Wednesday, March 07, 2012

અમારા જમાનામાં તો ...

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૪-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |    


“અમારા જમાનામાં તો બે રૂપિયે શેર ઘી મળતું હતું. ખાંડ તો પચાસ પૈસે કિલો મળતી હતી. ભણવામાં ‘ઢ’ એટલે સ્કૂલે જવું ગમે નહીં. નવમા ધોરણમાં હતા ત્યારે સ્કૂલમાં દફતર મૂકી બાજુમાં પ્રકાશ ટોકિઝમાં પિક્ચર જોવા નાસી જતા. એ વખતે ચાલીસ પૈસામાં તો અપર સ્ટોલમાં પિક્ચર જોતા હતા. પણ અમારા જમાનામાં શિક્ષકો અત્યારના જેવા નહીં હોં. જો પકડાયા તો ધઈડ કરતી ચોડી દે. અને ઘરે તો માસ્તરે માર્યું એવું કહેવાય જ નહીં. કહીએ તો ઉપરથી બાપા બીજી બે ઠોકે. અને અમારા જમાનામાં આટલો ટ્રાફિક જ નહોતો. તોયે અમે સાઇકલ પર ડબલ સવારીમાં જતાં ડરતાં. પોલીસ પકડે તો દંડ કરવાને બદલે દંડો જ ઠોકે. પણ હવે એ જમાનો ક્યાં રહ્યો છે?” આવા લવારા સાંભળીને નવી પેઢીને ઘણું અચરજ થાય છે.

આપણા આ વડીલો ભણવાને બદલે ચન્દ્રવિલાસમાં જઈ ફાફડા જલેબી ઉડાવતા હતા. પરીક્ષાઓમાં નાપાસ થતા હતા. કોલેજોમાં મારામારી કરતા હતા. ગુલ્લી મારીને પિક્ચર જોવા જતા હતા અને શિક્ષકોના હાથે માર પણ ખાતા હતા. પરીક્ષાનું પરિણામ આવે એટલે ભાઈબંધના ત્યાં છુપાઈ જાય કે મામાના ઘરે ગામડે નાસી જતા હતા. (હા, મામાઓ ગામડે જ રહે) અંગ્રેજી તો એટલું બધું કાચું કે આપણને લાલુ પ્રસાદનું અંગ્રેજી સારું લાગે. અંગ્રેજી છોડો, આટલાં પિક્ચરો જોવા છતાં હિન્દી પણ એમને ચઢયું નહોતું, તે સાવ કેશુબાપા જેવું હિન્દી બોલતા. બબ્બે ટ્રાયલે એસએસસી થયા અને બીએ કરવામાં પાંચ વર્ષ નીકળી ગયાં. સત્તાવીસ વર્ષના થયા ત્યાં સુધી બાપના રોટલા તોડયા. પણ આપણને બે એટીકેટી આવે એમાં તો અઢી કલાક લેક્ચર આપે.

આ બધી ફિશિયારીઓ મારતા વડીલો છોકરી સાથે વાત કરવામાં તતફફ થઈ જતાં. બાજુવાળી મેળવણ લેવા આવતી હોય એને બે વર્ષ સુધી ખાલી જોયા કરે. પેલી પરણીને મુંબઈ જતી રહે અને એનાં છોકરાં મામા મામા કહેતા થઈ જાય ત્યાં સુધી નિસાસા નાખ્યા કરે, પણ એક વાર કહેવાની હિંમત ન કરે અને કહેવા જાય તો કેવી છોકરીને કહેવાય અને કેવીથી દૂર રહેવાય તેની કોઈ ગતાગમ જ ન પડે. છેવટે છોકરીના હાથે સેન્ડલ ખાય. પછી અક્ષયના ફાધર-ઈન-લો રાજેશ ખન્નાની જેમ છ મહિના દાઢી વધારી અને ઝભ્ભાઓ પહેરીને ફરે. વટ તો પાછો એવો કે ‘હવે તો પેલી અલકા હા પાડે તો જ પરણું, નહીંતર આખી જિંદગી કુંવારો રહું’ એવી પ્રતિજ્ઞાઓ કરે. પણ બાપા બે ઘાંટા પાડે એટલે છોકરી જોયા વગર પરણી જાય અને બાકીની જિંદગી રોદણાં રોતા ફરે. અને આ વડીલો આપણી આગળ પાછા ‘અમે તો નવનિર્માણ વખતે ખાડિયામાં પથ્થરમારો કરવા જતા’ એવી વાતો કરે, બોલો.

એમના જમાનામાં એ લોકો ટાંટિયા ઘસતા હતા એ માટે કોણ જવાબદાર છે? એ પોતે. આખી જિંદગી નોકરી કરી ખાધી. સવારમાં ઊઠી ઓટલા ઉપર બેસીને એ દાતણ કરે એમાં અડધી સોસાયટીને ગંજીમાં કેટલાં કાણાં છે એ ખબર પડે. પછી કલાક છાપું વાંચવામાં કાઢે. દાઢી કરવામાં બીજો અડધો કલાક. સાડા નવ વાગ્યાના તૈયાર થઈ ખાવાનું બન્યું કે નહીં એ જોવા રસોડામાં આંટાફેરા કરે. એમાં માસી શાક કાપવા બેસાડી જ દે ને? પછી વાળમાં તેલ નાખી ઓફિસ જાય. સાંજે ઓફિસથી સીધા થેલી લઈ ખરીદી કરવા નીકળી પડે. કલાક તો બસસ્ટેન્ડ પર લાઇનમાં ઊભા રહે. સાડા સાતે ઘરે પહોંચી જમવા બેસી જાય, એ પણ પાટલો નાખીને. પણ ઘરમાં ડાઇનિંગ ટેબલ માટે જગ્યા અને ખિસ્સામાં રૂપિયા હોય તો ને? સાઠ વર્ષમાંથી લગભગ સવા વર્ષ તો દાતણ કરવામાં વેડફી નાખ્યાં પછી ટાંટિયા જ ઘસવા પડે ને?

અને તોયે આ વડીલો પાછી હોશિયારી કેટલી મારે. અમે તો આમ કરતા. અમે તો તેમ કરતા. અરે, તમારું તો તમારા બાપા આગળ નહોતું ચાલતું, તમારા શિક્ષકો તમારો કાન ઝાલીને સ્કૂલમાં ફેરવતા હતા, તમે ઘરમાં શાક સમાર્યાં છે અને આખી જિંદગી બસમાં ફર્યા તોયે પાછો રુઆબ તો જુઓ! કાકા, તમે છોકરાં દબડાવવા અને તમારા જમાનાની બોરિંગ વાતો કરવા સિવાય કંઈ કર્યું નથી, હવે તો સુધરો, સાઠના થયા.


ડ-બકા
તરે છે લોખંડ ને ડૂબે છે લાકડા બકા,
લે વાંચ, આ ભેળસેળના આંકડા બકા.

No comments:

Post a Comment