Thursday, May 08, 2014

લીંબુના ભાવ

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૪-૦૫-૨૦૧૪ રવિવાર
 
 

‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં મિસ વર્લ્ડ ઐશ્વર્યા એક ગીત ગાય છે – ‘નીબુડા નીબુડા નીબુડા, અરે કાચા કાચા છોટા છોટા નીબુડા લાઈ દો...’. સારું છે કે ફિલ્મમાં એ ગીત એ સલમાન માટે ગાય છે. બાકી અત્યારે લીંબુના ભાવ અને અભિષેકની ફ્લોપ ફિલ્મોની યાદી જોતાં એને કાચા કાચા છોટા છોટા લીંબુ તો ઠીક લીંબોડી પણ હપ્તેથી લેવી પડે એમ છે. એમાં જો એ આપણો ‘લીંબુડા લેરા લેર ...’ ગરબો સાંભળે તો તો બેભાન જ થઇ જાય!

***

અત્યાર સુધી કોકમ મોંઘા હતાં એ કારણે કોકમના બદલે દાળમાં લીંબુ નખાતું હતું. હવે લીંબુ અને કોકમ બેઉ મોંઘા થઈ ગયા છે. એવામાં અમુક લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ નાખીને ચલાવે છે. આવા લોકો ગુલદસ્તામાં ફૂલની જગ્યાએ પણ લીંબુના ફૂલ નાખી શકે. શું કરે? લીંબુના ભાવ સાંભળીને માણસનું ચસક્યું હોય તો એવું કરે પણ ખરો. એટલે જ આજકાલ દાળમાં શું નાખવું એ ગૃહિણી માટે યક્ષપ્રશ્ન બની ગયો છે. હવે વિકલ્પો પણ વિચારવા જેવા નથી કારણ કે ક્યારે કઈ વસ્તુના ભાવ રોકેટયાત્રા કરશે એ કહેવાય એવું નથી રહ્યું.

વિકલ્પની વાતથી અમને ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નજર ના લગે...’ રેટ્રો ગીત યાદ આવ્યું. આ ગીત અમે જયારે પણ સાંભળીએ છીએ ત્યારે એક જ વિચાર આવે છે કે આવી ચશ્મેબદદુરોના ગળામાં મંગલસુત્રના વિકલ્પ તરીકે લીંબુ મરચા લટકાવવા જોઈએ, પણ અત્યારે લીંબુના ભાવ જોતાં ચશ્મેબદદુરને નજર લાગે એ વધુ પોસાય એવું છે. આ વાત સાથે વાચકોમાંથી ઘણા સંમત થશે.

લીંબુના વધેલા ભાવના કેટલાક અકલ્પનીય સાઈડ ઈફેક્ટસ છે, જેની અમે ખાસ કલ્પના કરી છે. દુશ્મનના દાંત ખાટા કરવાની વાત તમે શૌર્યકથાઓમાં વાંચી હશે. લીંબુ દુર્લભ થયા છે ત્યારે હવે દુશ્મનો આમ દાંત ખાટા થવાથી ખુશ થાય તેવી સંભાવના રહી છે. તો જેની મૂછ પર લીંબુ ટેકવી શકાય એવા માણસોને બહાદુર ગણવાનો રિવાજ પણ હતો. અત્યારે લીંબુના ભાવ જોતાં લીંબુના થર્મોકોલના મોડલ બનાવીને ટેકવવા સસ્તા પડે એવું બને. આમે ય આજકાલ લીંબુનો ભાર ખમે એવી મૂછો પણ ક્યાં રહી છે? આપણે ત્યાં લીંબુ ચમચો નામની દેશી રમત રમાતી હતી. જોકે આમેય હવે એ રમાતી નથી નહીંતર એમાંય લીંબુના વિકલ્પ શોધવા પડત!

આ વિકલ્પ શોધતાં શોધતાં એક નવતર ઉપાય અમને સુઝે છે. તમને
ખબર હશે કે આજકાલ ઘણાં વોશિંગ પાવડર, ડીશ વોશિંગ લીક્વીડ અને સાબુઓમાં લીંબુ હોય છે. અત્યારે જે રીતે લીંબુના ભાવ છે એ જોતાં આ વોશિંગ પાવડર અને સાબુમાંથી લીંબુ છુટું પાડવાના મેઇડ ઇન રાજકોટ મીની-પ્લાન્ટ બજારમાં મુકાવા જોઈએ! આ બાજુથી સાબુ નાખો અને પેલી બાજુથી સાબુ વત્તા લીંબુ બહાર નીકળે!
આપણે ત્યાં એવી માન્યતા છે કે દરવાજા પર લીંબુ-મરચા લટકાવવાથી જાદુ-ટોના-ભૂત-પ્રેતથી રક્ષણ મળે છે. એટલે જ લીંબુના સૌથી મોટા વપરાશકાર છે મેલી વિદ્યાવાળા. પણ આવા મોંઘા ભાવના લીંબુ-મરચાથી બોસ, કજિયાળી ગર્લફ્રેન્ડ કે લેણદારોથી છુટકારો મેળવી શકાતો નથી. ખરેખર તો આટલા મોંઘા ભાવના લીંબુ લટકાવો તો લેણદારોની સંખ્યામાં વધારો થાય! પણ અમુક લોકો ખુદ ભૂત જેવા હોય છે અને ભૂત એમનાથી બચવા માટે લીંબુ મરચા બાંધતા હોય તો પણ નવાઈ નહિ. આમ પણ ભૂતે ક્યાં લીંબુના રૂપિયા ખરચવાના હોય છે? ખેર, ભૂત તો કોઈએ જોયું નથી, પણ લોકો શ્રધ્દ્ધા કે અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ધંધાના સ્થળે લીંબુ મરચા જરૂર લટકાવતા હોય છે. એટલે સુધી કે અમે મૈયતનો સામાન વેચતી દુકાનના દરવાજે લીંબુ-મરચા લટકતા જોયા છે. પણ એક વાત કહેવી પડે કે જેમ સચિનની સાથે કાંબલીને લેવો પડતો એમ જ લીંબુની સાથે મરચા પણ બાંધવા પડતા હોવા છતાં લીંબુના વાદે મરચાના ભાવ આસમાને જતા નથી.

ઉનાળો આવે અને લીંબુના ભાવ આસમાને પહોંચે છે. એટલે ઉંચે જાય છે કે સામાન્ય માણસનો હાથ ત્યાં પહોંચી શકતો નથી. એમાં લીંબુ લેવા માટે ઝીરો % ઇન્ટરેસ્ટ લોન પણ મળતી નથી. પણ ઉનાળામાં જયારે ૪૦-૪૫ ડીગ્રી ગરમી પડતી હોય તેવામાં જો માણસ લીંબુનું શરબત ન પામી શકે તો ધૂળ પડી એ માણસના જીવનમાં. લીંબુના ભાવ વધારનાર, તમને જનતા માફ નહિ કરે!

No comments:

Post a Comment