. પણ ઉપાડીને એ ક્યાં લઈ ગયાં એ શોધવામાં બીજો કલાક જાય. એ દરમિયાન જેનું બાઈક હોય એ ફોન પર ફોન કરીને તમારા ફોનની બેટરી ઉતારી નાખે. એટલે જે હિરોઈનને ઈમ્પ્રેસ કરવાં બાઈક લીધું હોય એને ફોન થાય નહિ, કે હું બાઈક શોધું છું, તું રાહ જોજે’. એટલે એ નારાજ થઈ જાય. એકંદરે એને મનાવવા સામાન્ય કરતાં ડબલ ખર્ચો પાડવો પડે. પણ ખિસામાં હતાં એટલાં રૂપિયા તો બાઈક છોડાવવામાં વપરાઈ ગયા હોય, એટલે છેવટે હિરોઈનના ખર્ચે જ કોફી પીવી પડે. એમાં રહીસહી આબરુ પણ ધૂળધાણી થઈ જાય. બિચારા કોલેજીયન્સ!

કોલેજમાં તો ઓર ખરાબ હાલત હોય. એક તો એટેન્ડન્સનાં વાંધા હોય. એંશી ટકા હાજરી પૂરી કરવાં હવે પછીનો દરેક ક્લાસ ભરવો જરૂરી હોય. એમાં પાછો પ્રોફેસર ખડ્ડુસ હોય. આગળ બે વાર તો એનાં જ ક્લાસમાં ઊંઘતા ઝડપાયા હોઈએ. એકંદરે આપણી સ્થિતિ વેસ્ટ ઇન્ડીઝના ઓપનીંગ બોલર સામે ક્રીઝ પર ઉભેલા ભારતીય પૂંછડીયા ખેલાડી જેવી હોય. બીજી તરફ બારી બહાર, ક્લાસ ફ્રી હોવાથી, આપણને ગમતી હોય એવી છોકરી, સાવ નવરી, કોઈની રાહ જોતી, પાળી પર બેઠી હોય. ત્રીજી તરફ રાત્રે ક્રિકેટ મેચ જોઈ હોય એનો ઉજાગરો માથા પર ચઢ્યો હોય. એવામાં ઝોકું આવે, પ્રોફેસરની નજર તમારા ઉપર પડે, અને ક્યાંકથી એકાએક બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગવા લાગે. એમાં ઊંઘ ઉડી જાય. પ્રોફેસર અને આખો ક્લાસ આપણી તરફ જુએ ત્યારે ખબર પડે કે ઓત્તારીની, આ તો મારો જ મોબાઈલ વાગે છે’.

અને પરીક્ષામાં તો ઘણી કફોડી દશા થતી હોય છે. એક તો ૩૩% કોર્સ તો ખબર ન હોય. બાકી વધ્યું હોય એમાંથી ૨૪% ઓપ્શનમાં છોડી દીધું હોય. બાકી બચે એમાં પાછું કેટલુંય સમજ ન પડે, અને જે સમજ પડે એ યાદ ન રહે. એવામાં ઢીલાઢફ થઈ પરીક્ષાખંડમાં પ્રવેશો એટલે પકો બેડ ન્યુઝ આપે કે ‘પાછળ જો, તારો કાકો સુપરવાઈઝર કોણ છે?’ અને પછી આશ્ચર્યથી હોલમાં નજર દોડાવીએ એટલે લુકિંગ લંડન ટોકિંગ ટોકિયો એવા સત્તુના દર્શન થાય. આ સત્તુ એની ત્રાંસી આંખ વડે આ પહેલા કેટલાય શિકાર કરી ચુક્યો હોય એની ચર્ચાઓ વર્ષો કેન્ટીન પર સાંભળી હોવાનું યાદ આવે. પછી તો ઉંધુ ઘાલીને જે આવડે તે લખવા સિવાય કોઈ વિકલ્પ બચે ખરો ?-બકુ
મને એ જ સમજાતું નથી કે શીદને આવું થાય છે
ખડ્ડુસ પ્રોફેસરના ક્લાસમાં મોબાઈલ સાઈલન્ટ કરવાનું રહી જાય છે.

No comments:

Post a Comment