Sunday, November 23, 2014

કિસ ઓફ લવ અમદાવાદમાં ?

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૧૧-૨૦૧૪

મોરલ પોલીસીંગના વિરોધમાં કોઝીકોડ અને દિલ્હીમાં યોજાયેલ કિસ ઓફ લવ અમદાવાદ પહોંચશે એવા સાચા-ખોટાં સમાચારથી લોકલ યંગિસ્તાન જાહેર ‘ચુમણા’ (ચુંબન + ધરણા = ચુમણા) ના આ કાર્યક્રમ બાબતે ખુબજ ઉત્સુક છે. એટલું જ નહીં આ અફવાને પગલે ટુથપેસ્ટ અને ટુથબ્રશનાં વેચાણમાં ઉછાળો આવ્યાના અનકન્ફર્મડ ન્યૂઝ પણ મળ્યા છે. નવરંગપુરામાં જ્યાં બહુ બધી કોલેજીસ આવી છે તે વિસ્તારમાં આવેલાં કેટલાંક પ્રોવિઝન સ્ટોર્સમાં ટુથબ્રશનાં કાળાબજાર થવાની ધાસ્તી પણ સર્જાઈ છે. અમદાવાદ રેલવેની બિનસત્તાવાર યાદી મુજબ એકંદરે ૬૫૪ યુવાનોએ આ દિવસે બહારગામ જવાના રિઝર્વેશન કેન્સલ કરાવ્યા છે. સુરત અને રાજકોટની રસ ધરાવતી પાર્ટીઓ ‘કિસ ટુરીઝમ’ના બહાને બસો ભરીને અમદાવાદમાં ઠલવાય તેવી ટ્રાફિક પોલિસને આશંકા છે.

‘સૂત્રો’ નામના સખ્શ દ્વારા મળેલા એકદમ સત્તાવાર લાગતા બિનસત્તાવાર અહેવાલમાં અમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી છે. ‘ચુમણા’ સત્તાવાળાઓ માટે માથાનો દુખાવો સાબિત થાય તેમ છે. બે પાત્રોના હોઠ એકબીજાની કેટલા નજીક આવે તો એને IPC Section 294 A મુજબ જાહેરમાં અભદ્ર ચેનચાળા ગણી શકાય એ બાબતે મતમતાંતર છે. ગાલ પર ભરેલી ‘બકી’ અભદ્ર ગણાય કે નહિ એ બાબતે કાનૂની અભિપ્રાય લેવાઈ રહ્યો છે. ચુંબનકારીઓ દ્વારા કપાળ, બોચી, બરડા કે કોણી પર કરાયેલા ચુંબનો બાબતે પણ એકમત સાધી શકાયો નથી. પોલીસખાતાનાં વાંઢાઓ તથા બગીચાઓમાં પ્રેમીપંખીડા પાસેથી તોડ-પાણી કરતાં તત્વો તો ચ્યુંઈંગ ગમ ચાવનારને પણ અંદર કરી દેવાના મિજાજમાં હોવાનું કહેવાય છે. પણ કાયદેસર કાર્યવાહી માટે ચુંબનની ક્રિયા સંપન્ન થયેલી હોવી જરૂરી હોઈ ક્રિકેટના થર્ડ અમ્પાયરો તથા કુસ્તીના રેફરીઓની મદદ લેવાય તેવી વકી છે.

સામાન્ય રીતે ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડામાં થતા ઉસરપાટા પછી સ્થાનિક પ્રશાસને માલ ખાય મનીષા અને વાસણ માંજે મંજુલાના ધોરણે સાફસુફીમાં લાગી જવાનું હોય છે, પણ આ કિસ્સામાં એવી કોઈ શક્યતા નથી. છતાં પ્રવર્તમાન ટ્રીપલ સિઝનમાં ચુમણા  ઉમેરાતા ઇન્ફેકશનનાં કિસ્સા વધશે એ ધાસ્તીથી હોસ્પિટલો અને ડોક્ટરોને સાબદાં કરાશે. સરકારે પ્રસંગની ગંભીરતા જોઈ એક હેલ્પલાઈન પણ ચાલુ કરી છે. ‘લવ ન હોય તો પણ કિસ ઓફ લવમાં ભાગ લેવાય?’ એ કિસિંગ હેલ્પલાઈન પર સૌથી વધું પુછાતો પ્રશ્ન હોવાનું જાણવા મળ્યું છે.

કિસ ઓફ લવ કેમ્પેઈનના આયોજકો પણ આ ઇવેન્ટને ગંભીરતાથી જોઈ રહ્યા છે અને પ્રસંગ સારી રીતે પાર પડે તે માટે કેટલાંક નિયમો જાહેર કર્યા છે. આવા ઇવેન્ટમાં લુખ્ખાઓ ન ઘુસે તે માટે એકલા આવનાર માટે સ્થળ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જોકે આની આડઅસર રૂપે શહેરમાં બાયનોક્યુલર તથા ચશ્માની ખરીદી અને રીપેરીંગના કામમાં ઉછાળો આવ્યો હોવાનું બાર કુમાર ઓપ્ટીશીયનનાં આધેડ માલિકે જણાવ્યું હતું. ચશ્માની દુકાનો પર આધેડ અને વૃદ્ધોની ભીડ જામી હોવાનાં ફોટાં પણ વોટ્સેપ પર ફરી રહ્યા છે. ચુમણામાં ખુલ્લા મને અને ચહેરે ભાગ લેવાની શરત હોઈ બુકાનીધારીઓને ચુમણામાં ભાગ લેવા દેવામાં નહી આવે. ભાગ લેનારાઓને પ્રેક્ટીસ અને વોર્મિંગઅપ ઘેર/ હોટલ/ બગીચામાં કરીને આવવાની તાકીદ પણ કરવામાં આવી છે. છોકરાં-છોકરીની ઊંચાઈમાં ફેર હોય તેવા કિસ્સામાં આયોજકો પાટલા અને સ્ટુલ પુરા પાડશે.

આ કાર્યક્રમ જોશોજુનુનથી પાર પડે, તથા નવ-ચુમ્બકોને માર્ગદર્શન મળી રહે તે માટે આયોજકો એ ઈમરાન હાશ્મીના ઉત્કટ ચુંબન દ્રશ્યોની વિડીયો ક્લીપો વોટ્સેપ મારફતે ફરતી કરી છે. ક્રૂકેડ અને પ્રોટ્રુડીંગ ટીથવાળા જાતકોને કલ્કી કોચલીન, આફતાબ શિવદાસાની અને આશિષ નેહરા ‘ગુગલ હેંગાઉટ’ પર દોરવણી આપે એ માટે પણ પ્રયાસો થઈ રહ્યાં છે.

સૂર્યનમસ્કારથી લઈને ચેસ સુધી છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદમાં થનારા ઇવેન્ટ કોઈના કોઈ રેકોર્ડ કરે છે. કિસ ઓફ લવ પણ એક રેકોર્ડ કરશે એ આશાએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓને રેકોર્ડની ચકાસણી કરવા હાજર રાખવામાં આવશે. ગિનીઝ વર્લ્ડનાં ક્રીસ ગેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે ફ્લાઈંગ કિસને રેકોર્ડની ગણતરીમાં લેવામાં નહી આવે. કિસ સાચી છે કે નહીં એ નક્કી કરવા ગિનીઝ અધિકારીઓ પોતાના રેફરી પણ મુકશે.

અત્યારે માહોલ એવો છે કે સામાન્ય રીતે આળસુ અને છેલ્લી ઘડીએ જાગનાર જનરેશન એક્સએક્સ અને એક્સવાય બેઉ કિસના કિસ્સામાં આગોતરી તૈયારીઓમાં પડી છે. કામમાં અડચણરૂપ ન થાય તે માટે દાઢી-મૂછ મુંડાવવા સલુંનોમાં લાઈનો લાગી હોવાનું જણાય છે. આયોજકો દ્વારા લીપ્સ્ટીક ટચઅપની મફત સેવા આપવામાં આવે તો સંખ્યા વધી શકે છે એવું પણ એક અનુમાન છે. જોકે આવા ઇવેન્ટથી મા-બાપની ઊંઘ હરામ થઈ ગઈ છે. છોકરાં એ દિવસે ઘેર રહે તો કેટલાક મા-બાપોએ સ્માર્ટ ફોન લઈ અપાવવાની ઓફર પણ કરી છે. પત્નીઓએ પણ પતિઓ પર ચાંપતી નજર રાખવી પડશે એવું કિટી પાર્ટીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે જોનારાંનાં બે અને ચુંબન ચોરનારનાં ચાર હોઠ હોય છે એટલે ધાર્યું કોનું થાય છે એ હવે આવનાર સમય જ બતાવશે!

મસ્કા ફન
આપવું હોય તો આપ રોકડું અને આજે
ચુંબનનાં કંઈ પોસ્ટ-ડેટેડ ચેક હોય !

No comments:

Post a Comment