| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |
કેટલાક ધંધા ‘કિસીકી
ગાડી, કિસીકા બૈલ, બંદે કા ડચકારા’ અથવા ‘પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ’ના ધોરણે ચાલતા હોય છે.
એમાં કોઈનો ખાટલો, કોઈનું ગોદડું અને કોઈની
ચાદર લઈ આપણે ઊંઘ ખેંચી કાઢવાની હોય છે. અમુક માત્ર ‘છેડા અડાડી’ આપી પૈસા પાડતાં હોય છે. સરકારી કામ પાર પાડનાર ‘વચેટિયા’ અને લેનાર વેચનાર બંને પાસેથી કમિશન મળે એ દલાલીના ધંધામાં મૂડી રોકાણની જરૂર
ઓછી પડે છે. આર.ટી.ઓ. અને કલેક્ટર ઑફિસમાં તમારે ધક્કા ન ખાવા પડે એ માટે ‘એજન્ટ’ નામના પ્રાણીઓ તમારી સેવામાં હાજર જ હોય છે. તમારા વતી પૂજા-પાઠ કરીને ઈશ્વરને
રીઝવવાના કામ માટે ગોર મહારાજ અને તમારા મગજ પાસે કામ કઢાવવા માટે આધ્યાત્મિક
ગુરુઓ મળી રહે છે. ‘તારું છે, તવ ચરણે’ના
ધોરણે ક્લાયન્ટનો ડેટા, ક્લાયન્ટના જ રીસોર્સીઝ
અને ક્લાયન્ટના જ ખર્ચે રિપોર્ટ્સ તૈયાર કરીને ક્લાયન્ટને જ પધરાવી રૂપિયા લેનાર
કન્સલ્ટન્સી પણ એક આવો જ ધંધો છે.
‘મેરે પાસ અપને બાપ-દાદા કી દોલત કી ના એક પાઈ હૈ, ઓર નાહી મુઝે ચાહીએ. મેરે પાસ
અગર કુછ હૈ તો અપને મા કા દિયા હુઆ આશીર્વાદ હૈ’. જે લોકોની પાસે મૂડીમાં ત્રિશુલ ફિલ્મના વિજય અમિતાભની
જેમ આશીર્વાદ જ હોય, અથવા જે કમનસીબ લોકો
પાસે વગર વ્યાજનું મૂડી રોકાણ કરે એવા સધ્ધર સસરા પણ ન હોય, એમનાં માટે મૂડી રોકાણ વગર કરાય એવો ગુંડાગીરીનો
ધંધો શ્રેષ્ઠ છે. ત્રિશુલ ફિલ્મમાં પછી અમિતાભ એક મોકાની જમીન ઓછાં ભાવે ઉધાર
ખરીદે છે, અને કબજેદાર શેટ્ટીને
માર મારી એ જમીન પરથી ભગાડી મૂકે છે. આ તો ફિલ્મની વાત થઈ. વાસ્તવિક જીવનમાં પણ
ગુંડાગીરી એ મૂડી રોકાણ વગરનો ઉત્તમ ધંધો છે. આ ધંધામાં ફાવટ હોય તો આગળ જતાં
પારકા મૂડી રોકાણથી અબજોની કમાણી થાય એવા રાજનીતિના સર્વોત્તમ ધંધામાં પણ પદાર્પણ
કરી શકાય છે.
ગુંડાગીરીમાં તાકાત જરૂરી છે. ગુંડાગીરી એકલે હાથે
થઈ શકે છે પણ જો આખી ગેંગ હોય તો ધંધાનો વિકાસ વધુ થાય છે. ગુંડાઓમાં પણ ઇલાકા હોય
છે. ગુંડાગીરીમાં બોલવાનું પણ મહત્વ છે. ખંડણી વસુલવાની હોય કે પ્લૉટ ખાલી
કરાવવાનો હોય, સામાવાળું તમારી વાત પર
વિશ્વાસ કરે તે મહત્વનું છે. ગુંડાઓ ગલીથી લઈને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનાં હોય છે.
ગુંડાગીરીમાં પણ વ્હાઈટ કૉલર અને ધોયા વગરના કૉલરવાળા ગુંડા હોય છે. વ્હાઈટ કૉલર
ગુંડાઓ ખાદીનાં કપડામાં પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં તો રઘુરાજ પ્રતાપ સિંઘ
ઉર્ફે રાજા ભૈયા મૂડી રોકાણ વગરનાં આ ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી હવે છેક જેલ
મંત્રીનાં પદ સુધી પહોંચી ગયાં છે. એમને ઝેડ કેટેગરીની સિક્યુરિટી પણ આપવામાં આવેલ
છે. પાંચ વખત ચૂંટાયેલા અને જેમણે જેલની હવા, પાણી અને ખોરાક લાંબો સમય ચાખ્યો છે એવા રાજા ભૈયા જેલમાં ગુનેગારોને પડતી
અગવડોથી વ્યથિત છે. એમણે એક જેલ સુપ્રીન્ટેન્ડન્ટ અને અન્ય કર્મચારીઓને જેલમાં કેદીઓને
પડતી હાલાકી માટે સસ્પેન્ડ પણ કરી દીધાં છે.
પણ ગુંડાગીરીથી પણ ઉત્તમ ધંધા છે બજારમાં અને એ પણ વ્હાઈટ
કૉલર. એમાં સૌથી મોટો ધંધો છે પ્રૉબ્લેમ સોલ્વીંગ અર્થાત્ સમસ્યાના સમાધાનનો.
ભારતની સવાસો કરોડની વસ્તીમાં સરકારની કૃપાથી દરેકની જીંદગીમાં નાના મોટા પ્રૉબ્લેમ
આવતાં હોય છે. ઘણા ઘરમાં તો વડીલો જ આપણી સરકાર જેવા હોય છે. ગમે ત્યારે પડું પડું
થતા હોય. તોયે ધાર્યું એમનું કરે. પાછું તમે જે કમાવ એમાં એમને ટૅક્સ ચૂકવવો પડે.
એ ધારે ત્યારે તમને પૂછ્યા વગર કાયદા બદલી કાઢે. પણ આવી સમસ્યા તો દરેક ઘરમાં હોય
છે.
ગરીબવર્ગને ભૂખમરાની સમસ્યા સતાવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં રસોઈ
કરનાર મહારાજ અવારનવાર ખાડા પાડે એની તકલીફ હોય છે. ધનિક વર્ગને ચાંદીની પ્લેટ કે
ફાઈવસ્ટાર હોટેલમાં સલાડ ખાવો પડે એ સમસ્યા લાગે છે. આ દરેકની સમસ્યાનાં સમાધાન
કરનારા આપણાં દેશમાં વસે છે. માત્ર એકાવન રૂપિયામાં અમુક વિદ્વાન જ્યોતિષીઓ પત્ની
વશ, ગર્લફ્રેન્ડથી છુટકારો, રૂપિયા છુટા કરાવવા જેવા અનેક દુષ્કર કાર્યો કરી આપે
છે. ઉચ્ચ મધ્યમ વર્ગની ‘રસોઈઓ નિયમિત નથી આવતો’
એ સમસ્યાના મૂળમાં તમે છો, એ તમે કોઈ યોગ ક્લાસનું
પેકેજડીલ લો પછી તમને સમજાવવામાં આવે છે. શરીર અને મન યોગ્ય ક્રિયાઓ દ્વારા શુદ્ધ
કરો એટલે મહારાજ રેગ્યુલર આવતો થઈ જાય. જોકે પામર મનુષ્ય ડીલમાં જે કહેવામાં આવે
તે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ એ ઘાટે અઠવાડિયામાં ભૂલી જઈ પાછાં ઠેરને ઠેર આવી જઈ
પોતાની જૂની સમસ્યાનો નવો ઉકેલ શોધતાં ફરે છે. સૌથી ઉચ્ચ કોટિના જાતકોની
સમસ્યાઓનું સમાધાન પર્સનલ સેવા આપતાં ગુરુઓ કરે છે. એ ઘેર પધરામણી કરે છે અને
ડાયાબીટીસથી લઈને સીબીઆઈ સુધીનાં પ્રશ્નો અંગે માર્ગદર્શન અને મધ્યસ્થી કરી આપે
છે.
પણ શાસ્ત્રોમાં સૌ ધંધામાં રાજનીતિના ધંધાને શ્રેષ્ઠ
કહ્યો છે કારણ કે આ ધંધામાં વાયદાનો વેપાર થાય છે. એમાં મલાઈ ખાવા મળે છે. અરે
ઘાસમાંથી પણ રૂપિયા પેદા થાય છે. આ ધંધાનો પે બેક પીરિયડ વધારેમાં વધારે પાંચ વરસ
હોય છે. આ ધંધાની પ્રોફિટેબીલીટી અને કોસ્ટ બેનીફીટ રેશિયો ઘણો હાઈ છે. ખાણોમાંથી
પથ્થરો નહિ સોનું નીકળે છે. આ ધંધામાં પ્રશ્ન પૂછવાના રૂપિયા મળે છે ને ચુપ
રહેવાના પણ રૂપિયા મળે છે. અહિં હાજર રહેવાના અને ગેરહાજર રહેવાનાં એમ બંનેના
રૂપિયા મળે છે. અહિં સફેદ કપડાં પહેરી કોલસાની દલાલીમાં થાય છે. ખરે, આ ધંધો જ
કર્યા જેવો છે ! ■