Monday, May 26, 2014

Modiફીકેશન


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |

ઇલેક્શન ૨૦૧૪ મજ્જાનાં અને યાદગાર રહ્યાં. સર્વત્ર મોદી મોદી થઈ ગયું છે. રાવણ જેમ રામનું નામ લેતો હતો એમ મોદીના શત્રુઓ પણ જાણ્યે અજાણ્યે મોદીને ભાંડવામાં પણ મોદીનો જ પ્રચાર કરી રહ્યા હતાં એવું બન્યું. ચાય પે ચર્ચા હોય કે ટેલિવિઝન પર, અબ કી બાર સૂત્ર હોય કે મઝદુર નં.-૧, વોટ્સએપ, ટ્વિટર કે હોય ફેસબુક, આ ઇલેક્શનમાં મોદી છવાઈ ગયા. થોડી હાઈલાઈટ્સ જુઓ.

 

ચાય પે ચર્ચા : આમેય પાનના ગલ્લા અને ચાની કીટલી પર પોલીટીક્સ અને ક્રિકેટ આ બે વિષય પર ન્યુઝરૂમ પછી સૌથી વધુ ચર્ચા થતી હશે. નમોએ આ ચાય પે ચર્ચાને ઓફિશિયલ કરી દીધી. વડનગર સ્ટેશન પર ચા વેચવાથી દેશના વડાપ્રધાન સુધીની સફર દરેક છાપા અને ટીવી ચેનલ ઉપર જોવા મળી. ૧૯૯૧ના ઇલેક્શનમાં પોતાનાં મતવિસ્તાર મયલાદુથરાઈને દુબઈ જેવું બનાવી દેવાની વાત કરનાર (૨૩ વરસ પછી પણ એવું થયું નથી એવું કહેવાની જરૂર છે?) મણિશંકર ઐયરે તો નમો વડાપ્રધાન નહિ બને, અને એ સંજોગોમાં કોંગ્રેસના કાર્યાલય પર ચાની કીટલી ખોલી આપવાની ઑફર પણ કરી હતી, જાણે પીએમ ન બને તો નમો ગુજરાતના સીએમ મટી જવાના હોય! એ અલગ વાત છે કે ઐયરની આ વખતે ડિપોઝિટ પણ ડૂલ થઈ છે અને એ હવે પાંચ વરસ સુધી પાર્લામેન્ટ કેન્ટીનની સબસીડાઇઝડ રેટની ચા-કોફી પણ પીવા નહીં પામે!

અર્ણબ ગોસ્વામી અને મીડિયા: અર્ણબ ગોસ્વામી નામના બોલકા ટીવી એન્કરે નમોનો ઇન્ટરવ્યૂ લીધો. આ જ અર્ણબે અગાઉ રાહુલ બાબાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. અર્ણબની છાપ એવી છે કે એ બોલવા માંડે એટલે બીજાને મોકો ના આપે, જેનો ઇન્ટરવ્યૂ લેવાતો હોય એ પણ મુક દર્શક બનીને અર્ણબની કળા જોયા કરે. પણ નમોને અર્ણબ મોંમાં આંગળીઓ નાખી બોલવા કોશિશ કરી છતાં નમો એટલું જ બોલ્યા જે એમણે કહેવાનું હતું. એક મહિલા પ્રધાનની નિમણુંક બાબતના આક્ષેપાત્મક સવાલના જવાબમાં તો કહી દીધું કે ‘આ માહિતી ખોટી છે. મેં તો સાંભળ્યું છે કે અર્ણબ બહુ રિસર્ચ કરીને આવે છે. આ તૈયારી છે તમારી?’ આખા ઇન્ટર્વ્યૂની હાઈલાઈટ એ હતી કે નમોએ અર્ણબને કંઈક આ મતલબનું હસતાં હસતાં કહી દીધું કે ‘ભાઈ તારી ચેનલ છે, હું જાઉં પછી તારે જેટલું બોલવું હોય તેટલું બોલજે બકા!’ અર્ણબે ઘણાંના ધુમાડા કાઢ્યા હશે, પણ અર્ણબનાં આવા છોતરાં અડતાં જોઈને રાહુલ બાબાના સપોર્ટર્સ પણ જરૂર ખુશ થયા હશે!

મા-બેટાની સરકાર: નમોએ ગાંધી ખાનદાન અને મા-બેટાની સરકાર પર

ઇલેક્શન રેલીઓમાં જોરદાર વાર કર્યા. સામે રાહુલબાબાના અમુક સાથીઓએ એના જવાબ પણ આપ્યા. ઘણાંએ એવા પણ સવાલ કર્યા કે મા કે બેટા બેમાંથી એકેય બિચારાએ કોઈ મંત્રીપદ પણ નહોતું લીધું છતાં આટલો વેરભાવ? કતલખાને લઈ જવાતા વાછરડાને એની મા બચાવવા કોશિશ કરે તેવો નજારો હાર પછી પત્રકાર પરિષદમાંથી બાબાને ખેંચી જતાં સોનિયાજીને જોઈ જોવા મળ્યો. આમેય પંજા પહેલા કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક ગાય-વાછરડું જ હતું ને?

નમો પ્રોડક્ટ્સ : ૧૮૫૭ના બળવા વખતે કમળ અને રોટીના પ્રતીકનો ઉપયોગ થયો હતો. ૨૦૧૪ના ઇલેક્શનમાં ભાજપનું કમળના નિશાન તો છે જ પણ વારાણસીમાં ‘અબ કી બાર મોદી સરકાર’ નિશાનવાળી રોટી એક ધાબા પર પીરસવામાં આવતી હતી જેને પોલીસે બંધ કરાવી દીધી. ચંડીગઢમાં સેક્ટર-૫ માં એક કોમ્યુનીટી સેન્ટરના પાયાના બાંધકામમાં મોદી બ્રાન્ડની ઈંટો વાપરવામાં આવતી હતી જે મ્યુનીસીપલ કૉર્પોરેશન દ્વારા ઉખાડી નાખવામાં આવી. પોલીસ કે કૉર્પોરેશન ઍક્શન લે ત્યાં સુધી એનો લોકલ પ્રચાર જ થતો હતો અને ઍક્શન લીધા પછી મીડિયામાં એની ઉપરની ચર્ચા દ્વારા મફતમાં પ્રચાર થતો હતો! માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગ રૂપે નમોની અને નમો ટેબ્લેટ્સ માથાના દુખાવા અને પેઇન કિલર તરીકે મુકવામાં આવી હતી. સામે રાહુલના નામે રાગાફ્લેમ ટેબ્લેટ્સ પણ બહાર પાડવામાં આવી હતી. એકંદરે અતિ-પ્રચારથી ઘણાં લોકોને માથાનો દુખાવો થવા લાગ્યો જેનાં ઉપાય તરીકે પાછી આ દવાઓ જ પાછી માથામાં મારવામાં આવી. આમ ‘નમો શિવાય’ કોઈ વિકલ્પ લોકો પાસે ન રહે તેવું ગોઠવાયું.

જો મોદી પીએમ બને તો: એક્સ પીએમ દેવે ગોવડાએ જો નમો પીએમ બને તો કર્ણાટક છોડવાની વાત કરી હતી. ઊંઘતા પ્રાઈમ મીનીસ્ટર તરીકે જાણીતાં દેવે ગોવડાને અમદાવાદમાં રહેવા આવવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. હા, દેવે ગોવડા સિવિલ એન્જીનીયર છે એટલે અમને થોડો પક્ષપાત છે એમના માટે! લાલુએ જો મોદી પીએમ બને તો પોતાનું નામ બદલી દેવાની વાત કરી હતી. લાલુ માટે નવા નામ સજેસ્ટ કરવા કોક રેડિયો સ્ટેશન કૉન્ટેસ્ટ કરી શકે. કમાલ ખાન ઉર્ફે કેઆરકે નામના ડી ગ્રેડ એક્ટરે મોદીજી પીએમ બને તો દેશ છોડવાની વાત કરી હતી. લેટેસ્ટ ટ્વીટર પોસ્ટ પ્રમાણે કેઆરકે દેશ છોડીને જતો રહ્યો છે, આ સમાચાર જો સાચા હોય તો એ ડી ગ્રેડ પોલીટીશીયન્સ કરતાં એ ઉંચો સાબિત થાય. અનંતમૂર્તિ નામના જ્ઞાનપીઠ વિજેતા કન્નડ લેખકે પણ મોદી પીએમ બને તો દેશ છોડવાની વાત આવેશમાં આવી જઈ કરી હતી. મોદીના કોક સમર્થકે રિઝલ્ટ બાદ પાકિસ્તાનની ટીકીટ બુક કરાવી આપી એવા છેલ્લા સમાચાર છે, પણ મૂર્તિ સ્ટેચ્યુ થઈ ઇન્ડિયાથી હટવા નથી માંગતા! ફારુખ અબ્દુલ્લાએ તો જે મોદીને વોટ આપે તેમણે સમુદ્રમાં ડૂબી જવું એવી આકરી વાત કરી હતી. ડૉ. અબ્દુલ્લા, જો એવું થાય તો 17,16,57,549 જણાએ પાણીમાં પડવાનો વારો આવે અને આમ થાય તો દરિયાની સપાટી જરૂર ઊંચી આવી જાય અને માલદિવ્સ જેવા આઇલેન્ડ તો ડૂબી પણ જાય! 


મઝદુર નં. ૧: એક જમાનામાં ચાની કીટલી પર કામ કરનાર મોદી ઇલેક્શનના પરિણામ બાદ પોતાને મઝદુર નંબર-૧ જાહેર કરે છે. ૪૫૦ જેટલી રેલીઓ, ૫૫૦૦ પબ્લિક ઇન્ટરેકશન, ત્રણ લાખ કિલોમીટર અને પચ્ચીસ સ્ટેટ આટલું કવર કરવાનું કામ ખરેખર હરક્યુંલિયન ટાસ્ક છે. આટલું કર્યા પછી નમો માંડ બેથી ત્રણ કલાક સુવા પામતા હતાં. ભૂતકાળમાં નમો ગુજરાતમાં સીએમ બન્યા પછી સચિવાલય અને આઈએએસ અધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. નમો પોતે મઝદુર નંબર-૧ બને તો સાથે સાથે બીજા ઘણાંને મજૂરી કરતાં કરી દે છે. કદાચ એટલે જ તો કર્મચારીઓથી ભરેલા નગર એવા ગાંધીનગરના લોકલ ઇલેક્શનમાં ભાજપને તકલીફ પડે છે. હવે દિલ્હીના સરકારી કર્મચારીઓનો વારો છે! જોકે મોદીના દિલ્હી જવાથી ગુજરાત સચિવાલયમાં કર્મચારીઓ પેંડા વહેંચશે એ નક્કી છે!

Sunday, May 25, 2014

એર-હોસ્ટેસ કેવી હોવી જોઈએ?



 કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૫-૦૫-૨૦૧૪ રવિવાર
 
‘એરહોસ્ટેસ’ શબ્દ સાંભળો એટલે તમારા દિમાગમાં કોઈ ચપ્પટ વાળ બાંધેલી, સ્લીમ, સરસ મેકઅપ કરેલી, યુનિફોર્મમાં હોય તેવી, વીસ-પચીસ વર્ષની ઉંમરની ઘઉંવર્ણ કે ગોરી આકર્ષક સ્ત્રીની કલ્પના આવે. આવી એરહોસ્ટેસોને લીધે એરલાઈન સક્સેસ નથી જતી. એમ થતું હોત તો કિંગફિશર અત્યારે ટોપ પર હોત. આમ છતાં બિઝનેસ માટે ટ્રાવેલ કરતાં મેલ ટ્રાવેલર્સને લીધે એરલાઈન્સમાં ઓન બોર્ડ સર્વિસમાં એરહોસ્ટેસનો દેખાવ હજુ પણ અગત્યનો ગણવામાં આવે છે. જોકે એર-ઇન્ડિયા વર્ષોથી આવા કોઈ નિયમોમાં બંધાયું નથી અને એનો સ્ટાફ એમાં બંધાવા માંગતો નથી. એટલે જ હમણાં જયારે એરહોસ્ટેસના વજન અને બોડી માસ ઇન્ડેક્સ (હાઈટ અને વજનનો ચોક્કસ ગુણોત્તર) અંગે કોઈ સરક્યુલર આવ્યો ત્યારે તેનો ‘ભારે’ વિરોધ થયો હતો.

આજકાલ મોટાભાગની એરલાઈન્સ નો ફ્રિલ એરલાઈન બની ગઈ છે અને ઓન બોર્ડ પાણી સિવાય કશું પણ મફત પીરસતી નથી. આવામાં એરહોસ્ટેસને ભાગે જાહેરાતો કરવા અને કુર્સીની પેટી કેવી રીતે બાંધવી અને ઢીલી કરવી એના ડેમોન્સ્ટ્રેશન સિવાય ખાસ કરવા જેવું કામ નથી હોતું. હવે બિચારીને દોડાદોડી કરવાની જ ન હોય તો વજન વધે પણ ખરું! એમાં બુમો પાડવાની ન હોય. એ એરલાઈન્સના મેનેજમેન્ટે વિચારવાની બાબત છે. પહેલા તો વેટ ટોવેલ ચોકલેટ, નાસ્તો, કોલ્ડ ડ્રીંક, છાપા વગેરે આપ-લે કરવામાં બિચારીઓ વિમાનમાં ને વિમાનમાં રોજ પાંચ-દસ કિલોમીટર ચાલી નાખતી હતી! 

જોકે હૃષ્ટપુષ્ટ એરહોસ્ટેસ હોય તો એના ઘણાં ફાયદા છે. એક તો કોઈને એરલાઈન પગાર બરોબર આપતી હશે કે કેમ એ વિષે લોકોને સંશય ન રહે. આ ઉપરાંત તંદુરસ્ત હોય તો લોહીની ઉણપ, એનિમિયા જેવી તકલીફો હોવાની શક્યતા ઓછી રહે જેથી તેઓ દોડીને કામ કરી શકે છે. તંદુરસ્ત એરહોસ્ટેસો પ્લેનના સાંકડા પેસેજમાં ઊભી હોય તો કારણ વગર અવરજવર કરતાં રસિકજનો પણ પોતાની વૃત્તિઓ કાબુમાં રાખી જગ્યા પર બેઠા રહે તો એની આજુબાજુ બેઠેલાઓને અગવડ ઓછી પડે. એરહોસ્ટેસ તંદુરસ્ત હોય તો મહિલા પ્રવાસીઓ જેલસ ન થાય અને વિમાનમાં પણ ઘર જેવું ફીલ કરે. જોકે ફ્લાઈટમાં આવી ચાર-પાંચ એર હોસ્ટેસ હોય તો પછી પેસેન્જરોના લગેજ પર કાપ આવી શકે છે.
આખરે વજન શું છે? ફિગર શું છે? એક આંકડો? આંકડાની માયાજાળમાં પડવું નહિ એવું સંતો અને સત્સંગીઓ કહે છે. કરિના ઝીરો ફિગર ધરાવતી હોવા છતાં એને બીજવર મળ્યો. રાખી સાવંત પણ ઠીક ઠીક ફિગર ધરાવે છે પણ એ ફિગર અને નખરા એને ૨૦૦૦ વોટ પણ ઇલેક્શનમાં અપાવી ન શક્યા. ચૂંટણીમાં ચંડીગઢના ‘બેટલ ઓફ ડિમ્પલ્સ’માં પણ નાજુક ગુલ પનાગ સામે વજનદાર કિરણ ખેર જીતી ગઈ. આ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂતકાળમાં અનેક ધરખમ અને ભારેખમ હિરોઈનો પડદા ધ્રુજાવી ચુકી છે. એમાંની અમુક ચાંદ પર ઉતરે તો ચાંદ ખુદ ધરતી પર આવી જાય એવી પણ હતી. એમના વજનને અનુલક્ષીને જ કદાચ ‘ધરતી પે ચાંદ ઉતર આયા...’ કે ‘ચાંદ આયા હૈ ઝમીં પર...’ જેવા શબ્દો લખાયા હશે એવું લાગે. છતાં એમના દીવાનાઓ પણ હજારોની સંખ્યામાં હતા. જો કે વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હાના ચાહકો જોતાં એવા દીવાનાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય. એમ તો પરિણિતી ચોપડાએ કપ કેકસ્ ખાઈને ‘ચોપડા’માંથી ‘થોથું’ થઈ ગઈ છે, પણ એનાય અગણિત ફેન્સ છે! હમણાં જ બધાં અખબારોના પહેલા પાનાં ઉપર જેમના ફોટા ચમક્યા હતાં એવી હેવી વેઈટ મહિલાઓ રાજકારણમાં તો ઘણી છે.

આમેય એવું કહ્યું છે કે સુંદરતા જોનારની આંખમાં હોય છે. એટલે એરહોસ્ટેસના દેખાવ સુધારવાને બદલે કંપનીએ જોનારની દ્રષ્ટિ સુધારવા કોશિશ કરે તો ઘણો ફાયદો થાય. જેમ કે એરપોર્ટ પર યોગા અને પ્રાણાયામ કરવાની સગવડ કરે કે ધાર્મિક પ્રવચનોના વિડીયો પ્લે કરે તો આપણી પ્રજા થોડી સુધરે. પ્લેનમાં સૌન્દર્ય શોધતાં રસિકજનો એરપોર્ટ પર પોતે કેટલી ગંદકી કરે છે, લાઈનોમાં ઘૂસ મારે છે, ફોન પર જોશજોશથી વાતો કરે છે. એ પણ એક પ્રકારનું અસૌન્દર્ય જ છે. જે લોકોને એમ લાગતું હોય કે પ્રૌઢ  કે સુંદર ન દેખાતી એરહોસ્ટેસ ધરાવતી એરલાઈનમાં સફર કરવી એ સજા છે, તો એ સમજી લેવા જેવું છે કે કામુક, પાન-મસાલો ચાવતા અને ગંદા દાંત ધરાવતા, ફોન પર અસભ્યતાથી મોટે મોટેથી વાતો કરતાં અને દારૂ પીને વાંદરા બની જતા પેસેન્જરો એ એરહોસ્ટેસ માટે સજારૂપ જ છે!

Sunday, May 18, 2014

સોસાયટીમાં મોર અને કવિતામાં કૂતરાં



 

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૮-૦૫-૨૦૧૪ રવિવાર
 

એક મિત્ર સાથે બનેલી આ ઘટના છે. એક વાર એમણે પથારીમાં પડ્યા પડ્યા મોરના ટહુકા સાંભળ્યા. હવે આપણે સહુ જાણીએ છીએ કે મોરના ટહુકા પણ અસલી નથી રહ્યા. એ લોકો પણ આજકાલ ટહુકવા કરતાં બરાડવાનું કામ વધુ કરે છે. અમારા મિત્ર એ મોરના બરાડવાના અવાજથી જાગી ગયા અને રોજની માફક સવાર પડી છે એમ સમજી તૈયાર થઈ ચાલવા નીકળી ગયા. જઇ ને જોયું તો ગાર્ડનમાં કોઈ નહિ. પછી મોબાઈલમાં જોયું તો ખબર પડી કે રાત્રે અઢી વાગ્યા છે. કદાચ એમણે સ્વ. ઇન્દુલાલ ગાંધી એ લખેલી અને સ્વ. શ્રી રાસભાઇએ ગાયેલી રચના ‘મધરાતે સાંભળ્યો મોર...’ નહી સાંભળી હોય કે ગમે તેમ પણ ત્યાર પછી એમણે નક્કી કર્યું કે મોરને ભરોસે ન રહેવું. મોરલાં હાળા આજકાલ દિવસ-રાત, તડકો-વરસાદ જોયા વગર ટહુકા કરવા મચી પડતા હોય એમાં આપણે અમથા ધંધે લાગી જઈએ ને!

હા, તમે કવિ હોવ તો વાત જુદી છે. મોરના ટહુકા એ કવિકર્મ માટેના કાચા માલમાં આવી જાય છે. ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈના દાણા લાવવાનું કહ્યું હતું, એની જગ્યાએ જે કવિએ કવિતામાં ટહુકો શબ્દ ન વાપર્યો હોય એવા કવિ શોધવા કહ્યું હોત તો પણ કિસા ખાલી હાથે આવત. જેમ નેતાના ભાષણમાં દેશ શબ્દ, સંતોની વાતમાં સંસ્કાર, મમ્મીની વાતમાં ચોખ્ખાઈ, પપ્પાની વાતમાં કેરિયર અને યંગસ્ટર્સની ચર્ચામાં છોકરી બાય ડિફોલ્ટ આવે, એમ જ કવિની કવિતામાં ટહુકા આવે જ જ ને જ.

આશ્ચર્યની વાત એ છે કે અગાઉ કરતાં મોર હવે એટલા સુલભ બની ગયા છે કે પોળો અને પરાની સોસાયટીઓમાં હવે કૂતરા કરતા વધુ તો મોર જોવા મળે છે! લોકોને પણ હવે મોરની ખાસ નવાઈ રહી નથી. તમે કોઈ ને ઈમ્પ્રેસ કરવા કહો કે ‘અમારે ત્યાં મોર બહુ આવે છે’ તો એ તમને મોબાઈલમાં એના ધાબામાં ઢેલે મુકેલા ઈંડાના ફોટા બતાવશે! આ સંજોગોમાં કવિતાઓમાં ટહુકા ટાંકીને ભાવકોને રોમાંચિત કરતા કવિઓની શી હાલત થતી હશે એ અમે કલ્પી શકીએ છીએ. અમને તો ચિંતા છે કે પોળ-સોસાયટીઓમાં જે ધોરણે કૂતરાનું સ્થાન મોર લઇ રહ્યા છે એ જોતાં મોર ટૂંક સમયમાં કુતરા સાથે સ્પર્ધા કરશે એવું જણાય છે.

જો એવું થાય તો? ધારોકે મોર કુતરાનું સ્થાન લઇ લે તો? શું વળતા વહેવારે કુતરાને પણ સાહિત્ય અને કવિતામાં મોર જેટલું જ માનભર્યું સ્થાન મળી શકશે? શું કવિઓ કુતરા ઉપર કવિતા કરવાનું સ્વીકારશે? શું આપણને ભસતા, ચાટતા, આળોટતા, પૂંછડી પટપટાવતા, રાત્રે રોતા, ખાડામાં બેસતા પહેલાં જગ્યા ઉપર ગોળ ફરતા કે ગાભા-ચીથરા સાથે કેલી કરતાં કૂતરા પર કવિતા અને ગઝલ કે છેવટે કુરુકુરીયા પર હાઈકુ-મુક્તક મળી શકશે?

જો મોર સુલભ થાય અને કુતરા દુર્લભ તો પછી મોરને બદલે કુતરા ઉપર કવિતા લખાશે, ટહુકાને બદલે ભસવા ઉપર શેર મંડાશે. પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ....’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા .... આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે...’ પણ લખી શકે. જોકે મોરને મોરપીંછ હોય અને કવિતામાં મોરપીંછની રજાઈ બને, એમ કૂતરાનું કૂતરાપીંછ જેવું કશું નથી હોતું એટલી ખોટ ગઝલને જરૂર પડશે. હા, કોક કવિને પોમેરિયનમાં હિમાલયનો બરફ દેખાય તો વાત જુદી છે!

જોકે મોરનું એટલું સારું કે તમે સવારે દૂધ લેવા દરવાજો ખોલો ત્યારે દરવાજા આગળના પગ-લુંછણીયા પર કોઈ યુનિક યોગાસન કરીને તમારો રસ્તો નથી રોકતા કે તમે કારમાં બેસવા જાવ ત્યારે કાર નીચેથી મોર નથી નીકળતા. મોર કરડે નહિ, જોવામાં સારો લાગે અને એને જોઈને છોકરાં ખુશ થાય એ બધું ખરું, પણ સાહિત્યિક એન્ગલ છોડીને સામાન્ય માણસની દ્રષ્ટિએ જુઓ તો મોર કદી કૂતરાનું સ્થાન ન લઇ શકે. એ કૂતરાની જેમ તમારા ઘરની ચોકી ન કરી શકે. તમે ભલે ગમે તેટલા દાણા નાખો પણ તમે ઓફિસેથી આવો ત્યારે કળા કરીને એ તમારું સ્વાગત નહિ કરે. તમારા પત્નીએ રસોઈ શો જોઈને કરેલા અખતરાના પૂરાવા નાબુદ કરવામાં કૂતરું કામમાં આવશે, મોર નહિ. ભલે કૂતરા ટોડલે બેસીને ટહુકા નહિ કરી શકતા હોય પણ, ત્રણ ચાર ઢેલને લઈને ફરતા મોર કરતાં વધુ વફાદાર રહેશે એ નક્કી જાણજો. બાકી તમે સમજદાર છો એટલે વધુ કહેવાની જરૂર નથી.

દૂધનું દૂધ અને પાણીનું પાણી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |
એક અમદાવાદી માર્કેટમાં જતો હતો ત્યાંથી એણે સસ્તામાં કાપડનો ટુકડો ખરીદ્યો. પછી ગયો દરજી પાસે કે આની ટોપી સીવી આપ. દરજી કહે કે એક ટોપી સિવડાવવામાં કાપડ વધશે. તો કહે બે સીવી આપ. અરે ખેંચીને કર. ત્રણ ચાર થશે. પછી તો અમદાવાદીનો લોભ વધતો ગયો. છેલ્લે દરજી પાસે અડધો મીટર કાપડમાં દસ ટોપી સિવડાવવાનું ઠરાવ્યું. અને અમદાવાદી દરજીભાઈને સિલાઈના રૂપિયા મળતા હોય તો એ ના પણ શું કામ પાડે? છેવટે ઘરાક ડીલીવરી લેવા ગયો ત્યારે ટોપીમાં ગાજ-બટન જેવું કંઈ કરવાનું બાકી ન હોઈ એક જ ધડાકે ડીલીવરી મળી ગઈ. દસ ટોપીઓ, પણ આંગળી ઉપર પહેરાય એ સાઇઝની!

ઉપરની વાર્તા તમે સાંભળી જ હશે. આમાં ટોપીની જગ્યા હવે કટિંગ ચાએ લીધી છે. દૂધ, ચા અને ખાંડના વધતા ભાવ અને પાણી મેળવવામાં પડતી તકલીફોને લીધે ચાની કીટલીવાળાઓ ચાની ક્વોન્ટીટીમાં વરસોવરસ ધરખમ ઘટાડો કર્યે જાય છે. હવે તો ચા દવા પીવાની ઢાંકણી જેટલા નાના કપમાં મળે છે. એટલી ચામાં ઘૂંટડા ભરાતા નથી.ભૂલેચૂકે ઠંડી કરવા ચાને જો રકાબીમાં કાઢો તો ૫૦% તો રકાબીમાં ચોંટીને બરબાદ થઈ જાય. હવે એ સમય દૂર નથી કે ચાની કીટલી પર તમે ચા પીવા ઉભા રહો અને ટેણી આવીને તમને મોઢું ખોલવાનું કહે અને આંગળીથી ચા ચટાડી દસ રૂપિયા લઈ ચાલતો થાય! તો બીજી તરફ ઘરમાં સવારે આખા ઘર માટે એક જ કપ ચા બનશે અને દરેકે ચાના કપમાં અંગૂઠો બોળીને અડધો કલાક ચૂસ્યા કરવાનો રહેશે.

દુધના ભાવમાં ફરી વધારો થયો છે. આ વધારો કમરતોડ નથી. પણ ચચરે એવો જરૂર છે. એક લીટર દુધના બે રૂપિયા વધે એમાં કમરના હાડકા ન ભાંગે. એટલીસ્ટ હાડકાના ડોક્ટરો તો આ વાત નથી જ માનવાનાં. પણ વરસમાં ચાર વાર આવો વધારો થાય અને આવી ચાલીસ આઇટમ્સમાં વધારો થાય તો પ્રજા જાય ક્યાં? પાકિસ્તાન? બાંગ્લાદેશ? કે સમુદ્રમાં ડૂબીને આપઘાત કરી લે? એજ તો! બે રૂપિયાના ભાવવધારા માટે આમાંનું કાંઈ કરાય નહિ! નતમસ્તક, કચકચ કર્યા વગર, ઑફિસમાં કે ચાની કીટલી પર ચાવાળા સાથે માથાકૂટ કર્યા વગર ‘ગણ્યું જે ડેરીએ પ્યારું અતિ પ્યારું’ ગણી લેવાનું! બીજું આપણે કરી પણ શું શકીએ? દુધ કે ચાનો બહિષ્કાર કરીએ? કપ-રકાબી ખખડાવતાં સરઘસ કાઢીએ? ભેંસ ઉપર બેસી દેખાવો કરીએ?

૨૦૧૧માં દુધમાં થતી ભેળસેળ અંગે એક સર્વે થયો હતો. કુલ ૩૩ રાજ્યોમાંથી લીધેલાં ૧૭૯૧ સૅમ્પલ પૈકી માત્ર ૩૧.૫% સૅમ્પલ જ પાસ થયા હતાં. આશ્ચર્યની વાત એ હતી કે સૌથી શુદ્ધ દૂધ દારૂ માટે ફેમસ ગોવામાં મળ્યું હતું. લગભગ દસ ટકા સૅમ્પલમાંથી તો ડીટરજન્ટ નીકળ્યો હતો. આટલી ભેળસેળ છતાં ભાવવધારો થાય છે. વિચારો કે જો દુધમાં ભેળસેળ ન થતી હોત તો ભાવ કેટલા હોત? પાછી આ ભેળસેળની ફરિયાદ આજની નથી. વર્ષોથી દુધમાં પાણીની ભેળસેળની ફરિયાદ થતી આવી છે. કંઈ કેટલાય કાર્ટૂન મ્યુનીસીપાલીટીનું પાણી ન આવવાથી ભૈયાજી દૂધ આપવા મોડા પડે છે એવા જોયા હશે.જોકે કોઈ પોતે આવી ભેળસેળ કરે છે એવું કબૂલ નથી કરતું એટલે વેચનાર એવું પણ નથી કહી શકતા કે અમે દુધમાં આર.ઓ. વોટર કે મીનરલ નાખીએ છીએ. પાણીપુરીમાં આવું શક્ય છે. ‘અમે મીનરલ વોટરમાં બનાવેલી પાણીપુરી આપીએ છીએ’ એવી જાહેરાત જોવા મળે છે.પણ દુધમાં એ શક્ય નથી. દુધમાં તો આપણે એ લોકો જે ક્વોલીટીનું પાણી નાખતા હોય એ પી લેવાનું. બહુમાં બહુ ઉકાળીને પીવાનું. આથી વધારે આપણે કશું ઉકાળી શકીએ એમ નથી. 
 

મહાભારત સમયથી પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે. સમસ્યા એ કંઈ આજકાલની નથી. એ વખતમાં પણ શિક્ષકોના પગાર કદાચ ઓછા હશે. પ્રાઇવેટ ટયૂશનમાં પણ કંઈ મળતું નહિ હોય. કદાચ શિક્ષકોના યુનિયન પાવરફુલ નહિ હોય કે પછી શિક્ષકોની વોટબેંક નહિ હોય. એટલે જ તો આચાર્ય દ્રોણનાં ઘેર દૂધ દોહ્યલું હતું. દ્રોણના પત્ની અશ્વત્થામાને ઉલ્લુ બનાવી લોટમાં પાણી મેળવી એને દૂધ તરીકે પિવડાવતી હતી. મિસિસ દ્રોણ પાસેથી પ્રેરણા લઈ કોઈ ગૃહિણીઓ માટે લોટમાંથી દૂધ બનાવવાના કોઈ કલાસીસ ચાલુ કરે તો ચોક્કસ હીટ જાય. વેકેશનમાં તો ખાસ.
જોકે દૂધ માટે આટલા લોહી-ઉકાળા થતાં હોવા છતાં,જેમનાં માટે દૂધ સારું ગણાય છે એ બાળકો જ દૂધ પીવામાં રાડા કરે છે. આજકાલના બાળકો અશ્વત્થામા જેવા ભોળા નથી, આ તો બધાં ગ્લુકોઝ બિસ્કિટ ખાઈ અને હિન્દી ફિલ્મો જોઈને હોશિયાર થઈ ગયા છે. એટલે દૂધ જેવો ફિક્કો પદાર્થ ખાંડ નાખી પીવામાં કતરાય છે. એટલે એકંદરે દુધમાં મેળવવાના પાવડરોની કંપનીઓને જલસા થાય છે. મહાભારતના જમાનામાં દુધમાં મેળવવાના પાવડર પણ નહોતા શોધાયા. છતાં અર્જુન, કર્ણ, દુર્યોધન અને ભીમ જેવા બહાદુરો પાક્યા હતાં. એ જમાનામાં એડવર્ટાઈઝમેન્ટ નહોતી નહીંતર અર્જુનના હાથ લાંબા હતાં એના માટે કુંતિ અર્જુનને અમુક-તમુક બ્રાન્ડનો પાવડર દુધમાં મિલાવી પિવડાવતી હતી એવું કોક કંપની જાહેર કરત. અથવા ભીમની અતુલ્ય શક્તિનું સિક્રેટ અમારો પાવડર છે એવું કોક માર્કેટિંગ કરત. કોક પાઉડરની કંપની સહદેવની ભવિષ્ય ભાખવાની શક્તિનું શ્રેય પણ એમની કંપનીના પાઉડરને આપત.

સમય મહાભારતનો હોય કે વર્તમાન ભારતનો, દૂધ જીવન જરૂરિયાતની ચીજ છે. ઉનાળામાં દુધની અછત સર્જાય ત્યારે ભાવ વધે અને શિયાળામાં જ્યારે દૂધ વધે તો એનો પાવડર બનાવવામાં આવે. એમાં પ્રજાના ભાગે તો રૂપિયા ખર્ચવા છતાં ભેળસેળવાળું અને પાણી જેવું દૂધ આવે છે. સરકારો આવે છે અને જાય છે. પણ મોંઘવારી વધતી જ જાય છે. જ્યાં એક લીટર દૂધ અડતાલીસનું થયું ત્યાં પાછાં રાજ બબ્બર જેવા બાર રૂપિયામાં આખું ભાણું મળે છે એવી વાતો કરી લોકોની લાગણી દુભાવે છે. દુધના ભાવ વધારવાવાળાઓ, જનતા કંઈ નહિ કરે! વધારો તમતમારે! જનતા ટેવાઈ ગઈ છે! ▪

Sunday, May 11, 2014

ગંજી : કલ, આજ ઓર કલ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી | 



સો રૂપિયામાં કોઈ સ્વિત્ઝરલેન્ડની ઠંડક ઑફર કરે તો હવે ચોંકી નથી જવાતું. કદાચ માથામાં નાખવાના ઠંડા તેલની, અળાઈ પર લગાડવાના પાઉડરની કે પછી એ ગંજીની જાહેરાત હોઈ શકે છે. ગરમીમાં ગંજી પુરુષનો સાચો સાથી છે. ઘરમાં એસી ન હોય. આજુબાજુવાળા ફ્લૅટ એટલાં નજીક હોય, કે બાજુના બ્લૉકના રસોડામાં થતી વઘારની ખુશ્બુથી તમારા ઘરમાં ઝઘડા થતાં હોય એવામાં ઘરમાં કુદરતી પવન તો ક્યાંથી આવે? એમાંય જો તમે મધ્યમવર્ગીય પુરુષ હોવ અને ટોપ ફ્લોર પર રહેતા હોવ તો જ ગંજીનો ખરો મહિમા સમજી શકો.

આજકાલ જોકે ગંજીની જાહેરાતો જોઈ એવું લાગે છે કે ગંજી પરસેવો શોષવાનું કામ પણ કરે છે એ આપણા અહોભાગ્ય કહેવાય. ગંજીનું મૂળ કામ તો ચોર-મવાલી સામે લડવાનું, મોટી આફતોમાં મર્દાનગી જગાડવાનું છે. સ્ત્રીઓ ગંજી નથી પહેરતી એટલે જ કદાચ સ્ત્રીઓ મર્દાનગીના કામ નથી કરી શકતી. સ્ત્રીઓ મર્દાનગીના કામ કરે તો એને આમેય મર્દાનગી નહિ ઓર્તાનગી નામ આપવું પડે. પણ એવું નામ નથી અપાયું. એટલે ગંજી અને એના થકી પ્રાપ્ત થતી મર્દાનગી એ ભારતીય પુરુષોનો જ ઇજારો છે.

ભારતીય પુરુષ એવું અહીં એટલાં માટે લખવું પડ્યું કે અમેરિકામાં ગંજીનો મહિમા નથી. અમેરિકામાં બહુ ઠંડી પડે છે. ત્યાં ગંજીને બદલે ઇનર મળે છે  જે તમને ઠંડીથી રક્ષણ આપે. પણ અમેરિકન જાહેરાતોમાં આવું ઇનર પહેરેલ વ્યક્તિ ગોડ્ઝીલા અથવા અન્ય માનવસર્જિત કે કુદરતી પ્રકોપ સામે સફળતાપૂર્વક લડી લેતો હોય એવું નથી જોવામાં આવ્યું. આ કદાચ અમેરિકન એડ મેકર્સની સર્જકતાની લીમીટ દર્શાવે છે. બાકી અમેરિકન ફિલ્મો જોતાં અમેરિકન પ્રજા કુદરતી આપત્તિઓ સામે ફાટી પડે એટલે ઓ માય ગોડ ..બોલી, બેબાકળી બની, છોકરાં-છૈયાને કારમાં બેસાડી ને ભાગતી જ જોઈ છે. ફૂલ-સ્લીવ ગંજીની જાહેરાત માટે અમેરિકા એ આદર્શ જગ્યા છે. ખેર, એ અમેરિકન એડ-મેકર્સે જોવાનું છે આપણે શું બધી વાતમાં પંચાત કરવાની?

જોકે ગંજીની જાહેરાતોમાં જેટલું જોશ આવ્યું છે એટલું ગંજીમાં નથી આવ્યું. મતલબ વર્ષોથી બાંયવાળા (પોલીસકર્મીઓની પહેલી પસંદ) અને બાંય વગરના એમ બે વરાયટી જ જોવા મળે છે. એમાં હવે બાંય વગરનાં ગંજીમાં ગળાનો કટ જરીક બદલાયો છે. વર્ષો પૂર્વે અમિતાભે અને રિશી કપૂરે કુલી અને અમર અકબર એન્થની જેવી ફિલ્મોમાં જાળીવાળા ગંજી પહેર્યા હતાં. એ ગંજી બહાર દેખાડવાના ગંજી હતાં. ગરમીમાં પહેરતા ગંજી તડકે સુકાતા હોવાથી રંગીન અને પ્રિન્ટેડ ગંજી ખાસ ચાલતા નથી. જરીની બોર્ડરવાળી ડિઝાઈનર ગંજી ફિલ્મોમાં ક્યારેક જોવા મળે છે. પોપસ્ટાર્સ લેધર, રેકઝીન કે ચિત્ર વિચિત્ર મટીરીયલના ગંજી પહેરે. પણ એ બધું એકાદ વિડીયો માટે કે એકાદ શો માટે. જે પહેરીને પરફોર્મ કરવાના એમને લાખો રૂપિયા મળતા હોય. એટલે ગરમી લાગે તો પણ પહેરી લે!

અસલ ગંજી હોઝિયરી મટીરીયલના હોય છે. હોઝિયરી મટીરિયલ સ્ટ્રેચેબલ હોય. સાયન્સમાં એવું ભણવામાં આવે છે કે ઇલાસ્ટીક મટીરિયલ પર બાહ્યબળ લગાડેલું છોડી દેવામાં આવે તો તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ગંજીની ઇલાસ્ટીસીટી સમય આધારિત છે. શરૂઆતમાં ગંજી કાઢવામાં આવે અને ધોવાય એટલે ફરી પાછું પોતાનાં મૂળ આકારમાં આવી જાય છે. પણ સમય જતાં એ પોતાની ઇલાસ્ટીસીટી ગુમાવી દે છે. બેથી છ મહિનામાં ગંજી પહેરનાર પર રૂમાલી રોટી જેમ કારીગરના હાથ પર ચારે બાજુથી લટકતી હોય છે એવા લટકતા થઈ જાય છે. રૂમાલી રોટી બનાવનાર કારીગર પણ ભઠ્ઠીની ગરમીમાં પરસેવે રેબઝેબ હોય અને ગંજીધારીના પણ એ જ હાલ હોય છે. ગંજીને અમુક ગંજીફરાક પણ કહે છે. ગંજીની નીચેની ધાર ચારેતરફ આમ રૂમાલી રોટીની જેમ ફેલાયેલી જોઈએ ત્યારે ગંજીને ગંજી ફરાકકેમ કહેવાતું હશે તેનો અંદાજ આપણને આવે છે.

કપડા ધોવાના સાબુઓ અને વોશિંગ પાઉડરની સરિયામ નિષ્ફળતા વિષે કોઈએ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી હોય તો એ ફિલ્મની શરૂઆત ધોઈ ને સુકાતાં મેલા ગંજીના શોટથી થઈ શકે. ગંજી કદાચ ઊજળા થવા માટે નહિ પરંતુ પરસેવામુક્ત થવા માટે જ ધોવાતાં હશે એવું અમારું માનવું છે. અથવા તો પીળાશ પડતાં વોશિંગ પાવડર અથવા પીળા સાબુના લાટાને કારણે એ પીળાશ પકડતા હશે. વધારેમાં ગંજી પર ચા ના ડાઘ તો લોકશાહીમાં ભ્રષ્ટ્રાચારની જેમ હોય જ છે. ગંજીમાં કુલ ચાર મોટા કાણા તો પહેલેથી જ આપેલા હોય છે. એક ગળા, બે હાથ માટે અને એક કાણું નીચેની તરફ પહેરવા તથા હવા ઉજાસ માટે. પછી કપડાં સૂકવતા અને ગંજીના અતિશય ઉપયોગથી એમાં વધારાના કાણા પડે છે. નાનું કાણું સમય જતાં મોટું બાકોરું બની જાય છે અને પહેરનાર ઘણીવાર તેમાં હાથ નાખવાની ચેષ્ટા પણ કરી બેસે છે. 

કાણું બાકોરું બની જાય ત્યાર પછી પણ ગંજી જલદીથી સેવાનિવૃત્ત નથી થતું. ભારતીય રાજકારણમાં નેતાઓની જેમ જ. ગંજી ફાટે એટલે વાસણ કે વાહન લૂછવા વપરાય છે. એનું મટીરિયલ એટલું ડિમ્પલના સસરા જેવું હોય છે કે વાસણ કે વાહનમાં સ્ક્રેચ નથી પડતો. એટલે ગંજી પહેરવાનું બંધ થાય તો કોઈ એને કચરામાં નથી નાખી દેતું. જોકે પહેરવાનું બંધ થાય તે પછી કુંભ રાશિનું ગંજી કુંભ રાશિનું જ એવું ગાભો નામ ધારણ કરે છે. આમ ગંજી ગાભો થઈ જવા છતાં, તાર તાર થાય, મેલું થાય, દૂષિત થાય પણ પોતે જે સપાટીને સ્પર્શે તેને સાફ કરીને રહે છે. આમ છતાં જેવો અગરબત્તીનો મહિમા (પોતે બળી સુવાસ ફેલાવે છે વગેરે વગેરે ..) ગવાય છે એવો ગંજીનો નથી ગવાતો, તે ગંજીની કરુણતા દર્શાવે છે. આમ છતાં ગંજી આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. મહાપુરુષોથી લઈને આમજનતા ગંજી વગર રહી શકતી નથી. ગંજી ગઈકાલે હતાં, આજે છે અને આવતી કાલે પણ રહેશે. 

રીઝલ્ટ કે સાઈડ ઈફેક્ટસ

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૧-૦૫-૨૦૧૪ રવિવાર
 

ચૂંટણીનાં પરિણામો અને પરિક્ષાનાં પરિણામો વખતે બન્નેનાં કર્તાની મનોસ્થિતિમાં વિવિધ સમાનતાઓ જોવાં મળે છે. ચૂંટણી અને બોર્ડનાં પરિણામોમાં જેને પોતાની જીત પર ખુબ વિશ્વાસ હોય એવાં નેતાઓ કે વિદ્યાર્થીઓ જ પરિણામ સ્થળ પર જવાની હિંમત કરે. ગઈ વખતે એક પાર્ટીના દિગ્ગજ નેતાએ ઓવર-કોન્ફિડન્સમાં સભા ગોઠવી હતી જે પાછળથી કેન્સલ કરી હતી. બાકી, જેને વિજયની ખાતરી ન હોય એવા ઢચુપચુ કેટેગરીવાળા લોકો ફોન પર જ સમાચારો મેળવતા રહે છે.

જોકે એકવાર પરિણામ આવે પછી તો એ જીતવાનાં જ છે એવી એમને ટીકીટ મળી ત્યારથી જ ખબર હતી એવા દાવા પણ કરે. પછી એ ભૂલી જાય કે વિરોધી પાર્ટીના રોડ શો-રેલી-સભાની સફળતા જોઈને એક વખત તો એમ થઈ ગયું હતું કે ‘ગઈ સીટ પાનીમે’. આમાં નેતાઓ જ નહિ જાનમાં કોઈ જાણતું ન હોય અને છતાં વરના ભા થઇને ફરતા લોકો પણ પણ ‘મેં તો પહેલેથી જ કહ્યું હતું કે ટેન્શન ના લે બકા ...’ કરીને જાણે ઉમેદવારને એમણે દિશા સૂચન ન કર્યું હોત તો એ ઉમેદવાર એસટીમાં બોલપેનો વેચતો ફરતો હોત એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતાં જોવા મળે છે.

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું કે एकवर्णं यथा दुग्धं भिन्नवर्णासु धेनुषु. અર્થાત ગાયો ભલે જુદાજુદા રંગની હોય પણ એ એક જ રંગનું દૂધ આપે છે. એમ જ નેતા ભલે કોઈ પણ પક્ષનો હોય, સત્તા પ્રાપ્તિ એનું એક માત્ર લક્ષ્ય હોય છે. આ બાબતે કોઈએ સાચું જ કહ્યું છે કે ‘ગોળનું ઢેફું હોય ત્યાં મંકોડાઓમાં સર્વસંમતિ હોય છે.’ પ્રભુ એ શ્રી ગીતામાં ભલે નિષ્કામ કર્મનું સૂચન કર્યું હોય પણ ચૂંટણી દેવીની આરાધના ફક્ત સત્તા પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. ચૂંટણીમાં ઝંપલાવનાર માટે જીત સિવાય બીજું કંઈ લક્ષ્ય હોતું નથી. અપવાદરૂપે દરેક ચૂંટણીમાં ઊભા રહી ડિપોઝીટ ડુલ કરાવવાનો શોખ ધરાવતા એકાદ બે નંગ નીકળે. બાકી ચુંટણીમાં જીત રૂપી ફળ સાથે મીનીસ્ટરશીપ નામક વૃક્ષ મળી જાય તો તો આવનાર સાત પેઢીને ફળ ખરીદવા પેટ્રોલ બાળવું નથી પડતું. મહાભારતના જમાનામાં ચૂટણીઓ નહોતી અને એટલે જ કદાચ ભવિષ્યમાં ભારતની ભૂમિ પર રાજકારણીઓ પણ પાકશે એ બાબત પ્રભુના ધ્યાન બહાર ગઈ હોય એવું જણાય છે.

આમ પણ મનુષ્યોમાં નેતાઓ કેમિકલ કમ્પોઝીશનની દ્રષ્ટિએ જુદા પડે છે. એમ કહોને કે જે વ્યક્તિમાં તમામ પ્રકારના કેમિકલ્સનું કોકટેલ થઇ ગયું હોય એ નેતા બને છે. આ પ્રજાતિ કોઈ પણ સંજોગોમાં મોળી પડતી નથી. પરાજયનું અર્થઘટન પણ એમનું આગવું હોય છે. દોઢ લાખ મતે હાર્યા હોય છતાં કહેશે કે ‘ગઈ વખત કરતાં અમારા તરફી વોટિંગના ટકા વધ્યા છે’ અથવા ‘સાત પૈકી ત્રણ વિધાન સભા મત વિસ્તારમાં અમે જીત્યા છીએ’. પોતાનો પક્ષ જીલ્લા, તાલુકા કે મ્યુનિ. સ્તરેથી સાફ થઇ ગયો હોય તોયે એ વિજેતા પક્ષને અગાઉની ચૂંટણી કરતાં ત્રણ સીટ ઓછી આવી એ બદલ કટાક્ષ કરી શકે છે. હાર્યા બાદ હવે પછીની ચૂંટણીમાં ટીકીટ નહિ મળે એની ખાતરી થઇ જાય તો ‘મારા જ માણસો એ મને હરાવ્યો છે’ કહેતા પણ ન અચકાય. અગાઉ પ્રજા મોટા પાયે પરિવર્તન લાવે ત્યારે મતદારને ડાહ્યો અને કોઠાસુઝવાળો કહેવાનો રીવાજ હતો. એને છેતરવો મુશ્કેલ ગણાતો હતો. જયારે અત્યારના સાયબર યુગમાં નેતાઓ ‘પ્રજા ભોળવાઈ ગઈ છે’ કહેતા પણ અચકાતા નથી. હાર-જીતની વાસ્તવિકતા જાણતા હોવા છતાં રાજકારણની ગટર-સરિતામાં પીંછા પલાળ્યા વગર બતકની જેમ તર્યા કરવાનું એમને માટે સહજ છે.

કદાચ આભ, ગાભ (ગર્ભ), રોતા બાળ અને ઘોડાના પેટના ગબગબ વિષે ચોક્કસ આગાહી કરી શકાય પણ નેતાજી ક્યારે શું કહેશે એ વિષે કંઈ ચોક્કસ કહી ન શકાય. એ જે બોલ્યા છે એનો અર્થ એ બોલ્યા છે એમાં આવી જ જાય છે એવું પણ ન કહી શકાય. એ ન બોલ્યા હોય એવું ઘણું એમની વાણીમાં આવી જતું હોય છે જે પાછળથી સ્પષ્ટતા રૂપે પ્રગટ થાય છે. એ ન બોલીને પણ ઘણું કહી દેતા હોય છે અને એ એવું ઘણું બધું બોલતા હોય છે જેનો કોઈ જ અર્થ નીકળતો ન હોય. અદભુત કોમિક ટાઈમિંગ ધરવતા કોમેડિયન અને સંવાદ લેખક કાદર ખાન એક સફળ નેતા બનવાની ચાવી બતાવતા ફિલ્મ ‘ગિરફ્તાર’માં કહે છે ‘સોચો કુછ, બોલો કુછ, દેખો કુછ, દિખાઓ કુછ, કરો કુછ ઔર હો જાએ કુછ ... સમજ મેં આયા કુછ? n