Wednesday, February 08, 2017

વાંદરું એટલે વાંદરું

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૨-૨૦૧૭

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થોડા વર્ષો પૂર્વે આપણે વાંદરા હતા. કાળક્રમે માણસ બન્યા. આ શારીરિક દેખાવની વાત છે. હજુ આપણે માણસ બન્યા છીએ કે કેમ એ અંગે કોઈ ચિંતક અથવા બૌદ્ધિકનો અભિપ્રાય લેવો હિતાવહ છે કેમ કે ઈતરજનોનો અન્યો બાબતનો અભિપ્રાય હંમેશા સાપેક્ષ હોય છે. ફ્લેટમાં રહેતા હશે એમને ઉપરના માળે રહેતા પરિવારના છોકરાઓ વિશેનો, ટીચર્સને વિદ્યાર્થીઓ વિષેનો, ગર્લફ્રેન્ડસને બોયફ્રેન્ડસ વિષેનો, પ્રજાનો રાજકારણી વિશેનો અને સ્ત્રીઓને પુરુષો વિષેનો અભિપ્રાય પૂછો તો સૌનો જવાબ ‘વાંદરા જેવા’ એવો હોઈ શકે. વાંદરાઓ પણ જેમને વાંદરાની કક્ષામાં મુકે એવા કેટલાક લોકો બીજાને વાંદરા સમજતા હોય છે. અને વાંદરા તો સાવ વાંદરા જેવા જ હોય છે. બાકી વાંદરા કેવા હોય એ તો સૌને ખબર છે, પણ એમની અમુક ખાસિયતો માણસમાં કેવી રીતે રહી ગઈ છે એ સમજવાનો પ્રયાસ હજુ ચાલુ છે.

ઉત્ક્રાંતિમાં વાનરો પ્રાઈમેટ શ્રેણીના વંશજો ગણાય છે જેમાંથી કાળક્રમે આધુનિક માનવો ઉતરી આવ્યા. વૈજ્ઞાનિકો પ્રાચીન અવશેષો તપાસીને આપણા શારીરિક બંધારણનો કયો હિસ્સો વાનરોને મળતો આવે છે એ સંશોધન કરતા હોય છે. અમારા મતે આપણામાંના જ અમુક નમૂનાઓ એનો સીધો પુરાવો છે જે કદાચ વૈજ્ઞાનિકોના ધ્યાન બહાર છે. 
 
વાંદરાં સ્વભાવે બહુ ચંચળ હોય છે. સ્થિર રહેવું એની પ્રકૃતિ નથી. એ ક્યારે શું કરશે એ પણ ધારવું મુશ્કેલ છે. અમારી સોસાયટીના ટેનામેન્ટસની કમ્પાઉન્ડ વોલ સળંગ છે, અને એની ઉપરથી અવારનવાર વાંદરાઓની લંગાર ડાંફો ભરતી જતી હોય છે. એ વાંદરાં છે અને ઉંચો કૂદકો મારી શકતા હોય છે છતાંય એ કમ્પાઉન્ડ વોલ પર મુકેલા કુંડા ગબડાવવાનું ચુકતા નથી. એ દીવાલ સીધી સટ હોવા છતાં બાજુમાં જો કોઈ ટુ-વ્હીલર પડ્યું હોય તો એના પર સાઈડ કિક મારીને પાછા કૂદીને દીવાલ પર આવવું એ એમનો પસંદગીનો વ્યાયામ છે! રોજ કેટલાય વાહનો આ કારણસર પડી જતા હશે. માણસ પાસે પૂર્વજોનું DNA કરાવતું હશે કે બીજું કંઈ પણ શાંતિથી બેઠેલાને સળી કરવાની ટેવ મનુષ્યોમાં પણ જોવા મળે છે.

કૂદાકૂદી અને વાંદરું એકાબીજાના પર્યાય છે. કુદકો મારવાની પ્રક્રિયા આમ સરળ દેખાય છે પરંતુ છે ઘણી અઘરી. આમ તો વિમાનના ટેકઓફ-લેન્ડીંગ જેવું જ હોય છે, ફેર એટલો જ કે આમાં પાયલોટે વગર વિમાને આ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. વિમાનની જેમ જ ટેકઓફ અને લેન્ડીંગ વચ્ચેની સફર હવામાં કરવાની હોય છે. સવાલ મહાવરાનો છે. પ્રેક્ટીસ કરો તો તમે પણ કૂદકો મારી શકો છો. જોકે આમાં જગ્યા-૧ કે જ્યાંથી તમારે કુદકો મારવાનો છે તે જો કુદવા માટે સાનુકુળ આધાર ન પૂરો પાડે તો કુદકો મારવાનો પ્રયત્ન લપસવા કે પડી જવામાં પરિણમે છે. એવી જ રીતે જો જગ્યા-૨ એટલે કે લેન્ડીંગ પોઈન્ટ જો તમને સ્વીકારવામાં પુરતુ મજબુત ન હોય તો ભોં ભેગા થઈ જવાની શક્યતાઓ અનેકગણી વધારે હોય છે. આ ઉપરાંત જગ્યા-૧ થી જગ્યા-૨ સુધી પહોંચવા માટે જરૂરી થ્રસ્ટ ન મળ્યો હોય કે યોગ્ય દિશા ન પકડાય તો જગ્યા-૨ ને બદલે જગ્યા-૩ પર પહોંચી જવાય છે. આ વાત રાજકારણમાં પક્ષપલટાના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. નોકરી બદલનારને પણ આવા અનુભવ થાય છે. રાજીનામું આપ્યા પછી ગંતવ્ય સ્થાને બેઠેલ રૂપાળી એચ.આર. એક્ઝીક્યુટીવ કાગળ આપવામાં ઠાગાઠૈયા કરે ત્યારે ભલભલાને લાગી આવે છે !

ટેનીસ સ્ટાર રોજર ફેડરરને કટોકટીના સમયે ટ્રિક શોટ મારીને પોઈન્ટ લેતા જોઇને આપણે અચંબો પામીએ છીએ, પણ એક વાંદરાને કલાબાઝી કરતા જોઇને બીજા વાંદરાંને અચંબો પામતા જોયા નથી. એનું કારણ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે शाखा-मृगस्यशाखाया: शाखांगन्तुंपराक्रम: - અર્થાત એક શાખા પરથી બીજી શાખા ઉપર (કૂદીને) જવું એ વાનર માટે પરાક્રમ નથી. શાખાઓ ઉપર મૃગની ચપળતાથી ગતિ કરવી એ એમની પ્રકૃતિ છે. એટલે જ તો એમને શાખામૃગ કહ્યા છે. એમ જ સિદ્ધુ પાજી અટ્ટહાસ્ય કરે, અનુ મલિક ફટીચર શાયરી કરે, મહેશ ભટ્ટ બગલ વલુરતા વલુરતા વિવાદાસ્પદ કોમેન્ટ કરે કે વાંદરું કૂદકો મારે એમાં કોઈને નવાઈ લાગતી નથી.

એ લોકો કૂદવા સાથે ગુલાંટ પણ ખાઈ શકતા હોય છે. વાંદરાંની આ સપરીવર્તુત્પ્લવનકળાનું મનુષ્યોના જીવનમાં વિશેષ સ્થાન છે. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે એવું કહેવાય છે. વૃદ્ધ મનુષ્યોમાં ઘણીવાર આ ગુણ જોવા મળે છે, અલબત્ત અભિધેયાર્થમાં નહિ પણ તત્ત્વાર્થમાં. ફેર એટલો છે કે કૂદતી વખતે કે ગુલાંટ મારતી વખતે સંતુલન જાળવવા માટે કુદરતે વાનરોને લાંબુ પૂછડું આપ્યું છે અને એથી જ ગુલાંટ મારવાની કળા એ મોટી ઉંમર સુધી જાળવી શકે છે. જ્યારે ઉત્પ્લવનકળા અજમાવવા જતા પટકાયેલ વૃદ્ધ મનુષ્ય હાંસીને પાત્ર બને છે. ઘણીવાર એમના કઢંગી અવસ્થાના ફોટા ટ્વિટર પર આવી જવાથી મોટી ઉંમરે ફરી લગ્ન કરવા પડતા હોય છે કે પાછલી ઉંમરમાં અચાનક જ આધેડ વયના સંતાનો ફૂટી નીકળતા હોય છે. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ઉત્સવની જેમ ઉજવાતી હોય છે.

આમ છતાં નર-વાનર વચ્ચે સરખામણી થાય તો આપણે બેશક ચઢીયાતા છીએ કેમ કે એમની પાસે ટેકનીક નથી. એથલેટીક્સ અને જીમ્નાસ્ટીક્સથી લઈને રાજકારણ સુધી આપણે એ સિદ્ધ કરેલું છે. ઉત્ક્રાંતિના ક્રમ મુજબ પણ નરો વાનરો કરતા અનેક રીતે ચઢીયાતા છે જ, પણ કહે છે વાનરોનો છે કુદવાનો અંદાજ જ કૈંક ઔર!

મસ્કા ફન
અડીયલ સાંઢ જેવા મુછાળાને લગ્ન પછી ગવરી ગાય જેવો બનાવી દેવામાં આવે એ પણ એકજાતનું જલ્લીકટ્ટુ જ છે, અને એના પર પ્રતિબંધ મુકાવો જોઈએ!

No comments:

Post a Comment