Saturday, September 08, 2012

ઇન્ટરવ્યુમાં કોની પરીક્ષા ?| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |

સરકાર ગાંધીજીનાં નામે નરેગા યોજના કરી લોકોને ઘેર બેઠા સો દિવસ રોજગારી આપે છે. આનો લાભ ગ્રામીણ લોકો લે છે, પણ શહેરી ડિગ્રીધારીઓ નોકરી માટે હજુ ધક્કા ખાય છે. જગ્યા ઘણી હોય, ફિક્સ અને ઓછાં પગારની હોય, ઓછી અગત્યની હોય (ટૂંકમાં ‘અમુક તમુક સહાયક’ ટાઈપની) અથવા તો વધારે કડાકુટમાં પડવું ન હોય ત્યારે સરકાર અને કંપનીઓ વોક-ઈન ઇન્ટરવ્યુ કરતી હોય છે. કાઠીયાવાડી ભાષામાં સમજાવું તો વોક-ઈન ઇન્ટરવ્યુમાં તમારે ગમે ત્યારે હાલ્યા આવવાનું હોય છે. આમાં સમય બચે છે. સરકારમાં પણ આજકાલ સિવિલ એન્જીન્યર્સની અછતને કારણે અને પરમેન્ટ ભરતી ન થતી હોવાથી વોક ઈન ગોઠવાય છે જેમાં ગામ ગામના ઈજનેરો આવે છે અને ભરતી મેળામાં ગરમાવો લાવી દે છે.

આ વોક-ઇનમાં જ્યારે લોકો ખરેખર ‘વોક ઇન’, એટલે કે હાથ હલાવતાં આવી જાય ત્યારે ખરી પરીક્ષા ઇન્ટરવ્યુ લેનારની થતી હોય છે. આટલા બધાં લોકો માટે નવા પ્રશ્નો લાવવા ક્યાંથી? કલાક ઇન્ટરવ્યુ ચાલે એટલામાં તો પ્રશ્નો બહાર ફરતા થઇ જાય. અને જો તમે મજુરી કરી દરેકને નવો સવાલ પૂછો તો બહાર એવી વાત ફેલાય કે ‘અંદર ચશ્માંવાળા સાહેબ છે એ સાવ આઇટમ જેવા સવાલ પૂછે છે!’ આમ છતાં ઇન્ટરવ્યુ લેનારે કાંકરામાંથી ઘઉં વીણવાનું કામ પાર પાડવું પડે છે.

ઇન્ટરવ્યુ લેનાર ઘણીવાર એ નક્કી કરી શકતો નથી કે હું ઇન્ટરવ્યુ લઉં છું કે આપું છું. ખાસ કરીને જ્યારે નમૂનાઓ સામે પૂછવાનું ચાલુ કરે ત્યારે. આજકાલ સિવિલ એન્જીનીયરની અછત ચાલે છે. એટલે કોઈ એન્જીનીયરને જો ફોન કરી પૂછીએ કે ‘ભાઈ અમારા ત્યાં જગ્યા ખાલી છે, તમે ઇન્ટરવ્યુ આપવા પધારશો?’ તો બાપુ ફોન પર સીધો આપણો ઇન્ટરવ્યુ ચાલુ કરી દે. ‘કેટલો પગાર આપશો?’, ‘ઓફીસ વર્ક છે કે સાઈટ વર્ક?’, ‘કયા એરિયામાં ઓફીસ છે?’, ‘ઓફીસ ટાઈમિંગ શું છે?’, ‘ટીએડીએ કેટલું મળે છે?’ આપણ ને મનમાં  થાય કે ભાઈ તું ઓફિસે ઇન્ટરવ્યુ લેવા આવી જા, તને બધાં જવાબ આપીશું, પણ મજબૂરીનું બીજું નામ એમ્લોયર છે. વોક ઇનમાં પણ આવી આઈટમો આવે. જે ઇન્ટરવ્યુમાં સામા સવાલો કરે.

અમુક કલાકારો એકદમ હાજરજવાબી હોય. એટલે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એની પાસે જવાબ હાજર હોય. જરાય કાચા ન પડે જવાબ આપવામાં. કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ પણ વિષય પર પૂછો, એમની પાસે જવાબ હોય અને એ પણ મોટેભાગે ખોટો. પણ ઓબ્જેક્ટીવ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ ન હોય ને જેમ પરીક્ષાર્થી બિન્ધાસ્ત બધાં પ્રશ્નો સામે ટીક કરે, એમ ઇન્ટરવ્યુમાં આ ૧૦૦% પ્રશ્નોના જવાબ આપે. કદાચ એવું માનતા હશે કે સાહેબને જવાબ ન આપીએ તો આપણી ખોટી ઈમ્પ્રેશન પડે. અથવા તો એમ પણ માનતા હોય કે સાહેબને પણ આ જવાબ તો ખબર નહિ હોય. આવા લોકોને ઇન્ટરવ્યુમાં મેં ન્યુટનનો ચોથો નિયમ પૂછેલો છે, અને એનો જવાબ પણ મળેલો છે. આ સાવ સાચી વાત છે.

અમુક નંગ એવાં હોય કે એને નોકરી કરવી જ ન હોય, છતાં ઇન્ટરવ્યુ આપવા આવી જતાં હોય. પપ્પાએ ધક્કો મારીને મોકલ્યા હોય એટલે પરાણે આવ્યા હોય. પણ આ ભાઈ કે બહેન મનમાં ઇચ્છતા હોય કે રીજેક્ટ કરે તો સારું. સામે ઇન્ટરવ્યું લેનારની પણ મજબુરી હોય. પ્રશ્નો પૂછ્યા વગર તો કોઈને રીજેક્ટ કરાય નહિ. એટલે સામેવાળી પાર્ટી સાવ નફ્ફટની જેમ એકેય જવાબ ન આપે, કે બધાં અવળા આપે તો પણ આઠ દસ સવાલ કર્યા વગર પેલાનો કેડો ન મુકે. એમાં સરકારના અમુક વિભાગોમાં ઇન્ટરવ્યુ હોય તો અમારા જેવા પ્રોફેસરને પેનલમાં રાખ્યા હોય. એટલે પેલો જવાબ ન આપી શકે તો ઉપરથી ઠપકો આપીને પાછો મોકલે, કે ‘આમ ઇન્ટરવ્યું અપાય?’, ‘કોલેજમાં આ બધું ભણાવીએ જ છીએ, તને કેમ ખબર નથી?’, ‘ફરી આવે તો બરોબર તૈયારી કરીને આવજે’. આવા ઇન્ટરવ્યુ લેનાર હોય પછી પેલો બહાર નીકળીને દોસ્તારો આગળ ‘અંદર સાવ બેવકૂફ જેવા લોકો ઇન્ટરવ્યુ લેવા બેઠા છે’ એવી વાતો કરે ને?

અમુક તો એવા આવે કે તમારા જ સવાલ રીપીટ કરે. ક્રિકેટમાં જેમ બેટ્સમેન થાક ઉતારવા વચ્ચે બુટની દોરી ખોલીને ફરી બાંધી ટાઈમ પાસ કરે એમ. તમે પૂછો કે ‘સિમેન્ટની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ કેટલી હોય છે?’, તો એ સવાલ રીપીટ કરે, ‘એટલે સિમેન્ટની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ કેટલી હોય એમ પૂછો છો?’, આપણ ને થાય કે જવાબ આપીએ કે ‘ના વ્હાલા, હું તો સલમાન ખાનના બાવડાંની તાકાત વિષે અમસ્તી પૃચ્છા કરતો હતો!’ પણ આપણે શરમના માર્યા આવા સવાલો કરી ન શકીએ. એમાં એ વિચારે ચઢે. પછી આપણને અડધું સંભળાય એમ બોલે કે ‘કઈંક હોય છે ખરી’  અથવા તો પછી ત્રણ ચાર જવાબ આપી દે. સાચો જવાબ આપણે જાતે સિલેક્ટ કરી લેવાનો.

આવા લોકો જયારે ઇન્ટરવ્યુમાં આવે ત્યારે દુઃખી થઈ જવાય છે. પછી મારા કઝિન હેમંતનો સિદ્ધાંત યાદ આવે છે. હેમંત કદી ભિખારીને ભીખ ન આપે. એની થીયરી મુજબ જેને ભગવાને ભિખારી બનાવ્યો છે એની મદદ કરી ભગવાનનાં કાર્યમાં વિક્ષેપ ન નખાય. નોકરી કે કરિયર માટે પ્રતિબદ્ધ ન હોય, છતાં ઇન્ટરવ્યુમાં આવી જતાં આવા લોકોને જોઈ મને આ સિધ્ધાંત યાદ આવે છે.3 comments: