Monday, March 10, 2014

પરીક્ષામાં પાસ થવાના ઉપાયો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી | 



વર્ષોથી વિદ્વાનોમાં ‘પરીક્ષા કોની?’ એ બાબતે મતમતાંતર રહ્યા છે. એક તરફ ભૌતિક રીતે વિદ્યાર્થી પરીક્ષા આપે છે. પણ હકીકતમાં પરીક્ષા મા-બાપની થાય છે. પરીક્ષા સન આપે છે પણ ટેન્શન મમ્મીને હોય છે. ‘સન આ વખતે બારમામાં છે’ આ ધ્રુવવાક્ય હજારો ઓફિસોમાં રજા લેવા માટે વપરાયું હશે. બાકીની હજારો ઓફિસમાં ‘ડોટર આ વખતે બારમામાં છે’ વપરાયું હશે. પણ પપ્પાઓ રજા લઇ એવું તો શું કરે છે?


જેમ કોઈ કામ નિર્વિઘ્ને કરવા માટે ગણપતિનું સ્મરણ થાય છે એમ પરીક્ષામાં પાસ થવા માટે પ્રથમ પપ્પાનેયાદ કરો. કારણ કે પપ્પા હાથવગા હોય છે. કોઈપણ પ્રકારના ગોરખધંધા માટે રૂપિયા એમની પાસેથી જ છેવટે ઢીલા કરાવવાના હોય છે. પરીક્ષામાં તૈયારી ઓછી હોય ત્યારે એડમિશનમાં આવતા વિઘ્ન હરવા જે મદદ કરે તે પપ્પાજ હોય છે. પેપર કોણે સેટ કર્યું છે, ક્યાં છપાવા જાય છે અને ક્યાં ચેક થાય છે આ સંબંધિત માહિતીનું ઉત્ખનન કરતું કોઈ નજરે ચઢે તો સમજવું કે આ ભઈનો સન બારમામાં હશે,અને થોડો વિક હશે. અને જો કોઈ ‘આમ તો હોંશિયાર છે, પણ થોડો રમતિયાળ છે’ એવું કહે તો સમજવું કે એ ભઈનો સન ભણવાને બદલે મોબાઈલ પર ન રમવા જેવું રમતો હશે.અને ન કરવા જેવું બીજું ઘણુંય કરતો પણ હશે. આવા સનના ડેડે પરીક્ષા વખતે રજા લેવી યથાર્થ છે.

‘જિંદગીમાં શોર્ટકટથી કશું પ્રાપ્ત નથી થતું’. આવું મજુરી કરનાર માને છે. ‘ભણીને કોનો ઉધ્ધાર થયો છે?’ આવું ધંધો કરનાર માને છે. પણ ‘નોકરી માટે ડીગ્રી જોઈએ, એ કેવી રીતે મેળવી એ કોઈ પૂછતું નથી’. આવું સરકારી નોકરી કરનાર સાહેબ માને છે. ‘આપડે એન્જીનીયર થવાનું, પેમેન્ટ સીટથી થયા એવું ડીગ્રી સર્ટીમાં લખાતું નથી’ આવું રોકડ ઢીલી કરનાર બાપા માને છે.આજકાલ પપ્પાઓ વધારે પ્રેક્ટીકલ થતાં જાય છે. અને ડોબા દીકરાની મારઝૂડને બદલે પ્રેક્ટીકલ રસ્તો શોધવામાં માને છે. આવામાં છોકરાં પાસ થવા શોર્ટકટ જ શોધે જ ને? કાગડાના ઈંડાને થોડા કાળા ચીતરવા પડે?

પણ પાસ થવા માટે પ્રેક્ટીકલ પપ્પા ઉપરાંત થોડી ઈશ્વરની મહેરબાની અને કુદરતની કૃપા હોવી પણ જરૂરી છે. નસીબદાર લોકોને એક્ઝામ હોલમાં નથ્થુલાલ જેટલી હાઈટવાળા સુપરવાઈઝરો આવે છે, જેમની નજર પાછળની બેન્ચ સુધી પહોચતી નથી. એમાં પણ ઉમેદવાર પર કુદરત મહેરબાન ત્યારે કહેવાય જયારે એની ડોક લાંબી હોય, આંખે નંબર ન હોય અને આગળ બેઠેલો હોંશિયાર હોય.આવામાં ૧૫-૨૦ માર્ક વધુ આવવાની શક્યતા ખરી. વળી ઓબ્જેક્ટીવ ક્વેશ્ચનના જવાબો આખા ક્લાસના સરખા જ હોય છે. જાતકને ફીઝીક્સના દાખલા અને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાઓ ભલે યાદ ન રહેતી હોય પણ કયો જવાબ કઈ કાપલી પર લખ્યો છે અને એ શરીરના કયા ભાગ પર સંતાડી છે એ યાદ રહેતું હોય તો બીજા ૧૫-૨૦ માર્કનો જુગાડ થઇ જાય છે. જે ભાગ્યવાનનો નંબર ગ્રાઉન્ડ ફ્લોરની બારી પાસે આવે એ બીજા દસ માર્કનો અધિકારી બને છે. જ્યારે ચાલુ પેપરે ટોઇલેટનો આંટો મારનાર વળતી મુસાફરીમાં પાંચ દસ માર્ક લેતો જ આવે છે. કેટલા થયા? ટોટલ મારો જોઉં. શું કહ્યું? હજી બીજી ટ્રીકો જાણવી છે? બોસ, અહીં ફક્ત પાસ થવાના ઉપાયો બતાવવાના છે, બોર્ડમાં નંબર લાવવાના નહિ. ખોટી કીકો ના મારો.

આજકાલ પેપર તપાસવા માટે પરીક્ષકોને સમય નથી. એક વખતના યુનિવર્સીટી ટોપર એવા અમારા અંકલે અમને સ્કૂલકાળમાં ટીપ આપી હતી. પેપરમાં પહેલો પેરેગ્રાફ જોરદાર લખવો. ફર્સ્ટ ઈમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઈમ્પ્રેશન. આ અંગ્રેજો જે કહેવતો આપી ગયા એ બધી હજુય સાચી પડે છે. એટલે જ દરેક જવાબની પહેલી ત્રણ-ચાર લીટી સોલ્લીડ લખવી. આગળ વાંચવાનો પરીક્ષક પાસે સમય નથી હોતો. સમય બચે તો લીલી-જાંબલી પેનથી હાઈલાઈટ કરવું. વચ્ચે દિલવાલે દુલ્હનિયાની સ્ટોરી લખશો તો પણ વાંધો નથી. પરીક્ષક એને ઉદાહરણ સમજીને માર્ક્સ આપી દેશે. એ પણ વાંચશે તો. નહીં વાંચે તો જવાબની લંબાઈ ફૂટપટ્ટી વગર અંદાજથી માપી એ મુજબ માર્ક્સ આપશે. બીઝી શિક્ષકોમાં આ રિવાજ અતિપ્રચલિત છે. શું લખ્યું એ અગત્યનું નથી, કેટલા પાના ભર્યા એ અગત્યનું છે. આવું સ્વામી અધીરાનંદજી કહે છે.

જોકે પરીક્ષામાં પાસ થવા ક્વેશ્ચન પેપરમાં પચાસ કે સોની નોટ મુકવાની ભૂલ કદી ન કરવી. યાર, ટીચરનું પણ સ્ટેટ્સ હોય છે. એ કંઈ ટ્રાફિક પોલીસ છે કે પચાસની નોટ આપી એટલે જવા દે? એના પગારધોરણ જોઈને રકમ નક્કી કરાય. જોકે ટીચરના પગાર સ્કેલ અને ગ્રેડ પે પ્રમાણેની રકમ આન્સરશીટમાં મૂકવી શક્ય નથી. આમ, ટીચરનું લેવલ ન સમજી શકનાર વિદ્યાર્થી પચાસ સોની નોટ મૂકી છાપે ચઢે છે. આવા વિદ્યાર્થી ભણ્યા તો નથી જ હોતાં પણ ગણ્યા પણ નથી એવું કહી શકાય. એટલા માટે જ આવા સસ્તા ઉપાય કરવાને બદલે સમજુ લોકો પેપર ક્યાં જાય છે તેનું મૂળ શોધવાનું એક્ઝામિનેશન સેન્ટરથી શરુ કરી દે છે. પપ્પાની રજાનો આમ સદુપયોગ થાય છે.

આ આખું વાંચીને તમને થશે કે બોસ તમે આમ પાસ થવાના આડાંઅવળાં રસ્તા બતાવો એ શું યોગ્ય છે? તમને આવું શોભે છે? કદાચ તમને કેજરીવાલને ફરિયાદ કરવાનું પણ મન થાય. પણ હે સુજ્ઞ વાંચક, પરીક્ષામાં જેને પાસ થવું છે એ વિષય સંબંધી પુસ્તક વાંચે છે, અભ્યાસ કરે છે નહીં કે પરીક્ષામાં પાસ થવાના આવા ચાલુ ઉપાયો વાંચે!ખરી વાત છે કે નહિ? 

1 comment:

  1. Amare to em kevatu ke.. University vada.. Badha Paper ne Uladyo kari ne ek GOKHLA ma nakhe.. je ema avi jai peli try ma e First class. Second Try ma e Second class. and Thrid Try ma e Third class.. baki je vadhya ghatya rahe e .. bichara KT vada.. :D

    ReplyDelete