Tuesday, December 25, 2012

ચૂંટણી અધિકારીની ડાયરી



 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


ચૂંટણી દરમિયાન કલેકટર કચેરી દ્વારા અત્યાર સુધી સત્તાવાર રીતે વાહનો ‘હાઈજેક’ કરવામાં આવતાં હતાં. હવે એમણે માણસોનું ‘હાઇજેકિંગ’ પણ ચાલુ કર્યું છે. અત્યાર સુધી શિક્ષકોનાં માથે ચૂંટણીની જવાબદારી આવતી હતી. આ વખતે તો કલેકટર કચેરીએ બેંક અધિકારીઓથી માંડીને નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રોફેસરોનો પણ વારો કાઢી નાખ્યો છે. કદાચ ઇલેક્શન કમિશનને આમ ચૂંટણીનું સ્તર ઊંચું લાવવું હશે. પણ આવી રીતે કામધંધો છોડી ચૂંટણીની ફરજ પર જતાં પ્રોફેસરોને પૂછો તો ખબર પડે કે એમનાં પર શું વીતે છે. આવા એક પ્રોફેસરની ડાયરીનો સંક્ષિપ્ત સાર અહિં મુકું છું. હા, પ્રોફેસરની ડાયરી છે એટલે સાર મૂકવામાં જ સાર છે!

“ઇલેક્શન ઓર્ડર હાથમાં પકડ્યો ત્યારે એવું લાગ્યું કે કોઈની પાસે તાળી લેવા જતાં હાથમાં ગરમ ઈસ્ત્રી મૂકી દીધી હોય. આપણે કદી ઇલેક્શન કામગીરી કરી નથી. પણ જે સાંભળ્યું છે એ પરથી એવું ચોક્કસ લાગે કે ન કરવી પડે તો સારું. અરજી કરી ડ્યુટી કેન્સલ કરવા યથાયોગ્ય પ્રયત્ન કરી જોયો પણ અધિકારીઓને પણ અમારા જેવા હોનહાર લોકો વગર ચૂંટણી કરાવવામાં રસ હતો નહિ એટલે ધાર્યું જેના હાથમાં સત્તા હોય એનું થાય છે, માટે કામગીરી કરવી એવું નક્કી કર્યું.

કામગીરીના પહેલાં તબક્કામાં ટ્રેનીંગ આવે. ટ્રેનિંગના સ્થળ પર પહોંચો એટલે સૌથી પહેલો આંચકો લાગે. આપણને એમ હોય કે આપણી કોલેજ અને એવી એકાદ બે કોલેજના પ્રોફેસરો હશે એટલે પચીસ પચાસ જણ હશે, એટલે ચા-પાણી કરી, લેક્ચર બેક્ચર સાંભળી પાછાં આવીશું. પણ ત્યાં પહોંચો ત્યારે ખબર પડે કે તમે કંઈ કસાબ નથી કે તમને ચા-પાણીને બિરિયાની મળે. તમારે તો પાંચસોના ટોળામાં, કોઇપણ જાતના સાઈનેજ વગર તમારી બધી હોંશિયારી વાપરી તમારે ક્યાં હાજરી ભરવાની છે, કેટલા ફોરમ ભરવાના છે અને એ ભર્યા પછી એ ક્યાં આપવાના છે એ શોધી કાઢવાનું રહે છે. કોલેજમાં વિદ્યાર્થીઓને હાજરી માટે કેવી કનડગત થતી હશે એ હવે સમજ પડી. અને પાછું માસ્તરો કે પ્રોફેસરો હોય એટલે લાઈન બરોબર થાય એવો ભ્રમ કોઈને હોય તો એ ભ્રમ અહિં ભાંગી જાય. જોકે, અહિં ગેરહાજર રહેવાથી લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ પોલીસ કેસ કરવાની તલવાર લટકતી હોવાથી ટ્રેનિંગ કરતાં હાજરીનું મહત્વ બમણું થઈ જાય છે.

એ બધી ફોર્મની માયાજાળ પતી એટલે જાણવા મળ્યું કે અંદર હોલમાં ટ્રેનિંગ શરુ થાય છે. એટલે ટોળું હુડુંડુંડુંડું કરતુ અંદર પહોંચ્યું. અંદર પ્રવચન આપનાર જુનિયર અધિકારી એમનાં સીનીયર અધિકારીની કાબેલિયતના પુલ બાંધી રહેલા જણાયા. જોકે અત્યાર સુધીની વ્યવસ્થા જોતાં આ અધિકારીશ્રી પોતાનો કોન્ફીડેન્શીયલ રીપોર્ટ સુધારવા આ કવાયત કરી રહ્યા હોય એવું લાગ્યું. પછી  ચૂંટણી અધિકારીઓની ફરજ વિષે એ વાત કરવા લાગ્યા. આમાં વાત ઓછી અને ધમકી વધારે હોય એવું લાગ્યું. પ્રોફેસરોને બીજાને સાંભળવાની કે લેક્ચરમાં બેસવાની બહુ ટેવ હોય નહિ. એમાંય સરકારી પ્રેઝન્ટેશન જેટલા બોરિંગ પ્રેઝન્ટેશનમાં તો નહિ જ. એટલે જેમતેમ આવી બે-ત્રણ ટ્રેનિગ પૂરી કરી.

અને ઇલેક્શનના આગળનાં દિવસે સવારે આઠ વાગે ફરજ પર હાજર થવાનું હતું. મોબાઇલના કાંટે અમે પહોંચી ગયા ત્યારે ત્યાં જુનાં શેરબજાર જેવો માહોલ હતો. અમારાથી વહેલાં આવનાર પણ હતાં એ જોઈ અમને સુખદ આશ્ચર્ય થયું. અસ્પષ્ટ અવાજમાં ઓડિયો સિસ્ટીમ પરથી કશુંક એનાઉન્સ થતું હતું. આપણું નામ બોલાય એનાં સિવાય કશું અગત્યનું નથી એવું નક્કી કરી ચા-પાણી મળતું હતું તે તરફ બે-ચાર સમદુખિયા ગયા. આ ચા-પાણી શબ્દ પ્રયોગ કદાચ પાણી-જેવી ચા માટે પ્રયોજવામાં આવતો હશે તેવું ચાનો પચાસ મિલી.નો પ્લાસ્ટિકીયા કપ હાથમાં આવતાં લાગ્યું. ‘ગુડ બીગીનીંગ ઇઝ હાફ ડન’ કોઈ અંગ્રેજ લખી ગયો છે પણ ‘બેડ બીગીનીંગ’ વાળાનું શું થાય છે એ કોઈએ લખ્યું નથી. ચાની વ્હીસ્કોસીટી(સ્નિગ્ધતા) પરથી આવતાં છત્રીસ કલાકમાં ખાવા-પીવા બાબતે શું હાલ થશે એ અંદાજ આવી ગયો. જોકે પણ વાસ્તવિકતા એટલી ખરાબ પણ નહોતી, કારણ કે સરકાર તરફથી ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા જ નહોતી! આપે તો કોઈ ટીકા કરે ને! એટલે બધું અમે જાતે જ ફોડી લીધું.

રાત્રે કંપની આપવા મતદાન મથકમાં મચ્છર મોકલતા તળાવનો સાવ સાચો ફોટો !
રાત કોઈ ખાતે ઇલેક્શન બુથ પર વિતાવવાની છે એ પહેલેથી ખબર હતી. મોટેભાગે સ્કૂલો ઇલેક્શન બુથ તરીકે કેપ્ચર કરવામાં આવે છે. અમને એ સમજ નથી પડતી જો મતદાન કરવા માટે રૂમો જ જોઈતી હોય તો હોટલો કે મલ્ટીપ્લેક્સ કેમ કેપ્ચર નહીં કરતાં હોય? આજકાલ તો સ્કૂલો પણ ફાઈવસ્ટાર હોટલો જેવી હોય છે. એરકન્ડીશન્ડ, સરસ ફલોરીંગ, સુવિધાઓ અને ગાર્ડન પણ હોય. પણ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે લાગ્યું કે ઉપરની કોલમવાળા અમારા સીનીયર અગાઉ કહી ગયા છે એમ ‘આંયા એમાનું કાંઈ નો મળે’. અમદાવાદ જેવા શહેરની વચ્ચોવચ હોવા છતાં ખંડીયેર જેવી સ્કૂલની પાછળ એક લીલ અને ગંદકીથી ખદબદતી તલાવડી હતી જે રૂમની શટર તૂટેલી બારીમાંથી બોગસ મતદાર જેવા મચ્છરોને બેરોકટોક સપ્લાય કરી રહી હતી. ટોયલેટ બ્લોકનું વર્ણન કરવું અમને અહિં યોગ્ય જણાતું નથી.

અને સવારે બ્રશ કરી મતદાનની તૈયારીમાં લાગી ગયા તે જેવા આઠ વાગ્યા તે મતદારો જાણે જમણવાર હોય એમ તૂટી પડ્યા. આખો દિવસ ઊંચું જોવાનો પણ સમય ન મળ્યો. અને મતદારો પણ કેવા? બધી જ વરાઇટીનાં. એકદમ નિષ્ઠાવાન, કચકચિયા, પંચાતિયા, સલાહ સુચન કરનારા, ઘરડાં, અશક્ત અને પહેલી વખત મતદાન કરનારા. પણ છાપામાં આવા વૃદ્ધ, અશક્ત મતદારોને જોઈ ભલે આપણે પોરસાતા હોઈએ, પણ જયારે એ વોટ આપતી વખતે એ પોતાના છોકરાં કે વહુને પૂછે કે ‘કયા પર દબાવું?’ ત્યારે બધો ભ્રમ ભાંગી જાય અને થાય કે આવા લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર કેવી હશે?

Sunday, December 23, 2012

કોન્ગ્રેચ્યુલેશન્સ ! તમે જીવો છો !



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૩-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
૨૧મી ડિસેમ્બરે જો દુનિયાનો અંત થશે તો? આ ચિંતામાં ભૂરિયાઓની ઊંઘ છેલ્લા વરસથી હરામ થઈ ગઈ હતી. અંગ્રેજી ફિલ્મોમાં આમેય દુનિયા અને ખાસ કરીને અમેરિકા પર આફત ઉતરતી હોય એવાં થીમ બહુ પોપ્યુલર છે. કોક ભૂરિયો હીરો બધાને ‘લેટ્સ ગેટ આઉટ ઓફ હિઅર’ એવું બોલતો ધક્કા મારતો છેલ્લે બચાવી લાવે અને પછી ખાધું, પીધું અને જાડા થયા એવી સ્ટોરી હોય. પણ આ વખતે વાત થોડી સીરીયસ હતી. મય કેલેન્ડર ડિસેમ્બરમાં પૂરું થાય છે એ સંકેતને આધારે દુનિયાનો અંત આવવાનો છે એવી વાત ચાલી છે. પણ તમે આ લેખ વાંચો છો, એટલે એવી કોઈ ઘટના બની નથી પણ આ ‘થશે કે નહીં થશે’ વચ્ચે દુનિયામાં કેવી અફરાતફરી મચી ગઈ છે એની થોડી રમૂજી કલ્પના. 

દુનિયા એકવીસમી ડિસેમ્બરે અંત થવાની છે એ સાંભળીને અમુક લોકોએ ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી રજા મૂકી ક્રેડીટ કાર્ડની થપ્પી લઈ વર્લ્ડ ટુર પર નીકળી પડ્યા હતાં. ફરવાનું પણ થઈ જાય અને દુનિયાનો અંત આવશે એટલે ક્રેડીટ કાર્ડના બિલ પણ નહિ ચૂકવવાના! નોકરી પણ ગઈ તેલ લેવા. વેપારીઓએ પણ આ ડિસેમ્બર મહિનામાં ‘એક મહિને રૂપિયા દઈશ’ એ વચન સાથે માર્કેટમાંથી માલ ઉપાડ્યો હતો. છેલ્લા બે મહિનામાં કારનું સેલ્સ, અને એ પણ લોન પર લીધી હોય એવી, ખાસું વધ્યું એનાં કારણો પણ કદાચ એજ હશે. ઇન્શ્યોરન્સ કંપનીના પ્રીમિયમ અમુક લોકોએ ભર્યા નથી, કારણ કે ક્લેઈમ કોણ મૂકશે અને કોણ ચૂકવશે એ બાબતે પ્રજા દ્વિધામાં હતી. 

દુનિયાનો જો ખરેખર આમ કોઈ નિર્ધારિત સમયે અંત આવવાનો હોય તો મરજી મુજબ જીવી શકાય, ભલે થોડાં સમય માટે તો થોડાં સમય માટે. એટલે પહેલી ડિસેમ્બરથી અમુક કર્મચારીઓએ બોસની ચમચાગીરી કરવાનું બંધ કરી દીધું હતું. બોસના શર્ટના ખોટા વખાણ ન કરી, બોસનાં પ્રેઝન્ટેશન દરમિયાન પૂછવા જેવા પ્રશ્નો પૂછી, બોસનાં ફોનના જવાબ ઘેર ગયા પછી ન આપી અને બોસનાં પર્સનલ કામ કરવાની ના પાડી એમણે સાચી મુક્તિ મેળવી લીધી હતી. જોકે દરેક બોસનો કોઈ બિગ બોસ હોય છે, એટલે બોસ આ બિગ બોસનાં ઓર્ડરનું ઉલ્લંઘન કરી બદલો વાળી લેતા જોવાં મળ્યા હતાં. જોકે સરકારી કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર જોવાં મળ્યો નહોતો.

અને પતિ સમુદાય આ અમુલ્ય તક જતી કરે? અમુક તકવાદી પતિઓએ સાસરિયાને લેવા મૂકવા જવાની કારસેવા અને બાઈકસેવા પ્રલય-ભય આગળ પત્ની-ભય તુચ્છ હોઈ બંધ કરી દીધી હતી એવા સમાચાર મળે છે. અમુકે તો બહારગામથી આવતાં સાસરિયાંને સીધાં બસના નંબર આપી દીધાં હતાં, અને સામાન સાથે આવતાં સાસરિયાને ‘રિક્ષામાં આવી જજો, ૨૪ કલાક મળે છે’ એવું પણ બિન્દાસ્ત કહી દીધું હતું. અમુકે તો આખો દિવસે પિયરીયા સાથે ફોન પર ચોંટી રહેતી પત્નીને નીડર બનીને કહી દીધું હતું કે ‘કલાક થયો, તું જમવાનું પીરસે છે કે હું બહાર જમી આવું, એકલો?’ તો અમુક રસિક પતિઓ પત્નીની સુંદર સહેલીના બેફિકર વખાણ પણ કરતાં જોવાં મળ્યા હતાં કે ‘તારી ફ્રેન્ડ સુષ્મા હસે ત્યારે બહુ ક્યુટ લાગે છે, સાચ્ચે, તારા સમ બસ !’. 

જોકે તલાશનાં આમીર ખાનની જેમ આસપાસ બનતી સાંકેતિક ઘટનાઓનું સર્વાંગ અવલોકન કરતાં ૨૧ ડિસેમ્બરે દુનિયાનો અંત આવવાનો નથી એની અમને અંતઃસ્ફૂરણા થઇ ગયેલી. જેમ કે, સરકારી કોન્ટ્રાક્ટર મલાઈવાળું કામ કર્યા બાદ બાકીનું કામ રઝળતું છોડી ચાલ્યો ગયો એ જોઈ અમને થયું કે આ માયન પ્રજાતિનું કેલેન્ડર પણ કદાચ કોઈ સરકારી કોન્ટ્રાક્ટરે બનાવાયું હોય અને અધૂરું છોડી દીધું હોય! દુનિયા આખી ડૂમ્સ-ડેનાં વિચાર માત્રથી ફફડતી હતી ત્યારે એક અમદાવાદી નારીને (કોણ એ ન પૂછો તો સારું!) છાપામાં કૂપનો ચોટાડતી જોઈ અમને વિશ્વાસ થઈ ગયો કે આ હકારાત્મક નારીની મજૂરી ભગવાન એમ કઈ એળે નહીં જ જવા દે! અને ત્રીજો સૌથી મહત્વનો સંકેત એ હતો કે, આટઆટલા પ્રચારો અને લોહીઉકાળા કરી માંડ જીતેલા સર્વશક્તિમાન નેતાઓ ખુરશીગ્રસ્ત થાય એ પહેલા તો દુનિયાનો અંત આવવા દે?  આમ છતાં દુનિયાના સૌથી વધું ફફડું દેશ અમેરિકાનાં ફફડાટથી અમે પણ એમ માનવા લાગ્યા હતાં કે બાવીસમીની સવારે રંભા, મેનકા કે ઉર્વશીનાં પાયલના રણકાથી ઉઠવા મળશે. પણ ફરી એકવાર દુધવાળાએ સવારે ઘંટડી મારી અને અમે હજી પણ આ એજ જૂની દુનિયામાં જ વાસ કરીએ છીએ એની ખાતરી કરાવી દીધી.

ડ-બકા
તારા અધર ને ગાલોના ગુલાબી રંગ સામે,
શેડકાર્ડનો ગુલાબી રંગ લાગે છે ફિક્કો બકા.

Tuesday, December 18, 2012

ઇલેક્શન બિઝનેસ


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


આ ઇલેક્શનમાં પહેલી વખત વિદેશીઓ ગુજરાતમાં ઇલેક્શન જોવાં ઉતરી આવ્યા છે. આને ઇલેક્શન ટુરીઝમ એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. આમેય શિયાળો છે, એનઆરજી અને વિદેશી પક્ષીઓ પણ આ ઋતુમાં જ ગુજરાત પર ઉતરી આવતાં હોય છે, પણ આ કંઇક નવું સાંભળ્યું. ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકે પંકાયેલી છે, એમાં ઇલેક્શનમાં ધંધો શોધી કાઢે તો એમાં ખોટું શું છે? એમાંય રાજકારણ એ હવે લાખો કરોડોનો ધંધો છે તો નાના મોટા ધંધાઓ એમાં સમાઈ જાય એ તો ખુશ થવાની બાબત છે. એટલું જ નહિ, ચૂંટણી બાદ ચૂંટાયેલ પક્ષ રોજગારીની તક ઊભી થવા બાબતે કાયદેસર જશ પણ ખાટી શકે છે.

ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાનો કાયદેસર રીતે ભંગ કર્યા વિના પણ પાર્ટી ખર્ચા કરે છે. એનાંથી લોકલ ઇકોનોમીને ઘણો ફાયદો થાય છે. હમણાં જ અમે એક લગ્નમાં ગયા તો ઊભા લગ્ન ચાલતા હતાં. આખા સમારંભમાં ગણતરીની જ ખુરશીઓ હતી. અડધો કલાક તો હું ઊભો રહ્યો અને બારીની ધાર પર અડધું શરીર ટેકવી કઈંક રાહત મેળવવાની કોશિશ કરી જોઈ. એ પછી પણ ખુરશી તો ન જ મળી પણ જાણકારી મળી કે કોઈ મોટા નેતાની સભા છે એ કારણે આખા શહેરની ખુરશીઓ ત્યાં અપાઈ ગઈ છે. ઇલેક્શન આવે એટલે મંડપવાળાને ઠેરઠેર સ્ટેજ અને સભા સજાવવાના કામ મળે. જોકે આ રાજકીય પાર્ટીઓ પાસેથી મંડપવાળા પેમેન્ટ કઢાવતા કઈ રીતે હશે તે જાણકારી અમારી પાસે નથી. જો કોઈ ડેકોરેટર એમની પાસેથી પુરા રૂપિયા કાઢવી શક્યો હોય તો આઈ.આઈ.એમ. જેવી સંસ્થાએ એનાં કેસ સ્ટડી બનાવવા જોઈએ!  

ભાષણો કરીને જેમનો અવાજ ખોખરો થઈ ગયો હોય, જેઓ વાંચીને ભાષણ કરે છે, અથવા દેખાવથી પણ જે બદમાશ લાગતા હોય તેવા નેતાની સભામાં મંડપવાળા, સાઉન્ડવાળા, મીડીયાવાળા, ટીકીટવાળા અને એમનાં ઘરવાળા સિવાય કોણ જાય અને શું કામ જાય? એટલે જ ચૂંટણી ટાણે તમારે જરૂર છે માત્ર સો બસો નવરાઓની. ચા-પાણીનાં ખર્ચમાં અને મફત મુસાફરી કરાવો તો બેઠાં કરતાં બજાર ભલુના દાવે કહો ત્યાં આવવા તૈયાર લોકો હોય તો તમે મેનપાવર સપ્લાય એજન્સી ખોલી શકો છો. આજકાલ ફિલ્મસ્ટાર્સ પ્રચારમાં આવે છે એટલે મોટેભાગે પ્રજા સ્ટાર્સને જોવાની લાલચે મફતમાં આવી જાય. તમારે ખર્ચો માત્ર ચા અને પાણીના પાઉચનો. પાછું એક જિલ્લામાં એક જ દિવસમાં જો બે મોટી સભાઓ હોય તો તમને ભાવતાલ કરવાની પણ તક મળી શકે. છે ને મસ્ત ધંધો?

ચૂંટણી અમદાવાદમાં હોય કે મહેમદાવાદમાં, ચૂંટણી તકવાદને પ્રોત્સાહન આપે છે. આ તકવાદી સમર્થકો પાર્ટી કેપ, ખેસ, રીસ્ટ બેન્ડ જેવી આઇટમ્સ પહેરીને ફરે છે. લગ્નમાં સાફા પહેરીને ફરતાં જાનૈયા જેવા લાગે આ સમર્થકો. પણ આ આઇટમ્સ ચાઈનીઝ ન હોવા છતાં તકલાદી હોય છે. પ્રસાદિયા પેંડાની જેમ ખેસની ક્વોલીટી પણ થર્ડ ક્લાસ હોય છે, ખાસ કરીને કાચાં રંગને લીધે એ પાછળથી પોતું કરવાના કામમાં પણ નથી આવતાં. એટલે જ આમાં કંઇક વૈવિધ્યની જરૂર છે. અમને લાગે છે કે જો માર્કેટમાં નકલી પૂંછડીઓ ફરતી કરવામાં આવે તો ઘણાં તકવાદીઓ આ પૂંછડી લગાડીને ફરી શકે અને જરૂર પડે ત્યારે અમુક તમુક ઉમેદવારના સમર્થનમાં ઉંચી કરી શકે કે હલાવી શકે. અમુક મોટા ગજાના નેતાઓ પણ પાર્ટી હાઈકમાન્ડની હાજરીમાં આ પૂંછડી લગાવીને સ્ટેજ પર બેસી શકે. આ પૂંછડીઓ માર્કેટ ડિમાંડ મુજબ જુદાં જુદાં રંગની હોઈ શકે. નકલી પૂંછડી કમરપટ્ટાની જેવી રીવર્સીબલ પણ હોઈ શકે, સવારે એક પાર્ટીની સભામાં એ લીલા રંગની, બીજી પાર્ટીના કાર્યાલયના ઉદઘાટનમાં પીળા રંગની અને ત્રીજી પાર્ટીની મીટીંગમાં જતાં જતાં રસ્તામાં જ કેસરી રંગની કરી શકાય!

મતદારો ફ્રી ગિફ્ટથી રીઝે એટલું વાતો અને વચનોથી નથી રીઝતાં. વર્ષોથી દારૂ, સાડી, ધોતિયાં અને રોકડ ગિફ્ટ આઇટમ્સમાં પોપ્યુલર છે. જો કે આ લ્હાણી કરવામાં પંચ વચ્ચે આવે છે. એટલે આવા કામ આઉટ સોર્સ કરવા એજન્સીઓની ડિમાંડ છે. એજન્સી દરેક પાર્ટીની જરૂરિયાત અને થીમ મુજબ વસ્તુઓ વહેંચે. જેમ કે એક બ્રાન્ડનો સિમેન્ટ લોકોને વહેંચવામાં આવે તો લોકો એ સિમેન્ટથી જાતે ઘર બનાવી દે, વોટ પણ આપી દે અને પાછળથી ઘર આપવા માટે મહેનત ન કરવી પડે. અમુક પાર્ટી યુવાનોને ક્રિકેટ રમવાની કીટ અને એ ન પોસાય તો ધોકા આપી શકે, જેથી યુવાધણઉપરાંત ગૃહિણીઓ પણ ખુશ થાય. વિકાસના એજેંડાની  વિરોધી એવી કોઈ પાર્ટી પેટ્રોલ વગર ચાલતું દ્વિચક્રીય વાહન લોકોને ભેટમાં આપી શકે. તો રીસ્ટ બેન્ડ સિવાય કાંડા પર બંધાય એવી બીજી આઇટમ પાર્ટી વતી એજન્સી ભેટમાં આપી શકે. અને ઘરકામ કરતાં ગૃહિણીઓના હાથને નુકસાન ન થાય એ માટે હેન્ડ ગ્લોવ્ઝ પણ કોઈ આપી શકે. જેવી જેની પહોંચ!

અને શિક્ષણ પણ જયારે એક ધંધો જ છે ત્યારે જો કોઈ લાંબા ગાળાનું વિચારતું હોય તો કોઈ એમબીએ-ઇલેક્શન જેવો કોઈ કોર્સ પણ શરુ કરી શકે. આ કોર્સમાં ઇલેક્શન ઇકોનોમિક્સ, ઇલેક્શન ફાઈનાન્સ, ઇલેક્શન માર્કેટિંગ, ઇલેક્શન હ્યુમન રિસોર્સીઝ મેનેજમેન્ટ અને ઇલેક્શન સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ જેવા વિષયો ભણાવી શકાય. આ કોર્સમાં વિદ્યાર્થીઓની કોઈ કમી ન રહે કારણ કે નેતાના છોકરાં નેતા જ બનતા હોય છે. આવા કોર્સમાં ભણાવવામાં પ્રોફેસર્સ ઉપરાંત પ્રોફેશનલ્સ અને નેતાઓને વિઝીટીંગ ફેકલ્ટી તરીકે બોલાવી શકાય. આ કોર્સ કરેલાને નોકરી-ધંધો કરવાની વિપુલ તકો ઉપલબ્ધ છે એ શું કહેવાની જરૂર છે