Wednesday, February 27, 2013

અમારા એ તો બહુ ભોળા ..| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |પહેલાના વખતમાં ઘણી પત્નીઓ પોતાના પતિઓને ‘અમારા એ તો બહુ ભોળા’ એવું સર્ટીફીકેટ આપતી હતી. એમાં સામેવાળી પાર્ટીએ કદી સર્ટી માંગ્યું ન હોય તોયે ધરાર આપી દેવામાં આવતું. જોકે આજકાલનો સાંવરિયો એટલો ભોળો રહ્યો નથી. સાંવરિયો પત્ની સાથે જતો હોય તો રસ્તામાં જ્વેલરી શોપ કે મોલ ન આવતા હોય એવા રસ્તે એ ગાડી હાંકે છે. સાંવરિયો ઘેર આવતા પહેલાં વાંધાજનક એસ.એમ.એસ. અને કોલ્સ ડીલીટ કરીને જ ઘેર આવે છે. સાંવરિયો ટુર પર હોય તો પોતે મોજમાં છે એવો ઘરવાળીને જરા પણ અહેસાસ થાય એવું કોઈ કામ કરતો નથી. ટૂંકમાં હવે ભોળા સાંવરિયાઓનું મેન્યુફેક્ચરિંગ બંધ થઈ ગયું છે.

આમ તો દેવાધિદેવ શંકર ભગવાનને ભોળાનાથ કહ્યા છે. એમની પોતાની કોઈ જરૂરિયાત નહોતી. એમનાં મિત્રો, વસ્ત્રો કે રહેઠાણ જેવી દરેક વાતમાં સાદગી હતી. પાર્વતીજીએ ભોળાનાથને તપ કરીને મેળવ્યા હતાં, અને આજકાલ પણ ભોળા પતિ મેળવવા ઈશ્વરકૃપા જોઈએ, એ પણ ઝાઝી! 

પણ આ ભોળા એટલે કેવા? સામાન્ય રીતે પત્ની જયારે પતિને ભોળા હોવાનું સર્ટિફીકેટ આપે ત્યારે એમ સમજવું કે ભાઈ હાથના છુટા છે અને એ પત્નીના સાસરિયાં માટે ‘ખોટા ખર્ચા’ કરી બેસે છે. આવા ખોટા ખર્ચા માટે અવારનવાર એને ઠપકો પણ સાંભળવો પડે. પછી પત્ની પણ સમજીને આવા ખોટા ખર્ચા પિયરીયા માટે ડાયવર્ટ કરાવે. આ ડાયવર્ઝનની જાણ હોવા છતાં જે હસતાં મોઢે ખર્ચ કરે તે ભોળિયો. અંતે ભોળા પતિની સબ-કેટેગરીમા આવે એવો ‘એમનો હાથ બહુ છુટ્ટો છે’ જેવું સાઈટેશન પણ ભોળિયાને આપવામાં આવે.

ભોળા પતિઓને મહદઅંશે પત્નીના હાથે બનાવેલી રસોઈ જ ભાવતી હોય છે અને એ આ વાતનો જાહેરમાં એકરાર કરતાં ખચકાતાં નથી. ઘણીવાર તો આવા ભોળિયાઓની પત્ની અધ્યાત્મિક રસોઈ બનાવતી હોય. કોઈ પણ પ્રકારના સ્વાદ, સુગન્ધ, રસ રહિત. આમ છતાં ભોળિયાને પત્નીના હાથની  મીઠું નાખ્યા વગરની દાળ પણ ‘મીઠું ઓછું ખાવ તો બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે’ એમ કહી આનંદી કાગડાની જેમ કકળાટ કર્યા સિવાય પી જાય. કંકોડાનું શાક કે પછી આગલા દિવસની વધેલી બળેલી રોટલી પણ વઘારીને આપી હોય, જે ‘બહુ ટેસ્ટી છે’ કહીને ખાય અને પોતાના મિત્રો કે મહેમાનો આગળ પત્નીના આવા શાકનાં વખાણ કરે એ સાચે ભોળિયો જ કહેવાય ને?

ભોળા પતિઓનું અન્ય લક્ષણ એ છે કે આવા પતિ કદી લફરાં નથી કરતાં. આવા એક પત્નીવ્રતધારી પતિઓ પછી પોતાનાથી પણ સુંદર સહેલીને મળે તો પણ એમની પત્નીઓ અસલામતી નથી અનુભવતી. આવા પતિઓ સુંદર સ્ત્રી સાથે વાત કરે તો પણ એમાં પત્નીઓને કશું ખોટું લાગતું નથી, કારણ કે પેલીઓને ખબર છે કે ભોળિયો બહુ બહુ તો પાણીમાં કાંકરા નાખશે, પાણીમાં પગ બોળવાની એની હિંમત નથી. એટલે જ આવા ભોળા પતિઓને ખોટા રૂપિયા જેવો માનવામાં આવે છે. પણ ખોટો રૂપિયો પણ પબ્લિક ટેલિફોનમાં ચાલી જતો હોય છે એ પત્નીઓ ભૂલે છે.   

આ ભોળા હોવાના સર્ટીફીકેટનું વિતરણ સામાન્ય રીતે સૌથી પહેલાં મમ્મીઓના હાથે થતું જોવાં મળે છે. એનાં ભોળુડાએ ભલે પછી સ્કૂલના રીઝલ્ટ છુપાવ્યા હોય. ભલે પછી એનો લાલો ઉર્ફે લલિત પાનના ગલ્લા પાછળ છુપાઈને સિગારેટો તાણતો હોય. પણ મા કોને કીધી? મા માને જ નહીં ને. ‘મારો લાલો મને પૂછ્યા વગર પાણી નથી પીતો તો સિગરેટ ક્યાંથી પીવે?’ મમ્મીના હાથમાંથી છૂટી પત્નીને હવાલે જાય એટલે એ જ લાલો ડિયર લલિત બની જાય છે. ફરી એજ સ્ટોરી. બોસની સેક્રેટરી માટેનો ક્રશ, સામેવાળા ભાભીમાં રસ અને સિગરેટના ખાનગીમાં લેવાતા કશ છતાં એ ભોળો જ રહે છે!

પહેલાના જમાનામાં “ખોબો માંગે ને દરિયો દઈ દે” એવા સાંવરિયા આવતા હતા એવું અમે જુનાં ગુજરાતી ગીતમાં સાંભળ્યું છે. પણ આજકાલ એવા સાંવરિયા બનાવવાનું ભગવાને બંધ કરી દીધું છે. હવે માંગે એટલું જ આપે તો એમ સમજવું કે લગન હજુ બાકી હશે. લગન પછી તો માંગ્યું પણ ન મળે. આમ છતાં હજુ પણ ક્યાંક ક્યાંક પત્નીઓ પોતાના પતિને ભોળા માનતી જોઈ એવું લાગે છે કે આ પતિ નામનું પ્રાણીએ પોતાની ગજબની ઈમેજ ઊભી કરી છે. પણ આવી ઈમેજ કંઈ રાતોરાત ઊભી થતી નથી. એનાં માટે દિવસ રાત એક્ટિંગ કરવી પડે છે. એટલે પતિઓ સારા એક્ટર હોય છે. એમાંય જેની પત્ની એમ કહેતી હોય કે ‘મારા એ તો બહુ ભોળા છે’ એને એક્ટિંગ માટે ઓસ્કાર મળવો જોઈએ. અમે હજુ સુધી આવા ભોળા પુરુષ જોયા નથી. કદાચ ભગવાનના પુરુષ બનાવવાના મેન્યુઅલમાં આવા પુરુષ બનાવવાની રેસિપી જ નથી.

અને આટલી બધી ચર્ચા ભોળા પુરુષ માટે કર્યાં પછી એવું થાય છે કે ભોળા પુરુષ હોય તો સામે ભોળી સ્ત્રીઓ પણ ભગવાન બનાવતા જ હશે ને? કેમ? ‘ભોળી સ્ત્રી’ કે ‘મારી પત્ની તો સાવ ભોળી છે’ એવું કદી સાંભળ્યું નથી? ભોળાભાઈ નામ હોય છે, પણ ભોળીબેન નામ સાંભળ્યું નથી? હા, ખરેખર! નથી જ સાંભળ્યું ! 

ચેરાપુંજીમાં તરસે ગુજરાતમાં વરસે

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
આ દેશમાં ઘણું થવા જેવું અને ન થવા જેવું થતું રહે છે. કેટલાય કૌભાંડો, કેટલીય અપ્રિય ઘટનાઓ અને અવનવું રોજ બનતું રહે છે. હાડકાનાં માળા જેવી પુનમ પાંડે અને દ્વિઅર્થી સંવાદોવાળી ફિલ્મ બનાવનાર એકતા કપૂર કુંભમેળામાં ડૂબકી મારે છે. ‘લુંટો ઇન્ડિયા લુંટો’ અંતર્ગત મહિનાના એક કૌભાંડનો સિલસિલો જાળવી રાખવા નવું હેલિકોપ્ટર કૌભાંડ બહાર આવે છે. પેટ્રોલના ભાવ ફરી એકવાર વધે છે. અમદાવાદ જેલમાં સુરંગકાંડ સર્જાય છે. એક બાજુ ચેરાપુંજીમાં પાણીની તંગી સર્જાય છે ને અહિં ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં વરસાદ પડે છે!

જર્નાલિઝમમાં એવું કહે છે કે કૂતરું માણસને કરડે તો એ સમાચાર ન કહેવાય પણ માણસ કૂતરાને કરડે તો એ સમાચાર બને. એમ જ વરસાદ પડવો એ મોટી ઘટના નથી, પણ ફેબ્રુઆરીમાં વરસાદ પડે તો એ ઘટના સમાચાર બની જાય છે. છાપામાં એની નોંધ લેવાય છે. અને પછી છેક અમદાવાદથી રાજકોટ ને વડોદરાથી વાપી સુધી મોબાઈલ રણકી ઊઠે છે અને બધે એક જ પ્રશ્ન પુછાય છે; ‘તમારે ત્યાં પડ્યો?’ એમાં જેને ત્યાં પડ્યો હોય એ પેલી ૧૨-૧૨-૧૨ તારીખની ઘટના જેમ અમુક તમુક વર્ષોમાં એક જ વાર બનતી હોય એમ એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી હોવાનો અવિસ્મરણીય ભાવ અનુભવે છે. કવિઓ પોતાની નોટમાં વરસાદનાં માનમાં કમોસમી કવિતા લખી નાખે છે. મોબાઈલધારકો પોતાના મોબાઈલથી ફોટા પડી ફેસબુક પર અપલોડ કરે છે. એકંદરે આ બે-ચાર ટીપાં વરસાદથી લોકોને ટાઈમપાસ કરવાનો એક મોકો મળે છે જેનો લોકો ધોધમાર ઉપયોગ કરે છે. અમુક ઉત્સાહી હાસ્ય લેખકો તો એનાં પર લેખ પણ લખી નાખે છે.

અમદાવાદ સાચે જ મેગાસિટી બની ગયું છે. અહી બારેમાસ કશુંક બનતું રહે છે. એક્ઝીબીશ્ન્સ, ઈવેન્ટ્સ, કાર્નિવલ્સ, એક્સિડેન્ટ્સ, વિરોધ પ્રદર્શન, પરીસંવાદો. આ વખતે ફેબ્રુઆરીમાં વરસાદ પડ્યો એટલે અમુક અંગ્રેજી અખબારના હરખપદૂડાં પત્રકારો રસ્તા પર ભૂવા પડશે એની આશમાં જ્યાં કાયમ ભૂવા પડે છે તેવી સહજાનંદ અને મણિનગર વિસ્તારમાં આંટાફેરા કરતાં જોવા મળે છે. પણ અમદાવાદ મેગાસિટીની બીજી ઓળખ સમા ભૂવાઓ હવે બારેમાસ પડે છે, એ ચોમાસાના મોહતાજ નથી રહ્યા. એટલે પત્રકારોને એજ જુનાં ભૂવાઓ પર સ્લો-મોશનમાં ચાલતી ગોકળગાયની ગતિએ થતું કામ જ જોવાં મળે છે. છેવટે ભૂવાની આડશે ઊભા થયેલા ગલ્લામાંથી સિગારેટ સળગાવી નવી સ્ટોરીની તલાશમાં એ હ.પ. પત્રકારો બીજે જવા નીકળી પડે છે.

પણ વરસાદ પડે એટલે નવા પ્રેમીઓ, ખાસ કરીને ૧૪મી ફેબ્રુઆરીએ જેમની અરજી સ્પેશિયલ કેસમાં મંજૂર થઈ છે એવા, ચોમાસામાં જેમ દેડકાં ઉત્સાહમાં આવે એમ ઉત્સાહમાં આવી જાય છે. ‘સો રોમેન્ટિક’, ‘કુલ’, ‘અહા, અહિં તો કાશ્મીર જેવું લાગે છે’. એવા ઉદગારો કાઢવા લાગે છે. પછી ભલે એની સાત પેઢીમાં કોઈ કાશ્મીર ગયું ન હોય. અને વરસાદ પડે એટલે વાતાવરણ થોડું કૂલ થાય એમાં ‘કૂલ’ કૂલ’ કરીને દેકારો મચાવી મુકવાની કોઈ જરૂર ખરી? આપણને કહેવાનું મન થાય કે ‘ભાઈ છાનો મર’. પણ એ છાનો મરે તો ને? એ તો માત્ર સાડા ત્રેવીસ કલાક જૂની ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરાંના એક જ સોફા ઉપર બેસીને ફેસબુક પર કોફીના ફોટા અપલોડ કરવા મંડે! હાસ્તો, કોફીના જ કરે ને, છોકરી ફોટા અપલોડ કરવા જેવી હોવી પણ જોઈએને? પણ આમાં બન્ને પક્ષે મજબુરી હોય એટલે એક જણ કોફીના તો બીજું હોટલના ઇન્ટીરીયરના ફોટા મૂકી પોતાની ફેસબુક પ્રત્યેની ફરજ પૂરી કર્યાનો સંતોષ માણે છે.

આ કમોસમી વરસાદથી નુકસાન થાય છે. છાપાઓમાં બીજે દિવસે જીરું, કેરી અને કેટલાય પાકને નુકસાન અને રેલ્વે યાર્ડમાં ઘઉં પલળી ગયાના સમાચાર અચૂક જોવાં મળે છે. આ સમાચાર વાંચી કોઈ વઘારમાં જીરું નાખવાનું બંધ નથી કરતું પણ માનસિક રીતે અગામી સિઝનમાં ભાવવધારા માટે તૈયાર થઈ જાય છે. પણ હે વત્સ, વરસાદ પડે કે ન પડે, ભાવ તો વધવાના જ છે. હા, આ વખતનું બજેટ ઇલેક્શન બજેટ છે એટલે જે રાહત મળી એ મેળવી લે!

ડ-બકા
પેટ્રોલ પંપ નામની જે જગા હતી ભેંકાર થઈ ગઈ બકા,
સરકાર તો હતી , હવે કાર પણ બેકાર થઈ ગઈ બકા.


 

Monday, February 18, 2013

કેટરિંગ કે રેટરિંગ ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |

આપણી રેલવે અદભૂત છે. ભારતીય રેલવે દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવે છે જેના રેલ પાટાની કુલ લંબાઈ એક લાખ કિલોમીટર કરતાં વધારે છે. આવી રેલવેમાં લાંબા અંતરની મુસાફરી કરો તો એક વસ્તુ ઊડીને નાકે વળગે. અને એ છે નાસ્તાના ડબ્બામાંથી આવતી ખુશ્બુ. આ ખુશ્બુ પર જોકે ગુજરાતીઓ કે તામિલીયનોનો કૉપીરાઈટ નથી. મુંબઈથી મદ્રાસ હોય કે અમદાવાદથી અલાહાબાદ, કોઈ રેલવેના ફૂડના ભરોસે મુસાફરી નથી કરતું. એમાં ગુજરાતીઓ તો નહિ જ. એટલે જ્યાં ટ્રેઇન સ્પીડ પકડે, કોક નાસ્તાની ડિમાન્ડ કરે એટલે ડબ્બા ખૂલે અને એમાંથી એક એક કરીને આઇટમ્સ નીકળે જે દેખાવથી અને ખાસ તો સોડમથી સહપ્રવાસીઓને ચલિત કરે. આવા સુખડી ઢેબરા(થેપલાં)થી જેમની ભૂખ જાગૃત થઈ હોય એવા સુગંધત્રસ્ત માનવો પહેલું સ્ટેશન આવે એટલે દોડીને ભજિયા-ગોટા ખરીદવા પ્રેરાય છે. અથવા તો રેલવે કેટરિંગ સર્વિસનાં ગણવેશધારી સ્ટાફની ટ્રેમાં ઊંચા થઈ નજર કરતાં જોવા મળે છે.

રેલવે સ્ટેશને ચા પીધી હોય એમને ખબર હશે કે ત્યાંની ચા અને પાણી વચ્ચે માત્ર રંગ અને ટેમ્પરેચરનો જ ફરક હોય છે. આ ચા કે પછી ભજિયા ગરમ હોય એટલે મુસાફરો સંતોષ માને છે કે ચલો, કમસેકમ ગરમ તો છે’. એટલે જ ટ્રેઇન સ્ટેશને ઊભી રહે એટલે ઘણાં આવા ગરમાગરમ ભજિયાના પડિયા લેવા દોડે છે. જ્યાંથી એ ભજિયા ખરીદીને લાવે તેજ લારીનો સેલ્સમેન, એ જ સમયે, એ જ ખરાબ ક્વૉલિટીનાં ભજિયાની ડબ્બા ડીલીવરી કરતો હોય એવું પણ જોવા મળે છે. પણ મૂળ વાત એ ધરમ ધક્કાની નથી. વાત એ ભજિયાના સ્વાદની છે. જેણે કોઈ કારણસર ઘાસ ચાખ્યું હશે એમને ખબર હશે કે આવા ભજિયાનો સ્વાદ ઘાસથી વિશેષ નથી હોતો. જેમણે ઘાસ ન ચાખ્યું હોય તેવા લોકો ઘાસના ટેસ્ટ વિષે કલ્પના કરી કામ ચલાવી લે. એટલે જ જેમને આ ભજિયા, જેમાં તળ્યા હોય એ તેલ, કે એ જેમાંથી બને છે એ ચણાના લોટમાં વિશ્વાસ ન હોય તેવા લોકો પોતાનો ઘેર બનાવેલો નાસ્તાના ડબ્બા ભરી મુસાફરી કરતાં જોવા તથા સૂંઘવા મળે છે.  

આ નાસ્તાના ડબ્બાધારી પ્રવાસીઓ એવા પ્રવાસીઓ છે જેમને રેલવેની કેટરિંગ સર્વિસમાં ખાસ વિશ્વાસ નથી. અને વિશ્વાસ શું કામ હોય? એક સમાચાર મુજબ ૨૮ જાન્યુઆરી ૧૩ના રોજ સર્વોદય એક્સપ્રેસમાં વૈષ્ણોદેવીથી પાછાં ફરી રહેલા ગુજરાતી મુસાફરો પૈકીના નિમેશભાઈને જે બિરયાની સર્વ કરવામાં આવી એમાં એક ભૂંજાયેલ ઉંદરડો નીકળ્યો હતો. બિરયાની અનેક પ્રકારની હોય છે, જેમાં વેજ અને નૉન-વેજ એ બે મુખ્ય પ્રકારો છે. ગુજરાતી લોકો જનરલી વેજીટેરીયન હોય છે એટલે નૉન-વેજ એવી ચિકન બિરયાની મંગાવી હોય એવો પણ પ્રશ્ન નથી થતો. એટલે બિરયાનીમાં ઉંદર નીકળે એ થોડુંક આશ્ચર્યજનક કહેવાય. જોકે કેટરિંગ કંપનીઓને પૂછો તો એમ જ કહે કે તમારા ઉપર ઉપકાર કરીને આટલાં સસ્તામાં કોન્ટ્રેકટ લીધો છે તો પછી બિરયાનીમાં ઉંદર જ નીકળે ને, ભૂંડ થોડું નીકળે?

આમ તો ફાંસી પહેલાં કસાબ જેલમાં મઝાથી ચિકન બિરયાની ખાતો હતો એવું આપણે સાંભળ્યું છે. આ રેટ બિરયાની વાળી ઘટનાથી એવો વિચાર અમને આવે છે કે જો કસાબને રેલવે કેટરિંગનું ખાવાનું રોજ પીરસવામાં આવતું હોત તો કસાબને ફાંસી આપનાર જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવાનો વારો ન આવત. ઉપરથી કસાબના રખરખાવનો ખર્ચ પણ ઓછો આવત, એટલે સરકાર પણ ટીકાટીપ્પણીથી બચી શકત. ખેર, જે થયું નથી એની વાત શું કરવી!

પણ અમે તો એવું સાંભળ્યું છે કે આ બિરયાની ઉંદરના સમાચાર પ્રસારિત થયા એ દિવસથી ઉંદરો પ્લેટફોર્મ છોડીને ઉચાળા ભરી રહ્યા છે. ચિકનનાં ભાવ કોઈ કારણસર વધવાને કારણે કેટરિંગવાળા બિરયાનીમાં ચિકનને બદલે રેટ ઉપયોગ કરી રહ્યા છે એવી અફવા આને માટે કારણભૂત ગણાય છે. રેલવે ટ્રૅક પર સસલાની સાઇઝના ઉંદરો બેરોકટોક અવરજવર કરતાં હોય એ જોઈ કોઈ પણ કેટરિંગવાળાની દાઢ સળકે એ સ્વાભાવિક છે. આમ છતાં વેજ બિરયાનીમાંથી ઉંદર નીકળે એ ભૂલ તો અક્ષમ્ય જ કહેવાય. હા, વેજ બિરયાનીમાંથી કાંકરી, પથ્થર જેવું કશું નીકળે તો એ સમજી શકાય. પણ કેટરિંગ કંપનીને એ વાતની દાદ દેવી પડે કે ઉંદર પીરસ્યો ખરો પણ પકાવેલો પીરસ્યો, કાચો ને કાચો નહિ!

જોકે રેલવે તંત્ર આ ઘટનાના પગલે ઉંદરો ભગાડવા અભિયાન શરુ કરશે એવું કોઈ માનતું હોય તો એ રેટ બિરયાની ખાય છે. ઉંદરો તો હજારો ટન વેસ્ટ જે રેલવે પાટા અને સ્ટેશનો પર ફેંકાય છે એ ખાઈને જીવે છે. હકીકતમાં તો ઉંદરો આ વેસ્ટ ઓછો થાય એવું કામ કરી કુદરતની શ્રુંખલા પૂરી કરવામાં સહયોગી બને છે અને આ હજારો ટન વેસ્ટ ટ્રાન્સપૉર્ટ કરવાના ખર્ચમાંથી રેલવેને બચાવે છે. આમ રેટ બિરયાનીની શોધથી હવે એક ઉંદરે હવે બે પક્ષી મરશે. મતલબ જો ઉંદરો જીવે તો કચરો ખસેડવાનો ખર્ચો બચે અને જો એ પકડાય તો બિરયાનીમાં નાખવા ચિકનનો ખર્ચ બચે. સવાલ માત્ર પ્રવાસીઓએ ઉંદરોનો ટેસ્ટ ડેવલપ કરવાનો રહે છે. આ માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર પાસેથી પ્રેરણા લઈ કોઈ ચાઈનીઝ કંપની સાથે એમઓયુ કરી નાખે તો ઘણું થઈ શકે એમ છે.

કુંભમેળામાં કદી પત્ની ખોવાતી નથી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૨--૨૦૧૩ | અધીર અમદાવાદી | 
 
હાલમાં કુંભમેળો ચાલી રહ્યો છે. મોટામોટા નેતાઓ, ભક્તો, અભિનેત્રીઓ, મોડેલો અને પાપીઓ ગંગામાં ડૂબકી મારીને પોતાના પાપ ધોઈ રહ્યાં છે. આ કુંભમેળો હિન્દી ફિલ્મોના વાર્તા લેખકો માટે ભૂતકાળમાં ઘણો પ્રિય રહ્યો છે. ભૂતકાળમાં ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સ્ટોરી ધરાવતી અનેક હિન્દી ફિલ્મો બની છે.  

એમાં વાર્તા એવી હોય કે મા-બાપ સાથે બાળકો કુંભમેળામાં જાય, અને એક છોકરું ખોવાઈ જાય. પહેલાના વખતમાં કદાચ પબ્લિક એડ્રેસ સિસ્ટમ નહિ હોય એટલે ‘એક બાબો જડ્યો છે’ જેવી માથું દુખાડતી જાહેરાતો નહિ થતી હોય. ખોવાઈ જાય પછી બાબો ખાવાના ફાંફા મારતો હોય અને ક્યાંકથી પાઉં ચોરીને ભાગે અને દોડતા દોડતા એ મોટો થઈ જાય. આખી ફિલ્મમાં એ આગળ આગળ દોડતો રહે, પાછળ પાછળ પોલીસ હોય અને છેલ્લા રીલમાં મા-બાપને અચાનક જ મળી જાય. સાથે એક પર એક ફ્રીમાં જાડી-પાડી હિરોઈન પણ મળે. વાર્તા આવી જ હોય. છોકરાં કુંભમેળામાં જ ખોવાય, અત્યારની જેમ પરીક્ષામાં ફેઈલ થયા હોય એટલે ઘર છોડીને નાસી ન જાય. આમ, કુંભમેળાનું ધાર્મિક સિવાય પણ અનન્ય મહત્વ છે.

શહેરમાં તો આજકાલ ડફોળ બાળકો પેદા જ નથી થતાં. આવું અમારું સંશોધન નથી, આ તો દરેક બાળકના મમ્મી-પપ્પા જે માનતા હોય છે એને આધારે અમે કહીએ છીએ. ‘અમારો રાહુલ તો બહુ હોંશિયાર’, ‘સ્કૂલમાં જોઈએ એટલે ટીચરની કોઈની કોઈ કમ્પ્લેઇન હોય જ’, ‘હજુ નવ મહિનાનો છે પણ મોબાઈલ વાપરતા આવડે’ વિગેરે સાંભળો તો એમ થઈ આવે કે દુનિયામાં આથી વધારે ઇન્ટેલીજન્ટ બાળકો પેદા જ નહિ થતાં હોય. પણ કુંભમેળાની વાત જુદી છે, એમાં બાળકો ખોવાઈ પણ જાય. પહેલાનાં બાળકો કદાચ ગ્લુકોઝ બિસ્કીટ નહિ ખાતાં હોવાને લીધે ખોવાઈ જાય તો એમનામાં મમ્મી પપ્પાને શોધવાની કે ઘેર પાછા પહોંચી જવા જેટલી અક્કલ નહોતી.

ભારતમાં ઠેકઠેકાણેથી લોકો સજોડે કુંભમેળામાં જાય છે. પણ હજુ સુધી કુંભમેળામાં કોઈની પત્ની ખોવાઈ ગઈ હોય એવું અમે નથી સાંભળ્યું. પત્નીઓ ખબર નહિ કઈ ચક્કીના લોટની પાણીપુરી ખાતી હશે કે એ કદી ખોવાતી નથી. મેળામાં સામાન્ય રીતે સ્ત્રી સહજ કુતૂહલવશ લારીઓ અને સ્ટોલમાં કે જ્યાં બ્યુટીનો સમાન મળતો હોય ત્યાં ધસી જતી હોવા છતાં, અને એ દરમિયાન પતિ હળવો થવા, ચા કે માવો મસાલો શોધવા જતો હોવા છતાં, એને શોધીને જ જંપે છે. એમાંય જો પતિ કોઈ અન્ય સુંદર સ્ત્રી સાથે વાત કરતો હોય તો એની ગંધ પારખીને પણ પત્ની પહોંચી જાય. અને હવે તો મોબાઈલ હાથવગા છે. એટલે પતિઓ અનેક આશા અને અરમાનો સાથે મેળામાં જાય તો પણ છેવટે સજોડે જ પાછા આવે છે. પતિ બેટરી ડાઉન હતી, કવરેજ નહોતું જેવા અનેક દાવ કરે તો પણ એ પીછો છોડાવી નથી શકતો.

જોકે ‘કોઈ શોધવાનું છે એવી ખબર હોય તો ખોવાઈ જવામાં મઝા છે’ એ મતલબનું કોક કવિ કહી ગયા છે. આમાં ચોર ડાકુઓની વાત નથી. પોલીસ એમને કાયમ શોધતી હોય છે, અને પોલીસ પર પ્રેશર હોય તો જોતજોતામાં શોધી પણ કાઢે છે. કવિએ જે વાત કરી છે એ પ્રિયતમની કરી છે. આ કવિઓ તો પ્રિયતમાની ઝૂલ્ફમાં પણ ખોવાઈ જાય એવા અઘરા હોય છે. આમ પ્રિયતમાની ઝુલ્ફ સુધી જૂ અને કવિ બે જ પહોંચે. જૂ નો તો અમુક શેમ્પુ કે તેલ નાખવાથી નિકાલ થઈ જાય, પણ કવિ જો ઝૂલ્ફમાં એકવાર પેસી જાય તો એને કાઢવો અઘરો છે.

પણ મૂળ વાત પર આવીએ તો જો આમ કુંભમેળામાં પત્ની ખોવાઈ જતી ન હોય તો પછી પત્ની ખોવાઈ જાય એવું કરવું કઈ રીતે? યાદશક્તિ વધારવાની દવાઓ હોય છે, પણ ભૂલી કે ખોઈ નાખવાની દવા હોય એવું અમારી જાણમાં નથી. તો પછી શું છાપામાં આવે છે એવા એકાવન રૂપિયામાં કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી આપે એવા જ્યોતિષી પાસે જવું? કે કોઈ કવિનું માર્ગદર્શન લેવું? ને જટા કે દાઢી મૂછ ઓવર નાઈટ મિરેકલ ગ્લો નાખીને જેમ પ્લાન્ટ્સ ઉગે છે એમ નથી ઉગતાં નહીંતર શરીરે ભભૂતિ લગાવી ટેમ્પરરી સાધુ બની પત્નીને ચકમો દઈ શકાય. આ સમસ્યા ધર્યા કરતાં વધારે ગહન છે, માટે હે સુજ્ઞ વાચક, તમારી પાસે જો નીવડેલો ઉપાય હોય તો બૃહદ પુરુષ સમાજના લાભાર્થે જાણ કરવા વિનંતી.

ડ-બકા
પહેલાં કસાબ ને હવે ગુરુને ફાંસી બકા,
શરું થઈ ગઈ ઈલેકશનની તૈયારી બકા.