Monday, May 07, 2012

મોટા માણસોની નાની વાતો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |

મોટા માણસોની મોટી વાતોમાં સામાન્ય માણસને રસ નથી પડતો. નાના માણસને મોટાં માણસની મોટી વાતો સમજાતી નથી. એવું કહેવાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરી દુનિયામાં ત્રણ જણને જ સમજાઈ હતી. અને એ પણ ખાતરીપૂર્વક ન કહી શકાય. અબ્દુલ કલામ મિસાઈલ કઈ રીતે બને એ વાત કરવાં બેસે તો એમની સભામાં સાયન્ટીસ્ટ સિવાય કોઈને રસ ન પડે. પણ અબ્દુલ કલામ પોતે કુંવારા કેમ રહ્યા એ વિષય પર વાત કરવાના હોય તો વધારે મેદની ઉમટે. કારણ કે આ સૌનાં રસનો વિષય છે.

એવું કહેવાય છે કે તમારે પાતળાં દેખાવું હોય તો તમારાથી જાડા વ્યક્તિ સાથે ફરો. આ સાપેક્ષવાદ થયો. સાપેક્ષવાદના મૂળ શોધક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એમની પત્ની જોડે નહોતું બનતું એ વાતમાં લોકોને રસ પડે એમ છે. આઈન્સ્ટાઈન અને એમની પત્ની માટે આ વાત મોટી હશે, પણ લોકો માટે આ હળવી વાત છે. અમુકને તો આ વાત ઉદાહરણ સ્વરૂપ લાગે, કે ‘જોયું, આઈન્સ્ટાઈન જેવાને પણ પત્ની જોડે વાંકુ પડતું હતું’. આઈન્સ્ટાઈને તો પત્ની માટે ‘કોડ ઓફ કન્ડક્ટ’ બનાવ્યો હતો. આ કોડ મુજબ તેમની પત્નીને ટેબલ સાફસુફી કરવાની છૂટ નહોતી. ગુજરાતમાં કવિ-પત્નીઓ તો આવી સાફસુફી કરતી નથી એટલે આપણને ઘણી સારીનરસી કવિતાઓ મળે છે. આથી વિરુદ્ધ વિજ્ઞાનની વાત કરીએ તો ગુજરાતી પતિઓ પત્નીઓ સાથે સાફસુફીને મામલે થોડા કડક બને તો ગુજરાતની પ્રગતિ સાયન્સ અને બીજાં ઘણાં ક્ષેત્રે ઉડીને આંખે વળગે. પણ એમ બધાં થોડા આઈન્સ્ટાઈન બની શકે ?

મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’માં મોટા માણસોના કંઇક પ્રેરક પ્રસંગો વાંચવા મળે. એમાં બાબુભાઈ જશભાઈ મુખ્યમંત્રી હતાં ત્યારે એમની સાદગીની વાતો પણ છે. એકવાર બાબુભાઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચવા કાર ને બદલે એસટીમાં મુસાફરી કરી પહોંચ્યા હતાં એવું સંસ્મરણ કોઈએ લખ્યું છે. જો કોઈ વડીલ આપણને એમ કહે કે અમારા જમાનામાં પેટ્રોલ રૂપિયે લીટર મળતું હતું તો એ માની શકાય, પણ સાવ આવાં દાખલાઓ માનવા કેમ ? મુખ્યમંત્રી એસટીમાં જાય એ તો સમયનો બગાડ કહેવાય, શું એ વખતે મુખ્યમંત્રી એટલાં નવરાં હશે? અત્યારે તો વીઆઈપી કાફલો પસાર થવાના હોય તો ટ્રાફિક રોકાવાથી હજારો માનવકલાકો બરબાદ થાય છે. પણ એ હજારો કરતાં વીઆઈપીની દસ મિનીટ વધારે અગત્યની છે એવું આ સંસ્મરણો લખનારને કોણ સમજાવે ?

ગાંધીજીની એક પેન્સિલનો ટુકડો પણ ફેંકી નહોંતા દેતાં એ વાત આપણને જેણે પણ આપી એનાં લીધે આપણને અભ્યાસક્રમમાં એક પાઠ મળ્યો હતો. મારા ક્લાસમાં એ વખતે અમુક વિદ્યાર્થીઓ તો આ પાઠની અસરમાં આખી પેન્સિલ છોલીને નાનો ટુકડો કરી વાપરવા લાગ્યાં હતાં. આ જ ગાંધીજીનો ફોટો મોં બ્લા નામની કંપનીની એક ૧૪ લાખની કીમતની પેનની જાહેરાતમાં વપરાયો હતો. કેવી આઈરની કહેવાય નહિ ? પણ આઈરની અહિં પૂરી નથી થતી. આ પેન્સિલનો ટુકડાનો કસ કાઢનાર ગાંધીજીનાં ચશ્મા, ચંપલ, અને ખિસા ઘડિયાળ જેવી વસ્તુઓ વિજય વિઠ્ઠલ માલિયા નામનાં મોંઘી વસ્તુઓના શોખીન ઉદ્યોગપતિ કરે છે. સ્વદેશીનો નારો આપનાર ગાંધીબાપુની અંગત વસ્તુઓ આમ વિદેશી દારુનો વેપારી વિદેશથી હરાજીમાં ખરીદી પાછી દેશમાં લાવે છે !  

રામાયણમાં રામે કરેલાં અનેક પરાક્રમ વાંચવા મળે છે. પણ રામની મહત્તાની નાની નાની વાતો પણ એટલી જ પ્રચલિત છે. જેમાં રામે શબરી નામની ભીલ બાઈના એંઠા બોર ખાધાં હતાં એ વાત બહુ પ્રચલિત છે. આ રામ અનેકના અનેક બાબતે પ્રેરણાસ્ત્રોત છે. પણ વિધિની વક્રતા જુઓ કે રામે શબરીના બોર ખાધા એ વાતની નકલ રામનાં (રામમંદિર વાંચવું) સત્તાવાર વિરોધી એવી કોંગ્રેસ પાર્ટીનાં પાટવી કુંવર કરે છે. અને રામે તો એકવાર શબરીના બોર ખાધા હતાં, આ તો અવારનવાર ખાય છે ! આ જ રામ, જ્યારે લંકા પર ચડાઈ કરવાં માટે પુલ બનાવતા હતાં ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટી પછી એ રેતી દરિયામાં નાખી રામના કાર્યમાં મદદ કરતી હતી. રામે ખુબ જ પ્રેમથી ખિસકોલીના માથે હાથ ફેરવ્યો હતો. આજકાલ કોન્ટ્રાક્ટર ભાઈઓ આ ખિસકોલી પાસેથી પ્રેરણા લઈ પુલ બાંધવા સિમેન્ટના બદલે રેતી વાપરે છે. અને રામને બદલે અહિં સરકારી એન્જીનીયરોના એમનાં ઉપર ચાર હાથ હોય છે !

આપણા હાથમાંથી કાચની બરણી છટકી જાય તો એ નીચે જમીન તરફ ગતિ કરે એ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર ન્યુટનનાં નામે એક કિસ્સો બહુ જાણીતો છે. એમનાં ઘરમાં અવરજવર માટે મોટી બિલાડી માટે મોટું કાણું અને નાની બિલાડી માટે નાનું કાણું પાડ્યું હતું. પણ એક વખત નાની બિલાડીને મોટા કાણામાંથી પસાર થતી જોઈ ન્યુટન બોલી ઉઠ્યા કે ‘ઓત્તારીન ... મોટા કાણામાંથી નાની બિલાડી પસાર થઈ શકે એ તો દિમાગમાં આવ્યું જ નહિ’. વિચાર કરો કે જે ન્યુટનને કારણે સાયન્સ અને એન્જીનીયરીંગનાં લાખો વિદ્યાર્થીઓ આજે પણ હેરાન થાય છે એ પોતે કેટલાં ભોટ હતાં. પણ મોટાં માણસોની આવી વાતો લોકો માટે ક્યાં તો મનોરંજક અથવા તો પ્રેરણાદાયક હોય છે. ન્યુટનની આ વાત પરથી પ્રેરણા લઈને સરકારમાં કેટલીય યોજનાઓ અને ખર્ચા પડે છે. સમજ્યા? એક જ કાણાંની જરૂર હોય ત્યાં બે પાડવાના અને બેનાં રૂપિયા ચૂકવવાના કોન્ટ્રાક્ટરને!  

No comments:

Post a Comment