Monday, March 31, 2014

માર્ચ એન્ડ છે ....

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૩-૦૩-૨૦૧૪ રવિવાર

લગ્નજીવનમાં સુખ શોધવું એ રણમાં પેન્ગવિન શોધવા બરોબર છે. અમને ખબર છે કે કુંવારા લોકોને અમારા આ વિધાનમાં અતિશયોક્તિ લાગશે અને એ લોકો નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલનો હવાલો આપીને અમને ખોટા પડવાની કોશિશ પણ કરશે, પણ એનાથી હકીકત બદલાતી નથી. ફક્ત ‘સદા-બહાર’ લોકો જ લગ્નજીવનથી સુખી હોય છે અને એનું એક માત્ર કારણ એ છે કે એ લોકો સદા ઘરની બહાર જ રહેતા હોય છે! એ ઘરે જાય તો કોઈ એમની મેથી મારે ને? આવા લોકો ઘરની બહાર રહેવા માટે જાતજાતના કારણો શોધી કાઢતા હોય છે અને એમાનું એક છે માર્ચ એન્ડ!

એક અંદાજ પ્રમાણે ફક્ત માર્ચ મહિનામાં સીસી ટીવી કેમેરાથી ઓફિસનું લાઈવ પ્રસારણ કર્મચારી/ અધિકારીના ઘર સુધી પહોચાડવામાં આવે તો ઓફિસોમાં ચોપડા ચીતરવાનું કામ તો ઓફીસટાઈમમાં જ પૂરું થઇ જાય અને એંશી ટકા નોકરિયાતો આ દિવસોમાં સમયસર ઘરે પહોચતા થઇ જાય. બાકી માર્ચ એન્ડમાં ગમે તેવું કામ કરતો હોય, એકાઉન્ટ કે સ્ટોક સાથે લેવા દેવા હોય કે ન હોય એ પણ માર્ચ એન્ડનો યથાશક્તિ લાભ લે છે. એપ્રિલમાં અથાણાની સીઝન આવે એ પહેલા આ ઘેર મોડું પહોંચી ‘માર્ચ એન્ડ છે’ એ બહાના રજુ કરવાની સીઝન આવે છે. ગૃહિણીઓને તો અમારું નમ્ર સૂચન છે કે માર્ચ એન્ડમાં રોજ રાતે આઠેક વાગ્યે ઓફિસની લેન્ડલાઈન પર પતિ સાથે એકવાર અચૂક વાત કરી લેવી. નારાયણ નારાયણ!
 
કામના મામલે આખુ વર્ષ સ્ટાફની વચ્ચે શાક માર્કેટની હરાયી ગાયની જેમ ફરનારા બોસ લોકો માર્ચ મહિનો આવે એટલે ગમાણની ગાય જેવા થઇ જતા હોય છે. આડે દિવસે સ્ટાફ મીટીંગમાં ચા સાથે ઘાસ જેવા ‘મારી’ કે પછી ચાલુ ખારી બિસ્કીટ ખવડાવનાર બોસ લોકો ગામના ખૂણેખૂણેથી ગોટા, દાળવડા, સેન્ડવીચ અને પીઝા મંગાવીને ખવડાવતા હોય છે. જોકે એ માટેના ઓર્ડરો છેક સાંજે– જયારે અડધો પરચુરણ સ્ટાફ નીકળી ગયો હોય અને બાકીનો અડધો જયારે ચાલુ કામ આવતીકાલ પર મુકીને ભાગવાની ફિરાકમાં હોય ત્યારે- ફાટે છે. સામે સ્ટાફના લોકોને જખ મારીને પણ કામ તો કરવાનું જ હોય છે એટલે એ પણ પહાડની નીચે આવેલા ઊંટ એવા બોસનો વારો કાઢવાનું ચુકતા નથી. એમાં પણ એડા બનીને પેડા ખાનારા લોકો આઈસ્ક્રીમ-થીક શેકથી લઈને ડીનરના સેટિંગ પણ પાડી લેતાં હોય છે. સરવાળે બીજા પર્વોની જેમ માર્ચ એન્ડ પણ એક તહેવારની જેમ ઉભરી રહ્યું છે.

માર્ચ એન્ડના નામે ખાલી એકાઉન્ટ્સમાં કામ કરતા લોકો નહિ, લગભગ બધા ધંધાધારીઓ ચરી ખાય છે. સરકારમાં પણ કોઈ કામ લઈને જાવ તો ‘માર્ચ એન્ડ પતે પછી આવોને’ એવો સ્ટાન્ડર્ડ જવાબ પકડાવી દેવામાં આવે છે. કોઈની પાસે કામની ઉઘરાણી કરો તો કહેશે ‘બોસ માર્ચ એન્ડ પતી જવા દો’. કોઈની પાસે રૂપિયા માંગતા હોવ તો જવાબ મળશે: ‘યાર એક વાર આ માર્ચ એન્ડમાં ટેક્સનું પતે એટલે પહેલા તમારું કરું છું.’ આમાં ‘કરું છું’ એ ગર્ભિત છે. આમેય અમને કરી જનારાઓથી થોડોક ગભરાટ રહે છે.

અમેરિકામાં માર્ચ એન્ડ નથી હોતો. મતલબ કે માર્ચ મહિનો હોય છે. એનો એન્ડ પણ આવે છે. પણ એનું મહત્વ નથી. ત્યાં ફાઈનાન્સિયલ યર ડિસેમ્બરમાં પૂરું થાય છે. અને એ વખતે ઓલરેડી ક્રિસમસ વેકેશન હોય છે. કોઈ અમેરિકન માઈનો લાલ કે માઈકલ ક્રિસમસમાં કામ કરતો નથી. અરે સાન્તા ક્લોસ પણ ગીફ્ટ ટેક્સ કે ગિફ્ટના બીલો કે ગીફ્ટ ડીડ બનાવવાની પળોજણમાં પડ્યા સિવાય બિન્દાસ્ત ગિફ્ટો લુંટાવી શકે છે. બાકી આપણે ત્યાં છે એવો મહિમા યર એન્ડનો અમેરિકામાં હોત તો સાન્તા પણ ગીફ્ટ વહેંચવાનું છોડી ખાલી ઘંટડી વગાડી કામ ચલાવી લેત!

અને આપણે ત્યાં તો આંકડાની આ રંગોળીના કર્તા-હર્તા-સમાહર્તા એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને માર્ચ એન્ડમાં શ્વાસ લેવાનો પણ સમય હોતો નથી. અમારું સંશોધન કહે છે કે જેમ ગુડ ફ્રાઈડેની રજા સોમવારે નથી આવતી અને સોમવતી અમાસ શુક્રવારે નથી આવતી એમ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મેરેજ એનીવર્સરી માર્ચ મહિનામાં નથી આવતી. ખાતરી કરવી હોય તો કરી જોજો. માર્ચ એન્ડમાં કોઈ સી.એ. ફોરેન ટુર પર કે સામાજિક પ્રસંગોમાં નથી જતા. માર્ચમાં એ માંદા પણ નથી પડતા. કદાચ ગુડી પડવેને બદલે શિવરાત્રીથી જ લીમડાનો રસ પીવાનું પીવાનું ચાલુ કરી દેતા હોય તો પણ નવાઈ નહિ. હશે, એમનું એ જાણે, આપણે શું ખોટી કીકો મારવી !

Monday, March 24, 2014

એવરીથીંગ ઇઝ ફેર ઇન એડવર્ટાઈઝમેન્ટ, લવ એન્ડ પોલીટીક્સ



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી |

એક નેતા સવારે ઉઠીને ટેવ મુજબ પોતાના પક્ષના કાર્યાલય પર પહોંચી ગયા. ત્યાં એમને જોઈ બધા ચોંકી ઉઠ્યા, કારણ કે આ નેતાએ તાજેતરમાં ફરી એકવાર પક્ષબદલીને ભાજપમાં પુન:પ્રવેશ કર્યો હતો. પણ આ વારંવારની અવરજવરમાં ભૂલી ગયા કે હાલ એ કયા પક્ષમાં છે. બીજા આવા જ એક કિસ્સામાં ભાજપની ચૂંટણી સભામાં રાહુલના ગુણગાન ગાવાનું શરુ કર્યા પછી નેતાજીને યાદ આવ્યું કે આ તો કાચું કાપ્યું! આ બેઉ પ્રસંગ કાલ્પનિક છે પણ આવું બને તો કોઈને સહેજ પણ આશ્ચર્ય થાય નહિ. આમેય પ્રજાને હવે આ નાતરું કરી પેલા પક્ષમાંથી આ પક્ષમાં ઠેકતાં નેતાઓને જોઈ ખાસ આશ્ચર્ય નથી થતું. એવરીથીંગ ઇઝ ફેર ઇન એડવર્ટાઈઝમેન્ટ, લવ એન્ડ પોલીટીક્સ!

અમેરિકન કાઉબોય, એક્ટર અને હ્યુમરીસ્ટ ‘વિલ’ રોજર્સ કહે છે કે હવે બધું બદલાઈ રહ્યું છે. લોકો હવે કોમેડીયનને સીરીયસલી લે છે અને પોલીટીશીયનને જોક ગણે છે. વિલ તો ૧૯૩૫માં ગુજરી ગયો હતો. પણ પરિસ્થિતિ હજી એવી જ છે જેવી વિલે વર્ણવી હતી.

આ ઠેકડા મારવાની પ્રવૃત્તિ વાંદરો એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકો મારે એટલી સહજ છે. લોકોને એ જોઈને હવે ખાસ આશ્ચર્ય નથી થતું. જેમ કે ગોરધનભાઈ જીપીપીનું પોટલુંવાળી ભાજપમાં પાછા ફર્યા?’ તો કહે ઠીક છે. બિનસાંપ્રદાયિકતાનું પીપુડું વગાડનાર રામવિલાસ પાસવાન સાંપ્રદાયિકતાનો મુદ્દો ભૂલી ગયા?કંઈ નહિ. જશાભાઈ (ખજુરાહો ફેમ), બાવકુભાઈ (પાર્ટી વોહી જો ટીકીટ દીલવાયે ફેમ) અને વિઠ્ઠલભાઈ (ટોલબુથ ફેમ) ભાજપમાં જોડાયા? હશે ભાઈ, જોડાય લોકશાહી છે. નેતાને ગાય, ફાવે ત્યાં જાય. ટોલબુથ પ્રકરણ વખતે ભાજપે વિઠ્ઠલભાઈ માટે નિવેદન કર્યું હતું કે એમણે ગુજરાતની ગરીમા અને ગુજરાતની શાંતિને અને પોરબંદરની અહિંસાની ભૂમિને લજવવાનું કામ કર્યું છે, અને આજે ટોલબુથ પર બિભત્સ ગાળાગાળી અને ઘાતક હથિયાર બતાવીને કર્યું છે તેને ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે’.આ ગરીમા હાળી રામજાણે ક્યાં ગરી ગઈ! ને અહિંસાની વાત અધ્ધર થઇ ગઈ! અને ગાળાગાળી તો કોક દિવસ લોકસભામાં કામ આવે એ આશયથી ભુલાઈ ગઈ. લાગે છે ભાજપે ‘સુબહ કા ભુલા અગર શામ કો વાપસ ઘર આયે તો ઉસે ભુલા નહીં કહતે’ કહેવતને ચૂંટણી જીતે એવા ઉમેદવારો માટે બહુ સીરીયસલી લીધી છે!

વર્ષો પહેલા પક્ષપલટા વિષે એવું વાંચેલું કે આ પક્ષમાંથી પેલા પક્ષમાં જાય એ પક્ષપલટો પણ પેલા પક્ષમાંથી આ પક્ષમાં આવે એ હ્રદય પરિવર્તન’. વિભીષણનું શ્રી રામની પાર્ટીમાં આવવું એ હ્રદય પરિવર્તન હતું. પણ રાવણ માટે એ પક્ષપલટો હતું. અંતે રાવણના પતન બાદ છેવટે વિભીષણનો લંકામાં રાજ્યાભિષેક થયો હતો એ સુચક છે. ઘણા પક્ષપલટો કરનાર પોતાને વિભીષણ માને છે. પણ બધા પાર્ટી બદલનારા વિભીષણ નથી હોતાં, ન બધાના હાથમાં સોનાની લંકા આવે છે!

પણ કરનાર અને કરાવનાર જેને હૃદય પરિવર્તન પણ કહે છે, તે પક્ષપલટો, સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની ટર્મ પૂરી થવાની હોય અને ચૂંટણી આવવાની હોય ત્યારે જ વધુ થાય છે. અડધી ટર્મ પર આવું હ્રદય પરિવર્તન કોઈનું નથી થતું. એક ટર્મ પૂરી થવામાં હોય અને ચૂંટણી નજીક હોય ત્યારે હ્રદય પરિવર્તનની સીઝન બેસે છે. ચૂંટાવા માટે ખર્ચેલા રૂપિયા કોઈ આમ હ્રદય પરિવર્તનમાં વેડફતું નથી. જોકે આ ડાળી પરથી પેલી ડાળી પર જનારને આ ડાળી પર બેઠેલા જરૂર ધુત્કારે છે. શંકરસિંહ બાપુએ કોંગ્રેસ છોડી જનાર માટે ઢોર કસાઇવાડે જતું હોય તો કોઈ શું કરે?’ જેવા કઠોર વાક્યપ્રયોગ પણ કર્યો હતો. અહીં ઢોરને કદી એવું નથી લાગતું કે એ કસાઇવાડે જાય છે. ઢોરને તો કદાચ લીલાછમ ખેતરમાં ચરવા જાય છે એવો ભાસ થતો હશે. પણ આ બાપુ આમેય જરૂર કરતાં થોડા વધુ જ કઠોર છે, નહીંતર એમનું પણ અત્યાર સુધી હ્રદય પરિવર્તન ના થઇ ગયું હોત?

અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ક્રિએટસ્ સ્ટ્રેન્જ બેડ્ફેલોઝ’. ચૂંટણીમાં સત્તા મેળવવી એ પણ એક પ્રકારની જરૂરિયાત જ છે ને? એવું મનાય છે કે હવા, પાણી, ખોરાક,ઊંઘઅને સેક્સ એ માણસની મૂળભૂત જરૂરીયાતો છે. નેતાની મૂળભૂત જરૂરિયાતોમાં સત્તા પણ આવી જાય. સત્તા વગરનો નેતા એ નેતા મટી કાર્યકર બની જાય છે. અને કાર્યકર બનવામાં કોને રસ છે?

રાજકારણમાં તો ‘બોલે એના બોર વેચાય’ છે. ને ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત કૌભાંડ કર્યા બાદ વપરાય છે. ને સત્તા કોઈ નિર્બળ વ્યક્તિના હાથમાં આવે તો કૌભાંડો થાય, અને એ જોયા કરે પણ ‘બોલેય નહીં ને ચાલેય નહિ’. ‘થૂંકેલું ચાટવાનું’ જેને ફાવતું નથી તે પોલીટીક્સ માટે અનફિટ છે.કદાચ ‘અભી બોલા અભી ફોક’ એ રાજકારણીઓને ગળથુથીમાં શીખવાડવામાં આવે છે. ને ‘બોલ્યા બાદ બોલ્યા’ સૂત્ર રાજકારણમાં લાગુ પડતું નથી.

આ થૂંકેલું ચાટવા ઉપરથી એલિઝાબેથ ટેલર નામની ફેમસ અમેરિકન એક્ટ્રેસની વાત યાદ આવે છે. આ ટેલરે તેની જિંદગીમાં સાત જણ સાથે કુલ આઠ લગ્ન કર્યા હતા. સાત જણ એટલા માટે કે એના પતિઓના લાંબા લીસ્ટમાં રિચાર્ડ બર્ટન નામનો અભિનેતા પણ હતો જેની સાથે એણે એકવાર દસવર્ષ માટે અને પછી છૂટાછેડા લીધા બાદ ફરી એક જ વરસમાં જ ફરી એક વરસ માટે લગ્ન કર્યા હતા. હવે લગ્ન જેવી પવિત્ર વાતમાં આટલું વૈવિધ્ય અને એમાંય એક જ જણ સાથે બે વાર લગ્ન કરવા જેવી ઘટનાઓ બનતી હોય તો આ રાજકારણમાં તો આમેય કશું પવિત્ર નથી! થવા દો જે થાય છે એ! ને જોયા કરો જે ચાલે છે એ, સાક્ષીભાવે! આખરે આપણો અધ્યાત્મિક વારસો આપણને ક્યારે કામ આવશે?

Sunday, March 23, 2014

દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન


 
કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૩-૦૩-૨૦૧૪ રવિવાર
 
આપણા સમાજમાં દાઢીનું મહત્વ વધતું જાય છે. આજનો જમાનો ઘણો ફાસ્ટ છે. લોકો પાસે દાઢી કરવાનો પણ સમય નથી. કારણ કે દાઢી રોજ કરવી પડે છે. એના માટે પાણી ગરમ કરવું પડે છે. પછી બ્રશ પલાળવું પડે છે. શેવિંગ ક્રીમ લગાડી બ્રશ, ગાલ અને ગળાના ઢોળાવો ઉપર કોઈ ખંજન કે ખીલને ખોટું ન લાગે એ રીતે લગાડવું પડે છે. પછી રેઝરમાં કાર્ટરીજ કે બ્લેડ ભરાવી એજ ખીલને બચાવી રેઝરને બેથી ત્રણ વખત કોઈ ઊભા પાકની લણણી રહી ન જાય તેનું ધ્યાન રાખી ફેરવવું પડે છે. આમ કરવા માટે વીરુ સહસ્ત્રબુદ્ધે સિવાયના લોકોની રોજ પંદર-વીસ મીનીટ બગડે છે. આમાં મોઢું ધોવાનો, લુછવાનો, દાઢીનો સામાન ખરીદવાનો, વોશબેસીન પર ક્યુમાં ઊભા રહેવાનો સમય તો અમે ગણ્યો જ નથી! એટલે જ દાઢી વધારવી એજ ઇષ્ટ છે. એ આજકાલ ફેશનમાં છે, અને કદાચ આજે છે એના કરતાં કાલે વધારે પણ હોય!

ભોજન અને ભાષણ સહિતના મહત્વના કામો દાઢીની સાક્ષીએ થાય છે. દાઢી વધારવાથી સમય અને રૂપિયા બચે એ સિવાય પણ દાઢીના ઘણાં ઉપયોગો છે. દાઢીથી માણસ પુખ્ત લાગે છે. દાઢી વગરના ક્લીનશેવ લોકો બાબા જેવા દેખાતાં હોય છે. એ લોકો સારી એવી ફિલ્ડીંગ ભરે તોયે એમને બાબા ગણીને ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. દાઢી વધારવાથી ગાલને ઠંડીથી રક્ષણ મળે છે એટલે મફલર નથી પહેરવું પડતું. દાઢીના રંગથી માણસની ઉંમરનો અંદાજ બાંધી શકાય છે અને એથી જ દાઢીવાળા લોકો દાઢી વગરના લોકો કરતાં તમને ઉંમરની બાબતમાં ઓછા છેતરે છે.

દાઢીનો એક ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામ્યો છે જે અમને ખુબ પસંદ છે. આપણે ત્યાં એક કહેવત છે ‘દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી’. આ બતાવે છે કે જરૂર પડે ત્યારે દાઢી સાવરણી તરીકે કામ આપી શકે, પણ સાવરણી દાઢી તરીકે ન ચાલી શકે. કોઈ બાબો મોઢા ઉપર સાવરણીના પીંછા ચોંટાડીને પોતાને પુખ્તવયનો જાહેર નથી કરી શકતો. આમ દાઢી વર્સેટાઈલ છે. સાવરણી નથી. દાઢી દાઢી છે, એ ટૂંકી હોય અને દાઢીધારીને કમરદર્દ ન હોય તો જમીન પર આળોટતા આળોટતા એ દાઢીને સાવરણી તરીકે વાપરી શકે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વની લગભગ પચાસ ટકા જેટલી વસતિ દાઢી પર વાળ ધરાવતી હોય છે અથવા વાળ ઉગવાની સંભાવ્યતા ધરાવતી હોય છે. બાકીના પચાસ ટકામાં મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં દાઢી પર વાળ ધરાવનારી મહિલાઓ આંગળીના વેઢે ગણીશકાય એટલી જ છે. દરેકને દાઢી માટે મમતા હોય એ સ્વાભાવિક છે કારણ કે એ પોતીકી છે. આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આપણે આપણી પોતાની દાઢી પસવારતા હોઈએ છીએ, બીજાની નહિ. એમ કરવાથી વિચારવાની પ્રક્રિયાને વેગ મળતો હોવાનું કહેવાય છે. સાવરણીમા આવું હોતું નથી. સાવરણીને પંપાળવા બેસો તો પછી વાળવાનું રહી જાય. એટલે જે લાડ દાઢીને અનાયાસે મળે છે એ સાવરણી માટે દુર્લભ છે.

ફિલ્મ ‘દુશ્મન’માં રાજેશ ખન્ના કહે છે એ મુજબ મર્દો માટે દાઢી એ ‘ઘર કી ખેતી’ ગણાય છે, સૌ જરૂરત મુજબ પોત પોતાની દાઢી ઉગાડી લેતા હોય છે. આમાં આઉટ સોર્સિંગ થઇ શકતું નથી. જ્યારે સાવરણી જોઈએ તેટલી ખરીદી શકાય છે. લોકો સ્પેરમાં પણ રાખતા હોય છે. દાઢીમાં એ શક્ય નથી. ચહેરા દીઠ એકથી વધુ દાઢી ઉગાડવાનું પણ શક્ય નથી. હા, જાતજાતની નકલી દાઢીઓ રાખી શકાય છે, પણ એ ખરા સમયે એ હાથમાં આવી જાય તો પ્રોબ્લેમ થતો હોય છે એ તમે ફિલ્મોમાં જોયું હશે. એટલે નકલી દાઢીથી સાવધ રહેવું.

દાઢી વધારવાથી પર્સનાલીટી પણ પડે છે. અબ્રાહમ લીન્કને એટલા માટે જ દાઢી વધારેલી. કવિવર ટાગોર, વિનોબા ભાવે, શ્રી અરવિંદો ઘોષને દાઢી વગરના કલ્પી શકો? બાળા સાહેબ ઠાકરે અને અમિતાભ બચ્ચન પણ આખરે દાઢીના શરણે ગયા હતા. પણ દાઢીધારીનો જેટલો માભો પડે છે એટલો સાવરણીધારીનો નથી પડતો એ હકીકત છે. જોકે ‘વિશ્વનાથ’ ફિલ્મમાં શત્રુઘન સિન્હા દાઢી વધારીને વકીલમાંથી ગેન્ગસ્ટર બને છે ત્યારે ક્લીન શેવ મદન પુરી બિચારાનો એમ કહીને કચરો કરી નાખે છે કે ‘દાઢી બઢાનેસે કોઈ ડાકુ નહિ બન જાતા, મૈ બીના દાઢી બઢાએ બરસો સે લોગો કો લૂટતા આ રહા હૂં.’ અને આ સાચી વાત છે, આપણે રાજકારણમાં વગર દાઢીએ લોકોને લૂંટી જનારા જોયા છે. અસ્તુ. n

Monday, March 17, 2014

ગબ્બર બેવકૂફ હતો

|

 | ઉત્સવ સપ્લીમેન્ટ | ૧૬-૦૩-૨૦૧૪ |


આમ તો દર વર્ષે કેટલીય એવી હિન્દી ફિલ્મો બને છે કે જેને હોળીમાં હોમી દેવાની આપણને અદમ્ય ઇચ્છા થાય. પણ હવે ક્યાં પહેલાની જેવા રિલ આવે છે કે તમે એને હોળીમાં ઝીંકી શકો? પણ આની સામે કેટલીય હિન્દી ફિલ્મો એવી પણ બની છે જેમાં હોળીના યાદગાર દ્ગશ્યો કે ગીતો આપણને મળ્યા છે. જોકે અમારો સ્વભાવ થોડો કૂતરાની પૂંછડી જેવો છે. એટલે અમને એ યાદગાર ફિલ્મોમાં પણ અવનવું દેખાય છે.

શોલેમાં આપણા દેશના મહા-માજી જયાજી ઉર્ફે રાધાના રોલમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરવા માટે હોળીના પ્રસંગનો સરસ ઉપયોગ થયો છે. અડધી રાત્રે જય અને વીરુ ઠાકુરની તિજોરીમાં ઝાડુ લગાવવાની કોશિશ કરતા હોય છે ત્યારે હિન્દી ફિલ્મના ટીપીકલ ભૂતની જેમ પ્રગટ થયેલ રાધાને જોઈને ખબર જ ન પડે કે એ પુર્વાવતારમાં હોળી માટે આટલી હરખપદુડી હશે. એ તો રામલાલે રાધાની વાર્તા ઘુસાડી એટલે આપણને ખબર પડી. જોકે એમાં બચારા સચિનનો રોલ કપાઈ ગયો એ આડ વાત. પણ સાથે સાથે ઠાકુર સ્ટાઇલની હોળીના નામે આપણા તહેવારમાં ચુટકીવાલી હોલીની ઘો ઘૂસી ગઈ જે તિલક હોળીના નામે આજે પણ આપણને કનડે છે!          

શોલેમાં ગબ્બર સાવ અભણ હતો. એક સીનમાં એને રઘવાયો થઈને હોલી  કબ હૈ, કબ હૈ હોલીએવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ અહીં બોસ, ફાગણ સુદ પૂનમ પછીનો દિવસજેવો જવાબ નથી આપતા. ખરેખર તો આવા સવાલનો કોઈ જવાબ ન હોઈ શકે. એટલે જ ગબ્બરના પ્રશ્ન પછી સીન બદલાઈ જાય છે.

જોવાની વાત એ છે કે ગબ્બર રામગઢ પર ધુળેટીના દિવસે ધાડ પાડવાનું વિચારે છે પણ ડફોળ એને હોળી કહે છે. કદાચ ત્યાં ધુળેટી પણ હોળી તરીકે ઓળખાતી હશે. પણ જો ગબ્બરમાં જરા જેટલી અક્કલ હોત તો એણે જે દિવસે હોળી પ્રગટાવે એ દિવસે બપોરે ધાડ પાડી હોત. કારણ કે હોળીના દિવસે લોકો સામાન્ય રીતે હોળી-ભૂખ્યા રહેતા હોય છે. આવા સમયે ધાડ પાડો તો સામનો કરવા કોણ આવે? પણ હશે, ગબ્બરમાં એટલી અક્કલ નહિ હોય, એટલે જ તો એ ડાકુ બન્યો. નહીંતર નેતા ન બનત? પણ બીજા કોઈ દિવસે નહીંને ધુળેટીના દિવસે? ખરેખર તો એને ઠાકુરના બે ભાડૂતી માણસો આ દિવસે ઓળખાયા એ જ બહુ કહેવાય, નહિતર ધારોકે જય અને વીરુએ મોઢા પર મેશ ચોપડી દીધી હોત તો એમને ઓળખતા પહેલા કેટલા લોકોના મ્હોં ધોવડાવવા પડત? આમ એકંદરે ગબ્બર બેવકૂફ તો હતો જ.

પણ ચુટકીવાલી હોળીનો મહિમા ગાતા આ શોલેમાં આગળ જતા બસંતી હોલી કે દિન ..ગીતમાં રંગોની ઢગલીઓને પગ વડે લાતો મારી ઉડાડી રંગનો જે બગાડ કરે છે એ કોઈ અમદાવાદી સહન ન કરી શકે. પાછું આખા ગીતમાં એકબીજાને રંગવાને બદલે રંગ હવામાં ઉડાડ્યા જ છે. આમ જુઓ તો હોળી આવે ત્યારે ડબલ સીઝન હોય. શરદી અને વાઈરલ રોગચાળો ફેલાયેલો હોય. એમાં પાછું રામગઢમાં પાકા રસ્તા પણ નહોતા એટલે ધૂળ તો ઊડતી જ હોય. એવામાં આમ રંગ ઉડાડે એ આંખ-કાન-ગળાના ડોક્ટરોને ફાયદો જ કરાવે ને? ને રામગઢમાં ડૉક્ટર ક્યાંથી હોય? એટલે ત્યાંના લોકો ધાણી-ચણા ખાઈ અને મીઠાના પાણીના કોગળા કરી હોળી પર થયેલ ખાંસી મટાડતા હશે.

શોલેના હોળી ગીતની બે-ત્રણ વાત જાણવા જેવી છે. એક તો એ કે આ ગીતમાં બસંતી ધર્મેન્દ્ર પાજીને બેસરમકહે છે. એ મિલનફિલ્મથી (સાવન કા મહિના પવન કરે સોરફેમ) પ્રભાવિત થઈને લખ્યું હોય એવું લાગે છે. લાગે છે શું, છે જ. બંને ગીતોના ગીતકાર આનંદ બક્ષી જ છે. બીજી વાત એ કે આખા ગીતમાં વીરુ બસંતીની આસપાસ ઘૂમરાયા કરે છે અને ગીત ગાય છે ત્યારે રામગઢના અન્ય યુવાનો બૅકગ્રાઉન્ડમાં ડાન્સ કર્યા કરે છે. આમ ગામ બહારનો છોરો, એ પણ પીધ્ધડ, ગામની આવી છેલબટાઉ અને બટકબોલી બસંતીને વટલાવી જાય એ જોયા કરે એ જોતાં રામગઢના યુવાનો ઘણાં સહિષ્ણુ અને સાલસ સ્વભાવના હશે એવું ફલિત થાય છે. ત્રીજી વાત એ કે આ ગીતમાં વીરુ ગીલે શિકવે ભૂલ કર દોસ્તો, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈએવું સાંભળવામાં સારું લાગે એવું ગાય છે, પણ વીરુ અહીં ખરેખર ભ્રમમાં છે. આ ગીત પૂરું થતા સુધીમાં તો ગબ્બર જેવો જાની દુશ્મન ગલે મિલવા નહિ, પણ ગોળીએ દેવા ગામને પાદર સુધી પહોંચી ગયો હોય છે!

અમને હિન્દી ફિલ્મોના હોળી ગીતો વિષે અણગમો હોવાનું એક કારણ સિલસિલા છે. આપણા પોતાના ગુજ્જુ સંજીવ કુમાર રંગ બરસે..ગીતમાં પહેલેથી છેલ્લે સુધી ઢોલકું ટીચે રાખે છે. આખા ગીતમાં બચારાના ભાગે લોન્ગાં ઈલાચી કા ભાઈએટલું જ, અને એ પણ સાવ ખખડી ગયેલ ડોસાના પ્લેબેકમાં બોલવાનું આવે તે આપણને ગુજરાતી તરીકે ચચરે તો ખરું જ ને? પછી ભલે એ ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત મુજબ એવું હોય! પણ બીજી તરફ બચ્ચનભાઈ તો ભાંગ જમાવીને ખુલ્લંખુલ્લા સંજીવ કુમારની પત્ની એવી રેખાની પાછળ પડી જાય છે. આમ હોળીના દિવસે ભાંગ ન પીવી, અને ખાસ કરીને પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના ઘેર હોળી રમવા જાવ ત્યારે તો નહીં જ, એવો સંદેશો પણ યશ ચોપરાએ સિલસિલામાં આપ્યો છે, એ હિન્દી ફિલ્મોની ઊજળી બાજુ ગણવી.

નવી ફિલ્મોમાં યે જવાની હે દીવાનીફિલ્મમાં બલમ પિચકારી જો તુને મુઝે મારીએવું ગીત છે. આ ગીતમાં પણ પિચકારી પ્રતીકાત્મક હોય એવું પ્રતીત થાય છે. કારણ કે આખા ગીતમાં બલમના હાથમાં પિચકારી આવતી જ નથી. કારણ કે બલમને હોળી રમવા કરતાં ઠૂમકા મારવામાં વધુ રસ હોય છે. બલમ રણબીર અને એની બાલિકા દીપિકા આખા ગીતમાં હાથ ઉલાળી ઉલાળીને દોડાદોડી કરવાનું કામ કરે છે. હોળીના દિવસે અહીં અમદાવાદમાં કોઈ આટલું દોડાદોડી કરતું નથી. અહીં તો ટુ-વ્હીલર પર કે કારમાં રંગવા જવાનો રિવાજ છે. પણ આ તો હિન્દી ફિલ્મ છે. એમાં હોય એ બધું સાચું થોડું હોય! અને હોય તો હોય, આપણે શું એ બધી વાતની પંચાત!  

 
 

Sunday, March 16, 2014

આદુ-તુલસીના ગુણોવાળા, ત્વચામાં નિખાર લાવે એવા રંગો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૬-૦૩-૨૦૧૪ રવિવાર




પર્યાવરણ વિષે આપણને લોકો રીતસરના બીવડાવી રહ્યા છે. અમુક વર્ષોમાં અમુક શહેર સમુદ્રમાં ડૂબી જશે. કચ્છના રણમાં બરફ વર્ષા થશે. ચેરાપુંજીમાં દુકાળ પડશે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ચોથું વિશ્વયુદ્ધ પથ્થરથી લડાશે. પાંચમું વિશ્વયુદ્ધ પ્લાસ્ટિકનો કચરો હટાવવા માટે થશે. આવી આગાહીઓ કરવામાં આવે છે. પાછું જે લોકો પર્યાવરણની સૌથી વધુ પત્તર રગડે છે એજ લોકો પર્યાવરણ બચાવ ઝુંબેશો ચલાવે છે! આવી જ એક ઝુંબેશ છે ઇકો-ફ્રેન્ડલી હોળીની.
આ પ્રકારની હોળીમાં પાણી બચાવવાની વાત પણ આવે છે. કમાલ એ વાતની છે કે મુનસીટાપલી એની પાઈપલાઈનોમાં લીકેજ રીપેર કરાવે તો આખું અમદાવાદ શહેર હોળી રમી શકે એટલું પાણી બચી શકે એ તો કોઈ વિચારતું જ નથી! જે લોકો અમેરિકા કે યુરોપ ગયા હશે એમને ખબર હશે કે પાણી વગર અમુક કાર્ય કરવામાં કેટલી તકલીફ પડે! નોન-એસી સલુનમાં વાળ કપાવ્યા પછી કારીગર ફુવારો ન મારે એની વેદના જેણે અનુભવી હશે એ આ પાણી વગર  હોળી રમનારની વ્યથા સમજી શકે. પણ ઘણાં પાણીના મુદ્દે એટલા ઝનુની હોય છે એમનું ચાલે તો ટેક્સ્ટબુકમાંથી ‘પાણી ફેરવવું’, ‘પાણી ઉતારવું’, ‘પગ નીચે રેલો આવવો’, ‘અંજળ પાણી ખૂટવા’ વગેરે રુઢિપ્રયોગો પણ રદ કરાવે!

એન્ગ્રી ક્યા? કૂલ ડાઉન, વી આર જસ્ટ જોકિંગ. પાણીનું મહત્વ અમે સમજીએ જ છીએ, પણ અમને લાગે છે કે હોળી પૂરતી આ બાબત પ્રજાના સ્વવિવેક પર છોડી દેવી જોઈએ.

આમ તો આપણે ત્યાં ધૂળેટી ઉજવવાનો રીવાજ છે, પણ હોળીના દિવસે સ્કૂલ-કોલેજમાંથી છૂટ્યા પછી કમ્પાઉન્ડની બહાર જ એની ઉજવણી શરુ થઇ જાય છે. એમાં પણ મહોબ્બતેંના નારાયણ શંકર જેવા ખડૂસ પ્રકારના ટીચરો રંગના પડીકા જપ્ત કરતા હોવાથી મોટે ભાગે વોટરબેગનું પાણી છાંટીને, પેનથી લીટા કરીને કે ઇન્કથી સ્કુલ ડ્રેસ ખરડીને કામ ચલાવાય છે.

Source : web
એક જમાનામાં ધુળેટીના દિવસે કેસૂડો, ગુલાલ અને પાણી ઉપરાંત છાણ, માટી, ગાડાની મળીનો ઉપયોગ થતો, પછી કાળક્રમે ગળી, ઓઈલ પેઇન્ટ, બળેલું એન્જીન ઓઈલ, ગ્રીઝ, ડાઈ અને હીરાકણી વગેરે વાપરાતુ થયું. આ બધું વપરાય એટલે નહાવા માટે પાણી પણ પુષ્કળ જોઈએ. આ ઉપરાંત અમુક લોકોના ઘેર જાવ તો એમને તમે આખું વર્ષ નહાતા હશો કે કેમ એ અંગે શંકા હોય કે ગમે તેમ પણ એ તમારું સ્વાગત ડોલ ભરીને પાણીથી કરે છે. યજમાને તમને આગળથી ભીના કર્યા હોય તો ઉંધા ફરીને ઊભા રહેવાની ગાંધીજીની શીખને ભૂલીને બદલો લેવા, યજમાનના ચોકડીના નળમાંથી યજમાનની ડોલમાં પાણી ભરી યજમાન અને ખાસ કરીને ત્યાં હાજર મહિલા વર્ગને પલાળવાનો મહિમા છે.    

બીજું, તમે માર્ક કર્યું હશે કે જયારે આપણે સફેદ કે આછા રંગના કપડા પહેરીએ ત્યારે ચા, પાન અને દાળના ડાઘ વધુ પડતા હોય છે. આમાં બુફે ડીનરની લાઈનમાં પાછળવાળો એની થાળીથી આપણા બરડામાં ડાઘ પાડે એ જુદા. આ મર્ફીઝ લો છે, જે કોઈને છોડતો નથી. કુલ મિલાકે આ રીતે જે ચિતરામણ થાય એટલું ચિતરામણ પણ ઇકો-ફ્રેન્ડલી હોળીમાં અધધધ ગણાય છે. એમાં પાછી શોલેના ઠાકુરોની દો ચુટકી રંગવાળી હોળીની ઘો ઘાલી હતી એ નડે. આમ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માન્ય રંગવાળી આંગળી કરીને ગ્રેગ ચેપલની અદાથી સામેવાળાના લમણે અડાડો એટલે હોળી પુરી! હાળું, સામેવાળા સાથે બાથંબાથી કરી, એને લટ્ટી ભીડાવીને પાડી અને એના મોઢા-માથામાં રંગ નાખીને એના દાંત આસમાની ના કરો તો મજા શું આવે, તંબુરો?

આમાં એક વાત સમજો કે તમને પીઝા ભાવતા હોય એ સારું કહેવાય, પણ પીઝાના પટારા ન ભરાય. એમ ઇકો-ફ્રેન્ડલી હોળી રમો, પણ માપમાં રમો. એને માથા પર ચઢાવશો તો વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડેના ધોરણે આમાં પણ કાર્ડ-ગીફ્ટ-સ્વીટ્સ અને આદુ-તુલસીના ગુણોવાળા, ત્વચામાં નિખાર લાવે એવા, હળદર-ચંદનથી યુક્ત, એક્ઝોટિક ખુશ્બુ સભર ઇકો ફ્રેન્ડલી રંગોની વિશાળ શ્રેણી આપણા માથે મારવામાં આવશે. શરૂઆત તો થઇ જ ગઈ છે. જરા ગૂગલ કરી જોજો, કૂકડાના બધા કલર જોવા મળશે!

પણ જો તમને આ બધું ન જ ફાવતું હોય તો નજીકની મોબાઈલની દુકાને જઇને શરીરને લેમિનેટ કરાવી દેવું અને એ પણ ન ફાવે તો પછી ઇસરો ફરી મંગળ પર યાન મોકલે ત્યારે એના ભંડકિયામાં સંતાઈને મંગળ પર જતાં રહેવું. અમે તો આમ જ હોળી રમવાના, થાય એ ભડાકા કરી લો.
બુરા ન માનો હોલી હૈ ...