Tuesday, November 25, 2014

કોમ્પ્યુટર જ્ઞાતિના લોકો


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | 
| ૨૩-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |
આપણે ત્યાં વર્ણ ને જાતિ આધારિત કામની પ્રથા ભૂંસાઈ રહી છે. બ્રાહ્મણો કર્મકાંડ કરે. વણિકો વેપાર કરે. સુથાર લાકડાંકામ, લુહાર લોખંડકામ, કુંભાર માટીકામ કરે એવી પરંપરા હતી. હવે તો મી. ગોર કોમ્પ્યુટર એક્સપર્ટ પણ હોય ને ડૉ. દરજી ઓપરેશન કરતાં હોય એવું બને. જ્ઞાતિનાં આધાર પર લોકો નોકરી-ધંધો કરે એવો આગ્રહ હવે રાખી શકાય નહીં. એવો આગ્રહ રાખીએ તો કોમ્પ્યુટર સંબંધિત કાર્યો માટે આપણે વિદેશી એન્જીનીયરો લાવવા પડે. કારણ કે આપણે ત્યાં કોમ્પ્યુટર નામની કોઈ જ્ઞાતિ નથી. આમ જૂની વર્ણ અને જ્ઞાતિપ્રથા હવે અપ્રસ્તુત છે. તો એનાં બદલે શું હોવું જોઈએ એ પણ વિચારકોએ ફુરસદ મળ્યે વિચાર કરવો ઘટે.


આમ જુઓ તો આજકાલ જ્ઞાતિપ્રથાને બદલે નોકરી-ધંધા પ્રમાણે લગ્ન થવા લાગ્યાં છે. જેમ કે ડોક્ટર ડોક્ટરની નાડી ઝાલે છે. સીએ સીએને પરણી બેલેન્સશીટ મજબુત કરે છે. એક્ટર સાચા અગ્નિની સાક્ષીએ એક્ટ્રેસ સાથે ફેરા ફરે છે. આવા લગ્ન થતાં હોય ત્યારે કોઈ ‘યે શાદી નહી હો સકતી’ કરી રંગમાં ભંગ પડાવવા નથી આવી જતું. સરકારી કર્મચારી પોતાની છોકરી કોઈ પેન્શનેબલ સરકારી કર્મચારીને પરણે તેવું કરે છે. ફોજી બાપ પોતાની છોકરી કોઈ સર્વિસમેન સાથે પરણે એવા આગ્રહ રાખે છે. એન્જીનિયર એન્જીનિયરને પરણે છે, એમાંય સોફ્ટવેર એન્જીનીયર સોફ્ટવેર એન્જીનિયરને જ પોતાનાં જીવનમાં ઇન્સ્ટોલ કરે છે.

અમારા મત મુજબ હવે નવેસરથી જ્ઞાતિ પ્રથા શરુ થવી જોઈએ. લોકોને એમનાં કામ પ્રમાણે જુદીજુદી જ્ઞાતિમાં વહેંચી દેવામાં આવે તો? કદાચ એમની વચ્ચે મનમેળ વધારે રહે. રાજકારણી જ્ઞાતિ, ડોક્ટર જ્ઞાતિ, સરકારી કર્મચારી જ્ઞાતિ, બિલ્ડર જ્ઞાતિ, કોન્ટ્રાક્ટર જ્ઞાતિ, લશ્કર જ્ઞાતિ, ટેલીકોમ જ્ઞાતિ, માર્કેટિંગ જ્ઞાતિ, અને એક કોમ્પ્યુટર જ્ઞાતિ હોય જેની બે પેટા જ્ઞાતિ હાર્ડવેર અને સોફ્ટવેર હોય.
કોમ્યુટર જ્ઞાતિમાં બાળક જન્મે કે ડાઉનલોડ થાય એટલે એને યુનિક આઈપી એડ્રેસ આપવામાં આવે જેથી જયારે જરૂર પડે ત્યારે આ બાળક વિષે માહિતી મળી રહે. કોમ્પ્યુટર જ્ઞાતિના લોકો બાળકોને નાનપણથી એ ફોર એપ્સ, બી ફોર બગ્સ, સી ફોર ચીપ્સ, ડી ફોર ડિસ્ક એવી એબીસીડી શીખવાડે. બાળક ત્રણ વર્ષનું થાય એટલે એની ગેમ સંસ્કાર વિધિ કરવામાં આવે. વખત જતાં આ જ્ઞાતિના કિડ્ઝ મોમના ટેબ ઉપર જ ગેમ્સ રમતા થાય અને એ ટેબથી જ નેબર્સનાં કોમ્પ્યુટર અને વાઈફાઈ હેક કરવા જેવી તોફાન મસ્તી કરતાં થાય.

આ જ્ઞાતિના લોકો સામાન્ય રીતે સેઈન્ટ સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સના ફોલોઅર હોય. સવારે ઉઠીને આ જ્ઞાતિના લોકો પ્રભાતે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ દર્શન કરતાં હોય. ઓફિસે જઈ ડેસ્કટોપ આગળ એલઇડી કરે અને બેસતા વર્ષના દિવસે ગુગલેરેશ્વર દેવનાં દર્શને જાય. દશેરાના દિવસે આ જ્ઞાતિના લોકો કી-બોર્ડ અને માઉસની પૂજા કરતાં જોવા મળે. વર્ષે બે વર્ષે તેઓ સાઇબરાબાદની તીર્થયાત્રા કરી પાછાં આવી પેનડ્રાઈવનાં પ્રસાદ પડોશીઓમાં વહેંચે. ભારતમાં ઇન્સોસીસ અને અમેરિકામાં રહેતા આ જ્ઞાતિના લોકો માઈક્રોસોફ્ટ અને એપલના હેડક્વાર્ટર્સનાં પગપાળા સંઘ કાઢતા જોવા મળે.

કોમ્પ્યુટર જ્ઞાતિના વડીલો પણ બીજી અન્ય જ્ઞાતિના વડીલોની જેમ ઉંમર પકાઉ જોવા મળે. જેમ કે એક દાદા પોતાનાં જમાનાના ૪૮૬ કોમ્પ્યુટર અને ફ્લોપી ડ્રાઈવની વાતો કરી બાળકોને રંજાડતા હોય. બા પોતે કોમ્પ્યુટરનો કોર્સ કર્યા છતાં હજુ ફેસબુકમાં કેપિટલમાં કોમેન્ટ પોસ્ટ કરી ત્રાસ મચાવતાં હોય. મામાઓ ડોટ-મેટ્રીક્સ પ્રિન્ટરની રીબન રીફ્લ કરવાની કોમેડી સ્ટોરીઓ કહેતાં હોય. ક્યાંક માસીઓ કોમ્પ્યુટરના બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટરની ને કાકાઓ પોતાનાં જમાનામાં ૪૦ એમબીની હાર્ડ ડિસ્ક હતી એની વાતો કરી બાળકોને અચરજમાં ડૂબાડી દેતાં જોવા મળે.

કોમ્પ્યુટર જ્ઞાતિની યુવાપેઢી જનરલી ફાસ્ટ હોય. એ લોકો ઓકે ને બદલે કે, ટોક ટુ યુ લેટરને બદલે ટીટીવાયએલ, એવા ટૂંકાક્ષરીમાં વાત કે ચેટ કરતાં જોવા મળે. એકંદરે આમ કરવાથી બચેલા સમયમાં એ લોકો ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર ડીલ્સની શોધમાં વ્યતિત કરતાં હોય. આ જ્ઞાતિના લોકોના ખાસ કરીને યુવા વર્ગના કી-બોર્ડની ડીલીટ અને બેકસ્પેસની કી ઘસાઈ ગયેલી જોવા મળે. જનરેશન એક્સનો મોટાભાગનો સમય મોબાઈલનાં સ્ક્રીનનું લોક ખોલવામાં જતો હોય. ગામનાં લોકો ભલે એમને કયો મોબાઈલ કે કોમ્પ્યુટર ખરીદાય એવું પૂછતાં હોય, પણ તેઓ પોતે કોઈ ભંગાર બ્રાન્ડના મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ભરાયેલા જોવા મળે!

આ જ્ઞાતિનાં મેળાવડા તો ઓનલાઈન જ થાય  ને? કારણ કે મા-બાપ, ફોઈ-કાકા, અને મામા-માસીઓ સૌ ટેક સેવિ હોય અને દરેકના ઘરમાં કોમ્પ્યુટરના મૂળભૂત સાધનો અને જાણકારી તો બ્લડમાં હોય. એરેન્જડ મેરેજમાં પરણવા લાયક સંતાનોનાં માબાપ એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં અમુક અક્કડ છોકરાના મા-બાપ સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો જ વાત આગળ વધારે. પછી છોકરા-છોકરી એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં મુરતિયો કે કન્યા વિદેશ હોય તો એની કુટુંબ સાથે ૩-ડી મુલાકાત ગોઠવાય. ઓનલાઈનમાં જો આગળ વધવા જેવું લાગે તો પછી ઓફલાઈન મળવાનું ગોઠવાય. રૂબરૂ મુલાકાતમાં પણ કેટલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ છે, કદી હેકિંગ કર્યું છે કે નહી?, વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ જવું પડે?, કંપની શેર આપે છે કે નહી? સોફ્ટવેર ઓરીજીનલ વાપરે છે કે પાઈરેટેડ? અને વિન્ડોઝ કે મેક જેવા સવાલો સ્ટેટ્સ નક્કી કરવા પૂછાતાં હોય. 

એક વાર લગ્ન નક્કી થાય એટલે ઈ-કંકોત્રીઓ વહેંચાય. ખમતીધર લોકો ચાંદીની પેનડ્રાઈવમાં ઈ-કંકોત્રી મોકલે. ચાંદલા પણ આરટીજીએસથી પપ્પાના એકાઉન્ટમાં જમા કરવાના હોય. ગિફ્ટ્સ પણ બધી ઓનલાઈન શોપિંગમાંથી ઘેર ડીલીવર થાય એમ હોઈ, કવરમાં કુરિયરનો ટ્રેકિંગ નંબર જ ચાંદલા કાઉન્ટર પર જમા કરાવવામાં આવે. આ સમાજમાં લગ્નવિધિ પણ હાઈટેક હોય. લગ્નના લાઈવ ફીડ ટેલીકાસ્ટ થતાં હોય. મઝા તો એ આવે કે હસ્તમેળાપ, ફેરા જેવી દરેક વિધિ પછી કન્યા અને વરરાજાએ રીસ્ટાર્ટ થવા પોતપોતાનાં રૂમમાં જઈને પાછું આવવું પડે એવો રિવાજ હોય !

જોકે આવી જ્ઞાતિ પ્રથા હોય અને જેમ આપણે ત્યાં બને છે એમ ખેડૂતના છોકરાને ખેડૂત બનાવામાં શરમ આવે તો? પછી તો કોમ્પ્યુટર જ્ઞાતિવાળો જો ડોક્ટર બને. સંસ્કાર અને જીન્સ કોમ્પ્યુટરના હોય અને કામ ડોક્ટરનું. ઓપરેશન પહેલાં પ્રોગ્રામ લખે. ને પાઈરેટેડ એન્ટીવાઈરસ પેશન્ટને આપી દે તો પેશન્ટના રામ રમી જાય. આવા તો કેટલાય કન્ફ્યુઝન થાય! એનાં કરતાં જેમ છે એમ ચાલવા દો!

Sunday, November 23, 2014

કિસ ઓફ લવ અમદાવાદમાં ?

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૧૧-૨૦૧૪

મોરલ પોલીસીંગના વિરોધમાં કોઝીકોડ અને દિલ્હીમાં યોજાયેલ કિસ ઓફ લવ અમદાવાદ પહોંચશે એવા સાચા-ખોટાં સમાચારથી લોકલ યંગિસ્તાન જાહેર ‘ચુમણા’ (ચુંબન + ધરણા = ચુમણા) ના આ કાર્યક્રમ બાબતે ખુબજ ઉત્સુક છે. એટલું જ નહીં આ અફવાને પગલે ટુથપેસ્ટ અને ટુથબ્રશનાં વેચાણમાં ઉછાળો આવ્યાના અનકન્ફર્મડ ન્યૂઝ પણ મળ્યા છે. નવરંગપુરામાં જ્યાં બહુ બધી કોલેજીસ આવી છે તે વિસ્તારમાં આવેલાં કેટલાંક પ્રોવિઝન સ્ટોર્સમાં ટુથબ્રશનાં કાળાબજાર થવાની ધાસ્તી પણ સર્જાઈ છે. અમદાવાદ રેલવેની બિનસત્તાવાર યાદી મુજબ એકંદરે ૬૫૪ યુવાનોએ આ દિવસે બહારગામ જવાના રિઝર્વેશન કેન્સલ કરાવ્યા છે. સુરત અને રાજકોટની રસ ધરાવતી પાર્ટીઓ ‘કિસ ટુરીઝમ’ના બહાને બસો ભરીને અમદાવાદમાં ઠલવાય તેવી ટ્રાફિક પોલિસને આશંકા છે.

‘સૂત્રો’ નામના સખ્શ દ્વારા મળેલા એકદમ સત્તાવાર લાગતા બિનસત્તાવાર અહેવાલમાં અમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી છે. ‘ચુમણા’ સત્તાવાળાઓ માટે માથાનો દુખાવો સાબિત થાય તેમ છે. બે પાત્રોના હોઠ એકબીજાની કેટલા નજીક આવે તો એને IPC Section 294 A મુજબ જાહેરમાં અભદ્ર ચેનચાળા ગણી શકાય એ બાબતે મતમતાંતર છે. ગાલ પર ભરેલી ‘બકી’ અભદ્ર ગણાય કે નહિ એ બાબતે કાનૂની અભિપ્રાય લેવાઈ રહ્યો છે. ચુંબનકારીઓ દ્વારા કપાળ, બોચી, બરડા કે કોણી પર કરાયેલા ચુંબનો બાબતે પણ એકમત સાધી શકાયો નથી. પોલીસખાતાનાં વાંઢાઓ તથા બગીચાઓમાં પ્રેમીપંખીડા પાસેથી તોડ-પાણી કરતાં તત્વો તો ચ્યુંઈંગ ગમ ચાવનારને પણ અંદર કરી દેવાના મિજાજમાં હોવાનું કહેવાય છે. પણ કાયદેસર કાર્યવાહી માટે ચુંબનની ક્રિયા સંપન્ન થયેલી હોવી જરૂરી હોઈ ક્રિકેટના થર્ડ અમ્પાયરો તથા કુસ્તીના રેફરીઓની મદદ લેવાય તેવી વકી છે.

સામાન્ય રીતે ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડામાં થતા ઉસરપાટા પછી સ્થાનિક પ્રશાસને માલ ખાય મનીષા અને વાસણ માંજે મંજુલાના ધોરણે સાફસુફીમાં લાગી જવાનું હોય છે, પણ આ કિસ્સામાં એવી કોઈ શક્યતા નથી. છતાં પ્રવર્તમાન ટ્રીપલ સિઝનમાં ચુમણા  ઉમેરાતા ઇન્ફેકશનનાં કિસ્સા વધશે એ ધાસ્તીથી હોસ્પિટલો અને ડોક્ટરોને સાબદાં કરાશે. સરકારે પ્રસંગની ગંભીરતા જોઈ એક હેલ્પલાઈન પણ ચાલુ કરી છે. ‘લવ ન હોય તો પણ કિસ ઓફ લવમાં ભાગ લેવાય?’ એ કિસિંગ હેલ્પલાઈન પર સૌથી વધું પુછાતો પ્રશ્ન હોવાનું જાણવા મળ્યું છે.

કિસ ઓફ લવ કેમ્પેઈનના આયોજકો પણ આ ઇવેન્ટને ગંભીરતાથી જોઈ રહ્યા છે અને પ્રસંગ સારી રીતે પાર પડે તે માટે કેટલાંક નિયમો જાહેર કર્યા છે. આવા ઇવેન્ટમાં લુખ્ખાઓ ન ઘુસે તે માટે એકલા આવનાર માટે સ્થળ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જોકે આની આડઅસર રૂપે શહેરમાં બાયનોક્યુલર તથા ચશ્માની ખરીદી અને રીપેરીંગના કામમાં ઉછાળો આવ્યો હોવાનું બાર કુમાર ઓપ્ટીશીયનનાં આધેડ માલિકે જણાવ્યું હતું. ચશ્માની દુકાનો પર આધેડ અને વૃદ્ધોની ભીડ જામી હોવાનાં ફોટાં પણ વોટ્સેપ પર ફરી રહ્યા છે. ચુમણામાં ખુલ્લા મને અને ચહેરે ભાગ લેવાની શરત હોઈ બુકાનીધારીઓને ચુમણામાં ભાગ લેવા દેવામાં નહી આવે. ભાગ લેનારાઓને પ્રેક્ટીસ અને વોર્મિંગઅપ ઘેર/ હોટલ/ બગીચામાં કરીને આવવાની તાકીદ પણ કરવામાં આવી છે. છોકરાં-છોકરીની ઊંચાઈમાં ફેર હોય તેવા કિસ્સામાં આયોજકો પાટલા અને સ્ટુલ પુરા પાડશે.

આ કાર્યક્રમ જોશોજુનુનથી પાર પડે, તથા નવ-ચુમ્બકોને માર્ગદર્શન મળી રહે તે માટે આયોજકો એ ઈમરાન હાશ્મીના ઉત્કટ ચુંબન દ્રશ્યોની વિડીયો ક્લીપો વોટ્સેપ મારફતે ફરતી કરી છે. ક્રૂકેડ અને પ્રોટ્રુડીંગ ટીથવાળા જાતકોને કલ્કી કોચલીન, આફતાબ શિવદાસાની અને આશિષ નેહરા ‘ગુગલ હેંગાઉટ’ પર દોરવણી આપે એ માટે પણ પ્રયાસો થઈ રહ્યાં છે.

સૂર્યનમસ્કારથી લઈને ચેસ સુધી છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદમાં થનારા ઇવેન્ટ કોઈના કોઈ રેકોર્ડ કરે છે. કિસ ઓફ લવ પણ એક રેકોર્ડ કરશે એ આશાએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓને રેકોર્ડની ચકાસણી કરવા હાજર રાખવામાં આવશે. ગિનીઝ વર્લ્ડનાં ક્રીસ ગેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે ફ્લાઈંગ કિસને રેકોર્ડની ગણતરીમાં લેવામાં નહી આવે. કિસ સાચી છે કે નહીં એ નક્કી કરવા ગિનીઝ અધિકારીઓ પોતાના રેફરી પણ મુકશે.

અત્યારે માહોલ એવો છે કે સામાન્ય રીતે આળસુ અને છેલ્લી ઘડીએ જાગનાર જનરેશન એક્સએક્સ અને એક્સવાય બેઉ કિસના કિસ્સામાં આગોતરી તૈયારીઓમાં પડી છે. કામમાં અડચણરૂપ ન થાય તે માટે દાઢી-મૂછ મુંડાવવા સલુંનોમાં લાઈનો લાગી હોવાનું જણાય છે. આયોજકો દ્વારા લીપ્સ્ટીક ટચઅપની મફત સેવા આપવામાં આવે તો સંખ્યા વધી શકે છે એવું પણ એક અનુમાન છે. જોકે આવા ઇવેન્ટથી મા-બાપની ઊંઘ હરામ થઈ ગઈ છે. છોકરાં એ દિવસે ઘેર રહે તો કેટલાક મા-બાપોએ સ્માર્ટ ફોન લઈ અપાવવાની ઓફર પણ કરી છે. પત્નીઓએ પણ પતિઓ પર ચાંપતી નજર રાખવી પડશે એવું કિટી પાર્ટીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે જોનારાંનાં બે અને ચુંબન ચોરનારનાં ચાર હોઠ હોય છે એટલે ધાર્યું કોનું થાય છે એ હવે આવનાર સમય જ બતાવશે!

મસ્કા ફન
આપવું હોય તો આપ રોકડું અને આજે
ચુંબનનાં કંઈ પોસ્ટ-ડેટેડ ચેક હોય !

Wednesday, November 19, 2014

ટોઇલેટ બ્રેકિંગ ન્યૂઝ
વર્લ્ડ ટોઇલેટ ડે પર ...
----
નેતાઓ તો હાકલો કરતાં હોય છે. ઘણાં નેતાઓની હાકલ અસરકારક હોય છે. જેમ કે બાપુની 'ક્વિટ ઇન્ડિયા' કે સુભાષજીની 'ચલો દિલ્હી'ની હાકલે દેશપ્રેમ ઉભરાવી દીધો હતો. હમણાં આપણા પીએમ સાહેબે વધું ટોઇલેટ બનાવવાની હાકલ કરી. વાત ટોઈલેટની કમી અને એનાં પરિણામો અંગે છે. એવું જાણવા મળે છે કે ભારતની ૧૨૧ કરોડની વસ્તીમાં ૯૦ કરોડ ઉપરાંત મોબાઈલ કનેક્શન છે, પણ ૧૨૧માં થી અડધો અડધ એટલે કે ૬૦ કરોડ લોકો પાસે ટોઈલેટ સુવિધા નથી. એટલે ટોઇલેટ હોવા જોઈએ એ વાત એકદમ વાજબી છે. પણ કેટલાક ઉત્સાહી લોકો અડધી હાકલ સાંભળીને દોડવા લાગે છે એથી તકલીફ થાય છે. સાહેબના કેટલાક અનુયાયીઓ આજકાલ જોર-શોરથી ટોઇલેટના સમર્થનમાં લાગી ગયા છે એ જોતાં આવા બ્રેકિંગ ટોઇલેટ ન્યુઝ સંભાળવા મળે તો નવાઈ ન પામતા.

 • વિજાપુરમાં સાહેબના એક ટેકેદારે ટોઇલેટમાં ચાઈનીઝ સિરીઝ મૂકી શણગાર્યું.
 • મહેસાણામાં દર વર્ષે શ્રેષ્ઠ અને સ્વચ્છ ટોઇલેટને એવોર્ડ અપાશે.
 • અમદાવાદમાં એક બિલ્ડર ભાઈએ કૂતરા માટે લક્ઝુરીયસ અને મોડર્ન એમીનીટીઝ સાથેનું ટોઇલેટ બનાવ્યું.
 • બાવળાના એક સમર્થકે સવારમાં ટોઈલેટમાં જઈ ડાબલામાંથી એક ચમચી પાણી પીધા પછી જ પ્રાત:ક્રિયાઓ કરવાની શરું કરવાની ટેક લીધી.
 • ડાંગમાં પતરાના ડબલા સાથે ટોઇલેટ સમર્થકોએ રેલી કાઢી.
 • અલથાણ પક્ષ કાર્યાલયમાં ખુરશીઓને સ્થાને યુરોપીયન કમોડ મુકાયા.
 • ટોઇલેટ ફ્લશિંગનો રિંગ ટોન ગયા અઠવાડિયે સુરતમાં સૌથી
  વધારે ડાઉન લોડ થયો.
 • જૂનાગઢમાં સભ્ય શ્રી અઠવાડિયામાં એક દિવસ પબ્લિક ટોઇલેટમાં ડબલું લઈ પાણી સેવા પૂરી પાડશે. પોતાની ગ્રાન્ટમાંથી ટેન્કરની વ્યવસ્થા કરી.
 • કાથરોટામાં એક સમર્થકે સંડાસમાં બીડી ન પીવાની પ્રતિજ્ઞા લીધી. બીજા સો લોકો પાસે પણ પ્રતિજ્ઞા લેવડાવશે એવો નિર્ધાર જાહેર કર્યો.
 • જસદણમાં એક સાહેબ ભક્તે પોતાના ગાય-બળદ માટે અલગ ટોઇલેટ બનાવ્યુ.
 • ઉલાસણમાં સ્થાનિક નેતાએ શ્રમદાન કરી બાંધેલા જાહેર
  શૌચાલયનું ઊભા પગે બેસી લોકાર્પણ કર્યું.
 • રાજકોટમાં ઇ-ટોઇલેટ હોટ ફેવરીટ. ટોઈલેટમાં રેડિયો, ટીવી પછી હવે કોમ્પ્યુટર મુકાયા. સ્વચ્છતા માટે વોઇસ એક્ટીવેટેડ કિ-બોર્ડનો વ્યાપક ઉપયોગ.
 • ઉત્તરસંડામાં ફ્લશ ટેન્કમાં અત્તર નાખવાની નવી પ્રથા શરું થઈ.
 • વિરોધ પક્ષના એક નેતાએ ટોઈલેટમાં સાહેબનો ફોટો મૂક્યો હોવાનું જાણવા મળે છે. ફોટો ચૂર્ણ કરતાં વધું અકસીર સાબિત થયો હોવાનાં અંદરનાં સમાચાર છે.

(આ હાસ્યલેખ છે બકા!)