Wednesday, February 22, 2017

મેરેજ સીઝન

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૨-૨૦૧૭

અથાણાની સિઝનમાં અથાણા થાય છે. વસાણાની સિઝન આવે એટલે વસાણા થાય છે. એમ જ મેરેજ સિઝનમાં મેરેજ થાય છે. મેરેજ અંગ્રેજી શબ્દ છે. મેરેજ એ સ્ત્રી-પુરુષ વચ્ચેનું કાનૂની રીતે માન્ય જોડાણ છે. જોકે મેરેજ કરવા માટે કાનૂની પરમિશન લેવી નથી પડતી, નહીંતર ફેરા ફરવાનું બાજુ પર રહેત અને ઉમેદવારો ફાઈલ પાછળ ટેબલે ટેબલે ફરતા થઇ જાત. એમાંને એમાં ઘણાં કુંવારા જ ગુજરી જાત. 
 
ઉનાળામાં અને શિયાળામાં મોટા પાયે લગ્ન મુર્હ્તો નીકળે છે. પહેલાંનાં સમયમાં વેકેશનનો સમય જોવાતો હતો, ટ્યુશનપ્રથાનાં ઉદય પછી વેકેશન ફક્ત કોલેજમાં જ હોય છે, સ્કૂલોમાં નહિ. હવે લગ્નગાળો આવે છે, પણ એમાં કોઈને ફુરસદ નથી હોતી, પરણનારને પણ નહીં. લગ્નોમાં હવે ‘ઈવેન્ટ્સ’નું તૂત પણ ઘૂસ્યું છે. એમાં પૈણનારાના સની દેઓલ જેવાં સગાઓને પણ સંગીતસંધ્યા માટે માત્ર પંદર દાડામાં હ્રિતિક રોશન બનાવવા એમને અગાઉથી કોરિયોગ્રાફરના હવાલે કરી દેવામાં આવતા હોય છે. સમ ટોટલ એ હોય છે કે પૈણનારુ તો પૈણે પણ પછી પંદર જણા ફીઝીયોથેરાપીસ્ટને ત્યાં શેક લેતા થઇ જાય છે. અમારું તો નમ્ર સૂચન છે કે મજૂર પીપડા દેડવતા હોય એ રીતે કપલો પાસે સ્ટેજ ઉપર સાલસા ભલે કરાવો પણ પછી એ જ હોલમાં પંદર દા’ડા માલીશવાળા અને ફીઝીયોથેરાપીસ્ટની સેવાઓ પણ ઉપલબ્ધ કરો. ભલે એ લોકો પણ આ સિઝનમાં બે પૈસા કમાતા.

સિઝનમાં બધા કામકાજ જથ્થાબંધ થતાં હોય છે. પછી અથાણાં હોય કે ઘઉં. એમાં હવે તો મુહુર્ત જ એવા નીકળે છે કે એક જ દિવસમાં અનેક લગ્ન ગોઠવાય છે. આને પગલે હોલ, પાર્ટી-પ્લોટ, બ્યુટીશીયન્સથી લઈને ગોર મહારાજ સુધીના ઓવરબુકડ હોય છે. મહારાજ પણ એક લગ્નમાંથી બીજા લગ્નમાં જવાની ઉતાવળમાં હોય છે, એટલે હવે મહારાજને ઉતાવળ કરવાનું કહેવું નથી પડતું. ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે મેટ્રીમોનીયલ વેબસાઈટ ઉપર ઓનલાઈન ગોર મહારાજોનું બુકિંગ કરવું પડશે. એમાં પણ બબ્બે કલાકના ટાઈમ સ્લોટ જ મળશે. વરરાજા અને કન્યાએ પણ એમનાં ટાઈમ પ્રમાણે એડજસ્ટ કરવું પડશે નહીતર ગોર મહારાજ અડધા ફેરે રવાના થઇ જશે. જેમ અત્યારે પાન ખાવામાં ટ્રેઈન ચુકી જવાના દાખલા જોવા મળે છે તેમ ભવિષ્યમાં ‘નાચવામાં મશગુલ જાનૈયાઓ લગ્નનું મુહુર્ત ચુકી જતાં જાન લીલા તોરણે પાછી લઈ જવી પડી’ તેવા સમાચાર વાંચવા પડશે. કદાચ લોકો એન્જીનીયરીંગ છોડીને ગોરપદાની પદવી આપતી કોલેજોમાં ડોનેશન આપીને એડમીશન લેવાનું શરુ કરી દે તો પણ નવાઈ નહિ.

સિઝનમાં સીઝનલ દુકાનો ખુલે છે. રાયપુર દરવાજા પાસે દિવાળીમાં ફટાકડાં અને ઉત્તરાયણમાં પતંગની સિઝન પ્રમાણે દુકાનમાં માલ વેચાય છે. દશેરા ઉપર ફરસાણવાળા દુકાન આગળ માંડવા નાખીને ધંધો કરતા હોય છે. આમાં વર-કન્યાના બ્લડ રિલેશનમાં આવતા સગા માટે શેરવાની-સાફો ભાડે આપવાના ધંધામાં અમને અસ્થમા એટલે કે દમ લાગે છે. આનું કારણ છે. નજીકના સગાઓએ હોંશ બતાવવાની હોડમાં ચારથી લઈને આઠ-દસ હજારની શેરવાનીઓ ફરજીયાત સિવડાવવી પડતી હોય છે. ઉજમ હોય, પોસાતું હોય અને સિવડાવે એમાં કંઈ ખોટું પણ નથી. પણ પ્રસંગ પતે પછી એટલી મોંઘી અને ભપકાદાર શેરવાનીનું કરવાનું શું? એ પહેરીને શાક લેવા તો જવાય નહિ. ઘરના જ કોઈ પ્રસંગમાં પહેરશો તો સગાં કહેશે ‘આ તો તમારા જીમીના લગન વખતનીને?’ અને આવી રજવાડી શેરવાની પહેરીને મિત્ર કે દૂરના સગાના લગનમાં જશો તો તમે વરના ભા નહિ પણ બેગાની શાદીવાળા અબ્દુલ્લા લાગશો! એ હિસાબે IIMની કોઈ ફરેલી ખોપડી જરા કોર્પોરેટ સ્ટાઈલથી આ ભાડે આપવાના ધંધામાં પડે તો ઇન્વેસ્ટમેન્ટની સામે રીટર્ન્સ સારા છે. તમે પડો તો આ ટીપ બદલ અમને પ્રસંગે સાચવી લેજો.

આજકાલ તો વેડિંગ પ્લાનરો એમનાં સુટ-બુટ અને સાડી પહેરેલ કપલ્સને તમારા વતી આમંત્રણ આપવાની સેવાઓ પણ પૂરી પાડે છે. હા, એ અલગ વાત છે કે ઇન્સ્યોરન્સ વેચવામાં નિષ્ફળ ગયેલા આવા છોકરાં આમંત્રણ આપવામાં પણ એવું માર્કેટિંગ ઘુસાડે છે કે આમંત્રિતને એમ લાગે કે આ લોકો આપણું કરી નાખવા આવ્યા છે. એટલે જ આવા વેડિંગ પ્લાનરોએ આવા ભાડુતી નોતરીયાઓને ‘ડોન’માં જે રીતે ડી.એસ.પી. વિજયને ડોન બનવા તૈયાર કરે છે એમ તૈયાર કરવા રહ્યા. જેને નોતરું આપવા ગયા હોય એને ખાતરી થઇ જવી જોઈએ કે આ દુનિયામાં મારા કોઈ સગા હોય તો એ આ લોકો જ છે!

એક હિન્દી ગીત છે - એક ઋતુ આયે એક ઋતુ જાયે મૌસમ બદલે ના બદલે નસીબ ... મતલબ સીઝન તો આવશે અને જશે પણ નસીબ બદલાતું નથી. આ સિઝનમાં પરણનારા પાછળથી નસીબને ગાળો દેતા થઇ જાય છે. આથી જ મેરેજ સિઝનને ગુજરાતીમાં લગ્ન’ગાળો’ કહે છે. આમાં ફટાણાથી અસહિષ્ણુતા ઉપર ઉતરી આવેલા વરપક્ષના લોકો કન્યા પક્ષના જુવાનિયાઓની ગાળો ખાય છે. એક દિવસે ત્રણ ચાર લગ્ન રાખનારને ત્યાં વ્યવહાર બધે કરવો પડે અને જમાય એક જ જગ્યા એ, આ કારણે ઘણાં ગાળો દે છે. પાંચસો ચાંદલો કર્યા પછી ડીશમાં ભલીવાર ન હોય તો ખાનાર ગાળો દેતાં હોય છે. વરઘોડો ટ્રાફિકને રોકી રાખે ત્યારે ટ્રાફિકમાં અટવાયેલા પરણનારને ગાળો દે છે. હોલની આજુબાજુ ફ્લેટમાં રહેનારાં બેન્ડવાજાનાં અવાજથી ત્રાસી પોલીસ, પરણનાર, હોલનાં વહીવટદારો અને સરકારને ગાળો દે છે. આમ લગ્ન-ગાળો નામ સાર્થક થાય છે. ◙

મસ્કા ફન

ગુજરાતના ગધેડાની જાહેરાત થતી જોઇને યુપીના ગધેડા ઈર્ષ્યા કરે છે.

Wednesday, February 15, 2017

રેઈનકોટ પહેરીને સ્નાન સહિત ન નહાવાની રીતો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૫-૦૨-૨૦૧૭

અત્યારે દેશ આખો ‘શું રેઈનકોટ પહેરી ને નહાવું’ યોગ્ય છે કે કેમ? એ ચર્ચામાં પડ્યો છે. હકીકતમાં આ પ્રકારની ટીકા કરવી યોગ્ય છે કે નહિ તે ચર્ચાઈ રહ્યું છે. અલબત્ત મોટા ભાગના કિસ્સામાં તો ચર્ચા કરનારાઓની યોગ્યતા પણ તપાસવા જેવી છે. દાખલો જુઓ. આપણા પ્રવાસશુરા લોકો હોટલોમાંથી શાવર કેપ્સ ઉઠાવી લાવતા હોય છે એ તો ખબર હશે. શાવર કેપ એ એક પ્રકારની રેઈનકોટની ટોપી છે જે પહેરીને લોકો બાથરૂમમાં નહાતા હોય છે. તકલીફ એ છે કે આવા શાવર કેપ ચોરનારાઓએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું છે.

સ્થૂળ રીતે જુઓ તો રેઈનકોટ પહેરીને નહાવામાં કેટલાક પ્રેક્ટીકલ પ્રોબ્લેમ્સ ઉભા થાય એમ છે. સામાન્ય રીતે રેઈનકોટ તો માણસ સિઝનમાં બે-પાંચ વખત પહેરાતો હોય છે, પરંતુ નહાવાનું રોજ હોય છે. હલકી કવોલીટીના ચાઇનીઝ રેઈનકોટ તો બે-ચાર વખત પહેરો એટલે બગલમાંથી ફાટી જાય છે. આ સંજોગોમાં નહાનાર, અથવા તો રેઈનકોટ પહેરીને ન નહાનારને પાણીના અનઅપેક્ષિત બગલપેસારા (પગપેસારો હોય તો બગલપેસારો કેમ નહીં?) માટે સજ્જ થવું પડે છે. ઘણી જગ્યાએ નહાનારની દાનત પર કડક મમ્મી કે દાદીને શંકા હોય તો નહાનાર નાહ્યું છે કે નહિ તે બાથરૂમમાં પાણીના અવાજ, બાથરૂમમાં ગાળેલો સમય, સાબુના વપરાશ વગેરેને આધારે પ્રમાણિત કરવામાં આવે છે. અમુક કિસ્સામાં ગળામાં કે ખભે લટકાવેલા દોરા-તાવીજ-પવિત્ર સૂત્રો પર પાણી-સાબુના અવશેષોની હાજરી પણ ચકાસવામાં આવતી હોય છે. આ સંજોગોમાં રેઈનકોટ પહેરીને નહાનારે સાબુનો વ્યય રેઈનકોટ થકી કઈ રીતે કરવો અને દર્શાવવો તે અંગે યુવાવર્ગને માર્ગદર્શનની તાતી જરૂરીયાત જણાય છે. જોકે આવી સમસ્યાઓ સામે રેઈનકોટ પહેરીને નહાનારને નહાવા ઉપરાંત નીચોવવાનું પણ કશું નથી હોતું એ ફાયદો ધ્યાને લેવા જેવો છે.

નહાવાની સમસ્યાના નિવારણ અર્થે અમારા મિતુભાએ એમના અભ્યાસના નીચોડ રૂપે કંકરસ્નાનની વિધિ વિકસાવી છે. જેમાં કંકરના સ્વરૂપે પોતાની જાતને પાટલા ઉપર સ્થાપિત કરીને જલાભિષેક તથા ફેનીક મર્દનાદી વિધિથી તેને સ્નાન કરાવવામાં આવે છે. ફેનીક એટલે સાબુ. ચોખવટ સમાપ્ત. કેટલાક સાહસિકો બતક-સ્નાન અથવા કાગસ્નાન કરતા હોય છે, જેમાં કાગડાની જેમ ક્ષણમાત્ર માટે પાણીના સંસર્ગમાં આવવાનું કે પછી બતકની જેમ પાણીમાં તરવા છતાં પીંછા કોરા રાખવાનો કસબ અજમાવવામાં આવતો હોય છે. આમ, એકંદરે શરીરને પાણીનો સ્પર્શ પણ કરાવ્યા વગર નહાઈને બહાર નીકળવાની આ રીતો રેઈનકોટ પહેરીને નહાવા કરતા ખાસ અલગ નથી. ફક્ત રેઈનકોટવાળા પકડાયા એટલે એ ચર્ચામાં છે, બાકી કલાકારો તો બીજા પણ ઘણા છે.

ગાંધીજીએ કહ્યું છે કે લોકો નીતિવાન થવા ઇચ્છતા હોય, છતાં ન થઈ શકે ત્યારે તેઓ દંભનું શરણું લેતા હોય છે. જેમ કે ધાર્મિક વિધિમાં આમ તો વારંવાર સ્નાન કરવાનું આવતું હોય છે, પણ આજની ફાસ્ટ લાઈફ અને યજમાનો દ્વારા થતી ઉતાવળને લઈને આચમનીમાં પાણી ધરી, મંત્રોચ્ચાર સહ છાંટા નાખીને નહાવાની ક્રિયા સંપન્ન કરવામાં આવતી હોય છે. એટલે જ આપણા સંતોએ કહેવું પડ્યું છે કે ‘ન્હાયે-ધોયે કયા હુઆ, જો મન મેં મૈલ સમાય; મીન સદા જલ મેં રહૈ, ધોયે વાસ ન જાય’. મતલબ કે મન નિર્મળ હોવું જોઈએ. અમે આવા દંભમાં માનતા નથી અને એટલે જ અમે મનથી નહાવાની પદ્ધતિ વિકસાવી છે. આ પ્રકારના સ્નાનમાં તમારે નહાવા માટે શરીર પલાળવાની તો ઠીક પણ પાણી અને સાબુની પણ જરૂર નહિ પડે. અત્યારે જ નહાવું હોય તો આંખો બંધ કરો અને મનોમન બાથરૂમ તરફ જાવ. અહી માત્ર કલ્પના જ કરવાની છે એટલે તમે બ્રુન્નેઇના સુલતાનના બાથરૂમની કલ્પના કરશો તોયે બાપુજી લઢવાના નથી. રોજ તમે ભલે કૂકડા છાપ સાબુથી નહાતા હોવ, પણ આ સંકલ્પાત્મક સ્નાનવિધિમાં તમે હીરા, સુવર્ણ રજ, ઓલીવ ઓઈલ તથા શુદ્ધ મધયુક્ત સાબુ કે જેની કિંમત અઢી લાખ રૂપિયા છે, એ ‘કતાર રોયલ સોપ’થી સસ્તા સાબુથી નહાયા તો તમારી સાસુના સમ. એકવારના સ્નાનમાં આખો સાબુ ઘસી મારજો. કોઈ વઢે તો અમે બેઠા છીએ. આ સ્નાનની ખૂબી એ છે કે શરદીના કોઠાવાળા અને અમારા જેવા પાણીની એલર્જીવાળા જાતકો પણ એનો લાભ લઇ શકે છે.

અને જે સંદર્ભમાં આ લેખ લખાયો છે તે પર આવીએ તો એવું કહી શકાય કે મહાપુરુષો રોજ નહાય છે કે નહીં તે અંગે કશું ચોક્સાઈપુર્વક કહી ન શકાય. સચિન તેંદુલકર ભલે ભારતમાં ગોડ ઓફ ક્રિકેટ મનાતો હોય, પરંતુ એ રોજ સ્નાન કરે છે કે ખાલી અંજલી-સ્નાન કરે છે તે તો સચિન જ જાણે ! ગાંધીજી સાબરમતીમાં સ્નાન કરતા હતા એવા ઉલ્લેખો તો મળી આવે છે, પરંતુ એ સિવાયના મહાપુરુષો રોજ સ્નાન કરતા હશે કે કેમ એ અંગે અમને શંકા છે, એ વાજબી છે અને એનું નિવારણ કોઈ કરી શકે એમ નથી.

બાકી તો બધું પ્રારબ્ધને આધીન છે એવું માનનારા લોકોએ પણ જાતે જ નહાવું પડે છે. અલબત્ત શેરબજાર એમાં અપવાદ છે. ખરેખર જો નહાવાનું ભાગ્યને આધીન હોત તો પણ આપણે નહાવાની જરૂર ન પડત. કારણ કે એક સુભાષિતમાં કહ્યું છે કે दैवमेवेह चेत् कर्तृपुंस: किमिव चेष्टया. અર્થાત જો ભાગ્યથી જ કાર્યો પૂર્ણ થતા હોત તો સ્નાન, દાન, ધર્મ, ઉઠવું-બેસવું અને બોલવું આદિ તમારા ભાગ્યથી જ થઇ જાત. પણ કમનસીબે એવું નથી. ઇસી લિયે નહાના જરૂરી હૈ. લેકિન કિન્તુ પરંતુ બટ, કેવી રીતે નહાવું એ તમારા હાથમાં છે, કારણ કે બાથરૂમમાં સીસી ટીવી કેમેરા હોતા નથી. હા, કોઈ ડોકિયું નથી કરતુ ને એનું ધ્યાન રાખવું !

મસ્કા ફન

બોય : બી માય વેલેન્ટાઇન ...

ગર્લ : પણ મારે મંગળ છે 


Wednesday, February 08, 2017

વાંદરું એટલે વાંદરું

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૨-૨૦૧૭

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થોડા વર્ષો પૂર્વે આપણે વાંદરા હતા. કાળક્રમે માણસ બન્યા. આ શારીરિક દેખાવની વાત છે. હજુ આપણે માણસ બન્યા છીએ કે કેમ એ અંગે કોઈ ચિંતક અથવા બૌદ્ધિકનો અભિપ્રાય લેવો હિતાવહ છે કેમ કે ઈતરજનોનો અન્યો બાબતનો અભિપ્રાય હંમેશા સાપેક્ષ હોય છે. ફ્લેટમાં રહેતા હશે એમને ઉપરના માળે રહેતા પરિવારના છોકરાઓ વિશેનો, ટીચર્સને વિદ્યાર્થીઓ વિષેનો, ગર્લફ્રેન્ડસને બોયફ્રેન્ડસ વિષેનો, પ્રજાનો રાજકારણી વિશેનો અને સ્ત્રીઓને પુરુષો વિષેનો અભિપ્રાય પૂછો તો સૌનો જવાબ ‘વાંદરા જેવા’ એવો હોઈ શકે. વાંદરાઓ પણ જેમને વાંદરાની કક્ષામાં મુકે એવા કેટલાક લોકો બીજાને વાંદરા સમજતા હોય છે. અને વાંદરા તો સાવ વાંદરા જેવા જ હોય છે. બાકી વાંદરા કેવા હોય એ તો સૌને ખબર છે, પણ એમની અમુક ખાસિયતો માણસમાં કેવી રીતે રહી ગઈ છે એ સમજવાનો પ્રયાસ હજુ ચાલુ છે.

ઉત્ક્રાંતિમાં વાનરો પ્રાઈમેટ શ્રેણીના વંશજો ગણાય છે જેમાંથી કાળક્રમે આધુનિક માનવો ઉતરી આવ્યા. વૈજ્ઞાનિકો પ્રાચીન અવશેષો તપાસીને આપણા શારીરિક બંધારણનો કયો હિસ્સો વાનરોને મળતો આવે છે એ સંશોધન કરતા હોય છે. અમારા મતે આપણામાંના જ અમુક નમૂનાઓ એનો સીધો પુરાવો છે જે કદાચ વૈજ્ઞાનિકોના ધ્યાન બહાર છે. 
 
વાંદરાં સ્વભાવે બહુ ચંચળ હોય છે. સ્થિર રહેવું એની પ્રકૃતિ નથી. એ ક્યારે શું કરશે એ પણ ધારવું મુશ્કેલ છે. અમારી સોસાયટીના ટેનામેન્ટસની કમ્પાઉન્ડ વોલ સળંગ છે, અને એની ઉપરથી અવારનવાર વાંદરાઓની લંગાર ડાંફો ભરતી જતી હોય છે. એ વાંદરાં છે અને ઉંચો કૂદકો મારી શકતા હોય છે છતાંય એ કમ્પાઉન્ડ વોલ પર મુકેલા કુંડા ગબડાવવાનું ચુકતા નથી. એ દીવાલ સીધી સટ હોવા છતાં બાજુમાં જો કોઈ ટુ-વ્હીલર પડ્યું હોય તો એના પર સાઈડ કિક મારીને પાછા કૂદીને દીવાલ પર આવવું એ એમનો પસંદગીનો વ્યાયામ છે! રોજ કેટલાય વાહનો આ કારણસર પડી જતા હશે. માણસ પાસે પૂર્વજોનું DNA કરાવતું હશે કે બીજું કંઈ પણ શાંતિથી બેઠેલાને સળી કરવાની ટેવ મનુષ્યોમાં પણ જોવા મળે છે.

કૂદાકૂદી અને વાંદરું એકાબીજાના પર્યાય છે. કુદકો મારવાની પ્રક્રિયા આમ સરળ દેખાય છે પરંતુ છે ઘણી અઘરી. આમ તો વિમાનના ટેકઓફ-લેન્ડીંગ જેવું જ હોય છે, ફેર એટલો જ કે આમાં પાયલોટે વગર વિમાને આ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. વિમાનની જેમ જ ટેકઓફ અને લેન્ડીંગ વચ્ચેની સફર હવામાં કરવાની હોય છે. સવાલ મહાવરાનો છે. પ્રેક્ટીસ કરો તો તમે પણ કૂદકો મારી શકો છો. જોકે આમાં જગ્યા-૧ કે જ્યાંથી તમારે કુદકો મારવાનો છે તે જો કુદવા માટે સાનુકુળ આધાર ન પૂરો પાડે તો કુદકો મારવાનો પ્રયત્ન લપસવા કે પડી જવામાં પરિણમે છે. એવી જ રીતે જો જગ્યા-૨ એટલે કે લેન્ડીંગ પોઈન્ટ જો તમને સ્વીકારવામાં પુરતુ મજબુત ન હોય તો ભોં ભેગા થઈ જવાની શક્યતાઓ અનેકગણી વધારે હોય છે. આ ઉપરાંત જગ્યા-૧ થી જગ્યા-૨ સુધી પહોંચવા માટે જરૂરી થ્રસ્ટ ન મળ્યો હોય કે યોગ્ય દિશા ન પકડાય તો જગ્યા-૨ ને બદલે જગ્યા-૩ પર પહોંચી જવાય છે. આ વાત રાજકારણમાં પક્ષપલટાના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. નોકરી બદલનારને પણ આવા અનુભવ થાય છે. રાજીનામું આપ્યા પછી ગંતવ્ય સ્થાને બેઠેલ રૂપાળી એચ.આર. એક્ઝીક્યુટીવ કાગળ આપવામાં ઠાગાઠૈયા કરે ત્યારે ભલભલાને લાગી આવે છે !

ટેનીસ સ્ટાર રોજર ફેડરરને કટોકટીના સમયે ટ્રિક શોટ મારીને પોઈન્ટ લેતા જોઇને આપણે અચંબો પામીએ છીએ, પણ એક વાંદરાને કલાબાઝી કરતા જોઇને બીજા વાંદરાંને અચંબો પામતા જોયા નથી. એનું કારણ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે शाखा-मृगस्यशाखाया: शाखांगन्तुंपराक्रम: - અર્થાત એક શાખા પરથી બીજી શાખા ઉપર (કૂદીને) જવું એ વાનર માટે પરાક્રમ નથી. શાખાઓ ઉપર મૃગની ચપળતાથી ગતિ કરવી એ એમની પ્રકૃતિ છે. એટલે જ તો એમને શાખામૃગ કહ્યા છે. એમ જ સિદ્ધુ પાજી અટ્ટહાસ્ય કરે, અનુ મલિક ફટીચર શાયરી કરે, મહેશ ભટ્ટ બગલ વલુરતા વલુરતા વિવાદાસ્પદ કોમેન્ટ કરે કે વાંદરું કૂદકો મારે એમાં કોઈને નવાઈ લાગતી નથી.

એ લોકો કૂદવા સાથે ગુલાંટ પણ ખાઈ શકતા હોય છે. વાંદરાંની આ સપરીવર્તુત્પ્લવનકળાનું મનુષ્યોના જીવનમાં વિશેષ સ્થાન છે. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે એવું કહેવાય છે. વૃદ્ધ મનુષ્યોમાં ઘણીવાર આ ગુણ જોવા મળે છે, અલબત્ત અભિધેયાર્થમાં નહિ પણ તત્ત્વાર્થમાં. ફેર એટલો છે કે કૂદતી વખતે કે ગુલાંટ મારતી વખતે સંતુલન જાળવવા માટે કુદરતે વાનરોને લાંબુ પૂછડું આપ્યું છે અને એથી જ ગુલાંટ મારવાની કળા એ મોટી ઉંમર સુધી જાળવી શકે છે. જ્યારે ઉત્પ્લવનકળા અજમાવવા જતા પટકાયેલ વૃદ્ધ મનુષ્ય હાંસીને પાત્ર બને છે. ઘણીવાર એમના કઢંગી અવસ્થાના ફોટા ટ્વિટર પર આવી જવાથી મોટી ઉંમરે ફરી લગ્ન કરવા પડતા હોય છે કે પાછલી ઉંમરમાં અચાનક જ આધેડ વયના સંતાનો ફૂટી નીકળતા હોય છે. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ઉત્સવની જેમ ઉજવાતી હોય છે.

આમ છતાં નર-વાનર વચ્ચે સરખામણી થાય તો આપણે બેશક ચઢીયાતા છીએ કેમ કે એમની પાસે ટેકનીક નથી. એથલેટીક્સ અને જીમ્નાસ્ટીક્સથી લઈને રાજકારણ સુધી આપણે એ સિદ્ધ કરેલું છે. ઉત્ક્રાંતિના ક્રમ મુજબ પણ નરો વાનરો કરતા અનેક રીતે ચઢીયાતા છે જ, પણ કહે છે વાનરોનો છે કુદવાનો અંદાજ જ કૈંક ઔર!

મસ્કા ફન
અડીયલ સાંઢ જેવા મુછાળાને લગ્ન પછી ગવરી ગાય જેવો બનાવી દેવામાં આવે એ પણ એકજાતનું જલ્લીકટ્ટુ જ છે, અને એના પર પ્રતિબંધ મુકાવો જોઈએ!

Wednesday, February 01, 2017

તાજમહેલનો ખરો ઈતિહાસ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૨-૨૦૧૭

સંજય લીલા ભણસાલી ઈતિહાસને પોતાની રીતે લખે છે. ગઝલકારો ગઝલમાં જેટલી છૂટ લઇ શકે એનાથી વધારે છૂટ ફિલ્મી લેખકો ઈતિહાસ બાબતે લઇ શકે છે. ભૂતકાળમાં ઇતિહાસમાં ફેઈલ થયેલા અને હાલ જેઓ વાલી છે તેમને વિદ્યાર્થીઓને ‘આ નવો ઈતિહાસ આપણા છોકરાઓને ભણવામાં આવશે તો?’ એવી ચિંતા થતાં ભણસાલીને લાફા ઠોકી આવે છે. જોકે આવા હોબાળા, વિરોધ અને લાફાથી આદર્શ કલાકાર અટકી જતો નથી. એટલે જ અમે પણ હવે ઈતિહાસ રી-લેખનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. ભલું હશે તો અમારી લખેલી સ્ટોરી કોઈ ખાન, ધોળકિયા, ભણસાલી, કે ગોવારીકરને ગમી જશે તો અમારી કિસ્મત ખુલી જશે !
તાજમહાલનો ખરો ઈતિહાસ 
Famous Follow Me picture at Taj
મુમતાઝની સુવાવડ ઘરમાં જ કરાતી હોવાથી એ તેર સુવાવડ સુધી તો ટકી ગઈ હતી, પણ ચૌદમી વખતે તબિયત થોડી નરમ લાગતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને પ્રસુતિ અને એ પછીની સારવાર દરમિયાન એની તબિયત લથડી હતી. શાહજહાં ચિંતાતુર વદને મુમતાઝનો હાથ પકડીને બેઠો હતો.

એણે મુમતાઝને પૂછ્યું : “તાઝ તને શેની ચિંતા સતાવે છે, તું શું ઈચ્છે છે?”
મુમતાઝે ક્ષીણ અવાજમાં કહ્યું: “મને મારા ભાઈ મહેમુદની ચિંતા સતાવે છે.”
--
વાત એમ હતી કે શાહજહાંનો સાળો મહેમુદ કોન્ટ્રાક્ટર હતો. અને એ ભણ્યો તો નહોતો અને રથ અને બળદગાડા રીપેર કરવાના ગેરેજમાં પરચુરણ નોકરી કરતો હતો. જોકે એમાં ધારી ફાવટ ન આવતા એ કન્સ્ટ્રકશનમાં પડ્યો હતો. શાહજહાંના સાળા હોવાને કારણે એને સરકારી ગેસ્ટ હાઉસ બનાવવાનું ટેન્ડર એક્ઝીક્યુટીવ એન્જીનીયરની અન-ઓફીશીયલ પાર્ટનરશીપમાં લાગ્યું હતું, પરંતુ બાંધકામ એટલું નબળું હતું કે બે વરસમાં તો એના પોપડા ખરવા લાગ્યા હતા. એટલું જ નહિ જયારે રાજ્યના વડા ન્યાયાધીશ એમાં રોકાયેલા એ જ વખતે મોટો પોપડો ખરતા જજની પત્ની ઈજાગ્રસ્ત થઇ હતી અને જજે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. જજની એકાએક ટ્રાન્સફર થઈ ગઈ. પરંતુ એ પછી મહેમુદને લોઅર ઇન્કમ ગ્રુપના ફ્લેટ્સ તથા ગ્રામીણ રોડ બાંધવા જેવા મોટા પણ બિન-અગત્યના કામો જ આપવામાં આવતા હતા. એમાય મહેમુદના ધંધામાં ખાસ બરકત નહોતી. સુપરવાઈઝરો ચૂનો વેચી આવતા હતા અને સપ્લાયરો બીલના નાણા માટે અવારનવાર મહેમુદની ઓફિસની તોડફોડ કરતા હતા.

શાહજહાં આનાથી વાકેફ હતા એટલે એમને મુમતાઝની ભાઈ માટેની ચિંતા વાજબી જણાઈ. શાહજહાં કઈ મુત્સદી નહોતો. એટલે બાદશાહે પોતાના અંગત સલાહકાર કમ કાકા સસરાને મુમતાઝના ભાઈ માટે ઘડપણ સુધી તકલીફ ન પડે એવું આયોજન કરવા કહ્યું હતું. આ સલાહકારનો ભાણો પાછો મહેમુદની કંપનીમાં અગત્યની પોસ્ટ પર હતો એટલે એને પણ મહેમૂદના ભવિષ્યમાં રસ હતો. એકંદરે આખી વાત એવી ઘડી કાઢવામાં આવી કે બુરહાનપુરમાં મરણ પથારીએ પડેલી મુમતાઝનો જીવ જતો નથી એટલે રાજાએ એને એક અદભૂત, ભવિષ્યમાં વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામે એવું સ્થાપત્ય બનાવવાનું વચન આપ્યું છે.

જોકે મહેમુદ સાત અજાયબીમાં સ્થાન પામે તેવું તો શું, સાતસો સીયાશી લાખ નંબરે આવે એવું કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતો ન હોઈ, કોઈ વિદેશી કંપની, જેવી કે ગ્રીક કે બ્રિટીશ કંપનીને કામ સોંપવું એવું નક્કી થયું. કંપનીની તલાશમાં શાહજહાના સલાહકાર સરકારી ખર્ચે છેક એથેન્સ અને લંડન ફરીને એક કંપની નક્કી કરી આવ્યા હતા. પરંતુ મોઘલ કાયદા પ્રમાણે વિદેશી કંપનીને કોન્ટ્રકટ આપી શકાય નહિ, એટલે છેવટે કામ મહેમુદને આપવું અને મહેમુદ પોતાનું પાંચ ટકા કમીશન કાપીને બ્રિટનની કંપનીને સબકોન્ટ્રાકટ આપી દે એવું નક્કી થયું. આ કામ માટે ખાસ એમ. જ્હોન એન્ડ મેથ્યુ નામની કંપનીની સ્થાપના પણ કરવામાં આવે, અહીં એમ. એટલે મહેમુદ સમજવું. આમ, અગામી દસ-પંદર વર્ષ સુધી મહેમુદને બેઠાબેઠા ખાવાનું મળી જાય.

શાહજહાંના આ પગલાનો આગ્રાના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. કારણ બહુ સ્પષ્ટ હતું કે રાજાના સાળાનું ટેન્ડર હોય તો સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ વાંધાવચકા કાઢ્યા વગર કામ મંજુર કરવું પડે અને કામ એજન્ડા પર લેવામાં મોડું કરી કોન્ટ્રાક્ટરને દબાણમાં પણ લાવી શકે નહિ. એટલે જ એ અસંતૃષ્ટ લોબી ખાનગીમાં જુના સ્થાનિક અખબારને આખા ઘટનાક્રમમાં મહેમુદને કઈ રીતે ફાયદો થવાનો છે તેની સ્ટોરી આપી આવ્યા હતા. પણ પછીથી અખબારના અધિપતિ અને શાહજહાંના કાકા સસરા વચ્ચે એક ગુપ્ત બેઠક થઇ અને મામલો સેટ થઇ ગયો. આમ છેવટે મહેમુદને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, પ્રારમ્ભિક અંદાજ મુજબ કામ ૧૧ કરોડ રૂપિયાનું હતું અને ૧૧ વર્ષમાં પૂરું કરવાનું હતું જે સમય જતાં ૨૨ કરોડનું થઇ ગયું અને ૨૨ વર્ષમાં પૂરું થયું. કામમાં અસહ્ય વિલંબ અને એસ્ટીમેટ કરતા વધારે બીલ કરવા માટે એમ. જ્હોન મેથ્યુ કંપનીને પૂરું પેમેન્ટ કરી દીધા બાદ બ્લેકલીસ્ટ કરવામાં આવી. જોકે બ્રિટીશ કંપની ભારતમાં મધ ભાળી ગઈ એટલે એમણે બ્લેકલિસ્ટેડ કંપનીમાં લેણદારોના રૂપિયા ડુબાડી નવી કંપની સ્થાપી. જાણકારો આ કંપનીનું નવું નામ જ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતું એવું કહે છે.
--
આ તો સારું થયું કે તાજમહાલ મુમતાઝના અવસાન બાદ બન્યો, પરંતુ વિચારો કે જો મુમતાઝ હયાત હોત અને તાજમહાલ બનાવવાનો થાત તો આટલી અદભૂત ડીઝાઈનમાં પણ એણે કૈંક ફેરફારો સૂચવ્યા હોત કદાચ ‘સફેદ આરસપહાણ તો કેવો સાવ ધોળોધફ લાગે છે!’ કરીને ગુલાબી, ગાજર કે બરગન્ડી કલરના પથ્થરોથી કામ કરવાનો આગ્રહ રાખ્યો હોત, અને એમ થયું હોત તો અત્યારે આપણી પાસે જે સ્વરૂપે તાજ છે એ ન હોત. એ ઉપરાંત આમ કરવામાં બાવીસ કરોડને બદલે ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચો થઇ જાત અને શાહજહાએ ગુજરાન ચલાવવા તાજમહાલની બહાર સિંગચણાની લારી ખોલવી પડત! પણ જે થયું નથી એની વાત શું કામ કરવી? ●

મસ્કા ફન
અમદાવાદની સ્થાપના અહમ દશરથલાલ શાહ (અહમ દ. શાહ) નામના કાપડના વેપારીએ કરી હતી.