Tuesday, March 04, 2014

બાબો કોમ્પ્યુટરનું કરે છે ..

 
કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૯-૦૨-૨૦૧૪ રવિવાર
 
 
ટાઈટલમાં ‘બાબો’ શબ્દ વાંચીને તમને સોશિયલ મીડિયાનો લાડકો ‘માઈનો’ લાલ યાદ આવ્યો હોય તો અમથી કીકો મારવાનું રહેવા દેજો. તમે સમજો છો એ બાબાની આ વાત નથી. હા, એ બાબાના પપ્પા માટે લાપતા ગંજના છોટુ ઉર્ફે મામાની ભાષામાં ‘કમ્યુટર કા તો કિયા કરતે થે ઉસકે સ્વર્ગીય પિતાશ્રી’ એવું જરૂર કહી શકાય એમ છે. પણ બાબાએ કોમ્પ્યુટરનું કંઈ કર્યું એવું ધ્યાન પર નથી. કદાચ એને કરી નાખવાની હજુ તક નથી મળી.

પહેલાના વખતની ‘બેબી’ અને હાલના સમયની ‘ડોટર’ જયારે પરણવા લાયક થાય ત્યારે અરેન્જડ મેરેજ પ્રથામાં ‘સારો છોકરો હોય તો બતાવજો’ એવું કન્યાના મા-બાપ લાગતા-વળગતાને કહેતા જોવા મળે છે. અને સામેવાળી પાર્ટી જ્યારે છોકરાની વાત લાવે ત્યારે મા-બાપ કુટુંબ કયું છે એ જાણ્યા પછી પહેલો પ્રશ્ન એક જ પૂછે કે: ‘પણ બાબો કરે છે શું?’ તો એના જવાબમાં ‘બાબો  કોમ્યુટરનું કરે છે’ એ સાંભળવા મળવાની સંભાવના પચાસ ટકા કરતાં વધારે છે!

કોમ્પ્યુટર એક અનિવાર્ય અનિષ્ટ છે. ઘણા કોમ્પ્યુટર વગરની જિંદગીની કલ્પના જ નથી કરી શકતાં. ‘આપણા દાદા પરદાદા કોમ્પ્યુટર વગર ઓફિસમાં ટાઈમ પાસ કેવી રીતે કરતાં હશે?’ અને ‘ટીવી વગર સાંજે શું કરતાં હશે?’ તે ઘણાની કલ્પના બહારનો વિષય છે. હવે કોમ્પ્યુટર ઘેરઘેર જોવા મળે છે. હા, ઘણાના ઘેર કોમ્પ્યુટર હોય છે, અમુક વાપરતા પણ હોય છે. ઘેર ઘેર કોમ્પ્યુટર જેટલાં સુલભ છે એટલાં જ કોમ્પ્યુટર એન્જીનીયર પણ.

કોમ્પ્યુટર બહુ વાઈડ ફીલ્ડ છે. એટલે કોમ્પ્યુટરનું કરનાર જાતજાતનું અને ભાતભાતનું કરે છે. પણ ખરેખર શું કરે છે એ યક્ષપ્રશ્ન છે. કારણ કે એમાં સોફ્ટવેર પ્રોગ્રામિંગથી માંડીને કિ-બોર્ડને બ્લોઅર મારીને સાફ કરવા જેવા મેઇન્ટેનન્સનાં કામ અને લોડીંગ રીક્ષામાં કોમ્પ્યુટરના કન્સાઈનમેન્ટ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ આવી જાય.માન્યું કે કોમ્પ્યુટરનું મેઇન્ટેનન્સ કે હેરફેર એ કોઈ ઉતરતું કામ નથી. પણ ‘અગર કોમ્પ્યુટર નહિ કિયા તો કુછ નહિ કિયા’સાવ એવી માન્યતા પણ ખોટી છે. અમે કોમ્પ્યુટરનું નથી કરતા એટલે અમારા આ સ્ટેટમેન્ટને ઈર્ષાથી પ્રેરિત ન ગણવું. આ તો કોમ્પ્યુટરનું કશું પણ કરનાર બાબા કે બેબીના કૃતકૃત્ય મમ્મી-પપ્પાના અહોભાવ અંગે અમે લગીર હીનભાવ વ્યક્ત કર્યો.

અને કોમ્પ્યુટરનું તો ઘણા કરે છે. દર પાંચમાંથી ત્રણ છોકરાં કોમ્પ્યુટરનું કરે છે. એટલાં બધાં કરે છે કે ભારતમાં કોમ્પ્યુટરનું કરનારને એકના માથા ઉપર બીજાને ઊભો રાખી લાઈન કરીએ તો લાઈન ચન્દ્ર સુધી પહોંચે. અને એમ થાય તો આપણે ચન્દ્ર ઉપર યાન મોકલવા માથાકૂટ કરવી મટે. માણેકચોકના રાત્રી બજારમાં કે ચાની કીટલી પર ‘આટલામાં કોઈ કોમ્પ્યુટર/સોફ્ટવેરનું કરે છે?’ એવો પ્રશ્ન પૂછી જોજો. ત્યાં ઉભેલા સિત્તેર ટકા છોકરાં હાથ ઊંચો કરશે.

ઘણા બાબાઓ કોમ્પ્યુટરનું કરવા પરદેશ જતા હોય છે. પણ ત્યાં એ લોકો કોમ્પ્યુટરનું શું કરે છે એનો ઘરનાને વિગતવાર ફોડ પડતા નથી. ઉપરાંત જતી વખતે આઉટડેટેડ કોમ્પ્યુટર પાડોશીઓના ભરોસે મુકતા જતા હોય છે. એક કાકાએ એમના છોકરાએ મોકલેલા પોલર વર્ટેક્સપછીના ફોટાડાઉનલોડ કરવા અમને બોલાવેલા. નેટવર્ક સ્ટોરેજ પર 170 Hi-Res ફોટા હતા અને કાકાને બ્રોડબેન્ડમાં ઇકોનોમી પ્લાન! અમે કીધું 'કાકા, અમેરિકા રૂબરૂ જઈને ફોટા લઇ આવો સસ્તું પડશે...'!

આ આખી વાતમાં ‘કરવું’ મુખ્ય છે.પણ કરનારા કશું કહેતા નથી હોતા. મુરલી મનોહર ખુદ આખા મહાભારતના કર્તા હતા પણ અર્જુન સાવ પાણીમાં બેઠો નહિ ત્યાં સુધી બોલ્યા નહોતા કે આ બધું કરનાર હું જ છું (अहं कृत्स्नस्य जगत:). બાબાઓ પણ કોમ્પ્યુટરનું કરતા હોય છે પણ એ લોકો શું કરતા હોય છે એ ઘરનાથી પણ ગુપ્ત રાખતા હોય છે. છતાં બાબાઓના માબાપ આખી દુનિયાને કહેતા ફરતા હોય છે કે અમારો બાબો કોમ્પ્યુટરનું કરે છે. એમાં ભઈકોમ્પ્યુટરનું ભણે છે, ધંધો કરે છે, પ્રોગ્રામિંગ કરે છે, રીપેરીંગ કરે છે કે સાફસુફી કરે છે એની આપણને ખબર કેમ પડે?

આમેય ‘કરી નાખવું’ શબ્દ આપણા ત્યાં પોઝીટીવ નથી ગણાતો. કોમ્પ્યુટર પહેલાં લોકો શેર-બજારનું કરતા. એમાં ખરેખર લોકોનું કરી નાખવાનું આવતું. કેટલીક કંપનીઓ ‘કરુ કંપની’ તરીકે જાણીતી થઇ હતી. એટલે જ આ ‘બાબો કોમ્પ્યુટરનું કરે છે’ એ વિધાન અમને ખાસ જચતું નથી. જોકે બાબો ગામનું કરે એના કરતા કોમ્પ્યુટરનું કરે એ સારું!
કુર્યાત સદા કોમ્પ્યુટરમ્ ...

2 comments:

  1. Hahaha... અમે કોમ્પ્યુટરનું કરીએ છે... અને મારા દાદા અને બા તો ઘરે ઘંટી કે વોશિંગ મશીન ના ચાલતું હોય તોય મને જ કહે, કે તું તો કોમ્પ્યુટરનું કરે છે આ ઘંટી સરખી કરી આપ...

    ReplyDelete
  2. આમાંને આમાં સોફ્ટવેરની સાથે અમને હાર્ડવેર પણ આવડી ગયું છે ;)

    ReplyDelete