Sunday, March 02, 2014

ફાટેલી નોટો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૨-૦૩-૨૦૧૪ રવિવાર

આપણા પાકીટમાં ફાટેલી નોટ આવી ગઈ એની જાણ દુકાનદાર ‘આ નોટ નહિ ચાલે, બીજી આપો’ એમ કહી આપણી નોટને રીજેક્ટ કરી દે ત્યારે થાય છે. પછી એ ફાટેલી નોટ ચલાવવાના પ્રયાસો ચાલુ થાય છે. ક્યાંક થાગડ-થીગડ કરીને, ક્યાંક થપ્પીમાં સારી નોટો સાથે, ક્યાંક લાંચ-રુશ્વતમાં, તો ક્યાંક વિશ્વાસે જોયા વગર નોટો લેનારને થમાવી દેવામાં આવે છે. અરે, ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ના ધોરણે લોકો ફાટેલી નોટો મંદિરના ગોલખમાં પધરાવી જતાં પણ ખચકાતા નથી. એમ ગણોને કે આપણે ત્યાં ફાટેલી નોટો ચલાવવાનો ઉદ્યોગ ચાલે છે.

ફાટેલી નોટ ચલાવવી એ એક કળા છે. ખરેખર તો આખી પ્રક્રિયામાં એકલી ફાટેલી નોટનું જ નહિ પણ સાથે સાથે એને ચલાવવાની જવાબદારીનું પણ હસ્તાંતરણ થતું હોય છે. લોકો જૂની, મેલી કે ચોળાયેલીનોટો થોડી રકઝક પછી સ્વીકારી લે છે. પણ ફાટેલી નોટ બદલાવવા બેંકમાં જવું પડે છે. એમાં એક તો નોટની કીમત કરતાં વધુ પેટ્રોલ બાળવું પડે છે અને ઉપરથી ચશ્માધારી નિયમવીરનું નોટ બદલવાના નિયમો ઉપરનું  પ્રવચન સાંભળવું પડે છે. એટલે આવી નોટ બીજાને પધરાવવાનું સહેલું પડે છે.પણ ફાટેલી નોટ પધરાવવામાં વ્યય થતાં સમયને યોગ્ય જગ્યાએ વાપરો તો કદાચ નોટની કિંમત કરતા વધારે કમાઈ શકાય.


થોડા સમય પહેલાં પૈસા ભરવાની લાઈનમાં અમારાથી આગળ ઉભેલા ભાઈએ સોની નોટોની થપ્પી કેશિયરને આપી તો એણે નોટો જોઈ અંગુઠાથી ફીરકી મારી અને નોટો જોઈ મોઢું બગાડીને કહ્યું કે ‘હવેથી રોકડ ભરવા આવો ત્યારે ગાંધીજીને એક સાઈડ કરીને લાવજો.’પેલાએ તો ગોઠવણના અર્થમાં કહેલું, પણ આપણા દેશમાં ગાંધીજી એક સાઈડ પર થઇ ગયા છે એ હકીકત છે. એમાં બે નંબરના વ્યવહારો પૂ. બાપુની સાક્ષીએ થાય છે.એટલામાં કેશિયરે ‘આ નોટ નહિ ચાલે’ કહીને એક સોની નોટ પાછી આપીત્યારે બાપુના ગળા સોંસરો નીકળી ગયેલો ચીરો દેખાતો હતો!

ખેર, આ તો ચલણી નોટોની વાત થઇ પણ આપણે ત્યાં બે પગવાળી ફાટેલી નોટોનો પણ તોટો નથી. આવી નોટો ચલાવવું એ નેવાના પાણી મોભ પર ચડાવવા જેવું કામ છે. ઘણાં પપ્પાઓ, સાળાઓ અને બનેવીઓ પાર્ટ-ટાઈમમાં આવી નોટો ચલાવવાનો ઉદ્યોગ ચલાવતા હોય છે. ફિલ્મ ઉદ્યોગમાં ગત વર્ષોના સફળ સ્ટાર્સના નિષ્ફળ સંતાનો આવી ફાટેલી નોટો છે. તુસ્સાર,ઉદયઅને અભિષેક આના જ્વલંત ઉદાહરણો છે. આ ત્રણેય નોટો અભિનયમાં એવા સાઉથ ઇન્ડિયન સૂપ જેવી છે જેમાં બનાવનારે મહેનત તો પૂરી કરી હોય છતાંય આપણને એમાં કંઈ ‘હવાદ’ ન આવે!

કેટલાક લોકો પાંત્રીસ રૂપિયાની ફાટેલી નોટ જેવા હોય છે, જે આખી હોય તો પણ ન ચાલે. કહે છે કે જે લોકોએ આગલા જનમમાં સાસુની બરોબર સેવા ન કરી હોય એમનો પનારો આવી નોટો સાથે પડતો હોય છે. જોકે બધી ફાટેલી નોટો નકામી નથી હોતી. કોર્પોરેટ વર્લ્ડમાં માલ્યા જેવા માલદાર બાપે છાપીને રમતી મુકેલી સિદ્ધાર્થ જેવી નોટોની ગર્લફ્રેન્ડ થવા માટે પડાપડી થતી હોય છે. જ્યારે રાજકારણમાં આવી બાબા બ્રાન્ડ નોટો લોકોને મનોરંજન અને ટીવી ચેનલોને ધંધો આપતી હોય છે.

લગ્નના માર્કેટમાં સૌથી વધુ પ્રયત્નો ફાટેલી નોટ ચલાવવાના થાય છે.જેમ ફાટેલી નોટ ચલાવવા ઉપર ટેપ લગાડવી પડે છે એમ લગ્નના માર્કેટમાં ફાટેલી નોટ ચલાવવા મેકઅપથી લઈને ફોટોશોપ સુધીના કેટલાય યત્ન કરવા પડે છે. શરૂઆત બાયોડેટાથી થાય છે. એમાં છોકરાના અભ્યાસમાં ચોખવટપૂર્વક બી.ઈ. કોમ્પ્યુટર ન લખ્યું હોય તો ડિપ્લોમાંથી લઈને હાર્ડવેર કોર્સના સર્ટીફીકેટ ધરાવનાર કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે માર્કેટમાં લોન્ચ થઇ જાય છે. બાયોડેટામાં પગાર ‘પાંચ આંકડામાં’લખ્યો હોય, પણ કોઈ ચોક્કસ આંકડો ન પાડ્યો હોય, તો પગાર ૧૦૦૦૦ ગણી લેવામાં વાંધો નહિ. અને કુંડળીમાં મંગળ વિષે સ્પષ્ટતા ન કરી હોય તો મંગળ હશે એમ માની લેવું.

નવી નક્કોર નોટ ફાટેલી નથી હોતી. હોય તો એ ચલાવવામાં ઓછી તકલીફ પડે છે. પણ મેલી નોટ ફાટેલી ન હોય તો પણ ચલાવવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત તમારા દીદાર ઉપરથી પણ લેનાર નોટ ચકાસીને લે છે. મજુર સારી નોટ લઈને જશે તો એની નોટ દુકાનદાર બે વાર ચકાસીને લેશે, પણ તમે સુટ પહેરીને ગયા હોવ તો તમારી ફાટેલી નોટ ચાલી જવાના ચાન્સ વધારે છે. લગ્નના માર્કેટમાં પૈસાદાર માબાપની ફાટેલી નોટો ચાલી જતી હોય છે. એના માટે નસીબ જોઈએ!


1 comment: