Monday, March 26, 2012

બજેટની પડતી મુકાયેલી દરખાસ્તો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૩-૨૦૧૨ |અધીર અમદાવાદી |

મારે એટલાં માટે ક્રૂર બનવું પડે છે કે જેથી દયા દાખવી શકાય’. શેક્સપિયર કૃત હેમ્લેટનાં આ વાક્યનો  હવાલો આપી પ્રણબ મુખર્જીએ રજૂ કરેલું બજેટ ધાર્યા મુજબના પ્રતિભાવો જ જગાવી ગયું છે. સત્તાધારી પક્ષને એ વિકાસલક્ષી લાગ્યું છે. સાથી પક્ષોને આશા મુજબનું નથી લાગ્યું. વિરોધ પક્ષોએ રાબેતા મુજબ બજેટનો વિરોધ કરી બજેટને દિશાહીન ગણાવ્યું છે. વેપારીઓએ તો બજેટના વિરોધમાં બંધના એલાન પણ આપી દીધાં છે. મોટા ઉદ્યોગગૃહોને બજેટ સંતોષજનક નથી લાગ્યું, પણ એમણે જળકમળવત બની પોતાનાં પરની જવાબદારી ખંખેરવા ભાવવધારાની જાહેરાતો કરી દીધી છે. તો અમુક કે જેમને પાછલાં બારણે રાહતો અપાઈ છે એવા છાનાછપનાં પાર્ટી કરી રહ્યા છે. ગુજરાતની ટેક્સપર્ટ ત્રિપુટીને બજેટ કેરી જેવું દેખાયું, પણ ટેસ્ટ કરતાં એ પપૈયા જેવું ફિક્કું લાગ્યું છે. જોકે લોકો ગમે તે કહે, છેવટે બધો ભાર કન્યાની કેડ પર જ આવે છે. આ કન્યા એટલે કે આમજનતા, જમણે બજેટ ગાયને દોહીને કૂતરીને પાયું હોય એવું લાગ્યું છે. ઇલેક્શન પછીના ચાર બજેટમાં કાયમ આવું જ થાય છે.

બજેટમાં જાહેર થયેલ જોગવાઈઓથી તો બધાં હવે પરિચિત છે, પણ આ બજેટમાં સમાવવા લાયક કેટલીક જોગવાઈઓ છેલ્લી ઘડીએ કાઢી નાખવામાં અવી હતી. આ જોગવાઈઓ અધીર ન્યૂઝ નેટવર્કના ચબરાક પ્રતિનિધિઓ ખાસ મુંબઈ સમાચારના વાચકો માટે શોધી લાવ્યા છે. જે અક્ષરશઃ નીચે મુજબ છે.

મહોદયા, કાળા નાણાનું દૂષણ દેશમાં ફેલાઈ ગયું છે. ગત વર્ષમાં લાંચ અને ભ્રષ્ટ્રાચારના કિસ્સાઓથી છાપાં ભરાઈ ગયાં હતાં. સ્વામીઓ અને બાબાઓ પણ હવે આ નાણાં સરકારને પાછાં મળે તે માટે આંદોલનો કરી રહ્યા છે. ભ્રષ્ટ્રાચારનું દૂષણ રાતોરાત દૂર થાય તેવું નથી દેખાતું એ સંજોગોમાં સરકાર લાંચને સર્વિસ ટૅક્સની જાળમાં સમાવેશ કરી દેશ માટે મોટું ભંડોળ ઊભું કરી શકે છે. આ સરકાર હવે લાંચ લેવા અને આપવા બંને ઉપર ૧૨ ટકાનાં દરે સર્વિસ ટૅક્સ વસુલવા દરખાસ્ત કરે છે. આમ થવાથી ભ્રષ્ટ્રાચારની રકમનાં ચોવીસ ટકા સરકારમાં પાછાં જમા થઈ શકશે. સરકારના લાંચરુશવત વિરોધી ખાતા અને સીબીઆઈનાં આર્થિક બ્યુરોનાં ઘણાં કર્મચારીઓ આથી છુટા કરવામાં આવશે જેમને વધતાં જતાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ ટ્રાફિક ખાતામાં સમાવેશ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે.

આપણને ખબર જ છે કે દેશમાં બેરોજગારોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સરકાર અનેક યોજનાઓ દ્વારા નવરાઓને ધંધે લગાડે છે. આવી જ એક યોજના સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગનાં સહયોગમાં અમે રજૂ કરી છે. આ યોજના અંતર્ગત હવે તુક્કામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષિત બેરોજગારો માટે તુક્કા કેન્દ્ર ખોલવામાં આવશે. હયાત પાનના ગલ્લાઓ, કૉલેજ કેન્ટીનને તુક્કા કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત નિવૃત્ત વડીલો પણ તુક્કા ઊર્જા ઉત્પાદનમાં યોગદાન આપી શકે એ હેતુથી બગીચાની સીનીયર સિટીઝન્સ બાંકડા ક્લબ્સને પણ તુક્કા રિસોર્સ સેન્ટરનો દરજ્જો આપવામાં આવશે. સાયન્સ એન્ડ ટેક્નોલૉજી દ્વારા અપાતી ખાસ ગ્રાન્ટ દ્વારા ખરીદાયેલા મશીન્સ તુક્કા કેન્દ્ર પર લગાવવામાં આવશે. વાતચીત, દલીલો, અને વધુ ઉગ્ર દલીલો દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને આ મશીન્સ થકી સંગ્રહિત કરવામાં આવશે. આ મશીન્સ અને એ ચલાવવાના કોન્ટ્રાક્ટ કોઈ પણ એમ.પી.ની  ભલામણથી મેળવી શકાશે.

ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝનો વિકાસદર સરાહનીય છે. ખાસ કરીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર હાલ પાંચ કરોડ યુઝર્સ છે અને ગત વર્ષમાં એ ડબલ થયાં હતાં. ફેસબુક જેવા માધ્યમનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. કેટલાય લોકોને રાત્રે ઊંઘ ન આવે તે ફેસબુક પર સમય પસાર કરે છે. કેટલાય લગનનાં ચોકઠાં ફેસબુક મારફતે ગોઠવાયા છે. રાજકીય નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓ પોતપોતાનું પ્રમોશન આ માધ્યમથી કરે છે. આમ ફેસબુક દ્વારા લોકોને અનેકવિધ લાભ થાય છે. ફેસબુક એ મનોરંજનનું સાધન પણ છે. સમગ્રતયા અભ્યાસ બાદ ફેસબુક પર સોથી વધારે મિત્ર ધરાવનારને હવે પાન નંબર આપવો જરૂર બની જશે. અને દરેક મિત્ર દીઠ એક રૂપિયા પ્રતિ વર્ષ ટૅક્સ લાગુ કરવા દરખાસ્ત હું કરું છું.

મહોદયા, બહુ ખેદ સાથે જણાવવાનું કે આજકાલ ફિલ્મો, સિરીયલો, રીયાલીટી શૉમાં ભરપૂર ગાળો બોલાય છે. ગાળો બોલવાથી પિક્ચર અને સિરીયલો હીટ જાય છે. ગુજરાતમાં સુરત કરીને શહેર છે જે ૧૯૯૪નાં પુર અને પ્લૅગના વાવર પછી સ્વચ્છ શહેર તરીકે જાણીતું થયું છે, જોકે હજુ પણ ત્યાં વાતચીતમાં ગાળોનો ભરપૂર ઉપયોગ સહજતાથી થાય છે. મનોચિકિત્સકો અને ડોક્ટરો પણ ગાળોની તરફેણમાં રિસર્ચ કરી એવું જણાવે છે કે ગાળ બોલવાથી ગુસ્સો કે ટૅન્શન દૂર થાય છે. આમ ગાળોનો પ્રયોગ વિવિધ જગ્યાએ મનોરંજન અને આરોગ્ય માટે થાય છે. આ સંજોગોમાં સરકાર ગાળો પર બીપટૅક્સ નાખવા દરખાસ્ત કરે છે.

અધ્યક્ષ મહોદયા, ભારતની સ્વતંત્રતામાં કવિઓનો અમૂલ્ય ફાળો રહેલો છે. જોકે આજકાલ કવિઓની હાલત ખાસ સારી નથી. કવિ સંમેલનનાં માધ્યમથી કવિઓ પોતાની કૃતિ રજૂ કરે છે. પરંતુ આજકાલ કવિઓને યોગ્ય પુરસ્કાર મળતો નથી. પ્રોફેસર, ઉદ્યોગપતિ, અને સરકારી બાબુ હોય એવા કવિઓને બાદ કરતાં ઘણાં કવિઓ પાસે તો ઇન્કમટૅક્સનાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર નથી. હવે પાન નંબર પણ ન હોય એવા કવિઓને ઑડિયન્સ ક્યાંથી મળે ? રાજા રજવાડાના સમયમાં કવિઓને સાલીયાણુ મળતું હતું. સરકાર આ પ્રથામાંથી પ્રેરણા લઈ થોડા ફેરફાર સાથે રિટાયર્ડ કવિઓ માટે ખાસ પેન્શન સ્કીમ જાહેર કરે છે. જોકે આ સ્કીમનો લાભ લેવા કવિઓએ રિટાયર્ડ થવું જરૂરી રહેશે. સળંગ ત્રણ વર્ષ સુધી એકપણ કવિ સંમેલન, કવિતા પઠન, મૅગેઝિન કે પુસ્તક પ્રકાશિત ન કરનાર કવિ જો આગામી દસ વર્ષ સુધી કવિતા નહિ કરવાની લેખિત બાહેંધરી આપશે તેવાં કવિઓને આ કવિ પેન્શન સ્કીમનો લાભ મળી શકશે.

ઉપર જણાવેલી વિશેષ દરખાસ્તો કોઈ ખાસ કારણસર ફાઈનલ બજેટમાં સમાવી શકાઈ નહોતી જેના કારણોની તપાસ ચાલુ છે, અને આ અંગે આધારભૂત માહિતી મળતાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
 

Saturday, March 24, 2012

બોસને તપાવવાના નુસખા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૫-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |    



બૉસ નામનું પ્રાણી સોળ સોમવાર ઓવરટાઈમ કરો તો પણ રીઝતું નથી. તમે ખૂબ મહેનત કરો તો એ તમારી મહેનતને ગદ્ધાવૈતરું નામ આપે છે. તમે ઉત્સાહમાં આવી આખા દિવસનું કામ બે કલાકમાં પૂરું કરી દો તો એ તમને બીજા આઠ કલાકનું એક્સ્ટ્રા કામ આપે છે. તમે રાત દિવસે એક કરીને ટાર્ગેટ પૂરા કરો તો એ જશ ખાટી જાય છે. અને આ તો કઈ નથી, પણ તમને ખૂબ ગમતી રિયા બૉસથી એવી અંજાઈ ગઈ છે કે તમને ઘાસ જ નથી નાખતી. જો તમારી જિંદગીમાં આવું કંઇક થઈ રહ્યું હોય તો તમારા માટે ખાસ આ બૉસને તપાવવાના નુસ્ખાઓ. બૉસ તમારું આથી વધારે શું ઉખાડી લેવાનો છે ?   
(આ નુસ્ખાઓ માત્ર પુરુષ બૉસ-પુરુષ કર્મચારી માટે જ)


  1. બૉસ તમને કામ બતાવે અને તમે બૉસને કામ બતાવો. જેમ કે... એ કહે કે મિ. અધીર, આ પાર્ટીના ઑર્ડરનું ડિલિવરીનું ફોલોઅપ કરો...તો કહો...સર, ચોક્કસ,  પણ તમે પ્રોડક્શનમાં મહેતાને જરા કોલ કરી દેજો ને, એમાં એવું છે ને કે એ મારું સાંભળતો નથી...
  2. અઠવાડિયામાં એક દિવસ બૉસ કરતા ઓફિસ લેટ પહોંચો, માત્ર દસ મીનીટ. તમે પહોંચશો ત્યારે એની કૅબિનમાંથી ધુમાડા નીકળતા હશે. અને તમે તો ગાળો ખાવા માનસિક રીતે તૈયાર જ હશો.
  3. જ્યારે બૉસના ધુમાડા નીકળતા હોય ત્યારે વધારે ખુશ હોવાનો દેખાવ કરો. એમને તમારી તરફ આવતા જુવો કે તરત ગીત ગણગણવાનું શરુ કરો.
  4. બૉસ અગત્યની સૂચના આપતાં હોય ત્યારે ઓડકાર ખાવ. પછી મો પર હાથ ઢાંકી દો.
  5. બૉસને તમારી તરફ આવતાં જુઓ એટલે ટુથપિકથી દાંત ખોતરવાનું ચાલુ કરો.
  6. બૉસનું પ્રેઝન્ટેશન ચાલતું હોય ત્યારે વચ્ચે સીલી ક્વેશ્ચન પૂછો, એ પણ બગાસું ખાતાં ખાતાં.
  7. વોશરૂમમાં બૉસ અને તમે ભેગાં થઈ જાવ તો બહાર નીકળતા પહેલાં વાળ ઓળવા રોકાવાનું ભૂલતા નહિ. (ટાલિયા લોકોએ ખાસ)
  8. બૉસને સ્ટેટમેન્ટ આપો તો ટોટલ બાકી રાખો. જે કામ કોમ્પ્યુટર પર થઈ શકે એ બૉસના કહેવા પછી એમની સામે બેસી કેલ્ક્યુલેટરથી કરો.
  9. બૉસ જે દિવસે ગુસ્સામાં દેખાય એ દિવસે કાનમાં ઈયરફોન્સ લગાડી રાખો. એ વાત કરે એટલે સાચવીને ફોન્સ કાઢી એમને પૂછો હેં, શું કીધું?’
  10. બૉસની સાથે વાત કરતાં કરતાં હંમેશા પેનનું ઢાંકણું ખોલ બંધ કરો. ટક ટક ટક ટક. 
  11. વાત કરતાં કરતાં બૉસ એમનો ચાલુ મોબાઈલ તમને આપે કે લો પાર્ટીને જવાબ આપોતો મોબાઈલ બે મીનીટ સુધી ઘસીને પછી જ કાને લગાડવો. પણ પાછો આપતી વખતે એમનેમ પાછો આપી દો.
  12. કાયમ તમારી આગળની નોકરીમાં તમે કઈ રીતે કામ કરતાં હતાં, અને ત્યાં કેવું સરસ ટીમવર્ક હતું એની વાત કરો.
  13. બૉસ એમની કૅબિનમાં ચર્ચા કરવા બોલાવે તો રિવોલ્વિંગ ચેર પર વિજય દીનાનાથ ચૌહાણની અદાથી બેસો. વાત કરતાં કરતાં ખુરશી સ્વિંગ કરવાનું ભૂલતા નહિ.
  14. બૉસ કોઈ સૂચન કે હુકમ આપે તો તરત પણ....કરીને મમરો મૂકો. શક્ય હોય તો મારી વાઈફે કહ્યું છે...કરી ને મમરો મૂકશો તો વધારે તપશે.    
  15. બૉસના દુશ્મનના વખાણ કરો. મહેતા સાહેબ બહુ ઇન્ટેલીજન્ટ હોં, એમના જેવું કોઈ નહિ’.
  16. બૉસ જ્યારે સૂચના આપી રહે અને પૂછે કે સમજ્યા ?’ એટલે માથું અંગ્રેજી આઠડો પાડતા હોવ એમ ડાબે ઉપરથી જમણે નીચે અને પછી ફરી જમણે ઉપરથી ડાબી બાજુ નીચી તરફ ઘુમાવો. તમે ના કીધી કે હા એ બાબતે સરસ મઝાનો ગૂંચવાડો ઊભો થશે.
  17. બૉસ જો ૪૨-૪૫ વરસના હોય તો એમને ઝીણા અક્ષરની પ્રિન્ટ આઉટ આપો.
  18. બૉસના ફેવરીટ સપ્લાયરને ખૂબ ખખડાવો અને બે ધક્કા વધારે ખવડાવો. એ બૉસને ફરિયાદ તો કરશે જ.
  19. કામ અઘરું હોય તો બૉસની ફેવરીટ રિયા સાથે ખાલી ચર્ચા કરો. અને પછી જ્યારે બધી બાજુથી ફસાઈ જાવ ત્યારે કહો કે રિયાએ મને આમ કરવા કીધું હતું’. બૉસની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ જશે.
  20. જો કોઈ કામ અંગે બૉસ એનાં ઘેર બોલાવે તો આંખોમાં મેશ આંજીને જાવ. એ પૂછે તો ખુલાસો કરો કે આ તો નજર ના લાગેને એટલે’.
ડિસ્ક્લેમર : આ નુસ્ખાઓ પોતાના હિસાબે અને નોકરીના જોખમે વાપરવા.

Sunday, March 18, 2012

વ્હોટ્સ યોર બહાના ?


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૩-૨૦૧૨ |અધીર અમદાવાદી |
અમદાવાદ જેવા શહેરમાં જો ચાલુ નોકરીએ કામ થતું હોય તો કોઈ રજા મૂકવાની મૂર્ખતા કરતું નથી. નરસિંહ મહેતાના ઇકોતેરમાં અવતાર સમા આ નોકરિયાતો અનેકાનેક કામ પતાવતાં ઓફિસે મોડા મોડા પણ પહોંચે છે. બૉસને સાચું કારણ તો કહેવાય નહિ કે અમુક જગ્યાએ સસ્તું ઘી મળતું હતું તે લેવા ગયો હતોએટલે પછી બહાનાં ધોધ બની વરસે. પત્તામાં ઢગલાબાજીની રમતમાં ખેલાડી જેમ એક પછી એક પત્તા ઊતર્યા કરે એમ મોડા પડવાની બહાનાબાજીમાં ઍક્સ્પર્ટ ખેલાડી એક પછી એક, બોસ માને કે ન માને, પોતાની પવિત્ર ફરજ સમજીને બહાના રજૂ કર્યે જાય છે. ક્યારેક એક બહાનું અઠવાડિયામાં એક વાર વપરાય તો ક્યારેક નિતનવા બહાનાં વપરાય છે. કોર્પોરેટ જગતમાં તો બોસ લાલ આંખ કરે એટલે બહાનાબાજી બંધ થઈ જાય, પરંતુ સરકારી અને બીજી ઘણી ઓફિસોમાં (ખાસ કરીને પગાર ઓછો આપતાં હોય ત્યાં!) કલાક મોડું આવ્યું હોય એવાની સાથે કડક હાથે કામ લેવું શક્ય નથી હોતું. ત્યાં રોજ મોડા પડવાની ઘટનાઓ અને એનાં ખુલાસાઓમાં સારો એવો ટાઈમપાસ થતો જોવા મળે છે.

મોડા પડવાના કારણો તરીકે રજૂ થતાં અમુક બહાનાં તો એટલાં બધાં જાણીતાં છે કે જો એ બહાનાં પર રોક લગાવવામાં આવે તો અમુક ફળદ્રુપ મગજ ન ધરાવતા અમુક કર્મચારીઓ મોડા પડવાના હકથી વંચિત રહી જાય. ફાટક બંધ હતું’, ‘ખૂબ ટ્રાફિક હતો’, ‘પંચર પડ્યું’, ‘રસ્તા ખોદેલા છે’, ‘પોલીસે પકડ્યો તો’, ‘રસ્તામાં બાઈક બગડ્યું’, જેવા બહાનાં સર્વવ્યાપી અને સદાબહાર છે. આ બહાનાં બારમાસી છે. કોઇપણ સીઝનમાં આ બહાનું કાઢો તો ચાલે. આ બહાનું વાપરવા માટે કોઈ પૂર્વ તૈયારી કરવી નથી પડતી. આવું કોઈની પણ સાથે ક્યારે પણ થઈ શકે છે. હા, તમે ટ્રેઇનમાં જતાં આવતાં હોવ તો પંચરનું બહાનું ન કઢાય એટલી સાવચેતી રાખવા પડે. જો કે અમારા મતે અમુક બહાના ન કાઢો એ તમારા હિતમાં રહેશે. સાસુને એડમીટ કર્યા છેએ બહાનું તમને ક્યારે મુસીબતમાં મૂકી શકે છે. પહેલું તો તમારી કલ્પનામાં પણ તમે સાસુને દાખલ કરો તે સામાવાળું પાત્ર ચલાવી લેતું નથી. અને બીજું એ કે આ સામાવાળું પાત્ર (પતિ/પત્ની) તમારી ઑફિસમાં ગમે તે સમયે પહોંચી તમને અગવડભરી પરિસ્થિતિમાં મૂકી શકે છે. 

કહે છે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાઠડા. કર્મચારી આવા બહાના ન કાઢે એનાં માટે આજકાલ કંપનીઓ હાજરી માટે પંચિંગ અને બાયોમેટ્રિક મશીન્સ લગાવે છે, જે બહાના નહિ, માત્ર સમય જ નોંધે છે. કર્મચારી મોડો પડે એટલે એની અડધી રજા લાગી જાય. આમ, મશીન આવવાથી બહાના કાઢવાનો મોકો નથી મળતો. એટલે એવું કહી શકાય કે મશીન માણસમાં રહેલી સર્જનાત્મકતાનો વિનાશ કરે છે. અમને તો ડર છે કે ગ્લોબલાઇઝેશન, કોર્પોરેટ કલ્ચર અને પ્રોફેશનાલીઝમ વધારે વિસ્તરશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે પત્નીઓ ઘરમાં પણ આવા બાયોમેટ્રિક સ્કેનર લગાડાવશે. પતિઓ પછી અઠવાડિયે કેટલો સમય પરિવારને આપે છે એનો હિસાબ પત્ની રાખશે.

બહાનાં તાર્કિક હોવા જોઈએ નહિતર ફસાઈ જવાય. વાઈફને સાળીના બેબી શાવરમાં મૂકવા ગયો હતોકહેવા પરણેલા હોવું જરૂરી છે. એટલું જ નહિ, તમારી પત્ની એનાં માબાપની એકની એક ઓલાદ છે એ બીજાને જાણ ન હોય એ પણ જરૂરી છે. એવી જ રીતે તમારે છોકરાં હોય તો તમારે એમની સ્કૂલે જવાનું થાય. તમારે માથે વાળ હોય તો તમારે વાળ કપાવવામાં મોડું થાય. અને તમે રોજ સ્નાન કરો છો એવી લોકોને ખાતરી હોય તો જ તમે પાણી ન આવવાને કારણે મોડું થયું એવું બહાનું કાઢી શકો. એમ કંઈ એલ ફેલ બહાના કાઢો એ થોડું ચાલે ?

મોડા પડનાર માટે લેટ લતીફવિશેષણ વપરાય છે, જે ગુજરાતીમાં પણ પ્રચલિત છે. અમદાવાદમાં તો લતીફ નામ દો એટલે લોકો ભડકે. આ લેટ લતીફોના મોડા પડવાથી કાળક્રમે લોકો એવા ટેવાઈ જાય છે કે પછી તો એવો સમય આવે કે જો કોઈવાર એ મહાશય સમયસર આવી જાય તો લોકો અહો, સમીર ભઈ તમે ? અત્યારે ? ના હોય !એવું પૂછે છે. અને કેટલીક વખત તો તમે સમયસર કેવી રીતે પહોંચી ગયાં એનાં પણ ખુલાસા કરવા પડે છે ! જેમ કે ઘેર ઇન્ટરનેટ બગડ્યું છે, એટલે શેરબજારના સોદા કરવા વહેલો ઓફિસ આવી ગયોકે પછી એમાં થયું એવું કે મિસીઝને પિયર મૂકવા જવાનું હતું, પછી પાછો છેક ઘેર ક્યાં જાઉં, એટલે સીધો ઓફિસ આઈ ગયો’.

જોકે બોસ ખડ્ડુસ હોય તો સામાન્ય બહાનાનો તો ભૂકો બોલાવી દે છે. એવા સમયે થોડાક રચનાત્મક બનવાની જરૂર પડે છે. જેમ કે મોડા પડો તો બૉસને આવું કહી શકાય કે આજે અમારી વેડિંગ એનીવર્સરી છે, તમારી શુભેચ્છા માટે ઍડ્વાન્સમાં આભાર’, ‘અમારી સોસાયટીમાં કૂતરું હડકાયું થઈ ગયું છે, એટલે એની નજર ચૂકવીને માંડ માંડ નીકળ્યો છું’, ‘મારી સાસુ ઘેર આવી છે, તે મારો કૂતરો એમનાં સ્વાગતમાં પૂંછડી ન હલાવે એનાં માટે પૂંછડી પકડીને બે કલાક બેઠો રહ્યો હતો’, ‘મારી વાઈફ આજે સવારે જ પિયર ગઈ, એને મૂકવા રેલવે સ્ટેશન ગયો હતો. પાછાં આવતાં ખુશીમાં ને ખુશીમાં કાર ઠોકી મારી’. બોસ જો પરણેલો હશે તો છેલ્લા બે બહાના અંગે સવાલ નહિ કરે એની અમે ગેરંટી આપીએ છીએ.  

વાહનને બદલે પ્રાણીઓ ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૮-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |    


જ્યારે જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે ત્યારે કેટલાક ઉત્સાહી જીવડા અમારી ફેસબુકની વોલ પર આવી લખી જાય છે કે હવે તો રોડ પર વાહનને બદલે પ્રાણીઓ ફરતાં થઈ જ જશે.” ન કરે મનમોહન ને આ આઇડિયા જો ક્યારેક સચ્ચાઈ બની જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવું લાગે છે.

પ્રાણીઓ રોડ પર આવી જાય તો સડક પર બબાલો વધી જાય. અત્યારે તો વાહનો એક બીજાને ઘસરકા મારે એ બાબતે ઝઘડા થાય છે પણ વિચારો કે સિગ્નલ પર ઊભા હોવ અને તમારું ગધેડું બાજુવાળાની ગધેડીને ચાટવા લાગે કે લાતો મારે તો શું પરિસ્થિતિ થાય? અને આવા સંજોગોમાં સિગ્નલ ગ્રીન થયા પછી પણ ગધેડાં ગધેડી આગળ દર્શાવેલી પ્રવૃત્તિઓ જો ચાલુ રાખે તો? આ ઉપરાંત કોઈ નવરાં કાકા હાથી પર ફરવા નીકળે અને સિગ્નલ ગ્રીન થયા પછી ચાર રસ્તા ક્રોસ કરતાં હાથીને વાર થાય એવું બને. આ સંજોગોમાં પાછળ ઊભેલા માણસો પોતપોતાનાં પ્રાણીઓનાં હોર્ન વગાડે તો કેવો દેકારો મચી જાય?

જો પ્રાણીઓ વાહનોની જગ્યા લઈ લે તો પછી પીયુસી ર્સિટફિકેટ માટે કેવા ટેસ્ટ થાય એ સંશોધનનો વિષય છે. વાહનોમાં તો કાર્બન ડાયોક્સાઈડ અને મોનોક્સાઈડ મપાય, પણ પશુના કિસ્સામાં મિથેન ગેસ પણ માપવો પડે. આમાં, એન્જિન ચાલુ હોવા છતાં મિથેન ગેસ ક્યારે છૂટશે તેવું ખાતરીબંધ ન કહી શકાય. એટલે જ પીયુસી ર્સિટફિકેટ કઢાવવામાં સવારથી સાંજ પડી જાય એવું બને. પેલી બાજુ સરકાર માટે આ પીયુસી ર્સિટફિકેટની સમયમર્યાદા કેટલી રાખવી તે મુદ્દો પણ પેચીદો બની શકે છે, કારણ કે પ્રાણીઓના કિસ્સામાં ગેસ પ્રોડક્શનની માત્રા રોજ જુદી જુદી હોઈ શકે છે. આ સંજોગોમાં કદાચ એવરેજ પોલ્યુશન માપી ચલાવવું પડે. જોકે આમ થવાથી પીયુસી કઢાવવામાં મહિનો નીકળી જાય. આ સમસ્યાના ઉકેલ માટે પોર્ટેબલ ગેસમાપક ઉપકરણ પ્રાણીના પૂંછડા પાસે બાંધી દેવાય જેનો ડેટા સીધો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની લેબોરેટરીમાં રેકર્ડ થયા કરે. આમ છતાં પ્રાણીઓના કિસ્સામાં વાયુ પ્રદૂષણ ઉપરાંત ઘન કચરો (સોલિડ વેસ્ટ) પણ પેદા થતો હોવાથી ર્સિટફિકેશનની પ્રક્રિયા વાહનચાલકો અને સરકાર માટે માથાના દુખાવારૂપ બની જાય તેવી શક્યતાઓ દેખાય છે.

પ્રાણીઓ જો વાહન વ્યવહારમાં વપરાય તો પાર્કિગની નવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે. આમ તો કાર કરતાં પ્રાણીઓ ઓછી જગ્યા રોકે, પરંતુ પાર્કિગમાં લાતાલાતીની ઘટનાઓ પણ બને. આ ઉપરાંત ઊંટ અને હાથી જેવાં વાહનો પાર્ક કરવા સ્લેબ થોડો ઉપરના લેવલ પર લેવો પડે, ખાસ કરીને એપાર્ટમેન્ટસમાં. પ્રાણીઓને પાર્કિગમાં બરોબર બાંધવા પડે નહિતર જો પ્રાણી છૂટું થઈ જાય તો પાર્કિગમાં રહેલા બીજાં પ્રાણીઓના ઘાસચારામાં મોઢું મારી શકે અને જો પ્રાણી ભાગી જાય તો એકસરખાં મોડલનાં અનેક પ્રાણીઓમાં પોતાનું પ્રાણી શોધવું ઘણું મુશ્કેલ થઈ પડે.

વળી, પ્રાણીઓનાં વિવિધ મોડલ જોવા મળે જેમાં જાતવાન ઘોડાનું સ્થાન સ્પોર્ટ્સ કાર જેવું હશે. ઘોડાનાં સૌથી નાની સાઈઝ અને ઓછાં હોર્સપાવરનાં મોડલ જેવા કે ખચ્ચર અને ટટ્ટુ બજારમાં લાખ રૂપિયામાં મળશે અને ખરીદનાર ‘દિવસમાં કેટલું ઘાસ ખાય છે? કેટલાં ડેસિબલ અવાજ કરે છે? ૦થી ૨૦, કેટલી કેટલી સેકન્ડમાં? ર્ટિંનગ રેડિયસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ કેટલું? જેવી માહિતી મેળવ્યા બાદ જ ખરીદી કરશે.

પ્રાણીઓનો ઉપયોગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ થશે. પછી હાથ ઊંચો કરો અને બેસો’ જેવી સેવા લોકો રખડતી ગાય થકી મેળવી શકશે. આ સેવા પહેલાંની જેમ કોર્પોરેશન હસ્તક જ રહેશે. કોર્પોરેશન પણ ગૌરવભેર કહી શકશે કે ‘દર બે બે મિનિટે અમારી ગાય તમારી સેવામાં.’ આમ થવાથી પાલિકાનો ઢોર ત્રાસ નિવારણ વિભાગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવામાં ભળી જશે. ગાયોને રખડતી મૂકનાર ગોપાલકો કાયદેસર રીતે ગાયો લીઝ પર આપી કોર્પોરેશન પાસેથી ભાડું વસૂલ કરી શકશે. ગાયો બગડે, એટલે કે બીમાર થાય તો કોર્પોરેશનના વર્કશોપમાં જાનવરોના ડોક્ટરો એમને રિપેર કરી દેશે. આ ગાયોને સ્પેશિયલ બનાવેલા રસ્તા પર ચલાવવામાં આવશે. આ એવોર્ડ વિનિંગ સેવાને ગાય રેપિડ ટ્રાન્સપોર્ટ ર્સિવસ (જીઆરટીએસ)જેવું રૂપાળું નામ પણ આપી શકાશે. જોકે આ બધું થવાથી પ્રજાને ખાસ ફેર પડે તેવું લાગતું નથી, કારણ કે પ્રજા તો અત્યારે પણ શિંગડે ચઢે છે અને પછી પણ ચઢશે ! 






 
ડ-બકા
તપે સહરે શાશ્વત સંબંધ બકા,
કરો સત્વરે ઊંટનો પ્રબંધ બકા.